ચીની સામ્યવાદી પક્ષની ચાલી રહેલી કૉન્ગ્રેસમાં ચીની નેતાઓ હુંકાર કરી રહ્યા છે ત્યારે યુરોપનો વધુ એક દેશ સંકટનો સામનો કરી રહ્યો છે.
આ કૉલમમાં મેં લખ્યું હતું કે ચીનના પ્રમુખ શી જિનપિંગના સાડાત્રણ કલાક લાંબા ભાષણમાં આત્મવિશ્વાસ અને તુમાખી બન્ને પ્રગટ થતાં હતાં અને ખરું પૂછો તો તુમાખી વધુ જોવા મળતી હતી. આ જ તો ફરક છે સફળતામાં અને સંકટમાં. જ્યારે સ્થિતિ અનુકૂળ હોય ત્યારે માણસને એમ લાગવા માંડે છે કે તે આખી દુનિયાને બાથમાં લેવાની ક્ષમતા ધરાવે છે. તે આત્મવિશ્વાસપૂર્વક બહાર જુએ છે અને તેનું વલણ બહિમુર્ખી હોય છે. ભય, અસલામતી, કુંઠિત અવસ્થા, સ્વાર્થ, દાધારંગાપણું, અસ્મિતાઓના માળાઓમાં લપાઈને સુરક્ષા શોધવી વગેરે સંકટનાં લક્ષણો છે. ભયભીત માણસ અંતમુર્ખીર બનીને પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે.
આજે સ્થિતિ એવી છે કે ચીન એક સફળ દેશ તરીકે વિસ્તરવા માટે અને આખા જગતને બાથમાં લેવા માટે અધીરું છે અને ફૂંફાડા મારે છે તો યુરોપ વીસમી સદી હારી ગયું છે. અંકટાડ (UNCTAD – યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ)થી લઈને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન સુધીનો વિસ્તરવાનો અને જગતને બાથમાં લેવાનો યુગ જોતજોતામાં પૂરો થઈ ગયો છે. આજે યુરોપના દેશો એકબીજાથી તો ઠીક, પોતાના જ વાંશિક વૈવિધ્યથી ભયભીત છે.
આની વચ્ચે ભારત રાઇઝિંગ સ્ટાર તરીકે બે દાયકાથી રિંગમાં ઊભું છે અને એ ત્યાંથી આગળ વધી શકતું નથી. આત્મવિશ્વાસપૂર્વક હનુમાનકૂદકો મારવો કે પછી પોતાનું ઘર ઠીકઠાક કરવું એ બેમાંથી કોને પ્રાથમિકતા આપવી એ ભારતના શાસકો નક્કી જ કરી શકતા નથી. જગદીશ ભગવતી જેવા અર્થશાસ્ત્રીઓ હનુમાનકૂદકો મારવાની સલાહ આપે છે તો અમર્ત્ય સેન જેવા અર્થશાસ્ત્રીઓ કહે છે કે પહેલાં માનવદ્રવ્યનો વિકાસ કરો. સાચો વિકાસ માનવવિકાસ છે, બાકી ભૌતિક વિકાસના ટાપુઓ રચીને કંઈ હાથમાં આવવાનું નથી. આ બે દિશાની યાત્રામાંથી કઈ દિશા પકડવી એ બે દાયકાથી ભારતના શાસકો નક્કી કરી શકતા નથી, જેનું પરિણામ આપણી સામે છે. એક વર્ગને ખુશ કરવા માટે અને દુનિયાને આંજી દેવા માટે ભારતના શાસકો બુલેટ ટ્રેન જેવા ભૌતિક વિકાસના ટાપુઓ બાંધવા માટે આતુર છે તો એ સાથે તેમને નારાજ વંચિતો રખે રામલીલા મેદાન છલકાવી દે એનો ડર પણ લાગે છે. આનાથી બચવા માટે વર્તમાન શાસકો હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિનો આશ્રય લે છે.
તો એક અંતિમે ચીન છે, બીજા અંતિમે યુરોપ છે અને વચ્ચે રાઇઝિંગ સ્ટાર તરીકે આગળ વધ્યા વિના અટકેલું અને લટકેલું ભારત છે. આને કારણે આ ત્રણેય પ્રદેશોમાં પ્રજાનો મૂડ અલગ-અલગ છે. આમાં યુરોપની પ્રજા એકબીજાથી અને એ સાથે જ પોતે જ પોતાનાઓથી ભયભીત છે. આ ભય સીમાબદ્ધ રાષ્ટ્રવાદમાં, ધાર્મિક રાષ્ટ્રવાદમાં અને વાંશિક કે પ્રાદેશિક રાષ્ટ્રવાદમાં ડોકિયાં કરે છે. આ ત્રણેય પ્રકારનો રાષ્ટ્રવાદ પરસ્પર પૂરક નથી, પરંતુ એકબીજાનો છેદ ઉડાડે છે. હકીકતમાં છેદ ઉડાડવો એ રાષ્ટ્રવાદનો સ્વભાવ છે. જેમ-જેમ સંકટ ઘેરું થતું જાય એમ અસ્મિતાઓ આક્રમક બનવા લાગે છે.
બ્રિટને યુરોપના સંઘમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. એ પહેલાં સ્કૉટલૅન્ડે બ્રિટનમાં રહેવું કે સ્વતંત્ર થવું એ બાબતે લોકમત લેવાયો હતો. સ્કૉટલૅન્ડની પ્રજાના એક વર્ગને એમ લાગે છે કે બ્રિટનમાં રહેવાથી તેનો વિકાસ અટકેલો છે અને શા માટે બ્રિટનનો બોજો માથે લઈને ફરવું? જરાકમાં સ્કૉટલૅન્ડ બ્રિટનથી અલગ થતાં રહી ગયું. આ બાજુ જર્મની, ફ્રાન્સ, ઇટલી એમ યુરોપના દેશોમાં જમણેરી ફાસીવાદી વિચારધારા પ્રબળ બની રહી છે. આ શ્રેણીમાં હવે સ્પેનના કૅટેલોનિયાએ સ્પેનથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લૉજિક એ જ છે – શા માટે સ્પેનનો બોજો માથે લેવો? સ્પૅનિશ રાષ્ટ્રવાદ કૃતક એટલે કે પ્રયત્નપૂર્વક વિકસાવેલો છે, જ્યારે કૅટેલોનિયન રાષ્ટ્રવાદ સો ટચના સોના જેવો અસલી છે. હકીકત એ છે કે સ્પેનના જેટલા પ્રદેશો છે એમાં કૅટેલોનિયા સૌથી શ્રીમંત પ્રદેશ છે. બાર્સિલોના શહેરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. બાર્સિલોના ફૂટબૉલ માટે જાણીતું છે એટલું જ એની સમૃદ્ધિ માટે જાણીતું છે. મૅડ્રિડ સ્પેનની રાજધાનીનું શહેર છે, પરંતુ જગતની પ્રજા માટે કૅટેલોનિયાની રાજધાનીનું શહેર બાર્સિલોના વધારે જાણીતું છે.
૧૯૭૫માં સ્પેનના સરમુખત્યાર જનરલ ફ્રાન્સિસ્કો ફ્રૅન્કોનું અવસાન થયું એ પછી સ્પેન લોકતાંત્રિક બન્યું હતું. ૧૯૭૮માં અસ્તિત્વમાં આવેલા નવા બંધારણમાં કૅટેલોનિયાને સ્વાયત્તતા આપવામાં આવી હતી. સ્વાયત્તતા એટલે સંપૂર્ણ સ્વાયત્તતા, એક સ્વતંત્ર દેશ જેટલી સ્વાયત્તતા. આનું કારણ એ હતું કે કૅટેલોનિયા સ્પેનનો સમૃદ્ધ પ્રદેશ છે, એની પોતીકી અસ્મિતા છે, સમૃદ્ધ સાંસ્કૃિતક વારસો ધરાવે છે અને કૅટેલોનિયનો સ્પેનનું રાજકીય નેતૃત્વ કરતા આવ્યા છે. એક મોટા ભાઈ જેવો કૅટેલોનિયનોનો વર્તાવ હતો. આગળ કહ્યું એમ જ્યાં સુધી ભવિષ્ય ઊજળું દેખાતું હોય ત્યાં સુધી કોઈને ખાનાર મોઢાં ભારે પડતાં નથી, પરંતુ જ્યારે ભવિષ્ય અનિશ્ચિત દેખાવા લાગે ત્યારે મોઢાં મોંઘાં પડવા લાગે છે. જ્યારે આપણે સૌથી વધુ સમૃદ્ધ છીએ ત્યારે શા માટે કહેવાતા સ્પૅન્યર્ડ(સ્પૅનિશ અસ્મિતા)નો બોજો ઉઠાવવો? સ્પૅન્યર્ડ કરતાં કૅટેલોનિયન અસ્મિતા વધારે પ્રબળ છે અને વધારે સ્વાભાવિક (ઑર્ગેનિક) છે.
સ્પેનનો મોટો ભાઈ હવે સ્વાર્થી બની ગયો છે. સ્વાર્થ અસ્મિતાઓનાં મહોરાંઓ ધારણ કરીને આવે છે એ આ કૉલમના બ્રૅન્ડેડ દેશપ્રેમીઓએ સમજી લેવાની જરૂર છે. દેશપ્રેમી તો હું પણ છું, પણ કોઈનો છેદ ઉડાડવો પડે એવો બ્રૅન્ડેડ નથી. કૅટેલોનિયન અસ્મિતા સ્પૅન્યર્ડનો છેદ ઉડાડવા માગે છે, કારણ કે મૂળમાં અનિશ્ચિતતા છે અને અસલામતીજન્ય સ્વાર્થ છે. અસ્મિતા તો મહોરું માત્ર છે. પહેલાં કૅટેલોનિયાની સંસદે સ્પેનથી અલગ થવાનો ઠરાવ કર્યો હતો અને લોકમત લેવાની જાહેરાત કરી હતી. એ પછી પહેલી ઑક્ટોબરે કૅટેલોનિયામાં લોકમત લેવાયો હતો જેમાં માત્ર ૪૩ ટકા નાગરિકોએ ભાગ લીધો હતો, પરંતુ જેમણે ભાગ લીધો હતો એમાંથી ૯૩ ટકા લોકોએ સ્પેનથી અલગ થઈ જવાની તરફેણમાં મત આપ્યો હતો.
લોકમતનું પરિણામ એટલું વિચિત્ર છે કે કૅટેલોનિયાના શાસકો સ્પેનથી અલગ થવાનો આખરી હથોડો મારતાં ડરે છે અને સ્પેનના શાસકો અલગતાવાદીઓ સામે ચાબુક ઉઠાવતાં ડરે છે. માત્ર ૪૩ ટકા કૅટેલોનિયનોએ મત આપ્યો એ જોઈને કૅટેલોનિયાના શાસકો ડરેલા છે અને જેમણે મત આપ્યો એમાંથી ૯૩ ટકાએ અલગ થવા માટે મત આપ્યો છે એ જોઈને મૅડ્રિડના શાસકો ડરેલા છે.
જગત અત્યારે સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને શાસકો સંકટનું અસ્મિતાકરણ કરીને એનો લાભ લઈ રહ્યા છે. આ ટૂંકા રસ્તાઓ છે, આખરી ઉકેલ નથી; પણ શાસકોનો સત્તાનો સ્વાર્થ હોય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 26 અૉક્ટોબર 2017
![]()


There is yet another reason why I write this memoirs. The story I write here is that of an immigrant who migrated from India empty handed when he was twenty-five and lived better part of life in the U. S., the country of his dreams where his dreams came true. Yet, millions of immigrants stream into the country. After all, the country is made of immigrants and their descendents. So what is so special about my story as an immigrant? More than a story, this memoirs is my tribute to America.
પાંચસો સાઈઠ પાનાંની આ નવલકથાનાં અનેક દ્રશ્યો વાચકને હચમચાવી મૂકે તેવાં છે. ‘ક્રોસરોડ’ નવલકથા અડધી સદી(૧૯૨૦-૭૦)નો સમય આલેખે છે. આ સમયગાળો -સાંસ્થાનિક ભારતની આઝાદીની લડાઈનો અને નવા ભારતની મથામણોનો ગાળો છે. નવજાત શિશુની હાલત બગડે ત્યારે કાચની પેટીમાં રાખવામાં આવે એવી હાલત આપણી આઝાદી પછી હતી એ પણ અહીં દર્શાવાયું છે. આવા કાળખંડની સામગ્રીનું આકલન કરવાની ક્ષમતા અને સીમાઓ તેમ જ એ સામગ્રીનું કળામાં રૂપાંતર કરવાની ક્ષમતા અને સીમાઓનું દર્શન આ નવલકથા કરાવે છે.