Opinion Magazine
Number of visits: 9697634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાત પૂંછડિયા ઉંદરડીની વાર્તા

સ્વાતિ મેઢ|Opinion - Short Stories|28 February 2013

[આ બાળવાર્તા નથી, પરંતુ આધુનિક રૂપકકથા છે. પંચતંત્રના પાત્રો જેવા કે ચકા-ચકી, ઉંદરડી, કૂકડી, કૂતરો વગેરેને લઈને આધુનિક સમાજની સમસ્યાઓનું તેમાં નિરૂપણ કરીને સ્વાતિબહેને એક અનોખી શૈલીનું સાહિત્ય ગુજરાતી ભાષાને આપ્યું છે. અત્રે પ્રસ્તુત તેમની વાર્તા ‘ઊડી ઉગમણે દેશ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ વાર્તા ખૂબ લોકપ્રિય રહી છે અને તેનું ઘણી જગ્યાએ પઠન પણ થયું છે.
કુલ પાન : 198. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

•
એક હતી ઉંદરડી. રાજી એનું નામ. રાજી ઉંદરદેશમાં રહેતી હતી. ઉંદરદેશમાં બધાં ઉંદરો જ રહે. નાના, મોટા, જાડા, પાતળા, ધોળા, કાળા, ભૂખરા, જાતજાતના ને ભાતભાતના. આ ઉંદરદેશમાં એવું કે બધા ઉંદરોને અનેક પૂંછડીઓ હોય. ઉંદરદેશમાં રિવાજ જ એવો કે બધાં ઉંદરોને એક કરતાં વધારે પૂંછડીઓ હોવી જ જોઈએ. જેને જેટલી વધારે પૂંછડીઓ એટલો એ ઉંદરનો વટ વધારે.
ઉંદર દેશના ઉંદરોને માટે પૂંછડીઓ જ એમની આન, બાન અને શાન. પૂંછડીઓ જ એમનું માન અને પૂંછડીઓ જ એમની આબરૂ. કોઈ કોઈ ઉંદરને એક પૂંછડી હોય, પણ એવા ઉંદરનું જરાય માન ન હોય. કોઈ કોઈ ઉંદર પોતાની પૂંછડીઓ કપાવી ય નાખે, પણ એવું કરવું હોય તો પોતાના હિસાબે ને જોખમે કરવાનું. વટવ્યવહારમાં એવા ઉંદરને કોઈ ન ગણે. બાકી બધા ઉંદરો પૂંછડીઓ થકી વટ મારે. પૂંછડીઓને સાચવે, સંભાળે, પૂંછડીઓના ઇતિહાસો યાદ કરીને એકબીજાને સંભળાવે. એમાં ય વળી ઉંદરડીઓ માટે તો પૂંછડીઓનું બહુ જ મહત્ત્વ. એક-બે પૂંછડીવાળી ઉંદરડીઓ બિચારી શિયાવિયાં થઈને ફરે અને વધારે પૂંછડીઓવાળી ઉંદરડી કાંઈ ગુમાન કરે, કાંઈ ગુમાન કરે કે વાત જ પૂછો મા.
આવા ઉંદરદેશની રાજી ઉંદરડીને સાત પૂંછડીઓ હતી. નાની અમથી હતી રાજી. એનું શરીર ન દેખાય એટલી એની પૂંછડીઓ દેખાય. લોકો કહે, ‘વાહ ભૈ વાહ, રાજીનો તો કાંઈ વટ્ટ છે, સાત સાત પૂંછડીઓ !’ રાજી ય ખુશ થાય અને ગાય,

‘હું તો રાજી ઉંદરડી મારે સાત સાત પૂંછડીઓ
           

હું તો રાજી રાજી થાઉં મારે સાત સાત પૂંછડીઓ
           

હું તો વટ્ટ મારતી જાઉં મારે સાત સાત પૂંછડીઓ,
           

મારે સાત સાત પૂંછડીઓ’

સમય વીતતો ગયો અને રાજી મોટી થઈ.

રાજીને ફરવું બહુ ગમે. દોડવું બહુ ગમે. પણ એમાં એને એની પૂંછડીઓ નડવા માંડી. એનાથી જલદી દોડાય નહીં, સાંકડી જગ્યામાં ઘૂસી શકાય નહીં. કૂદકો ય મરાય નહીં. રાજીને પૂંછડીઓનો કંટાળો આવે. એણે એની માને પૂછ્યું :
‘મા, મારે આટલી બધી પૂંછડીઓ કેમ છે ?’
મા કહે : ‘એ તો હોય જ ને, બધાયને હોય. તું નથી જોતી ?’
રાજી પૂછે : ‘પણ શું કામ ? એક પૂંછડીથી ન ચાલે ?’
‘હોવે, એમ તો વગર પૂંછડે બાંડા ય રહેવાય. તારામાં અક્કલ નથી ? સાત પૂંછડીઓથી તારો વટ કેવો પડે છે ? એ નથી જોતી ? માએ વડછકું ભરીને કહ્યું. રાજી બોલકી હતી. એને દલીલો કરવી ગમતી’તી. એણે કહ્યું :
‘મારે વટ નથી પાડવો. મારે છૂટથી ફરવું છે.’
‘કાંઈ જરૂર નથી છૂટથી ફરવાની. આ તો તારા દાદા, મોટા બાપા, બાપુજી, મામા એ બધાના નામની પૂંછડીઓ છે. એને લઈને તારું માન છે, વટ છે, સમજી ? સમજ જરા, સમજ. હવે તું મોટી થઈ.’ માએ રાજીને લંબાણથી સમજાવ્યું. રાજીને આ ન ગમ્યું. માનું ભાષણ પણ ન ગમ્યું ને બાપા, દાદા, મામાના નામની પૂંછડીઓ છે એ વાતે ય ન ગમી. એણે વિચાર કર્યો, ‘આ પૂંછડીઓ કપાવી નખાય તો કેવું ?’
એણે એની માને પૂછ્યું : ‘મા, આ પૂંછડીઓ કાપી નાખીએ તો ?’
‘હાય હાય શું કહે છે તું ? તને ભાન છે કે નહીં ?’ માને ધ્રાસકો પડ્યો.
‘પણ કોઈ કોઈ ઉંદરડા તો કપાવી નાખે છે પૂંછડીઓ !’ રાજીએ દલીલ કરી.
‘ઉંદરડાના વાદ કરે છે ભૂંડી ? બહુ બોલીશ તો પાંજરે પુરાવું પડશે. છાની રહે !’ માએ રાજીને ચેતવી. રાજી આ વાતે હઠે ચડી. ‘મારે મારી જ એક પૂંછડી જોઈએ, બીજી એકય નહીં.’ એણે નક્કી કર્યું. પૂંછડી કઈ રીતે કપાવવી એ વિષે એ વિચાર કરવા માંડી. પણ રાજીને પૂંછડી કાપી કોણ આપે ? આમ તો રાજીના દાંત તીણા હતા. ધારે તે કાપી શકે, પણ એને એની પોતાની પૂંછડી કાપતાં ન ફાવે. એણે એની એક બહેનપણીને પૂછ્યું :
‘એય, એક ખાનગી કામ કહું ? મને મારી પૂંછડી કાપી આપને !’
બહેનપણી કહે : ‘શું ઉંઉંઉં ? હાય હાય, તું તો કેવું કેવું કહે છે, લી ? મને કહ્યું તે કહ્યું, બીજા કોઈને ના કહેતી. આવું તે કાંઈ કરાય ?’ એમ કહીને રાજીની બહેનપણી એનાથી દૂર ભાગી ગઈ.
રાજી એકલી પડી. એને પોતાની પૂંછડીઓ કાપવા કોઈની મદદ તો લેવી જ પડે. કોની મદદ લેવાય ? એ વિચારવા માંડી. પૂંછડીઓનો ભાર લઈને ફરવાનો એને કંટાળો આવતો હતો. એટલે એ એક ખૂણામાં બેસી ગઈ. ઉંદર દેશનાં ઉંદરડા-ઉંદરડીઓ ચારે તરફ દોડાદોડ કરે છે. પોતાના દર ભરવા માટે વસ્તુઓ-ચીજો કાપવી, કાતરવી, ટુકડા દર ભણી ખેંચી જવાની મથામણમાં સૌ મશગૂલ છે. આ દોડાદોડમાં બહુપૂંછડિયાળા ઉંદરડાઓ, ઉંદરડીઓની પૂંછડીઓ એકબીજાની અંદર અટવાઈ જાય છે, ઉંદરડા-ઉંદરડીની પૂંછડીઓ વચ્ચે ગૂંચો પડે છે, ખેંચતાણ ચાલે છે, માંડ પૂંછડીઓ છૂટે છે અને છૂટાં થઈને બધાં પાછા દોડાદોડ શરૂ કરી દે છે. આ ભીડ, દોડાદોડ, ધમાચકડી વચ્ચે રાજી ઉંદરડી એકલી ખૂણામાં બેઠી છે. વિચાર કરે છે કે મારે બહુપૂંછડિયા નથી રહેવું, પૂંછડીઓ કપાવી નાખું. કોણ કરશે મને મદદ ? રાજીને એકદમ યાદ આવ્યું, ‘વાળંદકાકા.’ વાળંદાકાકા નરેણી લઈને ધીમેથી પૂંછડી કાપી આપે તો ?
‘ચાલ ત્યાં જાઉં’, કહીને રાજી વાળંદકાકા પાસે ગઈ. આમે ય વાળંદકાકાને એના દાદા, કાકા, બાપા, મામાની મૂછો સમારતા, પૂંછડીઓ સરખી કરી આપતા એણે જોયા હતા. વાળંદકાકા એને વહાલથી બોલાવતા ય ખરા. રાજી વાળંદકાકા પાસે પહોંચી.
‘વાળંદકાકા, વાળંદકાકા … મારે તમારું કામ છે.’ રાજીએ કહ્યું.
‘શું કામ છે ?’ વાળંદકાકાએ પૂછ્યું.
‘મારે છે ને, મારી પૂંછડીઓ કપાવવી છે, કાપી આપશો ?’ રાજીએ ખૂબ નમ્ર અવાજે કહ્યું.
‘હેં શું ? શું બોલી ?’ વાળંદકાકા ઘૂરક્યા.
‘મારે મારી પૂંછડીઓ કપાવવી છે !’ રાજીએ ફરીથી કહ્યું.
‘શું બોલે છે મૂરખ ? ભાન છે તને ?’ વાળંદકાકાએ કરડા અવાજે કહ્યું.
‘વચ્ચે નડે છે મને આ પૂંછડીઓ.’ રાજી બોલી.
‘જા જા હવે, ચાલતી પકડ. આજ દી સુધી કોઈ કરતાં કોઈ ઉંદરડીએ આવી વાત નથી કરી.’ વાળંદકાકાએ રાજીને ધમકાવી.
‘પણ તમે કોઈ કોઈ ઉંદરડાને પૂંછડી કાપી આપો છો, મને ખબર છે.’ રાજીએ દલીલ કરી.
‘બહુ દોઢડાહી ના થા. ઉંદરો જે કરે તે બધું તારાથી ન કરાય. તું ઉંદરડી છું. જા અહીંથી, મારાથી તારી પૂંછડી ન કપાય !’ વાળંદકાકાએ મોં ફેરવી લીધું.
રાજી નિરાશ થઈ ગઈ. એ આઘી જતી તો રહી પણ વાળંદકાકાનો ઓટલો ન ઊતરી. ત્યાં જ વિચાર કરતી ઊભી રહી. એ ઊભી હતી તેવામાં એને કોઈ અવાજ સંભળાયો ‘એય ઈસ, ઈસ, એય રાજી, આમ જો.’ રાજીએ અવાજ તરફ જોયું તો બારણા પાસે વાળંદકાકી ઊભા’તાં. એને બોલાવતાં’તાં. રાજી એમની પાસે ગઈ. કાકી બોલ્યાં :
‘મેં તારી વાત સાંભળી. હું કાપી આપું તારી પૂંછડીઓ ?’
‘તમે ? તમને આવડે ?’ રાજીએ પૂછ્યું.
‘કેમ વળી, તારા વાળંદકાકાને આવડે તે વાળંદકાકીને ન આવડે ?’ વાળંદકાકીએ પૂછ્યું.
‘હા, એ મને ન સૂઝ્યું. પણ તમે શું કામ મારી પૂંછડી કાપી આપો ? કાકા તો ના પાડે છે.’ રાજીએ પૂછ્યું.
‘મને સમજણ પડે છે. પૂંછડીઓનો ભાર કેવો લાગે છે, એટલે’ કાકીએ કહ્યું. એમનો અવાજ ધીમો પણ ચોખ્ખો હતો. ‘પૂંછડી એવી રીતે કાપીશ કે કાપ્યાનું નિશાન પણ નહિ દેખાય, કોઈને ખબર જ નહીં પડે.’
‘તમે મને બધી પૂંછડીઓ કાપી આપશો ?’ રાજીએ પૂછ્યું, ‘કાકા ના પાડશે તો ય ?’
‘હા, ને જો, એક વાત કહું ? તું થોડા થોડા વખતે એક એક પૂંછડી કપાવતી જા.’ કાકીએ સલાહ આપી.
‘સામટી જ કાપી નાખોને ! છૂટી જવાય !’ રાજીને ઉતાવળ હતી.
‘હું કહું એમ કર !’ વાળંદકાકીએ કહ્યું, ‘એ બરાબર રહેશે.’ રાજીને ય શી ખબર કેમ પણ એ વાતમાં વિશ્વાસ પડ્યો. એ માની ગઈ અને વાળંદકાકીએ નરેણી લઈને રાજીની એક પૂંછડી કાપી નાખી. થોડું દરદ થયું, પણ પૂંછડીનો ભાર ઓછો થયો. એને ગમ્યું. રાજીએ પોતે પૂંછડી કપાવી એ કોઈને કહ્યું નહીં ને કોઈને ખબર ન પડી. થોડા દિવસ રહીને રાજીએ બીજી પૂંછડી કપાવી તો ય કોઈને ખબર ન પડી. પછી ત્રીજી પૂંછડી ને ચોથી પૂંછડી પણ ગઈ.
હવે રાજીને ત્રણ પૂંછડીઓ રહી. ત્યાં એક દિવસ એની માનું ધ્યાન ગયું. એના બાપને ય ખબર પડી ગઈ. રાજીએ દાદા, કાકા, મામાના નામની પૂંછડીઓ કપાવી નાખી એનો તો બહુ વાંધો નહીં પણ બાપના નામની પૂંછડી ય કપાવી એ વાતથી બાપા અને મા બે ય બહુ ખિજાયાં. બહુ દબડાવી, ધમકાવી, પાંજરે પૂરી દેવાની ચેતવણી આપી : ‘હવે કાંઈ કર્યું છે તો પાંજરે પૂરી દઈશું.’ પણ રાજી તો કાંઈ બચ્ચું નહોતી કે મારીવઢીને એને રોકી શકાય. માબાપ વઢતાં રહ્યાં, રાજી ત્યાંથી ભાગી ગઈ. પૂંછડીઓનો ભાર હળવો થયો એટલે રાજી તો છૂટથી દોડાદોડ કરવા માંડી. નાની, સાંકડી જગ્યાઓમાં જાય, દૂર દૂર સુધી દોડી જાય. પૂંછડીઓ ગઈ, ભાર ગયો એટલે થાક ઓછો લાગેને ? આમ હરવા-ફરવાથી રાજીની હોશિયારી વધવા માંડી, એણે વળી એક પૂંછડી કપાવી નાખી.
‘હવે તારી બે જ પૂંછડીઓ રહી !’ વાળંદકાકીએ પાંચમી પૂંછડી કાપી આપીને કહ્યું.
‘હા. એક મારી અને બીજી મારા ….’ રાજી બોલતી અટકી ગઈ, ‘એ તો હું રાખીશ.’ હાસ્તો, હવે રાજી યુવાન થઈ ગઈ હતી અને એને સરખેસરખો એક સાથીદાર મળી ગયો હતો. એક પૂંછડી એના નામની ય હતી રાજીને. સૌ ઉંદરડીઓને હોય એમ જ રાજીને ય હતી. રાજી ખુશ હતી એની સાથે.
‘તારા સાથીદારના નામની પૂંછડી છે ને ?’ વાળંદકાકીએ મરમમાં મલકીને પૂછ્યું.
‘હા, બહુ સારો છે એ.’ રાજીએ હસીને જવાબ આપ્યો ને દોડી ગઈ. રાજીને વાળંદકાકીના મલકવાનો અર્થ ન સમજાયો. એને લાગ્યું, વાળંદકાકી એની ખુશીમાં ખુશ છે. રાજી તો હરખાતી, હરખાતી, નાચતી, કૂદતી ફરવા માંડી.
રાજીની બહેનપણીઓને હવે ખબર પડી ગઈ કે રાજી પૂંછડીઓ કપાવે છે. એમનામાં તો કોઈમાં આવી હિંમત નહોતી. રાજીના દાદા, બાપા, કાકા, મામા, ભાઈ, બહેનપણીઓ સૌ ટોળામાં બોલવા માંડ્યાં. ‘નવી નવાઈ કરીને કાંઈ ?’, ‘બહુ હરખ થાય છે ને કાંઈ ?’, ‘રાજી તો ભૈ રાજી છે, એની તો કાંઈ વાત થાય ?’ રાજી પર સૌ ખિજાયાં. એમને લાગ્યું કે રાજી કુટુંબનું નાક કપાવે છે, આબરૂની ધૂળધાણી કરે છે, ને કાંઈ કાંઈ. પણ રાજી કોઈને ગણકારતી નહોતી. એ તો હવે બે પૂંછડીઓ લઈને મજાથી, ઠાઠથી દોડાદોડ કરે છે, કૂદકા મારે છે, થાંભલે ચડી જાય છે અને સીડીઓ ય ટપી જાય છે, સરરર …. ટપટપટપ …..
રાજીનો સાથીદાર પણ ઉંદરદેશનો જ હતો. એને ય તો પૂંછડીઓનો ભાર હતો. એણે જોયું કે રાજીએ પૂંછડીઓ કપાવી નાખી છે. તે ખિજાયો : ‘તારી આવી હિંમત ચાલી ? તેં કોને પૂછીને કપાવી તારી પૂંછડીઓ ? જવાબ આપ મને !’
એક દિવસ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતાં એણે રાજીને પૂછ્યું.
‘મારી મરજીથી. બીજા કોની મરજી ?’ રાજી બોલી.
‘મને પૂછ્યું ય નહિ ?’ રાજીનો સાથીદાર બોલ્યો.
‘પૂંછડીઓ મારી હતી, મેં કપાવી નાખી, એમાં કોઈને શું કામ પૂછવાનું ?’ રાજીએ નિખાલસતાથી જવાબ આપ્યો.
‘શુંઉંઉંઉં ?’ રાજીના સાથીદારે બૂમ પાડી, ‘મને તો પૂછવું જોઈએ ને ?’
‘શું કામ પૂછું ? હું તો કહું છું તું ય કપાવી નાખ પૂંછડીઓ, બહુ સારું રહેશે.’ રાજીએ વણમાગી સલાહ આપી.
‘હોવે, ને મારા બાપા, દાદા, પરદાદાની આબરૂનું શું ? અમારા ભવ્ય ઇતિહાસનું શું ? પૂંછડીઓ તો અમારું ગૌરવ છે, વટ છે, આન, બાન, શાન, માન છે, અભિમાન છે.’ રાજીના સાથીદારે ગળું ફુલાવીને કહ્યું.
રાજી આ સાંભળીને હસી પડી. એને હસતી જોઈને રાજીનો સાથીદાર ખિજાયો. એણે પૂંછડે પૂંછડે રાજીને ધીબેડી નાખી. એને પૂંછડીઓ ય ઝાઝી હતી ! દાંત ને નખોરિયાં ય ભર્યાં. ‘મને પૂછ્યા વિના પૂંછડી કપાવી જ કેમ ?’ એક જ સવાલ. આ વખતે રાજીને થયું કે એને પૂંછડીઓ હોત તો એ પણ સામી થાત. પણ પૂંછડીઓ હોત તો આવો માર ખાવાનો વખતે ય ન આવ્યો હોત ને ! રાજીએ માર ખાઈ લીધો, પણ એને ખૂબ ગુસ્સો ચડ્યો. ‘બધાનાં નામની પૂંછડીઓ કપાવી નાખી. અલ્યા, એક તારા નામની રાખી છે તે નથી જોતો ? બેવકૂફ !’ રાજી મનમાં બોલી, ‘જોઈ લે હવે હું શું કરું છું.’ તરત જ રાજી દોડી. વાળંદકાકી પાસે ગઈ.
‘મને છઠ્ઠી પૂંછડી કાપી આપો, કાકી.’ રાજીનો ગુસ્સો માતો ન હતો.
વાળંદકાકી ફરીથી મરમમાં મલકાયાં, ‘આ પૂંછડી તો તું રાખવાની હતી ને ? ખરેખર કાપી આપું ?’ એમણે હસીને પૂછ્યું.
હવે રાજીને વાળંદકાકીના એ દિવસના મલકવાનો અર્થ સમજાયો. એમને ખબર હતી કે પૂંછડીઓ કપાવવાની જિગર દેખાડનારી ઉંદરડીનો આવો વારો આવે જ. ‘એવો એ’ ગમે તેટલો સારો હોય, આ વાત એનાથી ન ખમાય. એમણે રાજીને વાગેલા દાંતિયાં-નખોરિયાં પર હળવેકથી ફૂંકો મારી. રાજીને સારું લાગ્યું. એનો ગુસ્સો જરા શમ્યો પણ નિશ્ચય અફર હતો તે એમને સમજાયું. નરેણી લઈને હળવેથી વાળંદકાકીએ રાજીની છઠ્ઠી પૂંછડી કાપી નાખી. દરદ તો થયું, રાજીને છઠ્ઠી પૂંછડી કપાયાનું. બહાર જ નહીં, અંદર ઊંડે ઊંડે પણ દરદ થયું. પૂંછડી કપાયાનો ઘા અને દાંતિયાં-નખોરિયાંનાં ઘા, બેયનું દરદ હતું, જલદી ન મટે એવું દરદ, છેક અંદરથી થતું દરદ ! તો ય રાજી રાજી થઈ, અને પછી તો રાજી બસ રાજી ને રાજી જ રહી.
એક પૂંછડીવાળી, બહુ પૂંછડિયા ઉંદરોના ઉંદરદેશની એક પૂંછડીવાળી રાજી.
ખરેખર રાજી, ખરેખરી રાજી, માત્ર રાજી ! રાજી ! રાજી અને રાજી !

સૌજન્ય : http://www.readgujarati.com/2012/04/17/saat-undardi/

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)
 

Loading

‘બુંદ બુંદની સૂરત નિરાલી, કોઈ રોવે કોઈ ગાય’

ચિરાગ પટેલ|Opinion - Opinion|28 February 2013

ઇન્ડિયામાં મિડલ ક્લાસ ફેમિલીમાં ઉછરીને વિદેશ જવાના સપના જોઈ મોટો થયો, અને મેં તો ભારતમાં બેચલર અોફ ફાર્મસી કરેલું. તેને સારુ ભારતમાં ખૂબ મોકળાશ અને અવકાશ હતો. અાટલું ભણ્યા પછી મને એમ.બી.એ. ભણવા માટે ઇંગ્લૅન્ડ જવાનાં સપનાં હતાં. વળી, તેમ કરવાથી મારું ભાવિ ય ઉજળું થાય તેવી સમજણ રહેતી. તેથી, ત્યાંની એક યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું, અને પછી યુ.કે.ના વીસા લેવા અરજી કરી.
એક દિવસ એ સમય આવી જ ગયો અને પપ્પા મમ્મીની આશાઓ લઈને વિદેશ જવાની તૈયારી થઈ ગઈ. એ સમયે કમાવાની કઈ ખબર તો નહોતી પડતી. પણ એ ખ્યાલ હતો કે પપ્પાએ ખૂબ જ મુશ્કેલીથી પૈસા ભેગા કરીને મારી કોલેજની ફીસ જમા કરી હતી અને ટીકીટ પણ ખૂબ જ તકલીફથી કરાવી હતી. ઓલ મોસ્ટ, ૧૫ લાખ રૂપિયાનો ખર્ચો, મારા પાછળ, એ સાલ, થયો હતો. અને મને હજુ યાદ છે કે પપ્પાએ નાના ભાઈની સ્ટડીનું ફંડ પણ મારા પાછળ વાપરી નાખીને, મને અહેસાસ પણ થવા દીધો ના હતો. ઓન્લી બિકોઝ હું સારી રીતે અને શાંતિથી ભણીને, પછી, નાનાને તો ઇસીલી સેટ કરીશ જ ને.
એ સમયે વિદેશ જવાની ઇચ્છા પૂરી થવાનો હરખ અને પપ્પાની તકલીફનો અહેસાસ પણ હતો. યુનાઇટેડ કિંગ્ડમ જઈને ક્યારે ફેમિલી માટે મદદરૂપ થાઉં અને ખૂબ ભણીને પપ્પા મમ્મીનું નામ રાખું, એ જ વિચાર સતત ચાલતો હતો. અને એક વસ્તુ તો મનમાં નક્કી જ હતી કે જેટલા વાપર્યા છે, એટલા તો કમાયા વિના, પાછા જવાય જ કેવી રીતે. શું થાય જો મને success ના મળી તો ? …. પાછો જઈશ તો બધા પપ્પા મમ્મીને શું કહેશે … એમને મારા લીધે થઈને ખૂબ જ શરમ અનુભવવી પડશે.
ગમે એમ, છેવટે, એ દિવસ આવ્યો અને લંડન હીથરૉની ધરતી પર પગ મુક્યાનો રોમાંચ અનુભવ્યો. અને એક નવી દુનિયા જોઈ ને express ના કરી શકાય તેવી ખુશી ને રોમાંચ થયા. 
પહેલા જ દિવસે હીથરૉ પર જ, અડધા કલાક પછી જ, હકીકત સામે અથડાઈ પડી. કારણ કે હું મારા બે મિત્રો સાથે યુ. કે.માં આવ્યો હતો અને એમના ઇન્ડિયામાં કહેવા પ્રમાણે, મારા રહેવાનું એક મિત્ર સાથે નક્કી હતું, અને બીજો મિત્ર એના ફોઈ ને ત્યાં રોકવા નો હતો. પણ હકીકત કઈ અલગ જ હતી. જ્યારે હીથરૉ પર, એક મિત્ર એની ફોઈ સાથે ગયો, અને બીજો મિત્ર એના ફ્રેન્ડ સાથે એક મિનિટ કહી ને અલગ વાત કરવા ગયો. … અને આવીને મને કહે છે કે યાર, લૅન્ડલૉર્ડ એક જણને રહેવાની પરમિશન આપે છે. … તારે કઈ અલગ વ્યવસ્થા કરાવી પડશે !!!! … આંખમાં આંસુ આવી પડ્યાં, પણ વ્યર્થ હતું. કોઈ ને ય પડી ના હોય, કારણ કે બધા મજબૂર હતા.
વધુ લખી શકતો નથી … ! ક્યારેક … !!

e.mail : chirag2612@yahoo.com

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)

Loading

શાનો વેપાર કરીશું ? શાસ્ત્રોનો કે શસ્ત્રોનો ?

અાશા બૂચ|Opinion - Opinion|27 February 2013

‘ક્વેકર પીસ મૂવમેન્ટ’[Quaker Peace movement]ની ઉત્તર ઇંગ્લેન્ડમાં સ્થાપના થયાને આ વર્ષે ૧૦૦ વરસ પૂરાં થયાં. બીજા વિશ્વયુધ્ધના નગારાં વાગતાં હતાં, તે સમયે વિલિયમ પેન[William Penn]નું વિધાન : ‘PEACE can only be secured by JUSTICE; never by force of arms.’ મારા મનમાં વિચારોનો વંટોળ પેદા કરી ગયું. વળી ૧૯૩૨-’૩૪ દરમ્યાન, જીનિવામાં વિશ્વ નિ:શસ્ત્રીકરણ સંમેલન મળેલું જેમાં લીગ ઓફ નેશન્સના સભ્ય દેશોએ શસ્ત્રો બનાવવા/વેચવા પર પ્રતિબંધ લાવવાનો અને સંઘર્ષો નિવારવા વૈકલ્પિક માર્ગ લેવા માટે દુનિયાના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરેલા. કરુણતા તો એ છે કે તેમ છતાં ય બે વિશ્વયુધ્ધો ખેલાયા અને હજુ હિંસાના ખપ્પરમાં લાખો નિર્દોષના જાન હોમાય છે, એવે સમયે ઉપરોક્ત પ્રશ્ન મનમાં ઉદ્દભવ્યો.
આ પ્રશ્ન કોને પૂછવામાં આવે છે તેને આધારે જવાબ મળશે, ભાઈ. બુદ્ધિજીવીઓ, શિક્ષણ અને સમાજ ઘડતરના કાર્યક્ષેત્રમાં પડેલાઓ, યુવાપેઢીને અને આમ જનતાને પૂછશો તો કહેશે, શાસ્ત્રોનો જ વેપાર કરવો હોય ને ભલા, આ તે કઈ પૂછવાની બાબત છે?
સત્તાધારીઓ, રાજકારણીઓ, ભારે ઉદ્યોગોના માલિકો અને કેટલાક અંતિમવાદીઓને ભૂલેચૂકે પણ પૂછશો, તો જોરશોરથી કહેશે, શસ્ત્રોનો વેપાર કરીએ છીએ અને કરશું; અમને પૂછનાર તમે કોણ?
શાસ્ત્રોનો વેપાર ન હોય. એમાં સંચિત જ્ઞાનનું આદાન-પ્રદાન યુગોથી થતું આવ્યું છે. ઇજિપ્ત, મેસોપોટેમિયા, ચીન અને સિંધુ ખીણની સંસ્કૃિતઓ જયારે પૂર્ણ કળાએ ખીલી રહી હતી, ત્યારે બીજા દેશોમાંથી જ્ઞાન પિપાસુ વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ યોજનો દૂર શાત્રાભ્યાસ કરવા જતા.
ત્રણેક હજાર વર્ષ પહેલાં ભારતમાં તક્ષશિલા અને પાંચમી સદીમાં નાલંદા વિશ્વવિદ્યાલયમાં દેશ પરદેશથી આવતા વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં નિપૂણતા પ્રાપ્ત કરતા. ૧૧મી અને ૧૩મી  સદી દરમ્યાન બ્રિટનની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે જગત ભરમાં ભારે આકર્ષણ હતું. આજે હવે અમેરિકાની યેલ, કેલિફોર્નિયા કોલેજ ઓફ ટેકનોલોજી અને હાર્વર્ડમાં પ્રવેશ મેળવવા અને અભ્યાસ કરવા બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે.
શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનથી અગણિત ફાયદાઓ થયા છે. જ્ઞાન વહેંચવાથી વૃદ્ધિ પામતું રહ્યું અને તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાન જેવા ગહન શાસ્ત્રોથી માંડીને નાટ્યશાસ્ત્ર, સંગીત વિદ્યા તથા શિલ્પ, કળા અને સાહિત્ય જેવી જ્ઞાન શાખાઓ ભૌગોલિક સીમાઓ વટાવીને બહોળા માનવ સમુદાયને ઉપલભ્ધ થઇ અને તેને કારણે દુનિયાના એક ખૂણે પ્રગટેલા જ્ઞાનદીપ સર્વત્ર પ્રકાશ ફેલાવતા થયા.
એક હકીકત અહીં નોંધવા જેવી છે, આજની શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણ આપવા જેવું ઉમદા કામ પણ હવે વ્યાપારી ધોરણે થવા લાગ્યું છે એટલે શાસ્ત્રોનો પણ વેપાર શરુ થયો છે એમ દુ:ખ સાથે કહેવું પડે છે. 
વેપાર કરવા માટે શાક-ભાજીથી માંડીને સોનું, હીરા, માણેક જેવી વસ્તુઓ પૂરતી નહોતી એટલે માણસે શસ્ત્રોનો વેપાર આદર્યો! પોતાના દેશની સુરક્ષા માટે દરેક દેશને સક્ષમ શસ્ત્રદલ રાખવું પડે એ જ માનવ જાતની બદનસીબી છે. પણ જેમ દરેક ગામ, શહેર અને દેશ પોતાના ખપ પૂરતું અનાજ અને કાપડ પેદા કરે છે અને વધારાની વસ્તુઓની નિકાસ કરે તેમ પોતાના દેશમાં ન પાકતી વસ્તુઓ આયાત કરે તે વ્યાજબી છે. તેવી જ રીતે દરેક દેશે પોતાની સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો પણ પોતે જ બનાવવા જોઈએ, પણ જો પોતાની તાકાત ન હોય તો બીજા દેશોમાંથી આયાત ન કરવા જોઈએ એમ મારી સમજ કહે છે.
જરા વિચાર કરતાં જણાશે કે યુરોપ ખંડના મોટા ભાગના દેશોએ ૧૮મી સદી પછી દક્ષિણ ગોળાર્ધના દેશો પર રાજ્ય કર્યું. જયારે ગુલામ દેશોને સ્વતંત્ર કરવાની ફરજ પડી ત્યારે એવી વ્યવસ્થા કરી કે એ દેશો આંતરિક વિગ્રહ કે પડોશી દેશો સાથે જીવે ત્યાં સુધી લડતા રહે. મજાની વાત એ છે કે બીજા દેશો પર રાજ્ય કરવાથી મળતી સમ્પત્તિ હવે ન મળતી હોવાને કારણે એ દેશોનું શોષણ કરવાની બીજી કોઈ રીત યુરોપીયન દેશોએ શોધવી પડી. પહેલાં ગુલામ પ્રજાનું હીર ચૂસીને તગડા થયેલા ‘First World’ના સભ્ય ગણાતા દેશો હવે સ્વતંત્ર થયેલા દેશોને પોતાના દેશોમાં બનેલા શસ્ત્રો વેચીને મોતનો વેપાર કરીને પોતાની રૈયત માટે કમાણીનું સાધન ઊભું કરે છે. ઓગણીસમી અને વીસમી સદીમાં ગુલામ બનેલા દેશોએ પોતાના દેશની સંપત્તિ ધોળે દિવસે લૂટાતી જોઈ, અને હવે આંતરિક વિગ્રહમાં વિજય મેળવવા જે દેશોએ એમના પર રાજ્ય કર્યું તેમની જ પાસેથી શસ્ત્રો ખરીદીને ફરી એમના જ દેવાદાર બને છે ! આ તે કેવી કરુણતા?  
યુનાઇટેડ નેશન્સની સ્થાપના ઇ. સ. ૧૯૪૫માં થઈ, ત્યારથી માંડીને આજ સુધી તેની મધ્યસ્થીને કારણે કેટલા યુધ્ધો અને આંતરિક સંઘર્ષો નિવારી શકાયા છે, તે જાણવું હોય તો જીનિવાના યુ.એન.ના મુખ્ય મથકની મુલાકાત લઈ, ત્યાંની તવારીખ નોંધવા જેવી છે. જો કે એ સંગઠનની ખરી બિનઅસરકારકતાનું માપ તો એની જ સામે બે વેંત ઊંચા આસને બેઠેલા રેડક્રોસના મુખ્ય મથકમાં પ્રદર્શિત એ સંગઠનની સ્થાપના(ઇ. સ. ૧૮૬૩)થી માંડીને આજ સુધી તેના દ્વારા થયેલ માનવતાભર્યા કાર્યોની યશોગાથાનો અભ્યાસ કરવાથી જ કાઢી શકાય.
બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયાને પણ આજે છ દાયકાથી વધુ વર્ષોનાં વહાણાં વાઈ ગયાં, તો ય ક્યાં ય વિશ્વ શાંતિ તરફ ગતિ કર્યાનાં એંધાણ નથી કળાતા આથી સહેજે સવાલ થાય કે યુ.એન.ના પ્રયત્નો સાચી દિશામાં છે? એની યુક્તિઓ સફળ કેમ નથી થતી? કદાચ સંઘર્ષ ગ્રસ્ત દેશોમાં શાંતિ જાળવવા માટે સશસ્ત્ર દળો મોકલવાને બદલે બે દેશો વચ્ચે શસ્ત્ર વેપારની બંધી લાવવાનો સમય આવી ગયો છે.
જો ધનાઢ્ય દેશોની સરકારોએ પોતાની પ્રજાના પેટનો ખાડો પૂરવાની ફરજ પૂરી કરવી હોય અને તે પણ બીજા દેશોમાં પોતાનો તૈયાર કે કાચો માલ નિકાસ કરીને, તો ભલા શસ્ત્રો સિવાય લાખો અને કરોડો વસ્તુઓ એમની પાસે છે જ, જે મેળવવા વિકસતા અને અવિકસિત દેશોની આમ પ્રજા તલપાપડ થઈ રહી છે. જે દેશોમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે અને જે દેશો લોકશાહી સરકારો ઊભી કરવા જાન ફના કરી રહ્યા છે, તે બધા દેશોના નાગરિકોએ સાગમટે પોતાની સરકારોને પ્રજાએ ભરેલા આવક વેરા અને વેચાણ વેરામાંથી શસ્ત્રો બનાવીને બીજા દેશોમાં વેંચી કે ખરીદી હરગીઝ શકાય તેવી બાયેધરી આપવાની ફરજ પાડવી જોઈએ. હું જો વિનાકારણ બીજા દેશના નિર્દોષ નાગરિકનો જાન ન લઉં તો મારા કરવેરામાંથી એમને એકબીજાને કે બીજા દેશો સાથે લડાઈ કરવા માટે શા માટે જોગવાઈ કરી આપું? એ એક પ્રકારની આડકતરી હિંસા જ થઈને? લોકશાહી સરકારોને તેના નાગરિકોની થાપણનો આવો અમાનવીય ઉપયોગ કરવાની સત્તા બિલકુલ ન હોવી ઘટે.
ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે શસ્ત્ર વેચાણ બંધ કરીને શાસ્ત્રોનો વ્યાપાર વધારવાની ઝુંબેશ ચલાવવાની પ્રતિજ્ઞા ૨૦૧૩માં સહુ જાગૃત પ્રજાજનો લેશે, એવી પ્રાર્થના કરીએ.
e.mail : ten_men@hotmail.com

Loading

...102030...4,1904,1914,1924,193...4,2004,2104,220...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved