Opinion Magazine
Number of visits: 9584190
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીવિહોણી સંસદ

ઈપીડબલ્યુ|Opinion - Opinion|31 May 2017

કેન્દ્ર સરકારે તાજેતરમાં નાણાખરડો-૨૦૧૭ પસાર કરતી વેળાએ એકસાથે ચાલીસ ધારા(સ્ટૅચ્યૂટ)માં સુધારા કર્યા. બંધારણીય જોગવાઈ મુજબ નાણાખરડામાં જે સુધારા કરવા હોય, તે માટે ફક્ત લોકસભાની મંજૂરી લેવાની રહે છે. રાજ્યસભામાં સુધારા પસાર કરાવવાની આવશ્યકતા નથી. લોકસભામાં સરકાર સ્પષ્ટ બહુમતી ધરાવતી હોવાથી છેલ્લી ઘડીએ ચાલીસ સુધારા એકસાથે ચર્ચા માટે રજૂ કર્યા અને ગણતરીની મિનિટોમાં તે પસાર થઈ ગયા. હવે આ સુધારા કાયદાકીય સ્વરૂપે અસ્તિત્વમાં આવી ચૂક્યા છે.

કેન્દ્ર સરકારનું આ પગલું સ્પષ્ટ અને ચોખ્ખો સંકેત આપે છે. પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચા કરવામાં સરકાર માનતી નથી અથવા આવી ચર્ચા કરવાનો તેને રસ પણ નથી. સ્વતંત્ર ન્યાયતંત્ર ઉપર પણ સરકાર ભરોસો ધરાવતી નથી. પુરોગામી યુ.પી.એ. સરકારના કાર્યકાળ દરમિયાન વર્તમાન સરકારના મોવડીઓ ‘ટૅક્સ ત્રાસવાદ’ (ટૅક્સ ટેરરિઝમ) અંગે જોરશોરથી વિરોધ વ્યક્ત કરતા હતા. રાજકીય પક્ષોને મળતાં નાણાં અંગે પારદર્શિતા લાવવાની વાત આ સરકારના મોવડીઓએ અનેક વાર કરી હતી, પરંતુ અત્યારે તેનું વલણ બિલકુલ વિરોધી છે. આવકવેરાતંત્રના અધિકારીઓને જે વિશાળ અને અમાપ સત્તા તપાસ તેમ જ જપ્તી બારામાં આપવામાં આવી, તે અંગે અન્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવાનું કેન્દ્ર સરકારે મુનાસિબ નથી માન્યું! હાલ તો ભારતની લોકશાહી કૉર્પોરેટ કંપનીઓનાં હિતોની જાળવણી કરતી થઈ જાય તે રીતે પરિસ્થિતિ આકાર લઈ રહી છે.

નાણાખરડો-૨૦૧૭, લોકસભામાં મનીબિલ તરીકે કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો. આગળ જણાવ્યું તેમ, આપણી બંધારણીય જોગવાઈ મુજબ, આ પ્રકારના કાયદા ઘડવાની સત્તા લોકસભાને છે. રાજ્યસભા ને કૉંગ્રેસના સભ્ય જયરામ રમેશે આધારબિલ-૨૦૧૬ને મનીબિલ તરીકે વર્ગીકૃત કરતા, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનના નિર્ણય સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી દાદ માગી છે. આ અરજીનો ચુકાદો આવવો બાકી હોવા છતાં, સરકારે આધારબિલ-૨૦૧૬ને મનીબિલ તરીકે પસાર કરી નાખ્યો અને હવે આધારખરડો-૨૦૧૬, આધારકાયદા સ્વરૂપે અસ્તિત્વમાં આવી ગયો છે. બંધારણની કલમ ૧૧૦(૩)ની જોગવાઈ પ્રમાણેે, કોને મનીબિલ ગણવો તે અંગે લોકસભાના અધ્યક્ષનો ચુકાદો આખરી હોય છે. બંધારણની આ છટકબારીનો લાભ ઊઠાવીને સરકારે આધારબિલને પણ મનીબિલ તરીકે વર્ગીકૃત કરી, લોકસભામાં પસાર કરાવી નાખ્યો. બંધારણની કલમ ૧૧૦(૧) પ્રમાણે કઈ બાબતોને મનીબિલ અંતર્ગત આવરી શકાય તે સ્પષ્ટ છે. નાણાકીય ખરડો ઉક્ત વર્ગીકરણમાં બંધબેસતો હોય છે. પણ નાણાકીય ખરડો-૨૦૧૭માં, બંધારણની કલમને સુસંગત હોય, તેવા મુદ્દા ઓછા જોવા મળે છે.

કેટલાંક ઉદાહરણ લઈને મુદ્દો સ્પષ્ટ કરીએ. ૨૦૧૩ના કંપની-કાયદાની કલમ ૧૨માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર બિનસરકારી કંપનીઓ પાછલાં ત્રણ નાણાકીય વર્ષમાં જેટલો ચોખ્ખો નફો કર્યો હોય, તેના સરેરાશ ૭.૫ ટકા સુધીની રકમ રાજકીય પક્ષોને દાન તરીકે આપી શકતી હતી. જે સુધારો કરવામાં આવ્યો, તેમાં ઉક્ત મર્યાદા દૂર કરાઈ છે. હવે કંપનીઓ પોતાના ચોખ્ખા નફામાંથી ઇચ્છે એટલી રકમ રાજકીય પક્ષોને દાનસ્વરૂપે આપી શકશે. અગાઉ, સામાન્ય રીતે કંપનીઓ તેમના ચોખ્ખા નફામાંથી પાંચ ટકા રકમ રાજકીય પક્ષોને દાનમાં આપતી હતી. કાયદાકીય જોગવાઈ પ્રમાણે કંપનીઓએ કઈ રાજકીય પાર્ટીને કેટલી રકમ આપી, તે જાહેર કરવું પડતું હતું. કાયદામાં કરવામાં આવેલા પ્રવર્તમાન સુધારા પ્રમાણે, બિનસરકારી કંપનીઓ રાજકીય પક્ષોને દાન આપે તે મર્યાદા દૂર કરવામાં આવી, સાથેસાથે રાજકીય પક્ષોનાં નામ તેમ જ તેમને અપાયેલી રકમ જાહેર કરવામાં પણ કંપનીઓને મુક્તિ અપાઈ છે!

૧૯૫૬ના કંપનીકાયદામાં ૧૯૮૫માં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી ભારતમાં કંપનીઓ, રાજકીય પક્ષોને દાન આપી શકતી ન હતી. તેમની ઉપર પ્રતિબંધ હતો. ચૂંટણી પ્રથામાં સુધારા સૂચવવા નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે બિનસરકારી કંપનીઓ, રાજકીય પક્ષોને દાન આપવાનું શરૂ કરશે, એટલે આવાં નાણાંને તેઓ ‘ખર્ચ’ નહીં, પરંતુ ‘રોકાણ’ સમજશે. ભવિષ્યમાં આવા રોકાણના બદલામાં કંપનીઓ સરકાર પાસેથી ઇચ્છે તે લાભ મેળવી શકશે. એવી દલીલ પણ એક તબક્કે કરાઈ હતી કે સરકાર ઉપર કંપનીઓ પોતાની તરફેણમાં નિર્ણયો કરવાનું દબાણ આણી શકે છે, આથી કંપનીઓ પાસેથી ભંડોળ મેળવવું રાજકીય પક્ષો માટે સલાહભર્યું નથી.

ચૂંટણીપ્રથામાં સુધારાઓ સૂચવવા માટે રચાયેલી સમિતિઓએ કરેલી ભલામણોથી તદ્દન સામા છેડાનું વલણ સરકારે અપનાવ્યું છે. વેપારીગૃહો અને રાજકારણ વચ્ચેની સાંઠગાંઠ હવે વધારે મજબૂત બની છે. અનામી નાણાં થકી કૉર્પોરેટકંપનીઓ રાજકીય પક્ષોને જે દાન આપશે તે વધારે અપારદર્શક બનશે. કંપનીકાયદો-૨૦૧૩માં રાજ્યસભાએ જે સુધારા પસાર કરેલા તે લોકસભાએ નકારી કાઢ્યા છે. કેન્દ્ર સરકારે નાણાખરડો-૨૦૧૬માં પણ ચુપચાપ સુધારો કરી લીધો હતો. વિદેશી કંપનીઓની વ્યાખ્યા જ સરકારે બદલી નાખી હતી. લંડનમાં મુખ્ય મથક ધરાવતી વેદાંતા કંપનીએ ભા.જ.પ. અને કૉંગ્રેસને ગેરકાયદેસર ભંડોળ આપ્યું હોવાનું કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું. આ સંદર્ભમાં સરકારે વિદેશી કંપનીઓની  વ્યાખ્યા બદલી નાખી!

ચોક્કસ ટ્રિબ્યૂનલોને અન્ય સાથે ભેળવી દેવાનો સુધારો પણ ચિંતાજનક છે. તેનાથી ખાસ કામગીરી કરતી ટ્રિબ્યૂનલો ઉપર કામનું ભારણ વધશે. કેટલીક ટ્રિબ્યૂનલનો ઉપર અત્યારે પણ વધારે કાર્યબોજ છે, તેમાં ઉમેરો થશે. તદુપરાંત ટ્રિબ્યૂનલના સભ્યોની નિમણૂક, સેવાની શરતો તથા સભ્યને દૂર કરવાની બાબતોમાં પણ સરકારનો હસ્તક્ષેપ વધશે. હાઈકોર્ટને સમાન સત્તા તેમ જ કાર્યો ધરાવતી ટ્રિબ્યૂનલોની સ્વતંત્રતા ઉપર સરકારના સુધારાથી તરાપ આવશે. ટ્રિબ્યૂનલો ન્યાયિક સંસ્થાઓ છે. આ પ્રકારની  સંસ્થાઓમાં જે નિમણૂક કરાય તેમાં સરકારનો હસ્તક્ષેપ અથવા સામેલગીરી ન હોવી જોઈએ તેમ સર્વોત્તમ અદાલતે ૨૦૧૪માં ઠરાવ્યું હતું. સરકાર સામેના અનેક કેસો ટ્રિબ્યૂનલો પાસે આવે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પક્ષકાર હોય છે. આઘાતની વાત એ છે કે પરસ્પર હિતોની અથડામણ થશે, તે હકીકત સ્વીકારવાનો કેન્દ્ર સરકાર ઇન્કાર કરે છે. નાણાપ્રધાને આ બાબતમતાં સરકાર ન્યાયતંત્ર સાથે સલાહ-મસલત કરશે, તેવી ખાતરી રાજ્યસભામાં આપી હોવા છતાં તે પર્યાપ્ત નથી.

આવકવેરા કાયદો-૧૯૬૧માં જે સુધારા નાણાખરડા-૨૦૧૭ અંતર્ગત કરવામાં આવ્યા, તે પણ ચિંતાનો વિષય છે. આવકવેરા અધિકારીઓની સત્તામાં આપખુદપણે વધારો કરાયો છે. આવકવેરા અધિકારીઓ ‘માની લીધેલાં કારણોસર’ કરદાતાની મિલકતની તપાસ કરી શકશે અને તેને જપ્તીમાં લઈ શકશે. ૧૯૬૨ની પશ્ચાદ્‌વર્તી અસરથી આ સુધારો અમલમાં આવ્યો છે અને કરદાતાઓમાંથી બહુ ઓછાને તેની જાણકારી છે. આવકવેરા અધિકારીઓને આપવામાં આવેલી આ પ્રકારની રાક્ષસી સત્તા સરવાળે ચોક્કસ કરદાતાઓની કનડગતમાં પરિણમશે. રાજ્યસભાએ આ બધા સુધારાઓમાં ફેરફારો સૂચવ્યા હતા, જે લોકસભાએ નકારી કાઢ્યા છે.

સુધારાઓનાં જમા-ઉધાર પાસાં અંગે ચર્ચા થઈ શકે, પરંતુ જે રીતે તે પસાર કરવામાં આવ્યા તે સરકારના સંચાલન તેમ જ રાજ્યસભા માટે બંધારણમાં જે ભાગ ભજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, તેની સામે પ્રશ્નો ખડા કરે છે. મની બિલના માર્ગથી કાયદાઓમાં સુધારા કરવા અને રાજ્યસભાની મંજૂરી ન મેળવવી તે પરંપરા લોકશાહી શાસનવ્યવસ્થા માટે યોગ્ય તો નથી જ. રાજ્યસભામાં હજી ભા.જ.પ. બહુમતી ધરાવતો નથી. લોકસભામાં બહુમતી ધરાવતો કોઈ પણ પક્ષ રાજ્યસભાને નજરઅંદાજ કરે તે પરંપરા હવે ભારતમાં શરૂ થઈ ગઈ છે. આના કારણે બંધારણે રાજ્યસભાને ઉપલાગૃહનો દરજ્જો આપ્યો, તેની અગત્ય જ રહેતી નથી. પોતાના નિજી સ્વાર્થ સાધવા માટે કેન્દ્રની સરકાર લોકશાહી ધોરણોનો ભંગ અને બંધારણની ભાવનાઓનો છેદ ઉડાવી રહી છે. સ્વસ્થ લોકશાહી માટે આ સારાં ચિહ્નો નથી.

ઇ.પી.ડબ્લ્યુ.(૧-૪-૧૭)ના તંત્રીલેખનો સારભાગ, ‘સર્વોદયસમાજ’ના સદ્ભાવથી

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 03 અને 02 

Loading

પંડિત અટલબિહારી નેહરુની સાખે …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 May 2017

ક્યાંથી કરીશું વાતની શરૂઆત : તે દિવસે એમણે આંખો મીંચી ત્યારે ટેબલ પરની કવિ ફ્રોસ્ટની એ મતલબની પંક્તિઓ સહસા મુખર થઈ હતી કે ગાઢાં ને વળી નિતાન્ત ભીષણસુંદર એવાં વન સાદ દે છે; પણ મારે તો હજુ અહીં ગાઉના ગાઉ કાપવાના છે, કેમ કે (માભોમ અને સૌ હમવતનીઓ જોગ) કંઈ કેટલાં વચન પાળવાનાં છે …

એ સત્તાવીસ મે, ૧૯૬૪નો દિવસસ્તો હતો. પણ આરંભ ત્યાંથી નહીં પણ બરાબર બત્રીસ વરસ આગળ જઈને સત્તાવીસ મે, ૧૯૯૬થી કરીએ તો? એન.ડી.એ. તેર દિવસની સરકારને અંતે (એક વાર અમે શપથ લીધા કે અમારે ત્યાં જોડાનારા થોકેથોકે ઉમટશે, એવા સુષમા સ્વરાજના બચકાના ઉદ્‌ગારો સામે) વિશ્વાસમત સંપાદિત કરવાની સ્થિતિમાં નહીં હોવાના કારણે વાજપેયીએ ગૃહ વાટે (કોઈ વડાપ્રધાનનું પહેલું ટેલિવાઇઝ્‌ડ) સંબોધન કર્યું હતું; અને આજે પ્રથમ વડાપ્રધાન નેહરુની પુણ્યતિથિ છે ત્યારે એમને વંદન કરીને મારી વાત કરીશ અને પછી રાષ્ટ્રપતિને રાજીનામું આપવા જઈશ એવી માંડણી કરી હતી.

નેહરુને યાદ કરવામાં પ્રતિપક્ષ(કૉંગ્રેસ)ને ટાઢો ડામ દેવાની સગવડ જરૂર હતી. લખું છું ત્યારે સાંભરે છે કે ૨૬ જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધીનું એક સર્વપ્રિય સરખામણી સૂત્ર હતું કે પિતાએ (જવાહરલાલે) દેશને ૨૬મી જાન્યુઆરી(પ્રજાસત્તાક)ની નવાજેશ કરી, પુત્રીએ દેશને ૨૬મી જૂન(રાણીસત્તાક)ની નવાજેશ કરી. પણ કૉંગ્રેસને ટાઢો ડામ દેવાની સગવડ સાથે નેહરુસ્મૃિતમાં એવું કાંક હતું અને છે કે જેની સાથે અટલબિહારી વાજપેયી સહિત દેશજનતા સમસ્તને સકારાત્મક લગાવ હતો. આ લગાવ, વાજપેયીના કિસ્સામાં તો ક્યારેક પંડિત અટલબિહારી નેહરુ એવી ઓળખ અગર ઉપાલંભ પેઠે પણ પ્રગટ થતો રહ્યો છે.

કૉંગ્રેસના નેહરુ અને ભા.જ.પ.ના સરદાર, એવાં છીછરાં પાણીનાં છબછબિયાંથી, સામસામા પ્રચારમાર્તંડોથી તે ભાગ્યે જ પ્રીછી તો શું પકડી પણ શકાય. દ્વેષી માનસ પટેલમાં ઘોર કોમવાદી જુએ કે પછી વળતું દ્વેષી માનસ પટેલ ભારતની એકતાના સ્થપતિ (આર્કિટેક્ટ) હતા એવી ઉમદા સ્થાપના કરી જાણનાર જવાહરલાલને નહીં ઓળખવાની ચેષ્ટા કરે, અને ઉપરથી ફટકારે કે વલ્લભભાઈ ગયા ત્યારે નેહરુને સ્મશાને જવાની ફુરસદ નહોતી. અલબત્ત, તે દિવસનો વીડિયો જુદી વાત કહેતો હોય, પણ —

બંનેએ સાથે રહેવાનું પસંદ કર્યું, પટેલના શબ્દોમાં (મતભિન્નતા છતાં) ’આપણે અવિભાજ્ય છીએ’ એવી ભૂમિકા બરકરાર હોય ત્યારે બંનેને બધો વખત સામે મૂકવાની ચેષ્ટા ઇતિહાસને સુસંગત તો નથી જ નથી. મુખ્યમંત્રી મોદીએ જસવંતસિંહની કિતાબ ’કેમ કે તે સરદારને ખોટા ચીતરે છે’, એવી દલીલજોરે (બેલાશક, રાબેતા મુજબ વગર વાંચ્યે) પ્રતિબંધિત કરી હતી. અરુણ શૌરિએ ત્યારે કહ્યું હતું કે ભાઈ, જરી લિહાજ કરો. કંઈક તો શરમ ભરો. સરદારની ટીકામાં તો તમારા સિદ્ધાંતકોવિદ શેષાદ્રિ જસવંતસિંહને ક્યાં ય ટપી ગયા છે, અને સંઘ પરિવારના અધિકૃત પ્રકાશન તરીકે ચોપડીનું વેચાણ ચાલુ છે.

મુદ્દે, ભા.જ.પે. રાષ્ટ્રીય કદના કોઈ સ્વતંત્રતાલડવૈયાની પોતાની અછત પૂરવા પટેલને હાઇજેક કરવાનો પેચ લડાવ્યો ત્યારે એને એ વાતનાં સુધબુધ ને ઓસાણ રહ્યાં નહીં કે વિભાજનની અનિવાર્યતા સ્વીકારવામાં નકામા નેહરુ અને નંબર વન સરદાર બંને એકસાથે હતા. નહીં કે તે ખુશીનો સોદો હતો, નહીં કે ગાંધી એમાં સમ્મત હતા; પણ પ્રત્યક્ષ અનુભવ પછી નેહરુ અને પટેલને વિભાજનની અનિવાર્યતા સમજાઈ હતી. અને હા, એક ઇતિહાસવસ્તુ પણ નોંધવી જોઈએ કે નેહરુ-પટેલે જે રાજકીય એકમ ભારતરૂપે બાંધ્યું એટલો વ્યાપ ઇતિહાસને ચોપડે અશોક ને અકબરના સામ્રાજ્યનો પણ નથી.

ગાંધીનેહરુપટેલ જે એક મુદ્દે અણીને વખતે ઘણા મોટા મનોવૈજ્ઞાનિક પડકાર વચ્ચે સાથે રહ્યા તે મુદ્દો બિનસાંપ્રદાયિક રાજ્યના નિર્માણનો હતો. એમાં કોઈ પણ ધરમમજહબને સારુ અવકાશ અને સ્વતંત્રતા હતાં, પણ ધરમમજહબને નામે રાષ્ટ્રની વ્યાખ્યા બહાલ નહોતી – અને ધર્મમાં માનવું પણ પોતપોતાના અખત્યારની વાત હતી. સોમનાથના નિર્માણ માટેના ખેંચાણને તાબે થતા પટેલ, આવી વાતોથી સલામત અંતર પસંદ કરતા નેહરુ, બંને આપણા સમયના શ્રેષ્ઠ ધર્મપુરુષ શા ગાંધીની આણમાં સોમનાથને સરકાર નહીં પણ સ્વતંત્ર ટ્રસ્ટ મારફતે નિર્માણ કરવા પર એકસાથે હોઈ શકતા હતા. ધર્મને અવકાશ, પણ બંધારણની મર્યાદામાં. આગળ ચાલતાં તે બંધારણીય રાષ્ટ્રવાદમાં, સાંકડી દ્વેષમૂલક ભૂમિકામાં નહીં ધોરણસરના આંતરરાષ્ટ્રીયતાવાદને સ્વીકારતા અને ઘરઆંગણે નાનાવિધ સમુદાય પરત્વે પરસ્પર સ્વીકાર ને સમાદરની ભૂમિકામાં લાંગરી શકે, ઠરી શકે એવું અભિનવ માનવતા ભણીનું સંકલ્પસપનું હતું.

નેહરુને એક ભાવનાપુરુષ તરીકે જોવાનો અને પટેલને વાસ્તવપુરુષ તરીકે બિરદાવવાનો ચાલ આપણે ત્યાં છે એ સાચું પણ વાસ્તવપુરુષને લાગેલા ભાવનાત્મક પાસની અને ભાવનાપુરુષને લાગેલા વાસ્તવાત્મક પાસની રગ જેમણે ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીને ભાગલામાં વહેંચીને જોવાની ટૂંકનજરી રાજનીતિ પસંદ કરી એમને સ્વાભાવિક નથી. ભાઈ, ગાંધી જનમોઝાર હતા તો નેહરુ ને પટેલ બેઉ રાજમોઝાર હતા. નેહરુ અને પટેલને હિસ્સે અભિનવ રાજ્યબાંધણી હતી. પટેલને જો સ્ટેટક્રાફ્ટનું એક વાનું તરત પકડાતું હતું તો નેહરુને બીજું, પણ બંનેને રાજવટની પોતપોતાની રગ, ફાવટ અને મર્યાદા હતી. અને એમાં અસ્વાભાવિક પણ શું છે.

ફ્રાન્સના આલા કલામરમી અને બૌદ્ધિક આન્દ્રે માલરોએ જવાહરલાલને એક વાર પૂછ્યું કે તમારા મન પર વડાપ્રધાન તરીકે પ્રધાન લક્ષ્ય શું છે. તો જરી થંભીને એમણે કહ્યું કે ’ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ સ્ટેટ વિથ જસ્ટ મિન્સ.’ ચર્ચિલ છેડેથી મજબૂત રાજ્યની સંકલ્પના સાથે ગાંધી છેડેથી ન્યાયી સાધનોને જોડતી ભૂમિકામાં નેહરુ ને પટેલ પોતપોતાની રીતેભાતે પડેલા હતા. જનમોઝાર ગાંધીને વધુ વરસો મળ્યાં હોત તો જેપી-લોહિયાને લઈને એમણે એક જુદી જમાવટ કરી હોત, પણ હવે તો એ કલ્પનાવિષય છે.

વાતનો બંધ ક્યાંકથી તો વાળવો જોઈએ. જાન્યુઆરી ૧૯૪૮ પર આ ક્ષણે મન ઠરવા કરે છે. ગાંધી દિલ્હીમાં શાંતિસ્થાપનમાં પડેલા છે. એમના અનશનથી જેમ સ્થાનિક શાંતિસ્થાપના શક્ય બની છે તેમ ‘અમને અમારી ફરજ અને જવાબદારી સમજાઈ છેે’ એવાં વચનો સીમાપારના પાક. પંજાબની ધારાસભામાં શીર્ષ સત્તાસ્થાનેથી ઉચ્ચારાયાં છે. અલબત્ત, ઉશ્કેરાટ ખાસ્સો છે જે મહિનો ઉતરતે છેલ્લાથી આગળના દિવસે ઘરઆંગણે ગાંધીને શહાદતનું માન અપાવ્યે જ અટકવાનો છે. ઉપવાસ અને બલિદાનની વચ્ચેના દિવસોમાં ૨૪મી જાન્યુઆરીએ વડાપ્રધાન નહેરુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દીક્ષાન્ત સંબોધન સારુ પહોંચ્યા છે. ભાગલા પછીની ઉદ્વિગ્ન અને ઉશ્કેરાટભરી સ્થિતિમાં આ મુલાકાત છે. જે યુનિવર્સિટીએ પાકિસ્તાન માટે બૌદ્ધિક ભૂમિકા સરલ કર્યાનું કહેવાય છે ત્યાં જવાહરલાલ પહોંચ્યા છે.

શું વાત કરે છે એ પદવી દાનમાં ? ૧૫મી ઑગસ્ટે, મધરાતની સ્વરાજક્રાન્તિ ક્ષણોમાં ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’(વિધાતા સાથે કોલકરાર)ની યાદગાર ભૂમિકા માંડનાર અને હવે છ દિવસ પછી ગાંધી હત્યા સાથે ‘પ્રકાશ ગયો – ના, આપણી વચ્ચે છે’ એવી દિલી રજૂઆત કરવાના હતા તે નેહરુ દિલની વાત માંડે છે : કેમ જાણે આપણે ભાવનાઓ અને દૃષ્ટિબિંદુની રીતે ખાસા અંતરે તો નથી ઊભા ને ? હૃદયભંગ પ્રેરતા આંચકાઓએ ભર્યા મહિનાઓ પછી આપણે મળી રહ્યા છીએ ત્યારે એવું તે શું છે જે મને ઢાઢસ બંધાવે છે. એ છે ભાવિ માટેની શ્રદ્ધા કે પ્રતિબધ્ધતા કે આપણે એવું એક મુક્ત ભારત નિર્માણ કરવા મથી રહ્યા છીએ જ્યાં સૌને તકોની સમાનતા છે અને વિચારતા ભાતભાતના પ્રવાહો, સંસ્કૃિતઓના નાનાવિધ પ્રવાહો એકત્ર આવી પ્રજાની પ્રગતિના મહાનદ (માઈટી રિવર) રૂપે આગળ વધે છે. હું હિંદુ છું, તમે મુસ્લિમ છો. પ્રાચીન ભારતની સિદ્ધિઓનું મને ગૌરવ છે, પણ આ ગૌરવ એ કારણે પણ છે કે એણે વિશ્વભરના વાયરા વાસ્તે પોતાનાં દિલોદિમાગનાં દ્વાર ખુલ્લા રાખ્યા છે. આ ભારતની તાકાત એ વાતે છે કે તે કશાય બહારી બળ તળે ચંપાઈ ન મરે એવું સબળું છે, અને કશું ય બહારી સ્વીકારવા જેવું જણાય તો તે સ્વીકારી શકે એવું શાણું પણ છે. તે પોતાના કોચલામાં પુરાઈ રહેતો મુલક નથી. આ એનો જે વારસો તે મારો, તમારો સૌનો છે. તમે મુસ્લિમ છો, હું હિંદુ છું, પણ ધર્મભેદે વારસો તો સહિયારો છે ને.

ગમે તેમ પણ ૨૭ મે, ૧૯૯૬ અને તે પછીના લોકસભા માંહેલા વાજપેયીનાં ટેલિવાઇઝ્‌ડ ભાષણો સંભારું છું ત્યારે સમજાય છે કે રાષ્ટ્રજોગ તેમ સવિશેષ તો સંઘ પરિવારજોગ સંબોધનથીએ એક એવી તક ઝડપતા હતા જે સંઘસ્થાન પર કે સંઘશિબિરમાં એમને કદાચ મળી શકતી નહોતી … વૅલ, આ ક્ષણે તો પંડિત અટલબિહારી નેહરુની સાખે એટલું જ કહીશું કે નેહરુની ટીકા કરવાનો આપણો અધિકાર છે, પણ કંઈક વ્યાપક, કંઈક મૂલગ્રાહી હોઈ શકીએ તો તે માટેની પાત્રતા મળતાં મળે તો મળે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 20 અને 17 

Loading

માફ કરજો, આ નાટક થશે જ

રમેશ કોઠારી|Opinion - Opinion|31 May 2017

વાતની માંડણી ક્યાંથી કરવી તે જ સમજાતું નથી. જેનું અધ્યક્ષપદ ક્યારેક ભોળાભાઈ પટેલ સરખા, શુદ્ધ સાહિત્યપદાર્થને વરેલા, પોતાની સાહિત્યસાધના (અન્ય કોઈ ‘સાધના’ નહીં) થકી એ પદ માટે સર્વથા પાત્રતા ધરાવનાર સર્જકે શોભાવ્યું હતું, પદને ગરિમા બક્ષી હતી, ત્યાં હવે ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યા બિરાજમાન થવા જઈ રહ્યા છે. સરકારી અમલદારના અનુગામી તરીકે એમની વરણી લગભગ નિશ્ચિત હતી. આમ ન થયું હોત તો જ આશ્ચર્ય થાત. શું ગુજરાતમાં એવો કોઈ મોટા ગજાનો સાહિત્યસેવી નથી, જેને આ પદ માટે પસંદ કરી શકાય? હશે ભાઈ Loyalty brings Royalty.

ફરી પાછા ભોળાભાઈ તરફ વળીએ. એમને રણજિતરામ ચંદ્રક પ્રાપ્ત થયો, ત્યારે અિશ્વન મહેતાએ પાઠવેલા શુભેચ્છાસંદેશમાં, રવીન્દ્રનાથના સમકાલીન ગીતકવિ અતુલપ્રસાદના ગીતની એક પંક્તિ ટાંકી છે. ‘સબ દલ, છલ, છલ, રે ભોલા!’ પોતાની જાત પર હસી શકનાર ભોળાભાઈ ‘ભોલા’ એટલે ‘અણસમજુ’ જાણતા જ હોય, પણ અિશ્વન મહેતાએ તેમને જાણે નામજોગ સંબોધન કરી ચેતવ્યા ન હોય, એમ અનુભવે છે. આ બધાં ચંદ્રકો, પારિતોષિકો, માન-અકરામ છેવટે તો જેનો ‘માંહ્યલો સાબૂત’ છે, તેને માટે ગૂંગળાવનારાં બની રહે છે. આ છળ, પ્રચંચ, ગોઠવણો સાહિત્ય સાધનાથી જોજનો દૂર લઈ જાય છે. માટે જ તેમના આ જ પુસ્તક ‘વાગ્વિશેષ’માં ભોળાભાઈ, ટાગોર નોબેલ પુરસ્કારપ્રાપ્તિ વેળા અંતર્મુખ થઈ વિચારે છે. તેની વાત કરતાં કહે છે. પોતાના કવિને વિશ્વસ્તરે પોખાતો જોઈ ભલે દેશ આખો રાજીપો અનુભવે, પણ કવિને મન ‘એ મણિહાર આમાય નાહિ સાજે’.

આ મણિહાર મને શોભતો નથી – એ પહેરવા જતાં વળગી પડતો લાગે છે, છિન્ન કરવા જતાં નકામો બની જાય છે. આજે જ્યારે શાસકોની રહેમનજર કે અન્ય કોઈ સાધનોની મદદથી પદ, હોદ્દો, ચંદ્રકો મેળવી પોતાની મહત્તા સિદ્ધ કરવા દોડાદોડ કરતા વામણા જીવોને જોઈએ છીએ, ત્યારે થાય છે કે ‘સબ છલ, છલ, છલ રે, ભોલા’ની યાદ એમને કોણ અપાવશે?

સુરેશ જોષી કહેતા હતા તેમ ‘ઘો મરવાની હોય ત્યારે વાડે જાય’ ન્યાયે કવિતા નામશેષ થવા વર્ગખંડોમાં જાય.’ આજે તો દર ત્રીજી વ્યક્તિ કવિ બની બેઠી છે. પછી તે ‘સરકારી અમલદાર’ હોય, દાક્તર હોય, વકીલ હોય કે વ્યાપારી, કોઈ સુંદર સવારે આપણને સાંભળવા મળે કે અમુક ઉદ્યોગપતિ અકાદમીનું અધ્યક્ષપદ શોભાવશે (!) તો સહેજ પણ આશ્ચર્ય નહીં થાય. We are living in an ‘Age of surprizes.’

વિષ્ણુ પંડ્યા માટે મને કોઈ અંગત રાગદ્વેષ નથી, કોઈને ય ન જ હોય. પણ આ પદ માટે અન્ય, અનેક ગણી લાયકાત ધરાવનારા પ્રાપ્ય હોય ત્યારે – પછી ભલેને તે પરિષદ તરફ સહાનુભૂતિ ધરાવનાર હોય – એમના માટે માર્ગ મોકળો કરી આપ્યો હોય તો, છેવટે તો એમના ય ગૌરવમાં ઉમેરો થયો હોત પણ … જે નાટકો ભજવાતાં આપણે અટકાવી શકવાનાં નથી, તેમાં આ એક વધારે.

ખૂબ યાદ આવે છે. ઉમાશંકર જોશીની જેમને સહજપણે મળેલાં માન-અકરામ, ચંદ્રકો, પારિતોષિકોની યાદી કરતાં એમણે સૈદ્ધાંતિક કારણોસર ઠુકરાવેલા હોદ્દાઓની યાદી ઠીકઠીક લાંબી હતી.

આપણા સુખ્યાત હાસ્યલેખક વિનોદ ભટ્ટ પ્રત્યે ભારોભાર આદર છતાં, તેમનાં કેટલાંક અનપેક્ષિત વિધાનો શૂળની જેમ ખૂંચ્યાં છે :

• ‘ચંદ્રકાન્ત ટોપીવાળા ન વંચાતા વિદ્વાન છે.’ • ‘કોઈ ગુનેગારને ‘ફૉર્થ ડિગ્રી ટ્રીટમેન્ટ તરીકે સિતાંશુની કવિતા સંભળાવવામાં આવે, તો તેનો ન કરેલો ગુનો કબૂલ કરી લેશે.’ • ‘ભાગ્યેશ જહાની મુદત પૂરી થઈ, એટલે હવે હું રાજીનામું આપું છું.’ • ‘ખાનદાની ખોરડા જેવી પરિષદ કરતાં અકાદમીએ અનેકવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું છે.’ •  જે પરિષદની ચૂંટણીમાં ખુદ ગાંધીજી પરાજિત થયા હતા, તેનો હું પ્રમુખ રહી ચૂક્યો છું.’ (વિગતદોષ માફ).

જે પરિષદને એકાવન લાખ રૂપિયા જેવું માતબર દાન પોતાના પ્રયાસો થકી મળ્યાની તેઓ વારંવાર દુહાઈ આપતા ફરે છે તે સંદર્ભમાં પેલી બહુ જાણીતી વાત યાદ આવે છે. ડૂબતા માણસને બચાવનાર વ્યક્તિને વારંવાર સંભળાવે ‘મેં તને બચાવ્યો’. ત્યારે પેલા માણસે કંટાળીને કહ્યું, ‘આના કરતાં ડૂબવા દીધો હોત તો સારું થાત. વારંવાર આ સાંભળવાથી બચી જવાત.’ અહીં તો ‘મારે મોગલ ને ફુલાય પીંજારો’ જેવો ઘાટ છે. પોતાના ગજવામાંથી મદદ કરી હોત, તો બિચારા ‘ખાનદાની ખોરડા’ને શું ને શું ય સાંભળવું પડ્યું હોત. ‘ફૉર્થ ડિગ્રી ટ્રીટમેન્ટ તરીકે સિતાંશુની કવિતા સુધી આવીને કેમ અટકી ગયા હશે ?’ ફિફ્‌થ ડિગ્રી’ તરીકે ભાગ્યેશ જહાની કવિતા સુધી આગળ વધી શક્યા હોત.

પરિષદમાંથી અકાદમી તરફ પ્રયાણ કરનારા ‘મિત્રો’ની મનોદશાનો વિચાર કરતાં એક વિદેશી કવિતાનું સ્મરણ થાય છે. પોતાના નિવાસસ્થાનેથી અન્યત્ર જવા નીકળેલ યાત્રિકનું વાહન રસ્તામાં બગડતા મિકેનિક તેને દુરસ્ત કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તે વિચારે છે, ‘જ્યાંથી નીકળ્યો છું, તે સ્થળ છોડવાનું દુઃખ નથી, તો જ્યાં જઈ રહ્યો છું, તેનો કોઈ આનંદ નથી.’ નથી પરિષદ સાથે છેડો ફાડવાનું દુઃખ કે નથી અકાદમીના ખોળે બેસવાનો આનંદ.

નવા અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવવાની સાથે અપેક્ષા રાખીએ કે તેમના નેતૃત્વ નીચે અકાદમી વૈવિધ્યસભર કાર્યક્રમોથી છવાઈ જાય. સામાન્યપૂર્વે ફિરોઝ ગાંધીને પણ જરા સ્મરી લઈએ. જેમણે પોતાના રંક હરીફ ઉમેદવારને તેના પ્રચારમાં અગવડ ન પડે તે માટે વાહનોનો કાફલો મોકલ્યો હતો અને ‘મેં તને વાહનો પૂરાં પાડ્યાં હતાં.’ તેની ક્યારે ય યાદ કરાવી નહોતી.

અસ્તુ.

ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 07

Loading

...102030...3,3693,3703,3713,372...3,3803,3903,400...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved