Opinion Magazine
Number of visits: 9583705
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રિસમસ અને અમેરિકન ગુજરાતીઓ

હરનિશ જાની|Opinion - Opinion|28 December 2017

ક્રિસમસ આવી અને ગઈ. અમેરિકનોએ ભરપૂર માણી.

ક્રિશ્ચિયનો માને છે કે તે દિવસે ભગવાન જિસસનો જન્મ થયો હતો. બહુ જ ધાર્મિક તહેવાર ગણાય છે. અને ચારેબાજુ આનંદનો માહોલ હોય તો ભારતીયો–ગુજરાતીઓ ચુપચાપ કેવી રીતે બેસી રહે? જ્યારે ચારેબાજુ ઉત્સાહ અને ઉંમગનાં મોજાં ઊછળતાં હોય તો અમે ભીંજાયા વિના કેમ કરી રહીએ. અમે પણ ક્રિસમસ ઉજવીએ છીએ, અને મને હિન્દુ હોવાનું ગૌરવ છે. મારા ધર્મમાં ક્યાં ય લખ્યું નથી કે જે હિન્દુ નથી એને ધિક્કારો.

ક્રિશ્ચિયનો પોતાના ઘર પર રોશની કરે છે અને ઘરમાં ક્રિસમસ ટ્રી શણગારે છે. દરેક ગુજરાતી હિન્દુના ઘરમાં તમને ક્રિસમસ ટ્રી મળે. ખાસ કરીને બાળકો તેને શણગારે અને ખુશ થાય. આ ક્રિસમસ ટ્રી પાઈન, સ્પૃશ કે ફર વૃક્ષનાં હોય છે. બરફમાં આ જ વૃક્ષો લીલાછમ રહેતાં હોય છે. જર્મનીમાં સોળમી સદીમાં આ પ્રથા સમાજ સુધારક માર્ટિન લ્યુથરે ચાલુ કરી હતી. જેને પહેલીવાર બકિંગહામ પેલેશમાં ક્વિન વિક્ટોરિયાએ મુકાવ્યું હતું. અને ત્યાંથી એ પ્રથા અમેરિકામાં આવી. શરુઆતમાં મીણબત્તીઓ મુકવામાં આવતી, ઓગણીસ સદીના અંતમાં ઈલેક્ટ્રીક લાઈટો મુકવાનું ચાલું થયું. હવે તો ટ્રી તો ટ્રી લોકો પોતાના ઘરને પણ લાઈટોથી શણગારે છે. આમ જોઈએ તો જિસસનો જન્મ રાતે બાર વાગે પશુઓની કોઢમાં થયો હતો. આપણા કૃષ્ણ ભગવાન પણ રાતે બાર વાગે જેલની કોટડીમાં જન્મ્યા હતા. ભગવાનોને હોસ્પિટલોમાં જન્મવાનું ફાવતું નથી. હવે ઉજવણી માટે રાતે બાર વાગે દરેક ચર્ચમાં જિસસના જન્મની ઉજવણી થાય છે. પોપ પણ વેટિકન સિટીમાં સેન્ટ પિટર્સ કેથેડ્રલમાં સ્પેશ્યલ પ્રાર્થના ગોઠવે છે.

આ ધાર્મિક તહેવારનો લાભ જનરલ જ્યોર્જ વોશિંગ્ટને પણ અંગ્રેજોને અમેરિકામાંથી હાંકી મુકવામાં કર્યો હતો. અમેરિકન ઇતિહાસમાં ૧૭૭૬ની ક્રિસમસની રાત ખૂબ અગત્યની છે. તે રાતે જનરલ જ્યોર્જ વોશિંગ્ટને બ્રિટિશ લશ્કર પર ઓચિંતો છાપો મારી અને બહુ અગત્યનું ટ્રેન્ટનનું બેટલ જીત્યું હતું. ડેલાવેર રીવરની એક બાજુ ન્યૂ જર્સીનું ટૅન્ટન ટાઉન હતું. જ્યાં બ્રિટિશ લશ્કર હતું. ટ્રેન્ટનને સામે કિનારે પેન્સિલવેનિયાનું ન્યૂ હોપ ટાઉન હતું. ત્યાંથી વોશિગ્ટને ૨૪૦૦ સોલ્જર્સ, લગભગ ૭૫ ઘોડા અને તોપો સાથે ક્રિસમસની રાતે આ છાપો માર્યો હતો. આખા દિવસની ક્રિસમસની ઉજવણી કરીને બ્રિટિશ લશ્કર રમ (દારુ) પીને ગફલતમાં હતું. ત્યારે વોશિંગ્ટને પહેલેથી પ્લાનિંગ કરીને આ હુમલો કર્યો હતો. બ્રિટિશ લશ્કરને હરાવીને ૧૦૦૦ બ્રિટિશ સોલ્જર્સને કેદ કર્યા. પણ તેથી વિશેષ તો તેમનો દારૂગોળો અને દારુ કબજે કર્યા.

હવે ક્રિસમસ ગિફ્ટની વાત કરીએ છીએ તો પુસ્તક પ્રેમીઓને ગમે તેવી મઝાની વાત કરું. નોર્થ પોલ પાસે આઈસલેંડ નામનો દેશ છે. જ્યાં ક્રિસમસની આગલી રાતે એકમેકને પુસ્તકો ભેટ આપવાનો રિવાજ છે. લોકો રાતે બુક સ્ટોરમાં ઉપડે છે. અમેરિકામાં બ્લેક ફ્રાઈડેને દિવસે લોકો મૉલમાં એકમેકને કચડી નાખે છે. તેમ નહીં, પણ પ્રેમ અને વિવેકથી બુક સ્ટોરમાં પ્રવેશે છે. આઈસલેંડની રાજધાની (કેપિટલ સિટી) રેક્યાવિકમાં તે દિવસે દરેક લેખક પોતાના પુસ્તકનું વિમોચન યોજે છે, અને તે દિવસે સૌથી વધુ પુસ્તકો વેચાય છે. તેને તેઓ "જોલાબોકાફલોડ" કહે છે. જેનો અર્થ "ક્રિસમસ બુક ફ્લડ" થાય છે. દુનિયાનો અદ્દભુત દેશ છે આ. ત્રણ લાખની વસ્તીમાં ૩ હજાર લેખકો છે. મતલબ કે ઘેરે ઘેર લેખકો હોય છે. ક્રિસમસની આગલી રાતે લોકો ચોકલેટ લઈને કોફી પીતાં પીતાં પુસ્તકો વાંચે છે. મને પોતાને આવી ક્રિસમસ ગમે.

હવે અમે આ તહેવારોની સિઝનમાં ન્યૂ યર ૨૦૧૮ની રાહ જોઈએ છીએ.

છેલ્લી વાત : –

મારા બાલુકાકા, રાજપીપળાથી વડોદરા ફરવા ગયા, ત્યાં ફૂટપાથ ઉપર એક ફેરિયો બેઠો હતો. તેણે સાઈન મુક્યું હતું કે “મારું બુદ્ધિવર્ધક ચમત્કારીક ફળ ખાઓ અને બુદ્ધિ વધારો. કિમંત ફક્ત ૨૦૦ રૂપિયા.” કાકાએ ફેરિયાને ૨૦૦ રૂપિયા આપી, ફળ માંગ્યું. પેલાએ કોથળીમાંથી ફળ કાઢ્યું. કાકા બોલી ઊઠ્યા, “અલા, આ તો સફરજન છે.” પેલો ફેરિયો બોલ્યો.” જરા વિચાર કરો. ફળ જોતામાં આટલી બુદ્ધિ આવી, તો ખાશો તો બુદ્ધિ કેટલી વધશે?”

E mail –harnishjani5@gmail.com

છવિ : ક્રિસમસ ટાંકણે નિવાસસ્થાને જાની પરિવારનું મિલન, ડિસેમ્બર 2017

[‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’,  ૨૭મી ડિસેમ્બર ૨૦૧૭]

Loading

રાષ્ટ્રવાદ : સંકુચિત અને નિષ્ફળ

આચાર્ય વિનોબા|Opinion - Opinion|28 December 2017

આપણા દેશમાં ‘રાષ્ટ્રવાદ’ નામનો એક નવો જ પદાર્થ આવ્યો છે અને તે પણ ખૂબ જ ધૂમધામથી આવ્યો છે. એક નારો હતો કે ‘આપણા દેશમાં દેશાભિમાન નહોતું’ જેની અહીં ખૂબ જ જરૂરિયાત છે.

ભારત એક આંતરરાષ્ટ્રીય દેશ છે. જે આ દેશની સંસ્કૃિતનું પરિણામ છે. એવું નથી કે અહીં પહેલાં ભેદભાવ નહોતાં. અહીં અનેક ભેદભાવ હતાં, રીતિરિવાજોમાં પણ વિવિધતા હતી. છતાં પણ બધાં જ લોકોએ આ દેશને એક માન્યો અને એક આંતરરાષ્ટ્રીય દેશ બનાવ્યો.

રાષ્ટ્રવાદ એ અણુયુગનો વિરોધી છે. વર્તમાન યુગનો પ્રવાહ એકતાનો છે, વિશ્વ-રાજ્યનો છે. જે રીતે એક રાષ્ટ્રનાં દરેક પ્રાંત પોતપોતાની થોડી આઝાદી કેન્દ્રને સમર્પિત કરે છે, તે રીતે દરેક દેશને પોતાની થોડી-થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે.

રાષ્ટ્રવાદ શું કરે છે? દુનિયાનાં ટુકડાં કરે છે. એક તરફ આપણું રાષ્ટ્ર અને બીજી બાજું તમામ રાષ્ટ્ર! આ સ્વકીય છે અને બાકી તમામ પરકીય!! દુનિયાનાં અન્ય તમામ રાષ્ટ્રને પરકીય માનવા એ ક્યાં સુધી યોગ્ય છે? જાતિવાદ, કુટુંબવાદ, રાષ્ટ્રવાદ વગેરે તમામ ટુકડાં કરે છે. એકમાં આપણે અને બાકી રહેલામાં તમામ!

ભારતની સંસ્કૃિત ‘વૈશ્વાનર’ સંસ્કૃિત છે. એટલે કે, દુનિયામાં જેટલી વિવિધતા છે, તેટલી ભારતમાં છે. ભારત એક નાનાં પરિમાણનું વિશ્વ જ છે. એટલે અહીંનો જે રાષ્ટ્રવાદ છે, તેને આંતરરાષ્ટ્રીયવાદનું સ્વરૂપ આપવામાં આવશે તો જ આપણે ટકીશું, તેવી ઈશ્વરની યોજના છે. વિચારમાં રાષ્ટ્રવાદી રહેશો, તો તમે પાછળ રહી જશો.

જે રીતે જાતિવાદથી આગ લાગે છે, તે રીતે વિજ્ઞાનયુગમાં રાષ્ટ્રવાદથી પણ આગ લાગે છે. હવે આ ટકી નહિ શકે. માટે જ મેં ‘જય જગત’નો નારો આપ્યો છે. સમગ્ર વિશ્વનું ભલું ભારતનાં ભલાંમાં જ છુપાયેલું છે. રાષ્ટ્રવાદનો સિદ્ધાંત જૂનો થઇ ગયો છે. આપણે વિશ્વવાદનો સિદ્ધાંત કાયમ કરવો પડશે.

લોકો પોતપોતાનાં દેશનું અભિમાન કરે છે. ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ – આપણો દેશ સારો કેમ છે? આ દેશ આપણો છે એટલાં માટે? જો આપણે અફઘાનિસ્તાનમાં હોત તો શું કહ્યું હોત? આ ઓબ્જેક્ટિવ કથન નથી, સંકુચિત છે. વિશ્વમાનવ આ રીતે નહિ બોલે. તે પોતાની જાતને કોઈ દેશનો નિવાસી નહિ સમજે. આપણા મનમાં એવી ભાષા હોવી જોઈએ કે આપણે વિશ્વમાનવ છીએ.

વિશ્વથી નાની કોઈ વસ્તુ નથી. આપણી બુનિયાદ ગ્રામ-પરિવાર હશે અને તેનું શિખર હશે વિશ્વ-પરિવાર! ‘વ્યાપક ચિંતન અને વિશિષ્ટ સેવા’ એટલે ચિંતનમાં વિશ્વ, કાર્યમાં ગ્રામસ્વરાજ્ય. ગ્રામનીતિ અને વિશ્વનીતિ બંને ચાલશે. આપણો મંત્ર હશે જય જગત અને તંત્ર હશે ગ્રામસ્વરાજ્ય. સેવા માટે નાનું ક્ષેત્ર જોઈએ, ચિંતન માટે વિશાળતા જોઈએ. જો આપણે સેવાને વ્યાપક બનાવવાના પ્રયત્ન કરીશું, તો આપણા હાથ વડે સેવા નહિ થાય. ચિંતન નાનું થઇ ગયું, તો આપણે સંકુચિત થઇ જઈશું અને જો સેવા વ્યાપક બની જશે, તો નિષ્ફળ થઇ જઈશું.

[અનુવાદ – નિલય ભાવસાર]

nbhavsarsafri@gmail.com

Loading

મહાન ‘ભક્ત’ મહાદેવભાઈ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|27 December 2017

મહાત્મા ગાંધી અને કસ્તૂરબાના ‘પાંચમા પુત્ર’ મહાદેવભાઈની યાદમાં 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરવો જોઈએ

છાકો પાડીને છવાઈ જવાની અને અસત્ય વાતોથી લોકોને માત્ર આંજી જ ન નાખવા, પણ આંધળા કરી દેવાની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય, એવા રાજકીય માહોલમાં ‘ભક્ત’ શબ્દ હાંસીપાત્ર બની ગયો છે, ત્યારે મહાદેવભાઈ દેસાઈને ‘મહાન ભક્ત’નું વિશેષણ લગાડવાથી ગેરસમજ થવાની શક્યતા છે. ભક્ત અને ભક્તિ જેવા પવિત્ર શબ્દોની પ્રતિષ્ઠા ખરડનારા કદાચ જાણતા નથી કે આ શબ્દોમાં સમર્પણભાવ ઠાંસોઠાંસ ભરેલો છે.

મહાદેવભાઈના ગાંધીજી પ્રત્યેના સમર્પણના પુરાવારૂપ એક કિસ્સો ખૂબ જાણીતો છે: મહાદેવભાઈને પહેલેથી સંતોનું સાંનિધ્ય ગમતું હતું. જમનાલાલ બજાજ રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા. તેમણે મહાદેવભાઈને એ આશ્રમ અંગે ઘણી વાતો કરી અને સૂચવ્યું કે તમે પણ જઈ આવો. મહાદેવભાઈએ ત્યાં જવાની તૈયારી કરી. જતી વખતે ગાંધીજીએ કહ્યું, ‘તમને ત્યાં શાંતિનો અનુભવ થાય તો ખુશીથી થોડા વધારે દિવસ રોકાઈ જજો. અહીંના કામની ચિંતા કરશો નહીં.’ ગાંધીજીથી છૂટા પડવાનું મહાદેવભાઈને ગમતું નહોતું. ‘વધારે દિવસ રોકાજો’ એ શબ્દોએ મહાદેવભાઈને ચમકાવ્યા. એમણે તરત ગાંધીજીને કહ્યું, ‘મેં જવાનો વિચાર માંડી વાળ્યો છે.’ ગાંધીજી કહે, ‘કેમ?’ મહાદેવભાઈ બોલ્યા, ‘મારે એક જ સ્વામી બસ છે.’

આગામી 1 જાન્યુઆરી, 2018ના દિવસે મહાદેવભાઈને આ ધરતી પર અવતર્યાને સવાસો વર્ષ થશે. મહાદેવભાઈ ગાંધીજીના સેક્રેટરી (રહસ્ય સચિવ) તરીકે જાણીતા છે, પરંતુ તેઓ સેક્રેટરીથી  વિશેષ ઘણું બધું હતા. રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે એક સમયગાળામાં ગાંધીજી માટે જવાહરલાલ નેહરુ અને સરદાર કરતાં પણ મહાદેવભાઈ વધારે મહત્ત્વ ધરાવતા હતા. ‘નવજીવન’ હોય, ‘યંગ ઇન્ડિયા’ હોય કે ‘હરિજન પત્રો’ … ગાંધીજીનાં અખબારોના તંત્રી તરીકે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ હોય કે ગીતા પરનું પુસ્તક ‘અનાસક્તિયોગ’, એના અંગ્રેજીમાં અનુવાદ પણ મહાદેવભાઈએ જ કર્યા હતા.

પચાસ વર્ષના જીવનમાં મહાદેવભાઈએ અડધોઅડધ પચીસ વર્ષ ગાંધીજીની નિશ્રા અને સેવામાં જ વિતાવ્યાં હતાં. અઢી દાયકા દરમિયાન તેમણે ગાંધીજીના એક એક શબ્દને ઝીલ્યા અને એક એક પ્રસંગને શબ્દદેહે પોતાની ડાયરીમાં ઉતાર્યા હતા. મહાદેવભાઈની ડાયરીના કુલ 23 ગ્રંથો થયા છે. સમગ્ર વિશ્વમાં ડાયરી-સાહિત્યની વાત નીકળે ત્યારે મહાદેવ દેસાઈનું નામ અચૂકપણે અને આદરપૂર્વક લેવાય છે. મહાદેવભાઈની ડાયરી ઉપલબ્ધ ન હોત તો આજે આપણી પાસે અધૂરા ગાંધી હોત, એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નહીં ગણાય. ગાંધીજીને મહાત્મા બનાવનારા ગણતરીના લોકોમાં એક મહાદેવભાઈનું નામ પણ અચૂક લેવું જ પડે.

મહાદેવભાઈનું નિધન થયું ત્યારે ગાંધીજીએ કહેલું, ‘મહાદેવ મારો દીકરો જ છે ને હું જ એના અગ્નિસંસ્કાર કરીશ.’ આગાખાન મહેલમાં જ મહાદેવભાઈની સમાધિ બનાવાઈ હતી. જેલમાં રહ્યા ત્યાં સુધી ગાંધીજી અને સાથીઓ રોજ એ સમાધિ પર પ્રાર્થના કરતા. કસ્તૂરબાનું માતૃહૃદય બોલી ઊઠતું કે, ‘આ તો મહાદેવનું મંદિર છે. આવા લાખેણા પુત્રનો ભોગ લીધો છે એટલે હવે આ (અંગ્રેજ) સરકાર ટકી શકશે જ નહીં.’ આમ, મહાદેવભાઈને ગાંધીજીના પાંચમા પુત્ર ગણવા પડે.

મહાદેવભાઈના અનેક સદ્્ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. આપણાથી બીજું કંઈ ન થઈ શકે તો પણ તેમની જેમ ડાયરી લેખનની ટેવ પાડવા જેવી છે. નવું વર્ષ શરૂ થવાને થોડા દિવસ બચ્યા છે ત્યારે વર્ષના પહેલા જ દિવસે અને મહાદેવભાઈના જન્મ દિવસથી ડાયરી લેખન શરૂ કરવાનું પ્રણ લેવા જેવું છે. મહાદેવભાઈ અને તેમના જીવનકાર્યને સન્માનવું હોય તો 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરીને રાજ્યભરમાં તેની ઉજવણી કરવી જોઈએ.

સૌજન્ય : ‘દિવ્ય ભાસ્કર’ની 27મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત

Loading

...102030...3,2073,2083,2093,210...3,2203,2303,240...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved