Opinion Magazine
Number of visits: 9774042
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમજદ

દુર્ગેશ ઓઝા|Opinion - Short Stories|24 June 2013

એસ.ટી.બસ ડેપોના વર્કશોપના બિલ્ડીંગમાં, છેક જમણી બાજુના છેડે, ઉપલી છત અને પાળી વચ્ચે ખુલ્લી જગ્યામાં ફૂલનું કુંડું ! અહીં વળી કોને સૂઝ્યું ? હા, સીડી લઈ વારંવાર કામસર ઉપર ચડતા ધૂની કારીગર રઘુએ પાળી ઉપર કુંડું મુક્યું હતું. બસની સફાઈ વખતે નળી વડે પાણી છંટાય,ત્યારે એક સેર આ કુંડામાં ય સમયાંતરે છોડાતી. મંદ મંદ પવન, ઝાકળ અને  સૂરજનો મૃદુ મીઠો તડકો.. આ બધાથી પેટ ભરીને ખીલેલા ગુલાબના બે ફૂલના ચહેરા આજે ખીલી ઊઠ્યા હતા ! કોઈ એની સામે જૂએ કે નહીં, પોતાનામાં મસ્ત એ બે ય તો કોઈ જાતની ચિંતા કે પરવા કર્યા વિના પરસ્પર તાળી દઈ ડોલતાં હતાં. આમ જૂઓ તો જુના ટાયર, ભંગાર, બસની સાફ-સફાઈનો ઘોંઘાટ વગેરેથી વર્કશોપનું વાતાવરણ બોઝિલ લાગતું, પણ યંત્રવત્ કામ કરનાર કારીગર બે ઘડી આ ફૂલ સામે જોઈ લેતો ને તેનો કંટાળો કે થાક ફૂલસ્પીડમાં ભાગી છૂટતો. ફૂલની જાત જ એવી હોય છે ને ?

અમદાવાદ જનારી બસ હજી વર્કશોપની અંદર જ પડેલી. ઉપડતા પહેલાં એને જરાક ઠીકઠાક કરવામાં આવી રહી હતી. હમીદ મિયાંને અચાનક યાદ આવ્યું. ‘અરે આ બસ લઈને તો આપણા રામભાઈ જાય છે ! સમજો કામ હો ગયા.’ એમણે રામભાઈને વિનંતી કરી. ‘હું, અમજદ ને આયેશા, અમારે અમદાવાદ જવું છે, પણ પ્લેટફોર્મ પર ભારે ગિરદી છે. અલ્લાહ તોબા ! ઈસ બસમેં ચડના હમારે બસકી બાત નહી હૈ. જો તમે અહીંથી જ અમને બસમાં બેસાડી …. ’

પણ રામભાઈ આ રીતે કોઈને આગળથી બસમાં ચડાવી જાતને નીચી ઉતારવા માંગતા નહોતા. ‘હમીદ મિયાં, આપણી ઓળખાણ સાચી, પણ આ વાત ખોટી. આ રીતે બધાને આગળથી બસમાં બેસાડી દઉં એ ઠીક ન કહેવાય, અત્યારે આ બસ ધોવાય છે, પણ પછી મારા પર માછલાં ધોવાય. પછી પાછા આપણે જ ફરિયાદ કરતા હોઈએ છીએ કે ‘જગ્યા ન મળી. બધાં આગળથી ચડી જાય છે !’ અધૂરામાં પૂરું ‘બહુ અરજન્ટ કામ છે’, કહી આવેલા સાહેબના એક ઓળખીતાને આ બસમાં આમ જ આગળથી બેસાડવાનો છે. ત્યાં વળી તમે … !’

હમીદ મિયાં બે ઘડી ચુપ. એ ચિંતામાં પડી ગયા. એમની દીકરી આયેશાને કોઈ ગંભીર બિમારી વળગી હતી. નબળાઈનો ઘેરો ઘેરો હતો. વધુને વધુ બગડતી જતી તબિયત .. એટલે એના ખાસ ડોક્ટરને બતાવવા જવાનું હતું. માંડમાંડ એપોઈન્ટમેન્ટ મળી હતી. તહેવારોને હિસાબે પ્રાઇવેટ બસોમાં જગ્યા મળી ન હતી. એમણે રામભાઈને આ બધી વાત કરતા ફરી અરજ કરી, ‘મારો ઈમાન પણ મને આવું કરવાની ના પાડે છે. પણ રામભાઈ, જો એક સીટની જગ્યા કરી આપો તો ય મહેરબાની. ઈશ્વર-અલ્લાહ આપકો સલામત રાખે. મેં તો બસમેં ખડે ખડે સફર કર લુંગા. ’

માંદગીની વાત આવતાં જ રામભાઈના મનમાં રામ વસ્યા. ‘એક કામ કરો. તમે બધાં અહીં ન આવતા. અમજદને અહીં મોકલો. એને અહીંથી બેસાડી દઈશ. આયેશા બેટીની જગ્યા એ રોકી લેશે, બસ ? હવે ગમે તેવો લાટસાહેબ પણ ચેકિંગ કરવા કેમ ન આવે ? હું એને પહોંચી વળીશ. ઈશ્વર-અલ્લાહ આપણી આયેશા બેટીને જલદી સાજી કરી દેશે. લ્યો, આ બસ પણ તૈયાર થઇ ગઈ. હવે ઝટ અમજદને મોકલી દયો.’

…. થોડીવાર પછી રાજુને સાથે લઈ અમજદ બસ આગળ આવી પહોચ્યો. રાજુ અમજદને બસસ્ટેન્ડે મુકવા આવેલો. બે ય પાકા ભાઈબંધ. ‘અજુ-રાજુની જોડી’ આખા ગામમાં જાણીતી. અમજદે બહારથી જ બસની બારીમાંથી થેલો અંદર સરકાવ્યો ને રાજુને કહ્યું, ‘જેમ બારીમાંથી થેલો બસની અંદર જાય તેમ ચાલ, આપણે પણ એમ જ … ’ રાજુ ‘ના ના’ કરતો રહ્યો, પણ અમજદ અવાજ ન થાય એમ બારી વાટે બસમાં ઘૂસ્યો ને રાજુને પણ એ જ રીતે .. !  એ સીટની બારીના કાચ, સળિયા .. બધું જ ગાયબ હતું ! બેય આમ બસની છેલ્લેથી બીજી ડાબી બાજુની સીટમાં બેસી ગયા. જો કે એની પહેલાં જ એક માણસ બસની મધ્યમાં ડાબી બાજુએ ગોઠવાઈ ગયો હતો, જે સિગારેટના કસ લઈ ધૂમાડાના ગોટેગોટા છોડી રહ્યો હતો. એણે સિગારેટ બુઝાવી દીધી, ને મોબાઈલ પર જામી પડ્યો. એ તો બસ પોતાનામાં જ મસ્ત હતો. વળી બાજુમાં ઊભેલી બીજી એક બસ પણ પ્લેટફોર્મ પર જવાની તૈયારીમાં હોઈ તેની જોરદાર ઘરઘરાટી કાનમાં વાગતી હતી. આ કારણોસર આ બંને છોકરા બસમાં આમ ચડ્યા તેની એને ખબર પણ નહોતી. એણે માથે લીલો પટકો પહેરેલો. અમજદને આ જોઈ ટીખળ કરવાનું મન થયું.

હા … હમીદ મિયાંના શબ્દોમાં કહીએ તો ‘અમજદ એટલે અટકચાળો વાંદરો.’ કંઈક નવું જોયું નથી ને ભાઈએ પરાક્રમ કર્યું નથી ! હજી તો તે હતો બાર વર્ષનો છોકરો, પણ કંઈકના બાર વગાડી દે તેવો ! પોતાને ઓળખતા લગભગ બધાં લોકો પાસેથી ‘ટીખળી’ ને ‘તોફાની’ જેવા અનેક ‘એવોર્ડ્સ’ તે અત્યાર સુધીમાં મેળવી ચુક્યો હતો. રાજુએ તેને ટોક્યો, ‘અજુ, હવે અહીં તો રહેવા દે ! એ અજાણ્યા પાસે ન જા. નકામું કંઈક આડુંઅવળું થાશે તો …’ પણ રોકાય તો તે અમજદ શાનો ?  દબાતા પગલે અમજદ પેલા અજાણ્યા માણસ પાસે ગયો ને એની પાછળ શાંતિથી ઊભો રહી ગયો .. પણ એ માણસ તો મોબાઈલમાં કોઈની સાથે ધીમા અવાજમાં મંડી પડ્યો હતો. ત્રણ મિનિટ, ચાર મિનિટ … અમજદ કાન માંડી રહ્યો. રાજુ સામે ડોકું હલાવી, લટકાંમટકા કરી રહ્યો. ને રાજુ તો જાણે ગભરાટનું પોટલું ! એણે પાછા ફરવા ઈશારો કર્યો, ને અમજદે  કશુંક વિચારી થોડી વાર પછી એની વાત માની લીધી!

થોડીવાર પછી અમજદે કશુંક વિચારી, ફરી એ અજાણ્યા મુસાફર પાસે જવાનું નક્કી કરતા ધીરેથી રાજુને કહ્યું, ‘જોજે, હમણાં આ બાઘાને કેવો ઘાંઘો કરી દઉં છું તે ! મારી બૂમ સાંભળી એ ચમકી જાશે. અબ દેખો મજા.’ રાજુએ મિત્રનો હાથ પકડી હાવભાવ વડે જ ત્યાં ન જવાની આજીજી કરી, પણ આજીજી નાપાસ ! અમજદ કહે, ‘ચિંતા ન કર. એ અમારી કોમનો છે. મને ખબર પડી ગઈ.’ અમજદ તો ગયો. પેલો હજી મોબાઈલને ચોંટ્યો’તો. આજુબાજુ દુનિયામાં શું બની રહ્યું છે, તેનું એને ભાન નહોતું કે નહોતી એને તેની પરવા. અમજદે સાવ એના કાન પાસે પોતાનો ચહેરો ધરી પ્રચંડ અવાજે ઘાંટો પાડ્યો. ‘સલામ આલેકૂમ ….’ ને પેલો સફાળો ચોંકી ઊઠ્યો.

ધરતીકંપ થયો હોય એમ એ થોડીવાર પુરતો તો હલબલી જ ગયો ! એના હાથમાંથી મોબાઈલ પડતો પડતો રહી ગયો. સલામનો પ્રતિભાવ સલામથી આપવાને બદલે એણે સીધી કરડાકીથી પ્રભાવ જમાવવાની કોશિશ આદરી. ‘ક્યા હૈ ? આટલા જોરથી બોલાય ? ને તું આ બસમાં ચડ્યો કેમ ને કઈ રીતે ? યહાંસે ચડના ગલત હૈ. નિયમ નહીં જાનતા ક્યાં ? ઊતર જાઓ,વરના …’

‘વરના ક્યાં કર લેંગે ? અમને કહો છો, પણ તમે કેમ ગેરકાયદે ચડી બેઠા ? ને બસમાં સિગારેટ પીવાની ય મનાઈ છે. નિયમની ક્યાં માંડો છો ? ખુદ ગલત કરતે હો ઔર હમકો વગર મફતકી શિખામણ દેતે હો ! ચોર કોટવાલને દંડે લે બોલ !’ રાજુ અમજદની વહારે ધસી આવ્યો.

‘અચ્છા, તો એક નહીં, દો દો બંદર બસકે અંદર ! અંદર કર દુંગા સાલો !’ કહી એણે અમજદ સામે જોઈ રોફભેર પૂછ્યું, ’ ક્યાં નામ હૈ તેરા ?’

‘અમજદ’ તેની બદલે રાજુએ જ એંટમાં જવાબ વાળ્યો એટલે અમજદે એને શાંત થઈ જવાનો ઈશારો કરી બાજી હાથમાં લીધી ને શાંતિથી બધી વાત કરી, અહીંથી ચડવાનું કારણ સ્પષ્ટ કર્યું. ને પછી પોતે પૂછી લીધું, ‘આપકી તારીફ ? ને તમે કેમ અમારી જેમ આગળથી ચડ્યા ચાચા ?’ ને એ બગડ્યો. ‘ચાચા હોગા તેરા બાપ. હું તને ‘ચાચો’ લાગું છું ?’ ને પછી નરમાશથી કહે, ‘મારું નામ કાસમ છે. કામ ઐસા જરૂરી હૈ કી મુજે ઈસ તરહ બેઠના પડા. પર યે ફટીચર બસ આખરી મુકામ તક પહોચેગી ક્યાં ?! અલ્લાહ અલ્લાહ કરો, મિયાં ! તારા આ દોસ્તને જવું હોય તો ભલે એ હેરાન થાતો. તુમ તો રહેને હી દો. તુમ તો સાથમેં બિમારકુ લેકે આયે હો. ખુદા ન કરે ઔર બીચમે હી બસને કુછ ગરબડ કી તો … ? બીચ રાસ્તેમેં બેટીકી તબિયત બિગડ ગઈ તો ફિર કરોગે ક્યાં ?  હેરાન-પરેશાન થઈ જશો. યે બસ રાસ્તેમેં જરૂર દગા દેંગી. આપકી વાટ લગા દેંગી. ’

‘તો પછી તમે આવી બસમાં શું કામ જાવ છો, ચાચાજી ?’ અમજદે વળતો ઘા માર્યો.

ગુસ્સાને ખાળતા એ બોલી ઊઠ્યો, ‘તુમ મજાક અચ્છી કર લેતે હો ! મારે તો રસ્તામાં જ ઊતરી જવું છે. ને હું તો હટ્ટોકટ્ટો છું. જયારે તમારી હારે બિમાર આયેશા બેટી છે. જરા અક્કલસે તો કામ લો મિયાં !’ વ્યસનના ગુલામ એવા કાસમને અચાનક યાદ આવ્યું. ‘અરે મેરી ફાકી ઔર મેરા પાન-મસાલા ? હત  તેરેકી. યે તો મૈ ભૂલ હી ગયા !’ હજી પંદર મિનિટ પછી પ્લેટફોર્મ પર બસ આવવાની હતી. જગ્યા રોકવાની ને સામાનનું ધ્યાન રાખવાની સૂચના આપતાં એણે ઊમેર્યું. ‘મેં અભી આયા સમજો. ઔર શૈતાની મત કરના ક્યાં સમજે ?’

‘શૈતાની તો તમે કરો છો ! જે ખાય ગુટકા-ફાકી, એની તબિયત વાંકી. વહેલા મરી જવાય ‘ચાચાજી.’ રાજુએ ‘ચાચાજી’ શબ્દ પર ભાર મૂકતા વણમાગી સલાહ ચોપડાવી, ને પેલો ગુસ્સે થવાને બદલે હવે ખડખડાટ હસી પડ્યો. ‘જીના-મરના હમારે હાથમે નહીં હૈ. સબ કુછ ઉસીકે હાથમે હૈ. યે સબ ખુદાકી ફિતરત ! પણ તારી જબાન બહુ તેજ ચાલે છે. કાશ આ બસ પણ એમ જ ચાલવાની હોત તો ? સલામ અમજદમિયાં !’ એ માણસ બસમાંથી ઊતર્યો – ન ઊતર્યો ત્યાં તો અમજદ ફરી એની સીટ પાસે જઈ સીટ નીચે પડેલો એનો થેલો ખોલીને ફેંદવા લાગ્યો.

ને રાજુ ફફડી ઊઠ્યો, ‘અજુ, હવે હદ થાય છે. કોઈના સામાનને ન અડાય. ખરાબ કે’વાય. ને એણે આપણા પર વિશ્વાસ રાખીને …..’

‘આ તો શું થેલામાં મીઠાઈ – બીઠાઈ હોય તો પેટમાં પધરાવી દઈએ. પૂછે તો કહેવાનું કે ઉંદરડા આવીને ખાઈ ગયા. માલ હજમ, કામ ખતમ.’ અમજદ આમ કહેતાં હસી પડ્યો ને પછી .. ! ‘અરે આ કાસમચાચો તો એનો મોબાઈલ સીટ પર જ ભૂલી ગયો .. ! ‘તેણે જોયું, એના મોબાઈલમાં સલીમ નામના કોઈ શખ્સના એક જ નંબરના પાંચ-પાંચ મિસકોલ હતાં. તેણે એ નંબર યાદ રાખી પછી એ પાંચે ય મિસકોલ ઉડાડી દીધા ને કહે, ‘રાજુ, ચાલ થોડી ગમ્મત કરીએ. મારા અબ્બાજાને તને એનો બીજો મોબાઈલ આપ્યો છે ને ?’ અમજદે કાસમના મોબાઈલમાંથી આ બીજા મોબાઈલમાં રીંગ મારી. ને રીંગટોન વાગતા જ રાજુ કહે ‘તેના મોબાઈલમાં આપણો આ નંબર આવી ગયો. એને ખબર પડી જાય કે તે મિસકોલ કર્યો છે ને એના જાણીતાના નંબર કાઢી નાખ્યા તો એ આપણી ખબર લઈ નાખશે.’

જવાબમાં અમજદ હસી પડ્યો. તેણે પોતાના મોબાઈલમાંથી સલીમના નામે કાસમને મેસેજ કર્યો. ‘મેં યે દુસરે નંબરસે સંદેશ ભેજ રહા હું. અબસે દો ઘંટેકે લીયે મુજે યા કીસીકો ભી ભુલેસે ભી કોલ યા મેસેજ મત કરના. મેં સામનેસે તુજે પુરાને નંબરસે ફોન કરુંગા. – સલીમ.’ ને પછી આવો જ કંઈક મેસેજ કાસમના મોબાઇલમાંથી કાસમના નામે સલીમને મોકલ્યો, ને ત્યાર બાદ રાજુને આ પરાક્રમની જાણ કરતા તે કહી રહ્યો.  ‘રાજુ, જો, હવે હું કાસમના મોબાઇલમાંથી સલીમને મોકલેલો આ મેસેજ ને આપણને કરેલો મિસકોલ કાઢી નાખું એટલે આ ટીખળની એને ખબર જ નહીં પડે. સલીમના નામે આવેલો મેસેજ વાંચી, આ કાસમચાચો છાનોમાનો બેસી જશે. મોબાઈલ પર ચોટી પડતો બંધ થશે.’ રાજુ કહે, ‘વાત તો તારી સાવ સાચી. મોબાઈલ હારે આ ચાચાએ શાદી ન કરી લેવી જોઈએ !? સાવ જામી જ પડ્યો’તો લે તેમાં ! તારો આઈડિયા છે તો ભારી ફક્કડ ! પણ આવી મસ્તી તેં શું કામ કરી ? નકામું ક્યાંક ….જો જો એ દોડતો દોડતો આવે છે. મોબાઈલ લેવા જ આવતો લાગે છે. ઝટ મૂકી દે.’  ને બે ય જાણે કાંઈ કર્યું જ નથી એમ ડાહ્યાડમરા થઈ પોતાની સીટ પર બેસી ગયા. પેલાએ મોબાઈલ માગ્યો ને …

‘બસમેંસે ઊતરતે વક્ત તો મોબાઈલ આપકે હાથમેં હી થા ! આપ શાયદ ભૂલ ગયે. કહી રાસ્તેમેં તો ગિર નહીં ગયા ના ?’

‘નહીં અમજદ, મૈ ઐસા ભી ભૂલક્કડ નહીં. જા વહાં સીટ પર હી પડા હોગા. ’ કાસમે વિનંતી કરી. અમજદે શોધવાનો ડોળ કર્યો, થોડી વાર લગાડી ને પછી મોબાઈલ આપ્યો. ‘લ્યો ચાચાજી.’ આ વખતે કાસમ જોરથી હસી પડ્યો ને પાનની દુકાન તરફ ભાગ્યો. અમજદે જગ્યા બદલીને બરાબર કાસમની પાછલી સીટ પર સૂચના મુજબ માત્ર એક જ જગ્યા રોકી લીધી.

…… બસ પ્લેટફોર્મ પર આવી ગઈ હતી. અમજદે રાજુ સાથે થોડી કાનાફૂસી કરી તેને બસમાંથી નીચે ઉતાર્યો. રાજુનો ગભરાટ પણ હવે ઊતરી ગયો હતો. ત્યાં જ પેલો કાસમ આવી પહોચ્યો. બકરાંની જેમ પુરાયેલા મુસાફરોની વચ્ચેથી રસ્તો કરી તે માંડમાંડ પોતાની સીટ પર આવ્યો, હમીદમિયાંને એક જ સીટ મળી હતી. અમજદે કાસમ સાથે અબ્બાજાનની ઓળખાણ કરાવી. કાસમે આધેડ હમીદ મિયાં સામે નજર કરી એમને ભંગાર બસમાંથી ઊતરી જવાની સલાહ આપી, પણ હમીદ મિયાં ઊતર્યા નહીં, પોતાની વાત તેમ જ સીટ પર અડગ ઊભા રહ્યા એટલે કાસમે કશુંક વિચાર્યું ને પછી અચાનક ઊભા થઈ પોતાની સીટ પર બેસી જવાનો એમને આગ્રહ કર્યો. એમનો હાથ પકડી પોતાની સીટ પર એમને ધરાર બેસાડતા એ બોલ્યો. ‘તો તમે જાણો ને ખુદા જાણે. હું તો .. ઊતરી જાઉં છું. પર મેરા એક કામ કર દેના, મિયાં.’ એણે અહીંથી ચોથું સ્ટેશન આવતાં ફારુક નામનો જે માણસ આવે એને પોતાનો થેલો સોંપી દેવાની વિનંતી કરી. મિયાંને સીટ મળી ગઈ ને કાસમનું કામ થઈ જવાનું હતુ,ં એટલે બે ય વચ્ચે શુક્રિયાની આપ-લે થઈ. કાસમે ભારપૂર્વક કહ્યું, ’ઔર હા, એક ખાસ બાત. આપકે ‘ચલતે ફિરતે તૂફાન’ કો મેરે થેલેસે દૂર હી રખના. કાચકા સામાન હૈ. જહાં હૈ વહી ઉસે રખના. અબ જબ સીટ મિલી હૈ તો આરામસે સો જાના. વો ચોથા સ્ટેશન તો દો ઘંટેકે બાદ આયેગા.’ હમીદ મિયાંએ સામાન વિશે બેફિકર રહેવાની ને તેને સહીસલામત પહોંચાડવાની ધરપત આપી. કાસમ રાહતનો શ્વાસ લેતા બસમાંથી ઊતરી ગયો.

બસ ઉપડવાને, બસ, હવે થોડી જ વાર હતી ત્યાં જ અમજદે છેલ્લી આંગળી ઊંચી કરી .. ને હમીદ મિયાંનો અવાજ ઊંચો થયો ! ‘અત્યાર સુધી શું કરતો’તો ? બરાબર બસ ઉપડવા ટાણે જ તને … ?!’ એમણે તેને જલદી આવી જવાની તાકીદ કરી યુરીનલ કંઈ તરફ છે તે ઈશારાથી બતાવ્યું ને અમજદ ભાગ્યો.

છેક પાંચ મિનિટ પછી અમજદ આવ્યો ને અબ્બાજાનનો ગુસ્સો ખાળવા મથી રહ્યો. બસની બહાર ઊભા ઊભા જ તેણે કહ્યું, ‘અબ્બાજાન, બહુ ‘લાગી’ હતી એટલે વાર લાગી.’ હમીદ મિયાંએ સહેજ મોઢું બગાડી તેને જલદી અંદર ચડી જવાનો ઈશારો કર્યો ને મોડું થઈ જવા છતાં બસ ન ઉપડી એટલે રાહત અનુભવી. જો કે ત્યારબાદ બીજી પંદર મિનિટ વીતી ગઈ, છતાં બસ ઉપડવાનું નામ જ નહોતી લેતી ! ત્યાં તો જાહેરાત થઈ. ‘બસમાં ખોટકો હોઈ તે નહીં ઉપડે. રૂટ કેન્સલ …’ બસ  જોતજોતામાં ખાલીખમ ને મુસાફરો લાલઘુમ. ‘આવી જ ભંગાર બસો મુકો છો ? જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહીં ?’ હમીદ મિયાં ચિંતાગ્રસ્ત. ‘હવે આ બિમાર છોકરીનું શું થશે ? માંડમાંડ મેળ પડ્યો’તો ત્યાં આ … ! ’ કોઈએ આશ્વાસન આપ્યું. ‘પાડ માનો ભગવાનનો, બસ અધવચ્ચે જ દગો દેવાની હતી. બચી ગયા સમજો.’ હમીદ મિયાંને ત્યારે કાસમે કહેલી આવી જ કંઈક વાત યાદ આવી. એમણે કાસમના મનોમન વખાણ કરતા ઘેર પરત જવાની તૈયારી કરી, ત્યાં જ પોલીસવાળાએ એમને રોક્યા. ‘એક મિનિટ, તમે જ અમજદના બાપ છો  ને ?’

હમીદ મિયાં કહે, ‘હા, આમ તો હું જ છું, પણ હકીકતમાં તો  એ મારો ય ‘બાપ’ છે.

ઇન્સ્પેકટર વાઘેલાએ ગંભીરતાપૂર્વક કહ્યું,  ‘તમારે અમારી સાથે પોલિસ-સ્ટેશને આવવું પડશે ….’

અમજદને પોલિસવાળા સાથે વાત કરતો જોઈ ચોંકી ઊઠેલા હમીદ મિયાંને થયું કે નક્કી કંઈક પરાક્રમ કર્યું લાગે છે આ ‘શહેઝાદાએ.’  ‘શું કર્યું તેં નાલાયક ? તુજે કિતની દફા બોલા કી .. ?! ’

‘મિયાં, એ બધું થાણે પહોચીને કહેજો. પહેલાં તમારી બેટીને ઘેર ઉતારી દઈએ, પછી બીજી વાત.’ ઇન્સ્પેકટર વાઘેલા સત્તાવાહી સ્વરે બોલી ઊઠ્યા … ને પોલિસવાનમાં આખે રસ્તે હમીદ મિયાં અજાણી આશંકાથી ફફડી રહ્યા, અમજદ સામે કરડી નજર નાખી રહ્યા. પોલિસે સમજીને જ અમજદને એમનાથી દૂર બેસાડ્યો હતો. આયેશાને ઘેર ઉતારી વાન પોલિસ-થાણે પહોંચી ….

….. દૂર બેઠેલા એક શખ્સ સામે ઈશારો કરતા ઉપરી અધિકારીએ પૂછ્યું, ‘હમીદ મિયાં, આને તમે ઓળખો છો ?’

‘અરે હા, આ તો કાસમ. આ ભલા માણસે તો મને બસમાં જગ્યા આપી’તી ને બસમાંથી ઊતરી જવાની નસીહત પણ ..’

‘હા,બરાબર, હવે વાત જાણે એમ છે કે તમારા અમજદે એના માલસામાન અને મોબાઈલ સાથે રમત કરી છે. બહુ મોટી મજાક કરી છે ને એને લીધે ….’

ને અત્યાર સુધી દબાયેલો હમીદ મિયાંનો ગુસ્સો પૂરજોશમાં બહાર ધસી આવ્યો જે રોકવો હવે મુશ્કેલ હતો. એમણે ત્રાડ પાડી, ‘અમજદ … ઇધર આ નિકમ્મે. આજ મારમારકે તેરી ચમડી ન ઉધેડ દું તો મેરા નામ … ! તુને આજ જો કિયા હૈ વો …!’ અધિકારીએ મહામહેનતે એમને રોકતા  કહ્યું, ‘વો કામ હમારા હૈ. અમને ફક્ત એટલું કહો કે આવડાં ટાબરિયાંમાં આવી બુદ્ધિ’ આવી ક્યાંથી ! તુમને ઉસકો યે કૈસી તહેઝીબ શીખાઈ કી ઇતની છોટી સી જાન ..? ’

‘અબ ક્યાં બતાઉં, સાહબ ? પર ઉસને કિયા ક્યા હૈ યે તો કોઈ પહેલે મુજે ઠીક્સે બતાઓ !’

‘અરે, તુમ્હારી લડકેને આજ જો કિયા હૈ વો …… ! ’

ને હમીદ મિયાં ફરી ઉકળી ઊઠ્યા.’ સાહેબ, તમારે એનું જે કરવું હોય તે કરજો, પણ પહેલાં મને એની સાથેનો પૂરેપૂરો હિસાબ ચુકતે કરી લેવા દયો. મારો છોકરો નાદાન છે, શરારતી હૈ, પણ કોઈનું બુરું કરે એવો હરગીઝ નથી. લેકિન .. લેકિન ઐસી બેહુદી શરારત કરના ભી કતઈ ઠીક નહી હૈ. યા પરવરદિગાર ! … યે સબ ક્યાં હો રહા હૈ ? સાહેબ તમે એને એવું ‘ઇનામ’ આપજો કે જેથી તે એને  જિંદગીભર યાદ રહી જાય ને એ બીજાને હેરાન કરવાની ખો ભૂલી જાય.’

‘મિયાં, એ તો અમે તેને આપીને જ રહેશું. અમે કોઈને ય નથી છોડતા. તમારા અમજદે ચોરીછૂપીથી બીજાની ગુપ્ત વાતો જાણી લીધી ને એને ધ્યાનમાં રાખી એક પછી એક ચિત્ર-વિચિત્ર હરકત કરવા માંડી ને એટલે અમે પણ હરકતમાં આવી ગયા. એણે છાનામાના બધી વાત સાંભળી લીધી,ને અજાણ્યા હોવાનું નાટક કરી બધો ખેલ ચોપટ કરી નાખ્યો. તો બીજી બાજુ આ રાજુએ પણ ડ્રાઈવર તેમ જ ડેપો મેનેજરને એમ કહી બસ રોકાવી દીધી કે ‘પોલિસે બસ ઉપાડવાની હમણાં ના પાડી છે. એનો ફોન હમણાં આવશે જ … !’ આ બે ય ટાબરિયાંઓએ સમજી સમજીને એક એક ડગલું આગળ … ! બસ તો ઉપડવાની જ હતી.

પણ ખોટું બહાનું કાઢી, બસની બહાર નીકળી, અમજદે તમને બરાબરના ઉલ્લુ બનાવ્યા, ને અમને ય બરાબરના દોડાવ્યા … ! એણે જે કર્યું છે એ નાનુંસૂનું નથી. એણે બહુ મોટું … ’

‘સાહેબ, મને તો આમાં કશું સમજાતું નથી. તમારે એનું જે કરવું હોય તે કરો. એણે ગુનો કર્યો હોય તો હું એને છોડાવીશ નહીં. કોઈ ભલા માણસની આટલી હદ સુધી મશ્કરી કરાય ?! નાલાયક, તેરી વજહસે આજ સબકે સામને મેરા સર નીચા હો ગયા. સારે શહેરમેં બાત ફૈલ જાયેંગી કિ આજ પોલિસથાનેમેં …. !  લે જાવ ઉસે ! અલ્લાહ ઐસા બેટા કીસીકો ન દે. ’

હમીદ મિયાંની વાત સાંભળી અત્યાર સુધી ગંભીર રહેલા જિલ્લા પોલિસ અધિકારીએ એક ઈશારો કર્યો, ને ઇન્સ્પેકટર વાઘેલાએ વાતનો દોર હાથમાં લીધો. ‘મિયાં, તમે તો અત્યાર સુધી એમ જ સમજતા હતાં ને કે આવા દીકરા ખુદા બધાને દે. અમજદનો અર્થ છે સારો, મોટો માણસ. હા .. હા .. હા ! જો તમે એમ સમજતા હો કે તમારા દીકરાને લીધે તમારું માથું આજે ફક્રથી ઊંચું થયું છે તો …. તો તમે ….! ને એટલે તો અમે પૂછતાં’તા કે આવડાં ટાબરિયાંમાં ‘આવી’ બુદ્ધિ આવી ક્યાંથી ? તુમને ઉસકો યે કૈસી તહેઝીબ શીખાઈ કી ઇતની છોટી સી જાન … ! ઇસકો ઇસકે કીયેકા ઇનામ મિલેંગા, જરૂર મિલેગા. હમ ઐસે નહીં છોડેંગે. આ બે ય નન્હીં સી જાને કેટલા ય મુસાફરોના જાન …!’

હમીદ મિયાં હવે કશું બોલી શકે એવી સ્થિતિમાં જ નહોતા. ઇન્સ્પેકટર કહેતા રહ્યા, મિયાંની આંખમાંથી એકધારા આંસુ વહેતા રહ્યા ને પોલિસ અધિકારી સહિત સર્વે ખડખડાટ હસી પડ્યા.

હા, ખોટકો બસમાં નહીં, બીજે ક્યાંક હતો. ફારુક-બારુક કોઈ કઈ લેવા આવવાનું જ નહોતું. ચોથું સ્ટેશન આવે એ પહેલાં જ બધાનું ‘છેલ્લું સ્ટેશન’ આવી જવાનું હતું. પેલા થેલામાં કાચનો નહીં પણ મોતનો સામાન હતો ! એમાં ટાઈમ-બોંબ હતો જે એક કલાક પછી ફૂટવાનો હતો. હમીદ મિયાં જેને ભલો માણસ ગણતા હતા, એ કાસમ તો ક્રૂર આતંકવાદી અફઝલનો જમણો હાથ નીકળ્યો. ઉપરી પોલિસ અધિકારી કહી રહ્યા, ‘તમારા જેવા સાચા દેશપ્રેમીઓ પર અમને સૌને નાઝ છે. ઈશ્વર-અલ્લાહ તમને સૌને આવા જ નેક, આબાદ અને ખુશહાલ રાખે. ને હા, એક ખાસ વાત .. અમજદ અને રાજુની જોડી આવા સારાં ‘તોફાન’ કરે તો કરવા દેજો. અભિનંદન. આભાર.’

અમજદ અને રાજુ બે ય હાથમાં હાથ ભેરવી, ટેસથી ચાલી રહ્યા હતા. એમની નાની આંખોમાં બહુ મોટી ચમક ઝલકતી હતી … મલકતી હતી .. આ ‘ અજુ-રાજુ ’ની જોડીએ કંઈકની જોડીને સલામત રાખી હતી .. !

સરનામું : ૧, જલારામ નગર,નરસંગ ટેકરી, હીરો હોન્ડા શો-રૂમ પાછળ, ડો. ગઢવીસાહેબની નજીક, પોરબંદર – 360 575, ભારત

ઈ-મેઈલ : durgeshoza@yahoo.co.in  

Loading

મારો દોસ્ત કિશોર રાવળ

ડૉ. રજની શાહ (આર.પી.)|Opinion - Literature|24 June 2013

સાલુ જિંદગી આખી કરિયાણાની દુકાનના ગંજી પહેરેલા વાણિયાના માલખા જેવી છે. માલખાના તારમાં કોચી કોચીને પત્તીઓ ભરી છે. એમાં ઠાંસીને ભર્યું છે બધું લેણદેણ, દ્વેષ, સોદાબાજી, ઠાકોરજીની ઊછરામણી, ગ્રાંડ ચીલ્ડૄનોના પૉસિબલ નામોની યાદી. આજે એ પત્તીઓ ફિરાવી ફેરવી વાંચવા જઇએ તો અક્ષરો ઉકલતા નથી, શાહી ફૂટી ગઈ છે, તેથી હશે કે પછી મારો મોતિયો ઉતરતો હશે. હૂ નોઝ.

પણ એક જમા / પુરાંતની પત્તીમાં આ નામ છે : કિશોર રાવળ. કોને ખબર કયી સાલ, કોના થ્રુ, અમે મળ્યાં હોઇશું.

કિશોર રાવળપણ એ માણસે એક ઈ-મેગેઝીન “કેસૂડાં” કાઢેલું. વન મેન શૉ ! એમાં ચિત્રો આવે, ક્વીક રસોઈની રેસીપી આવે અને ગુજરાતી  ટાઇપ કેમ કરવું એવું બધું આવે. મને તો મજા આવી ગઈ. પછી તો ફોન કોલ્સ થવા માંડ્યા. ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રોગ્રામોમાં કિશોર અને એની પત્ની કોકિલાને મળવાના વાયદા કરવા લાગ્યો. જો કે પ્રોગ્રામના સ્થળે મળીએ પછી ભાગ્યે જ વાતો થાય કારણ એમ કરવા જઇએ તો હું બટાકાવડા ને ચા ગુમાવી બેસું એવો ડર લાગે. એટલે મનમાં કોન્સોલેશન લઈ લઈએ કે હાય-હલો પછી લાંબી વાતો તો ટેલિફોન પર ક્યાં નથી થતી ?

એટલે ટેલિફોન પર વાતો થવા માંડી. વાતોના વિષય શું ? એન્ની સબજેક્ટ. આપણા પગના અંગૂઠાથી તે ભગવાનની ચોટલી સુધી. ઇંગ્લિશ કવિઓ, જર્મન ચિત્રકારો, પેરિસની કેથેરીન ડેનાહ્યુ કે હોમોસેક્સ્યુલ ઝ્યાં કોકટો, કે કેબરે ડાન્સરો, હેન્રી જેમ્સો, કૌભાંડી ઉમરાવો ને કામુક રાણીઓ, વિશ્વયુધ્ધો, હીટલર, સત્યજીત રે, ફૂલકાં બાંયવાળી હાઈ સોસાયટીની માયાવી લલનાઓ, કે નાઇન ઈલેવનના તાલીબાનો, એ બધા મેઘધનૂષી રંગોથી અમારી પિચકારીઓ ભરાતી.

એમાં એક બીજો મિત્ર ભળ્યો હિરેન માલાણી. અહા ! જલસો થઈ ગયો. પણ માલાણી અકાળે અવસાન પામ્યો. જલસા ઊંધા પડી ગયા. જો કે એના ગયા પછી કિશોર સાથેના મારા ફોન કોલ્સ વધી ગયા. એની તેજસ્વી પર્સનાલિટીનું મિસ્ટ મને હવે લાગવા માંડ્યું. હું ભીંજાયો. એના વૉઇસમેઇલના જવાબ આપવા હું અધીરો થવા માંડ્યો. “ગુર્જરી”માં એની છપાતી વાર્તાનું ચીપ્પાચીપ્પણ કરવા માંડ્યું. એટલે એ મને વિવેચક માનવા માંડ્યો એટલે ફૂલાઇ જઇને મેં એને કહ્યું,

‘કિશોર ! હું તો સૂંઠને ગાંગડે ગાંધી થઈ ગ્યો !’

મારી એ મશ્કરીમાં એને કોઈ ગેબી સાઉન્ડ સંભળાયો હશે, તેથી એણે મને એક દિવસે એકદમ ફોન કર્યો,

‘આરપી ! મારા વાર્તા સંગ્રહ ‘અમે ભાનવગરના’ની પ્રસ્તાવના તમારે લખવાની છે.’

એમાં મારે તો હા જ કહેવાનું હતું. નો વિકલ્પ. પણ એમાં ચક્રમવિદ્યા એ હતી કે હજુ મારું પોતાનું તો એકેય પુસ્તક છપાયું નહતું ને હું સીધ્ધોસટ્ટ પ્રસ્તાવના લખવા બેસી જાઉં ? પણ પછી એક ફેસ સેવીંગ પ્રસંગ બન્યો ને એમાંથી હું એક્ઝીટ લઈ શક્યો. હાશ ! એ આડંબરમાંથી હું બચ્યો. જો કે એ બહુ ગીલ્ટી થઈ ગયેલો. અસ્તુ.                                                        

*

કિશોરની ભાષા ચિતારાની હતી. કાં ના હોય ? આખરે એ હતો કોણ ? રવિશંકર રાવળનો ભત્રીજો ! રગોમાં એ જ લોહી ! એ  ભાષાના ઉદાહરણ માટે  ‘દાદાની દાદાગીરી’ વાર્તાનો એક અંશ બતાવું.

આશરે સંવત ૧૯૨૦-૩૦ના દેશી રજવાડાની વાત છે. ભાવનગરમાં દિલ્હીથી વાઇસરોય આવે છે તે પ્રસંગ આલેખ્યો છે. કિશોર એક ભોમિયાની અદાથી આપણને એના ગામની ટૂર આપે છે. શેરીની હલચલ, મર્મર, ઘોંઘાટ, અમળાટ એ સઘળું જાણે આપણે યુ-ટ્યૂબમાં જોતા હોઇએ એવું લાગે. મોતીબાગમાં ડીસ્ટેંપરનો રંગ, દેરીની બગલની લીલ જે નાળિયેરના કાચલાથી ઘસાતી હોય. પૉસ્ટ અૉફિસ પર પીળી માટીના કૂચડા મરાય અને બેન્કને ગળિયેલ ચૂનાથી ધોળાય. ગામમાં જયાં ને ત્યાં રાજા અને વાઇસરોયના પોસ્ટરો ચોંટાડાય. આપણે જાણે કોઈ મ્યુિઝયમમાં ડચ પેઇન્ટીંગ જોતા હોઇએ એવું ભાસે.

આટલું ઓછું હોય તો એના ઉપર તમને નવટાંક હાસ્ય પણ બોનસમાં આપે. એ લખે છે :

‘સ્મશાનની દીવાલો પર પાપીઓ પણ ચિતા ઉપરથી ઊઠી પશ્ચાત્તાપ કરવા લાગે તેવાં યમરાજાના અને નરકની વાસ્તવિકતાના ભયંકર ચિત્રો વચ્ચે કોઇએ વાઇસરોયની છબી લગાડેલી!’ એકવાર તો મને પણ એ ચિત્રો જોવાનું મન થઈ ગયું, મારાં પાપ માટે રડી લઉં. હે રામ ! મને કોઈ એ દાન્તેનું નરક ચિતરીને બતાવો !

બ્રાવો ! બ્રાવો! આને આપણે શું કહીશું ? કટાક્ષ ? કે પ્રજાનું શુધ્ધ ભોળપણ? અહીં કિશોરે આપણને એક મસમોટું મોન્ટાજ દોરી આપ્યું જાણે આ મારો દોસ્ત ન્યુયૉર્કના ગ્રીનિચ વિલેજનો પીટર મેક્સ કે અૅન્ડી વૉરહોલના અવતાર તરીકે મને મળ્યો.

અડધી સદીની વાતો એણે જે રીતે રીકૉલ કરી છે તેને તો નેશનલ આર્કાઇવ્ઝમાં મુકવી જોઇએ. દા.ત. આ વર્ણન જૂઓ :  પિત્તળિયા પાવા, બ્યૂગલો અને ભૂંગળોને બ્રાસો લગાડી ચકમકતા કરવામાં આવ્યાં … કિટસન લાઇટોમાંના ઝળી ગયેલા રેશમી મેન્ટલો બદલાયાં.’

નવા જનરેશનને ક્યારેક પ્રશ્ન થશે, વોટ ઇઝ ધીસ કીટસન લાઇટ ને આ લાઇટો પાછી મેન્ટલ ?

બિચારા એ લોકો વીકીપીડિયા ઉઘાડશે ત્યારે સમજશે કે એ કિટસન મેન્ટલો શું હતાં. ઓત્તારીની, આ તો બત્તીની અંદર પેલી ઝળહળ ઝગારા મારે તેવી રેશમી જાળીની બચુકડી કોથળી !

એને વાર્તાકાર તરીકે મૂલવું. એ જ વાર્તામાં દાદાનો હજામ જશલો ગુજરી જાય છે. તેથી એની વહુ લખુ ‘પોસ પોસ આંસુએ રડી’ કારણ એને હસ્બંડની જોબ જોઇએ છે. એક તો કારમી ગરીબાઈ અને ઉપરથી બે નાના બાળકો. કાકલૂદી કરતી એ બાઈ પર દયા ખાતર દાદા એને પોતાની હજામત કરવાની નોકરી આપે છે. એક બાઈ માણસ પુરુષની દાઢી કરે? અનહોની કી હોની કરવાની વાત હતી. આ પ્રસંગની તો શૉર્ટ ફિલ્મ બને અને એને હું અૉસ્કાર માટે પણ મુકું એવો શેખચલ્લી વિચારે ય મને આવેલો. આ સ્ક્રીપ્ટનું વિઝ્યુઅલ જૂઓ :

‘સવારમાં આદેશ પ્રમાણે લખુ વહેલી આવી ગઈ. લાજ કાઢી. સામે સાડલો સંકોરી ઉભડક બેઠી.

દાદાની આંખો ન દેખાય એટલે છેડો ઊંચો કરી, જેમ એકલવ્યે ખાલી પક્ષીની આંખ ઉપર મીટ માંડી હતી તેમ દાઢી ઉપર કેન્દ્રિત થઈ, પાણી લગાડ્યું અને સાબુનો કૂચડો લગાડી ફીણ ફીણ કરી અસ્ત્રો ઉપાડ્યો.’

પછી કિશોર એક આબાદ વિંઝણો નાંખે છે, અન્ય વાર્તાકારોને એની ઈર્ષા આવે તેવો. એ લખે છે :

‘અસ્ત્રાની હારોહાર એની જીભ પણ ઉપડી. તે બાપુજી, આ વાઇસરોય તેની બાયડીને પણ હારે લાવે છે?’

આનું નામ સ્ટોરી ટેલીંગ. હજામ સાથે તો ટાઢા પ્હોરના તડાકા, ગોસિપ્સ અને ચૅટ્સજ હોય. એ આખું યુનિવર્સલ સત્ય એણે એક અસ્ત્રાના સ્ટ્રોકમાં બતાવી દીધું. લાજ કાઢેલી સ્ત્રીમાં પણ પેલા હજામના ધંધા સાથે ચીટકેલા વાતોના સાપોલિયા સળવળ્યા. અહાહા ! સુભાનલ્લા!

આવાં અટકચાળાં વાક્યોથી એ મારી અૉર નજીક આવ્યો. અમારી દોસ્તીમાં કહું તો હવે ક્રેઝી ગ્લૂ ચોંટી. એ વધારે ઊઘડ્યો. એટલે મેં પણ મારી ખોપરીના નસજાળાં ખોલી નાંખ્યાં. મેં એને વટલાવ્યો. પછી તો “ન્યુયૉર્ક ટાઇમ્સ”ના કોલમો લખનારા ડીક કેવટ કે ટૉમ ફ્રીડમેન કે એનો ફેવરીટ પી.જી.વુડહાઉસ કે ફોરેન ફિલ્મના બયાનો, સંવાદો કે એડલ્ટ ઓન્લી દ્રશ્યોના કલાકો સુધીના લાંબા ફોન કોલ્સ થયા. અમે બેઉ એકબીજાથી ‘ચાર્માઈ’ ગયા. (charm શબ્દને ગૉલીગૉલીને એનું ધર્માંતર કરી નાંખ્યું!) અહમ્ બ્રહ્માસ્મિ જેવી પવનચક્કી ફરવા માંડી.

*

એનાં મૃત્યુ પછી મને કોઈવાર એવો વિચાર આવે છે કે આ માણસ મોટી ઉંમરે મારી સાથે આટલી સહજતાથી ચિપકાયો કેવી રીતે ? સાંભરે રે ! અમે બન્ને રીટ્રોના એવા ઘરડા લેખકોની નકલ કરવા મંડ્યા, જેમ સિનેમાનો ચરિત્ર અભિનેતા નાના પલસીકર વાક્યો બોલે તેમ.

‘હશે ભઈલા આપણાં કોઈ પૂરવ જનમનાં ડીએનએના તાલમેલ. અન્ય તો શું હોઈ શકે?’ પછી એ પલસીકરના બોખા દાંતમાંથી વ્યંજનો ખરી પડે તેમ ખીખી કરીને એના ચાળા પાડીએ ‘આફટર ઓલ, વોટ ઈઝ લાઇફ’ 

પછી એકદમ ફોનકોલ કટ પણ કરવો પડે છે.

‘કિશોર !  કોઇ ડોરબેલ વગાડે છે. આ વિન્ડૉમાં દેખાય છે .. ફૅડેક્સવાળો છે. આઇ થીંક સાઇન કરવી પડશે. લેટ મી કોલ યુ બેક. બાય.’

હું સાઇન કરીને જલદી જલદી પેકેજ ચેક કરી લઉં છ,ું અને પાછો તરત,જ એને ફોન કરું છું.  તો એનો વૉઇસમેલ આવે છે.

યસ. એ ચાર પાંચ મિનિટોમાં એ અને કોકિલા બહાર નીકળી ગયાં. ગૉન.

ચિત્તમાં નાનો પલસીકર પાછો દેખાય છે. મારો એને જવાબ છે : લાઇફ ઈઝ ઊભી ખો. ફાયનલ. લૉક કિયા જાય.

અરેરે ! હજુ તો અમારે કેટકેટલા લેખકોના ડાયલોગોની નકલ કરવાની હતી. એ અમારાં અધૂરાં અભરખાંનું શું ?

અને આ મારું દુ:ખ રીયલ દુ:ખ છે એ પણ સમજાવું કોને ?

*

New York,   June 23, 2013

E-mail: rpshah37@hotmail.com      

Loading

”પડઘાતા હતાં ટહુકા જેનાં અહીં, આજ મોંઘેરા એ મહેમાન આવ્યા અમ આંગણે”

ધ્વનિ ભટ્ટ|Diaspora - Features|23 June 2013

દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ (મે 2013) નો અહેવાલ.

૫ મે ૨૦૧૩ એટલે આંતરરષ્ટ્રીય ગુજરાતી દિવસ. લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા એની ઉજવણી ૫ મે ૨૦૧૩નાં રોજ ઇકનમ વિલેજ હૉલમાં રાખવામાં આવી. અતિથિ વિશેષ તરીકે અમેરિકાથી પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધી પધાર્યા હતાં. દીપ પ્રાગટ્યની વિધિથી કાર્યક્રમની શરૂઆત થઈ.

અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ એમની આગવી છટામાં કાર્યક્રમનાં સંચાલનનું સૂકાન સંભાળ્યું. સમયાંતરે તે કાર્યક્રમનો દોરી સંચાર કરતા રહ્યા, વાત કરતા રહ્યા એ ગુજરાતની – ગુજરાતીની ગરિમાની, આપણી ઓળખની. આવાં જ એક વ્યક્તિત્વની – ભોળાભાઈ પટેલની – યાદ તાજી કરાવવા એમણે અનિલભાઈ વ્યાસને મંચ ઉપર નિમંત્ર્યા.

અનિલભાઈએ, બ-ખૂબીથી, ભોળાભાઈને વર્ણવ્યા. એમના ગુજરાતી સાહિત્યમાંના યોગદાનની ઝાંખી કરાવી. એમનાં અમુક લખાણો, નિબંધોને પણ ઉલ્લેખ્યાં. ભોળાભાઈના પ્રવાસ નિબંધની એ ખાસિયાત કે કર્તા એક જ કૃતિમાં, થોડાક જ શબ્દોમાં, વર્તમાનથી ઇતિહાસની સફર કરાવી દે તથા તેમના નિબંધોના વિષયો ચર્ચવાનું પણ ન ચુક્યા. ખરેખર, અનિલભાઈએ જે વિષયમાં મુઠ્ઠી ઊંચેરાની વાત હતી, એ વિષયને પણ મુઠ્ઠી ઊંચેરો કરી આપ્યો.

વાત જ્યાં ગુજરાતી સાહિત્યની થતી હોય, ત્યાં સુરેશ દલાલનો ઉલ્લેખ ન આવે, એ ભલા શક્ય છે ખરું ? આપણે સહુ સુરેશ દલાલને એક કવિ તરીકે જાણીએ, પણ ‘સુરેશ દલાલ – એક જલસાનો માણસ’ એમ તો પન્ના નાયક જ વર્ણવી શકે. પન્નાબહેન કહે છે કે એ અને સુરેશ દલાલ ગાઢ મિત્રો. સંબંધ આત્મિયતાનો એટલે એક-બીજાને ‘તું’ કહેવા સિવાયનાં બીજા કોઈ ભારેખમ વિષેષણો એ વાપરી શકતાં નહીં. સુરેશ દલાલ હાજર નથી એ હજુ ય પન્નાબહેન માની શકતાં નથી, સ્વીકારી શકતાં નથી, અને એટલે જ એમણે સુરેશ દલાલની બધી ય વાત વર્તમાનમાં જ કરી, જાણે એ હજી ય હયાત ન હોય ! એમની વાત કરતાં કરતાં પન્નાબહેન થોડાં ભાવુક થઈ ગયાં હતાં, એ એમનાં અવાજ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. પન્નાબહેને એમની અને સુરેશભાઈની મિત્રતાની ડાયરીનાં ઘણાં પાનાં ખોલ્યા હતાં. એ સ્વદેશ આવતાં, ત્યારે અને સુરેશભાઈ પરદેશ – અમેરિકા જતાં, ત્યારની પણ ઘણી વાતો કરી. પન્નાબહેનના શબ્દોમાં તેઓ ‘એક-બીજાનાં અવગણોને ઓળંગી જનારાં મિત્રો’ હતાં. સુરેશ દલાલ વિષે વધુ જણાવતાં તેઓ કહે છે કે ‘સુરેશ એટલે મૈત્રીની મમતા અને કવિતા. સુરેશ દલાલ એટલે ગુજરાતીઓને ગુજરાતી પુસ્તકો વાંચતા કરનાર જાદુગર. પાંચ આંગળીઓએ પુણ્ય કર્યા હોય એને સુરેશ જેવા મિત્ર મળે.’ પન્નાબહેને પોતાના પુસ્તકોનાં પ્રકાશનોનું શ્રેય પણ સુરેશ દલાલને આપ્યું. એ કહે છે કે સુરેશ દલાલનું મૃત્યુ પણ એક લેખકને છાજે તેવું હતું. અંતમાં એમણે સુરેશ દલાલે પોતે જ પોતાનાં મૃત્યુ વિષે લખેલી કવિતાની રજૂઆત પણ કરી.

કાર્યક્રમમાં આગળ વધતા, ગુજરાતની અસ્મિતાની ઓળખ જેમણે અમેરિકામાં કરાવી એવા નટવરભાઈ ગાંધીએ વિપુલભાઈનાં કામને અને આટલાં વરસોથી “ઓપિનિયન” પત્રિકા ચલાવવા બદલ બિરદાવ્યા. નટવરભાઈએ ગુજરાતી સાહિત્યની સાથે સાથે અમેરિકી સાહિત્ય અને સાહિત્યકારોની પણ ઘણી રસપ્રદ વાતો કહી. એમણે ગાંધીજીની વિચારધારા અને ઈમરસનની વિચારધાર, રહેણી-કરણીની આબેહૂબ તુલના કરી. એમના ઉપર ગુજરાતી સાહિત્યની સાથે અમેરિકી સાહિત્ય અને વિભૂતિઓનો પણ પ્રભાવ નજરે પડ્યો.

આ કાર્યક્રમમાં કનૈયાલાલ મુનશી કે જેમની ૧૨૫મી જન્મતિથિનું આ વરસ છે, એમની ઝાલર નિરંજનાબહેન દેસાઈએ વગાડી. એ કહેતા હતાં કે કનૈયાલાલ મુનશી એક સફળ કારકિર્દી ધરાવતા લેખક, સફળ ધારાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક અને સાહિત્યકાર હતા. એમણે સાહિત્યના જુદા જુદા વિષયોમાં ખેડાણ કર્યું, એની ય વાત કરી. એમણે મુનશીનાં નાટકનાં પાત્રોને શેક્સપિયરનાં નાટકોનાં પાત્રો સાથે સરખાવ્યાં તથા ધૂમકેતુ અને મેધાણી જેવા માંધાતા સાહિત્યકારોને પણ મુનશીનાં સર્જનોમાંથી પ્રેરણા મળતી તથા સ્વરાજની લડત તેમ જ, એ પછી પણ, મુનશીનો દેશ – સમાજ માટે શું ફાળો રહ્યો એ ટાંકવાનું પણ નિરંજનાબહેન ન ચુક્યાં.

ત્યારબાદ, કુસુમબહેન પોપટે એમનાં પુત્રનાં સ્મર્ણ અર્થે અકાદમીને ૧૦૦૦ પાઉન્ડનો ચેક દાનરૂપે અર્પણ કર્યો. જે ભદ્રાબહેન અને લાલજીભાઈએ સપ્રેમ સ્વીકાર્યો હતો. ત્યારબાદ મધ્યાંતરે પડાવ નાખ્યો.

મધ્યાંતર બાદ, ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટનું વિધિવત્ વિમોચન – મંગલાચરણ ભદ્રાબહેન વડગામા, વિજ્યાબહેન ભંડેરી તથા લાલજીભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું. એ માટે સમય અને શ્રમ ફાળવવા બદલ પંચમભાઈ શુક્લ તથા નીરજભાઈ શાહને તાળીઓથી વધાવવામાં આવ્યા. પંચમભાઈ અને નીરજભાઈએ વળી વેબસાઈટ વિષેની ટૂંકી માહિતી આપી હતી.

ત્યારબાદ, ગુજરાતી સાહિત્યનું ગૌરવ અને ખુદ જાણે ડાયસ્પોરિક કવિતા એવાં પન્નાબહેન નાયકનો ટૂંકો પરિચય આપવાનું અને એમનાં સર્જનોની થોડીઘણી ઝાંખી કરાવવાનું બીડું નીરજભાઈ શાહ અને ભદ્રાબહેન વડગામાએ ઉપાડ્યું. એમનો પરિચય આપતા નીરજભાઈ કહે છે કે આ તો સૂરજને દીવો બતાવવા જેવી વાત. એમનાં જન્મ અને કારકિર્દીની સફર તથા ચાર દાયકા લાંબી એમની સાહિત્યયાત્રાનાં જુદાં જુદાં પાસાઓ, એમનાં સાહિત્યિક ખેડાણો અને તેમનાં કાવ્યમય મિજાજને નીરજભાઈએ બ-ખૂબી વર્ણવ્યો. ભદ્રાબહેને પન્નાબહેનનાં ખુમારી અને નારી સંવેદનને પ્રગટ કરતાં કાવ્યોની રજૂઆત કરી. સાથે સાથે એમણે અન્ય લેખકોનાં આ વિષયો ઉપર લખાયેલાં અનુરૂપ થોડાં કાવ્યો, ઘટનાઓ પણ ટાંક્યાં.

અને પછી, કવયિત્રી પન્નાબહેન પોતે જ એમનાં અમુક કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો. અમુક કાવ્યો એમણે ક્યારે, કયા સંજોગોમાં અને કઈ પ્રેરણાથી લખ્યાં તથા એમની કાવ્યો લખવાની શરૂઆત અને એ માટે કઈ પ્રેરણા અને પરિબળ જવાબદાર હતાં એની રસપ્રદ વાતો કરી. હકીકતે, આ અવસર એમની ૮૦મી જન્મદિનની ઉજવણીનો અવસર બની રહ્યો.

પંચમભાઈએ નટવરભાઈ ગાંધીનો ટૂંકો પરિચય, કારકિર્દીનો પરિચય આપ્યો : ‘કામ નાણાંનું, અભિરુચિ કવિતાની’. એમનાં કાવ્યસંગ્રહો, એમની કવિતાઓ, એનું ઉંડાણ અને લાગણીઓ, કટાક્ષ અને એ કવિતાઓ -કાવ્યસંગ્રહોનાં જુદા વિષયો અને અમુક કાવ્યોનાં રસાસ્વાદ કરાવ્યા. ત્યાર બાદ નટવરભાઈએ ખૂબ જ ટૂંકમાં પણ સરસ વાત કરી. ગાંધીજી વિશે એમણે લખેલા અનેક સોનેટોમાંથી એક સોનેટની, સાબરમતી આશ્રમની તથા દાંડીકૂચના એક નાનકડા પ્રસંગની ચર્ચા કરી તથા પન્નાબહેન રચિત એક સોનેટ રજૂ કર્યું.

કાર્યક્રમનાં અંતિમ દોરમાં, વિજ્યાબહેન ભંડેરીએ મુખ્ય મહેમાનો પન્નાબહેન અને નટવરભાઈનો, કાર્યક્રમનું સંચાલન કર્તા વિપુલભાઈ કલ્યાણીનો, ગોઠવણી માટે ભદ્રાબહેન વડગામાનો, માઈક ઇ.ની સેવાઓ આપાનાર શાંતિભાઈ મારુનો, સર્વે વક્તાઓનો, તેમ જ નટુભાઈ કાપડિયાનો અલ્પાહાર માટે તથા કાર્ય સમિતિ અને હાજર રહેનાર તમામ સહિત્ય રસિકોનો આભાર માન્યો.

http://glauk.org/photo-gallery/gujarati-divas-2013/

Photos courtesy :  Sharad Raval

Loading

...102030...4,1524,1534,1544,155...4,1604,1704,180...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved