Opinion Magazine
Number of visits: 9774227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુસ્વારનું ચિહ્ન : વિચરતા વિચારો

સુમન શાહ|Opinion - Literature|5 June 2013

અંગ્રેજી ભાષાના લેખનમાં અનુસ્વારનું ચિહ્ન નથી. આપણી ભાષામાં એનું ચોક્કસ સ્થાન છે. આ અને આ પહેલાંનાં બન્ને મળીને ત્રણ વાક્યોમાં મેં ૯ વખત અનુસ્વારનું ચિહ્ન વાપર્યું છે.

ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ– “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.

વાત એમ છે કે આપણને ગુજરાતીઓને “ઝીણું” જીરું, “ટુકડી” ઘઉં, કે “પૉણિયા” ચોખા — જેવા ભેદ પાડવામાં મહેનત નથી પડતી, પણ હ્રસ્વ અને દીર્ઘ “ઇ” કે “ઉ” લખવામાં જોર પડે છે ! તે તે ભેદ મુજબના તે તેના ભાવતાલને વળગી રહેવામાં લહેર પડે છે, પણ હ્રસ્વ-દીર્ઘ સાચવવામાં આપણી પ્રજાને કંટાળો આવે છે ! આવી સુસ્ત અને મતલબી મનોદશાને કારણે નિયત જોડણી કરવા તેમ જ લખવા-બોલવા બાબતે આપણે સૌ સ્વૈરવિહારી છીએ. એને અંગેની એકવાક્યતાના અભાવમાં આપણું ભાષા-ગાડું જેમનું તેમનું ગબડે છે. એમાં, આ અનુસ્વારની તો ભારે દુર્દશા છે. એ બાપડાની જાણે કશી વિસાત જ નથી ! સર્વસાધારણ મનોવલણ એવું જોવા મળે છે કે અનુસ્વાર હોય તો ય શું ને ન હોય તો ય શું ! આમે ય દેખાવમાં એ બચારું નાનું છે !

જુઓ, જ્યાં જરૂર ન હોય ત્યાં અનુસ્વાર હોય : “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજું જતાં હતાં.” આ વાક્યમાં “બાજુ” પર અનુસ્વારનું હોવું બિનજરૂરી છે. તો વળી, જ્યાં જરૂર હોય ત્યાં એ ન હોય : “ટાવર બાજુ જતા હતા” — એમ જોવા મળે ! એમાં, “જતા” અને “હતા” બન્ને પર અનુસ્વારનું હોવું જરૂરી છે. આ અનાચાર, લેખનમાં જોવા મળે છે તેમ બોલવામાં પણ જોવા મળે છે. કેટલાક શિક્ષકો તેમ જ સારા સારા સાહિત્યકારો પણ આમાંથી બાકાત નથી ! સારસ્વતો જ બેફામ હોય, પછી પ્રજાને શું કહેવાનું !

ટૂંકમાં, “મમ મમ”થી કામ છે ! એ કાજે વ્યાકરણી વ્યવસ્થાનો અનાદર કરવામાં આપણને કશી નાનમ નથી !

આપણા વ્યાકરણમાં, સામાન્યપણે, નર અને નારી જાતિની ભેગી વાત કરવાની હોય તો યથાસ્થાને અનુસ્વારો આવે છે. નર, નારી અને નાન્યતરની ભેગી વાત કરવાની હોય તો પણ તેમ કરાય છે. “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજુ જતાં હતાં” — એ આખું વાક્ય આ બન્ને વાતનું સમર્થક છે. શિષ્ટમાન્ય વ્યવહારો વખતે દરેકે આ વ્યવસ્થાને વળગી રહેવું જોઇએ. સીધી વાત છે ! પરન્તુ, થોડું જુદું કહું : આપણી ભાષામાં, કુંભાર-કુંભારણ, બામણ-બામણી, મોચી-મોચણ, દરજી-દરજણ, વાણિયા-વાણિયણ, જેવી જાતિ-સૂચક વ્યાકરણી વ્યવસ્થા સ્થિર થયેલી છે. પણ એનો અર્થ એ નથી કે તમે કુંભારણબાઈને “કુંભાર” કે વાણિયણબાઈને “વાણિયા” કહીને સમ્બોધો તો ન ચાલે, ને તેને ખોટું લાગે ! ખોટું તો ત્યારે લાગશે, જ્યારે તમે એમાં કશો દુર્ભાવ દબાવીને બોલતાં હશો. કેમ કે, દુર્ભાવનો સ્વભાવ છે કે પોતાના હોવાપણાની તરત ચાડી ખાય !

ત્યારે, ગયા અઠવાડિયાની એ સાહિત્યસભામાં, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” શીર્ષકમાં અનુસ્વારના મુદ્દા અંગે મારા મનમાં થોડા જુદા વિચારો વિચરતા થયેલા. પણ અન્ય ચર્ચાઓમાં સભાની નિયત સમય-મર્યાદા સાવ નજીક આવી ગયેલી, એટલે મેં મૌનને ગમતું કરેલું. પણ અહીં એને વાચા આપું છું :

એમ કે, એક અર્થમાં “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” પ્રયોગ ખોટો નહીં લાગે. એમ કે,  “કેટલાક” પર અનુસ્વાર નથી તે બરાબર છે. એટલા માટે કે, સાહિત્યસર્જન કે કશું પણ સર્જન જે વ્યક્તિ કરે એને સર્જક કહેવાય, ભલેને એ સ્ત્રીએ કર્યું હોય કે પુરુષે કર્યું હોય કે પછી બાળકે. એ સૌ સર્જકો છે. એ ન્યાયે એ ગ્રન્થમાં બધા સર્જકો છે. (ખરેખર તો, સમીક્ષા અને ચર્ચાથી સભા એવા સૂર અને સારની દિશામાં વધારે સફાઈથી વિકસી શકી હોત — કે એ અમેરિકાવાસીઓમાં કાચા-પાકા આછા-ઓછા અને ખરા કે ખરેખરા સર્જકો કોને ગણી શકાય એમ છે અને કોના કોનાથી ગુજરાતી સાહિત્ય આછુંપાતળું પણ રળિયાત થઈ શકે એમ છે. ગ્રન્થકાર એ સારને સ્વ સૂરે સુદૃઢ પણ કરી શકયા હોત.) આપણા જમાનામાં “ઍક્ટ્રેસ”ને પણ હવે “ઍક્ટર” કહેવાય છે. જુલિયા રૉબર્ટને લોકો “ઍક્ટર” કહેવાનું પસંદ કરે કે અનુષ્કા શર્મા પોતાને “ઍક્ટર’ કહે એમાં કશું ખોટું નથી. હવે કોઈ “પોએટેસ” નથી બોલતું.  તમે “કવયિત્રી”, “લેખિકા” કે “સ્ત્રી-લેખિકા” કહો તે ન ગમે, કેમ કે ન ચાલે. નારીવાદીઓ તો ન જ ચલાવી લે ! આ બહેન “પોએટ” છે —  “રાઇટર” છે —  “કવિ” છે —  “વાર્તાકાર” છે —  એમ કહીએ તો મને તો વધારે સારું લાગે છે. જો કે આમ તો એમને “બહેન” પણ નહીં કહેવાય !

તે છતાં, ટૂંકમાં, સ્ત્રી-પુરુષ કે નર-નારી ભેદને ઉલ્લંઘીને વિકસેલી આ નવતાનું આપણે સ્વાગત કરવું જોઇએ. એની સામે આંખમીંચામણાં કરવાથી સંભવ છે કે આપણે જીવનની ગતિશીલતાનો અનાદર કરી બેસીએ.

જોવા જઇએ તો આપણે એવા અનુ-આધુનિક કાળમાંથી ગુજરી રહ્યાં છીએ, જેમાં બધાં મૂલ્યો, બધી શાસ્ત્રસમ્મત વાતો, આગ્રહો, નિયમો કે આચાર-વિચાર પ્રશ્નાર્થ હેઠળ આવી ગયાં છે. એ પ્રશ્નાર્થોને ઉકેલવામાં મોડા પડીશું તો વિમાસણો વધશે … કશાં સુખદ સમાધાનો જડશે નહીં …

(૨૭ મે ૨૦૧૩)

e.mail : suman.g.shah@gmail.com

Loading

અદેખો ચકલો

ઘનશ્યામ દેસાઈ|Opinion - Short Stories|5 June 2013

એક હતું જંગલ

જંગલમાં એક કૂકડો. રોજ સવારે વહેલો ઊઠે. ઝાડ પર ચડે અને જોર જોરથી બોલે : ‘કૂકડે…. કૂક…. કૂકડે… કૂક…..’

કૂકડાની બાંગ સાંભળીને સિંહ, વાધ, વરુ ઊંઘમાંથી ઊઠે. ઊઠીને શિકાર કરવા જાય. કાગડો, મોર, પોપટ ઊઠે. ઊઠીને દાણા ચણવા જાય. મેના, કોયલ અને સુગરી ઊઠે. ઊઠીને સળીઓ વીણે અને માળા બાંધે. બધાં વહેલાં ઊઠે, કામ કરે અને સાંજ પડે ત્યારે કૂકડાનો આભાર માને : ‘વાહ, કૂકડાભાઈ, વાહ ! તમે વહેલા ઉઠાડો છો તો અમારું કામ થાય છે.’

કૂકડાભાઈના વખાણ સૌ કોઈ કરે, પણ એક ચકલો ખૂબ અદેખો. તે કહે : ‘તમે અમસ્તાં કૂકડાનાં વખાણ કરો છો. ઝાડ પર ચઢીને એ જોરજોરથી બરાડે છે એમાં કૂકડા એ શું ધાડ મારી ? હું પણ બધાંને ઉઠાડું.’

બધાં પ્રાણીઓ અને પંખીઓ બહુ ચિડાઈ ગયાં. ચકલાને કહે : ‘ભલે, કાલથી તું ઉઠાડજે, તો અમે તારાં વખાણ કરીશું.’

બીજે દિવસે ચકલો વહેલો ઉઠયો, ઝાડ પર ચઢયો. જોરથી કૂકડે કૂક બોલવા ગળું ફાડયું. પણ અવાજ તો ખૂબ ધીમો નીકળ્યો. : ‘ચીં…ચીં…ચીં….ચીં’. ફરીથી ગળું ફાડયું પણ ચીં…ચીં એવો ધીમો અવાજ જ નીકળ્યો. કોઈને સંભળાયો નહીં. કોઈ ઉઠયું નહીં. કોઈ શિકારે ન ગયું. કોઈ દાણા ચણવા ન ગયું. કોઈએ માળો ન બાંધ્યો.

મોડાં મોડાં બધાં ઉઠયાં. ઊઠીને ચકલાને ખૂબ ધમકાવ્યો. ‘કેમ અમને ઊઠાડયાં નહીં ? અમે ભૂખ્યા રહ્યાં. અમારું કામ રખડી ગયું.’

ચકલો જુઠ્ઠું બોલ્યો : ‘આજે રવિવાર છે ને એટલે.’ બધાં બહુ ચિડાઈ ગયાં. ચકલો કહે : ‘કાલે જરૂર હું તમને ઉઠાડીશ.’

આખો દિવસ ચકલો ચિંતા કરતો રહ્યો : બધાંને કાલે ઉઠાડીશ કેવી રીતે ? છેવટે તેને એક વિચાર આવ્યો. ચકલો ખુશ ખુશ થઈ ગયો. બાજુ ના ગામમાંથી એક મોટું નગારું લઈ આવ્યો. સવારના ચકલો વહેલો ઊઠયો અને જોર જોરથી નગારું વગાડવા માંડયો : ઢડડડડડં ઢમ. ધ્રુબાંગ ઢમ…

જંગલમાં કોઈએ નગારાનો અવાજ સાંભળ્યો ન હતો. બધાં ઝબકીને જાગી ઊઠયાં. ખૂબ ગબરાઈ ગયાં. નાનાં બચ્ચાં રડવા લાગ્યાં. બીકના માર્યા સૌ અંધારામાં અંહીથી તહીં દોડવા લાગ્યાં.

જ્યારે બધાંને ખબર પડી કે આ અવાજ તો નગારાનો છે અને નગારું ચકલો વગાડે છે. ત્યારે બધાં એવાં ચિડાઈ ગયાં કે ચાંચો મારી મારીને ચકલાને અધમૂઓ કરી નાખ્યો. ચકલો રડતો રડતો બાજુના ગામમાં ભાગી ગયો. તે દિવસથી બધાં જ ચકલા-ચકલીઓ ગામમાં રહે છે. કોઈ જંગલમાં રહેવાની હિંમત કરતું નથી.

(સૌજન્ય : "રિડગુજરાતી")

Loading

લૅટ્સ ઝૂઉઉઉઉઉઉઉમ

અનિલ વ્યાસ|Opinion - Literature|4 June 2013

અમેરિકાથી પધારેલા શ્રી ભરત ભટ્ટ અને શ્રીમતી નીલિમા શુક્લ ભટ્ટના સાનિધ્યમાં, ‘વાર્તા વર્તુળ’ની આજની બેઠકમાં અગવડો વેઠીને ય પધારેલા સહુનું સ્વાગત કરતાં સંચાલક વિપુલ કલ્યાણીના ચહેરા પર વરસેલો છાનો હરખ માણવા કૅમેરો સ્હેજ ઝૂમ કરવો પડશે. 

યસ. હવે બરાબર ઝીલાય છે, એમની આંખ પકડું .. ઓહો … એમાં દેખાય છે આ બેઠકબંકાઓ .. પહેલાં રૂપમઢ્યું નારીવૃંદ .. ભદ્રા વડગામા, હંસા પુરોહિત, શશી પટેલ …. હવે દોસ્તો, પંચમ શુક્લ, રમણભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ગવર નથ્થુ, મહેન્દ્ર દેસાઈ, બાબુભાઈ સિકોતરા, સુભાષભાઈ દેસાઈ, પિંડોરિયાજી અને આ ક્ષણે ચહેરો ઉપસે કિન્તુ નામ ન પરખાય એ સહુ.

આવકારની વાણીના મોજા પર સવાર હિમાંશી શેલતની વાર્તા, ‘સાતમા આસમનની ભોંય’ પરના મહેન્દ્ર દેસાઈના રસદર્શન પછી સહુ સ્તબ્ધ છે. શશીબહેન બારી બહાર–અંદર  જોતાં વિચારે છે, પુરુષોની પરંપરાગત ચાલી આવતી આપખુદી અને સ્ત્રીએ વેઠવી પડતી પીડા. એમનો ચિત્કાર ભદ્રા વડગામાના તંગ ચહેરા પર જોઉં છું. લેટસ ક્લિક ધેટ. રમણભાઈના ચહેરા પર અકળામણ તરવરે છે વાર્તામાં પમાતાં ભવાઈના સ્તરગત પરિવર્તનો .. કોઈને મન છે અભિમાનની ટક્કર, તો કોઈ હાથ ઊંચકી, મુઠ્ઠી વાળી વ્યકત કરે છે, રિયાલીટી શૉઝની જનમાનસ પર અસર, બદલાતાં મૂલ્યો અને ધ્રુજતું કૌટુંબિક જીવન.

કેમૅરો બાજુએ રાખી, હવે ભદ્રા વડગામાની વાર્તા ‘ચકરાવો’ની વાત કરું. આ વાર્તામાં લેખિકાએ જે કાળ સદ્શીકરણ અને જક્સટાપૉઝ શન (એકબીજાની પાસે મૂકવું)  રચ્યું છે એ કાબિલેદાદ છે. એમણે આત્મકથાનાત્મક લાગતી વાતને જે કલાત્મકતાથી મૂકી છે, ઉપરાંત જે સંદર્ભો અને ઈંગિતો રચ્યાં છે, એ વાર્તા રસને ઉપકારક બને છે. સહુને આ વાર્તા ગમી અને સહુએ પ્રમાણી.

આ એ એમની ઘડાયેલી સમજ અને સર્જનનો નમૂનો છે. કોણ બોલ્યું ? સંચાલક વિપુલ કલ્યાણી, ઓફકોર્સ. સાથોસાથ એમણે આ સમગ્ર પરિવર્તન પાછળના પરિબળને સ્પષટ કરતાં કહ્યું, ‘વાર્તાની નિખાલસ ચર્ચા અને વિવિધ દ્રષ્ટિકોણને સમજી, વાર્તા પર વધુ ધ્યાન આપી, ફરીથી સર્જન તપાસવાની, વાર્તાકારની તૈયારીનું આ પરિણામ છે.’ વળી અગાઉના વાર્તા વર્તુળના સંચાલકો .. પોપટલાલ પંચાલ, મનેશચંદ્ર કંસારા, વલ્લભ નાંઢા, અને અનિલ વ્યાસના પ્રયાસોની ઉપયોગિતા અને અસરની નોંધ અંકે કરી અતિથિ વિશેષને નિમંત્ર્યા. હવે કેમૅરા .. રોલ … એકશન. ‘આવો, ભરતભાઈ’. (ઈટ ઈઝ જસ્ટ અ વેલકમ જેશ્ચર ઓન્લી, ભદ્રાબે’ન. નોટ અ મેલ ડોમીનન્સ એટઓલ.)

ભરત ભટ્ટના ઝૂમ લૅન્સમાં દેખાતા ચહેરા પર ચિંતા હતી ગુજરાતી ભાષાની. અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અન્ય ભાષાઓના લેકચરર હોય, એ ભાષા માટે ભંડોળ ઊભું થયું હોય, ત્યારે આપણી ભાષાની ખેવના તરફે આવી ઉદાસીનતા? આપણાં બાળકો અમુક અક્ષરો ઓળખતા નથી. સુભાષ દેસાઈથી ન રહેવાયું, ચહેરો આટલો રાતોચોળ ? ઝૂમ હટાવી જોઉં સઘળા ચહેરા સરખા ચિંતિત.

આપણા સંતાનો હવે મોબાઈલ વાપરે છે ફેસબુક કે ઓરકુટ કે કોઈ એપ્સ વાપરી ચૅટ (વાતો, હોં ભઈ.) કરે ત્યારે અંગ્રેજીમાં ગુજરાતી લખે. હવે આપણા ળ, ક્ષ, જ્ઞ અક્ષરો અંગ્રજીમાં જુદા છે. આ ળ તો છે જ નહિ. એટલે ‘મળ્યા’ કહેવું હોય ત્યાં લખવું પડે .. Malya. આ મલ્યા, મલીશું  લખતા આપણાં સંતાનોને ‘ળ’ની ખબર જ નથી. હા સુભાષભાઈ. તમારા નામમાં વપરાતો ‘ષ’ પણ એવો અઘરો જ છે, એમના માટે. એમને ષટ્કોણ એટલે Hexagon.

એની વૅ, ભરતભાઈ તરફ ફરું. બીજી બાજુ એ ચિંતા કરે છે સર્જાતા સાહિત્યના સ્તર અને ગુણવત્તાની. કહે, ગુજરાતમાં આપણું સાહિત્ય કેમ નથી લેખામાં લેવાતું ? નિમંત્રણ મેળવી અમેરિકા ફરવા આવતા ગુજરાતના દિગ્ગજ સાહિત્યકારો આપણાં સર્જનના કેવા કેવા વખાણ કરે છે ? (વાહ, અમારે બ્રિટનમાં આવીને ય એ જ વાત કરે છે, મોટા ભાગના આમંત્રિત સ્વદેશી સર્જકો. કેવું સરસ !)  ત્રીજી વાત … ડાયસ્પોરાનું સાહિત્ય કેમ વતનઝુરાપાની બહાર આવતું નથી ? (અલ્યા ભઈ, માટીની આ કાયાને એમ કંઈ માટીની માયા છૂટે ?) તરત સભામાં ગરમાટો આવી ગયો. સહુએ ખાસ્સી ચર્ચા કરી અને ગંભીરતા પિછાણી, ખસૂસ નક્કી પણ કર્યું જાગતિક રહેવાનું.

સાઉથ એશિયન રિલીજિયન પર વિદ્યા વાચસ્પતિ થયેલાં નીલિમા શુકલ–ભટ્ટને લેન્સ કુમારે તો આગળ વધી સલામ કરી; હું શું કરી શકું ફૉકસ એડજેસ્ટ કરવા સિવાય ? અમેરિકાની વૅલેસ્લી કોલેજમાં પ્રાદ્યાપિકા તરીકે ધર્મની ખેવના કરતાં કરતાં એમણે ગાંધી યુગીન કાવ્યો મુખ્યત્વે સત્યાગ્રહ સંબધે “ઓપીનિયન”માં પ્રગટ થયેલાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. મહાત્મા ગાંધીના અત્યંત પ્રિય પદ ‘વૈષ્ણવ જન તો તેને કહિયે ..’ વિષે વિગતે વાત કરતાં, એ અસ્પૃશ્યતા અને ગાંધીજીનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. વર્ષોથી એક માનવ સમૂહને કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત, અસ્પૃશયતા નિવારણ અને ગાંધીજીએ હરિજન શબ્દની કરેલ પસંદગી, અને તે સમયના અને આજના વ્યાપક પ્રતિભાવની ખાસ્સી િવચારશીલ ચર્ચામાં કેમેરો બાજુએ રાખી હું ય જોતરાયો. હું જે સમજ્યો છું એ કે અછૂત, અસ્પૃશય,  દલિત …. આ શબ્દો ગાંધીજીને ન ગમ્યા, એના મૂળમાં સંભવત: એ વાત હોવી જોઈએ કે આ શબ્દો વર્તણૂક સૂચક છે. ક્યાંક છાનો ઈશારો છે. એને ન અડાય કેમ કે એ આ છે. બીજું ગાંધીજી સત્યાગ્રહના માર્ગે સહુને સાથે રાખી ઝઝૂમવાના આગ્રહી હતા, પશ્ચાતાપ કરતાં એકતા, સમભાવ અને સહવાસ જોડાયેલાં સમજવા.

ફરી કેમેરો લઈ, પાછલા પગે જોઉં છું. હરખભર્યા મોં, હસતા હોઠ, છલકાતો ઉમંગ.

આ હોંશ અને ઉલ્લાસ કાયમ રાખું ખર્..ર્.. ર્..ર્..ખટ …. 

Loading

...102030...4,1644,1654,1664,167...4,1704,1804,190...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved