Opinion Magazine
Number of visits: 9767328
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાસ કેપિટલ : શ્રમનો સૂર્યોદય

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|27 September 2017

‘દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’

આ વાક્ય કોનું? એવો સવાલ આપણને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો મોટાભાગના સાચો જવાબ આપી શકે – કાર્લ માર્ક્સ.

માર્ક્સનું બીજું એક વાક્ય પણ આપણા કાને અને આંખે વારંવાર અથડાતું હોય છે, ‘ધર્મ એ સમાજનું અફીણ છે.’ મૂડીવાદી માહોલમાં માર્ક્સ વિશે આનાથી વધારે આપણે ભાગ્યે જ જાણી શકવાના! પણ, કાર્લ માર્ક્સ એવા મહાનુભાવ છે, જેનું નામ દુનિયાના ઇતિહાસમાં કાલજયી છે અને રહેવાનું છે. કાર્લ માર્ક્સને આટલા બધા ‘માર્ક્સ’ તેમના પ્રત્યેના ભક્તિભાવને કારણે નહીં, પરંતુ તેમના વિચારો અને પુસ્તકોએ દુનિયા પર એક જે પ્રભાવ પાડ્યો, એને ઇતિહાસ અવગણી શકે એમ નથી.

માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે મજૂરોના શોષણ અને અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની વાત કરી છે, એમાં કંઈ ખોટું છે? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના … અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869) પણ નહોતા!

આજે માર્ક્સ પારાયણ કરવાનું નિમિત્ત બન્યું છે, તેમનું પુસ્તક ‘દાસ કેપિટલ’. ગત 14મી સપ્ટેમ્બરના રોજ આ શકવર્તી પુસ્તકના પ્રકાશનને 150 વર્ષ પૂરાં થયાં. એક પુસ્તકનો શું પ્રભાવ હોઈ શકે, એની વાત કરવી હોય તો ‘દાસ કેપિટલ’ તેનું એક મોટું ઉદાહરણ બની શકે એમ છે, કારણ કે આ એક પુસ્તકે દુનિયાની કેટલીક સત્તાઓને ઊથલાવી દીધી હતી. વિશ્વમાં સૌથી પ્રભાવશાળી પુસ્તકોમાં ‘બાઇબલ’ પછી તેનો બીજો ક્રમ આવે છે. ઘણા તો આને ‘રેડ બાઇબલ’ પણ ગણાવે છે. રશિયા અને ચીન જેવા દેશોમાં આ પુસ્તકના પ્રભાવને કારણે ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી હતી. આ દેશોની ક્રાંતિએ બીજા અનેક નાના-મોટા દેશોમાં ક્રાંતિનો ચેપ લગાવ્યો હતો અને મૂડીવાદ સામે સામ્યવાદનો પડકાર સર્જાયો હતો. જો કે, માર્ક્સના વિચારો કરતાં પણ સામ્યવાદના નામે સંતોષાયેલી સત્તાવિસ્તારની લાલસાએ માર્ક્સ અને સામ્યવાદને ખૂબ જ બદનામ કર્યા છે. સામ્યવાદી શાસનમાં શ્રમિકો અને ખેડૂતોનું શોષણ અટક્યું ને તેમના ‘અચ્છે દિન’ આવી ગયા, એવું ન બન્યું, માત્ર શોષણખોર બદલાયા અને સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ લટકામાં. આને કારણે જ સામ્યવાદનાં વળતાં પાણી થયાં. તો શું માર્ક્સના વિચારો અને સામ્યવાદ નિષ્ફળ ગયા છે? અપ્રસ્તુત થયા છે? આનો જવાબ સ્પષ્ટ રીતે હા પાડી શકાય એમ નથી. સામ્યવાદે અર્થતંત્રમાં શ્રમ અને શ્રમિકના મૂલ્યને પ્રસ્થાપિત કરી આપ્યું છે અને એને કારણે જ આજે આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવાની સમજ અને શક્તિ જોવા મળે છે. કાર્લ માર્ક્સના પુસ્તક ‘દાસ કેપિટલે’ શ્રમનો સૂર્યોદય કરાવ્યો હતો, એવું કબૂલ કરવું જ પડે.

તમે શું માનો છો? 

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2017

Loading

લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|26 September 2017

કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે …

સોશિયલ મીડિયા પરથી ઉછળેલો, પ્રસાર માધ્યમોમાં ચગેલો ને સત્તાધારી પક્ષને બરાબર ચચરેલો મુદ્દો છેઃ ‘વિકાસ ગાંડો થયો છે’. સરકારના ટીકાકારો એ વાતે રાજી થયા છે કે બહુ વખતે ભાજપની નેતાગીરી ઘાંઘી થઈ છે. આ ઝુંબેશ કોંગ્રેસે ચલાવી હોત (કાશ, કોંગ્રેસ આટલી અસરકારક ઝુંબેશ ચલાવી શકે એવું દૈવત ધરાવતી હોત) તો તેને કદાચ સહેલાઈથી તોડી પડાઈ હોત. પણ એ કોંગ્રેસની ઝુંબેશ ન હોવાથી તેનો પ્રતિકાર કરવાનું ભાજપને અઘરું પડી ગયું છે. ચપ્પુથી પાકાં કેળાં કાપવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી એક દિવસ એ જ ચપ્પુથી લીલું નારિયેળ છોલવાનું આવે, એવી દશા ગુજરાત ભાજપની થઈ છે.

શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા — મૂછે લીંબું લટકાવીને ફરનારા — ‘વિકાસ ગાંડો થયો છે’ – જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ — એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.

ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા?  મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી. કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.

અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.

અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રૂમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.

અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.

છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી.

એમ.ઓ.યુ.ના નામે મીંડાંની ભરતી આવી. આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. આ જ રીતે અગાઉ ગુજરાતે પણ તાતાને ઉદાર શરતે લોન આપી હતી – નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.

આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળિયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.

હવે જેમની આંખો ખૂલી છે તેમનું વાસ્તવિક-હકીકતોની દુનિયામાં સ્વાગત છે અને તેમની પાસેથી એવી અપેક્ષા કે પક્ષીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો. સરકારની કામગીરીને આગળપાછળનું જોઈને મૂલવો. જેમને મત આપો તેમને માથે ચઢાવવાના બદલે તેમની પાસેથી જવાબ-હિસાબ માગો. નહીંતર વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.

સૌજન્ય : ‘જાગીને જોયું તો’, “દિવ્ય ભાસ્કર”, 26 સપ્ટેમ્બર 2017

Loading

હરિજન શબ્દનું હોવું અથવા ના હોવું

રામચંદ્ર ગુહા|Gandhiana|26 September 2017

પોતાના પુસ્તક ‘ધ અનટચેબલ’માં, માનવશાસ્ત્રી આર.એસ. ખરેએ દલિતોના તે દ્રષ્ટિકોણની ચર્ચા કરી છે કે જેના થકી દલિતો મહાત્મા ગાંધી દ્વારા લોકપ્રિય કરવામાં આવેલ શબ્દ ‘હરિજન’ને જોતાં હતાં, અને તેની વ્યાખ્યા કરતા હતા. લેખક ખરે લખનઊના એક સુધારકની એ વાત ટાંકતા જણાવે છે કે જેમાં એ સુધારક કહે છે કે ‘હરિજનનો જે અર્થ છે તે હિંદુ આપણને ક્યારે ય નહિ બનવા દે અને આપણને તેવા બનવાની ઈચ્છા પણ હોવી જોઈએ નહિ. આ તો પોતાનો અપરાધ બોધ દૂર કરવા માટેનો ગાંધીજીનો એક પ્રયાસ માત્ર હતો. ગાંધીજીએ પોતે ક્યારે ય પણ દલિત શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. ડૉ. આંબેડકરે પણ આ શબ્દનો ઉપયોગ ક્યારે ય નહોતો કર્યો, અને પોતાના અંગ્રેજી ભાષણો અને લેખોમાં આ શબ્દનો ક્યારે ય ઉપયોગ નહોતો કર્યો. તેઓ પોતાનાં લોકોને ‘અસ્પૃશ્ય’ અથવા ‘વંચિત વર્ગ’ (ડીપ્રેસ્ડ) જેવા શબ્દો થકી સંબોધિત કરતા હતા. પરંતુ, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતનાં તમામ વિસ્તારોમાં ‘દમિત’નું જ્ઞાન કરાવતા, શબ્દ દલિતનો ઉપયોગ શરૂ થઇ ચૂક્યો હતો. પણ, વર્ષ ૧૯૭૦ની આજુબાજુ આ શબ્દનું ચલણ વધારે ઝડપી બન્યું કે જ્યારે મહારાષ્ટ્રના એક ઉગ્ર સુધારાવાદી જૂથે પોતાનું નામ જ ‘દલિત પેન્થર્સ’ રાખ્યું. હવે તો ભારતીય દલિત અને બિન દલિત લોકો પણ સમાન રીતે આ શબ્દનો ઉપયોગ કરે છે.

ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું, ત્યારે હિંદુ સમાજના આ સૌથી નીચલા વર્ગ માટે ‘હરિજન’ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. તેઓ આ વર્ગ માટે જ્યારે ગુજરાતીમાં કંઇક બોલતા અથવા લખતા હતા, ત્યારે ‘અંત્યજ’ અથવા અંગ્રેજીમાં ‘સપ્રેસ્ડ’ શબ્દનો ઉપયોગ કરતા હતા. સપ્ટેમ્બર ૧૯૩૨માં જ્યારે ગાંધીજીએ દલિતો માટે અલગ મતદાર મંડળ સ્થાપવાના વિરોધમાં પૂણેની યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા, ત્યારે ડૉ. આંબેડકર પણ તેમનાં સમર્થનમાં હતા. ત્યારે ગાંધીજીની નબળી તબિયતને જોતાં ડૉ. આંબેડકરને એક કરાર પર સહી કરવી પડી કે જે કરાર દમિત વર્ગ માટે આરક્ષિત બેઠકોમાં વૃદ્ધિની તરફેણમાં હતો, છતાં આ કરાર તમામ હિંદુઓ માટે એક સંયુક્ત મતદાર મંડળના સ્વરૂપમાં હતો. પૂના પેક્ટ બાદ તરત જ ગાંધીજી અસ્પૃશ્યો માટે ‘હરિજન’ શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરનાં સંતાન’. ગાંધીજી આ શબ્દને ‘અસ્પૃશ્ય’ની સરખામણીમાં ઓછો નિરાશાજનક માનતા હતા.

‘હરિજન’ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ સંત કવિ નરસિંહ મહેતાએ કર્યો હતો. ગાંધીજી તેમના પ્રશંસક હતા. ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને …’ પણ નરસિંહ મહેતાની રચના છે. હરિજન શબ્દનો સ્વીકાર કરતી વેળાએ ગાંધીજી માનતા હતા કે ‘એવું નથી કે નામ બદલવાથી સંજોગો બદલાઈ જાય છે, પણ જે-તે શબ્દના ઉપયોગથી તો બચી જ શકાય છે કે જે શબ્દથી તમે નિમ્ન છો એવો અનુભવ થાય છે. ગાંધીજી ‘યંગ ઇન્ડિયા’ નામક સાપ્તાહિક સમાચારપત્ર કાઢતા હતા. ૧૯૩૩માં તેમણે આ પત્રનું નામ બદલીને ‘હરિજન’ કરી દીધું. તેમની દ્રષ્ટિએ અસ્પૃશ્યતા ખતમ કરવાનું એટલું જ મહત્ત્વપૂર્ણ હતું કે જેટલું મહત્ત્વપૂર્ણ રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું હતું. દેશમાં દરેક સ્તરે આ વિચારને માન્યતા મળી, અને હિંદુ મધ્યમવર્ગ તથા રાષ્ટ્રવાદી પ્રેસમાં આ નામ ખૂબ ઝડપથી ચલણમાં આવી ગયું. અસ્પૃશ્ય હવે હરિજનના નામથી ઓળખાવા લાગ્યા હતા. પરંતુ, ડૉ. આંબેડકર આ સાથે સહમત નહોતા. તેમણે આ વાત નકારી કારણ કે તેઓ પોતાના સમાજને કોઈ પદવી થકી ઓળખવામાં આવે તે વાતના વિરોધી હતા.

સપ્ટેમ્બર ૧૯૩૨માં ઉપવાસ પર જતાં પહેલાં, ગાંધીજીએ અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી હતી, કે જેને ચલાવવાની જવાબદારી ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા અને સામાજિક કાર્યકર્તા એ.વી. ઠક્કરની હતી. ઉપવાસ પૂર્ણ થયા અને પૂના સહમતિ પર હસ્તાક્ષર થયા બાદ, આનું નામ ‘હરિજન સેવક સંઘ’ કરવામાં આવ્યું. ગાંધીજીના સહયોગી ચક્રવર્તી રાજગોપાલાચારી(રાજાજી)એ આ નામનો વિરોધ કર્યો. તેઓનું કહેવું હતું કે ‘હરિજન સેવક સંઘ’ નામ અસ્પૃશ્યતા ચાલુ છે, એવી પ્રતીતિ કરાવે છે. તેમના મતે ‘જો નામ રાખવું જ હોય તો આનું નામ ‘અસ્પૃશ્યતા દૂર કરો લીગ’ હોવું જોઈએ, કે જેના થકી સંદેશો વધારે સ્પષ્ટ રીતે પહોંચશે. ચક્રવર્તી રાજગોપાલાચારીનું કહેવું હતું કે ‘જે વર્ગ માટે આપણે વિચારી રહ્યા છીએ, તેમની સેવા એ આપણો હેતુ નથી. આપણો હેતુ તો અસ્પૃશ્યતા નામની આ બીમારીને જડમૂળમાંથી ખતમ કરવાનો છે. રાજાજીએ હરિજન સેવક સંઘના અધ્યક્ષ જી.ડી. બિરલા અને સચિવ એ.વી. ઠક્કરને પત્ર લખીને પોતાનાં મનની વાત જણાવી દીધી. તેઓ વધારે ભાર ‘દૂર કરો’ શબ્દ પર આપતા હતા. ગાંધીજી સહમત નહોતા. ગાંધીજીએ લખ્યું, ‘સંઘ પોતાના નામના કારણે સફળ અથવા નિષ્ફળ નહિ થાય. તેની પરીક્ષા અને સફળતા તેના કામ દ્વારા આંકવામાં આવશે. બિરલાજી અને ઠક્કરજીએ આ આધાર પર રાજાજીનો મત નકારી દીધો અને કહ્યું કે ‘કારણ કે હાલમાં જ સંસ્થાનું નામ બદલવામાં આવ્યું છે, માટે આટલું જલદી ફરી વખત નામ બદલવું સંભવ નથી.

ગત કેટલાક દાયકામાં દલિત વિચારકો અને કાર્યકર્તાઓએ ‘હરિજન’ શબ્દને નકારવાનું શરૂ કર્યું છે. લેખક આર.એસ. ખરે વર્ષ ૧૯૮૦ના જે સુધારકની વાત કરે છે તે તો માત્ર આનું પ્રતિનિધિત્વ કરે છે. સત્ય તો એ છે કે ગાંધીજીના જીવનકાળ દરમિયાન જ ‘હરિજન’ શબ્દ પર ચર્ચા થવા માંડી હતી. કેટલાક લોકો આને ‘દયા’ જેવી માનતા હતા. એપ્રિલ, ૧૯૪૪માં એક પત્રકારે ગાંધીજીને એવું કારણ આપીને નામ બદલવાનું કહ્યું હતું કે, જેમાં એવો મત હતો કે આ જે લોકો માટે છે એ લોકો જ જ્યારે આ માટે સહજ નથી, તો આ નામ બદલીને કોઈ સહજ નામનો સ્વીકાર કેમ ન કરવામાં આવે. ત્યારે ગાંધીજીનો જવાબ હતો કે આ નામ ‘હરિજન’ સમુદાય તરફથી જ સૂચવવામાં આવ્યું હતું. તેઓએ માન્યું કે ‘અસ્પૃશ્યતાની ભાવના ખતમ થઇ જવી જોઈએ’, પણ, આગળ જોડ્યું કે ‘આ પ્રક્રિયાને ત્યારે જ ગતિ મળશે કે જ્યારે હિંદુ સચેતન રૂપમાં શ્રેષ્ઠતા બોધ ત્યાગીને વ્યવહારમાં હરિજન બને. ત્યારે આપણે ઈશ્વરનાં સંતાન એટલે કે ‘હરિજન’ બનીશું. પણ, આ તર્ક નબળો તેમ જ સહજ રીતે સ્વીકાર્ય નહોતો. શક્ય છે કે ગાંધીજીએ રાજાજીની નામ બદલવાની સૂચનાને નકારીને કદાચ ભૂલ કરી હોય. એક વાત નક્કી છે કે ‘હરિજન’ શબ્દ સાથે સમસ્યા શરૂઆતથી જ રહી છે. આ શબ્દ પાછળનો વિચાર ભલે ગમે તેટલો સારો રહ્યો હોય પણ આજના સંદર્ભમાં તો આ અપ્રાસંગિક જ છે.

નોંધ:

૧. તારીખ ૨ ઓગસ્ટ, ૧૯૩૧ના રોજ ‘નવજીવન’ના અંકમાં ‘અંત્યજ’ને બદલે હરિજન શબ્દ અપનાવવામાં આવ્યો. (ગાંધીજીની દિનવારી)

૨. તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ના દિવસે યરોડા જેલમાં ગાંધીજીના ઉપવાસ ચાલુ હતા. તે દરમિયાન પૂનામાં નેતાઓ વચ્ચે સમજૂતી થઇ ગઈ; વિલાયત વડાપ્રધાનને કરવાનો તાર સરકારી મહેલે પહોંચાડ્યો:- ગાંધીજીને ખોવા કોઈને પાલવે એમ નથી; અમે સૌ સંમત થઇ વિનંતી કરીએ છીએ કે આપનો ચુકાદો પાછો ખેંચો અને અમારી યોજના સ્વીકારો; હરિજનો માટે અલગ બેઠકો રહે પણ અલગ મતદાર મંડળ નહિ. (ગાંધીજીની દિનવારી)

૩. તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ વડાપ્રધાને આ સમજૂતી સ્વીકારી. ઉપવાસ છોડતા પહેલાં ગાંધીજીએ યરોડા જેલના વડાને સ્પષ્ટતાથી કહ્યું:- મેં જેને માટે – હરિજનોના કલ્યાણ માટે – ઉપવાસ કર્યો હતો તેના અંગેનું કામ કરવા માટે એટલે કે તેના અંગેના પત્રવ્યવહાર અને મુલાકાતો માટે મને સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. (ગાંધીજીની દિનવારી)

અનુવાદ – નિલય ભાવસાર

Email – nbhavsarsafri@gmail.com

અહીં રામચંદ્ર ગુહાના મૂળ લેખની લિન્ક અહીં આપીએ છીએ.

http://www.livehindustan.com/blog/latest-blog/story-the-untouchable-anthropologist-rs-khare-dalits-mahatma-gandhi-harijan-1142321.html

Loading

...102030...3,3443,3453,3463,347...3,3503,3603,370...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved