Opinion Magazine
Number of visits: 9665355
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગ્લાદેશના હાલ બેહાલઃ  કેન્દ્ર સરકાર માટેના પડકારો અને બોધપાઠની યાદી વધુ અઘરી બની

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 August 2024

મોદી સરકારે બળતા ઘરોની વચ્ચે સ્થિરતા રાખીને વ્યૂહાત્મક પગલાં લેવાં પડશે, નહીંતર ત્યાંની ઝાળ અહીં શું ભડકો કરી જશે એ સમજાય તે પહેલાં પરિસ્થિતિ વણસી જશે.

ચિરંતના ભટ્ટ

બાંગ્લાદેશ ભડકે બળી રહ્યો છે. 15 વર્ષથી સત્તા પર બેઠેલાં શેખ હસીનાએ વડાં પ્રધાનપદેથી રાજીનામું આપી દેશ છોડી દઇને ભારતમાં શરણ લીધી છે. બાંગ્લાદેશમાં અરાજકતા હજી પણ યથાવત્ છે, ત્યાંથી આવતી વીડિયો અને તસવીરો મગજ ચકરાવે ચઢાવી દે તેવાં હોય છે. અંદાજે 440 લોકો મોતને ભેટ્યાં છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને રિપોર્ટ્સ અનુસાર હજી સાચા આંકડા બહાર નથી આવ્યા. 1971ના યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારોને નોકરી માટે અપાતી 30 ટકા અનામતના મુદ્દે વિદ્યાર્થીઓએ અવામી લીગ સામે વિરોધી પ્રદર્શનો શરૂ કર્યા અને પરિણામ આપણી સામે છે.  સત્તા ગુમાવ્યા પછી દેશ છોડવાનો વારો આવ્યો હોય એવું બાંગ્લાદેશના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આમ તો સીંદરી બળે પણ વળ ન છોડે વાળા ઘાટની માફક શેખ હસીનાને છેક છેલ્લે સુધી એમ હતું કે બળપ્રયોગ વધારીને, વિરોધોને નાથીને પણ સત્તા નથી છોડવી, પણ સેનાના વરિષ્ઠ અધિકારીઓ નહોતા ચાહતા કે હિંસામાં માર્યા ગયેલાઓની અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધે. આખરે એવો તબક્કો આવ્યો જ્યારે સામાન્ય લોકો, વિરોધીઓએ સેનાના નીચેના અધિકારીઓ અને જવાનોમાં ભળી જવાનું નક્કી કર્યું. આ તબક્કે સ્પષ્ટ થઇ ગયું કે હવે સંજોગો સત્તારૂઢ પક્ષના હાથની બહાર છે.

શેખ હસીના વાઝેદ

શેખ હસીના એક સરમુખત્યાર છે એમાં કોઇ બેમત નથી. આ વખતે બાંગ્લાદેશમાં જે રીતે ચૂંટણી થઇ અને કોઇ લડત વિના, વિરોધપક્ષ વિના શેખ હસીનાએ પોતાને વડાં પ્રધાન જાહેર કરી દીધાં (ચૂંટણીપંચની રચનાની માંગ કરતા નાગરિકોની વાત સાંભળ્યા વિના) એ પછી તેમને સત્તા પરથી હટાવી દેવાને મામલે દેશનો મિજાજ વધુ ઘેરો થઇ રહ્યો હતો. એમાં ય આ વખતે વિરોધીઓ સામે સેના ઉતારી, વિરોધીઓને માટે ‘રઝાકાર’ શબ્દ વાપર્યો પછી તો શેખ હસીનાનું આવી જ બન્યું હતું કારણ કે લોકો હવે તો કોઇપણ કાળે તેમને વડાં પ્રધાન પદેથી હકાલી કાઢવા જ માગતા હતા. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ખાડે ગયેલું અર્થતંત્ર આ બધાની જ્વાળાઓ વડવાનલની માફક બાંગ્લાદેશમાં પ્રસરેલી જ હતી અને શેખ હસીનાએ એક વડાં પ્રધાન તરીકે આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોઇ તસ્દી નહોતી લીધી. બાંગ્લાદેશને મામલે શેખ હસીના માટે હાથનાં કર્યાં હૈયે વાગ્યાં જેવો જ ઘાટ છે.

ભારતે ક્યાં કાળજી રાખવી?

ભારતના દૃષ્ટિકોણથી જોઇએ તો હવે સંજોગો આકરા છે અને એકથી વધુ પડકારો આપણી સામે છે. શેખ હસીના પોતાના દેશવાસીઓ માટે સરમુખત્યાર હતા પણ તેમના વલણને કારણે ભારત વિરોધી અને ધાર્મિક અંતિમવાદીઓ કાબૂમાં રહેતા હતા. વળી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખાસ કરીને એનર્જી અને કનેક્ટિવિટીને મામલે વ્યાપારી અને વિકાસલક્ષી સંબંધો સારા હતા. વળી સરહદ વ્યવસ્થામાં પણ ભારતને બાંગ્લાદેશનો ટેકો મળતો જેને લીધે માનવ તસ્કરી, નકલી નોટો અને ડ્રગ્ઝના વ્યાપાર જેવા ગુનાઇત કૃત્યો પર કડક નિયંત્રણ રહેતું. આ મામલે હવે શું થશે તેની કોઇ સ્પષ્ટતા નથી. બાંગ્લાદેશમાં વચગાળાની જે પણ સરકાર આવે એમાં BNP અને જમાત-એ-ઇસ્લામી જેવા ભારત વિરોધી તત્ત્વો હોવાની વકી છે અને એમ થશે તો મોદી સરકારની ચિંતાઓ તો વધવાની જ. બાંગ્લાદેશનો ઉપયોગ ભારત વિરોધી કૃત્યો કરવા માટે ન થાય તેની તકેદારી પણ રાખવી પડશે. અફઘાનિસ્તાનમાં 2021માં તાલીબાને ફરી કબ્જો જમાવ્યો પછી પાકિસ્તાનને મજા પડી છે, હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી તત્ત્વો બેઠા થશે તેવી કેન્દ્ર સરકારને ચિંતા થાય તે સ્વાભાવિક છે. આપણે ત્યાં પાછા મમતા બેનર્જી જેવાં નેતાઓ પણ છે જે બાંગ્લાદેશીઓને ટેકો આપવાને નામે પગ પર કુહાડી મારવાની સ્થિતિ ખડી કરી શકે એમ છે. ભારતને ઢાકા સાથે આતંકવાદીઓને નાથવા માટે અને સુરક્ષા લક્ષી જે પણ સહકારી સમજૂતી રહી છે તેનું આગળ શું થશે એની પણ ચિંતા કરવાની રહી. બાંગ્લાદેશના રાજકારણમાં જે નાટ્યાત્મક વળાંકો આવ્યા છે એમાં ચીને શું કાંકરીચાળો કર્યો છે એની પૂરી ખબર મેળવીને ચાંપતી નજર રાખવી પડશે. શેખ હસીનાએ ચીન સાથે સારાસારી જ રાખી હતી. ચીને બાંગ્લાદેશમાં કરેલા રોકાણને લીધે ભારતના સુરક્ષાના મુદ્દાઓમાં કોઇ અવરોધ ન આવે એની પણ તકેદારી રાખી હતી. હવે આ ત્રિરાશીઓનું શું થશે એ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. આમ તો વિકાસને મામલે ચીનને રસ હોવા છતાં – ખાસ કરીને તીસ્તા પ્રોજેક્ટમાં – શેખ હસીનાને ભારત સાથે જ આગળ વધવું હતું પણ હવે એ મામલે પણ કોઇ સ્પષ્ટતા નથી. ભારત માટે વધારાની ચિંતા બાંગ્લાદેશમાં વસતા હિંદુઓની સલામતી પણ છે.

પાડોશીઓને મામલે ભારત કમનસીબ!

એક દેશ તરીકે આપણું નસીબ પાડોશીઓને મામલે ખાડે ગયેલું છે. એક માન્યતા એવી પણ છે કે ચીન જ આપણા પાડોશી દેશોને યેનકેન પ્રકારેણ આપણા વિરોધી બનાવે છે અથવા તો ત્યાં સ્થિરતાના પ્રશ્નો ખડા કરે છે.  2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ ફરી આવ્યું અને ત્યારથી આર્થિક કટોકટી, આતંકવાદ અને માનવાધિકારના મુદ્દે દેશ બદતર હાલતમાં છે. પાકિસ્તાન સાથે આપણા સંબધો વિશે આપણે જાણીએ જ છીએ પણ ત્યાં આંતરિક સ્થિરતા દિવાસ્વપ્ન જેવી છે. 2024ની પાકિસ્તાનમાં થયેલી ચૂંટણી વિવાદોથી ઘેરાયલી રહી. અર્થતંત્રને મામલે પાકિસ્તાનમાં મોટાંમસ ગાબડાં છે – મોંઘવારી, ચલણની પડતી, દેવાનો બોજ અને ઊર્જાની અછત – આ છે પાકિસ્તાનની સ્થિતિ.  વળી ચીન અને પાકિસ્તાન BRI પ્રોજેક્ટથી જોડાયેલા છે પણ એમાંને એમાં પાકિસ્તાન ચીનના દેવાના બોજ હેઠળ કંગાળ થઇ ગયો છે. મ્યાનમારમાં પણ આંતરિક સ્થિરતા નથી અને ત્યાંની સત્તા મિલીટરી જનતા પાસે છે જેને લોકશાહી સાથે કંઇ લેવા-દેવા નથી. બાંગ્લાદેશમાં જે અત્યારે થઇ રહ્યું છે તે શ્રીલંકામાં 2022માં થઇ ચૂક્યું છે. શ્રીલંકાને માથે પણ સૌથી વધુ દેવું ચીનનું જ છે અને આજે દેશ નાદારીમાં ધકેલાઇ ગયો છે. શ્રીલંકા હંબરટોટા પોર્ટ દેવાને કારણે જ તો ચીન પાસે ફસાઇ ગયું. નેપાળ સાવ નાનકડો હોવા છતાં ય આ દેશમાં ચીન પ્રેમી રાજકારણી વડા પ્રધાન થઇને બેઠા છે. કે.પી. શર્મા ઓલી ચીન તરફી છે એવું દૃઢતાપૂર્વક મનાય છે. તેમણે ભૂતકાળમાં પણ ભારત સાથે સંબંધો બગાડ્યા છે. મૉલદીવની મુઈજ્જુ સરકારને ચીનનો ટેકો છે એમ કહેવાય છે. જેવી આ સરકાર સત્તા પર આવી એટલે ઇન્ડિયા આઉટ અભિયાનને હવા મળી હતી. મૉલદીવ અને લક્ષદ્વીપ વાળી બબાલ તો આપણને ખબર જ છે. વળી મૉલદીવમાં સરકાર બની એટલે રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા પણ માળા એ ચીન પણ ગયા. ટૂંકમાં ભારતની આસપાસના દેશોમાં અરાજકતા અને અસ્વસ્થતા છે જેની ઝાળ ભારતને લાગ્યા વિના રહે એમ નથી.

દોસ્તી સાચવવાની લ્હાયમાં દુશ્મનો ઊભા થઇ રહ્યા છે ત્યારે ભારતે બહુ સાવચેતી રાખવાની જરૂર છે.  ચીન તો લાગ જોઇને જ બેઠો છે કે ક્યારે ક્યાંથી ભારતને નુકસાન પહોંચાડી શકાય. ટૂંકમાં મોદી સરકારે બળતા ઘરોની વચ્ચે સ્થિરતા રાખીને વ્યૂહાત્મક પગલાં લેવા પડશે નહીંતર ત્યાંની ઝાળ અહીં શું ભડકો કરી જશે એ સમજાય તે પહેલાં પરિસ્થિતિ વણસી જશે.

બાય ધી વેઃ 

શેખ હસીના અને બાંગ્લાદેશની ચિંતા આપણે આપણા દેશની સ્થિરતા માટે કરવી જ પડશે. પરંતુ બાંગ્લાદેશમાં જે પણ થયું છે તેમાંથી મોદી સરકારે પણ અમુક બોધપાઠ શીખવા પડશે. વિરોધીઓને ચૂપ કરી, હાંસિયામાં ધકેલી દેવાની ભૂલ ન કરવી જોઇએ નહીંતર વાસ્તવિકતા દેખાતી બંધ થઇ જાય અને પછી મ્હોંભેર પડવાનો વારો આવે. હસીનાએ મીડિયાનું દમન કરેલું એવા સરમુખત્યાર પગલાં લેવાની ભૂલ ક્યારે ય ન કરવી. નોકરીમાં અનામત જેવા પ્રશ્નો બહુ કાળજીથી સંબોધવા નહીંતર વાતનું વતેસર થતા વાર નથી લાગતી. બેરોજગારી હોય પણ વિકાસ થતો હોય તો ખુશ ન થવું કારણ કે બેરોજગાર યુવાનો બંડ પોકારવાનું ઈંધણ સાબિત થઇ શકે છે. હસીનાએ વિરોધીઓને રઝાકાર કહ્યા, સરકાર સામે સવાલ ઉઠાવનારાઓ વિશે બોલવામાં છેલ્લી પાયરીએ ન બેસવું. આવકમાં અસમાનતા બહુ મોટું જોખમ છે, ખાસ કરીને જ્યારે વંચિતોને મહત્ત્વ ન અપાય ત્યારે કારણ કે તેમને સામાજિક તણાવ પેદા કરવામાં બહુ વખત નહીં લાગે. પોતાના જ લોકો સામે બળનો ઉપયોગ ટાળવો કારણ કે ઘણીવાર સંજોગો એટલા વકરી શકે છે કે સમાધાનની શક્યતાઓ જ નથી બચતી. નવી પેઢીને સત્તાના બણગાં કે પરિવારના વારસાની વાતો પચવાની નથી. તમારા પ્રચારનું સત્ય ચકાસતા રહો નહીંતર ખોટી માહિતીઓ તમને આંધળા બનાવી દેશે. વળી ભારતે એ પણ યાદ રાખવું જોઇએ કે મિત્ર કહ્યા પછી એ હદે કોઇને ટેકો ન આપવો કે એને બચાવવામાં આપણે ડુબવાનો વારો આવે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2024

Loading

લાલ પરી

રમેશ ઓઝા|Opinion - Opinion|11 August 2024

રમેશ ઓઝા

એક જિંદગીની વાત હું મારી કૉલમમાં કહી ચૂક્યો છું, પણ બંગલાદેશનું નિમિત્ત છે અને એ જિંદગીને બંગલાદેશ સાથે સંબંધ છે એટલે ફરી એ વાત કહેવી અનુચિત નહીં ગણાય. આધુનિક ભારતના જાણીતા ઇતિહાસકાર વિલયમ ડેલરિમ્પલ(William Dalrymple)નું ‘Nine Lives: In Search of the Sacred in Modern India’ નામનું એક સુંદર પુસ્તક છે. આમ તો ભારતીય પ્રજા જ્યાં મોક્ષ મળે એવી પુણ્યભૂમિની અને પવિત્ર વ્યક્તિની ખોજ કરતી રહે છે, પણ એ સાથે એ વ્યક્તિનાં મૂળ અને કૂળ તરફ નજર કરવાનું ભૂલતો નથી. એ પુસ્તકમાં નવ વ્યક્તિઓ વિષે વાત કરવામાં આવી છે જેમની એક વ્યક્તિનું નામ છે; લાલ પરી.

લાલ પરી સિંધ પાકિસ્તાનમાં આવેલ લાલ શાહબાઝ કલંદરની દરગાહમાં રહેતી હતી. દમા દમ મસ્ત કલંદરવાળી કવ્વાલી તમે સાંભળી હશે. એમ કહેવાય છે કે જેના પર લાલ કલંદરની મહેર થાય એ ન્યાલ થઈ જાય. ખાસ કરીને માનસિક વ્યાધિ ધરાવનારા લોકો ત્યાં મન્નત માગવા આવે છે. સાંજ પડે એટલે લોકો ત્યાં થતી ધમાલમાં ભાગ લેવા જમા થવા લાગે. ધમાલનો શબ્દિક અર્થ લેવાનો નથી. ધમાલ એટલે મસ્તી. પોતાની જાતને ભૂલી જવી અને ઈશ્વર સાથે એકાકાર થઈ જવું. દસ્તૂર એવો કે સાંજે લાલ પરી આવીને ડ્રમ પર ઠેકો મારે અને ધમાલ શરૂ થાય. એ પોતે તો ગણતરીની મિનિટોમાં બીજી દુનિયામાં જતી રહે. બીજા લોકોને પણ એવો અનુભવ થવા લાગે. લોકોને લાલ પરિમાં સાક્ષાત લાલ કલંદરનાં દર્શન થવા લાગે. ઈશ્વરમાં એકાકાર થઈ ગયેલી એક તિતલી, એક પરી. એક પુણ્યભૂમિમાં એક પુણ્યાત્માની આંગળી પકડીને પુણ્ય ક્ષણનો અનુભવ અનેક લોકોએ કર્યો છે.

પણ એ બાઈને મૂળ અને કૂળ જોનારાઓએ ક્યારે ય સુખેથી જીવવા નહોતી દીધી.

લાલ પરીનો જન્મ ભારતમાં બિહારના, પણ બંગાળની સરહદે આવેલા એક ગામડામાં થયો હતો. જન્મે બિહારી, માતૃભાષા સ્થાનિક છાંટવાળી બિહારી અને ધર્મે મુસ્લિમ. બાપ પાસે થોડી જમીન હતી, ખેતી કરતો હતો અને બાળપણ બહુ સુખેથી વીતતું હતું, પણ એવામાં ભારતનું વિભાજન થયું. જે ગામમાં લાલ પરીનો પરિવાર રહેતો હતો એ ગામ ભારતમાં રહ્યું અને ગામની નદીના સામે કાંઠે પૂર્વ પાકિસ્તાન બન્યું. લાલ પરીના બાળમાનસમાં પ્રશ્ન થયો કે સામેનું ગામ અચાનક બીજો દેશ કેવી રીતે બની ગયો? એક સરખી ભૂમિ અને એક સરખા લોકો. એવું તે શું બન્યું કે એ બીજો દેશ બની ગયો! પણ એનો તેને બહુ જલદી જવાબ મળવાનો હતો. ગામના હિંદુઓએ લાગ જોઇને લાલ પરીનાં પરિવારને સતાવવાનું શરૂ કર્યું. બાપની હત્યા કરી, જમીન છીનવી લીધી અને પરિવારને પૂર્વ પાકિસ્તાનમાં ધકેલી દીધો. લાલ પરીને અને તેનાં પરિવારને નવેસરથી જિંદગી ગોઠવવાનું આવ્યું. આગળ જતાં લાલ પરીનાં લગ્ન થયાં, ફરીવાર જિંદગી ગોઠવાઈ ન ગોઠવાઈ અને પૂર્વ પાકિસ્તાનમાં આઝાદી માટેનું આંદોલન શરૂ થયું. ૧૯૭૧માં ભારતનાં વિભાજન વખતે હિંદુઓએ વેર વાળ્યું કારણ કે લાલ પરીનો પરિવાર મુસ્લિમ હતો અને ૧૯૭૧માં બંગાળી મુસલમાનોએ વેર વાળ્યું, કારણ કે લાલ પરીનો પરિવાર બિહારી હતો.

મુસ્લિમ હોવું એ પણ પાપ અને બિહારી હોવું એ પણ પાપ. માટે વિલિયમ ડેલરિમ્પલે કહ્યું છે કે ભારતની મોક્ષાર્થી પ્રજા મૂળ અને કૂળ જોવાનું ચૂકતી નથી. ખેર, લાલ પરીને ફરી ઉચાળા ભરવાનો વખત આવ્યો. બંગાળી મુસલમાનોએ લાલ પરીના બિહારી મુસલમાન પતિને મારી નાખ્યો. વાંક એટલો જ કે તે બંગાળી નહોતો અને જે બંગાળી ન હોય તેની દેશ પ્રત્યેની વફાદારી શંકાસ્પદ હતી. તેનાં પરિવારનાં બીજાં કેટલાંક લોકોની પણ હત્યા કરવામાં આવી. લાલ પરીને કહેવામાં આવ્યું કે જીવ વહાલો હોય તો બંગલાદેશ છોડીને જતી રહે. પરાણે ઉખેડી નાખવામાં આવેલા બિહારી મુસલમાનો ભરતમાં પાછા આવી શકે એમ નહોતા, કારણ કે તે “વિદેશી” હતા. વિદેશીમાં પણ મુસલમાન અને એ પણ પાકિસ્તાની. લાલ પરી રાતનાં અંધારામાં ચાલીને છૂપાતા છૂપાતા ભારતની ભૂમિમાંથી થઈને પાકિસ્તાન પહોંચી. સંસારમાં રસ તો બાળપણથી જ નહોતો, હવે ઈશ્વરભીરુ સમાજની નિર્દયતા જોઇને જરા ય ન રહ્યો.

પાકિસ્તાનમાં કોઈ ઓળખીતું નહોતું. એ જમીન સાવ અજાણી હતી. હવા પાણી અને વનરાજી અજાણ્યાં હતાં. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ બધું જ અજાણ્યું હતું; પણ હવે એ તેની ભૂમિ હતી કારણ કે તે પાકિસ્તાનની હતી. નાગરિકત્વનો સ્ટેમ્પ તેનાં મૂળ અને મૂળનાં પરિવેશ કરતાં પ્રબળ હતો. જો કે નાગરિકત્વનો સ્ટેમ્પ પ્રબળ તો હતો, પણ અંતિમ નહોતો. એમ તો એ થોડાં સમય પહેલાં સત્તાવાર રીતે પાકિસ્તાની મુસ્લિમ હતી, પણ એ ઓળખ ક્યાં કામમાં આવી હતી. શી ખબર આવતીકાલે મૂળ અને કૂળ શોધનારાઓ શોધી કાઢે કે આ બાઈ મૂળમાં ભારતીય મુસ્લિમ (મોહાજીર) છે, પાછી બંગલાદેશથી આવી છે એટલે ભરોસાપાત્ર નથી. જે અલ્લાહની જગ્યાએ ખુદા બોલે તેનું મુસ્લિમપણું જો શંકાસ્પદ ગણાતું હોય અને તેને અધૂરો મુસલમાન માનીને તિરસ્કાર કરવામાં આવતો હોય તો આ તો સાવ નોખી.

લાલ પરીની જિંદગી ઓળખના આધારે કરવામાં આવેલી સતામણીની દાસ્તાન છે. હવે ઉંમર થઈ ગઈ હતી અને પરિવારમાં પોતાનું કહી શકાય એવું કોઈ બચ્યું પણ નહોતું એટલે લાલ પરી લાલ કલંદરની દરગાહમાં શાહબાઝનાં ચરણોમાં બાકીની જિંદગી વિતાવવા જતી રહે છે. ગણવા બેસો તો જિંદગીએ દુશ્મનો તો ઘણાં આપ્યાં હતાં, પણ લાલ પરી હવે પ્રેમના પંથે નીકળી પડી હતી. ડ્રમ પર ઠેકો મારે અને ટ્રાન્સમાં જતી રહે. એ ગદગદ કરી મૂકે એવું દૃશ્ય જેણે જોયું છે એ લોકો પોતાને ધન્ય માને છે.

માટે બીજાનાં મૂળ અને કૂળ જોનારાઓને, બીજાના દેશપ્રેમને અને વફાદારીને ત્રાજવે તોળનારાઓને, બીજાનાં ઘરમાં ડોકિયાં કરનારાઓને મારી હાથ જોડીને વિનંતી છે કે આ ધંધો બંધ કરો. તમે આમ કરીને ઈશ્વરના ગુનેગાર બની રહ્યા છો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—260

દીપક મહેતા|Opinion - Opinion|10 August 2024

આજે જેનું નામોનિશાન રહ્યું નથી એવી એક ઝૂંપડપટ્ટીની વાત      

“તડકો ચડવા લાગ્યો તેમ તેમ ઝૂંપડપટ્ટીના માણસો પેટપાણીના ધંધા માટે રવાના થયા. વસ્તી શાંત થઈ ગઈ. ફક્ત બૈરાંઓ અને નવરાં ડોસાડગરાં ખોડા કૂકડા-બતકાની જેમ પાછળ રહી ગયાં. ભર બપોરે એ લોકોની હાલચલ પણ થંભી ગઈ. બધી બાજુ શાંતિ છવાઈ ગઈ ને બરોબર બાર વાગ્યે વલ્લભભાઈ સ્ટેડિયમ બાજુ પહેલવહેલી આગ લાગી. વરલીના દરિયાનો સૂસવતો પવન તેમાં ભળતાં જોતજોતામાં આગ ફેલાઈ ગઈ. એક પછી એક ઝૂંપડી પટોપટ સળગવા લાગી. ઠીંગણી, તકલાદી ઝૂંપડીઓને લપેટી લેનારી ઊંચી ભભૂકતી જ્વાળાઓ જોઈને ચારે બાજુ હાહાકાર થઇ ગયો … આગ બુઝાવવાનું કોઈને સૂઝતું નહોતું. અને સૂઝે તો ય એ માટે પાણી ક્યાં હતું? એની બેસન્ટ રસ્તા પરથી પસાર થતી મોટરોમાંથી એકાદીએ બંબાખાનાને ખબર આપ્યા અને આગ-બંબા દોડી આવ્યા. પણ ત્યાં સુધીમાં તો આખી ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગઈ હતી. અત્યાર સુધી ક્યાંક દૂર દૂર ઊભા રહેલા પોલીસો હવે પટ દેતાક ને ત્યાં આવી પહોંચ્યા અને હજી ધૂંધવાઈ રહેલી એ ઝૂંપડપટ્ટીની ચારે બાજુ તેમણે કાંટાળા તારની ઊંચી વાડ ઊભી કરવાની શરૂઆત કરી. ફરી એ જગ્યાએ જવાનો કોઈ પ્રયત્ન કરે નહિ અને ફરી ઝૂંપડપટ્ટી ઊભી થાય નહિ, તે માટે તેઓ આ ખટપટ કરી રહ્યા હતા.”

જૂજવે રૂપે અનંત ભાસે : મુંબઈની એક ઝૂંપડપટ્ટી

છેક ૧૯૬૯માં પ્રગટ થયેલી મધુ મંગેશ કર્ણિકની મરાઠી નવલકથા ‘માહીમચી ખાડી’ના પહેલા પ્રકરણમાંના આ શબ્દો માહીમની ઝૂંપડપટ્ટી માટે જેટલા સાચા છે તેટલા જ મુંબઈની કોઈ પણ ઝૂંપડપટ્ટી માટે પણ એટલા જ સાચા છે. અને એ વખતે હતા તેના કરતાં આજે કદાચ વધારે સાચા છે. ઝૂંપડપટ્ટીઓ એ શહેરી જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગઈ છે. બંધાય છે, વિકસે છે, અને એક દિવસ સત્તા કે સંપત્તિવાળા દ્વારા આ રીતે આગમાં બાળી નાખવામાં આવે છે, અથવા તેમના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. અને એ જ વખતે બીજે ક્યાંક નવી ઝૂંપડપટ્ટી ઊભી થાય છે. રખે માનીએ કે ઝૂંપડપટ્ટીમાં મફત રહેવા મળે છે. ‘સારી’ ઝૂંપડપટ્ટીમાં એક ખોલીના ઓછામાં ઓછા પાંચ-સાત લાખ રૂપિયા તેના ‘દાદા’ને આપવા પડે છે. અને જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય, એ ધામા નાખે છે ફૂટપાથ પર. 

માહીમચી ખાડી નવલકથાના લેખક મધુ મંગેશ કર્ણિક

મરાઠીના અગ્રણી લેખક મધુ મંગેશ કર્ણિકનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કરુળ નામના નાનકડા ગામડામાં, ૧૯૩૧ના એપ્રિલની ૨૮મી તારીખે. બીજા હજારો લોકોની જેમ નોકરી માટે મુંબઈ આવ્યા. પહેલા ઘરનું સરમાનું હતું ‘૩૪ સુંદરલાલ ચાલ, સાંતાક્રુઝ’. એ ઘરે જવા-આવવાનો રસ્તો એક ઝૂંપડપટ્ટીમાંથી પસાર થાય એટલે રોજ આવતાં-જતાં એ ઝૂંપડપટ્ટી અને ત્યાનું જીવન નજરે ચડે. અને પોતે સંવેદનશીલ લેખક. એટલે જે નજરે ચડ્યું તે મનમાં વસી ગયું. અને તેમાંથી જન્મી તેમની પ્રખ્યાત નવલકથા ‘માહીમની ખાડી.’ આ ખાડીની ઝૂંપડપટ્ટીમાં જીવન ગુજારતાં સ્ત્રી, પુરુષ, બાળકો, એ આ કથાનાં મુખ્ય પાત્રો છે. ઝૂંપડપટ્ટીમાં રહે છે એટલે બધાં આડે રસ્તે ચડેલાં હશે એમ માનતા નહિ. હા, એવાં પાત્રો છે જ, પણ પરગજુ જ નહિ, બીજાને માટે ખુવાર થઈ જનારાં સ્ત્રી-પુરુષ પણ અહીં છે. ચોરી, લબાડી, લંપટતા, અહીં છે જ, પણ સાથોસાથ અજાણ્યા માટે પણ સહાનુભૂતિ, હૂંફ, અને મદદ આપવા લંબાતા હાથ પણ અહીં છે.

કર્ણિકે નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તા, નિબંધ, નાટક, રેખાચિત્રો, અને આત્મકથા લખ્યાં છે. મહારાષ્ટ્રની ‘એસ.ટી.’માં મામૂલી નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર કર્ણિક મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના ‘પ્રસિદ્ધિ અધિકારી’ના ઉચ્ચ પદે પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર લઘુઉદ્યોગ વિકાસ મહામંડળના મહાવ્યવસ્થાપક તરીકે પણ કામ કર્યું. પણ પછી બધો સમય સાહિત્યને આપી શકાય એટલા ખાતર સરકારી નોકરીમાંથી સ્વેચ્છાએ વહેલી નિવૃત્તિ લીધી. જો કે તે પછી તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિ મંડળના અધ્યક્ષ તથા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિકાસ સંસ્થાના ‘અતિરિક્ત સંચાલક’ બન્યા હતા.     

હા, માહીમની ખાડી નવલકથા મુંબઈની એક ચોક્કસ ઝૂંપડપટ્ટીનું અને તેના રહેવાસીઓનું આલેખન કરે છે. પણ આવી અસંખ્ય ઝૂંપડપટ્ટીઓ મુંબઈમાં અને બીજાં અનેક શહેરોમાં ફેલાયેલી છે. ભલે નાનકડા અને મર્યાદિત સમાજનું નિરૂપણ આ નવલકથામાં થયું છે, પણ મુંબઈ અને તેના જનજીવનને આલેખતી આ કૃતિ એક પ્રતિનિધિરૂપ નવલકથા બની રહે છે. આ નવલકથાનું વિશ્વ ભલે નાનું છે, પણ તે પોતાનામાં જ સ્વયંસંપૂર્ણ છે. આ નવલકથાનો ગુજરાતી અનુવાદ ૧૯૮૦માં દિલ્હીના નેશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કર્યો હતો. ઝૂંપડપટ્ટીના લોકોની જ ભાષા લેખકે વાપરી છે એટલે સતત આવતા ગાળગલોચ ‘શુદ્ધ અને સંસ્કારી’ ભાષાથી ટેવાયેલા ગુજરાતી વાચકને શરૂઆતમાં થોડો આઘાત આપે. 

આજે જેનું નામોનિશાન રહ્યું નથી એ માહીમની ખાડીની ઝૂંપડપટ્ટી માહીમ કૉઝ-વે અને દરિયા વચ્ચેની કાદવકીચડ ભરેલી જગ્યામાં ફેલાયેલી હતી. શરૂઆત થોડાં ઝૂપડાંથી. પછી વસતી વધતી ગઈ તેમ ઝૂંપડાં વધતાં ગયાં. ઝૂંપડાં વધ્યાં એટલે પહેલાં ‘દાદા’ઓ આવ્યા. પોતે ઝૂંપડાં બાંધીને ભાડે આપે કે વેચે. જુદા જુદા પ્રદેશના, ધર્મના, જુદી જુદી ભાષા બોલતા, લોકો અહીં વસતા ગયા. લોકો વધ્યા તેમ નાના-મોટા ગુના પણ વધતા ગયા. માણસને માત્ર મતદાર તરીકે જોતા રાજકારણીઓ આવ્યા કારણ તેમને માટે અહીંના રહેવાસી એટલે વોટ બેંક. વોટના બદલામાં નોટ, અને નોટના બદલામાં વોટનો વ્યવહાર શરૂ થયો. 

મુંબઈના અંડર વર્લ્ડનું નિરૂપણ ગુજરાતી નવલકથામાં પ્રમાણમાં ઓછું થયું છે. મરાઠીમાં ઘણું થયું અને ઘણું વહેલું શરૂ થયું. ૧૯૬૦ના અરસામાં મુંબઈમાં પ્રગટ થતાં અખાબારોમાંનું એક હતું ‘પ્રભાત.’ પછીથી પ્રખ્યાત લેખક થયેલા જયવંત દળવી ૧૯૬૦ના અરસામાં તેના રિપોર્ટર તરીકે કામ કરે. અવનવી ‘સ્ટોરી’ મેળવવા મુંબઈની ગલી ગલી ફરતા રહે. આ રઝળપાટ દરમ્યાન તેમણે જે મુંબઈ જોયું તેનું આલેખન ‘ચક્ર’ નામની નવલકથામાં ખૂબ જ વેધકતાથી કર્યું. ભાઉ પાધ્યેની ‘વૈતાગવાડી’થી ‘વાસુનાકા’ સુધીની કૃતિઓ, ઉપરાંત મુંબઈના છેવાડામાં વસતાં જન અને તેમના જીવનને નિરૂપતાં કાવ્યો પણ મરાઠીમાં મોટી સંખ્યામાં લખાયાં છે. 

પણ ઝૂંપડપટ્ટી એ જોવા-બતાવવાની જગ્યા છે? બહારગામથી કે પરદેશથી આવતા ટુરીસ્ટોને જોવા લઈ જવા જેવી જગ્યા છે? અને આવી જગ્યાઓ જોવા કોઈ જાય શું કામ? કઈ રીતે જાય?

આ, અને આવી બીજી વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ઓગસ્ટ 2024

Loading

...102030...606607608609...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved