
e.mail : mahendraaruna1@gmail.com
![]()

e.mail : mahendraaruna1@gmail.com
![]()
સંસારમાં મર્યાદિત ક્ષેત્રમાં પાંગરતી કલાઓને જાણીએ તો તેમાંથી અખૂટ ખજાનો મળી શકે એમ છે. આ દુર્લભ કલાઓ જૂજ સ્થાને જ દેખા દે છે, પણ તેને તપાસીએ અને મૂલવીએ તો તેનું મૂલ્ય અદ્વિતીય લેખાય છે. આવી જ એક કલા છે – ટૅક્સિડર્મી. પાંચ કલાઓનો સમન્વય (શિલ્પ, ચિત્ર, સુથારીકામ, મોચીકામ અને શરીરશાસ્ત્ર) કહેવાતી ટૅક્સિડર્મી કલા આજે ભારતમાંથી લુપ્ત થવા જઈ રહી છે અને તેનાં એક માત્ર જાણકાર કહો કે પછી તેનાં સંરક્ષક મુંબઈના ડો. સંતોષ ગાયકવાડ છે. ટૅક્સિડર્મી એટલે પ્રાણીઓનાં મૃત્યુ બાદ તેનાં અસ્સલ શરીરના ભાગો સાથે આબેહૂબ પ્રતિકૃતિ બનાવી તેને લાંબા કાળ સુધી સાચવવાની કલા. આ કલાનું પ્રદર્શન મહદંશે મ્યુિઝયમોમાં આપણને જોવા મળે છે, અને અગાઉ રાજા-મહારાજાઓના મહેલોમાં પણ પ્રાણી-પક્ષીઓની પ્રતિકૃતિ સજાવટ ખાતર લગાવવામાં આવતી હતી. આ કલાના સંરક્ષક તરીકે અત્યારે ભારતમાં એક જ નામ બોલાય છે – ડો. સંતોષ ગાયકવાડ. ભારત સરકાર દ્વારા એક માત્ર ડો. સંતોષ ગાયકવાડ જ એપ્રૂવ્ડ ટૅક્સિડર્મીસ્ટ (ટૅક્સિડર્મી કલાના જાણકાર) છે!
આશ્ચર્યની વાત એ છે કે પ્રાણી-પક્ષી સૃષ્ટિથી સમૃદ્ધ આપણાં દેશમાં આજે ટૅક્સિડર્મીસ્ટનો અભ્યાસ કરાવતી એક પણ સંસ્થા મોજૂદ નથી! વર્તમાન પ્રાણી-પક્ષી સૃષ્ટિમાંથી અનેક જીવો આજે લુપ્ત થઈ ચૂક્યા છે, કાં તો તે પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આ કિસ્સામાં રેપ્લિકા દ્વારા આ સૃષ્ટિને આપણી વચ્ચે જીવંત રાખવાનું કામ ટેક્સીડર્મિસ્ટ કરે છે. જો કે, કશું પણ પ્રિઝર્વ કરવાનું આવે ત્યારે આપણાં દેશમાં તે અંગે ઝાઝો ઉત્સાહ જોવા મળતો નથી અને ટૅક્સિડર્મીના કિસ્સામાં પણ એવું છે, એટલે જ ડો. સંતોષ ગાયકવાડના હાથ નીચે કોઈ ટેક્સીડર્મિસ્ટ તૈયાર થાય તેવી પણ કાળજી રાખવામાં આવી રહી નથી. સંતોષ ગાયકવાડ પોતાના અધ્યાપન સાથે સાથે આ કાર્ય કરી રહ્યા છે, અને જરૂર હોય ત્યાં જઈને પોતાની કલાના મદદથી સૃષ્ટિને સજીવન રાખે છે.
ભારતમાં જ એક સમયે આ પ્રાણીમર્મ વિદ્યા જાણકારની ડિમાન્ડ હતી, અને રાજા-મહારાજોઓના મહેલોમાં તેમને માનભેર કામ મળી રહેતું. જો કે, પછી તો આ ટ્રેન્ડ ઘટતો ગયો અન હવે તો ભાગ્યે જ કોઈ આવી સાચવણી કરવાનો શોખ ધરાવનારાં રહ્યાં છે. સંશોધન એવું કહે છે કે, પ્રાચીન કાળમાં પણ આ કલાની ઉપસ્થિતિ દેખાય છે, જેમ કે ઇજિપ્તના પ્રાચીન સમયમાં આ પ્રકારે જીવસૃષ્ટિની સાચવણી થતી, પણ તેમાં ક્યારે ય કોઈ પદ્ધતિસરનું વિજ્ઞાન જોડાયેલું નહોતું, તેની સાચવણી પરંપરા અર્થે થતી. ત્યાર બાદ યુરોપ અને અમેરિકાના આદિવાસીઓમાં પણ આવી પ્રથા જોવા મળતી. આધુનિક ટૅક્સિડર્મીમાં પણ છૂટાછવાયા દેશોમાં તેની ઉપસ્થિતિ જોવા મળે છે, પણ પદ્ધતિસરનું એક આખું ટૅક્સિડર્મીનું વિજ્ઞાન કહેવાય તે વિકસ્યું ઓગણીસમી સદીમાં. આ વિજ્ઞાન વિકસ્યું એટલે તેમાં જે – તે પ્રાણી, પશુ કે અન્ય કોઈ પણ જીવની આબેહૂબ પ્રતિકૃતિનો આગ્રહ રખાય છે, જે માટે પ્રાણીનાં જ ચામડાં અને અસ્થિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
44 વર્ષીય ડો. સંતોષ ગાયકવાડે ટૅક્સિડર્મીસ્ટની કલા જાતે જ હસ્તગત કરી છે, તેની શરૂઆત પણ તેમના જીવનમાં તેઓ ત્રીસીના નજીક પહોંચ્યા ત્યારે થઈ હતી. અને તે પણ સંજોગોવશ! પંદર વર્ષ પહેલાં જ્યારે બોમ્બે વેટરીનરી કોલેજમાં વેટેરિનરી અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરતા હતા, ત્યારે એમ જ એક દિવસ ફરતાં ફરતાં તેઓ કોલાબામાં આવેલા ‘પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુિઝયમ’ (હવે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય તરીકે જાણીતું) જઈ ચઢ્યા. તે દિવસે ડો. સંતોષ ગાયકવાડ કોલેજમાં ઝાઝું કામ ન હોવાથી હળવાશમાં હતા, એટલે ત્યાં વધુ સમય ગાળવા ઇચ્છતા હતા. આમ તો સંતોષ ગાયકવાડ પૂરું મ્યુિઝયમ જોઈને પ્રભાવિત થયા, પરંતુ તેમને સૌથી વધુ રસ નેચરલ હિસ્ટ્રી સેક્શનમાં પડ્યો. અહીંયા તેમણે પ્રાણી-પશુની રેપ્લિકા જોઈ, જેમાં વાઘ, હરણ અને અનેક પંખીઓ હતાં. આ પ્રકારનું મ્યુિઝમય તેમણે અગાઉ ક્યારે ય જોયું નહોતું. તેમને જાણે આ બધાં જ જીવો જીવંત હોય તેવાં લાગ્યાં. તેમને કૂતુહલવશ આ પ્રકારની સાચવણી વિશે પ્રશ્નો થયા, અને તેમણે મ્યુિઝયમમાં નોકરી કરનારા એક ભાઈને તે વિશે પૂછપરછ કરી અને તેમને માત્ર એટલો જ જવાબ મળ્યો કે આ કલાને ‘ટૅક્સિડર્મી’ કહેવાય છે. બસ, સંતોષનું કૂતુહલ આ જવાબથી વધવા માંડ્યું અને તેમણે ઘરે જઈને ટૅક્સિડર્મી વિશે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બધું જ સાહિત્ય વાંચવા માંડ્યું. વાંચતા-વાંચતા જ તેમને આ કલામાં વધુ રસ પડવા લાગ્યો. તેમણે દેશભરમાં તપાસ આદરી કે આ પ્રકારનું શિક્ષણ આપતી સંસ્થાની તપાસ કરી જોઈ. પણ દુર્ભાગ્યાવશ આવી કોઈ સંસ્થા ન મળી.

સામાન્ય રીતે સામાન્ય જિજ્ઞાસાથી જો શરૂઆત થઈ હોય તો તે અહીં સુધી આવીને અટકી જાય. પરંતુ ડો. સંતોષ ગાયકવાડના કિસ્સામાં એવું નહોતું, તેમણે ખાનગી રીતે ટૅક્સિડર્મીસ્ટનું કામ કરનારા માણસો શોધી કાઢ્યા. જો કે, જ્યારે તેઓ આવા ટૅક્સિડર્મીસ્ટોને મળ્યા ત્યારે તેમાંથી મહદંશે બધાએ પોતાની ટૅક્સિડર્મીસ્ટની પ્રેક્ટિસ છોડ્યે વર્ષો વતાવી દીધા હતા. અને જેમને તેઓ મળ્યા તેઓ પણ મોટા ભાગે પંખીઓ પર જ કામ કરતા હતા, એટલે તેમને થોડું ઘણું જ્ઞાન આ અનુભવીઓ પાસેથી મેળવ્યું કે પંખીઓને સાચવવા આ કલાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. પછી તેમણે પોતાની મેળે જ શીખવાનું શરૂ કર્યું, અને તે માટે ડો. સંતોષ ગાયકવાડ મહિનાના દસ દિવસ આ માટે ફાળવતા. તેમણે મૃત્યુ પામેલા કબૂતર અને મરઘી પર ધીરે ધીરે પ્રયોગ શરૂ કર્યા. પોતે વેટરનિરી કોલેજમાં હોવાથી અનેક પ્રાણી-પશુ ઇજા પામે તો ત્યાંની હોસ્પિટલમાં જ લાવવામાં આવતાં. તેમાંથી ઘણાં મૃત્યુ પામતાં અને તેમનો નાશ કરી દેવામાં આવતો. આવાં મૃત પશુ-પક્ષીઓ પર તેઓ પોતાનું રોજબરોજનું કામ પૂરું કરીને સંશોધન કરતા. અને પછી તો આવા મૃત જીવોને તે ઘરે લઈ જવા લાગ્યા, જેથી ઘરે જઈને પણ તેના પર કામ થઈ શકે. પોતાના ઘરે મૃત પશુ-પક્ષીને સાચવવાની કોઈ વિશેષ વ્યવસ્થા ન હોય, એટલે તેને ઘરના જ રેફ્રિજરેટરમાં મૂકવાનું શરૂ કર્યું. સંતોષનાં પત્ની તેમનું આ ગાંડપણ જોઈને અકળાતી અને મૃત જીવોથી ફ્રીજમાં કોઈ ઇન્ફેક્શન થાય તેની પણ ચિંતા કરતી. જો કે ડો. સંતોષ ગાયકવાડ પોતાના કામમાં મશગૂલ હતા અને કામની વચ્ચે ફ્રીજમાં મૃત જીવોની કશું અસર ન થાય તેની કાળજી પણ રાખી લેતા. આમ વર્ષોનાં વર્ષો વીત્યાં અને ધીરે ધીરે આ કલા ડો. સંતોષ ગાયકવાડે હસ્તગત કરી લીધી. ત્યાર બાદ તો તેમનો દિવસનો મોટા ભાગનો સમય ટૅક્સિડર્મી પાછળ જતો, આ જ કારણે એક સમય એવો આવ્યો જ્યારે તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી. ડો. સંતોષ ગાયકવાડના સહકર્મચારી તેમના પર હસતા, અને તેમના આ શોખને બેવકૂફી ગણતા. પણ જાણે તેઓ કશું ભાળી ગયા હોય તેમ મંડ્યા રહ્યા.
ઓલમોસ્ટ, ચાર વર્ષની અવિરત પ્રેક્ટિસ બાદ ડો. સંતોષ ગાયકવાડે ટૅક્સિડર્મી પર નિપુણતા હાંસલ કરી લીધી અને 2006માં તો તેમણે મહારાષ્ટ્રના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આગળ પ્રાણી-પશુને ટૅક્સિડર્મીથી સાચવવાનો એક પ્રસ્તાવ રજૂ કર્યો. 2008માં તેમને શહેરના પ્રાણીસંગ્રાલયમાં કામ કરવાની પરવાનગી મળી. અહીંયા તેમણે દીપડાની રેપ્લિકા બનાવી અને તે જંગલ વિભાગના અધિકારીઓને ખૂબ પસંદ પડી. અને તેમને વધુને વધુ કામ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે પ્રેર્યા. આજે પૂરા દેશમાં આ રીતે સરકાર સાથે કામ કરનારાં ડો. સંતોષ ગાયકવાડ એકમેવ છે! 2010 આવતાં આવતાં તો તેમનું કામ એટલું વધી પડ્યું કે મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્ક દ્વારા તેમના માટે સ્પેિશયલ ટૅક્સિડર્મી સેન્ટર શરૂ કર્યું. આજે તેમના નામે ટૅક્સિડર્મીનું જંગી કામ બોલે છે.
દેશમાં આજે ટૅક્સિડર્મીસ્ટ તરીકે જેમ ડો. સંતોષ ગાયકવાડનું નામ જાણીતું છે, એ જ રીતે વિશ્વભરમાં ટૅક્સિડર્મીસ્ટને નવા આયામ પર લઈ જનારા કાર્લ એકેલે હતા. ‘ફાધર ઓફ મોર્ડન ટૅક્સિડર્મી’ તરીકે ઓળખાતા કાર્લ એકેલેનું કામ આજે પણ અમેરિકામાં ‘ફિલ્ડ મ્યુિઝયમ ઓફ નેચરલ હિસ્ટ્રી’ અને ‘અમેરિકન મ્યુિઝયમ ઓફ નેચરલ હિસ્ટ્રી’માં જોઈ શકાય છે. આ ક્ષેત્રમાં તેમણે અદ્વિતીય કામ કર્યું છે અને તેની ઝાંખી આ બંને મ્યુિઝયમમાં જોવા મળે છે. ટૅક્સિડર્મીને વિજ્ઞાન અને કલાની દૃષ્ટિએ વધુ સૂક્ષ્મતાથી જોઈ-તપાસી શકાય, પણ તે કાર્ય કોઈ સજ્જ કલાધર કરે તો ઓર દીપી ઊઠે.
e.mail : kirankapure@gmail.com
(સૌજન્ય : ‘ઇન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’ – “ગુજરાતમિત્ર”, 15 અૅપ્રિલ 2018)
![]()
“૨૯મી મેનો સૂર્ય ઊગ્યો ને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા,
આખું જગત હસ્યું કે ગાંધીજીએ ઉપવાસ છોડ્યા.”
૧૯૩૩ના મે મહિનાની ૨૯મીનો દિવસ એટલે શબ્દની સૃષ્ટિમાં ધીરુબહેનના વિધિવત્ પ્રવેશનો દિવસ. તે દિવસે તેમને સાત વર્ષ પૂરાં થયાં. ડાયરી લખવાની શરૂઆત તો તે પહેલાંથી કરેલી. તેમાં જન્મ દિવસ વિષે લખવાને બદલે તેઓ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા એ વિષે લખે છે. આ લખાણમાં કૈંક એવું ગદ્ય દેખાય છે કે ભવિષ્યને માટે આશા જન્માવે. એટલે કે ધીરુબહેન છેલ્લાં ૮૫ વર્ષથી પોતાની શબ્દસૃષ્ટિનું સર્જન કરી રહ્યાં છે.
આટલા લાંબા સમયગાળા દરમ્યાન સર્જાયેલી અને હજી આજે પણ સર્જાતી રહેલી શબ્દસૃષ્ટિની વાત પંદર મિનિટમાં કરવી એ ધીરજબાળા જેવા પાંચ અક્ષરના નામને બે અક્ષરમાં સમાવી લેવા જેટલું સહેલું કામ નથી. હા, ધીરુબહેને શું નથી લખ્યું એની વાત સહેલાઈથી, બે મિનિટમાં થઇ શકે. અભ્યાસી સાહિત્યનાં. અધ્યાપક સાહિત્યનાં. એટલે વિવેચન લખવા તરફ કલમ વળે એ સ્વાભાવિક. એવું થોડું લખ્યું પણ ખરું. પણ પછી એક દિવસ ટાગોર રોડ અને સરસ્વતી રોડ (રોડનાં નામો પણ કેટલાં અર્થસમર્પક છે!) એ બે રોડને નાકે ગુરુવર્ય રામભાઈ બક્ષીએ ધીરુબહેનને ઊભાં રાખ્યાં અને લાલ બત્તી ધરી દીધી: “ધીરુબહેન! હવે બસ. લખવા માંડો. આ દિશામાં આગળ વધી જશો તો અમારી માફક પંડિત ને વિવેચક થઇ જશો.” ‘ગુરવે નમઃ’માં માનતાં ધીરુબહેને તે પછી પાંડિત્યદર્શી વિવેચનો નથી લખ્યાં. માતા ગંગાબહેને એમના જમાનામાં આત્મકથા લખેલી, ‘સ્મૃિતસાગરને તીરે’. પણ હજી સુધી ધીરુબહેન આ બાબતમાં માતાને પગલે ચાલ્યાં નથી. જો કે ધીરુબહેન આત્મકથા નહિ, તો સંસ્મરણોનું પુસ્તક લખશે એવી આશા છોડી દેવાની જરૂર નથી.
કારણ? કારણ સર્જક તરીકે, પોતાની અને પોતીકી શબ્દસૃષ્ટિના વિધાયક તરીકે ધીરુબહેન અનપ્રેડિકટેબલ રહ્યાં છે, હંમેશ. મુનશી પાસેથી કાવ્યસંગ્રહની આશા ન રાખી શકાય. ઉમાશંકર ગઝલ સંગ્રહ પ્રગટ ન કરે. તારક મહેતા વિવેચન લેખો ન લખે. આવાં વિધાન સહેલાઈથી કરી શકાય. પણ ધીરુબહેન અમુક લખશે, કે નહિ લખે એવું વિધાન કરવામાં પૂરેપૂરું જોખમ. કારણ એ બીજાને પૂછીને નહિ, પણ પોતાની જાતને પૂછીને લખનારા લેખક છે. ૨૦૦૫માં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ ‘કિચન પોએમ્સ’ પ્રગટ થયો તે પહેલાં કોઈએ ધાર્યું નહિ હોય કે આવાં, અલાયદાં, આગવાં કાવ્યોનો સંગ્રહ ધીરુબહેન આપશે, અને તે પણ અંગ્રેજીમાં. બીજી કેટલીક ભાષાઓમાં તેના અનુવાદ થયા પછી, તેનું નાટ્ય રૂપાંતર સફળતાથી ભજવાયા પછી, આ કાવ્યોનો ગુજરાતી અનુવાદ હવે ધીરુબહેને પોતે કર્યો છે.
ધીરુબહેન અનપ્રેડિકટેબલ છે કારણ કોઈ વ્યક્તિ, વાદ, વાડા, કે વિચારધારામાં તેઓ ક્યારે ય બંધાતાં નથી. શું લખવું કે શું ન લખવું એ બીજું કોઈ તો ધીરુબહેનને ન જ કહી શકે, પણ ખુદ ધીરુબહેન પોતે પણ પોતાને કહેતાં નથી. ધીરુબહેનનો પહેલો વાર્તાસંગ્રહ ‘અધૂરો કોલ’ ૧૯૫૫માં પ્રગટ થયો. પહેલી નવલકથા ‘વડવાનલ’ ૧૯૬૩માં. જરા યાદ કરો. એ દિવસો એટલે પ્રયોગ પરાયણતા, ઘટનાલોપ, ભાષાકર્મ, આકૃતિપરસ્તીના પૂરના દિવસો. વિશ્વામિત્રીનાં પૂરનાં પાણી ગુજરાતી સાહિત્યના ઘણા મોટા પ્રદેશ પર ફરી વળેલાં. ધીરુબહેન એ પ્રવાહ સાથે તર્યાં હોત તો ઝડપથી ઉપર આવી ગયાં હોત. પણ પછી આગળ વધી શક્યાં હોત ખરાં? પૂરનાં પાણી ઓસર્યા પછી તેમનો શબ્દ તરતો ન રહ્યો હોત. વિશ્વામિત્રીના કાંઠે ખડકાયેલા તૂટેલા તરાપાઓમાં એકનો વધારો થયો હોત.
ધીરુબહેન અનપ્રેડિકટેબલ છે કારણ એ બીજા કોઇથી તો નથી જ બંધાતાં, પણ પોતે અગાઉ જે લખ્યું તેનાથી પણ બંધાઈને રહેતાં નથી. પોતાની સફળ કૃતિનું પણ ક્યારે ય અનુકરણ કરતાં નથી. આથી તેમનો શબ્દ સદાબહાર રહ્યો છે. જન્મ વડોદરામાં, વતન ધર્મજ, પણ જીવનનો મોટો ભાગ મુંબઈમાં. છેલ્લાં થોડાં વર્ષોથી અમદાવાદવાસી બન્યાં છે, પણ અમદાવાદી બન્યાં નથી. બની શકે જ નહીં, કારણ મુંબઈ એમના લોહીના લયમાં ભળેલું છે. ગામડાંને જાણે છે, ગુજરાતને ચાહે છે, પણ તેમનો શબ્દ નાગરિક, બલકે મહાનાગરિક છે. મુંબઈ જેવા મહાનગરના જીવનનું આભિજાત્ય તેમની શબ્દસૃષ્ટિમાં છલકે-મલકે છે. ક્યારેક ગ્રામીણ પાત્રો, વાતાવરણ, ભાષા-લહેકો તેમની કૃતિઓમાં જોવા મળે, પણ ગામડિયાપણું ક્યાં ય, ક્યારે ય, જોવા ન મળે. શહેરી સોફિસ્ટીકેશન એ ધીરુબહેનનાં લખાણોનું ધ્યાન ખેંચે તેવું લક્ષણ છે.
‘આગંતુક’ માટે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં પૂછ્યું હતું: “તમારો ઉછેર એક ગાંધીવાદી કુટુંબમાં થયો. આજે પણ તમે ખાદી જ પહેરો છો. પણ લેખક તરીકે તમને ‘ગાંધીવાદી’નું લેબલ લગાડી શકાય એમ નથી. આનું કારણ શું?” ત્યારે જવાબમાં તેમણે કહેલું: “હું ગાંધીજીને ચાહું છું કારણ ગાંધીજી ‘ગાંધીવાદી’ નહોતા.” પછી કહે: “હું ગાંધીવાદી ન બની તેનું કારણ મારા પિતાજી. મારાં બા ચુસ્ત ગાંધીવાદી ખરાં. હું તો જન્મી ત્યારથી ખાદીમાં. પણ મારા પિતાજી તો વ્યક્તિસ્વાતંત્ર્યમાં એટલું બધું માને. મારા કાન વિંધ્યા વગરના છે. પિતા કહે કે એ હજી બોલતી થઇ નથી ને આપણાથી કેવી રીતે એના કાન વિંધાય? અમારા ઘરમાં એક ખુશનુમા વાતાવરણ હતું. સોગિયું ગાંધીવાદી વાતાવરણ નહોતું.”
ધીરુબહેનને જેમ ‘ગાંધીવાદી’નું લેબલ ન લગાડી શકાય, તેમ ‘નારીવાદી’નું લેબલ પણ ન લગાડી શકાય. તેમની કેટલીક કૃતિઓ નારીકેન્દ્રી છે, નારી માટેની સાચકલી કન્સર્ન તો લગભગ દરેક કૃતિમાં જોવા મળે. અંગ્રેજી નારીવાદી સાહિત્યનો સારો અભ્યાસ. આ અંગે ધીરુબહેને કહ્યું છે: “હું નારીવાદી ન બની શકું. કારણ કે મને પુરુષો ગમે છે. હું ખરેખર એવું નથી માનતી કે દરેક પુરુષ રાક્ષસ છે, ને દરેક સ્ત્રી દેવી જ છે. હું નારીવાદી નથી જ કારણ આ તદ્દન બ્લેક, આ તદ્દન વ્હાઈટ એવું નથી. આખા સમાજમાં જુઓ તો સ્ત્રીઓને ભાગે વધુ અન્યાય અને દુ:ખ છે, પણ મેં અંગત રીતે આ બધું વેઠયું નથી એટલે મને એ અંદરથી નથી થતું.”
હકીકતમાં ધીરુબહેને પોતાની જાત પર કોઈ પ્રકારનાં લેબલ લાગવા દીધાં નથી. એટલે જીવન અને સાહિત્ય, બન્નેની બાબતમાં તેઓ ઓપન રહે છે. એમને કશાનો છોછ નથી. એ ઉમાશંકરના ‘સંસ્કૃિત’ માટે લખે તો વ્યવસાયી ફિલ્મ કે રંગભૂમી માટે પણ લખે. રેડિયો, ટેલિવિઝન, અને વેબસાઈટ માટે પણ લખે. અને એ માધ્યમોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને લખે. અંદરની લાગણીથી લખે તો બીજાની માગણીથી પણ હાજરાહજૂર લખી આપે. ગુલાબદાસ બ્રોકર ગાંધીવાદી ટૂંકી વાર્તાઓનું સંપાદન કરતા હતા ત્યારે તેમણે ધીરુબહેન પાસે એવી એક વાર્તા માગી. ધીરુબહેન કહે કે એવી વાર્તા મારી પાસે છે તો નહિ, પણ તમે બે કલાક થોભો તો લખી આપું. ‘મહાત્મા અને માણસ’ વાર્તા લખી. બ્રોકરને તો એ ગમી જ, પણ પછીથી આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ એ વાર્તા લેવાઈ. લખવા માટેનું નિમિત્ત ભલે ગમે તે હોય, ધીરુબહેન બહુ સહજતાથી પ્રોફેશનલ રાઈટિંગ અને કમર્શિયલ રાઈટિંગ વચ્ચેની ભેદરેખા સભાનતાથી જાળવે.
ધીરુબહેન ઓપન રહી શક્યાં છે કારણ બીજાને શું લાગશે, બીજા શું કહેશે એની પરવા ધીરુબહેને કરી નથી. એ માટેનો ઈશારો માતા ગંગાબહેન તરફથી પ્રમાણમાં વહેલો મળી ગયો હતો. ‘વડવાનલ’ નવલકથાનું એક એક પ્રકરણ દર અઠવાડિયે લખાતું અને છપાતું. ત્રીજા પ્રકરણ વખતે ધીરુબહેનને વિચારમાં ડૂબેલાં જોઇને બાએ પૂછ્યું: “શું થયું છે?” ધીરુબહેન કહે: “બા, લોકો મને એવું પૂછે છે કે આ તમારો અનુભવ છે? તમારાં બા તરફથી તમારી અવગણના થયેલી? મને ચિંતા થાય છે કે હવે હું શું કરું? કારણ કે હજી તો કાંઈ નથી, આગળ ઉપર તો ઘણું ઘણું થવાનું છે. પછી લોકો શું કહેશે?” બાએ ફક્ત એટલું જ કહ્યું: “લોકોની દરકાર કરે તેનાથી લેખક થવાય?” બાએ જે ‘લોકો’ની વાત કરી હતી, તેમાં વિવેચકોનો સમાવેશ પણ થઇ જાય. લોકપ્રિયતાની સૂગ નહિ, પણ તેને શરણે જવાનું નહિ. વિવેચન અને વિવેચકો માટે અનાદર નહિ, પણ બાબા વાક્યમ્ પ્રમાણમ્ એમ માનવાનું નહિ.
પહેલાં બે પુસ્તક, વાર્તાસંગ્રહ ‘અધૂરો કોલ’ અને નાટ્યસંગ્રહ ‘પહેલું ઇનામ’ ૧૯૫૫માં પ્રગટ થયાં. ત્યારે ધીરુબહેનની ઉંમર ૨૯ વર્ષની. આજે ઉંમરના આંકડા અરસપરસ બદલાઈ ગયા છે. પણ ધીરુબહેનની કલમ હજી સતત ચાલતી રહી છે, તાજગી અને નજાકત ગુમાવ્યા વગર. બાળપણમાં પુસ્તકો વાંચવા માટે ધીરુબહેન પાસે એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ મહેલ હતા. હંસરાજ વાડીમાંનું મોટું વડનું ઝાડ તે પહેલા નંબરનો મહેલ. દક્ષિણ દિશાએ આવેલી ઘટાદાર આમલી તે બીજા નંબરનો મહેલ. અને ઘરને અડીને આવેલી નાની ચિકૂડી તે ત્રીજા નંબરનો મહેલ. નિશાળેથી આવીને, એકાદ પુસ્તક લઈને ત્રણમાંથી એક મહેલમાં જતા રહેવાનું. લેખક ધીરુબહેને તેમના વાચકો માટે પણ ત્રણ મહેલનું સર્જન કર્યું છે. દરેક મહેલ ત્રણ-ત્રણ માળનો. પહેલો મહેલ તે ફિક્શનનો મહેલ. તેના ત્રણ માળ તે નવલકથા, લઘુનવલ, અને વાર્તા. બીજો મહેલ તે ડ્રામેટિકનો મહેલ. તેના ત્રણ માળ તે ત્રિઅંકી નાટક, એકાંકી, અને રેડિયો-ટેલિવિઝન-ફિલ્મ માટે લખેલી સંહિતા કહેતાં સ્ક્રીપ્ટનો. બાળપણમાં ‘નાની ધીરુ’ ‘મોટી ધીરુ’ને નિયમિત રીતે પત્રો લખતી. એક પત્રમાં લખેલું: “વચન આપ કે તું ભૂલી નહિ જાય કે વાંચવાની સારી ચોપડી ન મળે ત્યારે કેવું દુ:ખ પડે છે. નાનાં છોકરાંઓ માટે તો જરૂર જરૂર લખજે.” ‘મોટી ધીરુ’ આ વાત ક્યારે ય ભૂલી નથી. એટલે તેણે રચ્યો બાળકો માટેનાં પુસ્તકોનો ત્રીજો મહેલ. તેના ત્રણ માળ તે બાળકો માટેનાં કાવ્યો, કથાઓ, અને નાટકો.
જેને નિમિત્તે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો તે ‘આગંતુક’નું પહેલું પ્રકરણ શરૂ થાય તે પહેલાં ધીરુબહેને એક વાક્ય મૂક્યું છે: “રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત.” ધીરુબહેનનો શબ્દ જ નહિ, તેમનું વ્યક્તિત્ત્વ પણ આ પંખી જેવું છે. આ જીવન અને જગતની મહેફિલને તેઓ એક પલકારામાં આંખમાં ભરી લે છે, પણ તેમાં અટવાતાં નથી. પોતાની સર્જકતાની પાંખો ફેલાવી આગળ નીકળી જાય છે, બહારના જ નહીં, વાચકની અંદરના પણ અંધકારને થોડો ઉજાળવા માટે. કોઈ પણ સર્જકનો શબ્દ આટલું કરી શકે તો તેનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે?*
___________________________________________________________
*૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ મુંબઈમાં ‘લેખિની’ સંસ્થા અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ તરફથી યોજાયેલ “એક સવાર ધીરુબહેન પટેલ સાથે” કાર્યક્રમમાં રજૂ કરેલું વક્તવ્ય.
e.mail : deepakbmehta@gmail.com
[પ્રગટ: ‘બુદ્ધિપ્રકાશ’ માર્ચ ૨૦૧૮]
![]()

