Opinion Magazine
Number of visits: 9583055
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોહરાબુદ્દીન કેસનાં સ્ફોટક નવાં તથ્યો : પીંજરામાં પોપટ!

ભરત મહેતા|Samantar Gujarat - Samantar|1 December 2017

યુપીએ સરકાર વખતે લોકપાલબિલ માટે બણગાં ફૂંકનાર અને સી.બી.આ.ઈને સત્તાના પીંજરાનો પોપટ કહેનાર ભાજપે પણ મે-૨૦૧૪ પછી સી.બી.આઈ.ને કેવી રીતે પીંજરાનો પોપટ બનાવી દીધો છે, સોહારાબુદ્દીન કેસના નવાં સ્ફોટક તથ્યો તેની પ્રતીતિ કરાવે છે.

સોહારાબુદ્દીનના ખૂન પછી, તેની પત્ની કૌસરબી પરના બળાત્કાર અને ખૂન પછી, સોહરાબુદ્દીનના ભાઈ રબાબુદ્દીને પોલીસના આ નકલી એકાઉન્ટર સામે સુપ્રીમની મદદ માંગતા આ કેસને ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે ‘ખાસ કેસ’નો દરજ્જો આપી સી.બી.આઈ.ને સોંપ્યો હતો. સાથોસાથ બે સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે આ કેસ પતે નહીં, ત્યાં લગી એના ન્યાયાધીશની બદલી નહીં કરવી તેમ જ આ કેસ ગુજરાતની બહાર ચલાવવામાં આવે. આ કેસમાં આરોપીઓ મોટાં માથાં હતા. તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને ડી.જી. વણઝારા, અભય ચુડાસમા સમેત મોટા બાર પોલીસ-અધિકારીઓ સંડોવાયેલા હતા જેના કારણે આ કેસ ઘણો જ સંવેદનશીલ ગણી શકાય.

સી.બી.આઈ. ન્યાયાધીશ શ્રી ઉટપુટે વારંવાર અમિત શાહને બોલાવ્યા છતાં એ હાજર થતાં ન હતા. અમિત શાહ સહિત બધાને ચાર્જશીટ મળી છતાં આ અનાદર કરાવ્યો. તેથી ન્યાયાધીશ ઉટપુટે ૨૬મી જૂન, ૨૦૧૪ની સુનાવણીની છેલ્લી તારીખ ફાળવી હતી. આ દરમિયાન મે ૨૦૧૪માં ભાજપ સત્તા પર આવ્યો અને આશ્ચર્ય વચ્ચે સુનાવણીના અગાઉના દિવસે ૨૫મી જૂને જ સુપ્રીમ કોર્ટની સૂચનાને બાજુ પર મૂકી શ્રી ઉટપુટની બદલી કરી દેવામાં આવી! મહારાષ્ટ્ર સરકારે ખુલાસો કર્યો કે આ બદલી શ્રી ઉટપુટની માંગણી હોવાથી કરવામાં આવી છે. આ માંગણી પાછળ ન્યાયાધીશને લાગેલો ડર નકારી શકાય તેમ નથી.

બીજી તરફ શ્રી ઉટપટની જગાએ નિમાયેલા નવા ન્યાયાધીશશ્રી વ્રજમોહન લોયા પણ ફરી ફરી અમિત શાહને હાજર થવા માટે જણાવતા રહ્યા, પરંતુ અમિત શાહ એને ટાળતા જ રહ્યા! નાનકડા સમારંભમાં નાગપુર ખાતે ગયેલા વ્રજમોહન લોયાનું અતિશંકાસ્પદ હાલતમાં પહેલી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ત્યાંના સરકીટહાઉસમાં મૃત્યુ થયું. પરિવારને જણાવવામાં આવ્યું કે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ વ્રજમોહન લોયાના મૃત્યુની આસપાસ વીંટળાયેલી કેટલીક હકીકતો એમનાં બહેન અનુરાધા લોયા, લોયાના પિતાજી અને પુત્રને શંકાસ્પદ લાગી છે.

આવા સંવેદનશીલ કેસ સાથે જોડાયેલા ન્યાયાધીશને બે દવાખાનાં પર રિક્સા-સ્ટેન્ડમાંથી રિક્સા લઈને લઈ જવામાં આવ્યા છે! પરિવારને પાંચ વાગે મૃત્યુનો ફોન આવ્યો છે. પોસ્ટમૉર્ટમમાં ૬ઃ૧૫નો સમય મૃત્યુનો નોંધવામાં આવ્યો છે. સરકારી દવાખાનામાં તો રાતે બાર વાગે મોત પામેલા બતાવ્યા છે. લોયાના પિતાનું કહેવું છે કે વ્રજમોહનની લાશ માથા પાછળથી ઘવાયેલી હતી. શર્ટ પર લોહીના ડાઘા હતા. હૃદયહુમલામાં આ ન હોઈ શકે. તદુપરાંત પોસ્ટમૉર્ટમ રિપોર્ટ માટે લગભગ ફરજિયાત ગણાય તેવી પરિવારજનોની પરવાનગી લેવામાં જ આવી નથી. પોસ્ટમૉર્ટમમાં રિપોર્ટમાં એક પોલીસ-કર્મચારીની સહી છે, જ્યારે બીજી સહી વ્રજમોહનના પિતરાઈ ભાઈ તરીકે કોઈએ કરી છે! વ્રજમોહન લોયાના પિતાજીએ કહ્યું કે અમારે આવો કોઈ જ પિતરાઈ ભાઈ નથી!

બીજી કેટલાક સવાલો પણ આ આખી માહિતી બહાર લાવનાર ‘કારવાન’ના પત્રકાર નિરાંજન ટકલે એ વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાની મુલાકાત લઈને ઊભા કર્યા છે. વ્રજમોહન લોયાની લાશ એમના પૈતૃક ગામ લઈ જવામાં આવી, જ્યાં લાશની સાથે ડ્રાઇવર સિવાય ઍમ્બ્યુલન્સમાં કોઈ જ ન હતું! આવડા મોટા કેસ સાથે સંકળાયેલા ન્યાયાધીશ સાથેનો આ વહેવાર શંકાસ્પદ નથી?

બીજું, વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાના જણાવવા અનુસાર એમને જ્યારે ભાઈના મૃત્યુની જાણ થઈ ત્યારે તેઓ પોતે શારદા હૉસ્પિટલમાં પોતાનાં બીજાં સ્વજનોની ચાકરીમાં હતાં. એમને જાણ કરવા માટે ઈશ્વર બહૈટી નામના આર.એસ.એસ. કાર્યકર્તા આવ્યા હતા. એ જ વખતે અનુરાધાબહેને એમને પૂછ્યું હતું કે ‘હું શારદા હૉસ્પિટલમાં છું એ એવા અજાણ કાર્યકર્તાને શી રીતે જાણ થઈ?’ કારવાનના પત્રકારે ઈશ્વર બહૈટીનો સંપર્ક કર્યો, પરંતુ તે કોઈ જ વાત કરવા તૈયાર નથી! આ મૃત્યુને શંકાસ્પદ બનાવતાં તમામ તથ્યો મોજૂદ છે. ન્યાયાધીશ જેવા હોદ્દાનો પ્રોટોકોલ જળવાયો નથી. સૌથી મોટી વાત એ છે કે પંચનામું પણ થયું નથી, જે સામાન્ય કાર્યવાહી છે. વ્રજમોહન લોયાનો મોબાઇલ ફોન તો પરિવારને આપવામાં આવ્યો, પરંતુ સંપૂર્ણ ડેટાબેઝ ડિલિટ કરીને આપવામાં આવ્યો છે! શું આ ડેટા પુનઃ ન મેળવી શકાય? ભારેખમ આરોપીઓ સામેના ન્યાયાધીશ માટે આવી લાપરવાહી એ વધુ એક ફેક એનકાઉન્ટરની શંકા ઊભી કરે છે. વ્રજમોહન લોયા સરકારી ગેસ્ટહાઉસમાં રોકાયા હતા અને બે વાગે રિક્સાસ્ટેન્ડ પરથી રિક્સામાં દવાખાને લઈ જવામાં આવ્યા! ત્રણ વર્ષ પછી એમની બહેને મૌન તોડ્યું છે. પત્ની-પુત્ર હજુ પણ ગભરાયેલાં જ છે.

બીજી તરફ વ્રજમોહન લોયાના સ્થાને આવેલા ન્યાયાધીશ શ્રી ગોસ્વામીએ જેમને ચાર્જશીટ અપાયેલી એવા અમિત શાહને કોર્ટમાં બોલાવ્યા વિના જ ‘નિર્દોષ’ છે નો ચુકાદો પણ આપી દીધો! લોયાના મૃત્યુ વખતે સંસદના શીતકાલીન સત્ર વખતે ટી.એમ.સી.ના સાંસદોએ દેખાવો કર્યા હતા પણ એને ગંભીરતાથી ન લેવામાં આવ્યા! સોહારાબુદ્દીનનો ભાઈ પૂરી સુપ્રીમ કોર્ટમાં ગયો પણ સુનાવણી આવતાં જ એણે પણ અપીલ પાછી ખેંચી લીધી! દસ વર્ષ સુધી ભાઈ-ભાભીનાં મોત અંગે ઝીંક ઝીલનાર પણ ડરી ગયો? ઉચ્ચ સત્તાધારી જ્યારે આરોપી હોય, ત્યારે ઘટેલી આ આખી ઘટના ન્યાયપ્રણાલીની સ્વાયત્તતા વિશે સવાલો ઊભા કરે છે. ત્રીજા જજને આવડો મોટો કેસ ચલાવવાની જરૂર ન લાગી અને અમિત શાહને ડિસ્ચાર્જ કરી દીધા? આ આખો કિસ્સો મીડિયાને એક આહ્‌વાહન છે. ત્રીજા જજ બેસતાવેંત જ ફીંડલું વળી ગયેલો આ કેસ પીંજરામાં ભાજપનો પોપટ ઝૂલે છે, તેનો સીધી પુરાવો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 07-08

Loading

પાબીબહેન રબારી : ભારતની પ્રથમ રબારી મહિલા ઉદ્યોગસાહસિક

નિલેશ પ્રિયદર્શી|Opinion - Opinion|1 December 2017

પત્ની ઘર સંભાળે, પતિ કમાવી લાવે, પત્ની ચુપચાપ ઘરમાં સાસુ – સસરાની સેવા કરે, બાળકોનો ઉછેર કરે. ડગલે ને પગલે અપમાનોના કડવા ઘૂંટ પીને પણ ઘરસંસારની ગાડી સુપેરે ચલાવે. ભારતના ગ્રામીણ સમાજમાં આદર્શ નારીની સર્વસામાન્ય વ્યાખ્યા કંઈક આવી જ છે.

હજુ હમણાં સુધી ભારતમાં સ્ત્રીઓનું સશક્તિકરણ સમાજના અમુક વર્ગો અને અમુક પ્રદેશો સુધી સીમિત હતું. વૈશ્વિકીકરણને કારણે આજે સશક્તિકરણનો વિચાર છેક છેવાડાનાં ગામડાંઓ સુધી પહોંચ્યો છે. ગામડાંની મહિલાઓ પણ સ્વબળે, સંઘર્ષ કરીને, પોતાની કોઠાસૂઝ અને આવડતનો ભરપૂર ઉપયોગ કરીને નોંધપાત્ર પ્રગતિ કરીને સમાજમાં મુઠ્ઠીઊંચેરું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આવો જ પ્રેરણાદાયક કિસ્સો છે કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઈ ગામનાં પાબીબહેન રબારીનો.

મુંદ્રા તાલુકાના કુકડસર ગામે જન્મેલાં પાબીબહેને માંડ શિક્ષણની શરૂઆત કરી હતી, ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. સૌથી મોટાં પાબીબહેને વિધવા માતા તેજુબહેનને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી પોતાનો અભ્યાસ છોડી દીધો, રૂપિયે હેલ પાણી ભરીને માતાને આર્થિક ટેકો પૂરો પાડ્યો. સંઘર્ષમય જિંદગીમાં, આર્થિક સંકડામણ દૂર કરવા માતા પાસેથી રબારીભરતની પરંપરાગત કારીગરી શીખી સ્થાનિક સંસ્થાઓ માટે ભરતકામ કરવાનું ચાલુ કર્યું. સમાજનાં રીતિરિવાજ મુજબ ૧૮માં વર્ષે ભાદ્રોઈ ગામના લક્ષ્મણ રબારી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં.

રબારીસમાજનાં રીતિરિવાજ મુજબ લગ્ન પહેલાં છોકરીએ પોતાના હાથે ભરતકામ કરીને ઘર-ઉપયોગી વસ્તુઓ તૈયાર કરીને દહેજના રૂપમાં પોતાના સાસરે લઈ જવાની હોય છે. લાંબા સમય સુધી દહેજની વસ્તુઓ તૈયાર થતી ન હોવાથી છોકરીઓનાં લગ્નમાં ઘણું જ મોડું થતું હતું, તેથી ૧૯૯૦ના દસકામાં સમાજમાં આગેવાનોએ પોતાના માટે કરવામાં આવતા ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો.

પોતાની ભરતકામની પરંપરા અચાનક અસ્ત ન થઈ જાય તે ઉદ્દેશ્યથી રબારી મહિલાઓએ ભરતકામના વિકલ્પ રૂપે ફૂમકા અને લેસનો ઉપયોગ કરીને પોતાનાં કપડાં બનાવવાનું શરૂ કર્યું. આ કળા ‘હરી જરી’ તરીકે ઓળખાવા લાગી. પાબીબહેને હરી જરી કળાનો ઉપયોગ કરીને પોતાના ઘરેલું ઉપયોગ માટે પહેલવહેલી બૅગ બનાવી, પરંતુ મર્યાદિત રંગોના કારણે તેમને તે આકર્ષક ન લાગી.

પાબીબહેને માર્કેટમાં જઈને પોતાની પસંદગીની લેસ અને જરી ખરીદીને આકર્ષક બૅગ તૈયાર કરી. કોઈના પણ માર્ગદર્શન વગર જાતે જ બૅગ તૈયાર કરી હોવાથી મનમાં ઉત્સાહ પણ હતો અને સાથે મૂંઝવણ પણ હતી કે આ બૅગ લોકોને ગમશે કે નહીં. જ્યુડી ફ્રેટરના સહયોગથી કેટલાક વિદેશી મહેમાનોનો અભિપ્રાય માગ્યો. વિદેશી મહેમાનોને પ્રથમ નજરે જ બૅગ ગમી ગઈ અને પાબીબહેનનાં ભરપૂર વખાણ કર્યાં. પાબીબહેનની આ ડિઝાઇન ઊડીને આંખે વળગે તેવી હોવાથી તેને ‘પાબીબૅગ’ એવું નામ આપવામાં આવ્યું. પાબીબૅગ ધીરેધીરે લોકપ્રિય થવા લાગી અને સીમાડાઓ વટાવીને હોલીવૂડ સુધી પહોંચી ગઈ. હોલીવૂડની ફિલ્મ ‘ધ અધર એન્ડ ઑફ લાઇન’માં ફિલ્મની અભિનેત્રીએ સમગ્ર ફિલ્મમાં પાબીબૅગનો ભરપૂર ઉપયોગ કર્યો. પોતાની ડિઝાઇન કરેલ બૅગને મળેલ ભવ્ય સફળતાથી પાબીબહેનની આંખોમાં હર્ષનાં આંસુઓ વહેવા લાગ્યાં. ત્યાર પછી બોલીવૂડની ફિલ્મોમાં પણ પાબીબૅગનો ઉપયોગ થવા લાગ્યો.

પાબીબૅગની અભૂતપૂર્વ સફળતાને પગલે પાબીબહેનને હજુ પણ નવીન ડિઝાઈનો બનાવવાની પ્રેરણા મળી. હજુ સુધી બીજાઓ માટે બૅગ બનાવનાર પાબીબહેને વિચાર્યું કે નફાનો મહત્તમ ભાગ બૅગ બનાવનાર કારીગર બહેનને કેમ ન મળે? પાબીબહેનને વિચાર આવ્યો કે આ કામમાં રબારીસમાજની અન્ય મહિલાઓને કેવી રીતે જોડવી, તેમને કેવી રીતે પગભર કરવી? વિચારોની આ કશ્મકશમાં તેમને પોતાની જ કારીગર બહેનો માટેની કંપની બનાવવાનો વિચાર આવ્યો. કરિયાણાની દુકાનમાં નોકરી કરતા લક્ષ્મણ રબારીને પત્ની પાબીબહેને પોતાનો વિચાર જણાવ્યો. પતિ લક્ષ્મણભાઈએ સહેજ પણ વિલંબ વગર પત્નીના આ પ્રસ્તાવને વધાવી લીધો, અને પત્નીને ધંધામાં મદદરૂપ થવા પોતાની નોકરી છોડી દીધી. સંભવતઃ લક્ષ્મણભાઈ ગ્રામીણ ભારતના પહેલવહેલા પુરુષ હશે, જેમણે પત્નીને આગળ વધારવા પોતાની નોકરીનો ભોગ આપ્યો અને આર્થિક સંકડામણ વહોરી લીધી.

પાબીબહેન વિશ્વ સમક્ષ પોતાની કલાકારીગરીની ઓળખ પ્રસ્થાપિત કરવા માંગતાં હતા. તે પોતાના આ સાહસ માટે એક એવું નામ વિચારતાં હતાં કે જે એકદમ પરંપરાગત હોય, યાદ રાખવામાં સહેલું હોય અને લોકોના દિલને સ્પર્શી જાય. તેમને વિચાર આવ્યો કે રીતુકુમાર જેવા ડિઝાઇનરની પોતાની નામની બ્રાન્ડ હોય, તો કારીગરની પોતાની બ્રાન્ડ કેમ ના હોય? પોતાના હિતેચ્છુઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ તેમણે ‘પાબીબહેન.કોમ’ (http://www.pabiben.com) નામ પસંદ કર્યું . આ નામ જ દર્શાવે છે કે ગામડાંની એક સામાન્ય મહિલા પોતાની પરંપરાને સાથે રાખીને ઇન્ટરનૅટનો ભરપૂર ઉપયોગ કરીને નવી ક્ષિતિજો સર કરવા માંગે છે. કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ પછી સરકારે કચ્છને ટૅક્સ-ફ્રી બનાવીને ઘણા ઉદ્યોગોને કચ્છમાં આમંત્રિત કર્યા, જે કચ્છની હસ્તકલા માટે ફટકારૂપ સાબિત થયા. ભૂકંપ બાદ કચ્છમાં સ્થાપિત ઉદ્યોગોને મોટા પ્રમાણમાં મજૂરવર્ગની જરૂરિયાત ઊભી થઈ. ઉદ્યોગગૃહોએ પોતાની જરૂરિયાત સંતોષવા કચ્છના કારીગર-સમુદાય પર નજર દોડાવી. પૈસાના પ્રલોભન દ્વારા, વર્ષોથી પરંપરાગત કલાકારીગરીનું કામ કરતો કારીગર-સમુદાય, પોતાનું પરંપરાગત કામ છોડીને ફૅક્ટરીઓમાં મજૂરીકામ કરવા લાગ્યો. ખાસ કરીને ગ્રામીણક્ષેત્રની કારીગર બહેનો કલાકારીગરીનું કામ છોડીને ઉદ્યોગોમાં મજૂરીકામ કરવા લાગી, જેનાથી કચ્છની પરંપરાગત હસ્તકલાઅસ્તિત્વ સામે જોખમ ઊભું થયું. રબારીસમાજની બહેનો ધીમેધીમે પોતાના કામમાંથી રસ ગુમાવી રહી હતી અને બીજી બાજુ આર્થિક સંકડામણ દૂર કરવા ફૅક્ટરીમાં મજૂરીકામ કરતી હતી. પાબીબહેન ભવિષ્યમાં આવનારા જોખમ બાબતે ખૂબ જ ચિંતિત હતાં પણ પોતાના સમુદાયની બહેનોને યોગ્ય વિકલ્પ પૂરો પાડવા અસમર્થ હતાં.

પોતાના નવા સાહસ ‘પાબીબહૅનડોટકોમ’ના માધ્યમથી મજૂરીકામ કરતી આવી કારીગર બહેનોને શોધીને ફરીથી પરંપરાગત કલાકારીગરીના કામમાં જોડવી એવા ઉમદા વિચાર સાથે પાબીબહેને નજીકના મદદકર્તાઓ પાસે પોતાની બ્રાન્ડનો લૉગો અને ટૅગલાઇન પણ તૈયાર કરાવી છે.

‘રિડિસ્કવર ધ આર્ટિસન’ ટૅગલાઇન દ્વારા પાબીબહેન એવા કારીગરોને શોધવાં અને પાછા મેળવવાં માંગે છે, જેમણે આર્થિક સંકડામણના કારણે પરંપરાગત કલાનું કામ છોડી દીધું હોય અને મજૂરીકામ કરવાનું ચાલુ કર્યું હોય.

સમાજની ૫૦ બહેનોને જોડીને તેમણે પોતાના આ સાહસની શરૂઆત કરી છે અને આવનારા સમયમાં આવી ૫૦૦ બહેનોને પોતાની સાથે જોડવાની ખેવના પાબીબહેન ધરાવે છે.

એક કારીગરની પીડા કારીગર જ સમજી શકે, તેવું કહેતાં પાબીબહેન કારીગરોને પોષણક્ષમ ભાવ મળી રહે તેની હંમેશાં વકીલાત કરે છે. મજાની વાત એ છે કે તેમના આ ઉદ્યોગસાહસમાં કારીગરો જ દરેક વસ્તુના ભાવ નક્કી કરે છે. તેઓ હંમેશાં કારીગરોને સમજાવે છે કે પોતાની કલાકારીગરીનો ભરપૂર ઉપયોગ કરીને, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવો, જેથી તેનું આપોઆપ માર્કેટ ઊભું થાય.સમગ્ર દુનિયામાં આજે ‘ફેરટ્રેડ’ના વિચાર ચાલે છે, ત્યારે પાબીબહેને એક કદમ આગળ ‘ફેર પ્રોડક્ટ’નો ઉમદા વિચાર પોતાના સમાજની કારીગર બહેનોને આપ્યો છે. ગ્રાહકે ખર્ચેલા પૈસાની સામે તેને ગુણવત્તાયુક્ત વસ્તુના રૂપમાં તેનું મૂલ્ય મળવું જોઈએ. જ્યારે પણ કોઈ નવી ડિઝાઇન તૈયાર કરે છે, ત્યારે પાબીબહેન પોતાની જાતને પ્રશ્ન કરે છે કે ‘શું હું પોતે આ કિંમતમાં આ વસ્તુ ખરીદું ?’ આ પ્રશ્ન દ્વારા તે પોતાની નવીન પ્રોડક્ટની યથાર્થતા ચકાસે છે.

પાબીબહેન પાસે બિઝનેસની કોઈ ડિગ્રી નથી, પરંતુ ધંધાનો સાદો મંત્ર જાણે છે કે ‘જો એક ગ્રાહક તમારી વસ્તુથી ખુશ થશે, તો તે બીજા પચ્ચીસ લોકોને તમારી વાત કરશે’. ‘વર્ડ ઑફ માઉથ’ની આધુનિક થિયરી પાબીબહેન હસતાં-હસતાં પોતાની કારીગર બહેનોને સમજાવે છે.

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાબીબહેન જણાવે છે કે ગામડાંઓનો વિકાસ થશે, તો જ દેશ પ્રગતિ કરી શકશે. આજે ગામડાંઓમાં રોજગારીના અભાવે લોકો શહેરો તરફ સ્થળાંતર કરે છે. શહેરોમાં લોકોના ધસારાને કારણે ગરીબી, બેરોજગારી, પ્રદૂષણ, ગુનાહીત પ્રવૃત્તિઓમાં વધારો થાય છે. એક તરફ ગામડાંઓ તૂટી રહ્યાં છે, તો બીજી તરફ શહેરો સામાજિક અસમાનતાનું કેન્દ્ર બની રહ્યાં છે.

પાબીબહેન સારી રીતે જાણે છે કે શહેરીકરણની આ સમસ્યાઓનો કાયમી ઉકેલ ગ્રામોદ્યોગ છે. સ્થાનિક લોકોને સ્થાનિક સ્તરે ગામડામાં જ રોજગારી પૂરી પાડવામાં આવે તો ગરીબી, બેરોજગારી અને પ્રદૂષણ જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય.

પાબીબહેન પોતાની આ વાત સમજાવતાં કહે છે કે ગામડાંઓમાં જ નાના નાના ગૃહઉદ્યોગો ચલાવવામાં આવે, તો રોજગારી માટે શહેરોમાં જવું ના પડે, વાહનોનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય, પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો થાય, પૈસાની બચત થાય, વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય, એકબીજાં સાથે કામ કરવાથી સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય, બાળકોનું અને કુટુંબનું ધ્યાન રાખી શકાય. સાથે સાથે આપણી પરંપરાગત કલાકરીગરીનું જતન થઈ શકે અને નવી પેઢી તેમાંથી પ્રેરણા લઈ તેને ટકાવી રાખે.

પોતાના સાહસ ‘પાબીબહેનડોટકોમ’ના માધ્યમ દ્વારા ગાંધીજીના વિચારો મુજબના આદર્શ સમાજનું નિર્માણ થાય. એક ગ્રામોદ્યોગના માધ્યમ દ્વારા ગ્રામ્યસંસ્કૃિત અને કલાવારસાનું જતન થાય, એવું એક આદર્શ ‘ગ્રામીણ બિઝનેસ મૉડલ’ પાબીબહેને અમલમાં મૂક્યું છે.

પાબીબહેનનું ધ્યેય છે કે તેમણે શરૂ કરેલ આ સાહસ બીજી કારીગર બહેનો માટે રોલમૉડલ બને, કારીગર બહેનો તેમાંથી પ્રેરણા મેળવે, પોતાની આવડતને ઓળખે અને પોતાની આવડતનો ઉપયોગ કરીને નવી ક્ષિતિજો સર કરે. ગાંધીજીના વિચારો મુજબના આ ગ્રામીણ બિઝનેસમૉડલને ૨૦૧૬ના વર્ષમાં જાનકીદેવી બજાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે.

રબારી ભરતકામથી હરી જરી અને હરી જરીમાંથી નવીન સંશોધન કરીને ‘પાબી જરી’ નામની નવીન કારીગરીનાં પ્રણેતાં પાબીબહેન રબારીની સમગ્ર વિશ્વના કલારસિકોએ નોંધ લીધી છે.

સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને યુવાઓને ઘેલું લગાડનાર ફેસબુક પર પાબીબહેન પોતાની બ્રાન્ડ https://www.facebook.com/pabiben.rabari નામનું પેજ ધરાવે છે. પાબીબહેનને ફેસબુક પર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. કચ્છના યુવાનો દરરોજ ફેસબુક પેજ પર તેમની કામગીરીના અપડેટ, તેમની કારીગરી પત્નીઓને બતાવીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. નાના એવા ભાદ્રોઈ ગામના તેમના આ સાહસને લઈને સ્ત્રીઓ, બાળકો અને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો ગામનાં બાળકોને પાબીબહેનની સાફલ્યગાથા વર્ણવીને પ્રોત્સાહિત કરી રહ્યા છે, તો ભારતની સૌથી જૂની વેપારી સંસ્થા સુરત ચૅમ્બર્સ ઑફ કૉમર્સે પાબીબહેનને લેક્ચર માટે આમંત્રિત કર્યાં છે.

ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની કોઠાસૂઝ અને નવીન ડિઝાઇનના કારણે પાબીબહેન કચ્છની હસ્તકલાનો ચહેરો બની ગયાં છે.

એક સમયે છત્તીસગઢના રાયપુરનાં જંગલોમાં ઘેટ-બકરાં ચરાવતાં પાબીબહેનને પોતાની સૂઝબૂઝના કારણે રાયપુરની જ નામાંકિત હોટલમાં ‘માય એફએમ જીઓ દિલ સે ઍવૉર્ડ’ માટે આમંત્રિત કરીને સન્માનિત  કરવામાં આવ્યાં.

પોતાના આ સાહસ દ્વારા ફક્ત રબારીસમાજ જ નહીં, પરંતુ કચ્છની સૌ મહિલાઓ માટે પ્રેરણાદાયક માર્ગ ચીંધતાં પાબીબહેનની વાત ‘મિલિયોનર હાઉસવાઇફ’ નામના હમણાં જ પ્રકાશિત થયેલ પુસ્તકમાં કરવામાં આવી છે.

ટેક્‌નોલૉજીનો હંમેશાં સૂઝબૂજથી ઉપયોગ કરવાના ગાંધીજી હિમાયતી હતા. પાબીબહેન પણ ફેસબુક અને વૉટ્‌સઍપનો સૂઝબૂજપૂર્વક ઉપયોગ કરીને લોકો સાથે જોડાયેલાં રહે છે. અલગઅલગ ગામડાંમાં રહેતી કારીગર બહેનોને નવીન ડિઝાઇન સમજાવવા વૉટ્‌સઍપથી ફોટા મોકલીને, મોબાઇલ દ્વારા વાતચીત કરીને સમય બચવીને પોતાના ઉત્પાદનને વેગવંતું બનાવે છે.

મહિલા સશક્તિકરણના પરિપ્રેક્ષ્યમાં રાજકીય-સામાજિક કરવટ બદલાઈ રહી છે, ત્યારે કચ્છના રબારીસમાજની બે સંતાનોની માતા પાબીબહેને દેશની રબારી જ્ઞાતિમાં અને સંભવતઃ સર્વ મહિલા કારીગર- સમુદાયમાં ‘પાબીબહેનડોટકોમ’ નામની બ્રાન્ડ સ્થાપિત કરીને તેને ગાંધીજીના વિચાર મુજબનું એક આદર્શ બિઝનેસસ્વરૂપ આપીને એક નવીન પ્રકારના ‘ગ્રામીણ બિઝનેસ’ મૉડલ’ની શરૂઆત કરી છે.

‘પાબીબહેનડોટકોમ’ નામના આ નવીન બિઝનેસ-મૉડેલને એક સક્ષમ અને ટકાઉ ગ્રામીણ મૉડલ તરીકે વિકસિત કરીને પાબીબહેન જેવી બીજી મહિલાઓને ઉદ્યોગ સાહસિક બનાવવામાં આવે, તો જ એક આદર્શ ગ્રામીણસમાજનું નિર્માણ થઈ શકે. આવી ઉદ્યોગસાહસિક મહિલાઓ ગ્રામોદ્યોગ દ્વારા કલાસંસ્કૃિતનું જતન કરીને પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’નું સ્વપ્ન સાચા અર્થમાં સાર્થક કરી શકે એમ છે.          

E-mail : priyadarshing@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 15-16

Loading

રાષ્ટ્રધ્વજ, સ્કોર અંકે કર્યાની વાત પતતી નથી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2017

જેમ ક્રિકેટના મેદાનમાં તેમ ચૂંટણીજંગમાં પણ ‘મેન ઑફ ધ મેચ’ અગર તો મૅચપુરુષ કોણ એવી ચર્ચા વખતોવખત થતી રહે છે. ગુજરાતમાં નમોની સ્વાભાવિક સંડોવણી અને રાહુલ ગાંધીની સક્રિયતા, આ બેમાંથી કોને મૅચપુરુષનું માન આપવું એવો સવાલ જગવે છે. પરિણામથી નિરપેક્ષપણે રાહુલ ગાંધીનું પલ્લું આ સંદર્ભમાં કદાચ ઝૂકતું ગણાય તો એનું કારણ એ ખુદ પોતે જ છે, તે એ અર્થમાં કે હમણાં સુધીની એમની આબરુ પ્રસંગોપાત પ્રગટ્યા ન પ્રગટ્યા અને છૂમંતર એવી ‘કોમિયો’ના કુળની રહી છે. પરંતુ ગુજરાતની એમની ઝુંબેશ કેમિયોની વંડી ઠેકીને કાયમી જેવી હાજરી પૂરી શકાય એ બરની છે. પણ આ ક્ષણે ‘મૅન ઑફ ધ મૅચ’ની ચર્ચા લગરીક જુદેસર કરવાનું મન થઈ આવે છે : ૨૪ નવેમ્બરને શુક્રવારે આખું ફોક્સ નમો-રાહુલ દ્વંદ્વને કંઈક લાંધીને ૧૨૫ x ૮૩.૩ ફૂટના રાષ્ટ્રધ્વજની ફરતે જાણે કે આભામંડળમાં ફેરવાઈ ગયું હતું … મૅચપુરુષ કોઈ વ્યક્તિ નહીં પણ ધ્વજ!

નાની દેવતી મુકામે દલિત શક્તિ કેન્દ્રે રાહુલ ગાંધીને દેશજનતા વતી જે ધ્વજ સ્વીકારવા કહ્યું એની પૂંઠે એક નાનો પણ રાઈના દાણા સરખો ઇતિહાસ પડેલો છે. દલિત ભાઈબહેનોએ શુદ્ધ હાથવણાટની ખાદીનો, આશરે ૨૪ કિલો આસપાસ વજનનો થવા જતો આ ધ્વજ જ્યારે તૈયાર કર્યો ત્યારે ગણતરી તો હમણાં જ પસાર થયેલ એકોતેરમા આઝાદી પર્વે તે માનનીય મુખ્યમંત્રીને સુપરત કરવાની હતી. પણ આ સોંપણી સાથે એક કૅવિયટ હતી અને તે એ કે ગુજરાતમાં આપ કોઈક એક જ ગામને, રિપીટ, એક જ ગામને જ્યાં દલિતો સાથે સ્થૂળ કે સૂક્ષ્મ એકે અર્થમાં આભડછેટ ન પળાતી હોય એવું એટલે કે સો ટકા અસ્પૃશ્યતામુક્ત ગામ જાહેર કરો. એક રીતે, સ્વરાજનાં સિત્તેર સિત્તેર વરસોમાં ચાલેલ રાજવટ સમસ્તની સામે અવિશ્વાસની નહીં તો પણ ઠપકાની દરખાસ્ત જેવી આ વાત હતી. એમાં પણ ખાતેપીતે સૂતે બેસતે જેમના હોઠ પરથી ‘રાષ્ટ્ર’ સતત જપાતું રહે છે એ પક્ષપરિવારની સરકાર સબબ આ એક આમૂલાગ્ર કેવિયટ હતી : અમે દલિતો રાષ્ટ્રના અંગભૂત છીએ કે નહીં?

મુખ્યમંત્રી તો સુલભ ન થયા, પણ એમની વતી ગાંધીનગરના કલેક્ટરે આ વિશાળકાય ધ્વજ સ્વીકાર્યો ખરો; પણ રાખ્યો નહીં. (‘અમારી પાસે માટે જગ્યા નથી.’) નાની દેવતી(સાણંદ)ની દલિત સ્વાભિમાન રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ આ જવાબ બાબત અચ્છી મરોડમાસ્તરી કરી જાણી. એમના સ્વિત એ હતો કે પ્રશ્ન તો દિલમાં જગ્યાનો છે.

જ્યાં સુધી દિલમાં જગ્યાનો સવાલ છે, આ કિસ્સામાં એ જો કે બે સામસામા જોધ્ધાઓ પૈકી એક જોધ્ધાનો બીજાને પડકાર છે; પણ દિલમાં જગ્યાનો મામલો આ કે તે પક્ષને વટી જઈને સમાજ આખાને લાગુ પડે છે. દાયકાઓ પર, ગાંધીજી ગોળમેજીમાં ભાગ લેવા જતા આગમચ આંબેડકર સાથે ચર્ચા કરતા હતા ત્યારે એક તબક્કે આંબેડકરે એમને કહ્યું હતું કે દેશ, દેશ શું કરો છો – અમને ધરાર ગામ બહાર રાખતા મુલકમાં અમારે વતન કેવું ને વાત કેવી. ગાંધીના સહજ સંવેદનસિક્ત રચનાત્મક વલણે આઝાદી પછી એક તબક્કે આંબેડકરને એવું સૂચન કરવા પ્રેર્યા હતા કે એક દલિત કલ્યાણનિધિ ઊભો કરી એની સાથે આપણે ગાંધીજીનું નામ જોડીએ કેમ કે ‘ધે વેર નિયરેસ્ટ ઍન્ડ ડિયરેસ્ટ ટુ હિમ.’ (‘દલિતો-એમને સારુ દિલની લગોલગ હતા.’) પણ અહીં પ્રશ્ન ગાંધીની આત્મીય નિસબતના આદરનો નહીં એટલો એકંદર સમાજની વાસ્તવિક્તાનો છે.

આ ઝંડો, જો આજની કૉંગ્રેસ મંડળી કને પુરાણો સેવાદળ સંસ્કાર તલપુર પણ હોય તો, શો સંદેશ લઈને આવે છે? ભાજપનું તો જાણે કે સમજ્યા, ભગવા ધ્વજ અને તિરંગા ધ્વજ બાબતે પસંદગી તેમ જ વિવેક કેળવવા બાબતે એની દ્વિધા અને દુવિધા સમજી શકાય એમ છે પણ રાષ્ટ્રીય ચળવળ વખતે ગવાતાં ગીતોમાં એક જો ‘ઝંડા, વધ વધ ઊંચે આકાશે જાજે’ તરેહનું હતું તો ઝંડાવંદનની સેવાદળ પ્રણાલિમાં ગવાતા ગાનમાં આ ઝંડાનો મહિમા ‘સદા પ્રેમસુધા બરસાનેવાલા’ એવો પણ હતો. ઈશ્વરનીયે ઓળખ રવીન્દ્રનાથે (જુગતરામ દવેના યાદગાર અનુવાદમાં ગાયા પ્રમાણે) જ્યાં આઘામાં આઘું અને પાછામાં પાછું લોક હોય ત્યાં ‘આપનાં ચરણ વિરાજે’ એવી છે. તો, આઘામાં આઘા સહિત સૌ પર, રિપીટ, સૌ પર પ્રેમસુધા વરસાવતા આ ઝંડાનો સુખાનુભવ દેશમાં દલિત સમસ્ત સહિત આમ આદમીમાત્રને થયો છે ખરો? ધ્વજસ્વીકારના પ્રશ્ને આઘાપાછી અને આનાકાનીને કારણે પહેલા રાઉન્ડમાં ભાજપ પર કૉંગ્રેસ સ્કોર કરી જતી લાગે તો તે વિગત ખોટી નથી, પણ અપૂરતી ખસૂસ છે. કારણ એમાં આપણે જે એક મજલ નાગરિક સમાજ તરીકે કાપવી બાકી છે, એનોયે એકરાર કહો તો એકરાર અને પડકાર કહો તો પડકાર પડલો છે.

ગુજરાતમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જે આંદોલનોનું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ કરે છે એમાં સામાજિક કોટિક્રમમાં ઉપરના વચલા અને નીચલા એમ સૌ તબકાઓને પોતપોતાની રીતે છતે સ્વરાજે અનુભવાતા અસુખનો સ્વીકાર છે. આ અસુખના કેટલાક અંશો માનસિક (કે કાલ્પનિક પણ) હશે તો કેટલાક વાસ્તવિક પણ છે. બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં ગાદીનશીન – અને એમાં પણ લગભગ અરધોઅરધ સમય કેન્દ્રમાંયે ગાદીનશીન ભાજપ આ અસુખને મુદ્દે સ્વાભાવિક જ સવાલિયા દાયરામાં છે. ઝંડાની બીના તો ભલે આકર્ષક પણ એક દૃષ્ટાંત માત્ર છે. પ્રશ્ન, રાજ્યમાં બે દાયકાની હિંદુત્વ રાજવટ છતાં બોગદાને છેડે નીકળતાં ન કોઈ હિંદુ નીકળ્યા, ન કોઈ નાગરિક મળ્યા એવું કેમ એ છે. કૉંગ્રેસ જ્યારે રાષ્ટ્રધ્વજ ખુદ સાહે છે ત્યારે એ પોતે ૨૦૧૭થી ૨૦૧૯ ભણી જતાં એક જવાબદારી (દાયિત્વ) અને જવાબ-દારી (ઉત્તરદાયિત્વ) ઉઠાવે છે. અને તે એ કે સ્વરાજસંગ્રામનો છૂટેલો તાંતણો સાંધીને તમે આગળ ચાલશો કે કેમ. ચૂંટણીઝૂંબેશમાં એકબીજા પર સ્કોર અંકે કરવા જેટલી સહેલી વાત આ નથી. ગાંધીની પેઠે ક્રૉસ સાહવાનો સવાલ આ તો છે.

E-mail : editor.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 19

Loading

...102030...3,2293,2303,2313,232...3,2403,2503,260...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved