Opinion Magazine
Number of visits: 9583947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવનારા દિવસોમાં દેશમાં જાતીય વિગ્રહ થાય તો આશ્ચર્ય ન પામતા

રમેશ ઓઝા|Opinion - Opinion|5 January 2018

ગાંધી, નેહરુ અને આંબેડકરની કલ્પનાના ભારતને નકારવા અત્યારના શાસકો દેશના સામાજિક પોતને ચીરવાના કામમાં લાગ્યા છે

NDTVના રવિશ કુમાર કહે છે એમ, આજે આખો દેશ ઇતિહાસની પાઠશાળામાં પલાંઠી વાળીને બેઠો છે. કોઈ કહેતાં કોઈ સમાજને ભારતમાં લખાયેલા અને ભણાવાતા ઇતિહાસથી સંતોષ નથી. ધર્માનુયાયીઓને, જ્ઞાતિજનોને, પેટાજ્ઞાતિજનોને, આર્યોને, દ્રવિડોને, પ્રાંતીય જનોને, ભાષાભાષિકોને, દલિતોને, આદિવાસીઓને, પૂર્વાંચલીઓને, પહાડીઓને મળી કોઈને લખાયેલા ઉપલબ્ધ ઇતિહાસથી સંતોષ નથી. દરેક પાસે પોતપોતાની કલ્પનાનો ઇતિહાસ છે અને એ જ સાચો ઇતિહાસ છે એવો આગ્રહ રાખે છે. તેઓ માત્ર એટલેથી નથી અટકતા, બીજાએ પણ તેમના ઇતિહાસને માન્ય રાખવો જોઈએ એવો તેમનો દુરાગ્રહ છે. તેમને એ વાતની ચિંતા નથી કે તેમના દુરાગ્રહને કારણે ભારતના સામાજિક પોતમાં ઊભા-આડા ઉતરડા પડે છે અને દેશ નબળો પડે છે.

િવડંબના એ છે કે આ દેશમાં ક્યારે ય કોઈ આક્રમણકારનો પરાજય થયો જ નથી; શક, હુણ કે સિકંદરથી લઈને છેલ્લે અહમદશાહ અબ્દાલી સુધી કોઈનો નહીં. અંગ્રેજો તો ધંધો કરવા આવ્યા હતા અને છાતી પર ચડી બેઠા, પણ આપણે કાંઈ નહોતા કરી શક્યા. ૧૮૫૭ના વિદ્રોહમાં પણ વિદ્રોહ કરનારાઓનો પરાજય થયો હતો. આપણે ક્યારે ય વિચાર કર્યો છે ખરો કે આવું કેમ બનતું રહ્યું છે? શા માટે કાઠિયાવાડમાં ગામડે-ગામડે પાળિયા છે અને વિજયસ્મારક જવલ્લેજ જોવા મળે છે? અહીં અહમદશાહ અબ્દાલીનો ઉલ્લેખ કર્યો તો તેના નામે નોંધાયેલો એક પ્રસંગ ટાંકવા જેવો છે : ઈ. સ. ૧૭૬૧નું પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબ્દાલી અને બાજીરાવ પેશવાના નેતૃત્વમાં મરાઠાઓ વચ્ચે લડાયું હતું. યુદ્ધની એક રાતે અબ્દાલીએ તેના સેનાપતિને પૂછ્યું હતું કે સામે મરાઠાઓની છાવણીમાં આટલાં બધાં તાપણાં શા માટે છે? સેનાપતિએ કહ્યું કે તેઓ પોતપોતાની રસોઈ રાંધે છે. તેઓ એકબીજાના હાથનું ભોજન આરોગતા નથી. અબ્દાલીએ કહ્યું કે તો આપણો વિજય નક્કી છે, જે પ્રજા એકસાથે જમી શકતી નથી એ એકસાથે શું લડવાની. 

સરંજામશાહી કે ચોથ આધારિત જે કાંઈ મરાઠા સામ્રાજ્ય હતું એનો પાણીપતના ત્રીજા યુદ્ધમાં અંત આવ્યો હતો. જે થોડુંઘણું પુણેના પરગણામાં બચ્યું હતું એનો ૧૮૧૮માં ખડકીના યુદ્ધમાં અંગ્રેજો સામે થયેલા પરાજયમાં અંત આવ્યો હતો. એ વર્ષે પુણેમાં શનિવારવાડામાં યુનિયન જૅક લહેરાયો હતો. હકીકતમાં એ મરાઠા સામ્રાજ્ય હતું પણ નહીં, એ પુણેના બ્રાહ્મણ પેશવાઓનું રાજ હતું અને શિવાજીના વંશજો કહેવા પૂરતા શાસકો હતા. પેશવાઓની બ્રાહ્મણશાહી બહુજન સમાજને રંજાડનારી હતી. અંગ્રેજો સામેના યુદ્ધમાં પેશવાઓનો પરાજય થયો ત્યારે પુણે પરગણામાં બહુજન સમાજે દિવાળી ઊજવીને હર્ષ વ્યક્ત કર્યો હતો.

આ ઇતિહાસ શરમજનક છે, પરંતુ આજે એમાંથી ધડો લઈને રાષ્ટ્રીય એકતા વિકસવાની જગ્યાએ દરેક સમાજ ઇતિહાસ બદલીને વિજયી થવા માગે છે એટલે તેઓ ઇતિહાસની પાઠશાળા જમાવીને બેઠા છે અને બીજી પ્રજાનો છેદ ઉડાડવા માગે છે. દેશ ભલે નબળો પડે પણ આપણે વિજયી સાબિત થવા જોઈએ અને જેઓ આપણી સામે લડ્યા હતા તેઓ દેશના દુશ્મન હોય કે નહીં, આપણા દુશ્મન જરૂર છે.

પુણે નજીક ભીમા-કોરેગાવની ઘટના આનું પરિણામ છે. પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ અંગ્રેજો સામેના યુદ્ધમાં પેશવાઓ(મરાઠાઓ નાહક સમજે છે કે મરાઠાઓનો)નો પરાજય થયો હતો. અંગ્રેજોના સૈન્યમાં અંગ્રેજો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હતા. તેમનું સૈન્ય બહુજન સમાજનું બનેલું હતું જેમને અંગ્રેજોએ માન સાથે નોકરી આપી હતી. સવર્ણ હિન્દુઓ જેમને અપમાનિત કરતા હતા તેમને અંગ્રેજો પોતાની પાંખમાં લેતા હતા. જો મરાઠાઓએ કે બીજા કોઈ પણ ભારતીય રાજવીઓએ બહુજન સમાજને માનસન્માન આપ્યું હોત અને સૈન્યમાં સ્થાન આપ્યું હોત તો તેમનો અંગ્રેજો સામે કે બીજા કોઈ પણ આક્રમણકારો સામે પરાજય થયો હોત.

પેશવાઓ સામેના યુદ્ધમાં અંગ્રેજો વતી મહાર દલિતો લડ્યા હતા અને તેમણે બ્રાહ્મણ પેશવાઓને હરાવ્યા હતા. દલિતો આને બ્રાહ્મણો સામેના વિજય તરીકે જુએ છે જે પણ ઇતિહાસનું જાતીય સરળીકરણ છે. દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ જાતીય અને કોમી સઘર્ષને પાતળો પાડવાની કોશિશ કરી હતી જેથી અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને નિરસ્ત કરી શકાય. ગાંધીજીને એમાં આંશિક સફળતા મળી હતી, પરંતુ આપણે તેમને પૂરા સફળ થવા નહોતા દીધા. આપણી અંદર બેઠેલા હિન્દુએ તેમની હત્યા કરી હતી. આઝાદી પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ ભારતના નાગરિકોને સલાહ આપી હતી કે હવે આપણે આપણી નાગરિક તરીકેની ઓળખ વિકસાવવાની છે. માત્ર અને માત્ર નાગરિક ભારતમાં કાયદાનું રાજ વિકસાવી શકે અને દેશને આગળ લઈ જઈ શકે, જ્ઞાતિ અને કોમ નહીં. તેમને જાણ હતી કે કાયદાના રાજમાં જ દલિતો અને વંચિતોનું હિત છે જેનું પરંપરાગત સમાજે શોષણ કર્યું છે.

ગાંધીજી ૧૯૧૫માં ભારત આવ્યા હતા. ૧૯૧૫ પછીથી તેમણે દેશમાં જાતીય અને કોમી એકતા વિકસાવવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. બરાબર ૧૦૦ વર્ષ પહેલાં રાષ્ટ્રીય એકતાનો યજ્ઞ ચાલી રહ્યો હતો. આજે ૧૦૦ વર્ષ પછી પાછા આપણે ઇતિહાસની પાઠશાળામાં ગોઠવાઈને એ યજ્ઞને ઠારવાના કામમાં લાગ્યા છીએ. આવી પાછા ફરવાની મૂર્ખાઈ એ જ પ્રજા કરી શકે જેની રાષ્ટ્રીય કરતાં જાતીય અને કોમી અસ્મિતા પ્રબળ હોય.

સવર્ણો ગાંધીજીની શીખ માનીને બહુન સમાજને બાથમાં લેવા માગતા નથી અને દલિતો ડૉ. આંબેડકરની સલાહને અનુસરીને બ્રાહ્મણો સામેના વેરના ઇતિહાસને ભૂલવા માગતા નથી. કોઈને ઇતિહાસ ભૂલવો નથી અને પોતાને માફક આવે એવો ઇતિહાસ સ્થાપિત કરવો છે. આમાં બંધારણ આધારિત આધુનિક ભારતનો ખો નીકળે છે એની કોઈને પરવા નથી.

દલિતો દાયકાઓથી દર વર્ષે પહેલી જાન્યુઆરીએ ભીમા-કોરેગાવ ખાતે વિજયસ્તંભ પર દલિત શહીદોને અંજલિ આપવા હજારોની સંખ્યામાં પહોંચી જાય છે. એ વિજય દલિતોનો નહોતો, અંગ્રેજોનો હતો એ હકીકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેઓ એને કારણ વિના દલિતોના બ્રાહ્મણો સામેના વિજય તરીકે જુએ છે. આ વર્ષે એ ઘટનાને ૨૦૦ વર્ષ થયાં ત્યારે દલિતો મોટી સંખ્યામાં ભીમા-કોરેગાવ પહોંચી ગયા હતા.

આ બાજુ મરાઠાઓ પણ કારણ વિના પેશવાઓના પરાજયને મરાઠાઓના પરાજય તરીકે જુએ છે. તેઓ એ હકીકત સ્વીકારવા તૈયાર નથી કે મરાઠા રાજવીઓ નામ પૂરતા રાજવી હતા અને પેશવાઓ દ્વારા વર્ષાસન પર નભતા હતા. મહારાષ્ટ્ર સળગ્યું એ ખોટી અને વાંઝણી અસ્મિતાનું પરિણામ છે. સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે નામના બે મરાઠા આગ લગાડવામાં અગ્રેસર હતા. તેમને જાણ હતી કે ૧૮૧૮ની લડાઈની દ્વિશતાબ્દી નિમિત્તે દલિતો મોટી સંખ્યામાં ભીમા-કોરેગાવમાં ઉપસ્થિત રહેવાના છે. તેમણે જાણીબૂજીને ગોવિંદ ગાયકવાડ નામના મહારની સમાધિ તોડી નાખી હતી. આ પણ એક સાચો-ખોટો પણ સામાજિક પોતને ચીરે એવો ઇતિહાસ છે. એમ કહેવાય છે કે ૧૬૮૯માં છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીની હત્યા પછી ઔરંગઝેબે ફરમાન કાઢ્યું હતું કે જેકોઈ સંભાજીના અગ્નિસંસ્કાર કરશે તેની હત્યા કરવામાં આવશે. ડરને કારણે કોઈ મરાઠા આગળ આવતા નહોતા ત્યારે ગોવિંદ ગાયકવાડ નામના મહારે સંભાજીના અગ્નિસંસ્કાર કર્યા હતા અને પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટનાના કોઈ ઐતિહાસિક દસ્તાવેજ મળતા નથી, જે રીતે ચિત્તોડગઢમાં કોઈ સમયે પદ્મિની થઈ હોવાના કોઈ પુરાવા નથી. જેમને લડવું છે તેને લડવા માટે ઇતિહાસ ઉપલબ્ધ છે અને હજી વધુ લડવા માટે પોતાને અનુકૂળ આવે એ રીતે ઇતિહાસ બદલવાની જીદ છે.

સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે હિન્દુત્વવાદી છે અને એકબોટે એક સમયે પુણેના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક હતા. એકબોટે સામે એક ડઝન ફોજદારી કેસ છે. ભીડેગુરુજીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફૅન છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ગુરુજીના આર્શીવાદ લેવા તેમના ઘરે સાંગલી ગયા હતા અને પગે લાગીને પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ગુરુજીના આદેશથી ખાસ સાંગલી આવ્યો છું, મારી મેળે ચૂંટણીપ્રચાર માટે નથી આવ્યો. સુરતનો ટ્રોલ નિખિલ દધિચ અને ભીડેગુરુજી વગેરેને આપણા વડા પ્રધાન ફૉલો કરે છે.

ગાંધી, નેહરુ અને આંબેડકરની કલ્પનાના ભારતને નકારવા અત્યારના શાસકો દેશના સામાજિક પોતને ચીરવાના કામમાં લાગ્યા છે. આવનારા દિવસોમાં દેશમાં જાતીય વિગ્રહ થાય તો આશ્ચર્ય નહીં પામતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 જાન્યઆરી 2018

Loading

વિદ્રોહી અર્થશાસ્ત્રી

ચંદ્રશેખર ધર્માધિકારી|Gandhiana|29 December 2017

ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી તેમની ઉંમરના આ પડાવમાં પણ પોતાની જાતને ગાંધીવિચાર પ્રસાર કાર્યમાં વ્યસ્ત રાખે છે. તેઓ ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ છે, આપણા તમામ કાર્યકર્તાઓ માટે આ ગર્વની વાત છે કે આપણે બધાં જ તેઓના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહ્યાં છીએ. તેમણે તેમનો મૂલ્યવાન સમય ગાંધી વિચાર પ્રસારના કાર્યમાં પસાર કર્યો છે. આ વિષય આધારિત તેમણે અનેક લેખો અને પુસ્તકો લખ્યાં છે. ગાંધીજીના અનુયાયીઓ વિષયક પણ તેમણે ઘણા સમૃદ્ધ લેખ લખ્યા છે. જે.સી. કુમારપ્પા આધારિત તેમનો લેખ ‘વિદ્રોહી અર્થશાસ્ત્રી’ ‘ગાંધીજીની શોધ’નાં માધ્યમ થકી અહીં પાઠકો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

– સંપાદક

ગાંધી અર્થશાસ્ત્રનાં જાણકાર અધ્યેતા અને ગ્રામ-ઉદ્યોગના પ્રણેતા તરીકે ડૉ. જે.સી. કુમારપ્પાનું નામ લેવામાં આવે છે. તેમનાં પુસ્તકો અને ચરિત્ર પ્રસિદ્ધ છે. તેમનું પૂરું નામ જોસેફ કારનેલિયસ કુમારપ્પા હતું. તેમનો જન્મ જાન્યુઆરી ૪, ૧૮૯૨નાં રોજ તંજાવૂરમાં થયો હતો. તેઓ વર્ષ ૧૯૧૩માં વિદેશ ગયા અને ત્યાં સ્નાતક થઈને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વર્ષ ૧૯૧૯માં ભારત પરત આવ્યા. તેઓ જ્યારે ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરતા હતા, ત્યારે તેમણે કારનેલિયસ એન્ડ ડાવર નામક એક પેઢીની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯૨૬માં તેઓ અમેરિકા જઈ આવ્યા અને વર્ષ ૧૯૨૭માં તેમણે સાર્વજનિક નાણાં વ્યવસ્થા અને આપણી ગરીબી જેવા વિષય પર નિબંધ લખ્યો. આ અધ્યયન થકી તેમને અંગ્રેજોનાં અન્યાય અને શોષણની જાણકારી પ્રાપ્ત થઇ. તેઓ સમૂર્ણ રાષ્ટ્રવાદી બની ગયા. તેમણે પબ્લિક ફાયનાન્સ અને ઇન્ડિયન પ્રોપર્ટી નામનું પુસ્તક લખ્યું. ત્યારબાદ પોતાનો ધીકતો ચાર્ટડ એકાઉન્ટન્ટનો વ્યવસાય છોડીને તેઓ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક બની ગયા. તેમણે લગ્ન પણ કર્યા નહિ, અને ઘરસંસાર પણ ના વસાવ્યો. જ્યારે પણ કોઈ તેમને લગ્ન વિષયક પ્રશ્ન પૂછતાં ત્યારે તેઓ મજાકમાં એ પ્રકારનો ઉત્તર આપતાં કે મેં પહેલાં એવું વિચાર્યું હતું કે જ્યારે ચાર આંકડામાં પગાર મળશે ત્યારે લગ્ન કરીશ પણ જ્યારે એટલો પગાર મળવા લાગ્યો ત્યારે હું ગાંધીજીની જાળમાં ફસાઈ ગયો. પછી એ જાળમાં એટલો ફસાતો ગયો કે લગ્ન કરવા અંગેનો વિચાર જ આવ્યો નહિ. તેઓ એક એવા અર્થશાસ્ત્રી હતા કે જેમની પાસે એક પાઈની પણ સંપત્તિ નહોતી.

ગાંધીજીની છત્રછાયામાં આવ્યા બાદ, કુમારપ્પાનો પોશાક, રહેણીકરણી બધું જ બદલાઈ ગયું. તેમણે મહાદેવભાઈ દેસાઈની અનુપસ્થિતિમાં “યંગ ઇન્ડિયા”માં લેખ લખ્યા. આંદોલનકાળમાં જેલમાં પણ ગયા. જેલમાંથી બહાર આવીને તેઓ બિહારનાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવા માટે પહોંચી ગયા. તેમણે બિહારનો તમામ હિસાબ એટલો ચોખ્ખો રાખ્યો કે બિહારને ગર્વનો અનુભવ થયો. ત્યાર બાદ તેઓ વર્ધા પરત આવ્યા અને મગનવાડીમાં રહેવા લાગ્યા. ભારતીય અર્થશાસ્ત્રમાં ખાદી અને ગ્રામોદ્યોગને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવામાં તેમનું મોટું યોગદાન રહેલું છે. બાદમાં તેમણે ગ્રામસેવક વિદ્યાલય, ગ્રામોદ્યોગ પ્રયોગશાળા વગેરે સંસ્થાઓની સ્થાપના કરી. ગ્રામ આંદોલન કેમ? અને સ્થાયી અર્થવ્યવસ્થા નામનાં બે ગ્રંથ તેમણે લખ્યા. તેમનાં ગ્રંથોમાં રહેલી તેમની ભૂમિકા માટે ગાંધીજીએ તેમની ખૂબ જ પ્રશંસા કરી છે. તેમને ‘रोटी के बदले पत्थर’ નામનાં પુસ્તક માટે જેલમાં પણ જવું પડ્યું હતું. પ્રથમ બે પુસ્તકો માટે ગાંધીજીએ તેમને ‘ડોક્ટર ઓફ ડિવ્હિનિટી’ અને ‘ડોક્ટર ઓફ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ’ની ઉપાધિ પ્રદાન કરી હતી. તેઓ ખરાં અર્થમાં ખ્રિસ્તી હતા. ધર્મનાં મૂળ તત્ત્વો પર તેમની અડગ નિષ્ઠા હતી અને તેમનું વર્તન પણ ઇસુના વિચાર વ્યવહાર અનુરૂપ જ હતું. પશ્ચિમની શૈલીમાં જીવતા પાદરીઓ વિશે તેમનું માનવું હતું કે યેશૂ પાસે તો પોતાનું મસ્તિષ્ક ઢાંકવા સુધીનાં પણ કપડાં નહોતાં અને આ પાદરીઓ તો ગળામાં સુવર્ણ ક્રોસ પહેરીને ફરી રહ્યા છે. જે રાષ્ટ્રનાં ઉદ્ધાર માટે ગરીબોની સેવા કરે છે તેઓ જ યેશૂના સાચા ભક્ત છે.

સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ જ્યારે યોજના-આયોગની સ્થાપના થઇ ત્યારે કુમારપ્પાને સલાહકાર તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા. પરંતુ તેમની કૃષિ ગ્રામોદ્યોગ સમન્વિત અર્થવ્યવસ્થા યોજના આયોગ અને સરકારનાં ગળે ઉતરી શકે તેવી નહોતી, અને આ વાત ધ્યાનમાં આવતાં જ કુમારપ્પા આ જવાબદારીમાંથી મુક્ત થઇ ગયા. તેમનું એવું માનવું હતું કે દેવાદાર બનીને મોટા બંધ બાંધવાની જગ્યાએ દર દસ એકરમાં એક કૂવો ખોદવો જોઈએ. તેના થકી ગરીબ ખેડૂતોને મદદ મળશે એવો તેમનો મત હતો. પણ અન્ય પશ્ચિમી અર્થશાસ્ત્રીઓને લાગતું હતું કે કુમારપ્પા ફરી વખત આપણને બળદગાડીના યુગમાં લઇ જવા ઈચ્છે છે. તેઓના મતભેદ વધતા ગયા અને તેનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. અંતમાં તેમણે વર્ષ ૧૯૪૯માં વર્ધા જિલ્લાનાં સેલડોહ ગામમાં પત્રે આશ્રમ સ્થાપિત કરીને કૃષિ ગ્રામોદ્યોગ કેન્દ્રની સ્થાપના કરી. તમિલ ભાષામાં ખેતીને પત્રે કહેવામાં આવે છે. અહિંસક જનતંત્ર માટેની એકાત્મક યોજના એ આ પ્રયોગના આધારે હતી. તેનું ઉદ્દઘાટન આચાર્ય કૃપલાનીજીએ કર્યું હતું. પણ, દુર્ભાગ્યવશ કેટલાક ગાંધીવાદીઓને પણ આ વિચાર ઠીક લાગ્યો નહોતો. તે પૈકી કેટલાક કુમારપ્પાને ગાંધીવાદી કમ્યુિનસ્ટ સુદ્ધાં કહેતા હતા. તેઓનો સ્વભાવ ભાવનાપ્રદાન હતો. તેમનામાં પોતાના વિચારોને પ્રત્યક્ષ રીતે સાકાર થતાં જોવાની ઉતાવળ હતી. જેના પરિણામે તેમના પર ખૂબ જ માનસિક અને શારીરિક તણાવ રહેતો હતો. અંતમાં તારીખ ૩૦ જાન્યુઆરી, ૧૯૬૦ના રોજ તેમનું મૃત્યુ થયું. તે દિવસ ગાંધીજીનો સ્મૃિત અથવા શહીદ દિવસ પણ છે. આર્થિક ક્ષેત્રનાં વિદ્રોહી અને વિપ્લવી સ્વરૂપમાં તેઓ જીતતા રહ્યા અને તેઓ તે સ્વરૂપમાં જ ઓળખાતા રહ્યા.

અહિંસા, સ્વદેશી, યુદ્ધના આર્થિક આધારના કેન્દ્રમાં ઉત્પાદનનાં કારણે થતું શોષણ, ધનનો લોભ, વધતી જાતિ અનિચ્છનીય જરૂરિયાતો, સમતામૂલક ઉત્પાદન અને વિકેન્દ્રીકરણ તથા ગ્રામીણ સમાજ અર્થવ્યવસ્થા વિષયક તેમનાં વિચારો પ્રસિદ્ધ છે. પણ, આપણા લોકોની દશા એવી છે કે આપણે આ વ્યક્તિને સમજી જ નથી શક્યા. જે લોકો એક ચોક્કસ પરંપરાથી અલગ જ રસ્તો પકડે છે તેમને લોકો હંમેશાં મૂર્ખ કહે છે અથવા એવું માને છે કે આ લોકો મૃગજળની પાછળ દોડી રહેલા પાગલ લોકો છે. આપણે લોકો એ વાતને ભૂલી જઈએ છીએ કે મૃગજળ ભલે મિથ્યા હોય પણ, હરણની તરસની તીવ્રતા સાચી હોય છે અને જ્યાં સુધી તરસ તીવ્ર નથી બનતી ત્યાં સુધી આ મૃગજળ પણ દેખાતું નથી. જે લોકોએ જીવનમાં ક્યારે ય પણ મૃગજળ નથી જોયું તેમની તરસ અથવા તૃષ્ણા એ માત્ર દેખાડો અથવા દંભ હોય છે. આપણે લોકો કુમારપ્પાની તૃષ્ણાની તીવ્રતાને ક્યારે ય સમજી નહિ શકીએ. એટલે જ કેટલાંક લોકોને લાગતું હતું કે કુમારપ્પાને બહુ જલદી છે. કુમારપ્પાએ ક્યારે ય પણ ભગવા વસ્ત્ર ધારણ કર્યા નહિ પણ, તેઓ પોતાના જીવન વ્યવહારમાં ઈસુના સાચા અનુયાયી હતા. સત્ય, નિર્ભયતા અને પોતાના વિચારો પ્રત્યે એક પ્રામાણિક વ્યક્તિ તરીકે તેઓ પ્રસિદ્ધ હતા.

એક વખત તેઓ સરદાર પટેલની સાથે રાષ્ટ્રપતિ ભવન એટલે કે પહેલાંનું વાઈસરોય હાઉસ જોવા ગયા. તેમની વર્ધાની ઝૂંપડી અને આ આલીશાન મહેલમાં શું ફર્ક છે? એવો પ્રશ્ન સરદારે તેમને પૂછ્યો. કુમારપ્પાનો જવાબ હતો કે બંનેમાં જમીન-આસમાનનું અંતર છે. આપણી ઝૂંપડીમાં આપણે તમામ વસ્તુઓ દિવસનાં પ્રાકૃતિક પ્રકાશમાં સ્પષ્ટ રીતે દેખી શકીએ છીએ પરંતુ, અહીં તો તમામ વસ્તુઓ કૃત્રિમ પ્રકાશમાં જોવી પડે છે. હજાર વોલ્ટેજ બલ્બનો પ્રયોગ કરવો અને બાદમાં કન્સીલ્ડ લાઈટિંગ થકી એટલો ઓછો મંદ પ્રકાશ રાખો કે અનાજનાં કીડા સુદ્ધાં જોવા મળે નહિ તો તેને અનર્થશાસ્ત્ર, વ્યર્થશાસ્ત્ર અથવા સ્વાર્થશાસ્ત્ર કહેવાય છે. તે શોષણ પર આધારિત છે તેથી દેશ માટે ઉપયોગી નથી. શું આ અંધારાને આમંત્રિત કરવા માટે પ્રકાશનું અપમાન નથી?

આ દેશનાં બજેટ વિશે અને ખાસ કરીને સુરક્ષા વિષયક અર્થયોજના વિશે તેમનું માનવું હતું કે આપણી અવસ્થા એ ગરીબ વ્યક્તિ જેવી છે જે પોતાની મિલકતનો અડધો ભાગ પોતાનાં ખાલી મકાનની રક્ષા કરતાં ચોકીદાર પર ખર્ચ કરે છે.

કુમારપ્પા એક વખત કોઈકના ત્યાં ભોજન માટે ગયા હતા. ભોજન બાદ હાથ ધોવા માટે યજમાને તેમને એક મોંઘો સાબુ આપ્યો. કુમારપ્પાએ સાબુ નાસ્તાની થાળીમાં મૂક્યો અને કહ્યું કે આ સાબુ વડે હાથ ધોવા એટલે અઢળક નિવાસીઓના રક્તથી હાથ ધોવા જેવું છે. કારણ કે ત્યાં ચોખાના પાકમાં નારિયેળનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તે વૃક્ષનાં તેલ વડે આ ફેશનેબલ સાબુ તૈયાર કરવામાં આવ્યા છે. શોષણ કરીને તૈયાર કરવામાં આવેલા સાબુથી હાથ ધોવા એ વાત પર કુમારપ્પાને ભરોસો નહોતો. તેમના મત મુજબ માતૃત્વ (માતા બાળકો માટે જે કઈ પણ કરે છે તે) અર્થવ્યવસ્થા ઉપયોગ માટે ઉત્પાદન કરે છે. માત્ર નાણાકીય અને વેચાણ માટે અથવા ફાયદો કમાવવા માટે આ ઉત્પાદન નથી. આને ગાંધીજીએ મકાન માટેનું ઉત્પાદન કહ્યું હતું પણ દુકાન માટે નહિ. અહિંસક આયોજન અને યોજના તથા અહિંસક સ્વદેશી અથવા સત્ય, અહિંસા આધારિત સમાજ અને જીવન વ્યવસ્થા હોય એવું કુમારપ્પા ઈચ્છતા હતા. તે માટે ગ્રામસંગઠન અને ગ્રામીણ, સામાજિક, આર્થિક, વિકેન્દ્રિત સમાજ-વ્યવસ્થા તેમનું અભિપ્રેત હતું.

સામૂહિક વિકાસ વિભાગનાં મંત્રી એક વખત કુમારપ્પાને મળવા માટે આવ્યા. સામૂહિક વિકાસ કાર્યક્રમને ભારે સફળતા મળી છે તે વાત તેમણે કુમારપ્પાને કરી. કુમારપ્પાએ પૂછ્યું કે તમારી સફળતાની વ્યાખ્યા શું છે? તેથી મંત્રી મહોદયે તેનાં આંકડા રજૂ કરવાનું શરૂ કર્યું જેમાં કેટલા કિલોમીટરના રસ્તા બનાવ્યા, કેટલી શાળા ઊભી કરી, કેટલાં આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યા ંવગેરે. કુમારપ્પાએ બધું જ શાંતિથી સાંભળ્યું અને બાદમાં કહ્યું કે આ તમામનાં કારણે કાર્યક્રમ સફળ થયો તેવું કહી શકાય ખરું? મંત્રી મહોદયે સામે પ્રશ્ન કર્યો કે તો પછી યશ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? કુમારપ્પાએ સ્પષ્ટ કહ્યું કે, સામૂહિક વિકાસ કાર્યક્રમ કોઈ ક્ષેત્રમાં શરૂ કરતાં પૂર્વે હું તે ક્ષેત્રનાં કેટલાંક લોકોની પાંસળી ગણીશ અને ત્રણ વર્ષ બાદ તેનાં પર થોડું પણ માંસ બન્યું હશે તો માનીશ કે આ કાર્યક્રમ સફળ રહ્યો. મંત્રી મહોદય, તમે ભૂખ્યાં વ્યક્તિના શરીર પર રેશમી શર્ટ પહેરાવવા ઈચ્છો છો. તમને ભાગ્યે જ સફળતા મળશે.

તમામ યોજનાઓનું લક્ષ્ય સામાન્ય માણસ હોય અને તે પરિસ્થિતિ આધારિત યોજનાઓનો યશ નક્કી થવો જોઈએ, એવો તેમનો નમ્ર મત હતો. કુમારપ્પાજી ખરા અર્થમાં ગ્રામીણજનોનાં ઉદ્ધારક અથવા ઋષિ હતા. તેમણે ગ્રામીણજનોનાં ઉપયોગ માટે ગામનાં પાણી અને માટીમાંથી કેટલીક વસ્તુઓ બનાવી હતી. તેમણે ગરમીમાં શાકભાજી રાખવા માટે માટલા જેવું રેફ્રીજરેટર બનાવ્યું હતું. તેનો આકાર રાજન જેવો હતો. જેમાં ઉપર એક કુંડું રાખવામાં આવતું હતું. પાણી ભરવા અને નીકાળવાની વ્યવસ્થા પણ હતી. કુંડામાં શાકભાજી પણ રાખવામાં આવતા હતાં. તેનું મૂલ્ય કુલ જમા કરેલાં છ રૂપિયા પણ નહોતું. જેમાં ના કોઈ વીજળીનો ખર્ચ હતો અને ના તો કોઈ બીજી સમસ્યા હતી.

મારા જીવનમાં કુમારપ્પાનો પ્રવેશ ક્યારે અને કેવી રીતે થયો તે મને યાદ નથી. મેં નાગપુર વિદ્યાપીઠમાં એમ.એ.ની પરીક્ષા માટે અર્થશાસ્ત્ર વિષય રાખ્યો હતો. મૌખિક પરીક્ષા માટે મુંબઈથી અર્થશાસ્ત્રનાં એક પ્રસિદ્ધ શિક્ષક આવ્યા હતા. સેવાગ્રામ એ નાગપુરની પાસે છે તે માટે અથવા મારા નામને કારણે તે શિક્ષકે મને પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે ગાંધીજીના અર્થશાસ્ત્રનાં મૂળ તત્ત્વ કયાં છે?  મેં કહ્યું કે અહિંસા અને તે શિક્ષક ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે તે એક રાજનીતિક સિદ્ધાંત છે, આર્થિક નહિ. મેં તેમને કુમારપ્પાના વિચાર અનુસાર માત્ર હિંસા ના હોવી એટલે અહિંસા નહિ, તો રાજનીતિક, આર્થિક અથવા સામાજિક શોષણ પણ હિંસા જ છે. આ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમને લાગ્યું કે મને ગાંધીજીના અર્થશાસ્ત્ર વિશે કશું જ જ્ઞાન નથી. તેમણે મને એટલાં ઓછાં ગુણ આપ્યાં કે હું સૌભાગ્યથી તૃતીય શ્રેણીમાં પણ પાસ તો થયો માટે બચી ગયો. નહિ તો જીવનમાં કયો વળાંક આવ્યો હોત તે ખ્યાલ નથી. આ કુમારપ્પાની કૃપા છે તેવું હું આજે પણ માનું છું.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

અદ્દભુત શાંતિ : ક્રિસ્મસ કાવ્ય • માયા એન્જેલુ

અનુવાદ: ભદ્રા વડગામા, અનુવાદ: ભદ્રા વડગામા|Poetry|29 December 2017

 

મેઘગર્જના પર્વતોની ખીણોમાં
અને વીજળી આપણાં ઘરોનાં નેવામાં  ખડખડાટે છે.
પૂરનાં પાણી આપણા માર્ગો વચ્ચે આપણી વાટ જોતાં ઊભાં છે.

હિમવર્ષા પર હિમવર્ષા થઇ રહી છે
હિમપ્રપાત અરક્ષિત ગામડાં પર પડે છે.
નીચું નમેલું આકાશ રાખોડી રંગનું અને ડરામણું લાગે છે.

આપણે આપણી જાતને પૂછીએ છીએ.
આપણે કુદરતને અપમાનિત કરવા એવું તે શું કર્યું છે?
આપણે ઈશ્વરને ચિંતાતુર બનાવીએ છીએ.
તું છો પ્રભુ? તું ખરેખર છો?
તેં અમારી સાથે કરેલો કરાર હજુ જારી છે?

ડર અને આશંકાનાં આ વાતવરણમાં, ક્રિસ્મસ પ્રવેશે છે,
ઉલ્લાસના ઝગમગાટને વહેવતો, આશાના ઘંટનાદ કરતો,
અને ક્ષમતાનાં ગીતો ગાતો ઉજાસભરી હવામાં ઊંચે ઊડતો,
વિશ્વને દ્વેષથી દૂર રહી, મિત્રતાના માર્ગે દોરવા પ્રયત્ન કરે છે.

એ આનંદનો ઉત્સવ છે.
મેઘગર્જના મૌનતામાં ઓગળી જાય છે
અને વીજળી એક ખૂણામાં ચૂપકેથી સૂઈ જાય છે.
પૂરનાં પાણી સ્મૃિતમાં લોપ થઈ જાય છે.
આપણને ઉન્નત શિખરો પર પહોંચવામાં મદદ કરવા
હિમ અનુકૂળ પોલું ગાદલું બની જાય છે.

બાળકોના ચહેરાઓ પર આશા ફરી ઝળહળી ઉઠે છે,
જિંદગીના સૂર્યાસ્ત તરફ પ્રયાણ કરતાં આપણાં વડીલોના ખભે એ ચડી બેસે છે.
આશા દુનિયાભરમાં છવાઈ જાય છે. બધી વસ્તુઓ પર ચમક લાવતી,
જ્યાં ધિક્કાર પણ એક અંધારા ખૂણામાં સંતાઈ જાય છે.

આપણા ઉલ્લાસ વચ્ચે આપણને એક હળવો અવાજ સંભળાય છે.
શરૂશરૂમાં એ બહુ જ નમ્ર છે. પછી અડધોપડધો સંભળાય છે.
એ વધુને વધુ મોટો થતો જાય છે તેમ આપણે તેને ધ્યાનથી સાંભળીએ છીએ.
આપણને એક મધુરતા સંભળાય છે.
એ શબ્દ છે શાંતિ.
એ હવે મોટેથી સંભળાય છે. વધુ મોટેથી.
બોમ્બ વિસ્ફોટના અવાજ કરતાં પણ વધુ મોટેથી.

આપણે એ અવાજ સાંભળી ધ્રૂજીએ છીએ. એની હાજરીથી રોમાંચ અનુભવીએ છીએ.
આપણને જેની ભૂખ હતી એ તે છે.
ફક્ત યુદ્ધોની ગેરહાજરી નહીં. પણ સાચી શાંતિ.
આત્માઓનો સુમેળ, વિનયતાની રાહત.
આપણાં અને તેમનાં પ્રિયજનો માટે સલામતી.

આપણે તાળી પાડી ક્રિસ્મસની શાંતિને આવકારીએ છીએ.
આપણે આ સુંદર ઉત્સવને આપણી વચ્ચે થોડો વધારે રહે એવો ઈશારો કરીએ છીએ.
આપણે, બૅપ્ટિસ્ટ અને બુદ્ધિસ્ટ, મેથોડિસ્ટ અને મુસ્લિમ,
શાંતિને કહીએ છીએ આવ.
તારી રાજસ્વી પ્રતિભાથી અમને અને અમારી દુનિયાને ભીંજવી દે.

અમે, યહૂદીઓ અને જૈનો, કૅથોલિક અને કોન્ફુિસયન,
તને વિનવીએ છીએ કે તું અમારી સાથે હજુ વધુ રહે.
જેથી અમે તારા ઝળાહળા થતા પ્રકાશથી
ફક્ત ચહેરામહોરા જોવા કરતાં આખા સમાજને જોતાં શીખીએ.

આ ક્રિસમસનો સમય છે, ધિક્કારને રોકવાનો.

શાંતિના આ મંચ પર, આપણે એવી ભાષા ઉત્પન્ન કરી શકીએ છીએ,
જે વડે આપણે સ્વંયને જાતે અને એકબીજા દ્વારા ઓળખી શકીએ.

અને આ પવિત્ર ક્ષણે, દુનિયાના મહાન ધર્મોમાં
આપણે જીસસ ક્રાઈસ્ટના જન્મની ઉજવણી મનાવીએ છીએ.
વિશ્વાસના આ અમૂલ્ય આગમનને હર્ષથી વધાવીએ છીએ.
આશાના આગમનને ભવ્ય ચિત્કારોથી નવાજીએ છીએ.
શાંતિના વચનની ઉજવણી કરવા
દુનિયાનો સમર્ગ માનવસમૂહ ગર્જના કરે છે.

અમે, દેવદૂતો અને મનુષ્યો, શ્રદ્ધાળુ અને નાસ્તિકો,
સ્વર્ગ ભણી દ્રષ્ટિ માંડી એ શબ્દને જોરથી ઉચ્ચારીએ છીએ.
શાંતિ. અમે અમારી દુનિયા તરફ દ્રષ્ટિ માંડી એ શબ્દને જોરથી ઉચ્ચારીએ છીએ.
શાંતિ. અમે એકબીજા તરફ દ્રષ્ટિ માંડી, અને પછી અમારા અંતરાત્મામાં દ્રષ્ટિ માંડી 
અને શરમાયા વિના કે ક્ષમાયાચના વિના કે અચકાયા વિના કહીએ છીએ.

શાંતિ, મારા બંધુ.
શાંતિ, મારી ભગિની,
શાંતિ, મારા આત્મા.

e.mail : bv0245@googlemail.com

°°°°°°°°°°°°°°°

AMAZING PEACE:  A Christmas Poem

by Maya Angelou

Thunder rumbles in the mountain passes
And lightning rattles the eaves of our houses.
Flood waters await us in our avenues.
Snow falls upon snow, falls upon snow to avalanche
Over unprotected villages.
The sky slips low and grey and threatening.
We question ourselves.
What have we done to so affront nature?
We worry God.
Are you there? Are you there really?
Does the covenant you made with us still hold?
Into this climate of fear and apprehension, Christmas enters,
Streaming lights of joy, ringing bells of hope
And singing carols of forgiveness high up in the bright air.
The world is encouraged to come away from rancor,
Come the way of friendship.
It is the Glad Season.
Thunder ebbs to silence and lightning sleeps quietly in the corner.
Flood waters recede into memory.
Snow becomes a yielding cushion to aid us
As we make our way to higher ground.
Hope is born again in the faces of children
It rides on the shoulders of our aged as they walk into their sunsets.
Hope spreads around the earth. Brightening all things,
Even hate which crouches breeding in dark corridors.
In our joy, we think we hear a whisper.
At first it is too soft. Then only half heard.
We listen carefully as it gathers strength.
We hear a sweetness.
The word is Peace.
It is loud now. It is louder.
Louder than the explosion of bombs.
We tremble at the sound. We are thrilled by its presence.
It is what we have hungered for.
Not just the absence of war. But, true Peace.
A harmony of spirit, a comfort of courtesies.
Security for our beloveds and their beloveds.
We clap hands and welcome the Peace of Christmas.
We beckon this good season to wait a while with us.
We, Baptist and Buddhist, Methodist and Muslim, say come.
Peace.
Come and fill us and our world with your majesty.
We, the Jew and the Jainist, the Catholic and the Confucian,
Implore you, to stay a while with us.
So we may learn by your shimmering light
How to look beyond complexion and see community.
It is Christmas time, a halting of hate time.
On this platform of peace, we can create a language
To translate ourselves to ourselves and to each other.
At this Holy Instant, we celebrate the Birth of Jesus Christ
Into the great religions of the world.
We jubilate the precious advent of trust.
We shout with glorious tongues at the coming of hope.
All the earth’s tribes loosen their voices
To celebrate the promise of Peace.
We, Angels and Mortals, Believers and Non-Believers,
Look heavenward and speak the word aloud.
Peace. We look at our world and speak the word aloud.
Peace. We look at each other, then into ourselves
And we say without shyness or apology or hesitation.
Peace, My Brother.
Peace, My Sister.
Peace, My Soul.

Loading

...102030...3,2063,2073,2083,209...3,2203,2303,240...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved