Opinion Magazine
Number of visits: 9584347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર તો આજે ય પ્રાસંગિક છે, પ્રશ્ન આપણો છે

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|8 August 2017

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી

માથે ધરું ધૂળ વસુંધરાની

આ પંક્તિ જેટલી સરળ છે એટલી જ સરળતાથી ઉમાશંકર પોતાની અંદરના વ્યક્તિને ઓગાળી શકતા હતા. અને ઓગળીને ક્યાં પ્રસરવાનું હતું? વિશ્વસમાજમાં, અને એ પણ આધુનિક મૂલ્યોની ખેવના સાથે. મેં ઉમાશંકરને ઓગણીસો ચોર્યાશી-પંચ્યાશીની આસપાસ આ પરિષદના ઉપરના જયંતિ દલાલ ખંડમાં નીરવ પગલે આવીને પાછળની ખુરશીમાં શાંતિથી બેસતા અને કાર્યક્રમના સમાપનની વિધિ થાય તે પૂર્વે એવી જ નીરવતાથી બહાર સરી જતા જોયા છે. એ વખતે નિરંજન ભગત મીરા, દયારામથી લઈને ન્હાનાલાલ સુધીના સર્જકો અંગે વ્યાખ્યાન આપતા જેનો અમારા ઘડતરમાં ફાળો છે. આજે એમના જન્મદિવસની આ ગોષ્ઠીમાં ઉમાશંકરની જેમ જ સ્વાતિબહેન કાર્યક્રમ શરૂ થયાની થોડી વાર પછી આવ્યાં અને મને આ વાત યાદ આવી.

આજના સમયની સહુથી મોટી વિડંબના તો એ છે કે બંધારણના અજવાળે શાસન કરવા મળેલી બહુમતીનો ઉપયોગ એ જ બંધારણીય અધિકારોના હનન માટે થઈ રહ્યો છે, અને બહુ એ ચતુરાઈપૂર્વક. આ ચતુરાઈ એ છે કે વારે વારે આપણને બહુમતીનો હવાલો આપીને કહેવામાં આવે છે કે ચૂંટાયેલી સરકાર જો યુનિવર્સિટીઓ કે સાહિત્ય અકાદમીને પોતાની દેખરેખ હેઠળ લઈ લે તો એમાં સ્વાયત્તતા અને એના લોકતંત્રનો ભંગ નથી થતો કેમ કે છેવટે એમ કરનાર બહુમતીથી ચૂંટાયેલી સરકાર છે, એટલે એક રીતે ત્યાં સ્વાયત્તતા અને લોકતંત્ર તો છે જ. હમણાં સંજય ભાવેએ મેઘાણી, ઉમાશંકર અને દર્શકનો ઉલ્લેખ કર્યો, આમાં મેઘાણી પહેલાં ગાંધી અને ઉમાશંકર તથા દર્શકની વચ્ચે જયંતિ દલાલને આપણે ઉમેરવા જોઈએ. જો આપણી પાસે સ્વતંત્રતા, સ્વાયત્તતા અને લોકશાહી જેવાં આધુનિક મૂલ્યો અને સમાજિક ન્યાય જેવા સિદ્ધાંતોનો પાયો નાખનાર આ પરંપરા ન હોત તો આપણે ક્યારના ય આ ગિલીન્ડરો સામે  સરંડર થઈ ગયા હોત. પણ આપણે દીવાદાંડી વિનાના દરિયામાં નથી ફસાયા. ઉમાશંકર દીવાદાંડી જેવા સર્જક છે. રોજબરોજના શાંત વાતાવરણમાં એમની મોજુદગી ભલે ન અનુભવાય, પણ જ્યારે દિશાભ્રમની સ્થિતિ સર્જાય ત્યારે એક તેજલીસોટાની જેમ એ સામે આવે છે અને ઝંઝાવાતની સ્થિતિમાં પણ આપણું નાવડું પાર લગાવી આપે છે. આજે મારે એમનામાં જોવા મળતાં આધુનિક મૂલ્યો અને સિદ્ધાંતોની એમની ત્રણ કવિતાના આધારે ચર્ચા કરવી છે. એ ત્રણ કવિતા છે : ‘અલવિદા દિલ્હી’, ‘જીર્ણ જગત’ અને ‘હું જનશક્તિ’. અને હું જ્યારે ‘ઉમાશંકરમાં જોવા મળતા … ’ એમ કહું છું ત્યારે વાત માત્ર શબ્દની નથી પણ પોતાના શબ્દની પાસે અડીખમ ઊભેલા માણસની છે. આજના સમયની એ પણ એક મોટી કઠણાઈ છે કે સાહિત્યકારનો શબ્દ બાળકો આભલામાંથી ભીંત પર ફરતા ચાંદરણાં ફરતાં કરે એવો થઈ ગયો છે. સવારે લખાતો શબ્દ સાજે અંતરિયાળ મૃત્યુ પાસે છે ને એને લખનાર બરાબર એનાથી વિરુદ્ધ ઊભો હોય છે. દર રવિવારે આપણે છાપાંઓની પૂર્તિઓમાં માત્ર અને માત્ર શબ્દોની જગલરી જોઈએ છીએ અને એવા સમયે ઉમાશંકર તીવ્રતાથી યાદ આવે છે, કેમ કે એ આજે પણ પોતાના શબ્દની પાસે અડીખમ ઊભા છે.

‘અલવિદા દિલ્હી’ કવિતા તો મને પહેલેથી જ બહુ ગમતી. પણ આજે એની લખ્યા તારીખ ઉપર  અને આ જ ગુજરાતી સાહિત્ય પરિષદના કવિ સંમેલનમા એ કાવ્ય  વંચાયાની તારીખ પર મારી નજર પડે છે ત્યારે  આપણા સહુની પીઠ ઉપર ઉમાશંકરનો હુંફાળો હાથ અનુભવાય છે. એની લખ્યા તારીખ છે, ૨૫-૦૪-૧૯૭૬, અને પરિષદના કવિ સંમેલનમાં વંચાયાની તારીખ છે ૦૮-૦૧-૧૯૭૭.  આ તારીખનું મહત્ત્વ એટલે છે કેમ કે આ કાવ્ય કટોકટી દરમિયાન લખાયું છે. અને એ વંચાયું આઠ જાન્યુઆરી ઓગણીસસો સત્યોતેરના દિવસે, કટોકટી હળવી થવાના ત્રણ-ચાર દિવસ પહેલાં. એમાં આવતું સંસદના ખંડનું આ વર્ણન જૂઓઃ

અલવિદા સંસદ!
સંસદગૃહ, તારા કારિન્થિયન સ્તંભો સમક્ષ
ગમે તેવો માનવ, મહામાનવ, દેવમાનવ
તેય માંડ માનવ જેવડો લાગે.

અહીં ‘કારિન્થિયન સ્તંભો’ દ્વારા કવિ લોકશાહીનો મહિમા કરે છે અને સહુને એની સામે ઊભા કરી ‘.. તેય માંડ માનવ જેવડો લાગે’કહી લોકશાહી મૂલ્ય સમેત માનવ થવું કેટલું કાઠું છે એ પણ કહી દે છે. આજે આપણે ઉમાશંકરને એટલે યાદ કરીએ છીએ કે કટોકટી વખતે એ રાજ્યસભાના સાંસદ હતા, એ વખતે પણ બહુમતીથી ચૂટાયેલી કૉંગ્રેસ સરકારનું શાસન હતું. એ વખતે પણ એવો તર્ક તો કરનારાઓએ કર્યો જ હશે કે “બહુમતીથી ચૂંટાયેલી સરકારે કટોકટી લાદી છે” એટલે એક રીતે તો આ લોકતંત્રિક પગલું જ ગણાય. આગળની પંક્તિઓમાં ‘ભારત ચારો’ કહી ત્યાંની ગતિવિધિ એ ‘લાઈવ ટેલિકાસ્ટ’ નિરૂપે છે જે આપણને આજે દેખાય છે. અને પછી આજે આપણને નથી દેખાતું એ દેખાડતા કહે છેઃ

દીવાલો પર દિવંગત નેતાઓની માણસ-અદકેરી છબિઓ
છે-નથી સમી.
વીજળી પ્રકાશ ચોપડેલી ગાંધી બાપુની આંખો બધું જોયા કરે.

અને પછી કટોકટીનું આવું વ્યંગ સભર કરુણ વર્ણન છે :

એકાએક સોપો પડ્યો.
કોઈક ગણગણ્યુંઃ હવે જબાન બંધ જાણજો.
ફલાણાભાઈ કરે આપણા પક્ષની વાત જો,
ભૂંડાએ વગોવ્યા મોટા ખોરડા.

કટોકટી લાદનારે આ કવિવાણી હિંદી કે ઇગ્લિશમાં વાંચી હોત તો અને આજે ફરી ગુજરાતીમાં વાંચે તો આજનાઓને સમજાશે કે ‘ભૂંડાએ વગોવ્યા મોટા ખોરડા.’ એટલે શું? અને પછી કવિ ‘દીવાલ પરની છબિઓ માત્ર બોલે, બોલે મહાત્માનું મૌન’ કહી, સહેજ અટકી, ખચકાટ-કચવાટ સાથે કહે છેઃ

શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,
લઈ ચાલ ત્યાં,
જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,
જ્યાં અર્ધેક ઈશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,
જે આપતો આશા ને લઈ લે ભાષા.

કટોકટી દ્વારા રાજસત્તાએ પ્રજા સમસ્ત પર જે ઊંડો ઘા કર્યો છે તે આ ‘જે આપતો આશા ને લઈ લે ભાષા’ છે. દોસ્તો, આજે ઉમાશંકરનો આ ટોન અને એમની આ દિશા કાળજીથી જાળવી રાખવાની જરુર છે. આપણે સહુ આ જાળવી રહ્યા છીએ. સિતાંશુભાઈએ હમણાં અકાદમીના નિમાયેલા અધ્યક્ષ વિષ્ણુભાઈને લખેલા પત્રમાં કહ્યુંઃ

“ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે સરકારી સત્તાની રૂએ, ચૂંટણી ન થવા દે, એ પ્રથા (ગમે તે પક્ષની સરકાર, ગમે તે સમયગાળામાં હોય તો પણ) સર્વથા અસ્વીકાર્ય છે.”

અને ઉમાશંકરે ૧૯૮૬માં ગુજરાત સરકારની અકાદમીએ એમને સારસ્વત સન્માન આપવા માટે ઠરાવ્યું ત્યારે એમણે સન્માન લેવાનું માંડવાળી વળતા જવાબમાં સરકારને જે કહ્યું તે આ પ્રમાણે હતું : “ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતા ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ.”

આ ટોન આપણે જાળવી રાખવાનો છે. જેમ ઉમાશંકર ‘અલવિદા દિલ્હી’ના અંતે કહે છે :

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો –
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.
ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે એને વધુ વાંકી વાળતી
તો સિતાંશુ સિંહવાહિની સ્તોત્રમાં કહે છે :
“શાસક કુટિલ, શાસિત સ્વાર્થ નિમગ્ન સચિવગણ યંત્ર,
ઘૂંટણભર જલદર્પણ ડૂબ્યા ઋષિ ન દેખે મંત્ર.

આજે શાસક તો કુટિલ છે પણ આ’ઋષિ’ … આપણે ઉમાશંકરનો આ ટોન અને એમણે ચીંધેલી આ દિશા જાળવી રાખવાની છે. સત્તા સામે આ બધું જાળવવું સહેલું તો નહીં જ હોય એનો અણસારો પણ કવિ ‘જીર્ણ જગત’માં આ રીતે  આપી ગયા છે :

મને મુર્દાની વાસ આવે!
સભામાં, સમિતિમાં, ઘણાં પંચમાં, જયાં
નવા નિર્માણની વાતો કરે જુનવાણી જડબાં, એક હા-ની પૂંઠે જ્યાં ચલી વણજારમાં હા,
– મળે ક્યાંક જ અરે મર્દાનગીની ના, – પરંતુ એહને ધુત્કારથી થથરાવવા કરતાં.

આનો વધુ એક પરચો અમને હમણાં સ્વાયત્ત અકાદમી આંદોલન વખતે મળ્યો. આપણે ૧ મે, ૨૦૧૫ના સમયથી અમદાવાદ મ્યુિનસિપાલિટી દ્વારા આયોજિત પુસ્તક મેળામાં સ્વાયત્ત અકાદમી આંદોલનના બિલ્લા પહેરી ‘બજ ટેગિંગ’ કરીએ છીએ, પત્રિકા વિતરણ કરીએ છીએ. હમણાં ૨૦૧૭ના પુસ્તક મેળામાં પણ અકાદમી સ્વાયત્ત કરવાની માંગણી સાથે હું પ્રકાશ ન.શાહ અને બારીન મહેતા બિલ્લા પહેરી ‘બજ ટેગિંગ’ કરતા હતા, આ રઘુવીરભાઈની દુકાન પાસે અમે સહુ અટક્યા ત્યારે એમણે ઉપહાસમાં વ્યંગ કરતા મને, પ્રકાશભાઈને અને બારીન મહેતાને કહ્યું :

“તમે ત્રણ જ ટક્યા છો?”

ભાઈ, અમે ત્રણ નથી. અમારી સાથે સાથે નિરંજન ભગત, સિતાંશુ યશશ્ચંદ્ર, ચંદ્રકાન્ત ટોપીવાળા અને ધીરુ પરીખ, રમણ સોની, હિમાંશી શેલતથી લઈને ગુજરાતના અનેક સાહિત્યકારો છે. અમારી પીઠ ઉપર ઉમાશંકરનો હુંફાળો હાથ છે, અને એમનો હાથ એમની પીઠ ઉપર જ હોય જેમની પાસે મૂલ્યો માટે રાજસત્તા સામે ટટ્ટાર ઊભી રહે એવી કરોડરજ્જુ હોય. 

આપણે સહુ જાણીએ છીએ કે ઉમાશંકર જીવનનાં આરંભકાળથી અંતિમ ઘડી સુધી ગાંધીવિચાર સાથે વહ્યા છે. હા, વહ્યા છે, એ વિચારધારા સાથે સંકળાયેલી સત્તાનાં ફીણમાં  તણાયા નથી. જો તણાયા હોત તો આજે આપણે “જ્યાં અર્ધેક ઈશારે દુનિયા વર્તી જાય સત્તાનો ફરેબ, જે આપતો આશા ને લઈ લે ભાષા.” જેવી લોકતંત્રના માર્ગને અજવાળતી કાવ્યપંક્તિઓ ન પામ્યા હોત. અને જે વિચારધારા સાથે આપણે સહમત હોઈએ એ વિચારધારાનાં કટોકટી જેવાં અલોકતાંત્રિક પગલાંનો વિરોધ કરવા જેવું સામર્થ્ય ન પામ્યા હોત. એ માટે કવિની છાતી જોઈએ જેનું માપ ઈંચમાં ન હોય, ‘વિશ્વશાંતિ’માં કવિએ કહેલી આવી પંક્તિઓમાં હોય :

“વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવીઃ પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ!”

આજે તો પોતાની વિચારધારાની વાત આવે એટલે ત્રાજવાં-કાટલાં જ બદલાઈ જાય છે. કટોકટી વખતે જેમને વ્યક્તિના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સંસ્થાઓની સ્વાયત્તતા અને લોકતંત્રનું હનન દેખાતું હતું એમને આજે પોતાની વિચારધારાની સત્તામાં સંસ્થાઓની સ્વાયત્તતા અને એના લોકતંત્રનું હનન દેખાવાનું તો બાજુ પર રહ્યું પણ રાજસત્તાના એ કૃત્યને જસ્ટિફાય કરી રહ્યા છે. અને એ પણ પાછું ઉમાશંકરનું નામ દઈને! કહે છે કે આજે જો ઉમાશંકર હોત તો એમણે મારી પીઠ થપથપાવી હોત.

મને યાદ છે અમે ત્રણેક મિત્રો પહેલીવાર ૧૯૭૯માં અમદાવાદ ભણવા આવ્યા ત્યારે શ્રીમતી ગાંધી મોરારજી દેસાઈની અઢી વર્ષની સરકારને ઉથલાવી બહુમતીથી ફરી સત્તામાં આવ્યાં હતાં. પણ અમારી ચર્ચાનો વિષય તો એ રહેતો કે કટોકટી દરમિયાન મુંબઈમાં ઇંદિરા ગાંધીની સવારી નીકળી ત્યારે ઉમાશંકર ભીંત સામે મોં કરી ઊભા રહ્યા હતા. સ્વતંત્રતા, લોકતંત્ર કે સ્વાયત્તતા એવાં મૂલ્યો છે જેને જાળવવા માટે જબરી હિંમતની જરૂર પડે. ભીંત સામે મોં કરી ઊભા રહેવા જેટલી હિંમતની જરૂર પડે. એટલે જ કહું છું, ઉમાશંકરે જે દિશા ચીંધી છે એના  કેડા તો છોડાય જ નહીં, એમનો જે ટોન છે એને સમયાનુસારની પીચની વધઘટ સાથે આપણે જાળવવો રહ્યો.

હમણાં જ, થોડા દિવસ પહેલાના ‘ઇંડિયન એક્સપ્રેસ’માં અમર્ત્ય સેને આ બહુમતીથી ચૂટાયેલી સરકારને કહ્યું કે તમે યુનિવર્સિટીઓને સરકારી ઑફિસની જેમ ન ચલાવી શકો. અત્યારે ગમે તે યુનિવર્સિટીમાં પગ મૂકો, તમને શિક્ષણ કે કેળવણી કરતાં વેપાર અને નફા-નુકસાનની ભાષા અથવા તો સત્તામાં જે પક્ષ છે એમની વિચારધારાનો અતિરેક જ જોવા મળશે. અને  સ્વાયત્તતાની વાત આવે ત્યાં તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેવીં સંસ્થાઓની સામાન્ય સભામાં પણ એક એવું કોરસ હોય છે જે બોલ્યા કરે … “આ સ્વાયત્તતા  સિવાયની વાત કરો” આવી સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે જ ઉમાશંકરે ‘જીર્ણ જગત’ કહ્યું છે : “મને મુર્દાની બૂ સતાવે!”

ઉમાશંકરને જ્ઞાનપીઠ પુરકસ્કાર ઓગણીસસો સડસઠમાં કન્નડ કવિ કુવેમ્પુ સાથે મળ્યો હતો. ઓગણીસસો છોંતેરમાં કવિએ જ્યારે વાંકી વળેલી ખેડૂની પીઠ પરથી તું ઊતરી શકીશ, એમ કહી દિલ્હીને અલવિદા કહ્યા પછી પણ એમણે લોકતાંત્રિક મૂલ્યો અને સામાજિક ન્યાય જેવા સિદ્ધાંતોની ખેવના વિસારે નહોતી પાડી. કવિએ ૧૯૮૬માં કરેલી “ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતા ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ.” ટકોરના કારણે એ વખતની સરકાર ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્ત અને લોકતાંત્રિક બનાવવા તૈયાર થઈ. દર્શકની અધ્યક્ષતામાં યશવંત શુક્લ તથા અન્ય સાહિત્યકારોએ અકાદમીનું બંધારણ ઘડ્યું અને ૧૯૯૩માં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રજાકીય સંસ્થા બની. આ અકાદમીને સરકારે ૦૭-૦૪-૨૦૧૫ ના એક કચેરી હુકમથી ફરી પોતાના તાબામાં લીધી. એની સ્વાયત્તતા માટે લડ્યા વિના આપણી પાસે ક્યાં કોઈ વિકલ્પ હતો! રાજસત્તા સાથે રહેનાર ગણ્યાગાંઠ્યા સાહિત્યકારોને બાદ કરતાં આખા ગુજરાતના સાહિત્યકારો અકાદમીની સ્વાયત્તતા માટે કટિબદ્ધ થયા. આવું એટલે કરી શકાયું કેમ કે સહુથી આગળ ઉમાશંકરનું “ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતા ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ.” આ કથન ઊભું હતું. એટલે જ તો નિરંજન ભગતે કહ્યુંઃ “ઉમાશંકરનું કર્યું ધૂળ થોડું થવા દેવાય?” એમનું કર્યું ધૂળ ન થાય; કેમ કે એમની સાથે ગામથી જે શબ્દ આવ્યો હતો એ આજે ય આપણી વચ્ચે સજીવ છે. એમણે રાજનીતિનાં બે પાસામાંથી રાજસત્તાનો નહીં, જનસત્તાનો મહિમા કર્યો હતો. એમણે રાજશક્તિનો નહીં જનશક્તિનો મહિમા કર્યો હતો, આ રીતે …

જનશક્તિ હું,
રુંધાયેલા ચૈતન્યની ઢૂંઢી રહી અભિવ્યક્તિ હું,
જંજીર પગમાં તોય ઠોકરે
રાજમુગટો કૈંક; ને શા થરથરે
કાળજાં દુઃશાસકોના મારી ભૈરવી ત્રાડથી
માર્ગ મુજ છાયો કંઈ સામ્રાજ્ય કેરા હાડથી.

આજના દિવસે એમના આ શબ્દથી મારી વાતને વિરામ આપું છું. આભાર.        

(તા. ૨૧-૦૭-૨૦૧૭ના રોજ કલ્ચરલ ઍન્ડ એજ્યુકેશન ફોરમના ઉપક્રમે જે બોલાયું છે તેને એ જ ભાવ-ભાષા સાથે લખ્યું છે.)         

તા. ૨૧-૦૭-૨૦૧૭

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ, 04-06

Loading

नेताजी ! आपका बेटा घर आ गया हो तो हम बाहर निकले ?

Kirtish Bhatt|Opinion - Cartoon|8 August 2017

courtesy : BBC, Hindi, 08 August 2017 

Loading

મૂલ્યોનો સંઘર્ષ અને ઉમાશંકર

મનીષી જાની|Opinion - Opinion|8 August 2017

કલ્ચરલ એજ્યુકેશન ફોરમે ગોષ્ઠીનું મથાળું, ‘પ્રજાજીવનના કવિ ઉમાશંકર’ બાંધ્યું છે તે સવિશેષ આનંદની વાત છે. એ કવિની વૈચારિક ભૂમિકા દર્શાવનારું છે. આપણે ત્યાં મોટે ભાગે કવિતાના રસાસ્વાદ ને શબ્દ શાશ્વત્‌ છે, એવી વાતો વધુ ચાલતી હોય છે.

વળી મને હમણાં એક મૂંઝવણ પણ ઘણાં વખતથી એ છે કે આપણાં ગુજરાતમાં સાહિત્યકારો ને સાહિત્યની સંસ્થાઓ કેવી રીતે ચર્ચા કરતી હોય છે. હમણાં જ જ્યારે સરકારી સાહિત્ય અકાદમીના સરકારી અધ્યક્ષ વિષ્ણુભાઈએ સ્વાયત્તતા માટે લડનારા એ ચતુર્વણા વ્યવસ્થાની જેમ જે ચાર પ્રકારો પાડ્યા, એને સિતાંશુભાઈએ યોગ્ય રીતે જ મૂકેલાં છે તે આપણે ‘નિરીક્ષક’માં વાંચી ચૂક્યાં છીએ. એટલે મારી મૂંઝવણ એ છે કે આપણે ત્યાં કેમ હંમેશાં કોઈ પણ મુદ્દે વૈચારિક ભૂમિકાને ચાતરી જવામાં આવે છે. ખાસ તો આ વૈચારિક મુદ્દાઓથી ચાતરી જવા જ તમે કોઈને પણ કહી દો કે આ ડાબેરી સર્જક છે, આ સામાજિક કવિતા કરનારો કવિ છે, આ માનવતાવાદી છે, આ ગાંધીવાદી છે. આ મુશાયરાનો કવિ છે ને ફલાણો કૃષિકવિ છે.

આવાં લેબલોને લઈ સર્જક કવિની વૈચારિક ભૂમિકાની ચર્ચા થાય જ નહીં. એક લેબલ લગાડી તેની ઉપેક્ષા અવહેલના કરો, ને બાજુમાં મૂકી દો! આ એક નકારાત્મક પદ્ધતિ છે.

અને ખાસ તો એ વાત છે કે આવાં લેબલ લગાડનાર ખુદ – હા, હું જમણેરી છું કે ફલાણા કવિ જમણેરી છે એવું નથી કહેતા કે નથી એવું કહેતા કે હું હિંદુ રાષ્ટ્રવાદી છું! આવું જો કહે તો આપણને કોઈ વાંધો ન હોઈ શકે. દરેકને પોતાની વિચારસરણી રાખવાનો હક્ક છે પરંતુ તમે છદ્મવેશી બનીને અન્યના વિચારોને રોકવાના પ્રયત્નો કરો તે ઘણાં પ્રશ્નો ઊભા કરે છે.

મારે ઉમાશંકરને કોઈ લેબલ નથી મારવું. એમણે પોતાના વિના બહુ સ્પષ્ટ રીતે અનેક વાર જણાવ્યું છે કે પોતે કોણ છે. અને તે આપણે જાણવું જોઈએ એટલે જ ઉમાશંકરને એ રીતે તપાસવા બહુ જરૂરી છે. વૈચારિક ભૂમિકાએ કવિને તપાસવાની, કવિતાને જાણવાની પરંપરા આપણે ઊભી કરવી જોઈએ. એક નવો ચીલો પાડવો જોઈએ. મોટે ભાગે માત્ર અધ્યાપકીય રીતે ‘રસાસ્વાદ’ થતાં રહ્યા છે તેનાથી હવે છૂટવું રહ્યું.

દુકાળને કારણે સાબરકાંઠાના લુસડિયાથી સ્થળાંતર કરી બામણા ગામમાં વસેલા આર્થિક રીતે અત્યંત સામાન્ય એક પરિવારના, તેજસ્વી તરુણ ઉમિયાશંકર અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. મૅટ્રિકમાં સમગ્ર બોમ્બે સ્ટેટમાં ત્રીજા નંબરે અને અમદાવાદમાં પ્રથમ નંબરે પાસ થાય છે. ૧૯૨૯માં ગુજરાત કૉલેજમાં ભણતાં હોય છે, ત્યારે સાઈમન કમિશનના બહિષ્કારના મુદ્દે વિદ્યાર્થીઓની ઐતિહાસિક હડતાળ પડી હતી. ઉમાશંકર તેમાં ઝંપલાવે છે. તેજસ્વી વિદ્યાર્થી તરીકે મળતી શિષ્યવૃત્તિ જો તે પરીક્ષામાં ન બેસે તો ગુમાવશે એવી તેમને નોટિસ મળી ચૂકી હતી.

આ ગ્રામીણ તરુણ શિષ્યવૃત્તિના સહારે જ ભણી શકે એમ છે. એ સત્તર વર્ષનો તરુણ જે નિર્ણય આ મુદ્દે કરે છે, તે દર્શાવતો પત્ર તા. ૧૧ જાન્યુ ૧૯૨૯ના રોજ કુટુંબીજનોને લખે છે. તે વાંચવા જેવો છે :

તા. ૩૦મીના આગલા શુક્રવારે ફરીથી લેવામાં આવતી પરીક્ષા(?)ની ફી આપી દેવી જ જોઈએ એમ જાહેર થયું હતું. ભાઈ દલસુખે તથા મેં નિશ્ચય કરી દીધો હતો કે ફી કોઈ કાળે ન જ આપવી. અમે ન આપી … તમે તો મને બહુ જ આગ્રહપૂર્વક જણાવેલ કે બધું ય બાજુ મૂકી. અવ્વલ નંબરની વાણીઆશાહી વાપરી આપખુદ સત્તાનાં હિમાયતીઓને ‘જીહા! જીહા!’ ભણવી. પરંતુ હું એવો વૈશ્ય નથી એ તમારે જાણવું જોઈતું હતું … सा विद्या या विमुक्तये। ’તે વિદ્યા, જે વિમુક્તિદા’ – એવી જે ગુલામીમાં સડે છે તેમને તેમાંથી વિમુક્તિ આપનાર, અંધકારમાં વિભ્રમિત ફરનારાઓને પ્રકાશ આપી એમાંથી ઉગારનાર, ભૂલેલાને રસ્તો સૂઝાડનાર. પડેલાને હાથ ઝાલી ઉદ્ધારનાર વિદ્યાના જ ઉપાસક થવાની મારી મહેચ્છા છે. નહીં કે સ્વમાનને બાજુએ મૂકી, તુમાખી ભરેલા અધિકારીઓના ગુલામીમાં જકડી દેતા હુકમોને તાબે થતાં શીખવે એવી વિદ્યાના પૂજક થવાની … હું તો એથી ય આગળ વધી કહું છું કે ઘેરથી કોઈ પણ પ્રકારે અંદર દાખલ થવું જ એવી ભારપૂર્વક શિખામણ આપવામાં આવી હોય. છતાં અન્તરાત્મા કબૂલે છે કે દાખલ થવું તે મહાપાપ છે તો જરૂર ન દાખલ થવું. કારણ પિતૃભક્તિથી ચલિત ન જ થવું જોઈએ. છતાં અન્તરાત્માને પસંદ પડતાં પ્રહ્‌લાદે બાળપણમાં પણ પિતાના અવળા વિચારથી વિરુદ્ધ વર્તન અમાનુષિક અત્યાચારો સહન કરીને પણ કરવાની હિંમત ખેડી હતી. રાવણથી છૂટા પડતાં, વિભીષણે પોતાના અંતરાત્માની સહાય હોવાથી, લેશ પણ બીક રાખી નહોતી અને એમ કરવાથી જ એમને ઇષ્ટપ્રાપ્તિ થઈ હતી.

… અને મુશ્કેલીઓ તો સૌને હોય છે. સારું કરવા જનારના માર્ગમાં મુશ્કેલીઓ ન આવતી હોય તો જગમાં આટલી બધી બુરાઈ વધત કે? મુશ્કેલીઓમાં આર્થિક મુશ્કેલી તો મુશ્કેલી જ ન ગણાય. આવતી પંદરમી તારીખે પરીક્ષા ન આપે તો ગર્વમેન્ટ સ્કૉલરો-બે-ને ૬ માસની સ્કૉલરશીપ ન આપવી. આને Merit-Scholarship કહે છે, એ તો તમે જાણતા હશો. આપણા ગુણની એમને કદર હોય ત્યાં સુધી એ સ્કૉલરશીપ આપે. સ્વમાન-સ્વતંત્રતા – જે આપણી દૃષ્ટિએ ગુણ હોય તે એમની આંખમાં અવગુણ તરીકે ખૂંચે તો જરૂર એ સ્કૉલરશીપ બંધ કરે. પણ જો પરીક્ષામાં અમે બેસીએ તો ગુલામીમાં સબડવાની ઇચ્છારૂપી ગુણની ખાતરી એમને આપીએ તો જરૂર તે સ્કૉલરશીપ બંધ ન કરે. કોણ સલાહ આપવાની હિંમત કરશે કે આવો ગુણ ધરાવી સ્કૉલરશીપ મેળવવી ? જરૂર, પિતાશ્રી તો ના જ કહે.

(પત્રો : ૧૯૨૮-૧૯૫૦, પૃ. ૭-૧૦માંથી સંકલિત અંશો)

આ પત્રમાંથી પ્રગટતાં ઉમાશંકરના મિજાજ ખુમારી, સ્વતંત્રતા અંગેની સમજને મૂલ્યનિષ્ઠા ઉલ્લેખનીય છે. અને આ જ મૂલ્યનિષ્ઠા ઉમાશંકરનો પાયો છે. એ સતત પ્રગટતી આપણને જોવા મળે છે. જાહેરજીવનના દરેક પ્રસંગે વ્યક્ત થતી રહે છે.

૧૯૩૦માં દાંડીકૂચના સત્યાગ્રહી તરીકે જોડાય છે. ગામડાઓ ખૂંદે છે. ધરપકડ વહોરે છે. અને જેલમાં પણ જાય છે. ઉમાશંકરની જાણીતી પંક્તિઓ :                  

સ્વતંત્ર પ્રકૃતિ તમામ
એક માનવી જ કાં ગુલામ?

અનેક જગાએ વંચાતી બોલાતીને શાળાઓમાં ભણાવાતી રહી છે. આ પંક્તિઓ ૧૯૩૦માં જ તરુણ ઉમાશંકરે દેત્રોજના પોલીસથાણામાં ધરપકડ દરમિયાન લખેલી એવું જ્યારે જાણીએ ત્યારે આ પંક્તિઓનું મહત્ત્વ વિશેષ બની રહે છે. સમયના બંધન વિના કવિતા જાણવી એવા ઘણાનો દુરાગ્રહ હોય છે. પણ કવિના સમયકાળ-સંજોગોના સંદર્ભમાં કવિતા વાંચવાથી કંઈક વિશેષ આપણે મેળવીએ છીએ એ શું મૂલ્યવાન નથી?

આવા સવાલો કૉલેજો યુનિવર્સિટીઓમાં ઊઠવા જોઈએ એવું નથી લાગતું? અને લાંબા જેલવાસ દરમિયાન આપણને તેમનાં છ નોંધપાત્ર નાટકો મળે છે, જેમાં ખાસ ઉલ્લેખનીય છે તેમનાં સ્ત્રી પાત્રો. ઉમાશંકરની વાર્તાઓ ને નાટકોમાં સ્ત્રીઓ તરફની તેમની સન્માનપૂર્વક જોવાની દૃષ્ટિ એ તેમનાં વિચારજગતના પ્રતીક તરીકે જોવી રહી.

૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને કાકાસાહેબ કાલેલકર અને ધર્માંનંદ કૌસાંબી એવા શિક્ષકો મળે છે. કૌસાંબી તે સમયે વિદ્યાપીઠમાં રશિયનક્રાંતિનાં વર્ગો લેતા હતા અને જવાહરલાલ નેહરુ વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે સમાજવાદ આવે તેની સમાજમાં શું અસરો થાય એ અંગેની શંકાકુશંકાઓ સાથેની ચર્ચાઓ જે યુવા ઉમાશંકરે કરી હતી તે પોતાની રોજનીશી ‘વાસરી’માં લખેલી છે.

અને આ જ સમયમાં પરદેશી કાપડ બહિષ્કારનું આંદોલન પણ ચાલતું હતું. યુવા ઉમાશંકર અને તેમના સાથીઓ વિદ્યાપીઠથી ખાદી લઈને નીકળે અને અમદાવાદ શહેરના કાપડ માર્કેટમાં જઈ પરદેશી કાપડની દુકાનની આગળ સવારથી સાંજ ઊભા રહે અને લોકોને ખાદી ખરીદવા પ્રેરે. પરદેશી કાપડ વેચતા વેપારીની દુકાનની બહાર આખો દિવસ ખભે ખાદી નાંખીને ઊભા રહેવું એ સહેલી વાત ન હતી. વરસાદ પડતો હોય તો ય વેપારીનો તિરસ્કાર વેઠીને ય ઊભા રહેવું અને લોકોને પરદેશી કાપડને બદલે ખાદી ખરીદવાનું સમજાવવાનું એ અઘરી વાતો તો ખરી જ.

લોકોની વચ્ચે તેઓ આજીવન રહ્યા છે. તેમને માત્ર સાહિત્યકારો ને અધ્યાપકો જ મિત્રો ન હતાં. તમામ પ્રકારના લોકો તેમના મિત્રો. આઝાદીની લડતમાં સક્રિય ભૂમિકા ભજવી, ઘણીવાર જેલમાં ગયા પણ દેશ જ્યારે આઝાદ થયા ત્યારે આનંદઉત્સવની વાતો કે પોતાની પીઠ પોતે જાતે થપથપાવવાનું કામ તેમણે નહોતું કર્યું. ૧૯૪૭ના ઑગસ્ટ મહિનાના ‘સંસ્કૃિત’માં લોકોની જ ચિંતા તેમણે વ્યક્ત કરી ‘બ્રિટનનો સત્તા ત્યાગ’ એવા મથાળા હેઠળ તેમણે લખ્યું :

‘… પણ આ ઘટનાને એની બીજી બાજુ પણ છે. અંગ્રેજને પોતે હિંદ છોડી રહ્યા છે એનો જેટલો ઉમંગ છે એ માટેનાં પગલાં લેવામાં જેટલો ઉત્સાહ છે, જેટલી હોંશ છે. તેટલી એમનાથી છૂટ્યા કહેવાતા હિંદને હોય એમ જોવા મળતું નથી. પ્રજાના કોઈ પણ પક્ષમાં ક્યાં ય ઉમળકો નામ ને વસ્તુ નજરે પડતી નથી!

‘એટલા ઉપરથી જ હિંદ ખરેખર અંગ્રેજના પ્રભાવમાંથી કેટલુંક છૂટ્યું છે – કેવુંક છૂટ્યું છે – એનું સૂચન મળી રહે છે.’ 

(સમયરંગ, પૃ. ૧૭, ૨૦૦૪)

‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે’ – એવું માનનારા ઉમાશંકર યુવાવસ્થામાં ગાંધીજીના સમયમાં જ સતત કામ કરતાં રહ્યા. પણ તેમને ગાંધીવાદી કે ગાંધીજીની સાહિત્યકારનું લેબલ પસંદ ન હતું. યશવંત ત્રિવેદી સંપાદિત ‘ઇન્ટરવ્યૂઝ’(૧૯૮૫)માં છપાયેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું : ‘ગાંધીયુગ પ્રયોગ સાહિત્યચર્ચામાં બરોબર છે? રાજા કે રાજવંશને નામે સાહિત્યના પણ યુગોનું નામકરણ થતું પછી ઇતિહાસના સામંતશાહી જેવા વલણને અનુસરી મુખ્ય કોઈ લેખક ઉપરથી થતું જોવા મળે છે. હવે એ પદ્ધતિ ખપની લાગતી નથી. વળી, નીતિવિષયક મૂલ્યોનો આગ્રહ એ માત્ર ગાંધીજીના જીવનકાળની જ વાત હોય એવું નથી. ગોવર્ધનરામમાં પણ જોઈ શકાશે. ગાંધીજીનો આયુષ્યકાળ પૂરો થતાં હાશ નીતિવિષયક મૂલ્યોનો સંદર્ભ અપ્રસ્તુત થઈ ગયો એમ માની લેવામાં ભૂલ કરી બેસશો.’

(થોડુંક અંગત, પૃ. ૯૯, ૨૦૧૧)

૧૯૭૦માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત પામ્યા. ગુજરાતમાં જે પ્રકારનું રાજકારણ શરુ થયું અને ચીમનભાઈ પટેલે ધારાસભ્યોને ખરીદી પંચવટી ફાર્મમાં પૂરી મુખ્યપ્રધાનપદ મેળવ્યા જે ખેલ ખેલ્યો ત્યારે ઉમાશંકર સત્તાની સાથે રહી ચૂપ ન રહ્યા. રાજ્યસભાને રાજ્યસભા બહાર પણ સક્રિય બન્યા અને તેમની મૂલ્યોના સંઘર્ષની લડાઈ નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન, જેપી આંદોલન, જનતા મોરચાની રચના અને કટોકટી કાળ સુધી ચાલુ રહી. તેઓ પોતે જ આ અંગે લખે છે :

‘છેલ્લા દશકામાં દેશની સ્થિતિ વણસતી જતી હતી ત્યારે વધારે લખવાનું બન્યું. રાજ્યસભામાં તો ખાસ બોલ્યા વગર જ હું છ વરસ પૂરા કરત. પણ ગુજરાત પ્રકરણ અને કટોકટીને કારણે સહેજે બોલવાનું થતું. એકંદરે કહી શકાય કે ચાલુ બનાવો પર બોલવા-લખવા પાછળ મૂલ્યોનો સંઘર્ષ કારણભૂત રહ્યો છે.         

(સમયરંગ, પૃ. ૮, પ્રથમ આવૃત્તિ ૧૯૭૮)

નવનિર્માણ આંદોલન દરમિયાન તેઓ સતત વિદ્યાર્થીઓને મળતા રહ્યા એ પછી અમદાવાદ હોય કે દિલ્હીમાં. દિલ્હીમાં અમે તિહાડ જેલમાં હતા ત્યારે રોજ સવારે પુસ્તકો અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદોને લઈ મળવા આવતા. ગુજરાતની સ્થિતિ ને વિદ્યાર્થીઓના આંદોલનને લઈ તેમણે બે વિગતવાર ભાષણો કર્યા. અને તેમણે જે લેખ લખ્યા તેમાં રજૂ થતી તેમની સૂક્ષ્મ અને ઘટનાઓને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાની દૃષ્ટિ ઉલ્લેખનીય બની રહે છે : ‘એમાં સૌથી સારી વસ્તુ એ છે કે કોમી એખલાસને આંચ આવી નથી. ૧૯૬૯ની કારમી સ્મૃિતઓ અને ગઈ સાલનો મોડાસાનો કોમી ભડકો એ હજી મગજમાં તાજાં છે. કોમી એખલાસ તૂટ્યો હોત તો અમારી તદ્દન ખાનાખરાબી થાત. નહીં કે તેને તોડવાના પ્રયત્ન થયા ન હતા. પણ સદ્‌ભાગ્યે વિદ્યાર્થીઓ ચેતી ગયા અને લોકો પણ આપોઆપ એ અંગે સચેત થઈ જતા. અમદાવાદમાં નવનિર્માણ સમિતિના વિદ્યાર્થીઓએ શાહપુરમાં શહીદ-પંકજ-ને પુષ્પાંજલિ આપી અને એ એકના એક પુત્રને ગુમાવનાર પિતા પાસે આશ્વાસન આપવા માટે ગયા અને ત્યાંથી નીકળી જમાલપુરમાં શહીદ ફઝ્‌યુલને ત્યાં જઈને પુષ્પો ચઢાવ્યાં અને તેના પિતા અબ્દુલ રહીમને મળીને દિલસોજી આપી. વળી જ્યારે કોમી એખલાસ ભયમાં હતો ત્યારે તરત જ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા. કોઈ કુરાને શરીફમાંથી આયાતો બોલવા લાગ્યા તો કોઈ ગીતાનો પાઠ કરવા માંડ્યા. અને એ રીતે તેઓ કોમીશાંતિ જાળવવામાં સફળ થયા.

‘… લશ્કર વિશે પણ બે શબ્દ કહેવા જોઈએે. ૨૭મી જાન્યુઆરીએ અમદાવાદમાં જે લશ્કર બોલાવવામાં આવ્યું તેની સામે પ્રજાને કશી ફરિયાદ કરવાની નથી. લશ્કર રહ્યું તે ગાળામાં કશું બન્યું નથી. અમદાવાદમાં લોકોએ એને વધાવ્યું. લાખ જેટલા માણસોએ રસ્તાની બે બાજુએ ઊભા રહીને તેની પ્રત્યે ભાઈચારાનો ભાવ પ્રદર્શિત કર્યો.’

(સમયરંગ, પૃ. ૩૮૧-૮૬)

લોકલડત પૂર જોશમાં ચાલતી હતી તેવામાં દિલ્હીમાં એક નેતા સાથે તે અંગે વાત થતાં મેં કહ્યું : બારીઓ અંદરથી બરોબર બંધ કરવામાં આવી હતી. બારણાને તાળા લગાવવામાં આવ્યાં હતાં. દરવાજા પર બંદૂકધારી ગોઠવાયેલો હતો. પણ એવું બન્યું કે મકાનનું છાપરું ઊડી ગયું!

પ્રજાની લાગણી કેટલી બધી ધૂંધવાઈ પ્રબળ બની હશે ત્યારે એમ થવા પામ્યું હશે? પ્રજાને ચારે બાજુથી આંતરવામાં આવે તો બીજું શું થાય?

(૧૯-૪-૧૯૭૪) (શેષ સમયરંગ, પૃ. ૪૦૬, ૨૦૦૪)

૧૯૭૪માં ગુજરાતમાં વિધાનસભા વિસર્જન બાદ જે નવી મોરચા સરકાર બની તેની આખી ય પ્રક્રિયા, જયપ્રકાશ નારાયણે ગુજરાતમાં ઊભી કરેલી લોકસંઘર્ષ સમિતિના સભ્ય તરીકે ઉમાશંકરે જોઈ હતી. લોકઉમેદવારો અને વિરોધ પક્ષોએ ભેગા થઈ બનાવેલા જનતા મોરચાનું ચૂંટણી પ્રતીક એક જ હોય એવો એક આદર્શ હતો જે અંગે પક્ષો વચ્ચે મતભેદ હતા. આ અંગેની એક મિટિંગ અમદાવાદના ટાઉનહૉલના ગ્રીનરૂમમાં જયપ્રકાશજી અને મોરારજીભાઈ વચ્ચે ચાલી રહી હતી ત્યારે ટાઉન હૉલમાં બહાર ઊભા રહી સૂત્રોચ્ચાર કરી એક પ્રતીકની વાત ઉમાશંકરે કહી હતી. ગુજરાતના રાજકારણમાં સર્વોચ્ચ કહેવાતા ‘મોરારજીભાઈએ ઉમાશંકરને વખોડતાં પત્રકારોને જણાવ્યું હતું કે ઉમાશંકર મોટા કવિ ખરા પણ તેમને રાજકારણમાં સમજ ના પડે!’

પણ ઉમાશંકરને રાજકારણમાં કેવી ઊંડી સમજ પડતી હતી એ તેમનું ૧૯૭૫માં લખેલું લખાણ જ વ્યક્ત કરે છે. ૧૯૭૭માં મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા હતા એટલી વાત ધ્યાનમાં રાખીને અહીં મૂકેલાં તેમના લખાણના કેટલાક અંશો વાંચવા આજે રસપ્રદ બની રહેશે :

જનતાએ તો ભારે સમજ બતાવી ગણાય. મોરચાને સૌથી આગળ મૂક્યો પણ ચોખ્ખી બહુમતી આપી નહીં. કૉંગ્રેસને પાછળ રાખી પણ પક્ષ તરીકે સારો દેખાવ કરવા દીધો. કિમલોપને કોઈએ પણ ધાર્યું હોય તે કરતાં ભારે શિકસ્ત આપી – માત્ર બાર જ બેઠકો આપી અને મોટી વાત તો એ બની કે તેના ચૂંટણીમાં પાવરધા નેતાને તેર હજાર મતથી હાર મળી. જનતાએ સૌથી વધુ રોષ કિમલોપ તરફ બતાવ્યો.

જનતા ‘મોરચાની અને લોકસંઘર્ષ સમિતિ અપવાદરૂપ વ્યક્તિઓ બાદ કરતાં ઘણા મોટા ભાગની વ્યક્તિઓ આરંભથી જ કિમલોપ સાથે ગઠબંધન ચાહતી હતી અને તેઓમાંથી કેટલાકના પ્રયાસો ભાગ્યે જ ક્યારેક પણ અટક્યા હોય. જો તેમની ઇચ્છા પ્રમાણે મોરચાએ કિમલોપ સાથે અગાઉથી ગઠબંધન કર્યું હોત તો એ બંનેને થઈને પણ ૮૬ બેઠકો ન મળત. ચૂંટણીમાં પ્રજાએ કિમલોપ અંગે જે ચુકાદો આપ્યો તે પછી ‘બિનશરતી’ ટેકો આપતા કિમલોપનો હાથ ઝાલવા દોટ મૂકવામાં જનતાની ઇચ્છાને માન આપ્યું એમ કહેવું એ પ્રજાને ભરમાવવા જેવું છે. મોરચાએ લઘુમતી સરકાર રચવાની તૈયારી બતાવી હતી. તેને વળગી રહેવાનું હતું.

… ગુજરાતની ચૂંટણીઓની ફલશ્રુતિ મોરારજી દેસાઈને માટે પૂર્ણ નહીં તો લગભગ પૂર્ણ સંતોષકારક લેખી શકાય. હવે અત્યારે જોવું શક્ય છે કે તેઓશ્રી પોતાનું મન બરોબર સમજતા અને એક આંકેલી માર્ગરેખા પર મક્કમપણે તેઓ ચાલતા રહ્યા ને ધાર્યું મેળવ્યું ત્યારે રહ્યા. પછી ભલેને લાંબાં હિતોની દૃષ્ટિએ ગુજરાતને અને દેશ સમગ્રને ગમે તેટલું સોસવાનું આવે.

… મોરારજી દેસાઈને એક વ્યવહારુ રાજકારણી તરીકે પ્રામાણિક ખ્યાલો અને પોતાની મર્યાદાઓ હશે. પણ ગુજરાતની ચૂંટણીઓ નિમિત્તે દેશને નવી આશા મળે એવું ક્રાંતિનું વાતાવરણ જન્માવવાનું અને દેશને સાચી દોરવણી આપવાનું તેઓશ્રીએ ટાળ્યું. ગણતરીપૂર્વકની ઉઘાડી રાજરમતથી સંતોષ માન્યો. એને પરિણામે જનસંઘને ગુજરાતની પાછલી વિધાનસભામાં જેટલી બેઠકો હતી તેટલા હોદ્દા (વત્તા સંસદીય સચિવનો હોદ્દો) મળ્યા, પોતાના પક્ષના આધિપત્યવાળી નવી સરકાર રચાઈ, બાઈબલકથિત ‘પ્રોડિગલ સન’ જેવા કિમલોપી નેતા પોતાને પાછા આવી મળ્યા! સંસ્થા કૉંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીએ ઠરાવમાં ઘા પર મીઠું ભભરાવતા શબ્દો વાપર્યા કે ‘નવનિર્માણના આંદોલનની’ ભાવનાને ઉઠાવ મળ્યો છે:

… ગુજરાતની એક વ્યક્તિએ વડાપ્રધાન બનવું છે, અને અન્યને મુખ્યપ્રધાન (એક સૌરાષ્ટ્રી નેતાએ તે કરી બતાવવાનું પણ લીધું છે,) – આ બે મહત્ત્વકાંક્ષાઓનાં પડ વચ્ચે ગુજરાતનું જાહેર જીવન થોડા વખત ભીંસાતું રહેવાનું. શ્રીમતી ગાંધીના સત્તાદોરને ખાળવાના પ્રયત્નો ગુજરાતમાં અપ્રતિષ્ઠિત થયેલ સર્વોચ્ચવાદ, શ્રી ચીમનભાઈની સત્તાથી પૈસો-થી સત્તા-થી પૈસો તરફની દોટ, અને પ્રમાણમાં અજાણ્યા એવા જનસંઘની પ્રતિષ્ઠા કરવામાં પરિણમ્યા છે.

ગુજરાત કેળવણીના અને જાહેર જીવનના અન્ય ક્ષેત્રોમાં હવે મોરારજીભાઈ-કસ્તૂરભાઈ-ચીમનભાઈ ધરીનો દબાવ અનુભવશે.

(૨૩-૬-૧૯૭૫)                       

(શેષ સમયરંગ, પૃ. ૪૪૪-૫૦)

આજના સમયે દેશમાં જે હાલત ઊભી થઈ છે તેનો અણસાર ઉમાશંકરના આ લખાણમાં આપણે પામી શકીએ છીએ.

મૂલ્યના સંઘર્ષમાં સતત અડીખમ રહેલા ને ખાસ તો ક.મા. મુનશીના સાહિત્ય પરિષદ પરના વૈચારિક આધિપત્યને આંદોલનથી તોડનારા ઉમાશંકર વિશે વિચારતા આજના સમયમાં એક બીજી મૂંઝવણ પણ મને થતી રહી છે કે ઉમાશંકરના ઘણી શિષ્યો હતા. તેમની આંગળી પકડીને ઘણા સાહિત્યકારો અકાદમીથી માંડી અનેકાનેક સંસ્થાઓમાં સ્થાન પામ્યા. આ શિષ્યો કહો કે ઉમાશંકરની સાથે ચાલનારાઓમાં ઉમાશંકરમાં મૂલ્યોના સંઘર્ષમાં સક્રિય ભૂમિકા અદા કરવાની જે તાકાત – મિજાજ હતાં તેનો નાનો સરખો અંશે ય કેમ તેમનામાં દેખાતો નથી?

અત્યારે તો ખરેખર ચારેકોર જ અંધારું છે ત્યારે મૂલ્યો માટે ઊંચા અવાજે હિમ્મતભેર બોલનારાઓની ઘણી જરૂર છે. ઉમાશંકરના શિષ્યો અને સાથીદારો ક્યાં છે? મારી મૂંઝવણનો કોઈ જવાબ આપશે?

(ગોષ્ઠીમાં આપેલા વક્તવ્યના સંકલિત અંશો)

૨૧-૭-૨૦૧૭

E-mail : manishijani@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 06-08

Loading

...102030...3,3163,3173,3183,319...3,3303,3403,350...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved