સંતાનના જન્મ સાથે મા પણ જન્મે છે અને સંતાનના ઉછેરના વિવિધ તબક્કા સાથે મા પણ ઉછરતી જાય છે. સંતાન માટે પ્રેમ અને ત્યાગમાં સમજ અને મેચ્યોરિટી પણ ઉમેરાતાં જાય ત્યારે સંતાન સાથેના એના સંબંધમાં નવાં સુંદર પરિમાણો ઊઘડતાં જાય છે.
માતૃત્વ લોહીના સંબંધો પૂરતું સીમિત છે કે એની બહાર પણ એ હોઈ શકે? જે કસોટીમાં મા તવાય છે, ઘવાય છે, નીચોવાય છે, વલોવાય છે; માતૃત્વની એ કસોટી એની કુખેથી જન્મ લીધેલા સંતાન સિવાયના કોઈ માટે પણ હોઈ શકે?
અમુક સંબંધો જીવનભરની સાધના હોય છે. એના ‘ડે’ હોય નહીં. જેમ કે મધર્સ ડે. માતૃત્વ એક શાશ્વત અનુભૂતિ છે. સમય અનુસાર, વ્યક્તિત્વ પ્રમાણે અભિવ્યક્તિ થોડી બદલે એમ બને; પણ મા, મા જ રહે છે. સંતાનનું કુશળક્ષેમ હંમેશાં હૈયે રાખતી અને એને માટે જાત ઘસી નાખતી મા દરેક વ્યક્તિ, દરેક ઘર માટે વરદાન છે. મે મહિનાનો બીજો રવિવાર એટલે મધર્સ ડે – જીવનમાં માતાએ જે પ્રદાન કર્યું છે તેને માટે કૃતજ્ઞ થવાનો દિવસ. સંતાનના જન્મ સાથે માનો પણ જન્મ થાય છે અને સંતાનના ઉછેરના વિવિધ તબક્કા સાથે મા પણ ઉછરતી જાય છે. સંતાન માટે પ્રેમ અને ત્યાગ તો એના લોહીમાં હોય જ છે; પણ એની સમજ, એની મેચ્યોરિટી પણ સાથે સાથે ખીલતાં જાય ત્યારે સંતાન સાથેના એના સંબંધમાં નવાં સુંદર પરિમાણો ઉમેરાતાં જાય છે.
માતૃત્વ લોહીના સંબંધો પૂરતું સીમિત છે કે એની બહાર પણ એ હોઈ શકે? જે કસોટીમાં મા તવાય છે, ઘવાય છે, નીચોવાય છે, વલોવાય છે; માતૃત્વની એ કસોટી એની કુખેથી જન્મ લીધેલા સંતાન સિવાયના કોઈ માટે પણ હોઈ શકે? સમય પલટાઈ રહ્યો છે અને ‘પહેલાં માતાપિતાનું માનવું, પછી પતિ કહે એમ જીવવું ને ત્યાર પછી સંતાનો ઈચ્છે તેમ કરવું … તો સ્ત્રી પોતાની જિંદગી ક્યારે જીવે’ એવો સવાલ છેલ્લા થોડા દાયકાથી પુછાઈ રહ્યો છે ત્યારે યાદ આવે છે કાશી. એવી એક મા, જેના માતૃત્વની ધારા અનેક કસોટીઓ વચ્ચે પણ વહેતી રહી – પોતાની કુખેથી જન્મેલા સંતાન માટે જ નહીં, પણ તેનાથી પણ અદકેરા એવા માનસ-સંતાન માટે પણ. મધર્સ ડે નિમિત્તે યાદ કરીએ કાશીના દીકરાને અને એની બીજી બાને.

વિનોદિની નીલકંઠ
આ કાશી એટલે વિનોદિની નીલકંઠની વાર્તા ‘દીકરો’ની અંબા. કાન્તિ મડિયાએ દોઢ પાનાંની એ વાર્તા પરથી બનાવેલી ફિલ્મમાં એનું નામ કાશી રાખ્યું. પણ વાર્તા અને ફિલ્મ બંનેમાં એનું જે નામ છે, ‘બીજી બા’ એ જ એનું સાચું નામ છે. આ ‘કાશીનો દીકરો’ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાઈ ને બિરદાવાઈ. ગરબા, લોકકથા અને કેડિયા-ધોતિયાવાળી ગુજરાતી ફિલ્મોના એ દોરમાં ‘કાશીનો દીકરો’એ વિવેચકોનું ધ્યાન ખેંચેલું, થોડા પુરસ્કાર મેળવેલા અને કલ્ટ ફિલ્મ તરીકે આજે પણ એનું નામ લેવાય છે એ ખરું, પણ દર્શકોએ તેની સદંતર ઉપેક્ષા કરી હતી અને એક તબક્કે કાન્તિ મડિયાએ દુ:ખ સાથે કહેવું પડ્યું હતું કે રોક્યા હતા તેના પોણા ભાગના પૈસા પણ પાછા આવ્યા હોત તો હું બીજી કોઈ સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવત.
આપણે વાત કરીએ બીજી બાની. કાશી પરણીને આવી ત્યારે એની સાસુના ખોળામાં બે વર્ષનો દીકરો રમતો હતો. સાસુએ એને કાશીની ગોદમાં મૂક્યો ને કહ્યું, ‘જો કેશવા, આ તારી બીજી બા.’ નાનકડો કેશવ પોપટની જેમ બોલ્યો, ‘બીજી બા’ અને એ ઘડીથી કાશી એની મા બની ગઈ. કેશવ એની બીજી બા પાસે એવું લાલનપાલન પામવા લાગ્યો કે કાશીના પતિ અંબાલાલને ક્યારેક એના નાના ભાઈની અદેખાઈ આવી જતી. સમય જતાં કાશીને પોતાનો દીકરો થયો. એ પણ કાશીને બીજી બા જ કહેતો અને કેશવ યુવાન થયો ને રૂપકડી વહુ લાવ્યો એ પણ એને બીજી બા જ કહેવા લાગી.
પણ સુખી કુટુંબને નજર લાગી. લગ્ન પછી તરત કેશવ એરુ આભડવાથી મૃત્યુ પામ્યો. તરુણ રમાને વૈધવ્યવેશમાં જોઈને કાશીને ખૂબ સંતાપ થતો, ‘મારા જ કોઈ પાપે કેશવો ચાલ્યો ગયો.’ એણે રંગીન વસ્ત્રો છોડ્યાં. સૌભાગ્યચિહ્ન સમા ચાંદલા સિવાય તમામ શણગાર છોડ્યા. રમાને પિયર મોકલી સારું ઠેકાણું જોઈ પરણાવી દેવી જોઈએ એવું કાશી અને અંબાલાલ વિચારતા હતા, પણ રમા તૈયાર ન થઈ – ‘બીજી બા, મારી ગાંઠ એમની સાથે બંધાઈ ચૂકી. હવે તો એમનાં સંભારણાં એ જ મારો સંસાર.’ કાશીએ બહુ સમજપૂર્વક યુવાન વિધવાને જીવનભર સાચવવાની કપરી જવાબદારી સ્વીકારી.
અંબાલાલને નાના ભાઈના મૃત્યુનો આઘાત તો લાગ્યો હતો, પણ પાંચ-છ મહિને એનું શરીર જાગ્યું અને કાશીના શરીરને માગવા લાગ્યું. કાશી ઢીલી થઈ જતી, ‘સુખ ભોગવવા જેવડો કેશવ ચાલ્યો ગયો, બિચારી વહુ – એના તો મોઢે સુધી આવીને કોળિયો ઝૂંટવાઈ ગયો. આપણે તો આટલા વરસ ભોગવ્યું છે. હું જાણું છું, વારેવારે ના પાડીને હું અસ્ત્રી તરીકેનો ધરમ ચૂકું છું. પણ તમારે પગે પડું છું, મને માફ કરો.’ અંબાલાલ પછી કશું બોલતો નહીં. એક વાર કાશી બહારગામ હતી અને અંબાલાલ રમા પર બળજબરી કરી બેઠો. પાછા આવીને રમાનો ગભરાટ અને અંબાલાલનો ભીતિભર્યો અપરાધભાવ જોઈ કાશીને પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેણે આમાં પણ પોતાનો જ વાંક જોયો – પોતે પતિને શરીરસુખથી વંચિત રાખ્યો અને રમાને એકલી છોડીને ગઈ એથી આ થયું. માંડ કડવો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યાં ખબર પડી કે રમા સગર્ભા છે.

કાન્તિ મડિયા
ખોરડાની આબરૂ સાચવવા કાશીએ કમર કસી. આડોશપડોશમાં દેખાવ એવો કર્યો કે પોતે સગર્ભા છે. રમાનું શરીર ચાડી ખાય એ પહેલા કાશી એને લઈને નીકળી ગઈ. દૂર ક્યાંક જઈ રમાને સધવાનો પોષક પહેરાવ્યો અને તેને પોતાની દીકરી જણાવી કાશીએ રમાની સુવાવડ કરાવી. ‘શું કહું, મારી મહિનો ગણવામાં ભૂલ થઈ કે આ વહેલો આવી ગયો, અમે તો તીર્થયાત્રામાં જ …’ કહેતાં રમા અને બાળકને લઈ ઘેર પછી ફરી. પાડોશણો કહે, ‘કાશી, તું તો સાવ લેવાઈ ગઈ.’ કાશીએ જવાબ આપ્યો, ‘આ ઉંમરે સુવાવડ વેઠવી સહેલી છે, બાઈ?’ કોઈએ કહ્યું, ‘દીકરો અંબાલાલભાઈ જેવો જ લાગે છે.’ ત્યારે કાશી બોલી, ‘એમ? દીકરો બાપ જેવો લાગે એમાં શી નવાઈ, પણ મને તો આ મારા કેશવ જેવો જ લાગે છે.’
પછી સૌના દેખતા તેણે રમાને બોલાવી અને તેના હાથમાં બાળક આપતાં બોલી, ‘આમ જ એક વાર મારાં સાસુએ કેશવને મારા ખોળે મૂક્યો હતો. હું આ બાળક તને સોંપું છું. મારાથી આ ઉંમરે આની વેઠ થશે નહીં, ને તારું ય ચિત્ત આનામાં પરોવાયેલું રહેશે. હું અભાગણી મારા કેશવને ન સાચવી શકી, પણ તું આને જરૂર સાચવજે.’ વહેતાં આંસું લૂછીને તેણે રમાનો દીકરો રમાને સોંપ્યો.
સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને નરેશ પટેલ નિર્મિત આ ફિલ્મમાં પટકથા-સંવાદ પ્રબોધ જોશીનાં અને દિગ્દર્શન કાંતિ મડિયાનું હતું. આધુનિક ગુજરાતી કવિઓનાં ઉત્તમ ગીતોને પસંદ કરીને સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ સંગીતબદ્ધ કર્યાં હતાં – એવા રે મળેલા મનના મેળ (બાલમુકુન્દ દવે), ગોરમાને પાંચે આંગળિયે પૂજ્યાં (રમેશ પારેખ), રોઈ રોઈ ઊમટે આંસુની નદી (માધવ રામાનુજ), મારી આંખે કંકુના સૂરજ આથમ્યા (રાવજી પટેલ) ને ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં (અનિલ જોશી). રાગિણી, રાજીવ, રીટા ભાદુરી, ગિરીશ દેસાઈ અને કાંતિ મડિયા મુખ્ય કલાકાર હતાં. 21 વર્ષની રાગિણીએ 50-60 વર્ષની કાશીની ભૂમિકા ખૂબ સરસ રીતે કરી હતી. એની આંખો ઘણું બોલતી હતી. માતૃત્વસભર સ્ત્રીની આંખોમાં એક જાતની કરુણા અને કરુણતા બંને હોય છે, જે તેની આંખોમાં દેખાતી હતી. ‘રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો’ આવું માધવ રામનુજે આવી જ કોઈ આંખોને જોઈ લખ્યું હશે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 મે 2024