Opinion Magazine
Number of visits: 9687965
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ

અશ્વિનકુમાર|Opinion - Opinion|16 October 2017

હળવે હૈયે

પર્યટને નીકળ્યા હોઈએ ત્યારે ધર્મશાળામાં જતાંની સાથે જ દોરીઓ બાંધવાની ટેવ પડી હોય, તો પછી પંચતારક હોટેલમાં પણ દોરીને છૂટો દોર કેમ ન આપવો? ઘણા પ્રવાસીઓ રેલગાડીના ડબ્બામાં બન્ને બાજુની બારીઓના લોખંડી સળિયા સાથે બિચારી દોરીને કચકચાવીને બાંધે છે. જેના કારણે, એ સળિયા ઉપર દોરીના કાપા ઊપસી આવે છે. આગગાડી સાથે થતો આ પ્રયોગ ભવિષ્યમાં આટકોટથી એન્ટવર્પ જતાં શટલિયા વિમાનમાં જોવા મળે તો નવાઈ ન લાગવી જોઈએ.

છાત્રાલયની ઓરડીની અંદર વિદ્યાર્થીઓ ભરચોમાસે કપડાં સૂકવવાની દોરી બાંધી શકાય તેટલી જગ્યા હવામાં રાખતા હોય છે. પરંતુ, એવેરેસ્ટ અપાર્ટમેન્ટ કે કાંચનજંઘા ફ્લેટ્સના રહેવાસીઓની ફરિયાદ છે કે, 'મોસમ બદલાવ'ના કારણે એમની અગાશીમાં કપડાં જોઈએ એવાં વાવઠતાં નથી. વળી, કપડાં સૂકવવાની દોરી સમુદ્રની સપાટીથી કેટલા ફૂટ ઊંચે બાંધવી જોઈએ એના વિશે પણ પ્રત્યેક પરિવારમાં પારાવાર મતભેદ પ્રવર્તે છે.

એક અર્થમાં દોરી એ 'સૂર્યશક્તિથી ચાલતું કપડાં સૂકવવાનું ઉપકરણ' છે. હાલમાં આપણે જેની ફીરકી ઉતારી રહ્યા છીએ એ કપડાંની દોરી નથી, પણ કપડાં સૂકવવાની દોરી છે. કપડાં સૂકવવાની દોરી કયા રંગની હોવી જોઈએ એ મામલે કોઈ વખતનો વધારે વ્યય કરતું નથી. કારણ કે, દરેક કપડાના રંગને મળતી આવે એવા રંગની દોરીની શોધ થઈ નથી. જો કે, ચોક્કસ ધરમધારા કે વિચારધારા સાથે સંકળાયેલા માણસો લાલ, લીલા, કે કેસરી રંગની દોરીનો ખાસ આગ્રહ રાખે તો એ રંગનાં નસીબ, બીજું શું?! આપણે જૂજ કિસ્સામાં પણ દોરીનો રંગ કપડાંને લાગી ન જાય એની ચીવટ રાખીએ છીએ. પરંતુ ક્યારેક કપડાંનો રંગ દોરીને લાગી ન જાય એની ચિંતા કરતાં નથી.

કપડાં સૂકવવા માટે ધાતુનો તાર વાપરવો નહીં. આ માટે 'ગુજરાત રાજ્ય આપત્તિનિવારણ સત્તામંડળ'ની અખબારી યાદીની રાહ ન જોવી. ચોમાસામાં વાવાઝોડાં અને વરસાદ જેવા કારણોસર ધાતુનો તાર વીજળીના તારના ઘનિષ્ઠ સંપર્કમાં આવી જાય એવું બને. તમે એ તાર ઉપર ભીનાં કપડાં સૂકવવાં જાવ એવું પણ બને. જેના કારણે વસ્ત્રને અને વ્યક્તિને આંચકો લાગી શકે. આમ, 'જીવંત' તારથી વ્યક્તિનો જીવનતાર કાયમ માટે તૂટી જાય. પરિણામે દેહ છોડતાં પહેલાં સ્પષ્ટતા ન કરી હોવાથી, વ્યક્તિની કાયમી ગેરહાજરીમાં કપડાં કોણ સૂકવશે એ પ્રશ્ન મહત્ત્વનો બને છે.

ચોમાસામાં લોખંડના તાર ઉપર કાટ લાગવાની શક્યતા રહે છે. લોખંડનો તાર એટલો ઉદાત્ત હોય છે કે, પોતે પરિશ્રમથી પેદા કરેલો કાટ કપડાંને ખબર ન પડે તેમ એના ખાતામાં જમા કરી દે છે. આથી, લોખંડના તારની અવેજીમાં વિવિધ જાતની દોરીઓ ઉપર જગતની નજર પડે છે. દા.ત. કાથીની દોરી, સૂતળીની દોરી, નાયલોનની દોરી. જેમાં, કાથીની દોરી બાંધવાથી પહેલાં હાથ અને પછી કપડાં છોલાઈ જાય છે. સૂતળીની દોરી બાંધીએ એની જાણ ખિસકોલીને 'વોટ્સએપ્પ' વગર પણ થઈ જતી હોય છે. કેટલાક કિસ્સામાં તો ખિસકોલી કપડાં સૂકવવાં નહીં, પણ પોતાનો માળો બાંધવા માટેના 'કાચા માલ' તરીકે સૂતળીની દોરીનું અપહરણ કરી જતી હોય છે. છેવટે નાયલોનની દોરી સર્વાનુમતે પસંદગી પામે છે. આપણે ગુજરાતીઓ વિશાળ હૃદયથી નાયલોનનો સ્વીકાર કરી લઈએ છીએ, પછી એ નાયલોન ખમણ હોય કે નાયલોન દોરી!

દોરી બાંધતી વખતે તેને બહુ ન ખેંચવી. નહીંતર એની જીવાદોરી ટૂંકી થઈ જશે. દોરીને બહુ ઢીલી પણ ન રાખવી. નહીંતર આવતાં-જતાં, ભોડાં ઉપર કપડાં ભટકાશે. આમ, અહીં પણ ભગવાન બુદ્ધે ચીંધી આપેલો મધ્યમમાર્ગ ખપમાં લેવો. ઉપરાંત, દોરી કઈ દિશામાં બાંધવી એ વાસ્તુશાસ્ત્રના આધારે નહીં, પણ વાયુશાસ્ત્રના આધારે નક્કી કરવું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન આવતો હોવાથી, દોરી પણ નૈઋત્ય દિશામાં બાંધવી રાષ્ટ્રના હિતમાં છે.

બંગલો કે ટેનામેન્ટમાં કપડાં સૂકવવાની દોરી તો શું ગાભણી ગીર ગાય પણ બાંધી શકાય. સવાલ ફ્લેટ કે અપાર્ટમેન્ટમાં રહેતા મધ્યમવર્ગીય કુટુંબોનો છે. માથે અને ધાબે ચોમાસું હોય, બે વર્ષના બાળકને સૂકવવાની જગ્યા પણ માંડ રહેતી હોય, ત્યાં કપડાં સૂકવવાની દોરી ક્યાં અને કેવી રીતે બાંધવી? આપણે આવી સમસ્યા 'મધ્યમવર્ગની મુશ્કેલીઓ'ના નિબંધમાં હૃદયસ્પર્શી રીતે વર્ણવીએ તો સંવેદનશીલ પરીક્ષકની આંખમાં ચોમાસું ઊમટી આવે. વળી, ઝરૂખામાં મૂકેલો કપડાં સૂકવવાનો ઘોડો પણ સાંબેલાધાર વરસાદ અને સુસવાટાભેર પવનમાં પગ અધ્ધર કરી દે છે! આ સંજોગોમાં નિત્યપ્રયત્નશીલ મનુષ્ય નવા વિકલ્પોની શોધમાં ઝંપલાવે છે. ઋતુઓની રાણી એવી વર્ષાઋતુમાં ઘરની રાણી એવી 'વર્ષા' કપડાં સૂકવવાની દોરી કેવી રીતે બાંધે? બસ, ઘરના 'વિઠ્ઠલ'ની અહીં જરૂર પડે છે. વર્ષાના દોરીસંચારને જગતનો અંતિમ આદેશ માનીને વિઠ્ઠલ દોરીચાળો કરવા મરણિયો બને છે.

બજારમાં તૈયાર મળતી નાયલોનની દોરીની લંબાઈ પ્રમાણે મકાનની બે દીવાલો વચ્ચેનું અંતર હોતું નથી. આ જ રીતે મકાનની બે દીવાલો વચ્ચેના અંતર જેટલી લંબાઈની દોરી ખરીદવા માટે પાંચફૂવા દરવાજાથી માંડીને ઢાલગરવાડ સુધી રખડશો તો પણ નહીં મળે. આપણે તો બન્ને દીવાલોમાં ખાધે-પીધે સુખી ઘરની ખીલીઓ ઠોકીને તેના ઉપર દોરીને ખેંચીને થાળે પાડવી પડે. ગમે તેટલા ઉદાર થઈને દોરી બાંધીએ તો ય દોરી થોડી વધે તો તેને કાપી નાખવી એ આપણા વ્યક્તિત્વની મૂળ ખામી નહીં, પણ મૂર્ખામી છે. આવી 'ઘરેલું કટોકટી'માં દોરીના વધેલા કટકાને પકડીને કાયમ માટે ઊભાં ન રહેવાય, પણ સહેજ ખેંચીને સલામત જગ્યાએ બાંધી દેવાય! જેથી તેની ઉપર નરનો નહીં તો છેવટે નારીનો હાથરૂમાલ પણ સૂકવી શકાય. ખીલીઓ ઠોકતી વખતે પહેલાં ટેબલનું અને પછી દોરીબંધુનું સંતુલન જળવાવું જોઈએ, એ કહેવાની જરૂર નથી એટલે અહીં નથી કહેવું. કપડાં સૂકવવાની દોરી બાંધવા માટે ખીલીઓ કરતાં પ્રશ્નચિહ્ન આકારના હૂક લગાવવા હિતાવહ છે, એવી સલાહ આપનારા 'કર્મઢીલ' લીમડાની છત્રી કરીને બેઠાં હોય છે. આ સારુ તેઓ 'આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન' દ્વારા નિર્ધારિત માપદંડનો હવાલો આપે તો મગજને 'સાઇલન્ટ મોડ' ઉપર રાખીને સાંભળી લેવું.

દહાડા-સપ્તાહ-મહિના જતાં ભીનાં કપડાંના ભારથી દોરી ઢીલી પડે છે. છેવટે એની ઝોલ નીચેની દિશા તરફ પડે છે. એનાથી સાબિત થાય છે કે, દોરી ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. આપણી આસપાસ બનતી આવી ઘટનાઓથી ન્યૂટનનો નિયમ આજે પણ સાચો પડે છે, એ જાણીને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. પરંતુ, ચાર અઠવાડિયાં અગાઉ કપડાં સૂકવવાની દોરી બંધાઈ ચૂકી હોય અને વરસાદને મહિનાથી કોઈએ બાંધી રાખ્યો હોય એ ઉપાધિ નહીં તો બીજું શું?

e.mail : ashwinkumar.phd@gmail.com

સૌજન્ય : 'હળવે હૈયે’, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩-૦૬

સ્રોત : http://ashwinningstroke.blogspot.in/2015/07/blog-post_14.html

Loading

જાને ભી દો યારો કુંદન શાહ

નીલય ભાવસાર, નીલય ભાવસાર|Opinion - Opinion|15 October 2017

ભારતીય સિનેમાનાં જાણીતા દિગ્દર્શક અને લેખક એવા કુંદન શાહ(જન્મ ૧૯ ઓક્ટોબર, ૧૯૪૭)નું તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ હદયરોગના હુમલાથી નિધન થયું છે. કુંદન શાહ ૬૯ વર્ષના હતા.

કુંદન શાહે એક દિગ્દર્શક તરીકે ફિલ્મ્સ અને ટેલિવિઝનની દુનિયામાં ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. તેમણે ‘નુક્કડ’ (૧૯૮૬), ‘વાગલે કી દુનિયા’ (૧૯૮૮), ‘પરસાઈ કહતે હે’ (૨૦૦૬) જેવી ધારાવાહિક બનાવી અને વર્ષ ૧૯૮૩માં દિગ્દર્શિત કરેલી ફિલ્મ ‘જાને ભી દો યારો’ માટે તેમને ‘દિગ્દર્શકની પ્રથમ શ્રેષ્ઠ ફિલ્મ’ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. કુંદન શાહ પૂનાની Film and Television Institute of India (FTII)ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

અહીં પ્રસ્તુત છે સિનેમા, રાજકારણ અને સમાજ સંબંધિત કુંદન શાહના કેટલાક વિચારો: કુંદન શાહ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે મેં અત્યાર સુધી જે કોઈ પણ ફિલ્મનું લેખનકાર્ય અને દિગ્દર્શન કર્યું છે તે તમામ ફિલ્મ્સ બનાવવાનો વિચાર મને ન્યૂઝપેપરમાંથી આવ્યો છે. આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ, ગુસ્સો આવે છે. એક એવો વિચાર આવ્યો હતો કે આ સમગ્ર વાતાવરણ રાજકીય છે અને તેને લોકો સુધી કેવી રીતે રજૂ કરવામાં આવે તે વિચાર થકી મેં અત્યાર સુધીની મારી તમામ ફિલ્મ્સ બનાવી છે (ખાસ કરીને ‘જાને ભી દો યારો’). કારણકે મારી પાસે એક જ હથિયાર છે અને તે છે કોમેડી, તે કોમેડીનો ઉપયોગ કરીને અને વ્યંગ્યનો ઉપયોગ કરીને તમે જે-તે વિષયને દર્શકો સુધી પહોંચાડી શકો તે એક મજાની વાત છે.

જે કોઈ ફિલ્મનું નિર્માણ રાજકીય કટાક્ષના આધાર પર કરવામાં આવે છે ત્યારે તે રાજકીય કટાક્ષ થકી શું રાજનેતાઓ પર કોઈ અસર થાય છે? આ પ્રશ્નના જવાબમાં કુંદન શાહ જણાવે છે કે રાજકીય વ્યંગ્યની રાજનેતાઓ પર પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે ચોક્કસ અસર થાય છે. પરંતુ, તેમાં સમસ્યા એ છે કે આ અસર માત્ર એક સ્તર પર જ થાય છે. જેમ કે હવે હું કોઈ એક ફિલ્મનું નિર્માણ કરું છું તો તેનાથી સમાજ નહિ બદલાય પણ એ મારી ફરજ છે કે હું કોઈ એક એવી ઘટનાનું નિર્માણ કરું કે જેની સાથે સમાજ જોડાયેલો હોય. અને આ વાત ખાસ કરીને વર્તમાનમાં લાગુ પડે છે. હું એક નાની વ્યક્તિ છું અને હવે એ મારું કર્તવ્ય બની ગયું છે કે મારે દરરોજ અર્થશાસ્ત્ર વાંચવું જ જોઈએ, કારણ કે હાલનાં સમયમાં મારું જીવન હવે આ અર્થશાસ્ત્ર જ સંચાલિત કરે છે અને માટે હવે હું સાહિત્ય નથી વાંચતો.

વધુમાં કુંદન શાહ તેમની પ્રથમ ફિલ્મ ‘જાને ભી દો યારો’ અત્યારે કેટલી પ્રસ્તુત છે તેના જવાબમાં જણાવે છે કે હું એવું સહેજ પણ નથી કહેતો કે ‘જાને ભી દો યારો’ રિલીઝ થઇ તે સમયમાં ભ્રષ્ટાચાર નહોતો, પણ અત્યારે તો જાણે સમગ્ર વાતાવરણ જ પલટાઈ ગયું છે અને ભ્રષ્ટાચારમાં બેફામ વધારો થયો છે. માટે મારી ફિલ્મ ‘જાને ભી દો યારો’ વર્તમાનમાં વધારે પ્રસ્તુત છે.

ભારતીય જનતાના કોમેડીના ટેસ્ટ વિશે કુંદન શાહ જણાવે છે કે અત્યારે આપણા દેશમાં કોમેડીનો પર્યાય માત્ર એક જ છે અને તે છે ‘સબ ટીવી ચેનલ’. અત્યારે ‘સબ ટીવી’ દર્શકોને કોમેડી ઠૂંસી રહ્યું છે અને ઠૂંસી-ઠૂંસીને કહી રહ્યું છે કે લો આ કોમેડી છે. ‘સબ ટીવી’ કહે છે કે અમે દર્શકોને કોમેડી પીરસી રહ્યા છીએ અને દર્શકો પણ આમાં શું કરે તેઓ પણ તે જ વસ્તુ જુએ છે કે જે તેમને પીરસવામાં આવે છે. અને કોમેડી એ આખરે કોમેડી જ હોય છે. વર્તમાનમાં સામાજિક દ્રષ્ટિકોણવાળી ફિલ્મ બનાવવી અત્યંત જરૂરી છે કારણ કે જે રીતે આપણા શરીરને ખોરાકની જરૂરિયાત હોય છે, તે રીતે આપણા મગજને પણ કંઈક આ પ્રકારના સામાજિક દ્રષ્ટિકોણવાળા ખોરાકની જરૂરિયાત છે. જે રીતે ન્યૂઝપેપર જરૂરી છે તે પ્રમાણે આ સામાજિક દ્રષ્ટિકોણવાળી ફિલ્મ પણ જરૂરી છે. અને ઘણાં લોકો આ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. જે પૈકીનો એક હું પણ છું. જો લોકો કહેશે કે આ પ્રકારની સામાજિક હેતુને લઈને ફિલ્મ બનાવવાથી સમાજમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવ્યો છતાં પણ પ્રયત્ન કરવો જરૂરી છે.

આગળ, ટેકનોલોજીના મુદ્દાને લઈને કુંદન શાહ જણાવે છે કે અત્યારે ટેકનોલોજીના કારણે પરિવર્તન આવવાનું શરૂ થઇ ગયું છે અને હવે તો ભવિષ્યમાં આર્ટીફિશિયલ ઇન્ટેિલજન્સ થકી વિશ્વભરની જનતાને ભારે નુકસાન થવાનું છે કારણ કે તેમાં ઓટોમેશન છે અને રોબોટીક્સ છે. ટેકનોલોજીથી વર્કર બેરોજગાર થઇ જશે માટે તેમના માટે વૈકલ્પિક રોજગારી ઊભી કરવી પડશે. અને તમે ટેકનોલોજીને રોકી પણ નહિ શકો. જુઓ, અર્થશાસ્ત્ર એ ટેકનોલોજી સાથે જોડાયેલું છે. ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર એ બંને ફિલ્મમેકિંગ સાથે જોડાયેલાં છે. જે રીતે આપણે બધાં જ વર્તમાનમાં એકબીજા સાથે જોડાયેલા છીએ.

અને અંતમાં, કુંદન શાહે ફિલ્મ ‘જાને ભી દો યારો’ કેવી રીતે બનાવી તેની સંપૂર્ણ પ્રક્રિયા અને યાત્રા વિશે લેખક જય અર્જુન સિંહનું અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલું પુસ્તક ‘જાને ભી દો યારો’ અચૂક વાંચવું ઘટે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

ડિમેન્શિયા અથવા સ્મૃિતભ્રંશ

આશા બૂચ|Opinion - Opinion|15 October 2017

તાજેતરમાં ડિમેન્શિયા વિષે એક ઓનલાઇન કોર્સ મેં કર્યો. એ કોર્સ અને એ દર્દ વિષે મળેલ માહિતી ‘ઓપિનિયન’ના વાચકોને ઉપયોગી થશે અને તેમને રસપ્રદ લાગશે, તેમ માની પ્રસ્તુત કરું છું.

ડિમેન્શિયા વિષે 2013ની સાલમાં ટાસ્મેિનયા યુનિવર્સિટી દ્વારા એક ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવેલ. નવ અઠવાડિયા દરમ્યાન ત્રણ યુનિટમાં વિભાજીત આ કોર્સ કરનાર ડિમેન્શિયા એટલે શું તેનો પરિચય મેળવે, મગજની રચના અને તેનાં અટપટાં કાર્યો વિષે વૈજ્ઞાનિક માહિતી મેળવે, ડિમેન્શિયા રોગ વિષે વધુ જાણકારી મેળવે અને છેવટ એ રોગનો ભોગ બનેલ વ્યક્તિના કેસીસ વિષે ચર્ચા કરે, તેવો એ અભ્યાસક્રમ છે.

ટાસ્મેિનયા યુનિવર્સિટીના સ્વાસ્થ્ય વિભાગના રિસર્ચ ડિપાર્ટમેન્ટ, ડોક્ટરો અને દર્દીઓની સંભાળ રાખનારાઓ દ્વારા આ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 170 દેશોમાંથી લગભગ એક લાખ લોકોએ તેનો લાભ લીધો છે. આ કોર્સનો હેતુ એ છે કે મેડિકલ વ્યવસાયમાં પડેલા, કેર હોમ કે નર્સીંગ હોમમાં કામ કરનારા, કેરર તરીકે કામ કરનારા, સરકારની હેલ્થ વિષયક નીતિ ઘડનારા, સોશ્યલ સાયન્ટીસ્ટ અને સામાન્ય રસ ધરાવનારાઓમાં આ રોગ વિશેની સમજ વધારવી અને તેમ કરીને એ રોગનો ભોગ બનેલ વ્યક્તિઓના જીવનની ગુણવત્તા  જળવાઈ રહે તેમાં મદદરૂપ થવાની છે.

આ કોર્સ કરતાં પહેલાં મારી એ રોગ વિષે કેટલીક ધારણાઓ હતી, એ સ્પષ્ટ કરવા માંગુ છું. હું એમ માનતી કે ડિમેન્શિયા એ માત્ર ન્યુરોલોજિકલ પ્રશ્ન છે. મોટી ઉંમરે જ એ તકલીફ થઇ શકે અને આગળ જતા તે આલ્ઝાઈમરનું રૂપ પકડે. વળી એક એવી સામાન્ય માન્યતા પણ સાંભળેલી કે પશ્ચિમના દેશોમાં આ રોગનું પ્રમાણ વધુ છે કેમ કે ત્યાંની સમાજ વ્યવસ્થા વ્યક્તિ આધારિત છે, જ્યાં વડીલોની સંભાળ રાખવામાં નથી આવતી. આ અભ્યાસ પૂરો કરતાં સુધીમાં માલુમ પડ્યું કે હા, ડિમેન્શિયા એ ન્યુરોલોજિકલ પ્રશ્ન જરૂર છે, પરંતુ તેના ચોક્કસ કારણો હજુ સુધી પકડાયાં નથી. વળી આલ્‌ઝાઇમર એ ડિમેન્શિયા થવા માટે કારણભૂત હોઈ શકે, નહીં કે તેનું અંતિમ પરિણામ. વળી એમ પણ જાણવા મળ્યું કે આ હવે એક ખરા અર્થમાં વૈશ્વીક પ્રશ્ન છે, પશ્ચિમની માફક પૂર્વના દેશોમાં પણ તેનો ફેલાવો વધતો જાય છે. માત્ર તે વિશેની જાગૃતિ અને જાણકારી ઓછી જોવા મળે છે.

કોઈ પૂછે કે ડિમેન્શિયા એટલે શું? તેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કેમ કે એ કોઈ એક જ પરિસ્થિતિ નથી, એ એક કરતાં વધુ લક્ષણો અને ચિન્હોનો સમૂહ છે. તો એ શું સ્મૃિતભ્રંશ માત્ર છે? ડિમેન્શિયાની એક વ્યાખ્યા કઇંક આવી છે: “ડિમેન્શિયા એ એક એવી જીવલેણ બીમારી છે જે એક કરતાં વધુ રોગોને કારણે થતી હોય છે. તેમાં પ્રથમ માનસિક અને છેવટ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને છેવટ વ્યક્તિ એ શક્તિઓ તદ્દન ગુમાવી બેસે છે, જે મગજના સેલ્સના સતત અને રોકી ન શકાય તેવા નાશને પરિણામે બનતું હોય છે.”

આથી જ આપણા મગજની રચના કેવી હોય છે, તંદુરસ્ત મગજ કેવી રીતે કામ કરે છે અને શી રીતે વ્યક્તિની કાર્યશક્તિને ગોઠવે છે, તેમાં વિક્ષેપ થતાં માનવીને વર્તન અને સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે સમજવું જરૂરી છે. ડિમેન્શિયા થવા પાછળ આલ્ઝાઈમર, હંટીન્ગટન ડીઝીઝ, પાર્કિન્સન્સ ડીઝીઝ અને વાસ્ક્યુલર ડીઝીઝ જેવા રોગો કારણભૂત હોઈ શકે. 65 વર્ષથી ઉપરના લોકોને આ મુશ્કેલી થવાની શક્યતા વધુ.

મગજની બિમારી વિષે સમજવા પહેલાં મગજની રચના અને સામાન્ય સ્વસ્થ મગજ શી રીતે કામ કરે તે પણ સ્પષ્ટ રીતે સમજાવું જરૂરી છે. તો જ ડિમેન્શિયા કયા કયા રોગને કારણે થાય તે સમજવાનું સરળ પડે. એક એવી સામાન્ય માન્યતા છે કે દરેક વૃદ્ધ વ્યક્તિ ડિમેન્શિયાનો ભોગ બને છે. પરંતુ એ હકીકત ખરી નથી. જે દેશોમાં આયુષ્ય મર્યાદાનો આંક ઊંચો છે ત્યાં આ રોગના ભોગ બનેલાની સંખ્યા જરૂર વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે સામાન્ય રીતે મગજમાં શા ફેરફાર થાય તે વિષે સમજીએ તો એ માન્યતા શાના ઉપર બંધાઈ તેનો ખ્યાલ આવે.  આમ જુઓ તો નાની ઉંમરની વ્યક્તિને પણ વાસ્ક્યુલર ડિમેન્શિયા થઇ શકે જે જિનેટિક વારસાને કારણે થાય કે સામાન્ય રીતે લકવો પડે કે હૃદય રોગનો હુમલો આવે પછી સર્જાતી પરિસ્થિતિ હોય છે. ડિમેન્શિયાના દરેક તબ્બકે દર્દીનું વર્તન અને જરૂરિયાત કેવા હોય તે જાણવાથી તેને આપવાની સારવાર અને સહાય વિષે સમજ કેળવી શકાય અને તે દર્દીના કુટુંબીઓ માટે ખૂબ જરૂરી છે.

ડિમેન્શિયા વિષે જરા વધુ વિગતે જોઈએ. ડિમેન્શિયા એ સ્મૃિતભ્રંશથી વધુ ગંભીર અને ગૂંચવાડાભરી સ્થિતિ  છે. મગજની લાખો સેલ્સની બનેલ નર્વ્સ સિસ્ટમ આપણા દરેક કાર્ય માટે જવાબદાર હોય છે, જેમ કે વિચારવું, આયોજન કરવું, આસપાસના જગતને સમજવું અને અનુભવો કરવા. પોતાના અનોખા વ્યક્તિત્વ અને વર્તનભાતને ઘડવાનું કામ એ કરે એટલે જ્યારે નર્વ્સ સિસ્ટમ પડી ભાંગે, ત્યારે વ્યક્તિ વ્યક્તિ ન રહે. એટલે કે આ નર્વસ સિસ્ટમ જ આપણી સાચી સાહેબ છે. આ નર્વસ સિસ્ટમ આપણી પાંચેય ઇન્દ્રિયોને કાર્યરત રાખે છે જેને પરિણામે આપણે આસપાસના વાતાવરણ અને ઘટનાઓ પ્રત્યે પ્રતિક્રિયા કરી શકીએ છીએ, આપણા શરીરમાં ચાલતી પ્રક્રિયાઓ એ પર કાબૂ રાખે છે અને ઉચ્ચ કક્ષાનાં કાર્યો જેવા કે વિચારવું, આયોજન કરવું અને તેને આધારે નિર્ણય લેવા માટે શક્તિમાન બનાવે છે. આ ન્યુરૉન્સ એકબીજા સાથે જોડાઈને કામ કરે છે તેથી આપણી એક વર્તનભાત ઘડાય છે અને એક અનોખું વ્યક્તિત્વ વિકસે છે. હવે જો આ ન્યુરોન્સના એકબીજા સાથેના જોડાણમાં વિક્ષેપ આવે, તો સીધો ઘા આપણા વ્યક્તિત્વ ઉપર પડે તે સમજી શકાય તેવું છે.

ડિમેન્શિયા થવા માટે જોખમી પરિબળોમાંનું સહુથી મોટું પરિબળ છે, વૃદ્ધાવસ્થા. આ ઉપરાંત જેને બદલી શકાય કે કાબૂમાં લાવી શકાય તેવાં બીજાં સાત પરિબળો છે; ધુમ્રપાન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, હતાશા અને શિક્ષણનો નીચો આંક. જોવાનું એ છે કે ડિમેન્શિયાના નિદાન માટે લોહીની તપાસ કે અન્ય તપાસ નથી હોતી. સામાન્ય વર્તણુકમાં જણાતાં ચિન્હો જેવાં કે યાદદાસ્ત ઓછી થવી, ભાષા પરનો કાબૂ ગુમાવવો, વર્તન બદલાય, વ્યક્તિત્વ લોપ તથા લાગણીની ભેળસેળથી આ રોગની જાણ થાય છે. સામાન્ય વૃદ્ધાવસ્થાને કારણે થતો સ્મૃિતલોપ ડિમેન્શિયાથી અલગ છે કેમ કે તેમાં વ્યક્તિ પહેલાં જે સ્થિતિમાં હતી, તેનાથી તેની માનસિક અને અંતે શારીરિક સ્થિતિમાં ફેર દેખાતો હોય છે.

ડિમેન્શિયાના પાંચ મુખ્ય ક્ષેત્રો છે : કોગ્નિટિવ, ફંક્શનલ, માનસિક, વર્તનને લાગતું અને શારીરિક. કોગ્નિટિવ ક્ષતિને કારણે દિશાભાન ન રહે, ટૂંકા સમયની યાદદાસ્ત ઓછી થાય, આયોજન કરવાની શક્તિ અને શું કરવું જોઈએ તેનું ભાન ન રહે, કાર્ય-કારણ સંબંધનો ખ્યાલ વગેરે ઓછા થાય તે શક્ય છે. એ જ રીતે માનસિક ચિન્હોમાં ચિત્તભ્રમ અને દિવાસ્વપ્ન જેવી સ્થિતિનો સમાવેશ થાય છે. હતાશાનો ભોગ બનેલાને ડિમેન્શિયા થયેલ છે એમ માનવામાં આવે છે.

આમ તો મોટી ઉંમરની વ્યક્તિને ડિમેન્શિયા થવાની શક્યતા વધુ રહે, તેમ હમણાં જ જોયું, પરંતુ 65 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને પણ આલ્ઝાઇમર અને ફ્રન્ટોટેમ્પોરલ ડિઝીઝને કારણે ડિમેન્શિયા થઇ શકે. મોટી ઉંમરની વ્યક્તિને થાય તેના કરતાં નાની ઉંમરના લોકોને થતા રોગને કારણે તેની કૌટુંબિક, સામાજિક અને આર્થિક અસરો તેમના કુટુંબ અને સમાજ પર ઘેરી થતી હોય છે. ઘણી વખત નાનાં બાળકોને અથવા વૃદ્ધ માતા-પિતાને પોતાના સ્વજનની સંભાળ રાખવાની જવાબદારી આવી પડતી હોય છે. વળી આ બાબત સાથે સંકળાયેલ કેટલાક ખ્યાલો પણ દર્દી અને તેના સહાયકો માટે મુશ્કેલી ઊભી કરતા હોય છે.

ડિમેન્શિયાને ત્રણ તબક્કામાં વહેંચી શકાય: પહેલો તબક્કો જેને ‘માઈલ્ડ’ ડિમેન્શિયા કહે છે, તેમાં વ્યક્તિનું કોગ્નિશન અને વિચાર કરવાની શક્તિ નોંધપાત્ર રીતે અસર પામે છે. તેમાં યાદશક્તિ, નિર્ણય કરવાની શક્તિ, આયોજન કરવાની ક્ષમતા અને દ્રષ્ટિ પર અસર થવાનો સમાવેશ થાય છે. આ તબક્કે પરિવારના સભ્યો આ સ્થિતિના નિદાન માટે ડોક્ટરનો સંપર્ક કરતા હોય છે. બીજા તબક્કામાં – કે જેને ‘મોડરેટ ડિમેન્શિયા તરીકે ઓળખવામાં આવે છે તેમાં પ્રથમ તબક્કાના ચિહ્નોમાં વધારો થતો જોવામાં આવે છે અને નવાં ચિન્હો પણ દેખાય છે. યાદશક્તિ વધુ નબળી થવાને કારણે વાતચીત કરવામાં મુશ્કેલી નડે, કઈ દિશામાં જવું તેનો ખ્યાલ ન રહે, આસપાસની દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાય (જેમ કે લોકો મારી વસ્તુઓ ચોરી જાય છે, મારા સંતાનો મારી મિલકત પડાવી લેવા માગે છે તેવા વિચારો આવે) અને વર્તન દિન બ દિન વધુ સમજી ન શકાય તેવું બનતું જાય છે. ત્રીજો તબક્કો તે ‘એડવાન્સ ડિમેન્શિયા’નો ગણાય, જેમાં સ્નાયુઓની શક્તિ ઘટે જેને પરિણામે હલનચલન, ખોરાક ચાવવો, ગળે ઉતારવો, કુદરતી હાજતો પર કાબૂ રાખવો વગેરે મુશ્કેલ બનતું જાય છે. દર્દીને રોજિંદા જીવનમાં સહાયની જરૂર પડવા માંડે. દર્દીઓને બીજા રોગનો ચેપ લાગી જવાની શક્યતા વધે તેવું પણ બને.     

ઉંમર વધતાં, સામાન્ય રીતે વ્યક્તિનાં નામ ભુલાઈ જાય કે કોઈ સ્થળ જોયાંનું કે વ્યક્તિને મળ્યાંનું યાદ ન રહે, તે વધતી ઉંમરને કારણે થતો સામાન્ય સ્મૃિતભ્રંશ છે. જ્યારે જે માનસિક સ્થિતિથી વ્યક્તિ પોતાની સંભાળ ન રાખી શકે, રોજિંદાં કાર્યો સ્વતંત્ર રીતે કરી ન શકે,  તેના મનમાં દરેક વાતે ગુંચવાડો પેદા થાય, અને છેવટ નાના મોટા નિર્ણયો જાતે લઇ ન શકે, ત્યારે ચેતી જવું સારું. આ એક એવો રોગ છે જેનાં કારણો હજુ ચોક્કસ પણે જાણી શકાયાં નથી, તે વિષે સંશોધનો થઇ રહ્યાં છે. એ માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પણ દર્દીને થેરેપ્યુિટક સારવાર અને અમુક ડ્રગ્સ આપીને એ રોગના ચિન્હોને આગળ વધતાં રોકી શકાય એટલી પ્રગતિ થઇ છે. એટલે આમ જુઓ તો આ રોગથી કોઈ છુટકારો નથી, તેમાંથી સાજા થવાની શક્યતા નથી. સામાન્ય રીતે ડિમેન્શિયાના નિદાનથી મૃત્યુ સુધીનો સમય ગાળો પાંચ વર્ષનો અપાય છે. જો કે કયા કારણોસર ડિમેન્શિયા થયું છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય સાધારણતયા કેવું છે તેના પર તેના આયુષ્યનો આધાર છે. કોઈ દર્દી નિદાન પછી વીસ વર્ષ સુધી પણ જીવિત રહી શકે અને કોઈ છ મહિને મૃત્યુ પણ પામે.

ડોક્ટરોની સલાહ છે કે હાઈ બ્લડ પ્રેશર અને કાર્ડિયો વાસ્ક્યુલર ડિઝીઝ ન થાય તેની કાળજી રાખવાથી ડિમેન્શિયાને હાથ વેંત દૂર રાખી શકાય. એટલે એક એવો મંત્ર અપાયો છે: જે તમારા હૃદય માટે સારું છે તે તમારા મગજ માટે પણ સારું છે. તેથી જ તો કેટલીક જીવન પદ્ધતિ જેમ કે તમાકુનું સેવન ન કરવું, આલ્કોહોલનું પ્રમાણ ઘટાડવું, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સ્યુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખવું, સમતોલ આહાર લેવો અને નિયમિત કસરત કરવી એ બંને, હૃદયના દર્દો અને માનસિક તેમ જ ન્યુરોલોજિકલ દર્દોને રોકવા માટે અપનાવવાની સલાહ અપાય છે. માંસાહાર અને આલ્કોહોલના સેવનને ડિમેન્શિયા સાથે શો સંબંધ છે તેના પર પણ સંશોધન થઇ રહ્યું છે. આ દર્દને કોઈ રેઇસ સાથે સંબંધ નથી. પણ ધનાઢ્ય દેશોમાં ખાણી-પીણી સારી, સ્વચ્છતાનું ધોરણ ઊંચું એટલે આયુષ્ય મર્યાદા વધુ તેથી 65થી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધુ હોવાથી ત્યાં આ રોગનું પ્રમાણ વધુ હોવાનું નોંધાયું છે. ઓસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેરનો અંદાજ છે કે દુનિયામાં કુલ આશરે 45 કરોડ લોકો આ રોગથી પીડાય છે જેમાંના ઓસ્ટ્રેલિયામાં ત્રણ લાખ અને ત્રીસ હજાર કેઈસીસ નોંધાયા છે. ભારતમાં 2010ની મોજણી મુજબ 37 લાખ કેઈસીસ નોંધાયા જેમની સંભાળનો ખર્ચ 14 કરોડ રૂપિયાનો હતો, જે 2030 સુધીમાં વધીને 74 લાખ જેટલા કેઈસીસનો થઇ જશે, જેનો સંભાળનો ખર્ચ ત્રણ ગણો આવશે. એટલે કે આ રોગ હવે વિશ્વવ્યાપી થતો જાય છે. દિલ્હી પાસે બાલાઘર નામના ગામડામાં પિટ્સબર્ગ યુ.એસ.એ.ના વૈજ્ઞિકોએ 2010માં એક અભ્યાસ કરેલો, જેમાં ત્યાંના લોકોમાં ડિમેન્શિયા નહિવત્‌ હોવાના કારણોમાં એ પ્રજાનું જિનેટિક પરિબળ કામ કરતું હોવાનું સાબિત થયું છે. વળી જે સમાજોમાં કુટુંબ વ્યવસ્થા ખૂબ નિકટની હોય છે ત્યાં પણ તેની તીવ્રતા ઓછી જોવા મળી છે.

જો આ જીવલેણ બીમારી છે અને તેની કોઈ અસરકારક સારવાર હજુ ઉપલબ્ધ નથી થઇ તો પછી ડિમેન્શિયાના દર્દી કે એ દર્દ પર શા માટે આટલું બધું ધ્યાન આપવું જોઈએ, એવો એક સવાલ ઊઠે ખરો. પરંતુ જરા વિચાર કરતાં સમજાશે કે મગજની ક્ષમતા ઘટે એટલે તેની અસર વ્યક્તિના સમગ્ર જીવન પર પડે અને તેના જીવનની ગુણવત્તા પહેલાં જેવી ન રહે. માનવી અન્ય પ્રાણીઓ કરતાં અલગ તરી આવે છે, તે તેની બુદ્ધિ શક્તિને કારણે. તેનું વ્યક્તિત્વ, તેની પ્રતિભા અને તેની ઓળખ એ માત્ર તેના મસ્તિષ્કના કુશળ કાર્ય પર નિર્ભર રહે છે. બિનજરૂરી ઔષધો અને શસ્ત્રક્રિયાઓ કે જેનાથી દર્દીને રોગમાંથી છુટકારો મળવાની શક્યતા નહીંવત્‌ છે તેના અખતરાઓ કરવાને બદલે તેમના જીવનની ગુણવત્તા જળવાઈ રહે તેવા ઉપાયો કરવા તે આવશ્યક છે. ડિમેન્શિયાથી પીડાતી વ્યક્તિના વર્તનને તેના સ્વભાવદોષ કે ઈરાદાપૂર્વકના બદલાવનું પરિણામ સમજવાની ભૂલ કરીએ તો આપણો તેમના પ્રત્યેનો વર્તાવ જુદો રહે અને તેમના જીવનને સરળ રીતે ચલાવવા માટે મદદરૂપ ન થઇ શકીએ. આ એક મગજની બીમારી છે એ સમજવું અત્યન્ત આવશ્યક છે જેથી તેમને માટે યોગ્ય નિદાન, સારવાર અને મદદગાર સંસ્થાઓનો સંપર્ક કરી શકાય.

ડિમેન્શિયા થવાનાં કારણો, તેનાં લક્ષણો, ચિન્હો અને તેના દરેક તબક્કે જરૂરી સહાય વિષે વધુ અધિકૃત માહિતી મેળવવી એ આ યુગમાં જરૂરી મનાવા લાગ્યું છે, જેથી કરીને ન કરે નારાયણ વ્યક્તિને પોતાને કે તેના પરિવારજનને કે તેમની આસપાસના પરિચિતોમાંથી કોઈને પણ આ રોગનાં લક્ષણો જણાય તો તરત તે માટે પગલાં લઇ તેમને મદદરૂપ થઇ શકે. મજાની વાત એ છે કે શરીરના કુલ વજનના માત્ર 2% જેટલું જ વજન આપણા મગજનું હોય છે, પણ એ શરીરને જોઈતા કુલ પ્રાણવાયુ અને શક્તિનો 20% ભાગ વાપરે છે! આપણે જાણીએ છી કે માનવીની બુદ્ધિશક્તિ અને યાદશક્તિ એ તેની મહામૂલી મૂડી છે અને તેમાં ય મગજનો એક ભાગ હિપોકૅમ્પસ તો નવી યાદશક્તિ ઘડવામાં, તેને વ્યવસ્થિત ગોઠવવામાં અને લાંબા સમય સુધી સાચવવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી તેની ખૂબ સંભાળ રાખવી તેટલું સમજી છું.

વધુ રસ ધરાવનારો માટે નીચે વેબ લિંક આપી છે તે ઉપયોગી થશે તેમ માનુ છું.

[1] www.varishta.org. blog & video in Gujarati. [2] www.dementiacare.in [3] www.dementiahindi.in

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,3043,3053,3063,307...3,3103,3203,330...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved