Opinion Magazine
Number of visits: 9687745
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તાર્કિકતા અને વિજ્ઞાનવિચારઃ શિક્ષણનો દાયરો

રોહિત શુક્લ|Opinion - Opinion|11 August 2017

પંડિત નેહરુ આઝાદ ભારતને સાંપડેલા એક અણમોલ રત્ન સમાન હતા. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ તથા ‘ઇંદુ(પ્રિયદર્શિની)ને પત્રો’ આજે પણ એટલા જ તાજગીભર્યા અને સાંપ્રત જણાય છે. આઝાદીના સંગ્રામકાળ તથા તે પછીના આઝાદ ભારતના અરુણોદય વેળાએ આ અત્યંત કંગાળ અને અનેક રીતે પીડાતા દેશને પંડિત નેહરુની સેવાઓ અત્યંત શાતાપ્રદ રહી.

તેમણે ભાવિ ભારત વાસ્તે પણ ગહન વિચારો કર્યા હતા અને તેનો નિષ્ઠા અને ખંતથી અમલ કરાવ્યો હતો. ભારતના અર્થતંત્ર, રાજતંત્ર, વિદેશનીતિ, સમાજ વ્યવસ્થા વગેરે જેવાં અનેક ક્ષેત્રોમાં તેમણે નેત્રદીપક કામગીરી બજાવી હતી. આ સમગ્ર વ્યવહાર-વિચારમાં કેન્દ્રવર્તી ખ્યાલ ‘સાયન્ટિફિક ટેમ્પર’, વૈજ્ઞાનિક વલણનો હતો. જે દેશમાં વૈષ્ણવો ‘શિવ’ શબ્દ પણ ન બોલે, કપડાં ‘સીવવાં’ ન કહે પણ કપડાં બનાવ્યાં કહે – તે દેશમાં બિનસાંપ્રદાયિકતા અને તર્કવિચાર અતિ દોહ્યલા હોય છે. ભારતની આઝાદીની લગભગ સાથેસાથે મુક્ત થયેલા અન્ય આફ્રોએશિયન દેશોની સ્થિતિ જોવાથી પણ વૈજ્ઞાનિક વલણના મહત્ત્વનો અંદાજ આવી શકશે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિ, વલણ કે અભિગમનો ઘણો બધો ભાવ શિક્ષણ ઉપર છે. શિક્ષણ દ્વારા સમાજને સુધારતા રહેવાનું બને તેવી નીતિઓની જરૂર રહે જ. ભૂવા, બાધા-આખડી, માનતા, યાત્રાઓ, ‘સાધુ-સંતો’ની પધરામણીઓ વગેરેની પાછળ ધર્મભાવ રહેલો છે. પણ આ ધર્મભાવ અને તાર્કિકતા તથા વધુ વ્યાપક રીતે વિજ્ઞાન પરસ્તી વગર કોઈ પણ સમાજ આધુનિક બની શકતો નથી. ભારતે રોકેટ વિજ્ઞાનના ક્ષેત્રે તાજેતરમાં બે મુખ્ય સિદ્ધિઓ હાંસલ કરીઃ

(૧) માત્ર રૂ. ૪૫૦ કરોડના ખર્ચે મંગળયાન મોકલ્યું. વિશ્વભરના દેશોના આવા પ્રયાસોમાં આના કરતાં ઘણું વધારે ખર્ચ થાય છે. યાનની કામગીરી પૂર્ણપણે સફળ રહી.

(૨) દુનિયાના અનેક દેશો તથા સંસ્થાઓના કુલ ૧૪૦ ઉપગ્રહો એક સાથે જ અંતરિક્ષમાં ભારતે ચઢાવ્યા. આ ક્ષેત્રે પણ ભારતે જ્વલંત સિદ્ધિ હાંસલ કરી.

આ બન્ને નમૂનારૂપ કાર્યો વિજ્ઞાનના આધારે શક્ય બન્યા કે ધર્મના આધારે?

આ રોકેટો સફળતાપૂર્વક છોડવામાં કોઈ મંત્ર, તંત્ર, દોરા-ધાગા, યજ્ઞ, વ્રત કશાની પણ જરૂર ખરી? આમ છતાં આપણા સમાજના બહુ મોટા પ્રમાણમાં લોકો એમ જ કહેશે કે આ બધાને કારણે જ આમ બન્યું. ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ રમે ત્યારે યજ્ઞો થતા દેખાય જ છે ને!

કેટલાકના મતે ધર્મભાવ અને વિજ્ઞાન વચ્ચે કોઈ  સંઘર્ષ નથી પણ આવું સિદ્ધ કરવા વાસ્તે ધર્મે પોતાની સીમાઓની પુનઃ વ્યાખ્યાયિત કરવી પડે, વિજ્ઞાને નહીં. વિનોબા ભાવેની દૃષ્ટિમાં જે ધર્મભાવ હતો તે વિજ્ઞાનના વિચારો અને અભિગમને એક સાથે રાખવાનો પ્રયાસ હતો પરંતુ મુખ્ય ચિંતા દેશદુનિયામાં શિક્ષણ તથા આધુનિક શિક્ષણ પામેલા શિક્ષિતોમાં પરંપરા, રૂઢિ તથા અંધશ્રદ્ધાના મોટા પ્રમાણના કારણે છે. તાજેતરના કેટલાક બનાવો ચિંતા ઉપજાવે તેવા છે.

(૧) એક હૉસ્પિટલમાં શિશુ તથા માતૃમૃત્યુ દર ઊંચા રહેતા હતા. સંચાલકોએ હૉસ્પિટલમાં યજ્ઞ કરાવ્યો.

(૨) કોઈક રાજ્ય હવે શિક્ષણમાં જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરાવશે. ધારણા એવી છે કે દર્દીએ રોગના નિદાન વાસ્તે મોંઘાદાટ ટેસ્ટ કરાવવા નહીં પડે. પેલા ડિગ્રીધારી જ્યોતિષી માત્ર પાંચ જ રૂપિયામાં હાથની રેખાઓ જોઈને કે પછી કુંડલી જોઈને રોગનું નિદાન કરશે. આટલું જ શા માટે, જ્યોતિષી તો મરણના ઘડી-પળ પણ વાંચી શકે. આથી તે માત્ર દરદીના રોગનું નિદાન જ નહીં કરે; તેનો ઉકેલી જવાનો સમય આવી લાગ્યો હોય તો સારવાર પણ શા માટે કરવી, તેવું પણ પેલા પાંચ રૂપિયામાં જાણી શકાશે! હવે નીટની પરીક્ષા આપવી અને મેડિકલ કૉલેજોમાં લાંબા સમય સુધી ખર્ચાળ અભ્યાસ કરવાની જરૂર ખરી?

વિજ્ઞાનનો સાથ છોડી દેવાથી નીચે મુજબના વિધાનો કદાચ વધુ સ્વીકાર્ય બનશેઃ

(૧) તુવેરની દાળના ભાવ રૂ.૨૦૦ થાય તે માટે દેશના ગરીબોની કુંડળીમાં રહેલા કોઈક ગ્રહો જવાબદાર છે કે જેમણે તેમને મળનારા પ્રોટિન ઉપર અંકુશ મૂક્યો.

(૨) દેશની જીડીપી ૭.૫ ટકાને બદલે માત્ર ૬.૦ ટકાના દરે વધી કારણ કે ગ્રહ/રાશિની દશા, મહાદશા, અંતર્દશા જ એવા હતા. આ સ્થિતિમાંથી બહાર નીકળવા વાસ્તે અમુક અમુક ગ્રહોની શાંતિ કરાવવી જોઈએ. અમુક મંત્રોનો જાપ કે અમુક યજ્ઞો કરવાથી પણ જીડીપી વધી શકે! કદાચ આ જ્યોતિષીઓ પાસે ‘નોટબંધી’ માટે પણ કોઈક ખુલાસો હશે જ!

અલબત્ત, વ્યાપક સમાજમાં ‘દિલ કી તસલ્લી કે લિયે’ યાત્રા, મન્નત, ધાર્મિક કાર્યો વગેરે ચાલતા રહે તે એક બાબત છે પણ શિક્ષણમાં વિજ્ઞાનેતર અભ્યાસક્રમો દાખલ કરવા માટેનાં કારણો પણ શિક્ષણેતર હોવાનાં. દા.ત. આટ્‌ર્સની ડિગ્રી લઈને બેકાર ફરવું તેના કરતાં થોડુંક કર્મકાંડ કે જ્યોતિષ શીખી રાખ્યાં હોય તો બે પૈસા કમાઈ શકાય એવી દલીલ કરી શકાય. પણ તો સવાલ એ છે કે તેવા અભ્યાસક્રમોને શિક્ષણની મુખ્ય ધારાથી દૂર રાખી શકાય. આવાં ક્ષેત્રોમાં ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાના સ્થાને અન્યથા પણ પ્રવર્તતી અનૌપચારિક પ્રથાઓનો ઉપયોગ થઈ જ શકે. પાઠશાળાઓ, ગુરુકુળો, મદ્રેસાઓ, મઠો વગેરેમાં આ શિક્ષણ કહો, સંસ્કાર કહો કે તાલીમ કહો ચાલતાં જ હોય છે.

બીજી તરફ, સમગ્ર દેશમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની અવદશા ખેદ ઉપજાવે તેવી છે. બાળકો નદીનાળા ઓળંગીને માંડ શાળાએ પહોંચે; ત્યાં ઘણી વાર શિક્ષક ગેરહાજર હોય, ક્યાંક એક જ શિક્ષક ચાર ધોરણોને એક સાથે ‘ભણાવે’; ક્યાંક વર્ગખંડો ન હોય, ક્યાંક શૌચાલયો પણ ન હોય, ગ્રંથાલય કે રમતનાં મેદાનો ન હોય અને હોય તો તેની સ્થિતિ પણ દયા ઉપજાવે તેવી હોય!

સરકારો પોતપોતાનાં ગુણગાન અને સત્તાપરસ્તીમાં મસ્ત હોય અને વાલીવિદ્યાર્થી ત્રસ્ત હોય તેવી સ્થિતિમાં કદાચ નછૂટકે પણ દિલ કી તસલ્લી કે લિયે …, બધું ઈશ્વર ઉપર છોડે જ છૂટકો!

ભારતમાં એક સમયે વિજ્ઞાન જે મહત્ત્વનું હતું તેમાં હવે ઓટ આવતી જણાય છે. ૨૦૧૫ના ‘હિંદુ’ના એક લેખમાં પુષ્પા ભાર્ગવ જણાવે છે કે વિજ્ઞાન વિરોધી પ્રવાહોની સામે તે કોર્ટે ચઢ્યા ત્યારે તેમની પિટિશનમાં સહી કરવા વિજ્ઞાનીઓ પણ આગળ આવ્યા ન હતા.

પૂરતી સમજ વગરના ધર્મ અને અંધશ્રદ્ધાના આધિપત્યને લીધે સમાજ આગળ વધવાની સંભાવનાઓ ગુમાવી રહ્યો છે. જો આવું વિજ્ઞાન વિરોધી અને જ્યોતિષી કે વાસ્તુ જેવા વિચારો કે જેને પ્રો. જયંત નારલીકર જેવા વિદ્વાન વિજ્ઞાની અવૈજ્ઞાનિક ગણાવે છે, તેનું આધિપત્ય વધતું ચાલે તો શું થઈ શકે તેની એક આત્યંતિક કલ્પના કરીએઃ

માનો કે ભારત-ચીન વચ્ચે યુદ્ધ છેડાય છે. આવા સંજોગોમાં જ્યોતિષીઓ નક્ષત્ર, ઘડી, પળ, ગણીને હુમલો કરવાની સલાહ આપશે? આવા યુદ્ધમાં ભાગ લેનાર સેનાનીઓની રાશિ કઈ હોવી જોઈએ તેનો વિચાર થશે? લશ્કરની ભરતી અને ટુકડીઓ બનાવવામાં પણ ગ્રહો-નક્ષત્રો-રાશિફળનો વિચાર થશે?

આવાં વલણો ચિંતાજનક છે. પ્રો. યશપાલ, યુ.આર. રાવ અને તેમની પહેલાંના ડૉ. વિક્રમ સારાભાઈ કે ડૉ. ભાભાના વિજ્ઞાનની અવદશા કરવાથી આ દેશ જગતગુરુ કે મહાસત્તા બની શકે નહીં.

સમગ્ર જગતમાં વિજ્ઞાન આધારિત સમાજો ઘડાતા આવ્યા છે. તેમાં માનવતા અને સમતાલક્ષી જેવા આયામો ઉમેરાયા છે. જગત ડિજિટલ ક્રાંતિ અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના માર્ગે ચઢી ચૂક્યું છે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ મંડાઈ ચૂકી છે. આ સઘળું તર્કબદ્ધ, તથ્ય આધારિત અને નિષ્પક્ષ વિચારણાઓના ફળસ્વરૂપે છે. માનવજાત સમગ્રનો આ માર્ગ છે. આપણે વિખૂટા પડી ન શકીએ.

બીજી તરફ, જ્ઞાન અને અનુભવના ક્ષેત્રના અનેક બનાવો ચમત્કારોનું અસ્તિત્વ પણ દર્શાવે છે. રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, પૂ. મોટા જેવા અનેકના જીવનમાં ચમત્કારિક એટલે કે વિજ્ઞાનના જે તે સમયના માપદંડોથી સમજાવી ન શકાય તેવી ઘટનાઓ પણ બની છે.

આ સંજોગોમાં વિજ્ઞાન, વિજ્ઞાનની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક માનસિકતા અથવા વલણ કે અભિમુખતા વચ્ચે જરૂરી ભેદરેખા દોરવાની રહે. વિજ્ઞાન પોતે એક એવા જ્ઞાનનો સમુચ્ચય છે કે જે નિષ્પક્ષ તપાસ, તાર્કિકતા અને તથ્યોની કસોટીમાંથી નિષ્પન્ન થયો હોય છે. વિજ્ઞાન હંમેશાં પરિવર્તનક્ષમ, લચીલું અને ખુલ્લું હોય છે.

વૈજ્ઞાનિક પદ્ધતિમાં નિરીક્ષણ, અનુભવો, અનુમાનો, પરિકલ્પનાની કસોટી વગેરે ઓજારોનો ઉપયોગ સમાવાય છે. જ્યારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું માનસ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ત્યારે વિજ્ઞાનનો પિંડ આકાર લે છે.

ધર્મ અને તેની આસપાસની તમામેતમામ બાબતોને વૈજ્ઞાનિક માનસમાંથી નિપજતા સવાલોના સંદર્ભે પ્રયોજાતી વૈજ્ઞાનિક પદ્ધતિ વડે તપાસાય અને પછી જે બચે તે આવકારપાત્ર બને. બાકી જે છૂટી જાય તે પરંપરા, અંધશ્રદ્ધા, માનસિક ભ્રમ, મનની શાંતિ માટેની વ્યવસ્થા વગેરે જેવાં ક્ષેત્રોમાં મૂકી શકાય.

આથી જ શિક્ષણમાં વિજ્ઞાનનું મહત્ત્વ છે. દરદી મેડિકલ પ્રોફેશનના આધારે જીવવો જોઈએ; હસ્તરેખા કે ગ્રહોની ચાલના આધારે નહીં. હૉસ્પિટલની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવાની હોય, યજ્ઞો કરવાથી શિશુ-માતૃ મૃત્યુદર ઘટે નહીં.

તા. ૯મી ઑગસ્ટે ભારતનાં શહેરોમાં વૈજ્ઞાનિક અભિગમના સમર્થન માટે સરઘસો નીકળવાનાં છે. એપ્રિલ, ૧૭માં આ પ્રકારનાં સરઘસો અમેરિકામાં યોજાયાં હતાં.

વૈજ્ઞાનિક અભિગમની વિરુદ્ધ જવાથી હવે સમસ્ત માનવજાતનું નિકંદન નીકળી જાય તેમ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરાર નહીં સ્વીકારવાની જીદ કરી છે. આથી આવનારાં વર્ષોમાં પર્યાવરણને અતિ ગંભીર નુકસાન થવાનું છે.

યુદ્ધખોર માનસિકતા, આડેધડ ઉદ્યોગીકરણ, ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમ અને સંવેદનહીન વહીવટ માટેનાં માઠાં ફળ સમગ્ર વિશ્વ ભોગવવાનું છે. હાલમાં જ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાંથી એક વિશાળ હિમ ટુકડો જેનો વિસ્તાર કચ્છ જિલ્લા જેટલો અને દળ છ બુર્જ ખલિફા જેટલું છે તે છૂટો પડ્યો છે. આથી સમગ્ર વિશ્વમાં સમુદ્રની પાણીની સપાટી ઊંચકાશે. આથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ વગેરે ઉપરાંત મુંબઈમાં પણ પાણીની સપાટી વધવાથી માનવ સ્થળાંતરની સમસ્યાઓ સર્જાશે.

આ અંગે તાંત્રિકો, ભૂવા, વાસ્તુશાસ્ત્રીઓ કે જ્યોતિષ શાસ્ત્રીઓ કાંઈક કરી બતાવે તો સારું!

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 01-04 

Loading

ચીનમાં લોકશાહી માટેના લડવૈયા લિઉ ઝાઓબો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 August 2017

ચીનમાં લોકશાહીની લાંબી અને અહિંસક લડત ચલાવવા માટે નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર અધ્યાપક અને રાજકીય લેખક  લિઉ ઝાઓબોનું તેરમી જુલાઈએ કૅન્સરને કારણે ચીનના શેન્યાન્ગ શહેરની સરકારી હૉસ્પિટલમાં અવસાન થયું. અવસાન સમયે ઝાઓબો  રાજકીય કેદી તરીકે અગિયાર વર્ષના કારાવાસની સજા ભોગવી રહ્યા હતા. તેઓ ૨૦૦૯થી જેલમાં હતા અને ગયા ચારેક મહિનાથી તેમને સારવાર માટે પૅરોલ આપવામાં આવી હતી. ડિપ્રેશન એટલે કે હતાશાથી પીડાઈ રહેલાં તેમના પત્ની ઝિઆ અત્યારે પણ નજરકેદ હેઠળ છે. એકસઠ વર્ષના ઝાઓબોની કાર્યરત જિંદગીના અડધાં એટલે કે સત્તર વર્ષ ચીનની જેલોમાં વીત્યાં છે. આ એવાં વર્ષો હતાં કે જે દરમિયાન તેઓ ચાઇનિઝ સાહિત્યના તેજસ્વી અધ્યાપક તરીકે ઝળહળતી કારકિર્દી બનાવી શક્યા હોત. પણ તેમણે ચીન જેવા દમનકારી દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય માટે સંઘર્ષનો કપરો માર્ગ પસંદ કર્યો. તેના માટે તેમને દુનિયાના અનેક દેશોએ અને માનવ અધિકાર સંગઠનોએ ટેકો આપ્યો.

જો કે, ઝાઓબોનું નામ ખુદ ચીનમાં પણ ઓછું જાણીતું હતું. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા તે વખતે એ.એફ.પી. સમાચાર સંસ્થાએ આસપાસના જે વીસ માણસોને તેમના વિશે પૂછ્યું તેમાંથી એક જ વ્યક્તિને એમના વિશે ખબર હતી. આમ બનવાનું એક મહત્ત્વનું કારણ એ ચીનની સામ્યવાદી સરકારનાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરનાં નિયંત્રણો છે. હંમેશ માટે ચીનની સરકાર સામે પડેલા ઝાઓબો વિશે માધ્યમોમાં જે થોડુંઘણું લખાતું તેમાં પણ તેમનો ઉલ્લેખ ઘણું કરીને ચીનદ્રોહી તેમ જ પશ્ચિમપરસ્ત તરીકે જ થતો. તેમના અવસાન પછી ચીન તરફથી તેમના વિશે જે લખાયું તેમાં તેમની માનવ અધિકારો માટેની લડત કરતાં તેમને સરકારે કેવી સારી સારવાર આપી તેના દાવા નોંધવામાં આવ્યા. ચીનના પ્રમુખ અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’એ તેમને ‘victim led astray’ એટલે કે ગેરમાર્ગે દોરવાઈને ભોગ બનેલા વ્યક્તિ ગણાવ્યા. વળી, દુનિયાનાં માધ્યમોએ તેમના કરેલા ગૌરવનું અર્થઘટન ચીનને ખરાબ ચીતરવાના પ્રયાસ  તરીકે પણ કરવામાં આવ્યું.  તેમના અવસાન અંગે ચીનની સરકારે માધ્યમો પર કડક અંકુશ રાખ્યો છે. ચીનના સર્ચ એન્જિન Baidy કે ટિ્‌વટર જેવાં Weiboમાં LXB એવા તેમના નામના અક્ષરો પણ બ્લૉક કરવામાં આવ્યા છે. Weibo પર તેમનું નામ એન્ટર કરવામાં આવે તો રિઝલ્ટમાં ‘according to relevant laws and policies results for Liu Xiaobo cannot be displayed’ એમ લખાઈને આવે છે. RIP (rest in peace) એવા અક્ષરો પણ સેન્સર ભૂંસી નાખે છે. શ્રદ્ધાંજલિના પ્રતીક સમી કૅન્ડલ એટલે કે મીણબત્તી માટેનો ચીની ભાષાનો શબ્દ કે તેનું ચિત્ર પણ સોશ્યલ મીડિયામાં આવવા દેવામાં આવતાં નથી. એટલે તેમના ચાહકોએ રસ્તા કાઢ્યા. કેટલાકે કાળા ચોખંડામાં માત્ર જીવનકાળ ૧૯૫૫-૨૦૧૭ એટલું લખ્યું, તો વળી ક્યાંક એક દંપતી એકબીજાના કાનમાં કંઈક કહેતું હોય એવી ચહેરા વિનાની આછી આકૃતિ પણ તેમણે મૂકીને ઝાઓબો દંપતીનો નિર્દેશ કર્યો. કેટલાકે મંચ પર, પ્રકાશવર્તૃળ નીચે ગોઠવવામાં આવેલી એક ખાલી ખુરશીની છબી મૂકી.

આવી ખાલી ખુરશીને નોબલ સન્માન સમારોહમાં તેમની ગેરહાજરીના પ્રતીક તરીકે મંચ પર ગોઠવવામાં આવી હતી. ઝાઓબો ૨૦૧૦નું નોબલ સન્માન સ્વીકારવા માટે જઈ શક્યા ન હતા, કારણ કે તેમને ચીનની સરકારે કેદમાં રાખ્યા હતા. આઠમી ડિસેમ્બર ૨૦૦૮થી તેમને અગિયાર વર્ષ માટેના કારવાસની સજા ફટકારવામાં આવી હતી. આ તેમની ચોથી વખતની જેલ હતી જે છેલ્લી સાબિત થઈ. તેમને સરકાર ઉથલાવવા માટે ઉશ્કેરણી પૂરું પાડતું લખાણ કરવા માટે ગુનેગાર ગણવામાં આવ્યા હતા. આ લખાણ Charter-૮ તરીકે જાણીતું છે. તેમાં તેમણે ચીનની એકપક્ષીય નિરંકુશ સામ્યવાદી રાજ્ય પદ્ધતિની જગ્યાએ લોકશાહીનો પુરસ્કાર કર્યો હતો. તેમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, જનતાંત્રિક ચૂંટણીઓ, ન્યાયતંત્રની સ્વાયત્તતા, રાજ્યહસ્તક ઉદ્યોગોના ખાનગીકરણ અને આર્થિક ઉદારીકરણનો સમાવેશ થતો હતો. તેની પર તેમણે સાડા ત્રણસો બૌદ્ધિકોની સહીઓ પણ મેળવી એટલે ચિંતામાં પડેલી સરકારે તેમને જેલમાં પૂરી દીધા.

જો કે, આવું પહેલી વાર બન્યું ન હતું. ઝાઓબોનો જેલનો પહેલો ફેરો ૧૯૯૨માં હતો. બીઈજિંગ નૉર્મલ યુનિવર્સિટીના પી.એચડી. અને એમાં જ ચાઇનિઝ સાહિત્યના અધ્યાપક ઝાઓબોએ તેમની વિદ્વત્તા અને વિવેચક તરીકેના તેમના રૅડિકલ વિચારોથી પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ કોલંબિયા, ઓસ્લો અને હવાઇ યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક બન્યા હતા. તેઓ ૧૯૮૯માં અમેરિકાના અધ્યાપન પ્રવાસમાં હતા ત્યારે ચીનમાં વિદ્યાર્થીઓએ અને લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. એટલે ઝાઓબો તાકીદે ઘરે પાછા ફરીને આંદોલનમાં જોડાયા. તેમણે દેશ આખામાં ભાષણોની ઝુંબેશ કરી અને ત્રણ દિવસના ઉપવાસ શરૂ કર્યા. પણ તેના પહેલા જ દિવસ એટલે કે ત્રીજી જૂનની રાતથી ચીનની સરકારે તાઇનાન્મન સ્ક્વેરમાં એકઠા થયેલા આંદોલનકારીઓ પર લશ્કરી મશિનગનો અને ટેંકો ચલાવી, સેંકડો લોકોનાં મોત થયાં. હત્યાકાંડ ઉપરાંત સરકારે જે ધરપકડો કરી તેમાંથી વાટાઘાટો દ્વારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને છોડાવવામાં ઝાઓબોનો ફાળો હતો. જો કે, તેમની ખુદની પણ ધરપકડ થઈ અને તેમને એકવીસ  મહિનાની કેદ વેઠવી પડી તેમ જ અધ્યાપક તરીકેની તેમની નોકરી ગઈ.

જેલમાંથી છૂટ્યા બાદ ઝાઓબોએ માનવ અધિકાર અને રાજકીય સમસ્યાઓ પર લખવાનું શરૂ કર્યું, પણ તેમને લખાણો પ્રકાશિત કરવાની મંજૂરી ન હતી. તેમનું પહેલું પુસ્તક તાઈવાનથી બહાર પડ્યું. ૧૯૮૯ના આંદોલનનાં અંગત  સંભારણાં અને તેની સમીક્ષાના આ પુસ્તકનું નામ છે The Monologues of a Doomsday’s Survivor. ઝાઓબોને ૧૯૯૩ના જાન્યુઆરીમાં એક દસ્તાવેજી ફિલ્મ માટે ઑસ્ટ્રેલિયા અને અમેરિકા બોલાવવામાં આવ્યા હતા. તેમના મિત્રોએ તેમને ત્યાં વસી જવાનું સૂચવ્યું હતું. પણ તેમણે ચીન પાછા જઈને ફ્રિલાન્સ લેખનનો રાહ પસંદ કર્યો.

ઝાઓબેએ ૧૯૯૫માં તાઇનાન્મનની છઠ્ઠી વરસીએ સરકાર સામે ફરી એક ઝુંબેશ શરૂ કરી. તેમણે  હત્યાકાંડના પુનઃમૂલ્યાંકન અને લોકશાહી તરફી એકંદર રાજકીય સુધારાની માગણી કરી. એમને ઘરમાં જ અટકાયતમાં રાખવામાં આવ્યા. થોડા સમયની મુક્તિ બાદ ચીનની તાઈવાન તરફની નીતિના વિરોધ કરતા October Tenth Declaration નામના લખાણ માટે ફરીથી તેમની ધરપકડ કરીને તેમને ત્રણ વર્ષ માટે  ‘રિ-એજ્યુકેશન થ્રૂ લેબર’ તરીકે ઓળખાતી મજૂરીની એક્સ્ટ્રાજ્યુડિશિયલ કહી શકાય તેવી શિક્ષા આપવામાં આવી. અહીં તેમણે ઝિઆ સાથે લગ્ન કર્યાં. પત્નીએ તેમને છેલ્લા દિવસ સુધી અસાધારણ સમજ અને ધીરજથી સાથ આપ્યો. એ સજા પૂરી થયા બાદ તેમણે તાઈવાનમાંથી Nation that Lies to Conscience નામનો રાજકીય સમીક્ષાનો ચરસો પાનાંનો ગ્રંથ બહાર પાડ્યો. તદુપરાંત તેમણે કવિતા, જેલવાસ દરમિયાન તેમની પત્ની સાથેના પત્રવ્યવહાર અને સાહિત્ય વિવેચનનાં પુસ્તકો પણ લખ્યાં. ઝાઓબોએ ૨૦૦૩માં ચીનમાં માનવ અધિકારોની પરિસ્થિતિ વિશે અહેવાલ લખવાનો શરૂ કર્યો એટલે તેમનાં દસ્તાવેજો, પત્રો અને કૉમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યાં. તેમના ઘરની પાસે એક ચોકી ઊભી કરવામાં આવી અને એમના ફોન તેમ જ ઇન્ટરનેટ ટૅપ થવાં લાગ્યાં. તેમની પાસેથી બીજાં બે પુસ્તકો પણ મળ્યાં,જેમનાં નામ વિષયનો નિર્દેશ કરે છે : The Future of Free China Exists in Civil Society અને Single-Blade Poisonous Sword: Criticism of Chinese Nationalism. આ પુસ્તકો અને ઝાઓબોનાં લગભગ બધાં લખાણો ચીનની સરકારને જોખમકારક લાગતાં રહ્યાં છે. એમાં બહુપક્ષીય ચૂંટણીઓ, મુક્ત બજાર, સ્વાતંત્ર્ય, સત્તાના વિકેન્દ્રીકરણ અને સરકાર દ્વારા તેનાં દુષ્કૃત્યોનો સ્વીકાર જેવા મુદ્દાની છણાવટ  છે.

ઝાઓબો જ્યારે અધિકૃત રીતે જેલમાં ન હોય ત્યારે પણ સરકાર તેમના પર કડક જાપ્તો રાખતી. વળી, સરકારને જ્યારે જ્યારે રાજકીય વાતાવરણ સંવેદનશીલ લાગે ત્યારે તેમને નજરકેદમાં રાખવામાં આવતા. સ્વાભાવિક રીતે જ ઝાઓબો અને તેમનાં પત્નીની જિંદગી પીડાજનક હતી. તેમનાં પત્નીએ એ મતલબનું કહ્યું છે કે નોબલ સન્માન સ્વીકારવા માટે તેમને સરકારે જવા ન દીધા ત્યારે તેઓ ખૂબ હતાશ થયા, રડ્યા, એ સંજોગો તેમને અસહ્ય લાગ્યા. તેમની ઇચ્છા સન્માનની રકમ તાઇનાન્મનના ભોગ બનેલા માટે ઉપયોગમાં લેવાની હતી એમ પણ ઝિઆએ જણાવ્યું હતું.

જીવનસંગિની ઝિઆ વિશે, ઝાઓબોએ નોબલ સન્માન વખતે વંચાયેલા પોતાના ભાષણમાં લખ્યું છેઃ ‘હું નક્કર જેલમાં છું ત્યારે તું તારા હૃદયના કારાવાસમાં મારી રાહ જોઈ રહી છે. તારો પ્રેમ એવો સૂર્યપ્રકાશ છે કે જે ઊંચી દિવાલો ઓળાંડીને, મારી જેલની બારીના લોખંડના સળિયાની આરપાર થઈને આવે છે, અને મારા રોમરોમને સ્પર્શે છે, મારા શરીરના દરેકેદરેક કોશને હૂંફ આપે છે. તેનાથી મારું મન શાંત, ખુલ્લું અને ઊજળું રહે છે. તારી એ હૂંફ જેલની અંદરની મારી દરેક ક્ષણને અર્થ આપે છે. બીજી તરફ મારો તારા માટેનો પ્રેમ એ રંજ અને પસ્તાવાના ભારથી ક્યારેક ડગી જાય છે. હું વેરાનમાં પડેલા પથ્થર જેવો છું. તે ભયંકર પવનની થપાટો ખાઈને અને ભારે વરસાદમાં ભીંજાઈને તે એટલો બધો કઠોર થઈ ગયો છે કે તેને અડવાની હિમ્મત કોઈ કરતું નથી. પણ મારો પ્રેમ કોઈ પણ અવરોધને વીંધે એવો મજબૂત અને ધારદાર છે. હું ભૂક્કો, થઈ જઉં તો પણ મારી રાખથી તને બાથમાં લઉં.’ 

આમ તો આખી માનવજાતિને પ્રેમથી બાથમાં લેવી એ ઝાઓબોની ખ્વાહિશ હતી. એમનામાં એક જુદી જ ઉદારતા હતી, જેને કારણે કેટલાક કર્મશીલોને એ મવાળ પણ લાગ્યા હતા. જાહેર વાતમાં એ જેમ તેમના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની તરાપને વખોડે છે. સાથે તેમની પર કાર્યવાહીઓ કરનારા પોલિસ અને ન્યાયખાતાના લોકોએ તેમની તરફ બતાવેલા સદભાવને તેઓ વખાણે પણ છે. તાઇનાન્મન વખતે એક વાર તેમણે કહ્યું હતું, ‘I have no enemies and no hatred.’ આ જ ઉચ્ચારણ  નોબલ વ્યાખ્યાનમાં પણ મૂકીને તેઓ કહે  છેઃ ‘હેટરેડ એટલે કે તિરસ્કારથી માણસની બુદ્ધિ અને તેના અંતરાત્મા સડી જાય છે. દુશ્મનાવટની લાગણી  દેશની ચેતનામાં ઝેર રેડી શકે છે, ક્રૂર સંઘર્ષો માટેની ઉશ્કેરણી પૂરી પાડી શકે છે, સમાજની સહિષ્ણુતા અને માણસાઈનો નાશ કરે છે, અને સ્વાતંત્ર્ય અને લોકશાહી તરફની દેશની ગતિને અવરોધે છે. એટલા માટે હું ઇચ્છું છું કે હું મારા વ્યક્તિગત અનુભવોથી પાર જઈને મારા દેશના વિકાસ અને સામાજિક પરિવર્તનનો વિચાર કરી શકું, શાસકોની શત્રુવૃત્તિનો સામનો સર્વોચ્ચ સદભાવથી કરી શકું અને ધિક્કારને પ્રેમથી મીટવી  શકું.’

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 09-11 

Loading

હિન્દુ રાષ્ટ્ર અને ઇતિહાસલેખન

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2017

ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે

પાકિસ્તાનને બરબાદ કરવામાં સ્કૂલોમાં ભણાવવામાં આવતા ખોટા અને અધૂરા ઇતિહાસે કેવો ભાગ ભજવ્યો છે એ જો તમે જાણવા માગતા હો તો પરવેઝ હુડભોયે કરેલા અભ્યાસનો અહેવાલ જોઈ જવો જોઈએ. પરવેઝ હુડભોય પદાર્થવિજ્ઞાની છે અને સેક્યુલર પાકિસ્તાનના હિમાયતી છે. તેમનો અહેવાલ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો મળી જશે. ખોટા અને અધૂરા ઇતિહાસે પાકિસ્તાનની બે પેઢીને બરબાદ કરી નાખી છે અને આજે જ્યારે પાકિસ્તાનને આધુનિક તેમ જ યુગસુસંગત બનાવવાની જરૂર છે ત્યારે એનું ઉપરાણું લેનારું કોઈ નથી. મોટી પીડા એ છે કે આજે ૭૦ વર્ષે ઇતિહાસ સુધારવો એ ઇતિહાસ બદલવા કરતાં પણ કપરું કામ થઈ ગયું છે.

પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના વિદ્યાર્થીઓને સિંધુ સભ્યતાથી લઈને આજ સુધીનો ઇતિહાસ ભણાવવો જોઈએ. એના દ્વારા વિદ્યાર્થીઓને જાણ થશે કે કઈ રીતે સભ્યતાઓ જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે.’

કોઈ સભ્યતા ધર્મગ્રંથમાં કે ધર્મગ્રંથ દ્વારા વિકસતી નથી. ઊલટું ધર્મ, ધર્મગ્રંથ અને ધર્માનુયાયી સમાજ પણ એ સભ્યતાનો હિસ્સો હોય છે. ધર્મનાં ચશ્માંથી સભ્યતાઓને જોવાની ન હોય અને જો એવો પ્રયાસ કરવામાં આવશે તો તમે તમારી આગલી પેઢીને અસભ્ય બનાવવાનું પાપ કરશો. કહેવાની જરૂર નથી કે ફૈઝ અહમદ ફૈઝે જિંદગીનાં કેટલાંક વર્ષો જેલમાં ગાળવા પડ્યાં હતાં. પાકિસ્તાનમાં ત્યારે બીજા પણ ઘણા ફૈઝ હતા જેમને સાંભળવામાં આવ્યા નહોતા. આજે પાકિસ્તાનને ફૈઝની જરૂર છે અને ફૈઝ બહુ ઓછા પેદા થાય છે.

સિંધુ સભ્યતાને પાકિસ્તાને પોતાની એટલે કે ઇસ્લામિક નથી એમ કહીને નકારી કાઢી, વૈદિક સભ્યતાને નકારી કાઢી, બૌદ્ધ સંસ્કૃિત ગેરમુસ્લિમ છે એમ કહીને નકારી કાઢી, તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો ગૌરવશાળી ઇતિહાસ નકારી કાઢ્યો, પાણિનિના ભાષાકીય વારસાને નકારી કાઢ્યો (પાણિનિનો જન્મ ખૈબરની ખીણમાં કોઈ ગામમાં થયો હતો જેને માટે પાકિસ્તાન ધારે તો ગર્વ લઈ શકે), ઉર્દૂ ભાષામાંથી સંસ્કૃત શબ્દો હટાવી દેવામાં આવ્યા એમ નકારવાની લાંબી યાદી હતી. છેવટે નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં મુસલમાનો આવ્યા ત્યારથી ઇતિહાસ ભણાવવાની શરૂઆત કરવી જોઈએ. પ્રાગ ઇસ્લામિક ઇતિહાસ અસ્તિત્વ ધરાવતો હોય તો પણ સાચા મુસલમાન માટે અસ્તિત્વ નથી ધરાવતો એટલે એને ભણાવવાની જરૂર નથી. કારણ વિના વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન જાગે અને પ્રશ્ન કોમવાદીઓને બહુ તકલીફ આપનારી ચીજ છે. શ્રદ્ધા રાખો, શંકા અને પ્રશ્નો નહીં કરવાના એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આગ્રહપૂર્વક શીખવવામાં આવે છે. આ પ્રશ્નો સાલા બારી-બારણાં ખોલી નાખે છે એને કારણે ઘેટાંઓને નાસી જવાનો મોકો મળે છે.

બધું જ નકારી કાઢ્યા પછી પાકિસ્તાનમાં મુસલમાનોના આગમનથી ઇતિહાસ ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું. પાઠ્યપુસ્તકો લખાયાં જેમાં ખોટો અને અધૂરો ઇતિહાસ હતો. હિન્દુઓને મુસલમાનોના અને ભારતને પાકિસ્તાનના દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યા અને એવા દુશ્મન કે અક્ષરશ: રાક્ષસ બાજુમાં વસતો હોય. પાકિસ્તાનની બે પેઢી કાલ્પનિક (કહો કે પેદા કરવામાં આવેલા મૅન્યુફૅક્ચર્ડ) રાક્ષસના પડછાયામાં ઊછરી છે જે ભયભીત છે એટલે આક્રમક છે. આ બાજુ મુસલમાનોના ઇતિહાસને ભવ્ય ઇતિહાસ તરીકે રજૂ કરવામાં આવે છે.

જો કે પ્રશ્નો તો અહીં પણ જાન છોડતા નથી. કેટલાક ચતુર વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી રહ્યા છે કે મહાન મુસ્લિમ શાસકોએ જ્યાં પરાક્રમ કર્યાં એ ભૂમિ ભરતમાં છે, તેમણે જે ભૂમિ પર શાસન કર્યું એ ભૂમિ ભારતમાં છે, તેમણે જે મહાન સ્થાપત્યો બંધાવ્યાં એ બધાં ભારતમાં છે, મુસલમાનોનાં પવિત્ર ધર્મસ્થાનો ભારતમાં છે, મુસ્લિમ લીગની સ્થાપના ભારતમાં થઈ હતી, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરતા હતા અને તેમનું મકાન ભારતમાં છે તો પછી પાકિસ્તાન એક ખૂણામાં શા માટે છે? બોલો, આ પ્રશ્નોનો શું જવાબ આપવો? પાકિસ્તાનમાં પાઠ્યપુસ્તકો લખનારા દીનાનાથ બાત્રાઓને કહેવામાં આવ્યું હતું કે આવા પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં પેદા ન થાય એવી રીતે પાઠ્યપુસ્તકો લખો. પાકિસ્તાની દીનાનાથ બાત્રાઓ સાત દાયકાથી શંકાતીત સંપૂર્ણ સત્યની જગ્યા લઈ શકે એવા અસત્યની શોધ કરી રહ્યા છે, પણ સાલું સત્ય ક્યાંક ને ક્યાંકથી સરકી જાય છે.

એક શંકા અને એક પ્રશ્ન જૂઠની ઇમારતને તોડી પાડવા સમર્થ હોય છે અને હવે પાકિસ્તાનમાં એ જ બની રહ્યું છે. દરેક સમાજ ખૂબી અને મર્યાદા ધરાવતો હોય છે. દરેક સમાજ ગૌરવ લેવા જેવો અને એ સાથે શરમાવા જેવો ઇતિહાસ ધરાવતો હોય છે. દરેક સમાજે પરાજય અને લાંછનનો અનુભવ કર્યો હોય છે. આમાં જગતનો કોઈ સમાજ અપવાદ નથી. કોઈ એટલે કોઈ જ નહીં. આમાં શરમાવા જેવું અને છુપાવવા જેવું શું છે? બીજું છુપાવી શકાય એમ ન હોય તો એવો ભૂંડો અને ફૂહડ પ્રયાસ કરવો પણ શા માટે જોઈએ? હિન્દુઓનો દરેક યુદ્ધમાં પરાજય શા માટે થયો એનો જવાબ આખી દુનિયા જાણે છે. જ્ઞાતિના કારણે હિન્દુ સમાજ આંતરિક રીતે વિભાજિત હતો એ પરાજયનું કારણ છે એ નકારી ન શકાય એવું સત્ય છે, પરંતુ હિન્દુ રાષ્ટ્રવાદીઓને એનો સ્વીકાર કરતા મરચાં લાગે છે. જેમ દરેક સમાજની પોતપોતાના હિસ્સાની શરમ હોય છે એમ આ આપણા હિસ્સાની શરમ છે. બસ, વાત પૂરી; આમાં છુપાવવા જેવું શું છે?

પરંતુ સત્યનો સ્વીકાર કરવા માટે આપણે મહાત્મા ગાંધી પાસેથી ૫૬ની છાતી ઉધાર લેવી પડે. જૂઠ બોલવા માટે જિગરની જરૂર નથી પડતી, થોડી સી બેઈમાની સે કામ ચલ જાતા હૈ. તો વાતનો સાર એટલો કે ૧૯૪૭માં પાકિસ્તાનના શાસકોએ ઇસ્લામિક પાકિસ્તાનની સ્થાપના કરવી હતી એટલે ઇતિહાસ સાથે દરજીકામ કર્યું હતું. ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે.

તમે શું કરવા માગો છો? જવાબ આપતા પહેલાં હિન્દુ રાષ્ટ્રમાં ઊછરેલો તમારો પૌત્ર કેવો હશે, શું વિચારતો હશે અને શું કરતો હશે એનું એક ચિત્ર આંખ સામે લઈ આવજો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉગસ્ટ 2017

Loading

...102030...3,3513,3523,3533,354...3,3603,3703,380...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved