Opinion Magazine
Number of visits: 9554874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તા, સ્વતંત્રતા અને સમતાની દીવાદાંડી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 February 2016

નેહરુઆંબેડકર બંનેને સત્તાનો બાધ નહોતો તેમ જ કેવળ સત્તાલક્ષી ન બની રહે તેવા ઉચ્ચાકાંક્ષી પણ એ હતા

ત્રીસ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચેના આ દિવસોમાં, શ્રાધ્ધપર્વમાં, લાહોરમાં ભગતસિંહનો કેસ પૂરાં પંચાસ-છયાંસી વરસે ખૂલી રહ્યાના સમાચાર રૂડા આવ્યા! ભગતસિંહના સમગ્ર દસ્તાવેજ સંચય ભણી ઉત્તરોત્તર અગ્રસર થઈ રહેલા પ્રો. ચમનલાલને હજુ હમણે જ દાંડીમાં મળવાનું થયું ત્યારે એમણે આગોતરી વધામણી પણ આપી હતી કે સોન્ડર્સની હત્યાની એફ.આઇ.આર.માં ભગતસિંહનું નામ જ નથી એ પાયાની વિગત બહાર આવવાને કારણે આ શક્યતા ઊભી થઈ છે. કુલદીપ નાયરના પ્રયાસોએ થોડીક હવા ઊભી કરી હશે, ખાસ કરીને બંને શરીફ ભાઈઓ સાથેના એમના અનૌપચારિક જેવા સંબંધોને કારણે, પણ પાકિસ્તાનના કેટલાંક સક્રિય નાગરિક વર્તુળોની સતત કોશિશથી આ ઉઘાડ શક્ય બન્યો છે. ભગતસિંહની ક્રાંતિકારી પ્રતિભાને તેઓ ભારત-પાક સંયુક્ત વિરાસત તરીકે જુએ છે.

સંયુક્ત વિરાસતની વસ્તુત: વિશ્વમાનવતાની, જિકર કરી એટલે સ્વાભાવિક જ ‘પાકિસ્તાન ટાઇમ્સે’ ગાંધીજીને આપેલી એ યાદગાર અંજલિનું સ્મરણ થઈ આવ્યું કે મિ. ગાંધીની હયાતીમાં અમારે એમની ટીકા કરવાના પ્રસંગો જરૂર આવ્યા હતા, પણ ત્યારે અને અત્યારે બધો વખત અમે એક વાતે આશ્વસ્ત જ આશ્વસ્ત હતા અને છીએ કે આ ઉપખંડ પર કમસે કમ એક માણસ એવો અ‌વશ્ય છે જે સરહદની બંને બાજુના માણસોની ચિંતા કરે છે.

એવોર્ડ વાપસીએ જગવેલ ચર્ચાથી માંડીને દાંડી પહેલ જેવા સ્વયંભૂ શા અવસરો રાષ્ટ્રવાદની ધર્મકોમી સાંકડી વ્યાખ્યામાંથી જ નહીં પણ માનવતાને ઉદ્દધ્વસ્ત કરી શકવાની હદે હાવી થઈ શકતા રાષ્ટ્રવાદ સુધ્ધાંને માઝામાં રાખી જૂના ચિંતનમાંથી બહાર આવવાનો મોકો અને ધક્કો આપે છે. જેને આપણે માનવ્યની પ્રતિષ્ઠાનું, એને વાસ્તે સમતા-અને-સ્વાતંત્ર્ય-મૂલક સમાજરચનાનું મૂળગામી રાજકારણ કહી શકીએ એવો ઉઘાડ અને ઉપાડ છે.

તમે જુઓ કે બંગભંગના વારાથી ‘વંદે માતરમ’ના નારાનો ચોક્કસ મહિમા રહ્યો છે. એ જ 1905-06ના અરસામાં સુદૂર આફ્રિકામાં સત્યાગ્રહની બારાખડી આલેખાય છે. 1909-10માં રશિયા બેઠે  તોલ્સતોય જિંદગીના અંતિમતમ ચરણમાં ગાંધીને લખે છે કે તમે ત્યાં જે કરી રહ્યા છો તે ટ્રાન્સવાલ જેવા એક દેખીતા અંધારા અને છેવાડાના મુલકને આજની (બલકે, નવી) દુનિયાના કેન્દ્રમાં મૂકી આપે છે. ભગતસિંહ હસ્તક ‘વંદે માતરમ’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ લગીની જે સંક્રાન્તિ થાય છે તે રીતભાતે જુદી જણાતે છતે છે તો આ જ તરજ પરની.

તાજેતરનાં વરસોમાં એકથી વધુ વાર ઇતિહાસકાર બિપનચંદ્રનું એ કૌતુકભર્યું અવલોકન નોંધવાનું બન્યું છે કે ભગતસિંહને આયુષ્યનાં વધુ વરસો મળ્યા હોત તો એ ગાંધીવાદી બની કોળ્યા હોત. બિપનચંદ્ર આખરી દોરમાં ભગતસિંહ પર નવેસરથી કામ કરી રહ્યા હતા, અને એમાં તેઓ પોતાની આ નવ્ય પ્રતીતિ ઉપસાવવા ઈચ્છતા હતા. આ દિશામાં એમણે કરેલ કાચુંપાકું કામ બહાર આવે તો જરૂર એક કીમતી સહવિચારસામગ્રી મળી રહે. ગમે તેમ પણ, ભાવુક રાષ્ટ્રવાદમાં નહીં બંધાતા ઈન્કિલાબી ભૂમિકાએ માર્કસવિચારમાં ઠરેલા ભગતસિંહે એ વિચારો છાંડવાની જરૂરત ભલે ન જોઈ હોય, પણ હિંસક ઉદ્રેક કે ઉત્પાતને સ્થાને લોક આંદોલનના શાંતિમય પ્રતિકારમાં ઠરવામાં એમને ગાંધીનો સધિયારો જરૂર ખપ લાગ્યો હોત. સવાલ પરિવર્તન અને પ્રતિકારની (તેમ જ રચનાની) કારગત વ્યૂહરચનાનો છે. બને કે બિપનચંદ્રે ભગતસિંહને આ સંદર્ભમાં ગાંધીવાદી તરીકે ઉત્ક્રાન્ત થતા કલ્પ્યા હોય. તત્ત્વત્: , આમ પણ, ભગતસિંહ હિંસા ખાતર હિંસાના કોઈ રુમાની આશક તો નહોતા.

અસાધારણ, અશ્રુતપૂર્વ દાંડી કૂચ પછી ગાંધી-ઈરવિન સમજૂતી અને ભગતસિંહની ફાંસી તેમ જ યરવડા અનશન અને કરાચી કૉંન્ગ્રેસ, બે ત્રણ વરસના આ ગાળામાં સ્વાતંત્ર્યસંગ્રામના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જે એજન્ડા ઉઘડ્યો, આંબેડકર એકસો પચીસી સાથે તે ફરી એક વાર સાફ રીતે સામે આવી રહ્યો છે. જો 2014માં જે કથિત વૈકલ્પિક વિમર્શ સત્તારૂઢ થયો તેની સામે આ એજન્ડાનો ઉઘાડ એક સાથે પડકાર એટલો જ દીવાદાંડી રૂપ છે. કૉંગ્રેસના સંખ્યાબંધ સાથીઓને બને કે, પુના કરારની તાત્કાલિકતા-અને સવિશેષ તો હરિજનયાત્રાને અગ્રતાનો ગાંધીનિર્ણય સોરવાયો ન હોય. વસ્તુત: આંબેડકરે પોતે નોંધ્યું છે તેમ ગાંધીના અનશને જો એમના પર દબાણ ઊભું કર્યું હોત તો ઉજળિયાત હિંદુ નેતૃત્વને પણ તાણમાં મૂક્યું હતું. સ્વતંત્રતા અને સમતાની ઇન્કિલાબી લડાઈ ભારતને માટે માત્ર વર્ગીય નહીં પરંતુ વર્ણગત વાસ્તવ સાથે પણ કામ પાડવાનું અનિવાર્ય બનાવે છે. આ લાંબી લડાઈમાં સત્તાની ભૂમિકા ખસૂસ છે, પણ તે કેવળ સત્તાના વશની વાત નથી.

બિહારના રાજ્યપાલ કોવિંદ ગાંધીનગર આવી પ્રબોધન કરી ગયા કે ગાંધીનેહરુ સત્તા માટે લડ્યા જ્યારે આંબેડકર સમાજસુધારા માટે. કોવિંદ મશાયે આવા છબછબ છમકલાથી શું કહેવા તાક્યું હશે? ભાઈ, દેશ જ્યારે ‘ક્વિટ ઇન્ડિયા’મય હતો અને કૉંગ્રેસ કારોબારીના વરિષ્ઠ સભ્યો – નેહરુ મૌલાના પટેલ કૃપલાની અહમદનગર જેલમાં હતા એ વર્ષોમાં આંબેડકર વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સક્રિય હતા. એ ગાળામાં એમની મારફતે થયેલી પ્રગતિશીલ પહેલ, પાછળથી આઝાદ હિંદમાં ખપ પણ આવી હશે. કોવિંદ આંબેડકરની એક્ઝિક્યુટિવ કાઉન્સિલને કેવી રીતે ઘટાવશે? અથવા, ગાંધીના સૂચનથી નેહરુપટેલ નિમંત્ર્યા આંબેડકરે સત્તાસ્થાને બેસવું પસંદ કર્યું? એને કેવી રીતે જોશે? નેહરુઆંબેડકર બંનેને સત્તાનો બાધ નહોતો તેમ જ કેવળ સત્તાલક્ષી ન બની રહે તેવા ઉચ્ચાકાંક્ષી પણ એ હતા.

શાસકીય ને સામાજિક હિલચાલ બેઉનો ખપ છે. જે દિવસે આ કોલમ પ્રકાશિત થશે તે જોગાનુજોગ ગાંધીજીના 1916ના એ બિગબેંગ ભાષણની તારીખ છે જ્યારે એમણે ગોખલેદીધા મૌનને છેડે બનારસ હિંદુ કોલેજ(યુનિવર્સિટી)ના આરંભે રાંકડી રૈયતને ભોગે ઘરેણે શોભતા (ગુલામ હોવાનું નહીં સમજતા) રાજવીઓનો ઊધડો લીધો હતો – સભાના પ્રમુખ સહિત સૌ મંચસ્થ મહાનુભાવો સભાગૃહ છોડી ગયા હતા. 1915-16થી 1932-33નાં વર્ષોમાં હિંદુ-મુસ્લિમ એકતા, આર્થિક-સામાજિક ન્યાય (અસ્પૃશ્યતા નિવારણ) મૂળભૂત અધિકારો સહિતનું એક સમગ્ર ચિત્ર (મુકમ્મલ આઝાદી) દેશજનતા સમક્ષ આવે છે. 1929ની લાહોર કૉંગ્રેસ અને તે પછી થોડે વરસે કરાંચી કૉંગ્રેસ : આ બેમાં એ બધી સામગ્રી પડેલી છે જેણે બંધારણ સભામાં ખાસું કામ આપ્યું છે.

આ બે ઐતિહાસિક અધિવેશન-નગરો આજે જો પાકિસ્તાનની ઓળખ પામ્યાં હોય તો એનું એક કારણ ગાંધી-ભગતસિંહ-આંબેડકર સહિતનાઓએ જે વિમર્શકોશિશ કીધી તેની સામે વિખરાવ અને ભટકાવની કોશિશો અંશત: કામયાબ રહી તે છે.

ઉતાવળે, થોડા શબ્દોમાં, આ દાંડી પણ, દીવાદાંડી પણ!                                                 

સૌજન્ય : ‘ઇન્કિલાબી ભૂમિકા’, “દિવ્ય ભાસ્કર”, 06 ફેબ્રુઆરી 2016

Loading

શતમ જીવ દીપક બારડોલીકર !

મહેક ટંકારવી / અદમ ટંકારવી / આશા બૂચ|Diaspora - Features|4 February 2016

હજી પણ આપનો દીપક બળે છે …

• મહેક ટંકારવી

બારડોલીમાં જન્મેલા અને મીંઢોળા નદીની પડખે આવેલ સીમ-સીમાડે હરતાં ફરતાં જેમણે પોતાનું યૌવન વિતાવ્યું હતું તે દીપક બારડોલીકરની ગઝલો તો દેશમાં હતો ત્યારે વાંચેલી, પણ તેમને રૂબરૂમાં મળવાનો અને તેમના જ અવાજમાં તેમની ગઝલો સાંભળવાનો પ્રથમ અવસર બોલ્ટનમાં યોજાયેલા એક મુશાયરામાં પ્રાપ્ત થયો હતો. મુશાયરા સંચાલન મારા હાથમાં હતું એટલે ‘ગુલમહોર’ના માણસ તરીકે એમનો પરિચય કરાવતાં મેં એમનું જાણીતું મુકતક રજૂ કરેલું, જે મને આજે પણ યાદ છે :

મુઠ્ઠીમાં ગુલમહોર છે, આંખોમાં ગુલમહોર
ખિસ્સાં છે લાલ લાલ ને ખ્યાલોમાં ગુલમહોર
માણસ છું ગુલમહોરનો બીજું તો હોય શું
લોહીમાં ગુલમહોર છે, શ્વાસોમાં ગુલમહોર

એ માત્ર ગુલમહોરના જ નહીં, પણ તડકાના પણ માણસ છે એવું પાછળથી જાણવા મળ્યું :

હું છું તડકાનો આદમી દીપક
મારા ખિસ્સામાં ખણખણે તડકો

આ ગુલમહોર અને તડકાના માણસે ઠેઠ ૧૯૫૦થી ગઝલ સાથે દોસ્તી બાંધી હતી, ગઝલનો હાથ ઝાલ્યો હતો જે હજી આજે પણ છોડયો નથી. ત્રણ ત્રણ દેશો સાથે એમનો નાતો એટલે એમના ચરણમાં ધૂળ, બરફ અને રેત હોવા છતાં ગઝલ સાથેનો એમનો સંબંધ હજી આજે પણ અકબંધ છે. આ રંગ અને સુગંધના ચાહક શાયરને, રૂપ અને પ્યારના ગાયક શાયરને ગુજરાતી અને ઉર્દૂ શાયરોનો સંગ મળ્યો છે, તેમની સાથે મેહફિલો જમાવી છે, મેહફિલો માણી છે અને એક સરસ માહોલમાં જીવ્યા છે. ગઝલનું ખેડાણ એમણે એના નિયમોની અદબ જાળવીને કર્યું છે અને એમ કરતાં કરતાં એમણે આપણને નવ જેટલા સંગ્રહો આપ્યા છે. એમની ગઝલોમાં રિવાયત અને આધુનિકતાનો સુંદર સમન્વય આપણને જોવા મળે છે. ખ્યાલો અને ખાબોના સાગર સમો આ શાયર પોતાના રંગીન શેરો સમા મોતીઓની સોગાત ધરીને આપણને રિઝવી દે છે, તો બીજી બાજુ ‘ગમસલીબો પર લટકેલો’ આ શાયર ગઝલોમાં જ્યારે પોતાના અંતરમાં ઢબુરાયેલી વ્યથા અને વેદનાનાં ગીતો ગાય છે ત્યારે આપણી આંખોને પણ ભીંજવી દે છે.

‘મારાં આંસુઓનું તું કારણ ન પૂછ’ એમ તો એ આપણને કહે છે પણ એ કારણો જાણવા આપણે બહુ દૂર જવું પડતું નથી. એમની અનેક ગઝલોના ચોટદાર શેરોમાં એમની ઉદાસી અને બેચેનીઓનાં કારણો સહજ રીતે ખુલ્લાં થઈ ગયાં છે.

દેશ પરદેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને અત્યાચારથી, વળી અન્યાય તથા રોજના બોંબધડાકાઓ અને જુલ્મોસિતમના લોહિયાળ માહોલથી આ કવિ ત્રસ્ત છે અને ‘જ્યાં સત પડયું છે ખાટલે, ને જૂઠની લાંબી જબાન છે’ એમ કહી પોતાના ભ્રષ્ટ દેશની અવદશાનું ચિત્ર રજૂ કરી આપે છે. 

જીવનભર શાયરી કરતાં કરતાં જે કંઈ પણ હાથ લાધ્યું છે તે બધું તો ઈશ્વરની દેણગી છે. એમાં મારું કંઈ નથી એવો નમ્ર એકરાર કરતાં કવિ કહે છે :

મારું તો કાંઈ પણ નથી, કિત્તો કે ના કિતાબ
આ બોલ, ધ્વનિ, ધૂન સૌ તારું છે સાંઈયા.

અને છેલ્લે જીવનભર જેને આધાર સમજી આપણે સૌ મમતાપૂર્વક વળગી રહ્યા હોઈએ છીએ તેમાંની કોઈ પણ વસ્તુ કામ લાગે તેવી નથી એવો એહસાસ જ્યારે થાય છે ત્યારે :

શું હોડી, શું તુંબડાં, ઠાલા સૌ આધાર
સાંવલ, સંબંધ આપણો એ જ ઉતારે પાર

એવો સત્યબોધ કવિને અને આપણને સૌને થાય છે. આપણે એ છેલ્લા આધારને ભરોસે ભવસાગરમાં તરવાનું ચાલુ રાખીએ છીએ અને એમ કરતાં કરતાં અહીંની સફરને પૂરી કરીએ છીએ.

દીપકે અનેક ઝંઝાવાતોનો સામનો કરતાં કરતાં આંધીઓમાં પણ જીવનભર બળતા રહી, ઝબૂકતા રહી બધે રોશની પાથરી છે. ‘હજી પણ રોશની છે આ નગરમાં, હજી પણ આપનો દીપક બળે છે’ એમ કહી તેઓ પોતાના પરોપકારી અસ્તિત્વની આપણને આજે પણ ખાતરી કરાવે છે.

આપણી વચ્ચે હજી જ્યારે આ દીપક પ્રજવલિત છે તો એની જ્યોતથી જ્યોત જલાવી એમની માફક આપણે પણ અન્યો માટે જીવતાં શીખીએ તો એમના જીવનકવનમાંથી આપણે કંઈક પામ્યા છીએ, શીખ્યા છીએ એવું કહી શકાય.

દીપક સાહેબ, આપ અમારા માનના, સન્માનના ખરેખર હકદાર છો. અલ્લાહ રહીમો રેહમાન આપને અંતિમ શ્વાસ સુધી ‘ગુલાબો શા ગુલાબી રંગમાં’ અને ‘પરમ આનંદમાં રાખી’ તંદરસ્તીભર્યું દીર્ઘાયુ બક્ષે એ જ દુઆ સાથે …

(પ્રમુખ, ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.)

e.mail : gwg@mahek.co.uk

…………………………………..

દીપક બારડોલીકર : ભાષાના ભેખધારી

• અદમ ટંકારવી

23મી નવેમ્બર 2015ના રોજ આપણા મૂર્ધન્ય સાહિત્યકાર દીપક બારડોલીકરે જીવનયાત્રાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં તેનો પ્રથમ હરખ વિપુલ કલ્યાણીએ કર્યો. વિપુલભાઈએ ઇમૈલથી જાણ કરી કે, યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે આપણા આ ‘વરિષ્ઠ સાહિત્યકાર, પત્રકાર, વિચારકની લેખનીને પોંખવા, એમની નિસ્બતને સલામ કરવા’ માન્ચેસ્ટર ખાતે મળીએ છીએ. વિપુલભાઈ અને અકાદમીના મિત્રો લંડનમાં. દીપકસાહેબ માન્ચેસ્ટરમાં. એક દક્ષિણે બીજા ઉત્તરે. બન્ને વચ્ચે બસો માઈલનું અંતર. પણ એમને જોડનાર કડી તે માતૃભાષાપ્રીતિ. બ્રિટનમાં ગુજરાતી ભાષા જીવે અને જળવાય એ જ ધખના, એ જ ખેવના, એ જ લગન, એ જ રટણ. નિમંત્રણપત્રમાં વિપુલભાઈએ દીપકસાહેબનો એક મક્તા ટાંક્યો છે :

ગુર્જરીનો કવિ છું હું ‘દીપક’
હું નથી એક દેશનો માણસ

દીપકસાહેબનો પરિચય અનેક રીતે આપી શકાય પણ એમને મન તો ‘ગુજરાતીનો કવિ’ છું એટલું જ પર્યાપ્ત છે. તો વળી આ કવિએ બ્રિટનમાં ગુજરાતી ભાષાના જતનને સમર્પિત એવા ગુર્જરીદાસ વિપુલ કલ્યાણી માટે નઝમ લખી છે. બ્રિટનમાં ગુજરાતી ભાષાને ટકાવવામાં વિપુલભાઈનો અડીખમ ટેકો. એમના છત્તર નીચે ભાષા – સાહિત્યની કંઈ કેટલી ય પ્રવૃત્તિઓ ચાલતી રહી. તેથી જ દીપકસાહેબ કહે છે:


કેવો માણસ છે શું કહું, લોકો
ગુર્જરીનું છે છાપરું, લોકો

એનો થેલો ય એક દફતર છે
એ જ તકિયો ને એ જ બિસ્તર છે

આખી નઝમમાંથી પસાર થતાં પ્રતીતિ થાય કે, આ વ્યક્તિવિશેષની કૃતિ નથી. આ છે ભાષાદાઝનું કાવ્ય. આજનો આ પ્રસંગ પણ ગુજરાતી ભાષા પ્રત્યેના અનુરાગનો જ ઓચ્છવ છે, અને તે દીપકસાહેબની વર્ષગાંઠ ટાણે ઉજવાય છે તેનું ઔચિત્ય છે.

દીપકસાહેબ ‘હું નથી એક દેશનો માણસ’ એવું કહે છે ત્યારે એમનો સંકેત એમના ભારત-પાકિસ્તાન-બ્રિટનનિવાસ તરફ છે. દેશાટન કે વિદેશમાં વસવાટ એ ગુજરાતીઓ માટે સામાન્ય બાબત ગણાય. દીપકસાહેબની વિશિષ્ટતા એ કે, એ જ્યાં પણ વસ્યા ત્યાં રશીદ મીર કહે છે તેમ, ‘ગુજરાતી ભાષા-સાહિત્ય સાથેનો એમનો નાતો અકબંધ રહ્યો.’ જે તે દેશના પરિવેશ, લોકજીવન, ચેતના, સંવેદનને કલારૂપ આપી એમણે સાહિત્યસર્જન કર્યું. એમની ખાનાબદોશી અને દેશાવરી લેખે લાગી અને નિષ્કાસનની અનુભૂતિએ એમની ભાવસૃષ્ટિને સમૃદ્ધ કરી દીધી.

બાળપણ, કિશોરાવસ્થા, યુવાની ભારતમાં. વ્યાયામ, કુસ્તી, ખેલકૂદની સાથે ગઝલમાં પણ રસ. ગુજરાતી ગઝલનો એ સુવર્ણકાળ. રાંદેર-સુરતમાં મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના થઈ ત્યારે દીપકસાહેબની ઉમ્મર અઢાર વર્ષ. આ વાતાવરણે દીપકસાહેબને ગઝલમર્મી બનાવ્યા.

1960 પછીના ત્રણ દાયકા કરાંચીમાં વસવાટ. ત્યાં ય ગઝલસર્જન, પત્રકારત્વ, સાહિત્યિક સંસ્થાઓ – સમારંભોમાં ગળાડૂબ. અહીંના નિવાસ દરમિયાન એમણે ગુજરાતી ભાષાને નવું કાવ્યસ્વરૂપ ‘માહિયા’ ભેટ ધર્યું. આ મોતી તેઓ પંજાબી કવિતાના સમંદરમાંથી ખોળી લાવ્યા. ત્રણ લીટીમાં જલતરંગની જેમ ઊર્મિતંત્રને વિસ્તારતું લઘુકાવ્ય :

ના વાત કરું ખોટી
તું તારી સખીઓમાં
લાગે છે ખરું મોતી !

પાકિસ્તાનમાં અડધી સદીના ગાળામાં જે ગુજરાતી ગઝલસર્જન થયું તેનો પ્રતિનિધિ સંચય ‘વિદેશી ગઝલો’નું સંપાદન દીપકસાહેબે કર્યું. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પાકિસ્તાનના ગુજરાતી સાહિત્ય વિશેની માહિતી માટે આ મૂલ્યવાન દસ્તાવેજ ગણાય.

1990માં બ્રિટનસ્થિત થયા. અહીં ઈયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ એમણે નોંધપાત્ર સાહિત્યસર્જન કર્યું અને કરે છે. વૈવિધ્યસભર પણ ખરું. અનેક સાહિત્યસ્વરૂપો એમણે અજમાવ્યાં છે − ગઝલ, નઝમ, અછાંદસ, રૂબાઈ, નવલિકા, નવલકથા, આત્મકથા, રેખાચિત્રો, લઘુકાવ્યો, ઇતિહાસ અને તાજેતરમાં ભક્તિમય સ્તુિતકાવ્યો.

હું 1991માં બ્રિટન વસવા આવ્યો ત્યારે ભાષા-સાહિત્યની દૃષ્ટિએ અરણ્યવાસ હશે એવી મનમાં ભીતિ હતી. પણ અહીં દીપકસાહેબ અને ત્યાં લંડનમાં વિપુલ ક્યાણી બેઠા છે એ વાતે આશ્વસ્ત થયો.

દીપકસાહેબના માન્ચેસ્ટર ખાતેના રહેઠાણે એમની સાથે મુલાકાત કરવાના અનેક પ્રસંગો પ્રાપ્ત થયા. આ મુલાકાતો દરમિયાન મધુ રાય જેને એમના વ્યક્તિત્વની ‘પારદર્શકતા’ કહે છે અને વિપુલભાઈ જે ‘નિસ્બત’ની વાત કરે છે તેનો જાતઅનુભવ થયો.

દીપકસાહેબનો આગ્રહ સાહિત્યિક પ્રવૃત્તિની ગરિમા સચવાવી જોઈએ એવો. સાહિત્ય કૃિતના મૂલ્યાંકન માટેના એમના માપદંડ ઊંચા. એમાં તોડ સમાધાન આંખમીંચામણ કે બાંધછોડ નહીં. અહીં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિ નિમ્મ સ્તરની લાગે એટલે ત્યાંથી ખસી જાય, અલિપ્ત રહે. તેઓ હાઈ બ્રાઉ-ઉચ્ચભ્રૂ છે એવું નથી. તેમના મતે સાહિત્યસર્જન ગંભીર પ્રવૃત્તિ છે અને એ માટે પરિશીલન અને સાધના અપેક્ષિત છે. અમૃત ઘાયલ કહે છે તેમ,

કૈંક કર્યા ઉજાગરા, ઘાયલ
માંડ ત્યારે આ ગઝલ ઊગી છે

દીપકસાહેબ પોતાના માટે પણ ઉચ્ચતમ લક્ષ્ય રાખે છે. જાતને ટપારતા હોય તેમ ઘાયલની ગઝલોનો મહિમા કરતાં કહે છે :

આપણે દીપક શું લખવાના ગઝલ
એ છે અમૃતલાલ ઘાયલનો પ્રદેશ

અલબત્ત, ગુજરાતના ગઝલરસિકો જાણે છે કે, દીપક બારડોલીકરનો પણ એ પ્રદેશમાં જ વિહાર છે.

આ પ્રસંગ નાનોસૂનો નથી. આજે (22-11-2015) આપણે ભેગાં થયાં છીએ તેની પાછળનું પ્રેરકબળ તે ગુજરાતી ભાષા માટેની આપણી કન્સર્ન – નિસ્બત. ભાષાદાઝ. બ્રિટિશ ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતહાસના સર્જકો પૈકી બે શિરમોર વિભૂતિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે − દીપક બારડોલીકર અને વિપુલ કલ્યાણી.

વિપુલભાઈએ નિમંત્રણપત્રમાં જે અવતરણ ટાંક્યું છે તેમાં દીપકસાહેબના પ્રદાન માટે બે વિશેષણ પ્રયોજાયાં છે − અપૂર્વ અને અનન્ય. બ્રિટિશ ગુજરાતી સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં પણ આ વિશેષણો યથાર્થ અને ઉપયુક્ત છે. ત્રણ દેશોમાં ત્રણત્રણ દાયકાના નિવાસે જે તે દેશની ચેતનાને આત્મસાત્ કરી, તેને કળારૂપ આપી ઉચ્ચ ગુણવત્તાવાળા સાહિત્યનું ગુજરાતને પ્રદાન કરનાર સર્જક દીપક બારડોલીકર અપૂર્વ અને અનન્ય છે. વિપુલભાઈ કહે છે તેમ, આ સર્જકે આપણી ભાષાને ‘ન્યાલ’ કરી છે, અને કરે છે.

દીપકસાહેબનું શેષ જીવન બરકતવંત રહે એવી દુઆ, ગુજરાતી સાહિત્ય અકાદમીએ આવા રૂડા અવસરનું આયોજન કર્યું તે માટે ધન્યવાદ.

…………………………………………

શતમ જીવ દીપક બારડોલીકર !

• આશા બૂચ

'ગુજરાતી સાહિત્ય અકાદમી' વતી દીપક બારડોલીકરને માનાર્હ અધ્યેતાપદ [Fellowship] અર્પણ કરતા અકાદમીના ઉપ-પ્રમુખ અને કવિ પંચમ શક્લ. બાજુમાં અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણી દૃષ્ટિમાન છે.


એક વો ભી હૈ ઝિંદગી, એક યે  ભી હૈ ઝિંદગી
દોનોં બસરતી, સાંસે લેતી, કરતી હૈ રોઝ બંદગી;

વો દૂસરોંકે દિયેસે ઉજાલે લેકે જી ગયા,
યે ખુદ દીપક બનકે દૂસરોંકો ઉજાલે દે ગયા.

વિદેશ વસતા ગુજરાતી સાહિત્યકારોમાં જાણીતું અને માનીતું નામ છે એવા દીપક બારડોલીકર નવ દાયકાની મંજિલે પડાવ નાખીને સહુને શીતળતા બક્ષી રહ્યા છે, તેનો જશ્મ મનાવવા, માન્ચેસ્ટરને આંગણે એક નાનો શો અભિનંદન સમારોહ યોજાયેલો. તેની એક ઝલક પ્રસ્તુત છે.

આ અવસરનું ભાતીગળ નોતરું ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’વતી પ્રમુખ વિપુલ કલ્યાણીએ ફેરવ્યું હતું. આરંભે જ દીપક બારડોલીકરનો એક મક્તા ટાંકેલો :

ગૂર્જરીનો કવિ છું હું ‘દીપક’
હું નથી એક દેશનો માણસ

અને પછી વિપુલભાઈ લખતા હતા :

’ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં’, અદમ ટંકારવીએ કહ્યું છે તેમ, ‘દીપક બારડોલીકર એક અભૂતપૂર્વ અને અનન્ય ઘટના છે.’

દીપક સાહેબે લખ્યું છે, ‘ … દરેક જણનો કોઈ એક દેશ હોય છે. મારા ખાતે ત્રણ દેશો બોલે છે. હિન્દુસ્તાનમાં જન્મ્યો – જવાન થયો, ભરજવાનીથી નિવૃત્તિ સુધીનો કાળ પાકિસ્તાનમાં ગુજાર્યો અને ત્યાર પછી બ્રિટનમાં સેટલ થયો. આમ આ ત્રણ દેશોમાંના મારા અનુભવો, અનુભૂતિઓ તથા સારીમાઠી મોટી વૈશ્વિક ઘટનાઓની તાસીર મારાં કાવ્યોનાં વિષય બનતાં રહ્યાં છે.’

હરીન્દ્ર દવેએ સાચ્ચેસાચ કહ્યું જ છે ને, ‘તમારા મનના માંડવે આફૂડાં ખીલી ઊઠેલાં ચમેલીનાં આ પુષ્પોની સુવાસ મનહૃદયને છલકાવી દે છે.’

આપણા આ દીપક બારડોલીકર આ 23 નવેમ્બરે નેવુંમાં પ્રવેશે છે. આપણું અહોભાગ્ય છે કે દીપકભાઈ આજે ય આપણને સતત ન્યાલ કરી રહ્યા છે.

દીપકભાઈનું સન્માન કરવા, એમની લેખનીને પોખવા, એમની માનવીય નિસ્બતને સલામ કરવા રવિવાર, 22 નવેમ્બર 2015ના રોજ આપણે એક અવસર એમના થાનકે યોજી રહ્યા છીએ.

‘સંસ્કૃિત’ નામધારક એક રેસ્ટોરાંને અમે ત્રણેક કલાક માટે એક સભાખંડમાં ફેરવી નાખ્યું. દીપકભાઈના બે પુત્રો સપરિવાર આ કાર્યક્રમમાં હાજર રહ્યા. તો વળી, લંડનથી ગુજરાતી સાહિત્ય અકાદમીના હોદ્દેદારો તેમ જ રસિકજનો અને દીપકભાઈનાં સ્વજનો ગણાય તેવાં ગુણીજનો ઉપરાંત માન્ચેસ્ટર, લેંકેશરના બ્લેકબર્ન, બૉલ્ટન, તથા છેક યૉર્કશરના શિપલી અને બાટલીથી તેમનાં ચાહકો, પ્રસંશકો પણ પ્રસંગને દીપાવવા હાજર રહેલાં.

અવસરે એકઠાં થયેલાં કવિલેખકોનું એક જૂથ. મેજ-ખુરશી પરે દીપક સાહેબ છે. જ્યારે ચોપાસ, ડાબેથી, વિપુલ કલ્યાણી, રમણભાઈ પટેલ, ફારુક ઘાંચી ‘બાબુલ’, આશા બૂચ, ઇમ્તિયાઝ પટેલ, પંચમ શુક્લ, મહેક ટંકારવી, અહમદ ‘ગુલ’, સિરાજ પટેલ, હારૂન પટેલ તેમ જ ઇસ્માઈલ દાજી છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી વતી હાજર, આગલી હરોળે, અશોક કરણિયા, વિપુલ કલ્યાણી, ઘનશ્યામભાઈ  ન. પટેલ, રમણભાઈ પટેલ, કુંજ કલ્યાણી, હંસાબહેન પુરોહિત તથા શશીબહેન પટેલ. પાછલી હરોફે, પંચમ શુક્લ, નીરજ શાહ, ફારુક ઘાંચી તેમ જ અસમાબહેન ઘાંચી.

 

ગામતરેથી પધારેલા કેટલાંક મેજબાનો : અશોક કરણિયા, નીરજ શાહ, ઘનશ્યામભાઈ પટેલ, હંસાબહેન પુરોહિત, કુંજ કલ્યાણી, શશીબહેન પટેલ, રમણભાઈ પટેલ, અદમ ટંકારવી, સિરાજ પટેલ તથા ઇમ્તિયાઝ પટેલ. પાછળની ધારે : પંચમ શુક્લ, વિપુલ કલ્યાણી, લાલજી ભંડેરી, મહેક ટંકારવી તેમ જ હારૂન પટેલ.

 
આ કાર્યક્રમની શરુઆત પેરિસમાં થયેલ આતંકવાદી હુમલા અને જગતના અન્ય ખૂણે બનેલ ઘાતકી બનાવોના શિકાર બનેલ આત્માઓની શાંતિ અને બચી જવા પામેલ નિર્દોષ પ્રજાની સલામતી માટે બંદગી કરીને કરવામાં આવી. કાર્યક્રમના સંચાલક, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ તેમ જ “ઓપિનિયન”ના તંત્રી વિપુલ કલ્યાણીએ કહ્યું કે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ગૌરવ સાથે દાવો કરી શકે તેમ છે કે તેના થકી કોઈ કોમ, જાતિ કે રાષ્ટ્રના વાડા વિના ગુજરાતી ભાષાની ખિદમત થતી રહી છે, અને તેમાંના એક વડેરા ખિદમતગાર ગુજરાતીનું સન્માન કરવા આજે સહુ ભેળા મળ્યાં તે એક ગૌરવપ્રદ બીના છે. તેમણે વધુમાં ઉમેર્યું, ‘દીપકભાઈએ આપણને શું નથી આપ્યું? અનેક વિષયો પર પ્રવચનો આપ્યાં, એક લેખક અને કવિની કલમે છેલ્લા અઢાર  વર્ષમાં “ઓપિનિયન”ને એમની પાસેથી બે નવલકથાઓ અને બે આત્મ કથનો સાંપડ્યાં છે. આ બન્ને આત્મકથાઓ, ’ઉછાળા ખાય છે પાણી’ તથા ‘સાંકળોનો સિતમ’ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યજગતની ઉત્તમ ટૂંકો છે. છેલ્લી બે ધારાવાહી નવલકથાઓ ‘ધૂળિયું તોફાન’ અને ‘બખ્તાવર’ પણ તે ક્ષેત્રે અજોડ છે. તેમની 90મી વર્ષગાંઠ નિમિત્તે અભિવાદન કરવા સહુને અકાદમીએ તેથીસ્તો નિમંત્ર્યા છે.’
 
આ મીઠા આવકાર બાદ ગુજરાતી સાહિત્ય અકાદમીના કોષાધ્યક્ષ લાલજીભાઈ ભંડેરી, કારોબારી સમિતિના સભ્ય તેમ જ જાણીતા કવિલેખક ફારુક ઘાંચી અને અગ્રણી શાયર-લેખક અદમ ટંકારવીએ શાલ અર્પણ કરી દીપકભાઈનું અભિવાદન કર્યું. આ પ્રસંગની સુપેરે ગોઠવણ વ્યવસ્થામાં જેમણે ઉમદા ફાળો આપ્યો છે તેવાં આશાબહેન અને કૃષ્ણકાન્ત બૂચે ફૂલમાળા પહેરાવી. અકાદમીના ઉપ પ્રમુખ કવિ પંચમ શુક્લના હાથે દીપકભાઈને અકાદમી વતી માનદ્દ અધ્યેતાપદ એનાયત કરતો સ્તુિત પદક એનાયત થયો.
 

કાર્યક્રમને આગળ વધારતાં બાટલીસ્થિત ‘ગુજરાતી રાઈટર્સ ફૉરમ’ના પ્રમુખ અહમદ ‘ગુલે’ ગુજરાતી સાહિત્ય અકાદમી દીપકભાઈના આંગણે આવી તે આ પ્રસંગની મહત્તા સૂચવે છે તેમ કહ્યું. ભારત, પાકિસ્તાન અને બ્રિટનના વસવાટ દરમ્યાન અનેક સંઘર્ષોમાંથી પસાર થયા છતાં તેમણે એક લેખક અને કવિ તરીકે ઘણી કૃતિઓ દ્વારા જે પ્રદાન કર્યું તેના થકી તેઓ ખાસ કરીને ગુજરાતી મુસ્લિમોમાં અગ્રસ્થાન ધરાવે છે અને તેમને માટે મોટા પ્રેરણા રૂપ બનેલ છે.  

બૉલ્ટનસ્થિત ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’ના પ્રમુખ મહેક ટંકારવીએ જેમની શાયરીઓ વાંચેલી પણ પ્રત્યક્ષ મુલાકાત બૉલ્ટનના મુશાયરામાં થઈ, એ યાદ કરતાં કહ્યું કે બારડોલીમાં જન્મેલા અને મીંઢોળા નદીના સીમાડે હરતાં ફરતાં જેમનું બાળપણ અને જુવાની વીતી, તેવા દીપકભાઈએ 1950થી ગઝલ સાથે દોસ્તી બાંધી, એનો હાથ ઝાલ્યો તે હજુ છોડ્યો નથી. ત્રણ દેશ સાથે એમનો નાતો એટલે ચરણમાં ધૂળ, રેત અને બરફ હોવા છતાં ગઝલ સાથેનો સંબંધ અકબંધ રહ્યો. તેમણે આપણને નવ ગઝલ સંગ્રહો આપ્યા. ખ્યાલો અને ખ્વાબોના સાગર સમા આ શાયર રંગીન મોતી સમા શેરોથી વાચકને રીઝવી દે છે. ‘કુલ્લીયાતે દીપક’માંથી એક મુક્તક મહેક સાહેબે ફરમાવ્યું:

મુઠ્ઠીમાં ગુલમહોર છે, આંખોમાં ગુલમહોર,
ખિસ્સાં છે લાલ લાલ ને ખ્યાલોમાં ગુલમહોર
માણસ છું ગુલમહોરનો, બીજું તો હોય શું
લોહીમાં ગુલમહોર છે, શ્વાસોમાં ગુલમહોર

મહેક સાહેબે યાદ અપાવ્યું કે દીપકભાઈએ અનેક ઝંઝાવાતોનો સામનો કરી, આંધીમાં પણ ઝબુકતા રહી, રોશની પાથરી છે. એમની જ્યોતથી જ્યોત જલાવી અન્યો માટે જીવતાં શીખીએ એવી ખેવના સાથે તેમણે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

અદમ ટંકારવીએ પોતાની આગવી શૈલીમાં દીપકભાઈને વધાવ્યા. તેમણે યોગ્ય જ કહ્યું કે આપણે ગુજરાતી ભાષાના ભેખધારી એવા સાહિત્યકારને પોંખવા આજે સાથે મળ્યા છીએ જેમાં દક્ષિણે લંડન અને ઉત્તર-પશ્ચિમે માન્ચેસ્ટર વચ્ચેના 200 માઈલને જોડનાર કડી તે માતૃભાષા પ્રત્યેની પ્રીતિ છે. માતૃભાષા જીવે અને જળવાય એવી ધખના અને લગન દીપકભાઈ અને વિપુલભાઈ જેવાને છે. ‘ગુર્જરીનો કવિ છું દીપક, હું નથી એક દેશનો માણસ’ એમ કહેનારને ગુર્જરીના કવિ હોવાનું જ પર્યાપ્ત છે. આગળ બોલતાં અદમ સાહેબે કહ્યું, ‘આ પ્રસંગ ગુજરાતી ભાષા પ્રત્યેના અનુરાગનો ઓચ્છવ છે. ત્રણેય દેશના પરિવેશ, ચેતના, લોકજીવન અને સંવેદનને ખરું રૂપ આપી દીપકભાઈએ સર્જન કર્યું. એમની ખાનાબદોશી અને દેશાવરી લેખે લાગી. દીપકભાઈના નિષ્કાસને એક  ભાવસૃષ્ટિ સજીવ કરી. પંજાબી કવિતાના સમંદરમાંથી શોધી લાવેલ નવું મોતી માહિયા કાવ્ય પ્રકાર એમણે જ વાચકોને ધર્યો. જલતરંગની માફક ઊર્મિતંત્રને વિસ્તારતો લઘુ કાવ્ય પ્રકાર આપ્યો. ઇયત્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ દીપકભાઈએ ‘90 પછી બ્રિટનમાં નોંધપાત્ર સાહિત્ય સર્જન કર્યું. એમના સર્જનમાં વૈવિધ્ય પણ કેવું? ગઝલ, નઝમો, અછાંદસ, રૂબાઈ, નવલિકા, નવલકથા, આત્મકથા, રેખાચિત્રો અને લઘુ કાવ્યોથી એમનો થાળ સમૃદ્ધ છે. દીપકભાઈને માટે સાહિત્ય સર્જન એ ઉચ્ચ કક્ષાની પ્રવૃત્તિ છે અને એને માટે સાધના તથા પરિશીલન જરૂરી છે તેમ તેઓ મને છે. તેઓ પોતાને માટે ઉચ્ચતમ લક્ષ્ય રાખે. વિપુલભાઈ અને દીપકભાઈ માટે અનન્ય અને અપૂર્વ એ બંને વિશેષણો ઉપયુક્ત છે. તેઓ બંનેએ ગુજરાતી ભાષાને ન્યાલ કરી દીધી છે. દીપકભાઈનું આ પ્રદાન બરકરાર રહે તેવી દુઆ’ સાથે અદમ સાહેબનું વક્તવ્ય પૂરું થયું,

દીપકભાઈની શિક્ષિકા પૌત્રી અસ્મા હાફેસજીએ બે શબ્દો બોલતાં કહ્યું, ‘મારા દાદા પોતાના ભૂતકાળની અને ખાસ કરીને ભારતમાં વિતાવેલ પોતાનાં બાળપણ અને યુવાનીની વાતો કરે. તેઓ અમારા શિક્ષક અને માર્ગદર્શક પણ છે. અમને એટીકેટ, સાચા-ખોટાનો ભેદ અને સારાસારનો વિવેક અને મૂલ્યો શીખવે. અમારા ઘરમાં શિક્ષણ ખૂબ જ મહત્ત્વ ધરાવે અને દાદા અમારા વિકાસમાં હંમેશ સક્રિય રસ લે.’

દીપકભાઈને ટ્રેડ યુનિયનના સભ્ય તરીકે લડતા જોયેલા અને ઝીયા ઉલ હક્કના શાસન દરમ્યાન જેલમાં જતા જોયેલા તેવા તેમના પુત્ર જમીલ હાફેસજીએ પોતાના કબીલા અને દીપકભાઈના અંગત સંઘર્ષોની ઝાંખી કરાવી. પિતાજીને રાજકારણમાં દિલચસ્પી હતી, પાકિસ્તાન પીપલ પાર્ટીના સભ્ય હતા અને તત્કાલીન પ્રેસિડેન્ટ ભુટ્ટોની સરાહના પણ મેળવેલી તેનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો. જમીલભાઈએ દીપકભાઈએ કુટુંબ માટે આપેલ ભોગ અને પોતાની નાદુરસ્ત તબિયત છતાં સાહિત્યમાં આટલું પ્રદાન કર્યું તેની નોંધ લીધી અને એ પ્રેરણામૂર્તિને વંદન કર્યાં.

આ સમારંભમાં દરેક મહેમાન સમક્ષ, આશાબહેન બૂચ દ્વારા, ઓરિગામી કળાનો ઉપયોગ કરીને કાગળમાંથી બનાવેલ ફૂલો રાખવામાં આવેલાં. તેમાં દીપક સાહેબ લિખિત શાયરી, નઝમો અને મુક્તકોમાંથી પંક્તિઓ લખવામાં આવેલી. જે મહેમાનોએ વાંચીને દીપકભાઈને કાવ્યાંજલિ આપી. આસ્વાદ માટે તેમાંની કેટલીક અહીં પ્રસ્તુત છે:

“ભૂતકાળ પાછો લાવું, શણગાર તું સજે તો; હું પણ જવાન લાગું”

“હશે શું એવું એની ઓઢણીમાં કે પડછાયો રાતો થઈ ગયો?”

શક્ય હોય તો કર કદી એવી કમાલ, રાખ કોરા પગ અને પાણીમાં ચાલ”

ફારુકભાઈએ કાવ્ય દ્વારા અંજલિ આપી, ઉપરાંત પોતે શાળામાં શીખેલી પ્રાર્થના ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું’ની બે પંક્તિઓ પણ ગાઈ, સહુ અનાયાસે તેમાં જોડાયાં.

દીપકભાઈએ પોતાનો પ્રતિભાવ સ્વરચિત બે કાવ્યોના રૂપમાં આપ્યો અને ટૂંકું વક્તવ્ય પણ આપ્યું, જેનો સારાંશ: ‘હું બારડોલીમાં જન્મ્યો અને મોટો થયો. બારડોલીએ મને ભાષા આપી, શબ્દ સાથે મારો સંબન્ધ જોડી આપ્યો. આઝાદી શું છે, એ મેળવવા અને સાચવવા શું કરી શકાય તે શીખવ્યું. મારા વિચારો સ્વરાજ્ય આશ્રમમાં કેળવાયા. ગાંધીજીને પ્રાર્થના સભામાં નજીકથી જોયેલા અને સાંભળેલા. મોરારજી દેસાઈ, મૌલાના આઝાદને સાંભળ્યા અને સરોજિની નાયડુ સાથે ગપસપ પણ કરેલી. એ ભાથું જીવન ભર કામ લાગ્યું. પાકિસ્તાનમાં એ જ ઉસૂલો પર રહ્યો, ક્યાં ય બાંધછોડ નથી કરી. ભુટ્ટોનો માનીતો હતો, તેમના અફસરે એમની ચીંધેલી રહે ચાલું તો ન્યાલ થઇ જવાય તેટલા લાભ આપવા લલચાવેલો પણ મેં તો માત્ર મારા પુસ્તક પર ભુટ્ટોના હસ્તાક્ષર માગ્યા. આમ માલામાલ કરી દેવાની ઓફર આવતી, છતાં સત્યને વળગી રહેવા જેલમાં જવું પડ્યું અને તનહાઈમાં રહેવું પડ્યું, પણ ઉસૂલો ન છોડ્યા.’

ભૂતકાળનો આવો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યા બાદ સહુ શુભેચ્છકોને અલ્લાહ સલામત રાખે એવી દુઆ સાથે દીપકભાઈ વિરમ્યા.

માત્ર દસ રન કરવાના બાકી છે એવા આ રમતવીરને નીચેની પંક્તિઓ અર્પણ :

ઓ ત્રિદેશ ઉજાળનારા સરસતી પુત્ર નમોસ્તુતે
આ દીપ કદી ઓલવાય ના એવી દુઆ કરીએ અમે

02-12-2015

e.mail : 71abuch@gmail.com

સૌજન્ય : "ગુજરાતી સાહિત્ય અકાદમી"

Loading

પપ્પા

પીયૂષ ભટ્ટ|Poetry|4 February 2016

" પપ્પા "


એ રોજ ઘરડા થાય છે,
હું રોજ સાંજે
એમનો ચહેરો જોઉં છું,
કરચલીઓમાં,
ઘેરી થતી
એ જિંદગીને જોઉં છું.
થોડી ઝાંખી,
પાણી ઝરતી,
ઝીણી થયેલી,
એ આંખોમાં
સ્વપનોને સ્થાને
યાદોને રઝળતી જોઉં છું …
ટીવીનું વોલ્યુમ
રોજ થોડું થોડું વધતું જાય છે,
કાનમાંથી બહાર દેખાતા વાળ
સફેદ થઈ ફરફરે છે,
કદાચ સંભળાય છે,
પણ સમજાતું નથી,
એ બેધ્યાન શ્રવણને
હું રોજ કાન માંડીને સાંભળું છું.
માઈલો સુધી ચલાવેલી
એ સાયકલની વાતો, દિવસો ચાલેલી
એ પદયાત્રાની વાતો,
મારા ભવિષ્ય માટે ભરેલી
પૂનમની વાતો,
હવે તો એ વાત
કરતા પણ થાકી જાય છે.
હું એ થાકના
કળતર ને રોજ અનુભવું છું.
પસંદગી પૂર્ણ થઈ છે,
ના કશું જોઈએ છે,
ના કશું પામવું છે.
દવા સિવાય
ખાસ કશું યાદ રાખવું પડે
એવું બચ્યું નથી.
હું એ સંકોચાતા જતા
યાદોના ફલકને રોજ સમજું છું.
મને લાગે છે,
એ સાચ્ચે જ રોજ ઘરડા થાય છે
અને ..
મારા મોટા થવાનો
આ એક જ અફસોસ
મને રોજ સતાવે છે
કે,
'પપ્પા' ઘરડા થાય છે .. !

31 જાન્યુઆરી 2016

Loading

...102030...3,6143,6153,6163,617...3,6203,6303,640...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved