Opinion Magazine
Number of visits: 9771914
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Aajnaa Jaaher JeevanmaM Gandhimaarg ke Jheenamarg ?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|1 September 2015

આજના જાહેર જીવનમાં ગાંધીમાર્ગ કે ઝીણામાર્ગ ? 

મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા ઉત્તેજનને કારણે, ‘ગર્વ સે કહો, હમ અસલામત હૈ’ – નવા સમયનું સૂત્ર છે

વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના ધર્મઆધારિત આંકડા ગયા સપ્તાહે જાહેર થયા. સંકુચિત ઓળખ આગળ કરીને અસલામતી ફેલાવવનારાને તેમાં ગોળનું ગાડું મળી ગયું. તેમણે છાપરે ચઢીને પોકાર કર્યા કે કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ પહેલી વાર ૮૦ ટકા કરતાં ઘટ્યું (૭૯.૮ ટકા થયું) અને મુસ્લિમોના પ્રમાણમાં વધારો ચાલુ રહ્યો. વર્ષ ૨૦૦૧ માંદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૧૩.૪ ટકા હતું, જે વર્ષ ૨૦૧૧માં વધીને ૧૪.૨ ટકા થયું. આટલી વિગતોથી ‘જોયું? અમે કહેતા હતા ને? હિંદુઓ ખતરામાં છે … પચાસ વર્ષ પછી મુસ્લિમો દેશ પર રાજ કરતા હશે.’ એ પ્રકારની કાગારોળ મચી. છડેચોક ઉશ્કેરણી કરવામાં બહાદુરી સમજતા અને અગમ્ય કારણોસર સુઓ-મોટો (સ્વયંભૂ) અદાલતી પગલાંમાંથી બચી જતા શિવ સેના જેવા પક્ષે તેના મુખપત્રમાં જાહેર કરી દીધું કે ‘મુસ્લિમોના વસ્તીવધારા માટે ધર્મનું રાજકારણ જવાબદાર છે. કેટલાંક તત્ત્વો દેશના ઇસ્લામીકરણનો અને મોગલ શાસન પાછું આણવાનો ખ્યાલ સેવી રહ્યા છે.’ આ સિવાય પણ મુસ્લિમો વિશેની ચીલાચાલુ ઉશ્કેરણીજનક વાતો એ લેખમાં લખવામાં આવી હતી. 

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મુસ્લિમોની ‘વસ્તી જેહાદ’ના લીધે હિંદુઓ લુપ્ત થઈ શકે છે. (આવું ગમ્મતમાં નહીં, ગંભીરતાપૂર્વક કહેવામાં આવ્યું હતું.) હિંદુઓના ‘લુપ્ત’ થવાની ‘ગંભીર શક્યતા’ કયા આંકડાના આધારે વ્યક્ત કરવામાં આવી હતી? વિશ્વ હિંદુ પરિષદના ઉચ્ચ હોદ્દેદારે કહ્યું કે ‘૧૯૫૧થી ૨૦૧૧ દરમિયાન કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટીને ૮૪ ટકામાંથી ૮૦ ટકા નીચે આવી ગયું, જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમો ૧૦ ટકામાંથી વધીને ૧૪ ટકા થઈ ગયા … આપણે વેળાસર નહીં જાગીએ તો ભારત ઇસ્લામિક દેશ થઈ જશે.’ હિંદુઓના હિતચિંતક-હિંદુહિતરક્ષક હોવાનો ડોળ કરતા આ બન્નેએ સૂચવેલા ઉપાય જો કે સાવ સામસામા છેડાના હતા. વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારે બેથી વઘુ સંતાન પર અંકુશ મૂકવાની માગણી કરી, તો શિવ સેનાની ઉત્તર પ્રદેશ પાંખે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ વચ્ચે પાંચ કે વધુ બાળકો ધરાવતાં હિંદુ પરિવારોને રૂ.બે લાખ આપવાની જાહેરાત કરી. 

આવા હિતરક્ષકો હોય તો હિંદુઓને હિતશત્રુઓની શી જરૂર? આવો સવાલ થવાનું કારણ તેમણે નહીં ટાંકેલા વસ્તીગણતરીના આંકડામાંથી મળી રહે છે. સૌથી પહેલાં વાત વસ્તીવધારાની ધીમી પડી રહેલી ગતિની. ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ (વસ્તીના ફાયદા) લેવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્ર માટે વસ્તીવધારાના દરમાં થઈ રહેલો ઘટાડો સૌથી આનંદદાયક સમાચાર ન કહેવાય? વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા એવા સારા સમાચાર લઈને આવ્યા હતા, પરંતુ અસલામતીની ખેતી કરનારાને તેની સાથે શી લેવાદેવા? 

હકીકતમાં, દેશના હિંદુઓ અને મુસ્લિમો બન્ને ધર્મના લોકોમાં વસ્તીવધારાનો દર સતત ઘટી રહ્યો છે અને એ ઘટાડો વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીમાં પણ ચાલુ રહ્યો છે. હિંદુઓની વસ્તી ૧૯૮૧ સુધી સતત વધતી રહી. ૧૯૮૧માં હિંદુઓના વસ્તીવધારાનો દર ૨૪.૦૭ ટકા હતો. ત્યાર પછીની દરેક વસ્તીગણતરીમાં એ ઘટતો રહ્યો છે અને વર્ષ ૨૦૧૧માં એ ૧૬.૭૬ ટકા થયો છે. એટલે કે ત્રણ દાયકામાં હિંદુઓના વસ્તીવધારાનો દર આશરે ૭.૨૫ ટકા જેટલો ઘટ્યો છે, જેના કારણે ઉશ્કેરણીબાજો ખતરાના શંખ વગાડી રહ્યા છે. તેમની ઉશ્કેરણીમાં વજૂદ હોય,એટલે કે, તે ઉશ્કેરણી નહીં પણ ચેતવણી હોય, તો આ ગાળામાં ‘પોપ્યુલેશન જેહાદ’ને કારણે મુસ્લિમોનો વસ્તીદર મોટા પાયે વધવો જોઈએ. પરંતુ હકીકત જુદી છે. 

હિંદુઓનો વસ્તીવધારાનો દર ૧૯૮૧ સુધી, તો મુસ્લિમોનો વસ્તીવધારાનો દર ઘટી રહ્યો છે. ૧૯૯૧માં એ દર ૩૨.૮૮ ટકા હતો, જે ૨૦૧૧માં ૨૪.૬૦ થયો છે. એટલે કે ‘પોપ્યુલેશન જેહાદ’ના આરોપી તરીકે ચડાવી દેવાયેલા મુસ્લિમોના વસ્તીવધારાનો દર હિંદુઓના વસ્તીવધારાના દર કરતાં વધુ ઝડપથી ઘટી રહ્યો છે : હિંદુઓની વસ્તીવૃદ્ધિનો દર ત્રણ દાયકામાં ૭.૨૫ ટકા ઘટ્યો, ને મુસ્લિમોનો બે દાયકામાં ૮.૨૫ ટકા. ૧૯૯૧થી ૨૦૦૧ દરમિયાન દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં ૧.૭૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન દેશની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૦.૮ ટકા (અગાઉના દાયકા કરતાં અડધું) વધ્યું. 

સવાલ સાચા અર્થઘટનનો અને સાચી રીતે રાષ્ટ્રહિત અંગે વિચારવાનો છે. ગુજરાતમાં અનામતના મુદ્દે ફેલાયેલી અશાંતિ કરતાં એક સ્ત્રીનાં એકાધિક લગ્નો અને ઓરમાન સંતાનની હત્યાના ચોપડા ચૂંથવા હડી કાઢતાં ઘણાંખરાં ટીઆરપી-ક્લિકભૂખ્યાં પ્રસાર માધ્યમો વિશે તો શું કહેવાનું? વસ્તીગણતરીના આંકડાને ધાર્મિક ઉશ્કેરણીનું નિમિત્ત બનાવતાં તેમને કોણ રોકી શકે? ‘હિંદુ ખતરેમેં’ પ્રકારની અસલામતીને પોતાના રાજકીય અસ્તિત્ત્વનો આધાર બનાવનાર સૌએ પટેલોના અનામત આંદોલન જેવી તેની આડપેદાશો વિશે પણ વિચારવું જોઇએ. ૧૪.૨ ટકા મુસ્લિમોથી ૭૯.૮ ટકા હિંદુઓને ખતરો છે, એવા હથોડા મારનારા આડકતરી રીતે એવું સ્થાપિત કરી આપે છે કે તમે ગમે તેટલું સંખ્યાત્મક કે અન્ય પ્રકારનું વર્ચસ્વ ધરાવતા હો, છતાં તમે અસલામત છો. તમે હિંદુ હો તો મુસ્લિમો સામે અસલામત છો, મરાઠી હો તો બિહારીઓ સામે અસલામત છો, તમે વગદાર-વર્ચસ્વદાર હો તો વંચિતો સામે અસલામત છો, તમે એન્કાઉન્ટરબાજ હો તો કાનૂની કાર્યવાહી ને અદાલતો સામે અસલામત છો … ટૂંકમાં, તમે અસલામત હો, તો જ અમે સલામત છીએ. કારણ કે તમે અસલામત હશો તો જ તમારા હિતરક્ષકની – ‘હૃદયસમ્રાટ’ની જગ્યા ખાલી હશે અને એ જગ્યાને અમે ભરી શકીશું. 

મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા આ પ્રકારના ઉત્તેજનને કારણે ‘ગર્વ સે કહો, હમ અસલામત હૈ’ એ નવા સમયનું સૂત્ર બની ગયું છે. મહદ્દ અંશે કાલ્પનિક એવી અસલામતીનું સૌથી મોટું સુખ એ છે કે તેને આગળ ધરીને મનમાં રહેલા ધીક્કારને – દ્વેષને તર્ક અને વાજબીપણાના વાઘા પહેરાવી શકાય છે. ‘મને તો કોઇના માટે કશું નથી, પણ તમે જ કહો. અમારી આવી દશા થાય એ કેવી રીતે સાંખી લેવાય?’ આવા વખતે જરૂર હોય છે અસલામતીના વિષચક્રને તોડનારની — નહીં કે એની ભીંસને ઓર જડબેસલાક બનાવનારની. ગાંધી-સરદાર જેવા નેતાઓએ આમજનતાના મનમાં અસલામતી ઊભી કરીને પોતાનું નેતાપદું ઊભું કર્યું ન હતું.

તેમનો ઇરાદો એક યા બીજા ધર્મના, એક યા બીજા સમુદાયના નાગરિકોને મજબૂત કે નબળા પાડવાનો નહીં, દરેકને ભારતના નાગરિક તરીકે સ્થાપવાનો – મજબૂત બનાવવાનો હતો. ભારતના ભાગલા વખતે થયેલી ઐતિહાસિક હિંસાખોરી વખતે પણ આ નેતાઓ અસલામતીનું સંકુચિત રાજકારણ રમવામાં ન પડ્યા. સામે પક્ષે ઝીણાએ (મુસ્લિમોમાં) સતત અસલામતી ઊભી કરવાનો વ્યૂહ અપનાવ્યો. ઘણા સમયથી આપણા રાજનેતાઓ ઝીણામાર્ગે ઘણા આગળ નીકળી ગયા છે, પરંતુ સામાજિક આંદોલનોની નેતાગીરી લેનારાએ ગાંધી-સરદારમાર્ગે ચાલવું કે ઝીણામાર્ગે, એ વિચારવાનું છે.

સૌજન્ય : ‘બીવાની મઝા’, “દિવ્ય ભાસ્કર”, 01 સપ્ટેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-the-encouragement-of-politics-proudly-say-were-unsafe-new-formula-5100073-NOR.html

Loading

29 August : Darshak Samvatsari

'કૃષ્ણાદિત્ય'|Opinion - Literature|1 September 2015

૨૯ ઑગસ્ટ : દર્શક સંવત્સરી

દર્શકે ગુજરાત સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સંભાળ્યું એના પછીના વર્ષની વાત છે. ત્રણેક દાયકાના વ્યાપ ઉપર પથરાયેલાં દર્શક સાથેનાં સ્મરણોમાં આ પ્રસંગ જાણે હજુ ગઈ કાલે જ બન્યો હોય એમ જુદો તરી આવે છે.

સવારનાં ચાપાણી પતાવી અમે નિરાંતે બેઠા હતા. બીજો કાર્યક્રમ છેક સાંજે હતો. સામાજિક, શૈક્ષણિક, ઐતિહાસિક એમ ઘણાં બધાં ક્ષેત્રોની વાતોના દોર ગૂંથાતા જતા હતા અને વાતચીતનું પોત ઘટ્ટ થતું જતું હતું. ત્યાં અચાનક દર્શક તરફથી વાતમાં થોડીક ક્ષણોનો વિરામ આવ્યો અને એમણે વાતનો એક નવો જ દોર શરૂ કર્યો.

એમણે કહ્યું કે ગયા વરસ દરમિયાન મારે હાથે એક મોટું કામ સિદ્ધ થયું છે અને એ કામ હતું ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવાનું. એમણે ફોડ પાડીને સમજાવ્યું કે આ કામ પોતે મોટું એટલા માટે માને છે કે બંધારણ ઘડવામાં ખાસ કાળજી લેવામાં આવી છે. આજ પછી શાસક કોઈ પણ આવે અને શાસનતંત્ર કોઈ પણ પ્રકારનું આવે તો પણ બંધારણમાં એટલી ચોકસાઈપૂર્વકની ગોઠવણી છે, જેને અનુસરતાં ભવિષ્યમાં કોઈ પણ સરકાર અકાદમીની સ્વાયત્તતા ઉપર પોતાનો પંજો પાડી શકશે નહીં. એમણે કહ્યું કે પોતે પોતાના આ કાર્યથી ખૂબ સંતોષ અનુભવે છે. વધુમાં, ગુજરાત સાહિત્ય અકાદમીનું આ બંધારણ દેશની અન્ય ભાષાઓના પ્રદેશોને પણ દાખલો પૂરો પાડી શકશે અને ગુજરાતમાં સાહિત્યેતેર સંસ્થાઓ સાથે શાસનતંત્રના સંબંધો માટે એક નૈતિક ભૂમિકા બાંધી આપી શકશે.

એમનું આ કથન પૂરું કરવામાં એમણે સમય ઝાઝો લીધો નહોતો. પરંતુ એમની દૃષ્ટિએ આ કાર્ય અત્યંત મહત્ત્વનું હતું, તેવી દૃઢ છાપ મારા મન ઉપર પડી હતી. તેનાં કારણોમાં તત્કાલીન મારા ધ્યાન ઉપર જે મુદ્દા આવેલા, અને મને આજે ય જે સ્પષ્ટ રીતે યાદ છે, તે આ પ્રમાણે છે.

દર્શક સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં એમના હાથે હાંસલ થયેલી સિદ્ધિઓ વિશે તથા એમની સાહિત્યકૃતિઓ વિશે એમના વિચારો સાંભળવાના અને એના અનુસંધાનમાં એમની સાથે ચર્ચા કરવાના સંજોગો મને મળ્યા છે. ગાંધીચિંધ્યા માર્ગે સ્વાતંત્ર્યસંગ્રામ વિશેનાં એમનાં સ્મરણોનું અનુશીલન કરવાની તક મળી છે. આવા અન્ય કોઈ પ્રસંગે ન જોયો હોય એવો આત્મસંતોષનો અને આત્મગૌરવનો ભાવ એમના મુખ ઉપર આ પ્રસંગે મેં જોયો હતો, એમની વાણીમાં મેં સાંભળ્યો હતો. આ કારણને લીધે મારી યાદમાં આ પ્રસંગ હજુ ય તાજો છે. મેં ત્યારે વિચાર કર્યો હતો કે સ્વાતંત્ર્યની લડત વિશે, સાહિત્યના સર્જન વિશે, શિક્ષણના પ્રણેતા તરીકે ‘પોતે જાતે’ કશુંક હાંસલ કર્યાનો દાવો કરતા મેં જેમને કદી સાંભળ્યા નથી, તેમણે સામે ચાલીને અકાદમીના બંધારણના ઘડતરમાં પોતાના પ્રદાન વિશે આટલા આત્મગૌરવપૂર્વક કેમ વાત કરી હશે! આ વાતચીત થઈ તે સમયે મારી સૂઝસમજ મુજબ મને જે ઉત્તર સાંપડ્યો હતો, અને જે ઉત્તર આજે ય મને ખરો લાગે છે, આ મુજબ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ નામની વ્યક્તિએ સ્વાતંત્ર્યસૈનિક યુવાન મનુભાઈ, શિક્ષણવિદ્દ મનુભાઈ પંચોળી અને સાહિત્યસર્જક દર્શક, એ સૌના જીવનઅનુભવની સમૃદ્ધિનો, જીવંત અનુભવની સામગ્રીનો, વિનિયોગ કર્યો હતો. અર્થાત્‌ એક જાગરૂક નાગરિકની મનસા વાચા કર્મણા થકી મેળવેલી સમ્યક્‌જ્ઞાનની એક ઉપલબ્ધિ એટલે એ સંવિધાનનું ઘડતર, એવી છાપ મારા માનસપટ પર છે.

એક સાહિત્યસંસ્થાની સ્વાયત્તતાનું રક્ષણ કરતું બંધારણ ઘડવાનું  યશપ્રદ કાર્ય દર્શક તથા અન્ય વિધાયકોએ કર્યું હતું. પરંતુ કોઈ પણ બંધારણની રક્ષાનું ઉત્તરદાયિત્વ હંમેશાં અનુજોને માથે હોય છે.

બૉસ્ટન

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 01

Loading

Farbas, Tamaara Jevo Gujarat Pratyeno pfrem kyaMthi Laavavo?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 August 2015

ફાર્બસ, તમારા જેવો ગુજરાત પ્રત્યેનો પ્રેમ ક્યાંથી લાવવો? 

ગુજરાત આજકાલ બહું અશાંત અને ઉચાટભરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. જાતિવાદી આંદોલનોમાં આખું રાજ્ય ફસાઈ ગયું છે. હિંસક ઘટનાઓએ 'શાંતિપૂર્ણ રાજ્ય'ની ઇમેજને ખરડી નાખી છે. જનતા ધુંધવાઈ રહી છે. ગુજરાતીઓને આવી હિંસા નથી શોભતી એવું ભાન એક દાયકા કરતાં લાંબા સમય પછી લોકોને થઈ રહ્યું છે. આજકાલ બધાના મોઢે ગુજરાતના વિકાસની, દિમાગમાં ચોંટી ગયેલી રેકોર્ડ સાંભળવા મળી રહી છે. જો કે, લોકો હવે વધારે નિખાલસતાથી વિચારતા અને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરતા થયા છે, એ આનંદની વાત છે. સામાજિક-રાજકીય ઊથલપાથલના આ દોરમાં ફરી ગુજરાતની અસ્મિતા વિશે ચર્ચાઓના દોર શરૂ થયા છે, ફરી ગુજરાતી સંસ્કૃિતની દુહાઈઓ દેવાનું શરૂ થયું છે.

આ સમયે ગુજરાતને દિલોજાનથી ચાહનારા એક વિદેશી અને એમાં ય બ્રિટિશર એવા એક સજ્જનની યાદ આવી જાય છે. યાદ આવવાનું એક નિમિત્ત એ પણ છે કે આવતી કાલે ૩૧મી ઓગસ્ટે આ માનવરત્નની ૧૫૦મી પુણ્યતિથિ છે. આ સજ્જન એટલે એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ.

ફાર્બસસાહેબ એક બ્રિટિશર હતા, પરંતુ જરા જુદી માટીના એ માનવી હતા. હા, આ ફાર્બસસાહેબે જ ગુજરાતને દિલોજાનથી ચાહ્યું હતું. દીપક મહેતા લિખિત પુસ્તક 'ફાર્બસ સમ સાધન વિના ન ઉધ્ધરત ગુજરાત (એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ – જીવન અને કાર્ય)'માં ફાર્બસસાહેબના ગુજરાત પ્રત્યેના પ્રેમ અને પ્રતિબદ્ધતાના અનેક કિસ્સા નોંધાયેલા છે. માત્ર ૪૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવનારા ફાર્બસસાહેબે જિંદગીનાં લગભગ ૧૩ વર્ષો ગુજરાતની ભૂમિ પર ગાળ્યાં હતાં. આ ૧૩ વર્ષોમાં ફાર્બસસાહેબે બ્રિટિશ સરકારની સેવા કરતાં તો ગુજરાત અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃિતની સેવા વધારે કરી હતી, એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. અમસ્તું કંઈ નર્મદ જેવો વીર સાહિત્યકાર તેમના પર ઓવારી ન જાય. ફાર્બસસાહેબનું નિધન પૂના ખાતે ૧૫મી ઓગસ્ટ, ૧૮૬૫ના રોજ થયા પછી નર્મદે પોતાના 'ડાંડિયો' સામયિકના ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૬૫ના અંકમાં તેમને અંજલિ આપતાં લખ્યું હતું, "ફક્ત એમણે સાહેબી ભોગવી જાણી નથી. એમણે તો ગુજરાત જ પોતાનું વતન જાણ્યું છે. ગુજરાતીઓને ઉત્તેજન આપવા પરિશ્રમ લેવામાં બાકી રાખી નથી … સ્વભાવે ઘણા મિલનસાર કહેવાતા હતા. મનમાં ફોંકિયત કે મોટાઈ નહોતી. બધ્ધા લોકોની પ્રીતિ સંપાદન કરવી એ જ એમનો પક્ષ હતો માટે એમનું નામ થાય જ એમાં નવાઈ નહીં. (દલપતરામને ટોણો મારતાં ઉમેરેલું) ગુજરાતી કેટલાએક ગ્રંથકારોને તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. (તે બિચાર અડવા થશે – તે પણ દિલગીરીની વાત છે.)"

ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેના પ્રેમનો એક બીજો દાખલો પણ છે. માર્ચ ૧૮૫૮માં ફાર્બસની બદલી ખાનદેશના જજ તરીકે થઈ, પણ પોતાની પ્રિય કર્મભૂમિ ગુજરાતથી દૂર જવું તેમને પસંદ નહોતું. તેમને ગુજરાતમાં વધારે રહેવું હતું કારણ કે તેમને લાગતું હતું કે હજુ કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ઘણું જાણવાનું બાકી રહી ગયું છે. એટલે તેમણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જગ્યાએ પોતાની બદલી કરવા માટે સરકારને વિનંતી કરી. એ વખતે પોલિટિકલ એજન્ટને જજ કરતાં ઓછો પગાર મળતો હતો, છતાં ફાર્બસસાહેબે ગુજરાત પ્રત્યેના પ્રેમને કારણે પૈસાની પરવા નહોતી કરી. જો કે, સરકારે તરત એ અરજી નહોતી માની પણ પછી થોડા સમય બાદ તેમને કાઠિયાવાડમાં પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવામાં આવ્યા હતા.

ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ફાર્બસસાહેબે ઊંડા અભ્યાસ અને વર્ષોની મહેનત થકી 'રાસમાળા' નામના બે ગ્રંથો લખ્યાં હતાં. આ પુસ્તક દેશ-દુનિયામાં બહુ વખણાયું હતું. આ ગ્રંથના અંગ્રેજી અનુવાદના પુસ્તકમાં એ.કે. નારીને નોંધ્યું છે, "ફાર્બસે જે લોકો વિશે લખ્યું છે, તે લોકોને તેઓ ખરેખર ચાહતા હતા. એ લોકોના પરાક્રમની ગાથા ગાતા કોઈ રાસની વાત કરતી વખતે તેમના મોઢા પર જે આનંદ છવાઈ જતો તેવો ભાગ્યે જ બીજા કોઈ વખતે જોવા મળતો." તો આવો હતો ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ!

ફાર્બસસાહેબના સીમાચિહ્નરૂપ પુસ્તક 'રાસમાળા'એ એ સમયના ગુજરાતના સાહિત્યકારો પર ખાસ્સો પ્રભાવ પાડયો હતો. ફાર્બસસાહેબે 'રત્નમાળા' અને 'પ્રબુદ્ધ ચિંતામણિ' જેવા ગુજરાતી ગ્રંથોનો અંગ્રેજી અનુવાદ કરવાનું મહાકાર્ય પણ કર્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાતી સભા જેવી સાહિત્યની સંસ્થાઓની સ્થાપનાથી માંડીને ગુજરાતમાં જાહેર પુસ્તકાલય, શાળા, અખબાર અને સામયિક શરૂ કરીને તેમણે મધ્યકાલીન ગુજરાતને અર્વાચીન ગુજરાતમાં પલટાવવામાં મહામૂલો ફાળો આપ્યો હતો.

ફાર્બસસાહેબના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગુજરાતી ભાષાના ગાઈડ એવા દલપતરામે તેમના નિધન પછી કોઈ સગો મર્યો હોય એમ સ્નાન કરેલું અને બાર મહિના શોક પણ પાળ્યો હતો. દલપતરામે તેમને અંજલિ આપતી લેખમાળામાં એક કિસ્સો વર્ણવ્યો છે કે ફાર્બસસાહેબ પોતાના નવ વર્ષના દીકરાને ઇંગ્લેંડ માટે વળાવવા સ્ટિમર પર તેમને સાથે લઈને ગયેલા. પાછા ફરતી વખતે ફાર્બસસાહેબે કહેલું, મને પણ સ્વદેશ પાછા જવાનું બહુ મન થાય છે, પણ પછી તરત ઉમેર્યું કે આ દેશમાંનું મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું આવો વિચાર પણ નહીં કરું."

કેવી પ્રતિબદ્ધતા! ફાર્બસસાહેબ જેવો ગુજરાત પ્રત્યે પ્રેમ અને પ્રતિબદ્ધતા આપણા સૌમાં આવશે ત્યારે ગુજરાત સળગશે નહીં પણ ઝળહળશે!

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 અૉગસ્ટ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3117533

Loading

...102030...3,7853,7863,7873,788...3,8003,8103,820...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved