
courtesy : "The Asian Age", 25 August 2017
![]()

courtesy : "The Asian Age", 25 August 2017
![]()
સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોમાંથી બે જજોએ ટ્રિપલ તલાકને એટલે કે તલાક-એ-બિદ્દતને મનમાની રીતે આપવામાં આવતા અન્યાય કરનારા અમાનવીય તરીકે ઓળખાવ્યા છે તો ત્રીજા જજે એને ગેરઇસ્લામિક ગણાવ્યા છે. આમ હવે પછી મુસ્લિમ પુરુષ તલાક-એ-સુન્નત દ્વારા સ્ત્રીને તલાક આપી શકશે જે અધિકાર મુસ્લિમ સ્ત્રીઓ માટે તો ઉપલબ્ધ છે જ નહીં
સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાએ મુસ્લિમ મહિલાઓને મનમાની રીતે અપાતા ટ્રિપલ તલાકના દૂષણથી મુક્તિ અપાવી છે. જો મુસ્લિમ પુરુષોએ સામેથી આવા અન્યાયી અને અમાનવીય રિવાજ સામે અવાજ ઉઠાવ્યો હોત અને સુધારાની માગણી કરી હોત તો આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. મૌલવીઓએ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુધારા માટે પહેલ કરી હોત તો સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી ન કરવી પડી હોત. ઉદારમતવાદી સેક્યુલર પુરુષ મુસલમાનોએ રસ્તા પર ઊતરીને મહિલાઓને સાથ આપ્યો હોત તો પણ આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. પોતાને સેક્યુલર ગણાવનારા રાજકીય પક્ષોએ જો કાયદામાં સુધારો કરવાની પહેલ કરી હોત તો પણ સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી ન કરવી પડી હોત. આ એ રાજકીય પક્ષો છે જેમણે મુસલમાનોના મત મેળવવા મૌલવીઓના દબાણ હેઠળ આવીને ૧૯૮૬-’૮૭ના વર્ષમાં શાહબાનોના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને ઊલટાવ્યો હતો. મારા ઉદારમતવાદી સેક્યુલર હિન્દુ મિત્રોએ મુસ્લિમ સ્ત્રીઓને સાથ આપ્યો હોત તો પણ સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરવી ન પડી હોત. તેમણે મુસલમાનોના ધાર્મિક અધિકારોના નામે મુસ્લિમ સ્ત્રીઓને અન્યાય કરનારા રિવાજ સામે આંખ આડા કાન કર્યા હતા. મુસ્લિમ સમાજના પ્રશ્નો વિશે ઉઠાવાતા દરેક સવાલને કેટલાક સેક્યુલર હિન્દુઓ (કેટલાક, બધા નહીં) લઘુમતી કોમની સતામણી અને સ્વતંત્રતાના આયનામાં જુએ છે.

સૌજન્ય : સૂરેન્દ્ર : "ધ હિન્દુ", 23 અૉગસ્ટ 2017
હવે જ્યારે સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાએ ટ્રિપલ તલાકની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે ત્યારે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સહિતના બધા લોકો ચુકાદાનું સ્વાગત કરી રહ્યા છે. જેમણે અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓને થતા અન્યાય વિરુદ્ધ અવાજ નહોતો ઉઠાવ્યો એવા સેક્યુલર રાજકીય પક્ષો અને સેક્યુલર નાગરિકો પણ ચુકાદાનું સ્વાગત કરી રહ્યા છે. આજકાલ દેશમાં એવી માનસિકતા વિકસી રહી છે કે જો અદાલત કડવી દવા પીવડાવી દે તો આપણે અકારા થવું નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરે એની નોંધ પણ લીધી છે.
વિડંબના તો જુઓ! ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ સ્ત્રીઓએ રાત્રે બહાર ન નીકળવું જોઈએ અથવા પુરુષોને ઉત્તેજિત કરે એવાં ટૂંકાં કપડાં ન પહેરવાં જોઈએ એવી સલાહ આપે છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ આંતરજ્ઞાતિ અને આંતરધર્મી લગ્નનો વિરોધ કરી રહ્યા છે અને ઑનર કિલિંગને ઑનર સમજી રહ્યા છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ વૅલેન્ટાઇન્સ ડેનો વિરોધ કરે છે અને લવ-જેહાદનું આંદોલન કરી રહ્યા છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ કોણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એની શરતો મૂકી રહ્યા છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ મુસલમાનોના ઘરમાં ડોકિયાં કરવાની પ્રવૃત્તિને દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ માને છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ હિન્દુ સ્ત્રીઓને વારસાહક નથી આપતા. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ સ્ત્રીઓના સબરીમાલા જેવાં મંદિરોમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે.
ટૂંકમાં, જેઓ અસહિષ્ણુ છે, જેઓ હિન્દુસ્તાન મેં રહના હો તોની શરતો મૂકે છે અને જેઓ હિન્દુ સ્ત્રીઓ, દલિતો તેમ જ ભારતના નાગરિકોના નાગરિક-અધિકારોની પરવા નથી કરતા એવા લોકો મુસ્લિમ સ્ત્રીઓના અધિકારોના મસીહા બની ગયા છે. જો સભ્ય સમાજે વહેલાસર મુસ્લિમ સ્ત્રીઓના અધિકારોની ખેવના કરી હોત તો આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. ધડો એ લેવાનો છે કે માનવતા અને નાગરિક અધિકારો સર્વોચ્ચ છે અને એમાં બાંધછોડ કરવાની ન હોય. ફન્ડામેન્ટલ હ્યુમન વૅલ્યુઝ આર નૉન નિગોશિએબલ. ધર્માધતા સામે, અન્યાય સામે અને લૈંગિક કે બીજા પ્રકારના ભેદભાવ સામે અવાજ ઉઠાવવો એ નાગરિક-ધર્મ છે.
ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી મુસ્લિમ સ્ત્રીઓની પિટિશન સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેન્ચે સાંભળી હતી. પાંચ જજોની ખંડપીઠે જે ચુકાદો આપ્યો છે એ વાસ્તવમાં એક ચુકાદો નથી, પરંતુ ત્રણ ચુકાદાઓ છે. ન્યાયમૂર્તિ રોહિન્ટન નરીમાન અને ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતે ચુકાદો આપ્યો છે કે ટ્રિપલ તલાક મનમાની રીતે આપવામાં આવી રહ્યા છે અને એ બંધારણમાં સુરક્ષિત કરવામાં આવેલા માનવીય અધિકારોની વિરુદ્ધ છે. ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે ચુકાદો આપ્યો છે કે ટ્રિપલ તલાક કુરાનનો અર્થાત શરિયતનો હિસ્સો નથી એટલે એ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમણે મુસ્લિમ મહિલાના મૂળભૂત અધિકારો વિશે ચુકાદામાં કંઈ કહ્યું નથી. મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહર અને ન્યાયમૂર્તિ એસ.એ. નઝીરે ચુકાદો આપ્યો છે કે તલાક મુસલમાનોની શ્રદ્ધાનો વિષય છે, શરિયતનો અર્થાત ઇસ્લામનો અવિભાજ્ય હિસ્સો છે અને ૧૪૦૦ વર્ષ લાંબી પરંપરા છે, મુસ્લિમ પર્સનલ લૉઝમાં એનો સમાવેશ થાય છે એટલે એને બંધારણના આર્ટિકલ ૨૫ (ધર્મસ્વાતંત્ર્ય) હેઠળ સંરક્ષણ મળવું જોઈએ. તેમણે સરકારને સલાહ આપી છે કે જો શાસકોને આ બધું અમાનવીય કે અન્યાયી લાગતું હોય તો સરકાર કાયદો ઘડે, બાકી અદાલતના ખભે બંદૂક મૂકવાનું બંધ કરે.
આમ પાંચ જજોના ચુકાદામાં એકવાક્યતા નથી. પાંચ જજોમાંથી કોઈએ સ્ત્રીઓના તલાકના અધિકારનો પ્રશ્ન નથી ઉઠાવ્યો. પુરુષ તલાક આપી શકે તો સ્ત્રી શા માટે નહીં? પાંચ જજોમાંથી કોઈએ તલાકના બે પ્રકાર તલાક-એ-સુન્નત અને તલાક-એ-બિદ્દત વચ્ચેના ફરકનો અને એમાંથી કયા તલાક યોગ્ય છે કે નથી એ વિશે કોઈ નુક્તેચીની નથી કરી. તલાક-એ-બિદ્દત મુસ્લિમ પુરુષ એકસાથે ત્રણ વખત તલાક તલાક તલાક બોલીને સ્ત્રીને તલાક આપે છે અને એમાં એક વાર તલાક આપ્યા પછી એને ઉલટાવવાનો માર્ગ બચતો નથી. તલાક એ સુન્નતના બે પેટા પ્રકાર છે :
તલાક-એ-અહસાન અને તલાક-એ-હસન. આ બન્ને પ્રકારના તલાકમાં ત્રણ મહિના લેવામાં આવે છે અને એમાં તલાકને રદ કરીને પાછા ફરવાનો માર્ગ ઉપલબ્ધ છે. સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોમાંથી બે જજોએ ટ્રિપલ તલાકને એટલે કે તલાક-એ-બિદ્દતને મનમાની રીતે આપવામાં આવતા અન્યાય કરનારા અમાનવીય તરીકે ઓળખાવ્યા છે તો ત્રીજા જજે એને ગેરઇસ્લામિક ગણાવ્યા છે. આમ હવે પછી મુસ્લિમ પુરુષ તલાક-એ-સુન્નત દ્વારા સ્ત્રીને તલાક આપી શકશે જે અધિકાર મુસ્લિમ સ્ત્રીઓ માટે ઉપલબ્ધ નથી.
આ અર્થમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો પણ એક અર્થમાં અધૂરો છે. મારા મતે ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે ઇસ્લામિક અને ગેરઇસ્લામિકની ભાંજગડમાં પડવાની જરૂર નહોતી. ૧૯૮૬માં શાહબાનોના કેસમાં એ વખતના મુખ્ય ન્યાયમૂર્તિ વાય.વી. ચન્દ્રચૂડ ઇસ્લામના તત્ત્વજ્ઞાનની ભાંજગડમાં પડ્યા હતા અને એમાં ન્યાયનું ગળું ઘોંટાઈ ગયું હતું. હજાર લોકો હજાર રીતે ધર્મોના આદેશોનું અર્થઘટન કરતા હોય છે એટલે જજોએ માત્ર બંધારણનું અને કાયદાનું અર્થઘટન કરવું જોઈએ.
બીજી વાત, મુસ્લિમ સ્ત્રીઓને મળેલી મુક્તિનું ભલે આપણે સ્વાગત કરીએ અને કરવું જ જોઈએ, પરંતુ ન્યાયમૂર્તિ ખેહર અને ન્યાયમૂર્તિ નઝીરે ઉઠાવેલા સવાલો પણ એટલા જ મહત્ત્વના છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 અૉગસ્ટ 2017
![]()
કાયદા કે નિયમો મનસ્વી હોય તો એને બદલીને નાગરિક હકોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજમાં આવે છે
ત્રણ વખત ‘તલાક’ બોલી તાત્કાલિક લગ્ન તોડવાની પ્રથા તલાક-એ-બિદ્દત એટલે કે ટ્રિપલ તલાકને સુપીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. આધુનિક અને બિનસાંપ્રદાયિક ભારતમાં આ ઘણો અગત્યનો ચુકાદો છે. દેશની સર્વોચ્ચ અદાલત એક ધર્મની સામાજિક પ્રથાને સ્ત્રીના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને ગેરબંધારણીય ઠેરવે એનું ઐતિહાસિક મહત્ત્વ છે. ચારે તરફથી એને આવકાર મળી રહ્યો છે.
ભારતીય મુસ્લિમ સમાજમાં મુખ્યત્વે તલાકની બે પ્રથા પ્રચલિત છે. સુપ્રીમે કોર્ટે જે અંગે ચુકાદો આપ્યો છે એ તલાક-એ-બિદ્દત પ્રથા અનુસાર જો પતિ ત્રણ વાર ‘તલાક’ બોલી જાય તો એ તલાક અફર થઈ જાય છે. એમાં ફેરબદલી કે સમાધાનને અવકાશ નથી રહેતો. આ હક માત્ર પુરુષો પાસે જ છે. સ્ત્રીને છૂટાછેડા જોઈતા હોય તો ‘ખુલા’ કરવા પડે જેની પ્રક્રિયા અલગ અને લાંબી હોય છે. બીજી પ્રથા તલાક-હસન અને તલાક-અહસન તરીકે ઓળખાય છે, જેમાં સમાધાન દ્વારા તલાકના નિર્ણયને બદલવાની શક્યતા છે. આ પ્રથા અંગે સુપ્રીમ કોર્ટે કોઈ ટિપ્પણી કરી નથી. એટલે આ ચુકાદાની એની પર કોઈ અસર પડશે નહિ.
ટ્રિપલ તલાક સામેનો સંઘર્ષ લાંબો છે. 1984માં શાહબાનોના કેસથી લઈને આજ સુધી ટ્રિપલ તલાક ચર્ચાનો વિષય રહ્યો છે. હાલના કેસમાં સુપ્રીમ કોર્ટના બે સભ્યોની બેન્ચની સામે ટ્રિપલ તલાકનો કિસ્સો આવ્યો એ સંદર્ભે કોર્ટે સુઓ મોટો (સામે ચાલીને) નોંધ લીધી કે તલાકના કારણે શું મુસ્લિમ સ્ત્રીઓ લિંગભેદનો શિકાર બને છે? વિષયની નાજુકતા સમજીને કોર્ટે આ કેસ પાંચ સભ્યોની બેન્ચને સોંપ્યો અને છ મહિના આ વિષય પર સંશોધન કરવા માટે આપ્યા. છેલ્લાં દસેક વર્ષ દરમિયાન સમાજમાં પણ સારી એવી જાગૃતિ આવી. સેંકડો મુસ્લિમ બહેનોએ પોતાની આપવીતી કહી અને તલાક-એ-બિદ્દત બંધ કરવાના માગણીપત્ર પર સહી કરી. ઇસ્લામના વિદ્વાનોએ પણ કહ્યું કે આ પ્રથાને મહમ્મદ પયગમ્બરે પણ ઉચિત માની ન હતી. ઇસ્લામના ઉદયની એકાદ સદી પછી આ પ્રથા ઊભી થયાનું અનુમાન છે. માત્ર સુન્ની મુસલમાનોમાં જ એનું ચલણ છે. શિયા તલાક-એ-બિદ્દતને માન્યતા આપતા નથી. દેખીતી રીતે અન્યાયી એવી આ પ્રથા પર ઘણાં ઇસ્લામિક રાષ્ટ્રો પ્રતિબંધ મૂકી ચૂક્યાં છે. પણ ભારતમાં એ અત્યાર સુધી ચાલુ રહી અને ઘણા રાજકીય રોટલા એના પર શેકાયા.
આ નિર્ણય 3 વિરુદ્ધ 2ની બહુમતીથી આવ્યો છે. પાંચ જજની બેન્ચમાં બે જજ – ચીફ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે સમાનતાના મૂળભૂત અધિકારની સામે ધાર્મિક પ્રણાલીઓને મહત્ત્વ આપ્યું. તેમના ચુકાદા અનુસાર આ પ્રથા મુસ્લિમ પર્સનલ લૉનો હિસ્સો હોવાથી અને ધર્મસ્વાતંત્ર્ય બંધારણનો મૂળભૂત અધિકાર હોવાથી અદાલતના ચુકાદા દ્વારા તેને રદબાદલ ન કરી શકાય. તેમણે સરકારને સૂચન કર્યું કે આગામી છ મહિનામાં રાજકીય પક્ષો આ મુદ્દે યોગ્ય ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી નવો કાયદો ઘડે.
આ સૂચવે છે કે જ્યારે સમાનતા અને ધર્મ સ્વાતંત્ર્યતાના સિદ્ધાંતો પરસ્પર સામસામે આવે ત્યારે ધાર્મિક લાગણીઓ સામે સમાનતાનો સિદ્ધાંત હજુ પણ ઝૂકી જઈ શકે છે. મુદ્દો એ છે કે કોને વધુ મહત્ત્વ અપાય છે – બંધારણે આપેલા મૂળભૂત નાગરિક અધિકારને કે પછી ધર્મના વૈયક્તિક કાયદાને? આ કિસ્સામાં મોટું આશ્વાસન એ છેકે બાકીના ત્રણ જજ – જસ્ટિસ જોસેફ, જસ્ટિસ નરિમાન અને જસ્ટિસ લલિતે ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ સાથે અસંમતી દર્શાવી અને ટ્રિપલ તલાકની પ્રથામાં બંધારણની કલમ 14નું ઉલ્લંઘન થતું હોવાથી તેને ગેરબંધારણીય ઠેરવી છે. તેમણે કહ્યું કે આ પ્રથા કુરાનના હાર્દની પણ વિરુદ્ધ છે. આ ઉપરાંત જસ્ટિસ નરિમાને એમ પણ કહ્યું કે જો કાયદા કે નિયમો મનસ્વી હોય તો એને બદલીને નાગરિક હકોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજમાં આવે છે.
વિશ્વભરના આજના માહોલમાં જ્યારે પરંપરાના ગુણગાન ગાવાનો અને તેના પર ગર્વ લેવાનો જુવાળ ચાલ્યો છે ત્યારે ટ્રિપલ તલાક સામે ચાલેલી સમગ્ર ઝુંબેશ તેમ જ આ ચુકાદામાંથી એ બોધપાઠ લેવાનો છે કે જે પ્રથાઓ માનવ અધિકારો સામે વિસંગતી ઊભી કરે છે અને બંધારણીય અધિકારોનું હનન કરે છે તેને પાછળ મૂકી, બંધારણીય હકોને પ્રાથમિકતા આપવાની દૃષ્ટિ કેળવવી પડે. આ પ્રથાઓ લઘુમતી સમાજની હોય કે પછી બહુમતી સમાજની. એનો ભોગ સ્ત્રીઓ પણ બનતી હોઈ શકે કે પછી દલિત કે આદિવાસી.
કોર્ટના ચુકાદાથી સ્ત્રીઓની પરિસ્થિતિ રાતોરાત બદલાવાની નથી. ખરો પડકાર કાયદાનો યોગ્ય અમલ થાય એ પરિસ્થિતિ ઊભી કરવામાં છે. સામાજિક સુધારણાની પ્રક્રિયા ધીમી જ હોય છે. આજે મુસ્લિમ સમાજમાં છૂટાછેડાના ગણ્યાગાંઠ્યા કેસ જ ફેમિલી કોર્ટ સમક્ષ આવે છે, જ્યારે 90 ટકાથી પણ વધારે કેસ શરિયત કોર્ટમાં જાય છે. ત્યાં રૂઢિવાદી ધાર્મિક નેતાઓનું જ વર્ચસ્વ રહેવાનું છે. તેમાંના ઘણા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ગણાવી ચૂક્યા છે. જ્યાં સુધી પીડિતાનો સવાલ છે ત્યાં સુધી મોટા ભાગે સમાજના કવચમાંથી બહાર નીકળવાનો એની પાસે ખાસ કોઈ વિકલ્પ નથી હોતો. ભલેને એ અન્યાયી હોય, છતાં ય સુરક્ષાનો ભાવ એને પોતાના સમાજમાં જ મળશે. એટલે સમાજના અગ્રણીઓ જે ફેંસલો આપશે એને માનવા સિવાય કોર્ટના દરવાજા ખખડાવવાની હિંમત કેટલી સ્ત્રીઓ કરી શકશે? આવા સમયે એન.જી.ઓ. તેમ જ સમાજના પ્રગતિશીલ વરિષ્ઠોની ભૂમિકા અગત્યની થઈ રહેશે, જે યોગ્ય સમયે દખલગીરી કરી પીડિતાને ન્યાય અપાવવામાં મદદ કરે અને કાયદાના યોગ્ય અમલમાં મદદ કરે.
સ્ત્રીઓની મારપીટ, હેરાનગતિ, અપમાનજનક વર્તન, લડાઈ ઝઘડા વગેરેનો અંત આ કાયદાથી નથી આવવાનો. જો લગ્ન તૂટે તો તલાકશૂદા સ્ત્રીને ન્યાયપૂર્ણ યોગ્ય વળતર મળી રહે એ માટે પણ એક અલગ જ સંઘર્ષ છે. આ દુર્દશા માત્ર મુસ્લિમ સ્ત્રીઓની જ નથી. એ બધા ધર્મમાં વ્યાપક છે. એને કોઈ વર્ગના વાડા પણ નથી નડતા. ગરીબ હોય કે તવંગર દરેક ધર્મની, દરેક વર્ગની સ્ત્રીઓની દુર્દશાનાં અનેક ઉદાહરણ મળી રહેશે.
હવે પછીનું પગલું દેશમાં લગ્ન સંબંધે નાગરિક કાયદો બનાવવાનું હોવું જોઈએ, જે કાયદા અનુસાર લગ્ન કોઈ પણ ધાર્મિક વિધિથી થયાં હોય, પણ લગ્નજીવનમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર મળે. એવો કાયદો જે લગ્નવિચ્છેદન થાય તો લગ્નજીવન દરમ્યાન ભેગી થયેલી સંપત્તિ પર સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન અધિકાર સ્વીકારે. વળતર નક્કી કરતી વખતે કુટુંબ માટે સ્ત્રીએ આપેલા સમય, શક્તિ અને લાગણીની કદર કરી શકે. આ કાયદો બધી ધાર્મિક પરંપરાઓથી ઉપર ઊઠીને માત્ર મૂળભૂત માનવ અધિકારોને ધ્યાનમાં રાખતો હોવો જોઈએ.
સૌજન્ય : ‘અપેક્ષા’, “દિવ્ય ભાસ્કર”, 25 અૉગસ્ટ 2017
![]()

