Opinion Magazine
Number of visits: 9741388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર … (3) 

સુમન શાહ|Opinion - Literature|20 July 2024

સુમન શાહ

સાહિત્ય અને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર તેમ જ સંગીત – એ પાંચેય લલિત કલાઓ સર્જનનો વિષય છે.

જ્યારે, માનવઅનુભવો, વિચારસરણીઓ, ઇતિહાસો વગેરેની સાગમટે વાત કરનારાં વૃત્તાન્તો તર્ક અને તદનુસારી વિચારશક્તિનો વિષય છે.

વૃત્તાન્તો લિખિત હોય; વ્યવહારુ ધોરણે જિવાતાં હોય ત્યારે લિખિત ન પણ હોય, પ્રજાજીવનમાં રસબસ થઈ ગયાં હોય.

વૃતાન્તોને હવે ‘નૅરેટિવ’ કહેવાય છે કેમ કે એક વાર્તાની જેમ એમાં બધું નૅરેટ થયા કરતું હોય છે, વળી, એમાં ઉમેરા થયા કરતા હોય છે. પણ આ નૅરેટિવ્ઝને નૅરેટિવ લિટરેચર સમજવાની ભૂલ ન કરાય, કેમ કે એ વૃતાન્તો કોઈ એક મનુષ્ય વડે સરજાતાં નથી હોતાં, અનેક મનુષ્યો વડે, બસ, જિવાતાં હોય છે.

તેમ છતાં, વૃતાન્ત અને સર્જન એકબીજાને ક્યાં અડે-નડે છે, તેનો આધુનિક અને અનુ-આધુનિક સાહિત્યકલાઓ સાથે શો સમ્બન્ધ છે, એની વાત ક્યારેક કરીશ.

પણ એ પહેલાં સમજી લેવાની જરૂર છે કે ગ્રાન્ડ નૅરેટિવ શું છે અને લિટલ નૅરેટિવ શું છે.

ગ્રાન્ડ અને લિટલ નૅરેટિવ્ઝમાં ‘નૅરેટિવ’ -નો અર્થ છે, વૃત્તાન્ત. ગ્રાન્ડ, મહા વૃત્તાન્ત અને લિટલ, લઘુ વૃત્તાન્ત.

ગ્રાન્ડ નૅરેટિવના અર્થસંકેતની સીમા વિસ્તૃત હોય છે, એ ઘણી બધી, લગભગ સર્વવ્યાપી, સંજ્ઞા છે.

દાખલા તરીકે, વિજ્ઞાન અને ટૅક્નોલૉજિથી થયેલી માનવીય પ્રગતિનું મહા વૃતાન્ત.

દાખલા તરીકે, ઇતિહાસને વર્ગવિગ્રહ રૂપે ઓળખાવતું માર્ક્સવાદી દૃષ્ટિબિન્દુ.

ગ્રાન્ડ નૅરેટિવ્ઝ પાછળનો હેતુ છે, માનવ-અનુભવ, ઇતિહાસ કે જ્ઞાનનું શક્યતમ સ્પષ્ટીકરણ.

લિટલ નૅરેટિવના અર્થસંકેતની સીમા કેન્દ્રીકૃત – ફોકસ્ડ – અને વિશિષ્ટ હોય છે.

દાખલા તરીકે, કોઈ એક ઘટનાનું – જેમ કે, દેશના ભાગલાનું વૃતાન્ત.

દાખલા તરીકે, કોઈક ઐતિહાસિક વિશિષ્ટ યુદ્ધ કે સંગ્રામનો સિલસિલાબંધ ઇતિહાસ – જેમ કે, બીજા વિશ્વયુદ્ધનો સવીગત ઇતિહાસ; જેમ કે, ભારતીય સ્વાતન્ત્ર્ય સંગ્રામનો ઇતિહાસ.

લિટલ નૅરેટિવ્ઝ પાછળનો હેતુ છે, વિશિષ્ટ ઘટના કે અનુભવનું સ્પષ્ટીકરણ.

બન્ને વૃત્તાન્ત વચ્ચે ચાવીરૂપ જે ફર્ક છે, તે સ્કેલનો છે. ગ્રાન્ડ નૅરેટિવ્ઝ સાર્વત્રિક અને સર્વવ્યાપી બનવાની દિશામાં વિકસતાં હોય છે, જ્યારે લિટલ નૅરેટિવ્ઝ સ્થાનીય અને વિશિષ્ટ સંદર્ભોમાં વિકસતાં હોય છે.

ક્રમશ:
(20 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (14)

દીપક મહેતા|Opinion - Opinion|20 July 2024

૧૪

એ જમાનાના ગુજરાતના સાહિત્ય અને સંસ્કારો ઉપર રાસમાળાનો જે પ્રભાવ પડ્યો હતો તેનો ખ્યાલ આજના વાચકને આવવો મુશ્કેલ છે. ૧૮૫૬ સુધી ગુજરાતનો સર્વગ્રાહી ઇતિહાસ લખવાનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન થયો હતો. ન તો કોઈ અંગ્રેજ લેખકે આવો પ્રયત્ન કર્યો હતો, કે ન તો કોઈ સ્થાનિક અભ્યાસીએ આવો પ્રયત્ન કર્યો હતો. આજે આપણને રાસમાળામાં ઘણાં દોષો અને ઊણપો હોવાનું લાગે, પણ ગુજરાતનો ઇતિહાસ લખનાર ફાર્બસ પહેલા લેખક હતા, અને તે પણ મુખ્યત્વે સ્થાનિક સાધનોને આધારે. રાસમાળામાંથી પ્રેરણા લઈને ઘણા લેખકોએ ગુજરાતીમાં નવલકથા, વાર્તા, નાટક વગેરે લખ્યાં હતાં. મૂળ અંગ્રેજી પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેને એક સીમાચિહ્નરૂપ ગ્રંથ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. પણ તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો તે પછી તે વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શક્યું હતું. ‘કરણઘેલો’ (૧૮૬૬) નવલકથા લખતી વખતે નંદશંકર મહેતા રાસમાળાના પ્રભાવ તળે આવ્યા હતા. જો કે આવા પ્રભાવની વાત નંદશંકરે પોતે કરી નથી, પણ તેમના સમકાલીન મહીપતરામ નીલકંઠે કરી છે. મહીપતરામે પોતે લખેલી બે ઐતિહાસિક નવલકથા ‘સધરા જેસંગ’ (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) પર પડેલા ‘રાસમાળા’ના પ્રભાવની નિખાલસતાથી કબૂલાત ‘વનરાજ ચાવડો’ને અંતે મૂકેલા લખાણમાં કરી છે. તેઓ કહે છે : “એ.કે. ફાર્બસસાહેબે મનોરંજક રાસમાળા રચી પ્રસિદ્ધ કરી ત્યાર પહેલાં ગુર્જર રાજ્યનો ઇતિહાસ વાંચવામાં આવતો નહિ … ભાટ લોક એ રાજાઓને છેક ભૂલી ગયા ન હતા, પણ આપણા કવિઓએ કશી તજવીજ કરેલી જણાતી નથી. અંતે ગુજરાતના મિત્ર ફાર્બસસાહેબે આપણા જૂના આર્ય, આપણા સ્વદેશી, સ્વજાતી રાજપૂત રાજ્યની ખોળ કરી આપણા ઉપર મોટો ઉપકાર કર્યો. આ ભલા વિદ્વાને આપણા દેશનું ધન ખોદી કાઢી ગુર્જરોને વાપરવા આપ્યું. કરણઘેલાના અને વીરમતી નાટકના કર્તાઓએ એમાંથી થોડું દ્રવ્ય લઈને તેમાં પોતાની કલ્પનામાંથી ઉમેરો કરી રસિક ગ્રંથો રચ્યા. આ પુસ્તકમાં પણ એમ કર્યું છે … ભૂવડ, જયશિખર, સુરપાળ, રૂપસુંદરી, વનરાજ, શીલગુણસુરી, વગેરે સંબંધી રાસમાળામાં છે તે લીધું છે, અને બાકીનું સઘળું કલ્પેલું છે.”

ફાર્બસની ‘રાસમાળા‘થી પ્રભાવિત બે નવલકથાકારો : નંદશંકર મહેતા અને મહીપતરામ નીલકંઠ 

ઓગણીસમી સદીમાં પ્રગટ થયેલી બીજી કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પર પણ વધતે ઓછે અંશે રાસમાળાનો પ્રભાવ જોવા મળે છે. આવી કેટલીક નવલકથા : રાજપૂત વીરરસ કથા (૧૮૭૮) લે. રુસ્તમ ઈરાની, રાણકદેવી (૧૮૭૮) લે. અનંતપ્રસાદ વૈષ્ણવ, શૂરવીર જયમલ (૧૮૮૭) લે. નારાયણ બારથી ગોસાઈ,  જયદેવ પરમાર (૧૮૯૩) લે. હરિવલ્લભદાસ ભાઈદાસ, સોરઠી સોમનાથ (૧૮૯૩) લે. ભવાનીશંકર કવિ, યશસ્વી ખતરી પુત્ર જગદેવ પરમાર (૧૮૯૫) લે. મહાશંકર ભટ્ટ, મહારાજા રાવ નવઘણ (૧૮૯૭) લે. અમૃતલાલ વકીલ અને ડાહ્યાભાઈ દવે, સોમનાથની પવિત્ર મૂર્તિ (૧૮૯૮) લે. જીજીભાઈ કાપડિયા, અને સિદ્ધપુરની રાજકુમારી (૧૯૦૦) લે. રામચંદ્ર બલવન્તરાય. ઓગણીસમી સદીના અંત સુધીમાં તો ઐતિહાસિક નવલકથા એ લેખક-પ્રિય તેમ જ વાચક પ્રિય સાહિત્ય પ્રકાર બની ગયો. ઓગણીસમી સદીમાં આ બધી નવલકથાઓએ જે પાયો નાખ્યો તેના પર કનૈયાલાલ મુનશીએ પોતાની ઐતિહાસિક નવલકથાઓની ભવ્ય અને સમૃદ્ધ ઈમારત રચી. ‘વિરમતી’ નાટકના લેખક નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ પણ નિખાલસતાથી કહ્યું છે કે તેમનું નાટક રાસમાળામાંની જગદેવ પરમારની કથા પર આધારિત છે. 

જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના જે અંક (JBBA No. XXIII)માં ફાર્બસને અપાયેલી અંજલિઓ પ્રગટ થઇ હતી તે જ અંકમાં ફાર્બસનો Puttun Somnath (પાટણ સોમનાથ) નામનો ઠીક ઠીક લાંબો લેખ પણ પ્રગટ થયો હતો. અગાઉ ૧૮૬૪ના એપ્રિલની ૧૪મી તારીખે ફાર્બસે આ લેખ સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. સોમનાથ પાટણની મુલાકાત દરમ્યાન ફાર્બસે પોતે લીધેલા કેટલાક ફોટા પણ લેખને અંતે મૂકવામાં આવ્યા છે. પોતે પાટણની મુલાકાત દરમ્યાન મંદિર અને તેની આસપાસના પરિસરનો અભ્યાસ કર્યો હતો અને પછીથી તેને આધારે આ લેખ લખ્યો હતો. તેઓ કહે છે :

“થોડા વખત પહેલાં આ સ્થળની મુલાકાત લેવાની મને તક મળી હતી. અલબત્ત, તેના નિરીક્ષણ માટે હું પૂરતો સમય મેળવી શક્યો નહોતો, કારણ ડુંગરોમાંના (વાઘેરોના) બળવાને કારણે અને તળેટીમાંના (રાજાઓના) કાવાદાવાને કારણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને નિરાંતનો ઝાઝો વખત મળે તેમ નહોતું. છતાં મારા બે પુરોગામીઓ (ટોડ અને કિટ્ટો)એ ત્યાંના સ્થાપત્યનો જેટલો અભ્યાસ કર્યો હતો તેના કરતાં વધુ અભ્યાસ હું કરી શક્યો હતો. આથી તેમણે જે કહ્યું છે તેમાં હું ભલે થોડો, પણ ઉમેરો કરી શકું એમ છું એમ કહું તો તેને આપવડાઈમાં નહિ ખપાવવામાં આવે એવી આશા રાખું છું.”૩૧     

સોમનાથના મંદિરનો ફાર્બસે લીધેલો ફોટો

લેખની શરૂઆતમાં ફાર્બસ મંદિરની આસપાસના પરિસરનું વર્ણન કરે છે. પાટણ શહેર અને વેરાવળ બંદર પોતે જેવાં જોયાં તેવાં તેમણે વર્ણવ્યાં છે. સોમનાથ પાટણને તેમણે ખંડેરો અને કબરોના શહેર તરીકે ઓળખાવ્યું છે. શહેરને વિંટળાઈને રહેલા કિલ્લાનું પણ તેમણે વર્ણન કર્યું છે. (આજે એ કિલ્લો હયાત નથી.) ત્યાર બાદ તેમણે સોમનાથના મંદિરનું વિગતવાર વર્ણન આપ્યું છે. આ વર્ણન વધુ મહત્ત્વનું એટલે બની રહે છે કે આજે એ મંદિર રહ્યું નથી. ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો તે પછી જે નવું મંદિર બંધાયું તેને માટે જગ્યા કરવા એ જૂના મંદિરને તોડી પાડવામાં આવેલું. હિંદુ તેમ જ મુસ્લિમ શિલ્પ-સ્થાપત્યની પરંપરા દર્શાવી તેના પ્રકાશમાં એ મંદિરને જોયા પછી ફાર્બસ આવા તારણ પર આવે છે : 

“આજે ખંડેર રૂપે આ જે મંદિર હયાત છે તેની મહંમદે મુલાકાત લીધી હોય તે સંભવિત નથી. એ મંદિર અહીંના સ્થાનિક લોકો જે જગ્યાને હીરા કોટ તરીકે ઓળખે છે તે જગ્યાએ હોય એવો સંભવ વધુ છે. જો કે મને એ જગ્યા જોવાની તક મળી નહોતી.”૩૨  

મંદિરના સ્થાપત્યની પણ ફાર્બસે વિગતવાર ચર્ચા કરી છે અને તેને આધારે પોતાના કેટલાક પુરોગામીઓના તારણોનું તેમણે ખંડન કર્યું છે. ફાર્બસ કહે છે : 

“ગુજરાતમાંની હિંદુ કલાના સુવર્ણયુગ સમાન સોલંકી વંશના સમયનું આ મંદિર છે એમાં શક નથી. તેમાંનાં સુશોભનો સમૃદ્ધ તેમ જ નાજુક છે. અગાઉના સ્થાપત્યના નમૂનાઓની સાદાઈ અહીં જોવા મળતી નથી. તેમ જ આ શૈલીની અવદશા થઇ તે વખતે જે ખરબચડાપણું પ્રવેશ્યું હતું તે પણ અહીં જોવા મળતું નથી.”૩૩  

આબુ અને કુંભારિયાનાં મંદિરોની મુલાકાત લઈને અને તેના ફોટા લઈને તેની સાથે સોમનાથના મંદિરના સ્થાપત્યની તુલના કરવાની ફાર્બસ હિમાયત કરે છે. તેવી જ રીતે સિદ્ધપુર, મોઢેરા, ડભોઇ વગેરેમાં જોવા મળતી ઇમારતો સાથે પણ આ મંદિરની તુલના કરવી જોઈએ એમ ફાર્બસ કહે છે. અંતે ફાર્બસ કહે છે : 

“સુલતાન મહંમદે જે મંદિર ભાંગ્યું હતું તે આ મંદિર નથી. પણ એ મંદિર ભાંગ્યા પછી ભીમદેવ પહેલાએ જે મંદિર બંધાવ્યું હતું તે આ મંદિર. પાછળથી સુલતાન મુઝફ્ફર પહેલાએ આ મંદિર ભાંગ્યુ હતું.”૩૪ 

આ લેખ જેટલો મહત્ત્વનો છે તેટલા જ મહત્ત્વના તેને અંતે છપાયેલા આઠ ફોટા પણ છે. આ બધા ફોટા ફાર્બસે મુલાકાત દરમ્યાન લીધા હતા. પછીથી તોડી પડાયેલા એ મંદિરના બહુ ઓછા ફોટા આજે ઉપલબ્ધ છે તેથી આ આઠ ફોટા સવિશેષ મહત્ત્વના બની રહે છે. અહીં તેમાંનો એક ફોટો મૂક્યો છે.

(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com

Loading

ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), સંવિધાન દિવસ (26 નવેમ્બર) : આવા સકારાત્મક અભિગમને બદલે આમ નકારાત્મક ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 July 2024

સંવિધાન હત્યા દિવસ 

ઘડિયાં લગન પેઠે આવી પડેલી ગેઝેટબદ્ધ જાહેરાતમાં એક પક્ષને નિશાન બનાવવાની, ગણતરી સાફ દેખાય છે; જો કે તે અંગે સત્તાપક્ષ ખુદનો દસ વરસનો રેકર્ડ લગારે વિશ્વાસપાત્ર નથી.

પ્રકાશ ન. શાહ

એન.ડી.એ. સરકારનો ત્રીજો કાર્યકાળ એક પા જો એની સ્વીકૃતિ પરત્વે સવાલિયા નિશાન સાથે શરૂ થયો છે તો બીજી પા એણે ઘડિયાં લગન પેઠે ગેઝેટેડ પેચપવિત્રાનુંયે રાજકારણ શરૂ કર્યું છે.

દેશે પ્રજાસત્તાક સ્વરાજ લગી પહોંચવાનો મુકામ હાંસલ કીધો તે નિમિત્તે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક અગર તો ગણરાજ્ય દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય લડતમાં પૂર્ણ સ્વરાજ (મુકમ્મલ આઝાદી)નો દિવસ 26 જાન્યુઆરી 1930નો હતો. 26મી જાન્યુઆરી તો માનો કે રૂઢ થઈ ગયેલી ઉજવણી છે, એનાં મૂળિયાં એ લડતમાં પડેલાં છે જેને અંગે હાલના સત્તારૂઢ પક્ષપરિવારનું વલણ કંઈક અંતરનું રહેલું છે.

એથી હોય કે અન્યથા એન.ડી.એ. સરકારે 2014માં સત્તારૂઢ થયા પછી 2015થી 26મી નવેમ્બરે વળી બંધારણ દિવસની ઉજવણી શરૂ કરી છે. બંધારણના ઘડતરમાં અગ્રભૂમિકા ભજવનાર આંબેડકરના 125મા જયંતી વર્ષનો હવાલો આપી આ શરૂઆત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી છતાં અમારો એક આગવો દિવસ, એવી છૂપી માનસિકતા એની પૂંઠે કામ કરતી હશે?

ગમે તેમ પણ હાલના સત્તા-પ્રતિષ્ઠાનની ખરી મૂંઝવણ કદાચ જુદી હોઈ શકે. એ નહોતું રાષ્ટ્રીય લડત સાથે કે નહોતું બંધારણ ઘડતરની પ્રક્રીયા સાથે. ‘મનુસ્મૃતિ’નો વારસો છતાં આવું બંધારણ કેમ, એવી ફરિયાદની રીતે આ પક્ષપરિવારનાં તત્કાલીન પ્રકાશનો ત્યારે પેશ આવતાં હતાં.

માનો કે 26મી નવેમ્બરના બંધારણ દિવસની એની 2015થી શરૂ થયેલી પ્રણાલિકાનો આશય પોતાના મૂળ ઉછેર વારસામાં જે બધું નહોતું તેની સાથે અનુકૂલન સાધવાના સ્વાભાવિક મનોવૈજ્ઞાનિક ખેંચાણવશ હોય. વળી, એન.ડી.એ. શાસનની તાસીર ઇવેન્ટ પે ઇવેન્ટ તરેહની રહી છે એ રીતે પણ આ ચેષ્ટાને જોઈ શકાય.

હવે આપણી સામે બંધારણ અગર તો સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત એલાન આવે છે. દસ વરસના શાસનમાં બંધારણીય ધારાધોરણથી વિપરીત જે બધાં વલણો જોવા મળ્યાં એથી વિપક્ષે આ ચૂંટણીમાં બંધારણનો મહિમા મુખ્ય મુદ્દાની જેમ ઉઠાવ્યો એની સામેનો આ એક મનોવૈજ્ઞાનિક બેત છે તે સમજી શકાય એમ છે.

વાત પણ સાચી કે 25મી જૂન 1975ના રોજ જે બન્યું તે આપણી લોકશાહી તવારીખ પર એક બટ્ટો જરૂર હતો અને છે. તે માટે જવાબદાર પક્ષને માર્ચ 1977માં જનતાએ શિકસ્ત અને નસિયતનો પાઠ આપ્યો જ છે. જો કે જેની જોડે બંધારણ પરત્વે હત્યા દિવસની ઓળખ જોડવાનો ગેઝેટબદ્ધ અભિગમ છે તે મૂળ પ્રક્રિયા વિલક્ષણ રીતે બંધારણીય જોગવાઈ મુજબની હતી. પિતાએ 26મી જાન્યુઆરી આપી તો પુત્રીએ 26મી જૂન આપી, એવી બેબાક ટીકા ત્યારે આ લખનાર સહિત અનેકે કરી પણ છે. શાહ તપાસ પંચના હેવાલની વિગતો કોઈ પણ લોકશાસનને જેબ આપે એવી મુદ્દલ નથી. પણ તમે જુઓ, લોકસભાની વધારેલી મુદ્દત પૂરી થાય તે પૂર્વે ચૂંટણી આપી અને ચુકાદાની રૂખ પ્રમાણે કટોકટી ઉઠાવી પણ ખરી. નિર્ભીક પત્રકાર વર્ઘીઝે ત્યારે પ્રતિવર્ષ 23મી માર્ચને કટોકટી ઊઠ્યાના દિવસ તરીકે યાદ કરીએ એવી હિમાયત કરી હતી એ આ લખતા સાંભરે છે.

હવે જે સૂચન છે તે 26મી જાન્યુઆરી, 26મી નવેમ્બર કે 23મી માર્ચ જેવું સકારાત્મક નથી પણ હત્યા દિવસનું છે. એની પાછળનું મનોગણિત ઉઘાડું છે – કાઁગ્રેસને નિશાન પર લેવી. આ મુદ્દે વિપક્ષી જમાવડામાં પણ કંઈક મનોવૈજ્ઞાનિક તાણ ને ફાટફૂટને અવકાશ મળી રહે એવીયે ગણતરી ખરી.

જો કે, છેલ્લાં દસ વરસની ચોક્કસ વિગતો જોતાં હાલનો સત્તાપક્ષ બંધારણ વિશે બડકમદારીની નૈતિક પાત્રતા કેટલી ધરાવે છે એ સવાલ છે. વસ્તુતઃ સ્વરાજની પહેલી લડાઈ (1947) અને બીજી લડાઈ (1975-1977) એવો ભેદ અનુભવે કરીને બરાબર લાગતો નથી. 1977 પછી આવેલી હર સરકાર સાથે નાગરિક છેડેથી લોકશાહી સવાલો રહ્યા છે. આ સંજોગોમાં ખરો મુદ્દો લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયાની દૃષ્ટિએ સત્તાપક્ષ અને વિપક્ષ બેઉ પરત્વે નાગરિક છેડેથી સ્વરાજની ચાલુ લડાઈનો છે અને રહેશે. કથિત હત્યા દિવસ આ પાયાની વાતને પાટેથી ઉતારી દે, એવી શક્યતા સવિશેષ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024

Loading

...102030...658659660661...670680690...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved