આલીપોરથી OBE : અહમદ લુણત ‘ગુલ’ : ગુજરાતી રાઇટર્સ ફોરમ, 27 James Street, BATLEY, West Yorkshire WF17 7PS : પૃષ્ઠ – 112+22 = 134 : પ્રથમ આવૃત્તિ – અૅપ્રિલ 2017 : મૂલય – રૂ. 200 / £ 5
જાણીતા અંગ્રેજ કવિ અબ્રાહમ કાઉલીએ, 1668માં પ્રગટ થયેલા નિબંધોમાં, Of Myself નામક નિબંધની શરૂઆતે લખ્યું છે : It is a hard and nice subject for a man to write of himself; it grates his own heart to say anything of disparagement and the reader's ears to hear anything of praise for him. “મારી જીવનકથા’ના પહેલા પ્રકરણનો આરંભ જવાહરલાલ નેહરુએ આ જ વાક્યથી કર્યો છે. મૂળ અંગ્રેજીમાં લખાઈ આ જીવનકથાનો સંઘેડાઉતાર અનુવાદ મહાદેવભાઈ દેસાઈ કનેથી આપણી જમાતને પ્રાપ્ત થાય છે. મહાદેવભાઈએ આ નમૂનેદાર અનુવાદમાં અબ્રાહમ કાઉલીને આ રીતે ઉતાર્યા છે : “પોતે પોતાના વિષે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે; કારણ, પોતાને વિષે કશું ખરાબ લખતાં પોતાને ખટકે અને સારુ કહેતાં સાંભળનાર કે વાંચનારને ખટકે.”
આની પછીતે, વિલાયતના વેસ્ટ યૉર્કશર વિસ્તારમાં પાંચ-સાડાપાંચ દાયકાથી વસવાટ કરતા અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ને જોવા-વાંચવા-તપાસવાનું રાખ્યું. ‘પ્રયોજન’માં લેખક ખુદ નોંધે છે : ‘… જે કોમ અને સમાજનો સભ્ય છું તેના સર્વાંગ વિકાસ માટે કંઈક કરી છૂટવાની મારી ખેવના. મેં બાટલીમાં પગ મૂક્યો ત્યારે માંડ દોઢસો જેટલા ગુજરાતી મુસ્લિમો વસે. એક નવી સમાજ રચનાના આરંભના અને સંઘર્ષના એ દિવસો, સ્થાયી થવાની મથામણમાં પડેલો સમાજનો પ્રત્યેક સભ્ય. પ્રતિકૂળ વાતાવરણ, નાણાંભીડ અને કાર્યકર્તાઓનો અભાવ, અને સમાજના માથે ઊભેલું પાયાનું કામ, ખરેખર હામ ભીડવાનો સમય. કોમ પ્રત્યેની મારી તીવ્ર લાગણીએ જ મને કોમી કાર્યોમાં જોડાઈ જવા પ્રેરેલો અને તે આજ પર્યંત ચાલુ છે.’
ગુજરાતી ડાયસ્પોરાની જમાતે આ પહેલાં પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’ જોયું વાંચ્યું છે. મોહનદાસ ગાંધીના દક્ષિણ આફ્રિકાના સમયગાળાની ગાથા અને વિગતો તેમાંથી મળે છે. બીજી પાસ, પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં પગ ખોડીને ઊભા થયેલા શ્રેષ્ઠી નાનજી કાળિદાસ મહેતાની આત્મકથામાં વસવાટી જનજીવનનો પાયો કઈ રીતે મજબુતાઈ હાંસલ કરે છે તેની વિષદ વાતો આપણને નાનજીશેઠે આપી છે. તદુપરાંત, પાકિસ્તાની જમાતના અવ્વલ પત્રકાર અને ગુજરાતી સાહિત્યકાર દીપક બારડોલીકરે આપણને બે ભાતીગળ અને ઊંચેરી સ્મરણકથા આપી છે − ‘સાંકળોનો સિતમ’ તેમ જ ‘ઉછાળા ખાય છે પાણી’. વળી, હમણાં હમણાં અમેિરકામાં વસવાટી બનેલા અને ત્યાંના મુખ્ય પ્રવાહમાં ભારે મોટો ફાળો આપનાર નટવર ગાંધીની મજબૂત આત્મકથા ય મળી છે – ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’. આ અને આવી સઘળી ચોપડીઓની પછીતે ય આ આપવીતી જોવાતપાસવાનું અભ્યાસુ સંશોધકોને ગમવાનું.
અહમદ લુણતનો, સન 1938માં, નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવ્યા આલીપોર ગામે, સુરતી સુન્ની વોરા જમાતનાં દંપતી યુસૂફભાઈ અને અમીનાબહેનને ત્યાં જન્મ થયેલો. દંપતીને ચાર સંતાનો − ત્રણ દીકરાઓ અને એક દીકરી. અહમદભાઈ સૌથી મોટા. એમના માતાપિતાની આર્થિક સ્થિતિ સાધારણ. દાદા દક્ષિણ આફ્રિકે કમાવાધમાવા ગયેલા. િપતાએ પણ ત્યાં આંટાફેરા કરેલા, પણ મહદ્દ અંશે આલીપોરમાં હાટડી ચલાવે અને થોડીક જમીન પર ખેતી ગુજારો કરે. પિતા દક્ષિણ આફ્રિકે ગયા ત્યારે એમને કામની સામે નજીવી આવક મળતી અને આ બાજુ ચાર ભાંડું અને માતાને ગુજરાન માટે મુશીબતના દિવસો હતા. મા તનતોડ મહેનત કરતાં. આવી હાલત વચ્ચે અહમદભાઈનું પ્રાથમિક શિક્ષણ આલીપોરમાં થયું અને માધ્યમિક શિક્ષણ ચિખલીમાં. કોઈક પ્રકારની નાનીમોટી રોજગારી કરતાં કરતાં અને ક્યાંક કેટલીક આર્થિક સહાયથી એ આગળ ભણે છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી બી.કોમ્.ની ઉપાધિ ય મેળવે છે. અને પછી નસીબ અજમાવવા સન 1963માં વિલાયતની વાટ પકડે છે.
ઉમાશંકર જોશીની ‘ઓરતા’ નામે એક કવિતા છે. કવિ કહે છે :
ક્ષણો ઝડપવી, અગણ્ય ક્ષણમાંથી એકાદ-બે,
અને સમયના અનંત ટહૂકાર એમાં ફૂંકી
સ્ફુરાવવી જગે;
વારુ, અહીં અહમદ લુણતની આપવીતીમાંથી આવી બેપાંચ ક્ષણ ઝડપીએ :
એ દિવસોમાં પરદેશની વાટે પડનારાને રિઝર્વ બૅન્ક અૉવ્ ઇન્ડિયા ફક્ત ત્રણ પાઉન્ડ સાથે લઈ જવાની પરવાનગી આપતી. આ અજાણ્યા મુલકમાં લંડનના વિમાની મથકથી ઉત્તર ઇંગ્લૅન્ડમાં આવ્યા ડ્યૂઝબરી ગામે, સાસરિયામાં પહોંચવા કેવી જહેમત કરવી પડેલી તેના દાસ્તાઁ હચમચાવી મૂકે છે. લેખક અહીં ભારતમાંના રેલપ્રવાસના અનુભવો સાથે વિલાયત માંહેના આ પ્રથમપહેલા રેલપ્રવાસને સરખાવે છે. અને સરખામણી કરતાં કરતાં લેખકને પહેલો ઘા સાંસ્કૃિતક આઘાતનો પડે છે. અહમદભાઈ લખે છે, ‘ … અહીં તો વાતાવરણ તદ્દન વિપરીત. કોઈ માથું બહાર કાઢે ના. બધા જ ચૂપચાપ. નિર્જીવ પૂતળાં. આખા ડબ્બામાં નિરવ શાંતિ. આટલી શાંતિથી હું ટેવાયેલો નહીં. વળી મારી પાસે કોઈ વાંચનસામગ્રી પણ ન હતી. હું અકળામણ અનુભવી રહ્યો હતો. ક્યાં તે ફેરિયાઓના અજબગજબ અવાજોથી ગૂંજતો ડબ્બો અને ચેતનવંતુ વાતાવરણ અને ક્યાં આ ભરેલો પણ નિષ્ચેતન ડબ્બો. …’
વિલાયતમાં વસવાટની કેડી પાકી કરવાના ચોકઠાને એક પછી એક મજબૂત કરવામાં લેખક મંડી પડે છે. લેબર એક્સચેન્જમાં રજિસ્ટર થઈ, નેશનલ ઇન્સયુરન્સ નંબર કાયમી ધોરણે અંકે કરે છે અને પછી નોકરીની તલાશમાં લાગી પડે છે. માન્ચેસ્ટર પાસે અૉલ્ધામ નામે શહેર. તેની બગલમાં શૉ [Shaw] નામે એક ગામ. ત્યાં ‘લીલી’ નામક સૂતરાઉ કાપડની મિલમાં રાતપાળીનું કામ મેળવે છે. હરીશભાઈ – ઋિક્મણીબહેન આર્યને ત્યાં અૉલ્ધામમાં ઓરડી ભાડે રાખી રહેવાનું ગોઠવે છે. લેખકે આ દિવસોની વિગતે નોંધ કરી છે. વસવાટીઓને દેશપરદેશમાં થાળે પડવા માટે જે પડકારો ઝેલવાના થાય છે તેની દાસ્તાઁ અહીં પણ નોંધાઈ છે.
નોકરીની અદલાબદલી. વચ્ચે ભારખટારો ખરીદી કન્ટૃાટી માલસામાનની હેરાફેરી કરી જોઈ. કારી ફાવી નહીં અને પાછા નોકરીએ વળગે છે. અને જોડાજોડ કામદાર મંડળમાં સક્રિય બને છે. આ સક્રિયતાને બળે કામદાર મંડળની આગેવાની કરે છે. હડતાળ પણ પડે છે અને દોરવણી પણ આપે છે. કામદારોને રાહત મળે તેવી બાબતો હાંસલ પણ કરી બતાવે છે. અને છેવટે પગભર થવાની મથામણમાં ડૃાઇવિંગ ઇન્સ્ટૃક્ટરનો ધંધો ય કરે છે ને છેવટે તેમાંથી વયનિવૃત્તિ મેળવે છે.
આની સાથે સાથે, અહમદભાઈ જાહેરજીવનમાં પણ પ્રવેશ કરે છે. કામદાર મંડળની આગેવાનીનો અનુભવ તો એમણે ગરથે બાંધ્યો જ છે. પણ હવે વેસ્ટ યૉર્કશરના બાટલી ચોપાસની મુસ્લિમ બિરાદરી સારુ ઝંપલાવે છે. એ લખે છે : 1963મા બાટલી – ડ્યુઝબરીમાં એશિયનોની કુલ વસ્તી કદાચ અઢીસો ત્રણસોથી વધુ નહીં હોય. તેમાં પોણા ભાગના ગુજરાતી મુસ્લિમો અને બાકીના પાકિસ્તાનીઓ. પૂર્વ સુરત જિલ્લાના મૂળ વતનીઓ. પાછળથી સુરત જિલ્લાનું વિભાજન થયેલું અને સુરત, નવસારી અને વલસાડ ત્રણ નોખા જિલ્લા અસ્તિત્વમાં આવેલા. એ ત્રણે જિલ્લાના લોકોની અહીં સુરતી તરીકે ઓળખ અકબંધ રહી. બાટલીમાં માત્ર સુરતીઓ વસે, જ્યારે ડ્યુઝબરીમા સુરતી-ભરુચીઓની મિક્સ વસ્તી. બાટલીથી ડ્યુઝબરીનું અંતર દોઢ માઇલ જેટલું, છતાં બાટલીમાં એક પણ ભરુચીનું ઘર નહીં. મારે મન આ એક વણઉકેલ્યો કોયડો રહેલો.’
દક્ષિણ આફ્રિકાની આઝાદીના એક ખમતીધર લડવૈયા અહમદ કથરાડાએ 2004માં પ્રકાશિત કરેલા Memoirs નામક ગ્રંથમાં નોંધ્યું છે : ‘From the moment I landed in Jeddah, I was deeply moved by the multitudes from around the world, speaking different languages, wearing different garments, displaying different mannerisms, but united in their singular worship of Allah. The spirit of non-racialism and multiculturalism in Islam was all-pervasive.’
આ જાતભાતની સાંસ્કૃિતક અને ભૌગોલિક નોખાપણાંની સીમિત ઝલક અહમદ લુણતને પણ આ વિસ્તારમાં જોવા અનુભવા મળે છે.
1957ના અરસામાં મુસ્લિમ સોસાયટીની સ્થાપના થયેલી. લેખકના મિત્ર યુસૂફ આદમ મમણિયાત આ સોસાયટીના પ્રમુખ. એ પણ સોસાયટીનાં કામોમાં રસ લેતા થયા. સક્રિય બનતા ગયા અને છેવટે આગેવાની પણ સંભાળતા થયા. સંસ્થા માટે અસ્કાયમતની ખરીદી, તેમાં સમાજની જરૂરિયાત અનુસાર ધર્મ, શિક્ષણ, સામાજિક અવસરોને કેન્દ્રસ્થ રાખી જરૂરી સુધારાવધારાનાં કામો અને તેને પાર પાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંના ધણીધોરીઓ જોડે બેઠકઊઠક, મજૂર પક્ષમાંની સક્રિયતા અને વર્ણિય સમતા પંચના સ્થાનિક સંચાલનમાં પૂરેવચ રહેતા અહમદભાઈ થઈ ગયા. નિષ્ઠા, દૂરંદેશીપણું, કમર્ઠતાને કારણે મુખ્ય પ્રવાહમાંના આગેવાનોમાં ય સતત બેસતાઊઠતા રહ્યા. આવી ધનિષ્ટતાને કારણે મહારાણી ઇલિઝાબેથ બીજાંએ એમને 1999માં ‘અૉર્ડર અૉવ્ બ્રિટિશ અૅમ્પાયર’[O.B.E.]ના બિરુદની નવાજેશ કરે છે.
સમાજના સશક્તિકરણ માટેની સંસ્થાઓનું નિર્માણ અને સંચાલન ઉપરાંત અહમદ ‘ગુલ’ સાહિત્યિક યાત્રા પણ માંડે છે. વરસોથી ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ’નું સક્રિયપણે સંચાલન કરે છે. એમાં વળી, અદમ ટંકારવીના વિલાયત આગમનને કારણે એમનામાં બળ પૂરાય છે. અદમભાઈનું માર્ગદર્શન એમની લેખનપ્રક્રિયાની ખિલવણીમાં પ્રધાન ફાળો ય આપતું રહ્યું. સન 1982માં ‘ઉપવન’ નામે સહિયારો સંગ્રહ બહાર પડે છે, ત્યાંથી માંડી આજ સુધી, અહમદ ‘ગુલે’ એક વાર્તાસંગ્રહ, બે લેખ/નિબંધ સંગ્રહો, બે સ્મરણો, એક આપવીતી તેમ જ નવ ગઝલ ને કાવ્યોનાં સંગ્રહો સમેત પંદર પુસ્તકો આપ્યાં છે. વળી એમની કવિતાઓનાં બે અંગ્રેજી ભાષાન્તર પુસ્તકો પણ થયાં છે.
આ ચોપડીમાંની ભાષા અંગે ભાષાવિદ્દોને રસ પડે તેવું ઘણું છે. પાંચ દાયકા પહેલાં તત્કાલીન સુરત જિલ્લાના ચિખલી વિસ્તારમાં જે ભાષા બોલાતી હશે તેની છાંટ પણ અહીં જોવા મળે છે. સાદી, સરળ ભાષાનો ઉપયોગ છે. વળી, ટૂંકા ટૂંકા વાક્યો છે. જ્યાં ગુજરાતીનો ઝાઝેરો ચાલ નથી તેવા તેવા વાચકો માટે આ રુચિકર હોવાનું. આપવીતીમાંથી પસાર થતાં સ્વાનુભવને આધારે વણાયેલાં પ્રસંગો અને ઘટનાઓની નોંધ જોવા પામીએ છીએ. ડાયસ્પોરિક જનજીવનની ગાથા અહીં નોંધાઈ છે. તેથી આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય સવિશેષ છે; પરંતુ આત્મકથામૂલ્ય બહુ જ નજીવું છે.
હૅરો, 31 અૉગસ્ટ 2017
e.mail : vipoolaklayni.opinion@btinternet.com
[પ્રગટ : "પ્રત્યક્ષ", નવેમ્બર 2017; પૃ. 21-24]
![]()


બન્યું એવું કે અમે તાજમહેલના શહેર આગરાથી સહેજ જ આગળ વધ્યાં હતાં ને ખબર પડી કે અમારી ટ્રેન બગડી છે અને રિપેઅર થતાં દોઢેક કલાક લાગશે. એક નાનકડા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. પગછૂટા કરવા હું, અમ્મી અને અમારા સહાયક કલિમ સાથે પ્લેટફોર્મ પર ઊતરી. અમ્મીને ચાલવાની ઇચ્છા નહોતી એટલે એ બાંકડા પર બેસી ગયાં. હું ચાલતાં ચાલતાં પ્લેટફોર્મના બીજા છેડે પહોંચી ગઈ. માંડ બે ચાર જણ નજરે પડતા હતા. કદાચ અહીં બહુ ગાડીઓની અવર જવર નહોતી. એક ફળની લારી દેખાઈ. મેં કેળાં લેવાનું વિચાર્યું. એટલામાં કલિમને મારી બાજુ દોડતો જોયો. તે મને બૂમ પાડતો હતો. મેં પણ દોટ મૂકી. અમ્મીના બાંકડા પાસે અજબ નજારો હતો. ત્યાં બાંકડાની ફરતે મવાલી જેવા હટ્ટાકટ્ટા પાંચ જણા હતા. તેઓ મમ્મીની આજુબાજુ ફરતા અને ‘ક્યા પીસ હૈ, મોનુ યાર!’ એમ બોલતા હતા. મને જોઈને એક જણ આકાશ તરફ જોઈ બોલ્યો, ‘કમાલ હો ગયા, યાર, દો દો પીસ!’ તેઓ અમારા ભણી જોતા નહોતા; પણ નિશાન અમે જ હતાં.
Murder of Gauri Lankesh (5th September 2017) came as a big shock to those who uphold progressive liberal values. The same was celebrated by Hindutva supporting trolls, many of who are being followed by none other than Prime Minister Modi. Gauri was not just a journalist but also a leading activist of Bangalore. She was editor of the Kannada magazine, Gauri Lankesh Patrike, taking off from Lankesh Patrike, which was founded by her father. She was strong critique of caste, Brahmanism and Hindu nationalist politics of RSS. She had been sticking her neck out on the issues related to defense of democratic and social rights. She stood for defense of rights of minorities in an unequivocal manner and supported the cause of Lingayat being a separate religion, thereby rejecting the hegemony of Brahmanism, as Brahmanism is the dominant tendency within Hinduism,