Opinion Magazine
Number of visits: 9690905
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉનાથી રણટંકાર — ‘ગાય કી દુમ તુમ રખો, હમકો હમારી જમીન દો’

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|19 August 2016

‘ગાય કી દુમ તુમ રખો, હમકો હમારી જમીન દો’, ‘જય ભીમ, જય ભીમ’, ‘દલિત-મુસ્લિમ એકતા જિંદાબાદ’, ‘ગૌરક્ષક મુર્દાબાદ’ જેવા નારાઓથી સ્વાતંત્ર્ય દિને સૌરાષ્ટ્રના ઉના ગામની શાહ એચ.ડી. હાઇસ્કૂલનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. દરિયાકાંઠાના આ ગામે હજુ હમણાં, અગિયારમી જુલાઈએ ચાર દલિતોની ચીસો સાંભળી હતી. તેમને ઉપલા વર્ગના પાશવી ગૌરક્ષકોનો બેરહમ માર ખાતાં આખા દેશે જોયા હતા. એ જ ગામમાં આઝાદી દિવસે દસ હજાર કરતાં ય વધુ દલિતોની શક્તિશાળી ‘અસ્મિતા મહાસભા’ પણ આખા દેશે જોઈ. દલિત વર્ગોનાં આવાં જમીર અને જુસ્સાવાળી જાહેર સભા ગયા ત્રણેક દાયકામાં ગુજરાતમાં ઓછી થઈ હશે. આ સભા ઉનાના અત્યાચાર સામે એક મહિના દરમિયાન જગાવવામાં આવેલા લોકજુવાળની સાચા અર્થમાં પરાકાષ્ટા હતી. તેના મંડાણ તો ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ પાંચમી ઑગસ્ટે અમદાવાદથી ઉના તરફ ચાલેલી દલિત અસ્મિતા પદયાત્રાથી થઈ ચૂક્યા હતાં.

પદયાત્રા દરમિયાન થયેલી માગણીઓ ઉનાની જંગી સભામાં લડાયક અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના ખૂણેખૂણેથી અને કેટલાં ય રાજ્યોમાંથી આવેલા દલિતો, સંગઠનોનાં કાર્યકરો તેમ જ સો કરતાં વધુ મીડિયાકર્મીઓ સભામાં હાજર હતા. ચળવળની ઓળખ સમા તેજસ્વી યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ તેના ટૂંકા છતાં જોશપૂર્ણ ભાષણમાં રણટંકાર કર્યો કે જો ગુજરાત સરકાર દરેક દલિત પરિવારને પાંચ એકર જમીન આપવાની માગણી પૂરી નહીં કરે તો બરાબર એક મહિના પછી ‘રેલ રોકો’ આંદોલન કરવામાં આવશે. જિજ્ઞેશની હાકલ મુજબ હજારો લોકોએ  ઢોર અને મેલું નહીં ઉપાડવાના તેમ જ ગટરમાં નહીં ઊતરવાના  સોગંદ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે લીધા હતા. જિજ્ઞેશે હિંદુત્વવાદી સરકારના સીધા જ વિરોધમાં હિંદીમાં કરેલા તેજાબી ભાષણમાં પૂછ્યું : ‘દલિતોને બદલે મારી છાતી પર ગોળીઓ વરસાવો કહેનારા વડાપ્રધાન મોદી થાનગઢમાં ત્રણ નિર્દોષ યુવાનો પર પોલીસે ગોળીઓ વરસાવી ત્યારે શા માટે ચૂપ હતા ?’ ગુજરાતના વિકાસના ‘ઘટિયા મોડેલ’ની સામે તેમણે દલિત ચળવળને વિકાસવંચિત કિસાન, મજૂર અને આદિવાસી આંદોલન સાથે જોડવાની વાત પણ કરી હતી. જમીન સંપાદન કાયદામાંથી ગુજરાત સરકારે ખેડૂતની સંમતિ અને સોશ્યલ અને એનવાયર્નમેન્ટલ ઇમ્પૅક્ટ અ‍ૅસેસમેન્ટની કલમો કાઢી નાખી હોવા સામે પણ તેમણે વિરોધ નોંધાવ્યો. ગાયની પૂંછડી મોદી સરકાર માટે ફાંસીનો ફંદો બની શકે એવો ઇશારો પણ પાંત્રીસ વર્ષના નેતાએ આપ્યો.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાન કનૈયા કુમારનું ઉનામાં હોવું એ બધા માટે આશ્ચર્ય હતું. તેમણે ત્રણેક મિનિટના સંબોધનમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતમાંથી કાઢેલી રથયાત્રા દેશને તોડવા માટે હતી, જ્યારે મેવાણી અને સાથીઓએ કાઢેલી અસ્મિતા પદયાત્રા લોકોને જોડવા માટેની તેમ જ જમીન અને સ્વમાન માટેની યાત્રા છે. હાજર જનતાને બિરદાવતા તેમણે કહ્યું કે તમે બધાએ ગુજરાત મૉડેલની હવા કાઢી નાખી છે. હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભેદભાવનો ભોગ બની આપઘાત કરનાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાનાં માતુશ્રી રાધિકાએ દેશના બંધારણના રક્ષણ માટે હાકલ કરી હતી. સભાના આરંભે રાધિકાબહેનના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. તેમની સાથે, ઉનામાં અત્યાચારનો ભોગ બનનાર બાલુભાઈ સરવૈયા પણ હતા. ન્યાય ન મળે ત્યાં સુધી, ભાગલા પડવા દીધા વિના, લડત ચાલુ રાખવાની અપીલ તેમણે કરી હતી. ધ્વજવંદન દરમિયાન ‘લોકનાદ’ના જનવાદી કલાકાર યુગલ ચારુલ-વિનયે રાષ્ટ્રગીત ગવડાવ્યું હતું. અજોડ ડૉક્યુમેન્ટરિ ફિલ્મ મેકર આનંદ પટવર્ધન ખુદ શૂટિંગ કરી રહ્યા હતા. આ પૂર્વે તેમણે રંગકર્મી દક્ષિણ છારા થકી આખી પદયાત્રા કૅમેરામાં સાચવી લીધી છે. અત્યાચારના વિરોધમાં ગુજરાત સરકારનું સન્માન પાછું આપનાર એકમાત્ર સાહિત્યકાર અમૃત મકવાણાને દલિત સાથીઓએ ભેગા કરેલા પચીસ હજાર રૂપિયાનો ચેક આનંદને હાથે આપવામાં આવ્યો. અભિયાનમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર યુવા કાર્યકર જયેશ સોલંકીએ ત્રણ દલિત કવિઓએ ભેદભાવ વિશે લખેલી તેજાબી રચનાઓ રજૂ કરી. તે પહેલાં મુંબઈના રિપબ્લિકન પૅન્થરના સાંસ્કૃિતક જૂથના યુવાઓએ  રજૂ કરેલા સામાજિક ક્રાન્તિના  ગીતોથી સભાનો  વિદ્રોહી માહોલ વધુ સઘન બન્યો. અમદાવાદના એન.પી.જી. ગ્રુપે મહારાષ્ટ્રના જાણીતા જનવાદી લોકશાયર સંભાજી ભગતનું કટાક્ષગીત ‘ઇનકી સૂરત કો પહેચાનો ભાઈ’  રજૂ કર્યું.

ઉપર્યુક્ત વ્યક્તિઓ, વક્તવ્યો અને બનાવો ઉપરાંત સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાભર્યા ભારતીય સમાજની આશા જગવનાર સભામાં અનેક નોંધપાત્ર બાબતો હતી. ગોધરાકાંડ પછીના કોમી રમખાણો દરમિયાન ગુજરાત સરકારની ધર્મઝનૂની ભૂમિકા સામે સક્રિય રીતે શિંગડાં માંડનાર પૂર્વ આઇ.પી.એસ. અધિકારી રાહુલ શર્માએ અસ્મિતા યાત્રાના આરંભમાં બીજરૂપ ભૂમિકા ભજવી હતી. ધારાશાસ્ત્રી મુકુલ સિંહાને માનવઅધિકાર માટે સરકાર સામેની લડતમાં આજીવન સાથ આપનાર તેમનાં પત્ની નિર્ઝરી અને પુત્ર પ્રતીક અસ્મિતા યાત્રાની સાથે પૂરો સમય હતા. દલિત ઉત્થાન માટેની સંસ્થા ‘નવસર્જન’ના સ્થાપક અને દુનિયાભરમાં જાણીતા માર્ટીન મૅકવાન, માહિતી અધિકાર કર્મશીલ ભરતસિંહ ઝાલા, અંબરનાથના કામદારનેતા શ્યામ ગાયકવાડ, ડાબેરી મહિલા અગ્રણી  કવિતા કૃષ્ણન, ચિત્રકાર-ફિલ્મમેકર પ્રવીણ મિશ્રા જેવા સમર્પિત કર્મશીલ સમર્થકોની યાદી બહુ લાંબી થઈ શકે છે. આખું મેદાન દલિત ચળવળને લગતા ઝંડા, બૅનરો અને સૂત્રોથી છવાઈ ગયું હતું. જુદી જુદી ઉંમરના દરેક સ્ત્રી-પુરુષની આંખોમાં એક સારા સમાજનું સ્વપ્ન હતું.

કેટલીક અવ્યવસ્થા વચ્ચે મહાસભા પૂરી થયા બાદ પાછા ફરી રહેલા દલિતો પર હુમલા થવા લાગ્યા હતા. પદયાત્રા દરમિયાન પણ હુમલા થયા હતા.  સભા ન થાય તે માટેની કોશિશ સ્થાપિત હિતોએ કરી હતી. સભા પછીના હુમલામાં ઉનાની નજીકના સામતેર ગામના કેટલાક માથાભારે લોકોનો મોટો ફાળો હતો. અત્યાચાર માટે પકડાયેલા સહુથી વધુ આરોપી આ ગામના છે. જુલમનો  ભોગ બનેલા સરવૈયા પરિવારના સભ્યોને હુમલાની શક્યતાને કારણે લાંબો સમય દીવ પોલીસ સ્ટેશનમાં રોકાઈ જવું પડ્યું હતું. કેટલાક કિસ્સામાં પોલીસ પણ નિષ્ક્રિય અને દલિતવિરોધી હોવાનું નોંધયું  છે. જિજ્ઞેશ સહિત અન્ય આગેવાનો લોકોને એમના હાલ પર છોડીને નીકળી ગયા હોવાની વાતો પણ વહેતી કરવામાં આવી હતી. તપાસને અંતે તે ગેરસમજભરી અને પ્રેરિત હોવાનું જાણવા મળ્યું.

આખા ય અભૂતપૂર્વ અભિયાને ગુજરાતની દલિત ચળવળમાં નવાં પ્રાણ પૂર્યાં છે. આ વિરોધ ચળવળ કોઈ બિનસરકારી સંગઠન અર્થાત એન.જી.ઓ. કે રાજકીય પક્ષ પ્રેરિત નથી. ઉના અત્યાચાર પછીના આક્રોશને  સક્રિય બનાવવા માટે નિસબત ધરાવતા દલિતોના જૂથે રચેલી ઉના દલિત અત્યાચાર લડત સમિતિની મહેનત અને મક્કમતાનું આ પરિણામ છે. તેણે દલિતેતર વર્ગોના તેમ જ માધ્યમોના એક હિસ્સાનો પણ સારો ટેકો મેળવ્યો છે. અભિયાનની દેખિતી તેમ જ લાંબા ગાળાની અસરવાળી મર્યાદાઓ તરફ પણ અભ્યાસીઓ ધ્યાન દોરી રહ્યા છે. જો કે તેઓ એ સ્વીકારશે છે કે ગુજરાત જેવા પાકા ભાજપ તરફી રાજ્યમાં, આર્થિક રીતે અનિવાર્યપણે નબળા દલિતોને અત્યાચાર સામે સંગઠિત કરીને રૅડિકલ અભિગમથી સરકારને પડકારવાનું, આ પહેલાં જવલ્લે જ થયું હોય તેવું કામ ઉના દલિત અત્યાચાર લડત સમિતિએ કર્યું છે. તેની ઈતિહાસ નોંધ લેશે.

18 ઑગસ્ટ 2016

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “ક્ષિતિજ” નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 19 અૉગસ્ટ 2016

Loading

આધુનિક ગુલામી પ્રથા

આશા બૂચ|Opinion - Opinion|18 August 2016

માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવનાર માન્ચેસ્ટર કેથિડ્રલના ડીન Rogers Govenderના આમંત્રણથી, એક પ્રકલ્પમાં ભાગીદાર બનવાની તક મળી. ગ્રેટર માન્ચેસ્ટર પોલિસ દળે ચારેક વર્ષ પહેલાં આધુનિક ગુલામીના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તેનો હલ શોધવા એક ખાસ એકમ ઊભું કર્યું છે. માનનીય ગવન્ડરનાં સૂચનથી વિવિધ ધર્મને અનુસરતા કેટલાક નાગરિકોને આ સમસ્યા વિશે જાણકારી આપીને તેમના સમાજનાં વલણો જાણવા અને તેનો હલ શોધવા માટે તેમનો સહકાર મેળવવા એક મિટિંગ યોજવામાં આવેલી. તે વિશે આગળ ઉપર જે પગલાં ભરવામાં આવશે તેનો અહેવાલ યથા સમયે આપીશ, પરંતુ આજે વાત કરવી છે આધુનિક ગુલામી પ્રથાની અને ખાસ કરીને ભારત આ સમસ્યામાં દુનિયામાં કયા સ્થાને છે તે જોવાની.

‘ગુલામી પ્રથા’ શબ્દ કાને પડતાં અશ્વેત સ્ત્રી-પુરુષ અને બાળકોને બજારમાં ઊભાં રાખીને તેમનું વેચાણ થતું હોય, તેમને લોઢાની સાંકળે બાંધીને ઘસડવામાં આવતાં હોય કે તેમની પાસે શેરડી તથા તમાકુની ખેતી કરાવવામાં આવતી હોય, તેવા કારમા જુલમનાં દ્રશ્યો નજર સામે તરી આવે. સામાન્ય માન્યતા એવી છે કે યુરોપિયન મૂળના શ્વેત લોકો આફ્રિકા ખંડમાં વસતી અશ્વેત પ્રજાને પોતાનાથી ઉતરતી માનવીય ગુણવત્તા ધરાવનારા, નીચા બુદ્ધિ આંક વાળા, જેમને કોઈ ધર્મ કે ભાષાનું જ્ઞાન ન હોય તેવા પશુ સમાન અર્ધ માનવ તરીકે ઓળખાવવા લાગ્યા અને શ્યામ રંગધારી હોવાને કારણે તેમનાથી ઉતરતી જાતિના ગણીને તેમનું શોષણ કરવાને પોતાની જાતને અધિકારી માનવા લાગ્યા. રંગ ભેદને આધારે આવું અમાનવીય કૃત્ય આચરવા બદલ સદીઓ સુધી ખુદ બાઇબલનો આધાર પણ લેવાતો રહ્યો. વળી ‘તમારી પાસે કોઈ ધર્મ નથી, શિક્ષણનો અભાવ છે, આરોગ્ય અને સ્વાસ્થ્યની સગવડો નથી, તેથી તમને મદદ કરવા અમને જીસસે મોકલ્યા છે, તમે તેને શરણે આવો તો આ પાપમય જિંદગીમાંથી ઉગારો થશે અને બદલામાં અમે તમને શાળા, દવાખાનાં, રોજગારીની તકો અને આવાસો આપીશું’, તેમ કહીને એમના વતનમાં પગપેસારો કર્યો અને ત્યાર બાદ કરુણા અને પ્રેમના પ્રસારના અંચળા હેઠળ ધર્મ પરિવર્તન તથા સંસ્થાનવાદનો યુગ આવ્યો તે હકીકત જગ જાહેર છે. એકદા ગુલામી પ્રથા કાયદેસર હતી તેમ કહી શકાય. જીવતા જાગતા બે પગાળા માનવીઓનું લીલામ થાય, તેમનાં શરીર સ્વાસ્થ્ય, માનસિક તાકાત, દેખાવ અને કામ કરવાની ક્ષમતાને આધારે બોલી બોલાય અને પતિ-પત્ની-બાળકો જુદાં જુદા ંઘરોમાં વેચાય એ સાવ સામાન્ય બાબત ગણાવા લાગી. ઢોરને પણ કામ કરાવ્યા બાદ કાળજીથી નીરણ અને પાણી અપાય, માંદું પડે તો સારવાર કરાય અને પ્રેમથી પીઠ થાબડવામાં આવે, જ્યારે આ ગુલામો તો એટલી માનવતાના્ ય અધિકારી નહોતા ગણાતા. માનવ ઇતિહાસમાં ગુલામી પ્રથા એ એક બહુ મોટું કાળું ધાબું છે.

છેવટ દરેક યાતનાનો અંત આવે તેમ યુનાઇટેડ કિંગ્ડમની પાર્લામેન્ટે ઈ.સ. 1833માં તેનાં સંસ્થાનોમાં ગુલામી પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો. એમ તો ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે માનવ વ્યાપાર અને ગુલામો પ્રત્યે અમાનવીય વર્તાવ કરવા વિરુદ્ધ કાયદાઓ ઘડેલા. પરંતુ સમગ્ર ભારત કે વિશ્વના અન્ય દેશોમાં એ જુલ્મી પ્રથા ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહી. યુ.એસ.એ.માં ભારે સંઘર્ષ અને જાનહાનિ બાદ જાન્યુઆરી 1863માં પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકને Emancipation Proclamation બિલ પસાર કર્યા બાદ, બે વર્ષે ગુલામી પ્રથાનો કાયદેસર અંત આવ્યો. નોંધ લેવાની વાત એ છે કે યુનાઇટેડ કિંગ્ડમમાં અને કદાચ બીજા દેશોમાં પણ ગુલામોના માલિકોને તેમની માલિકી હેઠળના ગુલામોને મુક્ત કરી દેવા બદલ તેમને પડેલી ખોટનું નાણાકીય વળતર આપવામાં આવેલું! પેઢીઓ સુધી એ ગુલામ પ્રજાના જાન લેવાયા, ઢોરમાર મારેલો, ભૂખે મારેલા, અપહરણ અને બળાત્કાર જેવા ગુનાઓ તેમના પર આચરેલા જેનું વળતર બીજી અનેક પેઢીઓ સુધી વળી શકાય તેમ નથી, તેનો કોઈને વિચાર સુધ્ધાં ન આવ્યો. અરે, આ શોષણ પ્રથાને ખુદ રાજ્ય અને ચર્ચનો પણ સીધો કે આડકતરો ટેકો હતો. સત્તા અને ધર્મ જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે કેવો અમાનવીય અત્યાચાર કરાવી શકે છે તેનો આ ગુલામી પ્રથા જીવંત પુરાવો છે. ખેર, આખર કાયદાઓ પસાર થયા અને લાખો ગુલામોની પીડા અને યાતનાઓનો અંત આવ્યો. દુનિયાએ નિરાંતનો દમ લીધો. માનવ જાતને પોતાના પર લાગેલું કલંક ધોવાયાનો અહેસાસ થયો.

પણ એમ કંઈ માણસ શુદ્ધ નિષ્પાપ જીવન જીવીને રહેવા થોડો ટેવાયેલો છે? કાયદા વિરુદ્ધ વર્તન ન થાય પણ નીતિ વિરુદ્ધ વર્તન થાય તો તેને કોણ પકડીને સજા કરવાનું છે? બસ, આવા અનીતિમય વિચારને મૂડીવાદ, વૈશ્ચિક બજાર, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિક જીવન પદ્ધતિના રૂડા મુખવટા પાછળ ઉછેરવાનું સહેલું બન્યું છે અને ‘આધુનિક ગુલામી પ્રથા’ના રૂપમાં એ પુનર્જિવન પામી રહી છે. આજે દુનિયામાં 12થી 29 મિલિયન લોકો આધુનિક ગુલામી પ્રથાના ભોગ બનેલ છે, તેવો અંદાજ છે. તેઓ જે પ્રકારના વ્યવસાયમાં સંકળાયેલા છે તેનાથી લગભગ 35 બિલિયન ડોલર જનરેટ થાય છે તેવો અંદાજ છે. આફ્રિકા ખંડના ઘણા દેશો, નેપાળ, પાકિસ્તાન, કેરેબિયન અને ભારતમાં આવા કામ-ધંધા અને જીવન પ્રથાનું વધુ પ્રમાણ જોવા મળે છે. એનો અર્થ એ કે રંગભેદ નાબૂદ થયો એ એક ભ્રમણા છે, બાકી હજુ પણ મુખ્યત્વે અશ્વેત પ્રજા ધરાવનાર દેશોમાં આંતરિક આર્થિક અને સામાજિક પરિસ્થિતિને પરિણામે ગુલામી પ્રથા નવા વેશ પરિધાન કરીને ગલીએ ગલીએ ફરતી જોવા મળે છે. દુનિયાના કુલ ગુલામોમાંથી 76% ગુલામો માત્ર 10 દેશોમાં રહે છે જેમાં ભારતમાં તેની સહુથી મોટી સંખ્યા – કુલ વસતીના 1% એટલે કે 14 મિલિયન લોકો ગુલામી ભોગવે છે. આ હકીકત વાઇબ્રન્ટ ગુજરાત કે Make in Indiaના નારા લગાવનારને દેખાતી હશે?

સવાલ એ થાય કે આ કહેવાતી આધુનિક ગુલામી પ્રથાના પ્રકારો કયા? જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા હજુ પણ પ્રચલિત છે જેણે ગુલામી પ્રથાને વારસાગત સ્વરૂપ આપ્યું છે જે શિક્ષણ અને રોજગારીની સુધરેલી તકો છતાં સમાજમાંથી વિદાય નથી લીધી. વધારામાં ભારત, પાકિસ્તાન અને અન્ય જ્ઞાતિ પ્રથામાં ચુસ્તપણે માનનારા દેશોમાં બન્ધુઆ મઝદૂર અને ભૂમિ વિહોણા મઝદૂરો ગુલામો જેવી જ સ્થિતિમાં સબડે છે. રાજકીય સંઘર્ષ, પર્યાવરણીય પરિવર્તન કે કુદરતી આફતોને કારણે થતા ફરજિયાત સ્થળાંતર સ્ત્રી-પુરુષોને ગુલામની દશામાં લાવી મૂકે છે. એવી જ રીતે વેશ્યા વ્યવસાયમાં ફસાયેલી બાળાઓ અને સ્ત્રીઓ, બાળ લગ્નના ભોગ બનેલ બહેનો અને બાળ મજૂરીમાં ફસાયેલ બાળકો આધુનિક ગુલામીના જ એક ભાગ રૂપ છે. તેમાં વળી વકરેલા આતંકવાદને પગલે ચાલેલા માનવ વ્યાપાર અને વિશિષ્ટ વિચારધારાઓના પ્રચારને કારણે માનવ માનવ વચ્ચે સમતા અને આદર અદ્રશ્ય થતાં માલિક અને ગુલામનો રિશ્તો વધુ પ્રબળ બનતો ચાલ્યો છે.

ભારતમાં પ્રવર્તતતી પ્રચ્છન્ન અને દેખીતી ગુલામી અવસ્થાના થોડા આંકડા જોઈએ. સૌ પ્રથમ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં મોરિટાનિયા, હાઇટી અને પાકિસ્તાન પછી ભારત ગુલામીની પકડમાં જીવતા લોકોમાં ચોથો નંબર ધરાવે છે, એ હકીકત અત્યન્ત દુઃખદ છે.

દુનિયાના કુલ ત્રીસેક મિલિયન ગુલામોમાંથી 14 મિલિયન જેટલા ભારતમાં વસે છે.

તેઓ આવા પ્રકારની ધાતુની ખાણોમાં કામ કરતા હોય છે અથવા બંધુઆ મઝદૂરના વેશે નાના-મોટા ખેત ઉદ્યોગો કે અન્ય મઝદૂરીનાં કામ કરતા જોવા મળે છે.

પશ્ચિમના દેશોમાં કેટલાક સ્ટોર્સને સસ્તાં કપડાં પૂરા પાડનાર કંપનીઓ બાળમજૂરીનો પૂરેપૂરો  ઉઠાવે છે એ આ છબીમાં સાબિત થાય છે.

કૈલાશ સત્યાર્થી જેવા અગણિત કર્મશીલો સદીઓ અને દાયકાઓથી આ ક્રૂર પ્રથાનો અંત લાવવા ઝઝૂમી રહ્યા છે.

પણ જેને રૂંવે રૂંવે ધન લોલુપતા, જ્ઞાતિ પ્રથાનું ઝેર સામંતશાહીનો નશો અને આધુનિક ‘વિકાસ’ના નામે પ્રગતિ કરવાની ઘેલછાનો રોગ પ્રસરી ગયો હોય તેવા દેશ પાસે આધુનિક ગુલામી પ્રથાનો નજીકના ભવિષ્યમાં અંત લાવવાની અપેક્ષા સેવવી કદાચ વધુ પડતી લાગે, પરંતુ જયારે યુનાઇટેડ કિંગ્ડમ અને ખાસ કરીને માન્ચેસ્ટર મહાનગરમાં વસતી તમામ કોમને આ પ્રશ્ન વિષે જાગૃતિ લાવીને પોતપોતાના સમૂહના સામાજિક ધારાધોરણો, સાંસ્કૃિતક માન્યતાઓ અને નીતિમત્તાના ખ્યાલોને બદલી ગુલામીના દૂષણને તડીપાર કરવા આહ્વાન આપવામાં આવે ત્યારે એ દિશામાં અહીંના જવાબદાર નાગરિક હોવાને નાતે જરૂર યથાશક્તિ મદદરૂપ થઈશ પણ મનમાં ભારતમાં પ્રચલિત ગુલામી પ્રથાનો અંત કેવી રીતે અને ક્યારે આવશે એ વિષે સતત વિચાર આવે. અન્ય દેશોની વાત નીકળતાં ભારત આધુનિક ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે એ સ્વીકારવામાં અને તેની નાબૂદી માટે સત્વરે અસરકારક પગલાં લેવાની બાબતમાં અત્યન્ત પાછળ છે્, એ હકીકત છતી થતાં અન્ય સભ્યોની હાજરીમાં શરમથી મસ્તક ઝૂકી ગયું. દિલ કહે છે, ચાલ પહેલાં તારી જનમભોમને આ પાપકર્મથી છોડાવનાર સૈન્યમાં ભરતી થઈ જા. …

… કદાચ મારા જીવનકાળ દરમ્યાન પશ્ચિમના અન્ય દેશોની સાથે જ ભારત પણ આધુનિક ગુલામીનો અંત લાવવા સફળ થઇઈચૂક્યું હશે એવું સ્વપ્ન સેવું છું.

e.mail : 71abuch@gmail.com

Loading

આઝાદીનાં ૬૯ વરસ બે દેશ, બે ફિલસૂફી, બે યાત્રા ને બે પરિણામ

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|15 August 2016

પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની એણે ચિંતા કરવાની હતી નહીં. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એ ત્યજી દેવામાં આવે અથવા તો પછી છીનવી લેવામાં આવે. આપણે એ કરી શક્યા છીએ?

આજે [14/08/2016] પાકિસ્તાન ૭૦મો સ્થાપનાદિવસ ઊજવી રહ્યું છે અને આવતી કાલે [15/08/2016] આપણે ૭૦મો સ્વતંત્રતાદિવસ ઊજવીશું. ૧૩ ઑગસ્ટની મધરાતે અવિભાજિત ભારતના મુસલમાનો માટે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું અને ૧૪ ઑગસ્ટની મધરાતે હજારો વરસથી અસ્તિત્વ ધરાવતો ભારત દેશ આઝાદ થયો હતો. અલગ થઈને અસ્તિત્વમાં આવવું અને જૂના અસ્તિત્વને નવી આઝાદી મળવી એમાં ફેર છે. આ ફરક ભારત અને પાકિસ્તાનના આઝાદી પછીના રાજકારણને પ્રભાવિત કરી રહ્યો છે. મુસલમાનો માટે અલગ ભૂમિ તરીકે પાકિસ્તાનની સ્થાપના થવી જોઈએ કે કેમ એ વિશે મુસલમાનોમાં બે મત હતા અને ભારતને સાચી આઝાદી મળી છે કેમ એ વિશે હિન્દુઓમાં બે મત હતા.

૧૯૪૦ના દાયકામાં ભારતના ઘણા મુસલમાનોને એમ લાગતું હતું કે ભારતભરમાં પથરાયેલા ૧૦ કરોડ મુસલમાનો માટે અલગ દેશની સ્થાપના કરવી એ અવ્યવહારુ કલ્પના છે. એટલે તો બહુમતી મુસલમાનોએ પાકિસ્તાન કરતાં ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. માત્ર ધર્મથી પ્રેરાઈને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એ આસાન નથી. એમાં ભવિષ્યની અનિશ્ચિતતા જોડાયેલી હોય છે એટલે ૧૯૪૭માં ભારતમાંથી એવા મુસલમાનોએ જ સ્થળાંતર કર્યું હતું જેમને જીવ બચાવવા પરાણે જવું પડ્યું હતું અથવા જવામાં તેમનો નિશ્ચિત સ્વાર્થ હતો. ધર્મથી પ્રેરાઈને રાજીખુશીથી પાકિસ્તાન ગયેલાઓની સંખ્યા ઘણી ઓછી હતી.

બીજી બાજુ હિન્દુઓમાં કેટલાકને એમ લાગતું હતું કે ભારતને જે આઝાદી મળી છે એ માત્ર રાજકીય આઝાદી છે, સાચી આઝાદી હજી મળી નથી અને એ મેળવવાની બાકી છે.

હિન્દુઓની ત્રણ જમાત એવી હતી જેમને એમ લાગતું હતું કે ભારતની આઝાદી અધૂરી છે. પહેલી જમાત દલિતોની હતી જેમને એમ લાગતું હતું કે જ્યાં સુધી ભારતમાં સામાજિક અસમાનતાનો અંત ન આવે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી રાજકીય છે. બીજી જમાત સામ્યવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ભારતમાં જ્યાં સુધી શોષણમુક્ત સમાજની રચના ન થાય અને સવર્‍હારા વંચિતોને ન્યાય ન મળે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી છે. ત્રીજી જમાત હિન્દુત્વવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ખંડિત ભારતની આઝાદી પણ ખંડિત છે. જ્યાં સુધી અખંડ ભારતની રચના ન થાય ત્યાં સુધી ભારતની આઝાદી અધૂરી રાજકીય છે.

હિન્દુઓની આ ત્રણેય જમાતોએ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટના દિવસે આઝાદી નહોતી ઊજવી અને બીજાં ઘણાં વર્ષો સુધી તેઓ આઝાદીદિન નહોતા ઊજવતા. આ ત્રણ જમાતોમાંથી દલિતોના મનમાં આજે પણ રંજ કાયમ છે અને તેઓ પ્રસંગોપાત્ત ભારતની આઝાદીને નકલી આઝાદી તરીકે ઓળખાવી રહ્યા છે. સામ્યવાદીઓ વરસો વીતતાં ક્ષીણ થઈ ગયા છે એટલે તેમના અભિપ્રાયની ખાસ કોઈ કિંમત રહી નથી અને તેઓ આઝાદીને સ્વીકારતા થઈ ગયા છે. હિન્દુત્વવાદીઓ પણ વરસો વીતતાં આઝાદી સ્વીકારતા અને ઊજવતા થઈ ગયા છે, પણ તેમનું અખંડ હિન્દુસ્તાનનું સપનું કાયમ છે.

આગળ કહ્યું એમ પાકિસ્તાનની મુસલમાનો માટેની અલગ ભૂમિ તરીકે સ્થાપના થઈ હતી. પાકિસ્તાનના સમર્થકોને મન અંગ્રેજોથી આઝાદી મેળવવી એ સાચી આઝાદી નહોતી, એ તો ગમે ત્યારે મળી જવાની હતી; તેમને મન બહુમતી હિન્દુઓથી મળનારી આઝાદી સાચી આઝાદી હતી. દેખીતી રીતે તેમની આઝાદીની કલ્પના કોમી-મઝહબી હતી. આમ પાકિસ્તાનની સ્થાપના તેના સ્થાપક મોહમ્મદઅલી ઝીણાના ન ઇચ્છવા છતાં કોમી-મઝહબી હતી.

વાસ્તવમાં પાકિસ્તાનની કલ્પના ઝીણાની રાજકીય નાદાની અને નાદારી બન્ને હતી. સ્વાભાવિકપણે પાકિસ્તાનની સ્થાપના સાથે જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને મુસલમાનો સમાન નાગરિક તરીકે સાથે રહે એવો સેક્યુલર દેશ બનાવવો હતો તો મુસલમાનો માટે અલગ ભૂમિની માગણી કરવાનો અર્થ શું હતો? અવિભાજિત ભારતમાં પણ હિન્દુઓ અને મુસલમાનો સેંકડો વરસથી સાથે રહેતા હતા. જો પાકિસ્તાન ઇસ્લામિક ન હોય તો પાકિસ્તાનના અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી. પાકિસ્તાનના રૂઢિચુસ્ત મઝહબી નેતાઓએ પાકિસ્તાનમાંથી હિન્દુઓને ખદેડવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાનનું સાવર્‍ભૌમત્વ પાકિસ્તાની નાગરિકને આપવાની જગ્યાએ અલ્લાહને આપવા માટે અને પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક બનાવવા માટે તેઓ દબાણ કરવા લાગ્યા હતા. મોહમ્મદઅલી ઝીણા દુ:ખી મને તમાશો જોતા રહ્યા હતા અને કાંઈ જ કરી શક્યા નહોતા. ઇસ્લામિક અને રિપબ્લિક એ પરસ્પર વિરોધી કલ્પના છે. મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના ભવિષ્ય વિશે ચિંતિત હતા અને ઊંડી હતાશા સાથે મૃત્યુ પામ્યા હતા.

આ સાત દાયકા દરમ્યાન પાકિસ્તાનના જે બેહાલ થયા છે એ ઇતિહાસ છે. પાકિસ્તાન તેની સ્થાપનાના આંતરવિરોધની અનિવાર્ય કિંમત ચૂકવી રહ્યું છે. આમ બનવાનું જ હતું અને એનો અંદેશો ઝીણાને આવી ગયો હતો. પાકિસ્તાનની રચના મારા જીવનની સૌથી મોટી ભૂલ છે એમ મોહમ્મદ અલી ઝીણાએ તેમના અંગત તબીબ અને મિત્રને કહ્યું હોવાનું કહેવાય છે. આ વાત ઊપજાવી કાઢવામાં આવેલી હોય તો પણ સાચી છે. પાકિસ્તાનની સ્થાપના ઝીણાની અને તેમના સાથીઓની મોટી ભૂલ હતી. એ ભૂલ સુધરી શકે એમ નહોતી અને પાકિસ્તાનના શાસકોને ભૂલ સુધારવામાં રસ પણ નહોતો એટલે પાકિસ્તાનના શાસકો થયેલી ભૂલનાં પરિણામોથી બચવા વધુ ને વધુ ભૂલો કરતા રહ્યા છે. તેઓ પાકિસ્તાનના વજૂદને ટકાવી રાખવા પાકિસ્તાનને વધુ ને વધુ ઇસ્લામને શરણે ધકેલતા ગયા હતા. આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિકથી પણ આગળ નીકળી જઈને મૂળભૂતવાદી ઇસ્લામિક જેહાદી બની ગયું છે.

આગળ કહ્યું એમ ભારતની આઝાદી સમયે આઝાદીના સ્વરૂપ વિશે આંતરવિરોધ હિન્દુઓમાં પણ હતો. ભારતની આઝાદી અધૂરી છે એમ જે લોકો માનતા હતા તેમની દલીલ સાવ અસ્થાને નહોતી. દલિતોને અને સવર્‍હારા વંચિતોને સાચી આઝાદી હજી સાત દાયકા પછી પણ નથી મળી એ ભારતની વાસ્તવિકતા છે. ઊના ઉત્પીડનની ઘટના અને ભારતનો દર ત્રીજો નાગરિક બે ટંકનું ભોજન પામતો નથી એ આ વરવી વાસ્તવિકતાનું પ્રમાણ છે. આવું કેમ બન્યું? શું આપણે દલિતોને અને વંચિતોને ઓછા નાગરિક સમજીએ છીએ? શું આપણે ઓછા સંવેદનશીલ છીએ? શું આપણી પાસે સાધનોનો અભાવ છે એટલે ન્યાય નથી આપી શકતા? શું આપણા શાસકો બુલંદ ઇરાદો નથી ધરાવતા એ કારણ છે? આપણું લોકતંત્ર ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી બની ગયું છે એ આ સ્થિતિ માટે જવાબદાર છે? ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી રાજકારણ પ્રજાને સમૂહમાં વહેંચે છે, સમૂહને વોટબૅન્કમાં ફેરવે છે અને સમાજમાં તિરાડો પાડીને વોટબૅન્કને એકબીજાની સામે લડાવે છે. દરેક નવી ચૂંટણી વખતે નવી તિરાડો રચીને સત્તા મેળવી શકાતી હોય કે છીનવી શકાતી હોય તો પ્રજાલક્ષી સંવેદનશીલ બનવાની શી જરૂર છે.

આ આપણા અંતરાત્માને પજવનારા પ્રશ્નો છે. સાચું કહું તો સાધનોના અભાવનું કારણ છોડીને ભારતની વિપદા માટેનાં બાકીનાં બધાં જ કારણો નક્કર વાસ્તવિકતા છે. જો ઇરાદો હોય અને હમદર્દી હોય તો સાધનોનો અભાવ ક્યારે ય હોતો જ નથી. જો એમ ન હોત તો ભારતના ૫૦ ટકા લોકો જેને ખરા અર્થમાં ઘર કહેવાય એવા ઘર વિનાના ન હોત. ભારતના ૭૦ ટકા લોકો જાજરૂ વિનાના ન હોત. ૩૫ ટકા લોકોને ઘરઆંગણે તો ઠીક પોતાના ગામથી દૂર પીવાનું પાણી લેવા જવું પડે છે એમ ન થતું હોત. ભારતનાં ૮૫ ટકા ગામડાંઓ માધ્યમિક શાળા વિનાના ન હોત. આ ઉપરાંત રસ્તાઓ, દવાખાનાંઓ, વીજળી, બાળમરણ, સુવાવડને કારણે સ્ત્રીઓનાં થતાં મરણ વગેરેની વાસ્તવિકતા શરમજનક છે. જો આમ ન હોત તો દલિતો સાથે અત્યાચાર ન થતા હોત. ભારતમાં એવો દિવસ ઊગ્યો નથી કે ક્યાં ય ને ક્યાં ય દલિતો સાથેના અન્યાય અને અત્યાચારની ઘટના ન બની હોય. આ સાચી આઝાદી નથી અને એ સ્વીકાર્ય ન હોઈ શકે. ૧૯૪૭માં દલિતોએ અને સામ્યવાદીઓએ ભારતની આઝાદીને અધૂરી આઝાદી કહી હતી તો તેમણે કોઈ ખોટી વાત નહોતી કરી.

પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની તેણે ચિંતા કરવાની હતી નહીં. રહેવું હોય તો દ્વિતીય નાગરિક તરીકે મામૂલી આઝાદી સાથે રહો અથવા અન્યત્ર જતા રહો. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એને ત્યજી દેવામાં આવે અથવા છીનવી લેવામાં આવે. ભારતનું બંધારણ એ સંકલ્પનો દસ્તાવેજ છે. એમાં અન્યાય કરવાની પરંપરાગત આઝાદી ત્યજી દેવાની વાત કહેવામાં આવી છે અને જો કોઈ ન માને તો અન્યાયની આઝાદી છીનવી લેવાની તેમ જ અન્યાય કરનારને દંડવાની રાજ્યને સત્તા આપવામાં આવી છે. આપણે ત્યારે આપણા સદીઓ જૂની સંસ્કૃિત ધરાવતા ભારતને લોકતાંત્રિક, સેક્યુલર, ન્યાયી, વિકસિત, આધુનિક દેશ બનાવવાનો સંકલ્પ કર્યો હતો જે આપણા બંધારણના આમુખમાં જોવા મળે છે.

પાકિસ્તાનથી ઊલટું ભારતે પ્રયત્નપૂર્વક લડીને આઝાદી મેળવી હતી અને એ કોઈ ચોક્કસ સમૂહ વિશેષ માટેની નહોતી. આઝાદ ભારત કેવો દેશ હશે એની કલ્પના (આઇડિયા ઑફ ઇન્ડિયા) આઝાદી મળી એનાં સો વરસ પહેલાંથી વિકસવા લાગી હતી. લગભગ સર્વસંમતિ બની ગઈ હતી અને છતાં સાત દાયકા પછી પણ આપણે ધ્યેયથી ક્યાં ય દૂર છીએ. આઝાદીદિન નિમિત્તે આપણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આપણે ક્યાં ચૂક્યા છીએ? ક્યાં કઈ ક્ષતિ રહી છે કે આપણે છેવાડાના માણસને આપેલું વચન પાળી શક્યા નથી. શું આઇડિયા ઑફ ઇન્ડિયાની કલ્પના કરનારાઓએ આપણને નિષ્ફળ બનાવ્યા છે? શું એના આધારે ઘડાયેલા બંધારણે નિષ્ફળ બનાવ્યા છે કે પછી ભારતીય રાજકીય સંસ્કૃિતએ અને રાજકારણીઓએ નિષ્ફળ બનાવ્યા છે? વિચારી જુઓ.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-14082016-14

Loading

...102030...3,5663,5673,5683,569...3,5803,5903,600...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved