Opinion Magazine
Number of visits: 9697793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના વિકાસ માટેનું વર્તમાન માૅડેલ અનુસરણલાયક ખરું ?

સુદર્શન આયંગાર|Samantar Gujarat - Samantar|23 January 2013

ગુજરાત બહાર જઈએ અને આૅટોરિક્ષા કે ટૅક્સીમાં બેસીએ અને ચાલક સાથે સંવાદ શરૂ થાય તો તરત પ્રતિભાવ આવે, ‘અરે સા’બ, આપ ગુજરાત સે હૈં, આપકે યહાં તો મોદીસાહેબને કમાલ હી કર દિયા હૈ. સબ એકદમ ચકાચક. સુનતે હૈ ગુજરાત કો સોને સા ચમકા દિયા હૈ. પૂરે ઇન્ડિયા સે રોટી-કપડાં-મકાન કી તલાશમેં લોગ આપકે વહાં જા કર રોટી કમા રહે હૈ. સભી રાજય ગુજરાત જૈસે હો જાયેં તો ઇન્ડિયા કા નસીબ ખુલ જાયે.’ આપણે સ્વીકારવું પડે કે ગુજરાતના મુખ્યમંત્રી એવી છવિ ઊભી કરી શક્યા છે કે છેલ્લાં દસ-બાર વર્ષોમાં ગુજરાતમાં થયેલા આિર્થક વિકાસ માટે તેમનું કરિશ્માસભર નેતૃત્વ જ જવાબદાર છે. લોકશાહીની રાજનીતિમાં આ પ્રયાસ નવો નથી, પરંતુ એ પણ કબૂલવું પડે કે આવા પ્રયાસમાં વર્તમાન મુખ્યમંત્રીને જેટલી સફળતા મળી છે તેટલી સફળતા અન્ય કોઈને મળ્યાનો સ્વાતંત્ર્યોત્તર ગુજરાતના ઇતિહાસમાં ઉલ્લેખ નથી. આ મુખ્યમંત્રીએ ૨૦૦૭ની ચૂંટણી સમયે પાર્ટીના ચૂંટણીઢંઢેરાને હડસેલીને ‘સલામત ગુજરાત – સમૃદ્ધ ગુજરાત’નો નારો આપેલો. લોકોમાં એવી છાપ છે કે આ વચન તેઓ પાળી શક્યા છે અને ગુજરાતે તેમના કુલ શાસનકાળમાં અતુલનીય અાર્થિક વૃદ્ધિ હાંસલ કરી છે અને જો એ પોતાને ‘વિકાસપુરુષ’ તરીકે ઓળખાવતા હોય તો તે એકદમ વાજબી છે. સલામતીને મુદ્દે તો તેઓ ગુજરાત તો શું આખા દેશમાં એક માત્ર ‘છાતીવાળો મરદ માણસ’ તરીકે પણ પંકાયા છે.

હકીકતે ગુજરાતમાં અાર્થિક વૃદ્ધિ થવા પામી  છે, પણ એ માત્ર છેલ્લાં દસ-બાર વર્ષમાં જ નહીં પરંતુ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ શરૂ થઈ છે. વિશેષમાં છેલ્લાં ત્રીસ વર્ષથી ઝડપી અાર્થિક વૃદ્ધિ થવા પામી છે. વર્તમાન દશકમાં થયેલી અાર્થિક વૃદ્ધિના પાયામાં આની પહેલાના બે દશકોમાં થયેલી વૃદ્ધિ રહેલી છે તે સમજવા જેવું છે. બીજો મુદ્દો ૨૦૦૦ની સાલ પછી અાર્થિક વૃદ્ધિ વિભિન્નરૂપે અંજાઈ જવાય તે રીતે દૃષ્ટિગોચર થવા લાગી છે તેનો છે. ગુજરાતના અને તેના વર્તમાન મુખ્યમંત્રીને નસીબે વર્ષ ૨૦૦૦ પછી એકેય કારમો દુષ્કાળ નથી પડ્યો. પીવાના પાણીની ખેંચ પડી નથી, કારણ કે કંઈક પૂર્વસૂરિઓના ભગીરથ પ્રયાસોના લીધે નર્મદાનાં નીર માત્ર ‘સાબરમતી રિવર’ને ‘ફ્રંટ’માં જ નથી વહેવડાવી રહ્યાં પણ નપાણીયા વિસ્તારોમાંના ગામડાંમાં વસતા લાખો લોકોની તરસ છિપાવી માનવતાને તરબોળ કરી રહ્યા છે.

વર્તમાન નેતૃત્વ અને નેતૃત્વમાત્રના શાસનકાળમાં ગુજરાતની અાર્થિક વૃદ્ધિની મિથ અને હકીકતોને જોઈએ. રાષ્ટ્રીય સ્તરે અાર્થિક વૃદ્ધિ માટે કુલ ઘરગથ્થુ પેદાશ(જીડીપી-ગ્રોસ ડાૅમેસ્ટિક પ્રાૅડક્ટ)ની વૃદ્ધિ જોવાય છે અને એ જ રીતે રાજય માટે રાજય ઘરગથ્થુ પેદાશ (એસડીપી-સ્ટેટ ડોમેસ્ટિક પ્રાૅડક્ટ)ના આંકડાઓનો આધાર લેવાય છે. ૧૨ જૂન ૨૦૧૨ના “ટાઇમ્સ આૅફ ઇન્ડિયા”માં દેશના આયોજન પંચના પૂર્વ સભ્ય પ્રોફેસર ભાલચંદ્ર મુંગેકરે એક લેખમાં આ પ્રમાણે દર્શાવ્યું હતું ઃ ૧૯૯૫-૨૦૦૦ અને ૨૦૦૧-૧૦ના બે  ગાળાઓમાં ક્રમશઃ ૮.૦૧ ટકા અને ૮.૬૮ ટકાના દરે અાર્થિક વૃદ્ધિ થઈ હતી. તે જ અરસામાં આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પણ અાર્થિક વૃદ્ધિના દરો લગભગ આટલા જ રહ્યા હતા. બે સમયગાળાઓ પૈકી એક પણ ગાળામાં ગુજરાત પહેલે ક્રમે ન હતું. ૧૯૯૫-૨૦૦૦ના ગાળામાં ગુજરાતનો ક્રમ બીજો હતો. પહેલા ક્રમ પર રાજસ્થાન હતું જયાં અાર્થિક વૃદ્ધિ દર ૮.૩૪ ટકા હતો. બીજા ગાળામાં એટલે ૨૦૦૦-૧૦ દરમિયાન ૧૧.૮૧ ટકાની અાર્થિક વૃદ્ધિ દર સાથે ઉત્તરાખંડ રાજય પહેલા ક્રમે હતું. બીજો ક્રમ હરિયાણા રાજયનો હતો જેનો વૃદ્ધિ દર ૮.૯૫ ટકા હતો. ગુજરાત ૮.૬૮ ટકા સાથે ત્રીજા ક્રમે હતું. બિહાર અને ઓરિસ્સા જેવા અાર્થિક દૃષ્ટિએ પછાત ગણાતાં રાજયો પણ ૨૦૦૦-૧૦ દરમિયાન અનુક્રમે ૮.૦૨ અને ૮.૧૩ ટકાના દરે વધ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રના વૃદ્ધિ દર જોઈએ તો આ જ સમયગાળામાં ઓરિસ્સામાં ૧૭.૫ ટકા અને છત્તીસગઢમાં ૧૩.૩ ટકા વૃદ્ધિ દર હતો, જે ગુજરાતમાં ૧૨.૬ ટકા હતો. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં ૨૦૦૨ પછી વૃદ્ધિદરમાં ઝડપી વધારો નોંધાયો છે. પરંતુ આ વૃદ્ધિ રોકડિયા પાકોમાં વધારાને લીધે થઈ છે. બી.ટી. કપાસ હેઠળ વાવેતર વિસ્તાર ઝડપથી વધ્યો અને તેનું કુલ ઉત્પાદન પણ ઝડપથી વધ્યું. પરંતુ અનાજ અને કઠોળ હેઠળ વાવેતર વિસ્તાર બહુ જ ઘટ્યો છે અને ૨૦૦૦ પછી જુવાર, બાજરા અને મકાઈ જેવા સ્થાનિક પાકો લગભગ નામશેષ થયા છે. જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચ્યું છે. ૨૦૧૧માં માથાદીઠ આવક પ્રમાણે પણ ગુજરાત પહેલા ક્રમે નહોતું આવી શક્યું અને તે હરિયાણા (રૂ. ૯૨,૩૨૭), મહારાષ્ટ્ર (રૂ. ૮૩,૪૭૧), પંજાબ (રૂ. ૬૭,૪૭૩), તામિલનાડુ (રૂ. ૭૨,૯૯૩) અને ઉત્તરાખંડ (રૂ.૬૮,૨૯૨) પછી છેક છઠ્ઠા ક્રમે રૂ. ૬૩,૯૯૩ સાથે હતું.

હવે ૨૦૦૦-૧૨ના સમયગાળા અને તે પહેલાના બે દશકોમાં થયેલા અાર્થિક વિકાસની તુલના કરીએ. કોઈ પણ દેશ કે રાજયના અાર્થિક વિકાસના પાયામાં રાજય દ્વારા પૂરી પાડવામાં આવેલી માળખાગત સુવિધાઓ છે. આમાં મુખ્યત્વે રસ્તા, વીજળી, પાણી અને ઉદ્યોગના સંદર્ભમાં જમીન અને ખાણ માટેના પરવાના વગેરે હોય છે. આંકડા જોતાં એવું જણાય છે કે ગુજરાત રાજય ૨૦૦૦ની સાલ પહેલાથી જ માળખાગત સુવિધાઓથી જ સજજ હતું એટલું જ નહીં પણ તેના આધારે ઉદ્યોગધંધા પણ ખૂબ વિકસેલા જ હતા. નમૂનાખાતર થોડા આંકડા તપાસી જઈએ. આ આંકડા સરકારના અર્થશાસ્ત્ર અને આંકડા કચેરી દ્વારા બહાર પાડવામાં આવે છે. આ પ્રકાશન દર વર્ષે ‘સામાજિક-અાર્થિક સમીક્ષા- ગુજરાત’ના શીર્ષક હેઠળ બહાર પડે છે. રસ્તાઓ અંગેના આંકડા જોતાં જણાય છે કે ૨૦૦૨ની સાલ પછી નવા રસ્તા ખાસ બન્યા નથી. રાજયમાં રસ્તાની કુલ લંબાઈ સન ૨૦૦૨માં ૭૪,૦૧૮ કિલોમીટર હતી જે વધીને ૨૦૦૯માં ૭૪,૧૧૭ કિમી થયેલી એટલે સાત વર્ષમાં ૯૯ કિમી વધી. ૨૦૦૨-૦૯ દરમિયાન ૫,૦૦૦ કિમી રસ્તા પર ડામર કરવામાં આવ્યો, જયારે ૧૯૯૧-૨૦૦૨ દરમિયાન ૨૩,૦૦૦ કિમી કરતા વધુ રસ્તા પર ડામર કરવામાં આવ્યો હતો. ૨૦૦૨-૦૯ દરમિયાન રાજય ધોરી માર્ગની કુલ લંબાઈ ૧૯,૧૬૩ કિમીથી ઘટી ૧૮,૪૬૦ થવા પામી હતી. આ ઘટાડો મુખ્યત્વે રાજય ધોરી માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રૂપાતંર કરવાને લીધે થયો હતો. જાણવાયોગ્ય છે કે આ યોજના કેન્દ્ર સરકારની છે. ગુજરાતમાં ૨૦૦૨-૨૦૦૯ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ૨,૩૮૩થી વધી ૩,૨૪૫ કિમી જેટલી થઈ હતી. કેન્દ્ર સરકારે રેલવેની બાબતમાં પણ ૨૦૦૦-૧૧ દરમિયાન સારો વધારો સાધ્યો છે. ગુજરાતમાં બ્રાૅડગેજ લાઇનની લંબાઈ ૧૯૮૦માં ૧૩૧૨ કિમી હતી જે ૧૯૯૦માં વધીને ૧૭૧૩ કિમી (૩૦.૧ ટકા વધારો), ૨૦૦૦માં ૧૯૫૬ કિમી (૧૪.૩૧ ટકા વધારો) અને ૨૦૦૯માં ૩૧૯૩ કિમી એટલે (૬૩.૨૩ ટકા વધારો) થઈ હતી.

અાર્થિક વિકાસ માટે બીજી પાયાની સગવડ વીજળી છે. ગુજરાત વીજ ઉત્પાદન તેમ જ પુરવઠાની નિયમિતતામાં અન્ય રાજયોની સરખામણીમાં પહેલેથી જ આગળ અને નિયમિત છે. અલબત્ત, છેલ્લા દાયકામાં ગામડાંઓમાં વીજ પુરવઠાની સ્થિતિ વધારે સુધરી છે જે પ્રશંસનીય છે. ૨૦૦૨-૧૨ દરમિયાન જયોતિર્ગામ યોજનામાં ખેતી અને બીજા ઉપયોગ માટે ટ્રાન્સમીટર જુદા કરીને નવીન વ્યવસ્થા ગોઠવી તે કારગર નીવડી છે. પણ વીજ ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદન બંને ૧૯૯૦ પછીના સમયથી જ વધુ વૃદ્ધિ પામ્યાં હતાં. ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન વીજ ઉત્પાદન ક્ષમતા ૪૮૨૩ મેગાવોટથી વધી ૮૩૪૩ મેગાવોટ થઈ હતી. આ વધારો ૧.૭૩ ગણો હતો. ૨૦૧૦માં આ ક્ષમતા ૧૨,૦૦૮ મેગાવોટે પહોંચી હતી જે ૧.૪૪ ગણી હતી. તે જ રીતે વીજ ઉત્પાદન ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન ૨૨,૮૩૪ મેગાવોટથી વધીને ૪૯,૩૭૯ મેગાવોટ થયું જે ૨.૨ ગણું હતું. જયારે ૨૦૦૦-૨૦૧૦માં વીજ ઉત્પાદન ૪૯,૩૭૯ મેગાવોટથી વધી ૬૯,૮૮૩ મેગાવોટ એટલે ૧.૪૧ ગણું થયું. ક્ષમતા વધારાની વૃદ્ધિની તુલનામાં ઉત્પાદનમાંનો વૃદ્ધિ વધારો ઓછો હતો. આ પરિસ્થિતિ ઘણા ખાનગી વીજ ઉત્પાદકો હોવા છતાં હતી.

રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય તો અાર્થિક વિકાસ હોય તે સ્વાભાવિક છે. ધંધો વધે, આવક વધે અને લોકો ઘર બનાવે, વાહનો વસાવે વગેરે. વાહનો અંગેના આંકડા જોઈએ. ૧૯૮૦-૯૦ દરમિયાન દ્વિચક્રી વાહનોની સંખ્યા ૨.૪૧ લાખથી વધી ૧૨.૫૩ લાખ થઈ હતી જે ૫.૨ ગણી વધુ હતી, ૨૦૦૦માં ૩૬.૭૩ લાખ થઈ જે ૧૯૯૦ પર ૨.૯૨ ગણો વધારો હતો, અને ૨૦૧૧માં આ સંખ્યા ૯૯.૬૧ લાખ થઈ હતી જે ૨.૩૭ ગણી વધારે હતી. આમ સ્પષ્ટ થાય છે કે ૧૯૮૦-૯૦ અને ૧૯૯૦-૨૦૦૦માં દ્વિચક્રી વાહનોમાં વધારો વધુ હતો અને આ વધારાનો દર ૨૦૦૦-૨૦૧૦માં ઘટ્યો. મોટરકારનો કિસ્સો પણ આવો જ છે. ૧૯૮૦માં ૫૩,૦૦૦ મોટરકારો હતી જે ૧૯૯૦માં વધી ૧.૪૨ લાખ થઈ હતી જે ૨.૬૮ ગણો વધારો હતો, ૨૦૦૦માં ૩.૯૮ લાખ થઈ જે ૨.૮૧ ગણાનો વધારો હતો, અને ૨૦૧૧માં ૧૩.૦૪ લાખ થઈ જે ૨.૬૫ ગણો વધારો હતો. આમ મોટરકારમાં વધારોનો દર ૧૯૯૦-૨૦૦૦માં વધુ હતો.

જીપ અને મુસાફરોની હેરફેર કરતી બસની સંખ્યાના વધારામાં પણ આ જ વલણ દેખાય છે. સમજવા જેવું એ છે કે ૨૦૦૦-૧૧ના ગાળામાં ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમની પરિસ્થિતિ કથળેલી જણાય છે. ૧૯૮૦-૮૧માં એસટી રૂટની સંખ્યા ૧૧,૨૦૨ હતી જે ૧૯૯૦-૯૧માં વધીને ૧૫,૬૩૧ થઈ હતી. ૨૦૦૦-૦૧માં ૨૦,૧૦૪ અને ત્યાર બાદ ૨૦૧૧ સુધી સતત ઘટતી રહી છે. ૨૦૧૧માં રૂટની સંખ્યા ૧૪,૮૬૭ હતી. બસની સંખ્યા પણ ૧૯૮૦માં ૬૬૭૮ હતી જે ૨૦૦૦માં ૧૦,૦૪૮ સુધી વધીને ૨૦૧૧માં ઘટીને ૭૬૨૧ સુધી પહોંચી હતી. મુસાફરોની સંખ્યા જે ૧૯૮૦-૨૦૦૦ સુધી ૩૫-૩૭ લાખ વચ્ચે રહેતી હતી, તે ૨૦૧૧માં ઘટીને ૨૨ લાખ પર પહોંચી હતી. જીપનો ઉપયોગ વધ્યો છે, જેને કાયદેસર નથી ગણવામાં આવી તેની સંખ્યામાં ભારે વધારો થયો છે. ૧૯૮૦માં જીપની સંખ્યા ૧૪,૩૨૮ હતી, જે ૨.૪ ગણી વધીને ૧૯૯૦માં ૩૪,૩૮૦ જેટલી થઈ હતી, અને ૨૦૦૦માં ૨.૬૩ ગણી વધી ૮૯,૦૮૭ થઈ હતી. ૨૦૦૦-૨૦૧૧ વધારાનો દર ફરીથી ઘટીને ૧.૭૨ ગણા જેટલો થયો અને ૨૦૧૧ સુધીમાં ગુજરાતમાં ૧૪.૫૩ લાખ જીપ હતી. ખાનગી બસો પણ ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન સૌથી ઝડપી દરે વધી હતી. ૧૯૮૦માં ૧૦,૯૯૭ બસો હતી જે ૧૯૯૦ સુધી ૧.૭૯ ગણી વધી ૧૯,૭૦૦ જેટલી થઈ અને ૨૦૦૦માં ૧.૯૫ ગણી વધી ૩૮,૪૯૬ પર પહોંચી હતી. ૨૦૧૦માં ખાનગી બસોના વધારામાં ઘટ આવી અને તે ૧.૬ ગણી વધીને કુલ ૬૮,૬૫૯ પર પહોંચી હતી. છેલ્લે માલની હેરફેર માટે વપરાતાં વાહનોની સંખ્યાના આંકડા તપાસીએ તો જણાય છે કે એમાં પણ વધારાનો દર ૧૯૮૦-૯૦ અને ૧૯૦-૨૦૦૦માં ૨.૬૫થી ૨.૬૯ ગણાનો હતો અને ૨૦૦૦-૨૦૧૦ દરમિયાન આ દર ઘટીને ૧.૯૭ ગણો થયો હતો. ૧૯૮૦માં માલવાહક વાહનોની સંખ્યા ૪૪ હજાર હતી જે ૧૯૯૦માં ૧.૧૬ લાખ, ૨૦૦૦માં ૩.૧૭ લાખ અને ૨૦૧૦માં ૬.૨ લાખ થઈ.

આપણે જોઈ શક્યા કે ૨૦૦૦-૧૧ના વર્ષોમાં ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારનો અસાધારણ અાર્થિક વિકાસ થયો તેવું જણાતું નથી. તો પછી આ સમયગાળાને આટલું શ્રેય કેમ મળી રહ્યું છે? આપણે જોયું જયારે વૃદ્ધિ માટેનો પાયો પહોળો થાય ત્યારે કુલ અસર મોટી થવા પામે છે. ૧૯૮૦માં બધા પ્રકારનાં વાહનોની સંખ્યા ૪ લાખથી થોડી વધારે હતી અને ૨૦૦૦માં ૪૪ લાખ અને ૨૦૧૧માં એક કરોડ સિત્તેર લાખ થઈ. હવે ગુજરાતના રસ્તાઓ પર પોણા બે કરોડ લાખ વાહનો દેખાય અને તેમાં પણ વોલ્વો બસ, વિદેશી બનાવટની તરેહવાર મોટરગાડીઓ, મોટર સાઇકલો, વગેરે દૃષ્ટિગોચર થાય તો તેની છાપ જુદી જ પડે છે. વેગીલા અાર્થિક વિકાસના પરિણામે સમૃદ્ધિનો વિસ્ફોટ થયો  તેવું લાગે. વાહનની માફક નવાં મકાનો, શહેરીકરણના લીધે નવાં  બજારો, હોટેલો, નવા પ્રકારના સિનેમા હાૅલ, ખાણી-પીણીનાં બજારો, શોપિંગ મોલ વગેરેનો રાફડો ફાટ્યો છે. નાનાં શહેરોમાં અને હાઇ-વે પર પણ પુષ્કળ ઝાકઝમાળ વધી છે. ૨૦૦૧માં શહેરી વસ્તી ૩૧ ટકા હતી જે ૨૦૧૧માં ૪૩ ટકા થઈ ગઈ. શહેરોમાં મધ્યમ વર્ગની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેઓ પાસે હવે અાર્થિક સમૃદ્ધિ દૃષ્ટિગોચર થાય છે અને તેનું ભદ્દું પ્રદર્શન પણ થાય છે. તેના લીધે એવી છાપ ઊભી થાય છે કે ૨૦૦૦થી ૨૦૧૧માં ગુજરાતમાં અાર્થિક વિકાસ ખૂબ ઝડપી થયો છે. આ છાપ ખૂબ ગાઈવગાડી અને જાહેરાતોના જોરે પણ ઊભી થવા પામી છે.

પણ આ ઝાકઝમાળ અને જાહેરાતોની સાથે ગુજરાતનું એક અંધારું પાસું પણ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને એવું સાબિત કરવા મથી રહી છે કે નવી અાર્થિક નીતિઓના લીધે મુક્ત બજારના વાતાવરણમાં ગરીબોને પણ રોજગારી અને કમાણીની તક મળી છે અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આંકડા એવું ચોક્કસ દર્શાવે છે કે વર્ષ ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૦૯-૧૦માં ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવનાર લોકોની ટકાવારી નિર્ણાયક રીતે ઘટી છે. પણ એમાં એવું ધારી લેવામાં આવ્યું છે ગરીબને જે રોજગારીમાંથી કમાણી થાય છે તેનો પ્રથમ ઉપયોગ તે પૌષ્ટિક ખોરાક ખરીદી પોતે અને તેના પરિવારના સભ્યોને ભરપેટ ખવડાવે છે. શહેર હોય કે ગામડું, ગરીબ પોતાના ખેતરમાં અનાજ ઉગાડી અન્નની બાબતે સ્વાવલંબી હોય એવા દાખલા ઓછા છે અને ઝડપથી ઓછા થઈ રહ્યા છે. રોજગારીથી તેમને રોકડા નાણાં જ મળે છે જેમાંથી અન્ન ખરીદવાનું હોય છે. સસ્તા અનાજની દુકાનો અને જાહેર વિતરણ વ્યવસ્થાની અંધાધૂંધીમાં સસ્તું અનાજ ક્યાં મળે? અને વળી બજારમાં લોભામણી વસ્તુઓ તો ભરેલી જ છે. એક આંકડો જોઈએ. ૧૯૯૭માં જયારે ૧ મિનિટ વાત કરવાના આઠ રૂપિયા થતા હતા ત્યારે ગુજરાતમાં ૪૧૦૦ મોબાઈલ ફોન હતા. દસ વર્ષમાં એટલે ૨૦૦૭માં આ આંકડો ૧ કરોડ પર પહોંચ્યો. બીજા ૧૭ મહિનામાં આ સંખ્યા બમણી થઈ અને ૨ કરોડના આંકડે પહોંચ્યો. ત્યારબાદના ૧૫ મહિનામાં જાન્યુઆરી ૨૦૧૦માં ગુજરાતમાં ૩ કરોડ મોબાઇલ હતા. ર્નિિવવાદ રૂપે કહી શકાય કે ગરીબો પણ મોબાઇલ રાખતા થયા. રોટલાની સામે મોબાઇલ રિચાર્જની પ્રાથમિકતા વધે તો નવાઈ નહીં.

યુનોની એક સંસ્થા ઇફપ્રી દ્વારા થયેલા એક અભ્યાસમાં એવું તારવેલું છે કે જયારે ૨૦૦૮ની સાલમાં ગુજરાતની માથાદીઠ આવક ૩૨૯૦ અમેરિકન ડોલર હતી (આ આંકડો ખરીદશક્તિને સરખાવીને કાઢવામાં આવે છે) ત્યારે ગુજરાતમાં ભૂખ આંક (હંગર ઇન્ડેક્સ) ૨૫ ટકા જેટલો હતો. નાઇજીરિયા, કેમરૂન, કેન્યા અને સુદાન જેવા જાણીતા ગરીબ આફ્રિકન દેશો જયાં તે જ વર્ષમાં માથાદીઠ આવક ૨૧૦૦ અમેરિકન ડોલર કરતા ઓછી હતી ત્યાં ભૂખ આંક ઓછો હતો. દેશમાં પણ ગુજરાત કરતાં ગરીબ રાજયોમાં આ આંક ઓછો હતો. ૧૭ મોટાં રાજયોની સરખામણીમાં ગુજરાત ૧૩મા ક્રમે હતું. ભૂખ આંક કાઢવા માટે ત્રણ સૂચકાંકોના પ્રમાણ લેવાય છે ઃ એક, વસ્તીમાં અપૂરતી કેલરી ધરાવતા ખોરાક લેનારનું પ્રમાણ; બીજું, પાંચ વર્ષથી નીચેનાં બાળકો પૈકી ઓછું વજન ધરાવનારાં બાળકોનું પ્રમાણ; અને ત્રીજું પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મૃત્યુદરનું પ્રમાણ. આનાથી સ્પષ્ટ ખયાલ આવે કે ગુજરાતમાં માનવ વિકાસઆંક નબળો છે.

દેશમાં આરોગ્ય સેવાની કાર્યક્ષમતા અંગેના એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે ૧૯૯૮-૦૧ના ગાળામાં અપાતી આરોગ્ય સેવાઓ સામે આરોગ્યના સૂચકાંકો પર વિધેયાત્મક અસરો થવા પામી હતી, જયારે ૨૦૦૬-૦૯ના ગાળામાં આ સ્થિતિ પલટાઈ હતી અને સેવાની કાર્યક્ષમતા ઓછી થઈ જણાતી હતી. ૨૦૦૯-૧૧ના ગાળામાં સેવાની કાર્યક્ષમતા સુધરવા પર જણાઈ હતી. પણ ઝડપી અાર્થિક વૃદ્ધિ પામતાં રાજયો કે દેશોમાં રાજય દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ કાર્યક્ષમ જ રહેશે તેની ખાતરી થતી નથી. સર્વવિદિત છે કે નવી અાર્થિક નીતિના અમલ બાદ જાહેર આરોગ્ય સેવાઓ વધુ કથળી છે અને સરકારો સેવાઓ ઓછી કરી રહી છે. લોકોમાં પણ એવી છાપ છે કે ખાનગી સેવાઓ જ વધુ કાર્યક્ષમ છે અને ત્યાં જ સારું થાય છે. પણ ખાનગી આરોગ્ય સેવાઓનો ભારે ખર્ચ ઉઠાવવો પડે છે. આ દેશમાં હવે ગરીબે બિમાર પડવું એ ગુનો બની રહ્યું છે, ગુજરાતમાં સવિશેષ. સાથે હરીફાઈમાં વિદેશી ‘ગરીબો’ પણ મેડીકલ ટૂરિઝમમાં અહીં શાતા અનુભવે છે.

શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતની પરિસ્થિતિ સારી જણાતી નથી. ખાનગીકરણનો અર્થ મહ્દ અંશે અને માત્ર નફા માટે ચાલે તેવું જ કરવામાં આવ્યું છે. ગામડાંની સરકારી અને શહેરોની સુધરાઈની શાળાઓમાં શિક્ષણ સિવાય બધું જ થાય છે. મોટા પગાર લેવાવાળા મોટાભાગના શિક્ષકો શીખવા અને શીખવાડવા પ્રત્યે પ્રયત્નપૂર્વક ઉદાસીન છે. તેઓ નોકરી ઉપરાંત બીજા ધંધાઓ અને સ્થાનિક રાજનીતિમાં સક્રિય છે. ઓછા પગાર સાથે કામ કરતા રાજનીતિમાં સક્રિય છે. ઓછા પગારે સાથે કામ કરતા તરેહવારના શિક્ષક-સહાયકો બધા પ્રકારના ભાર વેંઢારે છે. મકાનો ચણી દેવાથી, માથા મૂકી દેવાથી, અને કમ્પ્યૂટર લેબ બનાવી દેવાથી શિક્ષણ આપોઆપ વિદ્યાર્થીઓના ભેજામાં ઊતરી જવાનું નથી. અંતરિયાળ વિસ્તારોમાં આવેલાં ગામોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો અત્યંત નબળા પણ છે અને ભણાવતા પણ નથી. ગરીબ અને ગામવાસીઓ અને વિશેષમાં આદિવાસીઓ અને નબળા વર્ગો નવેસરથી વંચિત બની રહ્યા છે. ઇજનેરી અને તબીબી કાૅલેજોમાં બેઠકોની સંખ્યા તો વધી છે, પણ તે બધી પેમેન્ટવાળી છે. ખાનગી કાૅલેજોની ફી ગરીબોને પોસાય એવી છે જ નહીં અને તેનાથી યોગ્ય ગરીબ વિદ્યાર્થીઓનું અંતર વધી રહ્યું છે. ગરીબો માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ, ખર્ચ અને ગુણવત્તાના ગંભીર પ્રશ્નો છે. આમ, આરોગ્ય હોય કે શિક્ષણ, ગામડાંઓમાં લગભગ બધી જાહેર સેવાઓ નબળી પડી રહી છે. એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે કે લોકો ગામડાં છોડીને શહેરોમાં ભાગી આવે, જયાં તેઓ ગુમનામ જીવન વ્યતીત કરતા થઈ જાય છે.

મૂળ પ્રશ્ન એ નથી કે ગુજરાતમાં ૨૦૦૦ની સાલ પછી થયેલ અાર્થિક વૃદ્ધિ અને વિકાસ તેની પહેલા થયેલા વિકાસની સરખામણીમાં વધુ ઝડપી છે કે નહીં. એ મુદ્દો એટલે ચર્ચ્યો છે કારણ કે એવી હવા ઊભી કરવામાં આવી છે કે ગુજરાતમાં જે અાર્થિક વિકાસ અને વૃદ્ધિ થવા પામી છે તે બધી છેલ્લાં દસ-બાર વર્ષમાં જ થઈ છે. મૂળ મુદ્દો તો એ છે કે અાર્થિક વૃદ્ધિનું માૅડેલ ગુજરાતનું હોય કે કેન્દ્ર સરકારનું, બંનેમાં માનવીય વિકાસ થવાની સંભાવના ખૂબ ઓછી છે. ગુજરાત સરકાર કે તેના નેતા ગુજરાતના હાલના અાર્થિક વૃદ્ધિના માૅડેલને બિરદાવતા હોય અને તેને અનુસરણયોગ્ય ગણતા હોય તો તે ભયજનક છે. આપણે જોયું કે આ માૅડેલ ગુણવત્તાસભર માનવવિકાસ માટેની સરખી તકો પૂરી પાડવામાં અયોગ્ય સાબિત થઈ રહ્યું છે. ખરીદશક્તિ એટલે રોકડ નાણાંની શક્તિ તે હોય તો આ સમાજમાં ટકી શકાય છે.

આ માૅડેલની બીજી એક ગંભીર મર્યાદા છે જે ધીમે ધીમે બહાર આવી રહી છે. ગુજરાત આ અાર્થિક સમૃદ્ધિની ઝાકઝમાળથી એટલું અંજાઈ ગયું છે કે આપણને ચારેકોર થઈ રહેલો પર્યાવરણ અને પરિસ્થિતિકીનો નાશ દેખાતો નથી. ઉદ્યોગો સ્થાપવાના ઉત્સાહમાં પર્યાવરણના પ્રશ્નોની ઉઘાડી ઉપેક્ષા કરવામાં આવે છે. સરકાર પ્રદૂષણ અંકુશ માટે સ્વતંત્ર નિગમ રાખે છે, નવીનતામાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ પણ ખોલ્યો છે, પણ ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ કુખ્યાત પ્રદૂષિત સ્થાનો છે જેને આપણે પણ વાપી-અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં દુનિયામાંથી નિષ્કાસિત થયેલા પર્યાવરણ માટે જોખમી એવી આગબોટોને તોડવાનું કામ ચાલે છે. ત્યાં મજબૂર ગરીબ મજૂરો દેશના જુદા જુદા ભાગોમાંથી રોટીની શોધમાં આવી માંદા પડીને મરવાની તૈયારી સાથે પાછા જાય છે. ૧૬૦૦ કિમીના સાગરકાંઠા માટે ગૌરવ લેવાવાળું ગુજરાત, તે તમામ વિસ્તારને ઉદ્યોગાચ્છાદિત કરી ઝેરીલો બનાવી દેવા માગે છે. ગુજરાતનાં જમીન, પાણી અને હવા ઝેરીલાં બન્યાં છે અને તેના તરફ સરકારોએ દુર્લક્ષ જ સેવ્યું છે. સંકટ એ છે કે પર્યાવરણ સંબંધી કેટલાંક નુકસાન નાફેર છે. આપણે તે સંપદા કે પર્યાવરણીય આરોગ્ય કાયમ માટે ગુમાવ્યાં છે. પર્યાવરણીય જોખમ ઊભા કરનારા ઉદ્યોગોની મર્યાદા એ છે કે તેઓ ઉદ્યોગ વસાવે છે પણ નજીકના ક્ષેત્રમાં વસતા લોકોને પ્રદૂષણના લીધે બેરોજગાર અને બેઘર કરે છે. આ પ્રક્રિયાને લીધે એવા લોકોની જમાત ઊભી થઈ રહી છે જે સરકાર અને સમાજની નજરે અદૃશ્ય બને છે.

સાગરકાંઠાથી અડીને ગુજરાતનો સૂકો અને અછતગ્રસ્ત વિસ્તાર છે. સદીઓથી અહીં ખેતી સ્વાવલંબન માટે હતી અને કેટલાક વિસ્તારમાં દેશી કપાસ અને મગફળી પકવવામાં આવતાં. મોટા ભાગના વિસ્તાર ગોચર અને અન્ય જાનવરો માટે ચરિયાણ હતા. ગાય, બળદ, ભેંસ, તથા ઘેટા-બકરા સાથે તેના ઉછેર માટે માલધારીઓની મોટી વસતી હતી. કેટલાક વિસ્તારોમાં મીઠું પકવનારા અગરિયાઓ પણ ખરા જ. અને આ તમામ સાથે જીવનારા અને જુદા જુદા પ્રકારની સેવા આપનારા વિચરતી જાતિના લોકો અને નટ-બજાણિયાઓ પણ હતા. ઉદ્યોગો આવવાને લીધે જમીનો પર દબાણ વધ્યું છે અને સરકાર બમણા ઉત્સાહથી પોતે જ માલિક હોય તેમ જમીનોની લહાણી કરે છે. અર્થશાસ્ત્રીઓ અને આધુનિક બુદ્ધિમાનોની દૃષ્ટિ ટૂંકી છે, તેઓ જોઈ નથી શકતા કે જમીનનો માલિક દેખીતી રીતે ઓળખાય તેવો એક જ હોય છે. પરંતુ તેના પર નભનારા ઘણા છે. એટલે માત્ર જમીનમાલિકને વળતર આપી દેવાથી તે જમીન પર નભનારા તમામની આજીવિકાને વળતર ચૂકવી શકાતું નથી. આ બધા ગુજરાતના નવા અદૃશ્ય લોકોની જમાતમાં ભળે છે.

ઉદ્યોગો તથા શહેરીકરણ હેઠળ આવી જતી જમીનોના લીધે અદૃશ્યોની જમાત વધે છે તેનો એક અન્ય દાખલો પણ છે. વર્તમાન સરકારનો એવો દાવો છે કે દેશ આખામાં તેણે જમીન માટે આદર્શ વળતર વ્યવસ્થાનો દાખલો બેસાડ્યો છે. જેની પાસેથી સરકાર જમીન લે છે તેને વળતર સ્વરૂપે બજારભાવ આપે છે. એ હકીકત છે કે ગુજરાતમાં જમીનોના ભાવ આસમાને ગયા છે અને જમીન પર નભતા નાના અને સીમાંત ખેડૂતોને પણ વળતર સ્વરૂપે લાખો રૂપિયા મળ્યા છે. પરંતુ, જમીન જેવી નક્કર ભૌતિક અસ્કામતને નાણાકીય મૂડીમાં ફેરવ્યા પછી તેમાંથી મળતા વ્યાજ દ્વારા જ જીવનનિર્વાહ કરવાનું ડહાપણ અને પરિસ્થિતિ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. જો આ નાણાકીય મૂડી વપરાઈ જાય તો આ જમીનવિહોણો નવો સમુદાય પણ ગુજરાતના અદૃશ્ય લોકોની જમાતમાં જોડાશે તે ધ્યાનમાં લેવા જેવું છે. નિકટના ભૂતકાળમાં જ ટાટાને એસએમએસ પર જમીન આપવાનો જે ‘દિલેર’ કાર્યક્રમ મુખ્યમંત્રીએ સરકાર દ્વારા કરાવ્યો તે બહુર્ચિચત ‘નૅનો’ પ્રોજેક્ટમાં ઘણા નાના-મોટા ખેડૂતોની જમીન પર બજારભાવે લેવાઈ. એવું કહેવાય છે કે મોટા ભાગના લોકોએ જમીનોને વેચ્યા પછી મળેલા રૂપિયામાંથી મોટા બંગલા ખરીદ્યા (જેના જમીનના ભાવોનો લાભ દલાલોને જ મળેલો!), મોંઘી ગાડીઓ (જેમાં ‘ઔડી’ નામ બોલતાં ન આવડે એટલે તેના આગળના ભાગમાં ચાર ધાતુનાં નાનાં વર્તુળ હોય છે તે પરથી એનું નામ ‘ચાર બંગડીવાળીઓવાળી’ એમ બોલાય) લીધી, લગ્નોમાં ધૂમ ખર્ચા કર્યા અને હજી પણ દારૂની મહેફિલો જમાવી મસ્ત છે. પોતાને મળતાં નાણાં વાપરવાની વ્યક્તિગત સ્વતંત્રતા ચોક્કસ હોઈ શકે પણ તેમાં સમાજનું ભલું થતું નથી તે નિશ્ચિત છે. જમીનો પ્રદૂષિત થાય છે. પર્યાવરણીય ખતરો તો છે જ પણ સામાજિક કિંમત પણ સમાજે ચૂકવવાની થશે તેની અવગણના ન થઈ શકે.

પર્યાવરણની ચર્ચાના સંદર્ભે જંગલો અને ખાણોની ચર્ચા પણ જરૂરી બને છે. દેશમાં એવો કાયદો બન્યો છે કે જંગલોમાં રહીને વર્ષોથી આદિવાસી પ્રજા જો ખેતી માટે જંગલોની જમીન ખેડતી હોય તો તેને તેવી જમીનો તેના નામે કરી આપવી. ગુજરાતમાં આ કાયદાનો અમલ અત્યંત નિષ્કાળજીપૂર્વક થયો છે. આના માટે તાલુકા કક્ષાએ બનેલી સમિતિએ શરૂ કરી રાજય કક્ષા સુધીનું તંત્ર જવાબદાર છે. બીજી તરફ જંગલોમાંથી વાંસ અને લાકડા કાગળની ફેક્ટરીઓ અને શહેરોના ઉપયોગ માટે નિયમમાં અને નિયમ બહાર મોકલી દેવાય છે. ખાણનો પ્રશ્ન બિહાર, ઓરિસ્સા જેટલો વિશાળ ભલે ન હોય, પણ પ્રદૂષણ અને નિયમનના પ્રશ્ને એટલો જ ગંભીર છે. ગુજરાતના જે આદિવાસીઓ શિક્ષણ મેળવી પાર નથી તરી ગયા, એટલે સરકારી નોકરો નથી થઈ ગયા તેઓ નવેસરથી હાંસિયે ધકેલાઈ રહ્યા છે અને સરવાળે ગુજરાતની અદૃશ્ય જનતામાં ભળી જવાના છે.

કહેવાતા ‘ગુજરાત માૅડેલ’માં જે પામી ગયા છે તેઓ રાજી થઈ નેતાની પાછળ ડીમડીમ વગાડી રહ્યા છે. તેઓ આવનારા દાયકાઓમાં હજી જોરશોરથી પ્રકૃતિનું શોષણ કરવાના છે અને નાણાં અને ટેકનોલોજીના જોરે પોતાના આવાસો, પાડોશ અને સીમિત વિસ્તારોને પ્રદૂષણમુક્ત કરીને મહાલશે. પરંતુ જે રહી ગયા તે હજુ વધારે અદૃશ્ય થવાના છે. ગાંધીજીએ જે તિલિસ્મ આપેલું તેમાં તો દરેક મૂંઝવણ વખતે છેલ્લામાં છેલ્લા માણસને યાદ કરીને તેના ભલા માટે કંઈક થતું હોય તેવું કરવા માર્ગદર્શર્ન હતું. આજે એવો પ્રશ્ન થાય કે શું આજે આપણી વચ્ચે ગાંધી છે ખરા?

કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

(સદ્દભાવ : “નિરીક્ષક”, 01 જાન્યુઅારી 2013)

Loading

સટાક !

ચિરાગ ઠક્કર|Opinion - Short Stories|23 January 2013

માથા ઉપર જાણે લોખંડનો દડો મૂક્યો હોય, તેમ તેનાથી ઊભું થવાયું નહિ. બંને હાથનો ટેકો લઈને તેણે ધડને ઊભું થવા ધકેલ્યું. માથું પણ તેની સાથે-સાથે ઊચકાયું. સ્નો જાણે બહાર નહિ તેની પર જ પડ્યો હોય તેમ તે ધ્રુજતો હતો. બે પગની ઉપર અને માથાની નીચે જાણે બરફની એક પાટ હોય, તેમ તેને ધડ હોવાનો અહેસાસ જ નહોતો થતો. અઠવાડિયા જૂની ગંજી, બગલમાંથી ફાટેલું થર્મલ ટોપ, શર્ટ, જમ્પર અને જેકેટ – જાણે બધું જ ગાયબ થઈ ગયું હોય, તેમ તેનું શરીર આ વિદેશી વાતાવરણમાં થરથરતું હતું. તેને જોબ પર નહોતું જવું.

‘સટાક!’ તેણે પોતાની જાતને ઊઠાડી. ‘જોબ પર નહિ જઉં તો પાઉન્ડ કોણ આપશે?’ તેના વિઝા પર તો છાપેલું હતું, ‘No recourse to public funds.’

એ જ રૂમમાં રહેનારા બીજા ત્રણ છોકરામાંથી એક તો હજુ નાઇટ-શિફ્ટ પતાવીને પાછો જ આવ્યો નહિ હોય, તેમ તેના બંકબેડ પરથી લાગતું હતું. બીજા બે છોકરાઓ બહાર સ્નો-મેનની જોડે ફોટા પડાવવામાં વ્યસ્ત હતા, તેવું તેને બારી ખોલ્યા વિના જ દેખાયું કારણ કે સિંગલ ગ્લેિઝંગવાળી એ બારીને પડદો નહોતો, માત્ર પાતળી કધોણ સફેદ વૉઇલ હતી. ઊભા થતી વખતે તેનાથી ધ્યાન રહ્યું નહિ અને તેના બેડની ઉપરના બેડ સાથે તેનું માથું અથડાયું, પણ તેને વાગ્યાનો કંઈ અહેસાસ ન થયો. આખા શરીરમાં જાણે એનેસ્થેટિક – ચેતનાવિહીન અવસ્થા પ્રસરેલી હતી. તેણે બેડની બહાર પોતાના પગ ધકેલ્યા. બંકબેડનો સળિયો પકડીને તે માંડ-માંડ ઊભો થયો, પણ એટલામાં તો તે હાંફી ગયો. જાણે ખીલા ઠોકીને તેના પગ વુડન-ફ્લોર પર જડી દીધા હોય, તેમ મહાપરાણે ડગલાં ભરતો તે રૂમના દરવાજા પાસે પહોંચ્યો. હંમેશાં બંધ રહેતા હીટર પર અજાણતાં જ તેનો હાથ અડ્યો અને એ ઠંડા સ્પર્શથી તે પાછો ધ્રુજી ગયો. લેન્ડ-લોર્ડને બે-ચાર સંભળાવી દઈને બીજે રહેવા જવાનો વિચાર આવી ગયો.

‘સટાક ! અઠવાડિયાના પાંત્રીસ પાઉન્ડમાં ક્યાં ય રૂમ મળે છે?’ દર અઠવાડિયો મળતા દોઢસો પાઉન્ડના પગારમાંથી થાય એટલી બચત કરી તેણે દેવું પૂરું કરવાનું હતું અને આવતા વર્ષે પૂરા થઈ રહેલા તેના સ્ટુડન્ટ વિઝાના એક્સ્ટેન્શન માટે પણ ત્રણેક હજાર પાઉન્ડ ભેગા કરવાના હતા.

હંમેશની જેમ ઠંડા પાણીથી બ્રશ કર્યું પણ મોઢું ધોતા પહેલાં તેણે હિંમત એકઠી કરવી પડતી. ત્રણ બેડરૂમના આ ઘરમાં કુલ ચૌદ છોકરાઓ રહેતા, પરંતુ ગરમ પાણી માત્ર સવારે સાતથી નવ જ ચાલુ કરવામાં આવતું. તેને સાત વાગે તો જોબ પર જવા નીકળી જવું પડતું. એટલે ખાલી રવિવારે ગરમ પાણીથી નહાવાનો મોકો મળતો. આજે ઠંડા પાણીથી નહાવાની તેની હિંમત નહોતી એટલે બોડી-સ્પ્રે છાંટીને કામ ચલાવી લીધું. ‘આસદા’ની Smart Price લખેલી બે કોરી બ્રેડ અને પાતળી અંગ્રેજી ચાને ગળા હેઠળ ઉતારીને, સાતને પાંચની ૧૮ નંબરની બસ પકડવા, તે પોતાના શરીરને દોડાવવા મંડ્યો. બસ તો મળી ગઈ, પરંતું બેસવા માટે જગ્યા ન મળી. ઉપરના માળે ચડવાની તેની હામ નહોતી એટલે એક સળિયાના ટેકે તે ઊભો રહ્યો. ઇચ્છા થઈ આવી કે આગલા સ્ટોપે આ બસમાંથી ઊતરી જઈને સાતને બાર વાળી બસ લેવી.

‘સટાક! મોડો પડીશ તો શેઠ બે પાઉન્ડ કાપી લેશે. આખા અઠવાડિયાનું બજેટ ગડબડાઈ જશે.’ એ બીકથી એ જ બસમાં તે ઊભો રહ્યો.

બસ જ્યારે પાર્ક પરેડ પહોંચી ત્યારે તે યુગયુગાંતરથી ઊભો હોય તેમ થાકી ગયો હતો. બસ-સ્ટોપની લાલ રંગની બેઠક જોઈને બેસવા મન લલચાયું પણ આગળના ચાર રસ્તે રેડ સિગ્નલને કારણે ઊભેલી ૧૮૭ નંબરની બસ દેખાઈ અને તે કાળા થઈ ગયેલા લપસણા સ્નો પર સાચવી-સાચવીને દોડવા લાગ્યો. આ બસમાં સીટ તો મળી પણ દરવાજાની પાસે જ. જેવો દરવાજો ખુલતો કે તાવથી ધખતું તેનું શરીર સૂકા પાંડદાંની જેમ ધ્રુજી ઊઠતું. એ સીટ પર કાઢેલી પંદરેક મિનિટમાં જાણે તે નોર્થ-પોલની મુલાકાત લઈ આવ્યો હતો. વોરિક એવન્યુ આવતાં તેણે પાછું સ્નો પર ઊતરવું પડ્યું અને ચાલતો-ચાલતો તે ‘લેટનાઇટ ઑફ લાઇસન્સ’ પર પહોંચ્યો ત્યારે આઠ વાગવામાં એક મિનિટની વાર હતી. તેને આવતો જોઈને શેઠે ઘડિયાળમાં સમય જોયો, હકારમાં માથું હલાવ્યું અને તેને દુકાનના પાછલા દરવાજાની ચાવી આપી. અંદર જઈને તેણે લાઇટ કરીને હીટર ચાલું કર્યું અને તેના પર હાથ ગરમ કરવા માંડ્યો. પાછળ-પાછળ શેઠ અંદર આવ્યો. શેઠ બહુ ઓછું બોલતો પણ તેની તીણી નજરથી તે બધું જ સમજાવી દેતો. શેઠને જોઈને તે હીટર પાસેથી ખસી ગયો અને પોતાની ડિગ્રીઓને યાદ કરતાં-કરતાં દારૂની બાટલીઓ અને કાઉન્ટર પરની ધૂળ સાફ કરવા માંડ્યો.

‘સટાક! બી.એસ.સી. અને બી.એડ.ની ડિગ્રીઓ શું આ ધૂળ સાફ કરવા લીધી હતી?’ એક માધ્યમિક શાળામાં તે ગણિત ભણાવતો, ટ્યુશન્સ કરતો અને લોકો તેને સાહેબ..સાહેબ કહીને બોલાવતાં. એક વિદ્યાર્થીના પપ્પાએ વાતમાંથી વાત નીકળતા તેને ઑફર આપી, ‘સાહેબ, સાવ અભણને ગમાર લોકો લાખો ખર્ચીને લંડન જાય છે અને ખર્ચ્યાના બે ગણા પહેલા જ વર્ષે કમાઈ લે છે. તમે તો ભણેલા છો. તમે ધારો તો સસ્તામાં લંડન જઈને લાખો બનાવી શકો.’ અને તેણે ગેરંટી પણ આપી કે ‘વિઝા આવે પછી જ મને પૈસા આપજો. પહેલા ખાલી વિઝાની ફી ને કૉલેજ રજીસ્ટ્રેશનના થઈને પાંત્રીસેક હજાર થશે અને એ ય તમારે મને નઈ આપવાના, સીધે-સીધા ભરી જ દેવાના.’ તેને વિચાર આવ્યો કે લોકો પચીસ-ત્રીસ લાખ ખર્ચીને ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે જ્યારે અહીં તો માત્ર પાંચ લાખ જ ખર્ચવાના અને લંડનના કાયદેસરના દોઢ વર્ષના વિઝા મળે અને એમ.બી.એ.ની ડિગ્રી પણ ખરી અને ના ફાવે તો દોઢ વર્ષમાં બધો ખર્ચો કાઢીને બે-ચાર લાખ બનાવીને પાછા. તેના મનમાં એજન્ટનું પેલું વાક્ય વસી ગયું હતું, ‘અમેરિકાના ડોલર કરતાં લંડનનો પાઉન્ડ મોટો ખરોને! સીધા એકના એંસી થાય.’ એટલે એકના એંસી કરવા માટે બચતના એકાદ લાખ અને ચાર લાખની ઉધારી કરીને તે લંડન આવી ગયો. અહીં આવ્યાના દોઢેક મહિનામાં તો તેની એક ક્લાસીસ જેવી નાનકડી કૉલેજ બંધ થઈ ગઈ અને ત્યારથી તે આ સવારના આઠથી સાંજના આઠની બાર કલાકની નોકરી કરતો હતો. તેને સોમથી શનિના ૬૦ કલાકના ઉચ્ચક દોઢસો પાઉન્ડ મળતા. આમ તો સ્ટુડન્ટ વિઝા પર ૨૦ કલાક કાયદેસર કામ કરી શકાતું અને તેમાં જે કાયદેસર પગાર મળે તે આ દોઢસો પાઉન્ડથી વધારે જ હોય, પણ એ નોકરી માટે કૉલેજનો એનરોલમેન્ટ લેટર, એકેડેમિક કેલેન્ડર અને ટાઇમટેબલ જેવા કેટલાયે કાગળો આપવા પડતા, અને એની કૉલેજ તો ક્યારનીય બંધ થઈ ગઈ હતી, એટલે તેણે ગેરકાયદેસર રીતે આવી કેશ-જોબ કરીને સામે ચાલીને શોષાવું પડતું.

આખી દુકાનની ધૂળ સાફ કરવામાં કલાક ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી અને નવ વાગ્યે જેવો શેઠે દુકાનનો આગલો દરવાજો ખોલ્યો કે ઠંડી હવાની લહેરથી તેના શરીરમાં આવેલું થોડુંક ચેતન કંપવા માંડ્યું. દુકાનમાં કોઈ ગ્રાહક ન હોય, કામ ન હોય અને તે સ્ટૂલ પર બેસે, તે શેઠને ગમતું નહિ માટે સ્ટૂલ જોઈને તેને બેસવાની ઇચ્છા થતી તો પણ તે ઊભો રહેતો. બપોરે બે વાગ્યે લંચ-બ્રેક પડતાં સુધીમાં તે લગભગ મૃતપ્રાયઃ થઈ ગયો હતો. તે જ્યાં રહેતો ત્યાં માત્ર એક જ વાર, તિહાડ-જેલ જેવું ચવડ ખાવાનું મળતું એટલે લંચ-બ્રેક તેના માટે ખાવાનો સમય નહિ પણ ઇન્ડિયા ફોન કરવાનો સમય. એ એક જ સુખ હતું અહીં. એક પેન્સમાં ઇન્ડિયા વાત થતી એટલે રોજ ઇન્ડિયા ફોન કરવો પોસાતો. આજે જો કે એવી કોઈ ત્રેવડ નહોતી. સ્ટોરરૂમાં જઈને એક રૅક પર પીઠ ટેકવી, પગ લાંબા કરીને આંખો મીચીને તે બેસી ગયો. અચાનક તેનો મોબાઇલ વાઇબ્રેટ થવા લાગ્યો. રોજ તે આ સમયે જ ઇન્ડિયા ફોન કરતો અને ઇન્ડિયામાંથી કોઈને કામ હોય તો તે લોકો પણ આવા જ સમયે મિસ-કોલ કરતાં. તેણે ચેક કર્યું. સાઢુભાઈનો મિસકોલ હતો. આ સાઢુભાઈને એક નાનકડી કરિયાણાંની દુકાન હતી અને ગામડા-ગામમાં રહી-રહીને ય તે શેઠ બનીને સુખેથી જીવવા જોગુ કમાઈ લેતો હતો, છતાં તેને એમ જ લાગતું કે ‘જે નીકળી ગયાં તે સુખી અને રહ્યાં તે દુઃખી.’ એ સાઢુભાઈને ગમે તેમ કરીનેય લંડન આવવું હતું. એટલે દર બીજે દિવસે તેમનો મિસકોલ અચૂક આવતો. પણ આજે તેનું શરીર તૂટતું હતું માટે તેણે એ મિસકોલનો સામે જવાબ આપ્યો નહિ.

‘સાહબજાદે, અબ બાહર આઓ. આધા ઘંટા હો ગયા.’ તેના શેઠે બૂમ પાડી. તેણે ઘડિયાળમાં જોયું. હજી ત્રણ મિનિટની વાર હતી પણ ત્રણ મિનિટ માટે શેઠને નારાજ થોડા કરાય? ‘તુમ ઘાસફૂસ ખાનેવાલે ગુજરાતી લોગોકા ઇસ દેશમે કામ હી નહિ.’ શેઠે તેને રોજની જેમ જ આ સંવાદ સંભળાવ્યો, ‘થોડા ચિકન-મટન ખાઓ. દો-ચાર પેગ લગાઓ. બૉડિમે ખુદ-બ-ખુદ ગર્મી આ જાયેગી.’

‘સટાક!’ તેને વિભા યાદ આવી. ‘આ કઢીનો વાટકો લે’તો જરા …’ શિયાળામાં તે લસણનો વઘાર કરીને લવિંગ નાખેલી કઢી બનાવતી અને તેને વાટકો ભરીને આપી જતી. ‘પી લે … શરીરમાં ગરમાવો આવી જશે.’ તે કાયમ કહેતી. ‘કેટલા વર્ષ થયા હશે એ કઢી પીધાને?’ તેણે વિચાર્યું, ‘પાંચ? .. ના .. ના .. સવા પાંચ.’ તેની પ્રેમકહાની પર વડીલોએ જ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. વિભા નડિયાદ પરણી ગઈ અને તેને નયના જોડે પરણાવવામાં આવ્યો હતો. તેની નયના સાથે કુંડળી મેળવાઈ ત્યારે ૩૨ ગુણાંક મળતા હતા અને પંડીતજી મુજબ આવો મેળ ભાગ્યે જ મળતો હોય છે પણે તેમનો મેળ ન મળ્યો. એટલે જ કિસ્મતના તમાચા ખાવા તે લંડન આવી ગયો હતો.

સાંજ સુધીમાં તો તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેના ક્રુર હૃદયના શેઠને પણ દયા આવી ગઈ. સાત વાગ્યે શેઠે કહ્યું, ‘જા બચ્ચા આજ એક ઘંટા જલદી ઘર જા, નહિ તો તુ કલ કામપે નહિ આ પાયેગા.’ શેઠે આઠથી બાર જે છોકરો આવતો હતો તેને એકાદ કલાક વહેલો બોલાવી લીધો હતો. ‘ફિકર મત કરીયો, તેરા એક ઘંટેકા પૈસા નહિ કાટુંગા.’ તે થેંક્યું કહીને બહાર નીકળી ગયો. ૧૮૭ પકડીને તે પાર્ક પરેડ તો પહોંચી ગયો, પણ હવે તેનામાં એક ડગલું ભરવાની ય તાકાત નહોતી. તેને તેના પંજાબી શેઠની સલાહ યાદ આવી ગઈ. તે પાર્ક પરેડની એક ‘ફૂડ એન્ડ વાઇન’ સ્ટોરમાંથી વ્હિસ્કીની નાનકડી બાટલી લઈ આવ્યો. વ્હિસ્કી કઈ રીતે પીવાય તેનું તેને કંઈ જ્ઞાન નહોતું. બાટલી ખોલીને તેણે એક મોટો ઘૂંટ ભર્યો … બીજો ઘૂંટ ભર્યો …

નીટ વ્હિસ્કીનો કડવો સ્વાદ તેને ગમ્યો નહિ પણ શરીરમાં થોડોક ગરમાવો જરૂર આવ્યો. ત્રીજા ઘૂંટડા પછી સંસ્કૃિત, ગાંધીજી, મા-બાપ, સંસ્કાર અને વિભાની કઢી ધીમે-ધીમે ભૂલાતા ગયા .. તે ગણગણતો રહ્યો, ‘જે નીકળી ગયાં તે સુખી અને રહ્યાં તે દુઃખી.’

જાતને તમાચો માર્યા વિના તેનું શરીર સરકવા માંડ્યું.

e.mail : chiragthakkar.jay@gmail.com

Loading

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે

વિપુલ કલ્યાણી|Opinion - Opinion|23 January 2013

‘તેર અને સોળ વર્ષની વય વચ્ચેનાં કિશોર-કિશોરીઅો રોજ-બ-રોજ વિવસ્ત્ર [naked] તેમ જ અસંદિગ્ધ [explicit] છબિઅોની અાપ-લે કરતાં હોય તે હવે વિલાયતભરમાં સામાન્ય બનવા લાગેલું છે.’ ગઈ 11 ડિસેમ્બરે, અહીંની સુખ્યાત ટીવી ચેનલ – ‘ચેનલ ફૉર’ પર, અાવો વિષદ સમાચાર-હેવાલ રજૂ કરવામાં અાવેલો. વળતે દિવસે ય તે અંગેના કાનૂન સમેતના બીજાં પાસાંઅોની એક ચર્ચાબેઠક પણ ‘ચેનલ ફૉરે’ યોજેલી. National Society for the Prevention of Cruelty to Children (NSPCC) તેમ જ ‘ચેનલ ફૉર’ના સંશોધકોએ સતત છ મહિના અા તરતપાસને સારુ અાપેલા.

અાવું માત્ર વિલાયતમાં જ બનતું હોય અને અન્યત્ર નહીં થતું હોય, તેમ, કોણ, ભલા, કહી શકશે ? મોબાઇલનો હવે રાફડો જ જ્યારે ફાટ્યો છે, અને નજીવા દરે જગતભરમાં ચોમેર, અત્રતત્રસર્વત્ર, તે પ્રસરી ગયા છે, ત્યારે અાપણી જમાતમાં ય તેનો રેલો ન જ પૂગ્યો હોય, તો જ નવાઈ ! અા હેબક કે હેરતની દેખીતી બાબત લાગતી હોવા છતાં, અા હેવાલ મુજબ, ભઈલા, અા ‘પેઢીધર યૌનભાવ’ [generation sex] છે. મોબાઇલ ફોન વાટે અાવા વિવસ્ત્ર ફોટાઅોની અાપ-લેને જમાત ‘સેક્સ્ટીંગ’[sexting]ને નામે અોળખે છે. પરિણામે, લગરીક અાંતરપ્રવેશ કરી, ખુદને તપાસીએ કે અાપણી દેખીતી સમજ, ફક્ત, નરી શાહમૃગવૃત્તિ તો નથી ને ?

અાપણને થાય : અા વર્તણૂક અંિતમ છેડાની છે; પણ ધીરા ખમીએ, અા પેઢીઅો માંહે તે રોજેરોજની સામાન્ય ઘટના છે, તેમ હેવાલ જણાવે છે. એક કિશોરે કહેલું : ‘દર અઠવાડિયે અોછામાં અોછી બેત્રણ છબિ મોકલવાનું મને કહેવામાં અાવે છે.’ બીજો કહે : ‘કોઈ પણ કિશોરીનું મોં જોવા પામીએ તે પહેલાં, તેનાં સ્તન ચક્ષુગોચર થાય છે.’ − અા પંદર વરસનાંઅોનો અનુભવ હતો ! અામાં સંકળાયેલાં કિશોર-કિશોરીઅો અા ‘રોફદાર’ ડિજિટલ વિશ્વને ભયજનક જોતા નથી. એક કિશોર કહેતો હતો : ‘અાથી વાલીઅો અને માબાપને અાઘાત પહોંચતો હશે, પરંતુ અમારે માટે તો અા રોજિંદો જીવનવ્યવહાર છે. અા સ્વાભાવિક છે, – અા વૃદ્ધિ વિકાસનો જ ભાગ છે.’

અાપણો સમાજ ધૂંવાંપૂવાં થતો, બંને હાથ ઊંચા કરી, કમકમાટીભર્યો અણગમો વ્યક્ત કરે, તો કદાચ અસ્થાને નહીં હોય. અશ્લીલ સાહિત્યસામગ્રી પર પ્રતિબંધ મૂકીને તેમણે હાશકારો અનુભવેલો જ હશે, પરંતુ ટેકનોલૉજીએ તો હરણફાળ જ ભરી છે. હજુ ‘ફૉરજી’[4G]ને તો અાવવા દો, ત્યારે તો વીડિયોનું પ્રસારણ પણ સુલભ થવાનું છે. અને અાની અાપ-લેને કોઈથી રોકી રોકાવાની નથી. પડખે બેઠા અા પૂર્વજ વાનર, ઈશારે જણાવે છે તેમ, કોઈ જોતું નથી, કોઈ સાંભળતું નથી, કોઈ બોલતું ય સુધ્ધાં નથી !

ખેર ! … અખબારી હેવાલ અનુસાર, ‘દારુલ ઊલૂમ દેવબંદે’ પોતાના વિદ્યાર્થીઅો કેમેરાવાળા મોબાઈલ વાપરે તે પર પ્રતિબંધ મૂક્યો છે. અા અને અાવા પ્રતિબંધોથી કોઈ ઊકેલ અાવે તેમ અનુભવ કહેતો નથી. તેને સારુ તો અારંભિક સ્તરેથી, મજબૂત ને તર્કબદ્ધ કેળવણી અાપવી જરૂરી હોય.  

અામ, અા મામલો, ભલા, ક્યાં જઈને ઊભશે ?

વિશ્વ સ્તરે કામ કરતી ટેલિકૉમ સંસ્થા ‘જીએસએમ એસોસિયેશન’ની એક માહિતી અનુસાર, ભારતમાં જ સમૂળી જનસંખ્યા સામે 26 ટકા લોકો પાસે મોબાઈલ ફોન છે. એટલે કે મુલકમાં અાશરે 38 કરોડ મોબાઈલધારકો છે. શાસન અા વિગતને પડકારે છે અને કહે છે કે તે અાંક 70 કરોડ ઉપરાંતનો છે !

અા ‘ગ્લૉબલઅાઇઝેશન’નો જમાનો છે. બજારની રૂખ પર શાસકો ચકનાચૂર નાચેકૂદે છે અને વળી ચોમેર ‘ગ્રાહકવાદ’ ઝાલ્યો ઝલાય તેમ રહ્યો નથી, ફાલ્યોફૂલ્યો જાય છે ! તે રાતે ન વધે એટલો દિવસે વધે છે; દિવસે ન વિસ્તરે તેટલો રાતે પથરાતો રહે છે.

અાપણી જમાતે, અાપણી સંસ્થાઅોએ, બહુ મોડું થઈ જાય તે પહેલાં, અા વિશે, વખત કાઢી, દૂરંદેશ ચંિતન કરી, માર્ગદર્શી તોડ કાઢવાનો અા વખત છે.

•

‘દિલ્હી સામૂહિક બળાત્કાર’ને કારણે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં હોહા મચી છે. જાનીમાની હસ્તિઅો પણ ચિત્રવિચિત્ર નિવેદનો કરતા રહ્યા છે, અને તેથી વિવાદોનો વાવંટોળ ફૂંકાયા કર્યો છે.

સંચાર વ્યવસ્થાના માર્ગદર્શક તેમ જ ડિઝાઇનર કિરણ ત્રવેદી કહેતા હતા તેમ, સમાજની પિતૃસત્તાક માનસિકતા છેલ્લા થોડા દિવસોમાં બરાબર સામે આવી ગઈ છે. નેતાઓ, ધાર્મિક-સામાજિક સંગઠનોના વડાઓ અને બાબા/બાપુઓ/ગુરુઓ જે રીતે સ્ત્રીઓ પ્રતિની ઘૃણા, તિરસ્કારથી ભરેલી (mysogynistic) અને જાતીય અપમાનજનક (sexist) વાતો કરી રહ્યા છે; કેટલાક કટારચીઅો ઊર્ધ્વગામી ઉદારમતી (પ્રોગ્રેસિવ લિબરલ) નવ્ય-વિચારથી સામા છેડાના, માનવીય મૂલ્યોને નુકસાનકારક અને સામાજિક રીતે સંકુચિત અને વિકૃત લખાણો કાયમની જેમ પીરસતા રહ્યા; જાણે કે બળાત્કાર માટે સ્ત્રીઓ પોતે જવાબદાર હોય !! જો કે આ વખતે પહેલી વાર મીડિયામાં અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં, પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થા (patriarchy) સામે વિરોધનો સૂર મોટા પાયે ઊઠ્યો છે.  ‘जनतंत्र का जन्म’  નામક કાવ્યમાં કવિ રામધારીસિંહ ‘દિનકર’ લખે છે, તેમ : 

जनता जब कोपाकुल हो भृकुटि चढाती है;
दो राह, समय के रथ का घर्घर-नाद सुनो,
सिंहासन खाली करो कि जनता आती है।

અા ઘર્ઘરનાદનો રથ દિલ્હી સમેતાના નગરો અને શહેરોમાં ફરી વળ્યો છે. અને તરુણાઈએ લોકનાદ જગવવાનો રાખ્યો છે. … પણ પછી શું ?? 

અા માનસિકતાને પોષનારા બળોમાં અખબારો ઉપરાંત અાપણા વિધવિધ ધાર્મિક સ્થાનકો, સંતો-મહંતો, પુરોહિતો, બાવાઅો, સાધુઅો, મુલ્લા, મૌલવીઅો, પાદરીઅો, પૌરાણિક વારસાના છડીદાર અાગેવાનો તેમ જ અા સૌના પોઠિયાઅો પણ પૂરેવચ્ચ છે. જાણ્યેઅજાણ્યે મનુવાદી માનસિકતામાં રાચતા લોકો ‘यत्र नार्येषु पूज्यते रमंते तत्र देवता’નો પોપટપાઠ જપતા જોવા મળે છે. હકીકતે અા સરિયામ સામન્તવાદી વિચારધારામાં, સ્ત્રીઅો દ્વિતીય સ્તરની નાગરિક હોય તેવો જ વર્તનવ્યવહાર જોવા મળે છે.

ખેર! … અને અાવું ફક્ત ભારતમાં જ બને છે તેવું તો નથી. કોઈ મુલક કોરો હોય તેમ જણાતું નથી. અહીં વિલાયતમાં, એક વેળાના ખ્યાતિપ્રાપ્ત  નાઇટહુડ મેળવનાર જિમી સૅવિલના ‘ઉપાડા’ ને ‘ગોરખધંધા’ના ઢગલાબંધ દાખલાઅો બહાર પડવા લાગ્યા છે ને !

16 જાન્યુઅારી 2013ના “નિરીક્ષક”માં, જાણીતાં સમાજશાસ્ત્રી કલ્પના શાહ લખે છે, ‘અાપણી સમાજવ્યવસ્થા પુરુષપ્રધાન છે, અર્થાત્ પુરુષના અાધિપત્યવાળી વ્યવસ્થા, જેમાં સ્ત્રીનું સ્થાન અને દરજ્જો ગૌણ ગણાય છે. પુરુષપ્રધાન વ્યવસ્થાના નિયમ પ્રમાણે સ્ત્રીની શ્રમ શક્તિ, પ્રજનન શક્તિ અને જાતીયતા પર પુરુષનો અંકુશ. સ્ત્રીઅોની સમસ્યાઅોનું મૂળ અહીં છે. વળી, પુરુષપ્રધાન વ્વસ્થાને ધર્મનો સંપૂર્ણ ટેકો છે. મૂડીવાદી બજાર વ્યવસ્થા તેનો લાભ ઉઠાવે છે.’

કલ્પનાબહેનની કલમ સબળ મુદ્દે અાગળ ધપે છે : ‘સ્ત્રી અને પુરુષ માટે જાતીયતાના બેવડા ધોરણો પ્રવર્તે છે. સ્ત્રીની જાતીયતા સાથે ઇજ્જત, શીલ, શરમ અને પવિત્રતાનાં નૈતિક મૂલ્યો જોડવામાં અાવે છે. પરિણામે સ્ત્રીની જાતીય પવિત્રતા સાચવવાની જવાબદારી જે તે સ્ત્રીની પોતાની તેમ જ સાથે તેના કુટુંબ, ગોત્ર, પેટાજ્ઞાતિ અને જ્ઞાતિની બની રહે છે. સ્ત્રીઅો પર અામ અાધિપત્યનાં સ્તર ચઢેલાં હોય છે. જો કોઈ કુટુંબ, સમુદાય કે દેશના પુરુષોને નીચા પાડવા હોય કે શરમજનક સ્થિતિમાં મૂકવા હોય તો તેમનાં કુટુંબ, સમુદાય કે

દેશની સ્ત્રીઅો પર બળાત્કાર તેમને માટે હાથવગું હથિયાર બની રહે છે. મોરલ પોલિસીંગ તેનું અાડ પરિણામ છે.’

અાવું અાવું છતાં, બધિર અાગેવાની ચલાયમાન થાય તેમ લાગતી નથી. કેમ કે તેના પાયામાં હજારો વર્ષની માનસિકતા જળોની જેમ ચોંટી બેઠી છે. તેને સારુ કાયદાકાનૂનમાં બદલાવ માત્રથી ઊકેલ અાવે તેમ નથી. ફાંસીનો ગાળિયો અારોપીને પહેરાવીને ય પરિસ્થિતિને ઝબ્બે કરી શકવી મુશ્કેલ બનવાની છે. તેને માટે ધડમૂળથી સમૂળું કાર્ય હાથ ધરવું પડે. સમાજને સ્વસ્થ બનાવવા, રાજકારણ, ધર્મકારણ, શાસનના એકેએક અંગને કેળવવા પડે. તે જંગી કામ છે. બુદ્ધ, મહાવીર, મહમ્મદ, જિસસ, જરથુષ્ટૃ, શંકર, નાનક, કબીર, ગાંધી સરીખા સરીખા વિરાટ લોકકેળવણીકારોને સારુ વાયુશૂન્યતા પૂરવાને અાહ્વાન કર્યા વગર કોઈ જ ચારો નથી. અાને સારુ જાતભાતની અાપણી નાનીમોટી ને કેન્દ્રવર્તી સંસ્થાઅો સાબદી થઈ શકશે કે ? … કોણ કહી શકશે ?!?

•

વિલાયતને કેન્દ્રમાં રાખીને બે અગત્યની વાત છેડવા મન છે. એક, કહે છે કે કેન્દ્રીય સરકાર સજાતીય લગ્નને સારુ ટૂંકમાં એક ધારો ઘડવા માગે છે. ધર્મના થાનકોમાં અાવાં અાવાં લગ્ન કરવાની બે પાત્રોને જો ઇચ્છા હોય, તો તેને સારુ જરૂરી સગવડ કરવાની જોગવાઈ તે ધારામાં હશે. ઈસાઈ દેવળોમાં છૂટછાટ અાપવાની શાસકોને તાલાવેલી છે. પણ અન્ય ધર્મમથકોને અા છૂટછાટ હશે કે ? અને જો ન હોય, તો ઈસ્લામ, હિન્દુ, યહૂદી સરીખા સરીખા ધર્મસંપ્રદાયો અને ફિરકાઅોના કર્ણધારો અાને સારુ તૈયાર છે કે ?

ધર્મથાનકો, લઘુવાંશિક સમૂહ માધ્યમોમાં અા બાબત અંગે નરી ચુપકીદી જોવા મળે છે. અા અાગેવાની બેશરમની હદે મૂરઝાયેલી લાગે છે.

બે, બ્રિટિશ સમૂહ માધ્યમોને ક્ષેત્રે જે રીતરસમ ચાલતી રહી છે અને તેને કારણે જે નીતિમત્તા પેદા થઈ છે, તેની ઊંડી તરતપાસ કરતો લેવિસન અહેવાલ નવેમ્બર 2012 દરમિયાન બહાર પડી ગયો છે. અા હેવાલ અનુસાર, સાંપ્રત ‘પ્રેસ કમ્પ્લેન્ટ્સ કમિશન’ની જગ્યાએ નવી સ્વતંત્ર જોગવાઈ કરવાનું સૂચન થયું છે. એ ખરું; પણ લઘુવાંશિક સમૂહ માધ્યમોને અામાં અાવરી લેવાય તે અત્યન્ત અગત્યનું છે. ગુજરાતી ઈતર ક્ષેત્રે ય પ્રશ્નો હશે; પણ ગુજરાતીમાં તો બોડી બામણીનું ખેતર જાણીને જેનીતેની પછાડી પડી જઈ, યેનકેનપ્રકારેન પોતાનું અાધિપત્ય ઠોકી બેસાડવાના અનેક વરવા દાખલાઅો અાપણે અનુભવેલા છે. અાથી અા લઘુવાંશિક સમૂહમાધ્યમોનો સૂચિત કાયદાકાનૂનમાં સમાવેશ થાય, તે ભારે મહત્ત્વનું બને છે.     

પાનબીડું :

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,


કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,


કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે

ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,


આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !


આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,


આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,


એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
                                                 − ‘મરીઝ’

Loading

...102030...4,1974,1984,1994,200...4,2104,2204,230...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved