સમાજ એક જળપ્રવાહ તરીકે શાંત, સ્થિર અને ક્યારેક સ્થગિત પણ જણાય છે. મધ્ય યુગમાં સમાજની આ પ્રકારની સ્થગિતતા વધારે સ્પષ્ટ હતી. લાંબાં વર્ષો સુધી કશું જ બદલાતું નહોતું. તેથી જ કહેવાતુંઃ ‘કાલો ન યાતો વયમેવ યાતા’. ગામના બ્રાહ્મણો એ જ જનોઈ-શિખાધારી હતા. રજપૂતો એ જ કહુંબે-પાણીમાં મસ્ત હતા, દલિતો અને સ્ત્રીઓ એ જ જૂના-પુરાણા ખયાલાતના પીડિત હતાં. દરિદ્રતા, નિર્માલ્યપણું, અંધશ્રદ્ધા, વહેમ, ઇર્ષા, કાવાદાવા, વગેરેની બોલબાલા વર્ષો સુધી બેરોકટોક અને બેખોફ ચાલતી જ રહી. ભારતમાં આવી જડબેસલાક જ્ઞાતિપ્રથા હતી તો યુરોપમાં આવા જ સામંતી વિચારોનું એક જુદું રૂપ હતું. રાજાની નસોમાં ‘ભૂરું લોહી’ વહે છે; રાજા અવધ્ય છે, વગેરે જેવા વિચારોની બોલબાલા હતી. દરેકને સમાજમાં મળતું સ્થાન જન્મજાત જ હોઈ શકે તેવી દૃઢ ભાવના હતી. ભારતમાં પુરાણોમાં વર્ણવેલાં પાત્રો પૈકી કર્ણ (મહાભારત) અને ધ્રુવ(ભાગવત)ના ઉલ્લેખો દ્વારા આ જન્મજાત પરિસ્થિતિ ઉજાગર થાય છે. દા.ત. કર્ણ આ સ્થિતિથી અકળાઈને બોલી ઊઠે છે, ‘દૈવાયત્તં કુલે જન્મઃ, મદાયત્તં તુ પૌરુષમ્.’ જન્મનું કળ તો ‘દૈવ’ અધીન છે પરંતુ પુરુષાર્થ તો મારો જ ને! અને ધ્રુવ પણ લાંબી ‘તપસ્યા’ પછી પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મેળવી શક્યો હતો.
સમાજ, તેનો અભિગમ, સત્તાના સ્થાન વગેરે બાબતો આવા સમાજોમાં સ્થગિત રહેતી અને વંશ-પરંપરામાં અવિચ્છિન્ન અને અનાવરોધ રીતે ચાલતી રહેતી ચુસ્તતામાં રૂઢિ સર્વોપરિ રહેતી. રૂઢિની પાછળ કોઈ તર્ક છે કે કેમ તે જાણવાની જે તે સમાજને જરૂર જણાતી નહીં. અખાએ છસો વર્ષ પહેલાં કહેલું તેમ, ‘અમારે આટલા અંધારે ગયા …’
આમ છતાં, કોઈ પણ સમાજ કાયમ માટે બંધિયાર રહી શક્યો નથી. મનુષ્ય ચેતનાએ આવું બંધિયારપણું કબૂલ્યું જ નથી. અમેરિકાનો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે ભારતમાં આઝાદીની લડતની લગોલગ ચાલેલી સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય પ્રક્રિયાઓએ સ્પષ્ટ કર્યું છે કે સમાજનો નાતો પરિવર્તનશીલતા સાથે છે; રૂઢિચુસ્તતા જાણે કે એક પ્રકારની મૂર્છા હોય અને સમાજ કળ વળતાં, જાગીને પાછો દોડી પડતો હોય તેવી ઘણી ઘટનાઓ સતત બનતી રહી છે. સમાજનાં શાંત જણાતાં જળની નીચે પરિવર્તનના પ્રવાહો વણથંભ્યા વહેતા રહે છે.
આઝાદી કાળના થોડાક આવા પ્રવાહોની ભાળ મેળવીએ તો સમાજના ઠહરાવની સામે બદલાવનો પરિપ્રેક્ષ્ય ઊભરી આવે છે. ભારતમાં ‘બોમ્બે’, ‘મદ્રાસ’ અને ‘કલકત્તા’ યુનિવર્સિટીઓ સ્થપાઈ અને જે વૈચારિક નવીનતાનો સ્પર્શ સાંપડ્યો તેમાં નર્મદ-રાનડે જેવા સ્ત્રીઓના વિધવા-વિવાહના હામીઓ સાંપડ્યા. કરસનદાસ મૂળજીનો ‘મહારાજ લાયબલ કેસ, તો છેક પ્રીવી કાઉન્સિલ સુધી પહોંચ્યો. આશ્ચર્ય કે તાજ્જુબની વાત છે કે આ કેસ થતાં સુધી સમાજને ‘મહારાજો’ની લંપટવૃત્તિમાં કશું અજુગતું લાગતું પણ ન હતું. જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેથી આગળ ચાલતાં છેક ડૉ. ભીમરાવ આંબેડકર સુધીની સામાજિક તિરસ્કારની ભૂમિકા સામેના એક પ્રતીતિકર બુલંદ અવાજની મજલ પણ નોંધપાત્ર છે.
મુસલમાન-મોગલ શાસનની સામે, આજથી લગભગ છ સૈકા પહેલાં સંત પરંપરા પણ પ્રગટેલી. તુલસીદાસ, નાનક, તુકારામ, જ્ઞાનદેવ, કબીર અને કાળક્રમે નરસિંહ, મીરાં વગેરે સંતોએ સમાજની ધરોહર જાળવી રાખીને પરિવર્તનો આણ્યાં.
આ બધામાં વૈચારિક વિમર્શની દુનિયા કેવી રીતે બંધાઈ કે ઘડાઈ તે વિચારવાનું થાય છે. કરોડો દલિતો છે, છતાં દલિતોમાંથી કોઈ સબળ અને સમગ્ર સમાજમાં ક્રાંતિની હલચલ પેદા કરી શકે તેવું, વૈચારિક કે કાર્મિક નેતૃત્વ પ્રગટતું નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકર સામાજિક ક્રાંતિની સર્વગ્રાહિતાના નાયક રૂપે પ્રગટ્યા. તે જ સમયની સામાજિક પરિવર્તનની ઉચિત અને ઉત્તમ કામગીરી ગાંધીવિચારમાંથી પણ પ્રગટી. આવા પ્રકારની વૈચારિકતામાં સામાજિક ન્યાયના તત્ત્વનું ખેડાણ અને સંવર્ધન થયું. પંડિત નેહરુએ તેને વૈજ્ઞાનિક વિચારોનો દાયરો આપ્યો.
જો કે, ભારતીય સમાજમાં આ અને આવાં પરિવર્તનો આવતાં અને ઝીલાતાં રહ્યાં ખરાં પરંતુ તે માર્ક્સવાદી દેશોની જેમ સર્વગ્રાહી ન હતાં. ડૉ. આંબેડકરની સાથોસાથ જ, એ જ પ્રાદેશિક સમાજોમાં બ્રાહ્મણવાદ, મનુવાદ અને અસહિષ્ણુતા ભરી પડી હતી. પશ્ચિમના દેશોમાં પ્રગટેલા આધુનિકતાવાદ, સુધારાવાદ અને નવજાગૃતિના પ્રવાહોના મુકાબલે સામ્યવાદી વિશ્વ કે ભારત-પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે એશિયાના દેશોમાં આધુનિકતાની બાબતે સમાજોમાં આજે પણ વિમાસણ જ પ્રવર્તે છે.1
આ પ્રકારની વૈચારિક અસ્થિરતા તેમ જ અસ્પષ્ટતાને લીધે રોકેટ છોડતાં પહેલાં નાળિયેર વધેરવાના, વરસાદ ન આવે તો યજ્ઞ કરવાનો, સરકારી મકાનના બાંધકામમાં સરકારના ઉચ્ચ અધિકારી કે વ્યક્તિ દ્વારા ‘શિલાન્યાસ’ કરવાનો સિલસિલો ચાલતો રહે છે.
પશ્ચિમના દેશોમાં વૈચારિક ક્રાંતિ માટે મુખ્યત્વે ચાર વ્યક્તિઓ તરફ ધ્યાન જાય છે. કોપરનિકસ, ગેલીલિયો, ન્યૂટન અને ડાર્વિન. આ ચાર જણાએ મળીને પૃથ્વીને ચોરસમાંથી ગોળ કરી નાખી અને સૂર્યની ચારે તરફ ઘૂમતી કરી દીધી. સફરજનના ફળને ચાખનારા આદમ અને ઈવ પછી ન્યૂટન પણ પ્રગટ્યા જેણે ગુરુત્વાકર્ષણ અને કલન ગણિતના સિદ્ધાંતો આપ્યા. ડાર્વિને ગલાપાગોસમાં આચરાયેલી જીવલીલાની શ્રૃંખલાઓના અંકોડા મેળવ્યા અને ઉત્ક્રાંતિનો વિચાર આપ્યો. આ બધું જ પશ્ચિમમાં બન્યું. સમગ્ર સમાજોએ આ જ્ઞાન-વિજ્ઞાન ઝીલ્યાં અને તે પછીના સામાજિક ક્ષેત્રના પ્રવાહો ઘણા પલટાયા. રાજાશાહીનું ‘ભુરું લોહી’ હવે સામાન્ય જનની જેમ જ લાલ બન્યું. ઔદ્યોગિક ક્રાંતિની ચાર-ચાર આવૃત્તિઓ થઈ. તબીબી ક્ષેત્રે હૃદય, લિવર જેવાં અંગોનો પ્રત્યારોપણથી માંડી કેન્સરના તમામ પ્રકારોની સારવાર શક્ય બની. ભારત જેવા દેશોમાં લગભગ સૈકા પહેલાં મેલેરિયા અને ફ્લ્યુથી લાખો લોકોનાં મોત થતાં ત્યાં હવે ક્ષયરોગ પણ રાજરોગ રહ્યો નથી.
આવું ઘણું બધું બન્યું; આવા તમામ આવિષ્કારો અને સાથોસાથ નીપજતી જતી સમાજ રચનાના લઘુતમ સાધારણ અવયવ કયા? આ બધાને સ્પર્શે તેવા કોમન ડિનોમિનેટર કયા? આધુનિકતા તથા અનુઆધુનિકતાનાં વિચારબીજ આ પ્રકારની ભૂમિકામાં શોધવા રહ્યાં.
આધુનિકતાનાં સમગ્ર વિમર્શને જો માત્ર બે જ શબ્દોમાં સમાવવાનો, જરાક વધુ પડતા સાહસ અને ઉત્સાહથી ભરેલો ઉદ્યમ કરીએ તો તે બે શબ્દો છેઃ તાર્કિકતા અને માનવતા. આ બંને બાબતો હંમેશાં એક સમાન વજૂદથી અમલી બને કે વિચારાય તેવું ન પણ બને. ક્યારેક તાર્કિકતા વધી જાય અને માનવતા ઉપરનો ભાર હળવો રહે અને ક્યારેક તેથી ઊલટું, માનવતા પાંગરે પણ તાર્કિકતા અટકી જાય તેવું પણ બની શકે. સમાજોમાં વિવિધ સમયે આવાં વલણો દેખાતાં રહ્યાં છે. આ બાબતે બેએક દાખલા જોઈએ.
૧લી નવેમ્બર, ૧૭૫૫ના દિવસે પોર્ટુગલના શહેર લિસ્બનમાં ધરતીકંપ થયો. તે વખતે ખ્રિસ્તી પાદરી(જ્હોન વેસ્લી-૧૭૦૩-૯૧)એ કહ્યું હતું કે આ ધરતીકંપ, સમાજ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય તરફ અસહિષ્ણુ હોવાથી ઈશ્વરની નાખુશીના ફળ રૂપે આવ્યો હતો. યુરોપમાં સર્જાયેલા જ્ઞાન-પ્રકાશ યુગ(એજ ઓફ એન્લાઈટનમેન્ટ)ના ભાગ રૂપે માર્ટિન લ્યુથર પણ હતા. માર્ટિન લ્યુથરે પ્રોટેસ્ટંટ સંપ્રદાયની સ્થાપના કરેલી. છતાં લ્યુથરનું આ વિધાન નોંધપાત્ર છે; તે કહે છે, ‘Kill reason and believe in God.’ તેમણે એરિસ્ટોટલ દ્વારા શરૂ કરાયેલી ગ્રીક તર્કજ્ઞાનની પદ્ધતિનો નાશ કરવાનું કહેલું. ૧૫૪૪ના અરસામાં તેમણે ખ્રિસ્તી ધર્મને જ ધર્મ ગણેલો અને યહૂદી ધર્મના લોકોને ખ્રિસ્તી બનાવવા જોઈએ એમ કહેલું. યહૂદીઓ અંગેની આ માનસિકતા હિટલરમાં આગળ ચાલી.
બીજી તરફ લિસ્બનના ધરતીકંપને સ્પિનોઝાએ કુદરતી ઘટના ગણાવેલી જ્યારે કાન્તે તેને કુદરતી અને ઈશ્વરી ગણાવેલી.
ભારતના બિહાર રાજ્યમાં પણ જાન્યુઆરી ૧૯૩૪માં ધરતીકંપ આવેલો. આ ધરતીકંપ બાબતે ગાંધીજી અને ટાગોરના વિચારો સામસામે હતા. ગાંધીજીએ આ ધરતીકંપને સવર્ણો દ્વારા દલિતો પ્રતિ આચરાતી ક્રૂરતા સામેના ઈશ્વરના અસંતોષનું કારણ ગણાવેલું. સમાજમાં દલિતો પ્રતિ જે શોષણ અને અત્યાચાર પ્રવર્તે છે તેની સામે સજારૂપે આ ધરતીકંપને ભગવાને મોકલ્યો છે તેમ ગાંધીજીએ કહ્યું.
તાર્કિક અને આધુનિકતાની દૃષ્ટિએ જોવા જતાં આવાં વિધાનો કોઈને હાસ્યાસ્પદ પણ લાગે. આ વિધાનોમાં માનવતા વધુ અને તાર્કિકતા ઓછી હોવાથી તે આધુનિકતાની કસોટીએ પાંગળા પુરવાર થાય છે.
ટાગોર-ગાંધી મતભેદમાં માત્ર બિહારના ધરતીકંપ અંગેનું વલણ એકમાત્ર બાબત ન હતી. ટાગોરને ગાંધીજીના અસહકાર, ચરખા પ્રવૃત્તિ વગેરે સાથે પણ મતભેદો હતા.2 પરાંજપે આ બાબતની ગાંધી-ટાગોરની રેશનાલિટીના સંદર્ભે જુએ છે. ગાંધી તર્કહીન ન હતા પણ તેમની પાસે તેમનો આગવો તર્ક હતો. ટાગોર કે ગાંધી બેમાંથી કોઈ પણ વિજ્ઞાની ન હતા, છતાં બંનેને જનસમાજ અને તેની વેદનાની ઊંડી નિસ્બત જરૂર હતી. ગાંધી આવી નિસ્બતથી એક વિરાટ દર્શનની ભૂમિકાએથી ‘સર્વ ભૂત હિતે રતાઃ’ની સમજ સાથે બિહારના ધરતીકંપને જુએ છે.
આ મુદ્દા વિચાર માંગી લે છે અને તેમાં વૈજ્ઞાનિક અભિગમ તથા માણસાઈની ચકાસણી તથા આધુનિકતાના ખ્યાલની છણાવટ થઈ શકે છે. બીજી તરફ આજનો ભારતનો કે ગુજરાતનો સમાજ લક્ષમાં લઈએ તો આધુનિકતા અને વૈજ્ઞાનિક સમજની બાબતમાં ચિંતા પ્રગટે છે. ઊનાનો બનાવ, મહંમદ અલ્તાખની હત્યા, રોહિત વેમુલાની આત્મહત્યાને આ સંદર્ભે જોઈ શકાય. ભારતીય બંધારણની કલમ ૫૧(એ)(એચ) આપણને વૈજ્ઞાનિક અભિગમ પાળવા સૂચવે છે. દેશભરમાં માનવ-માનવ વચ્ચે સમાનતા હોવાનું કહેવાય છે. છતાં હિંદુ-મુસ્લિમ સ્ત્રીઓના ‘તલ્લાક’ અને છૂટાછેડા બાબતે કાયદા અલગ અલગ છે. સમાજ હજુ પુરુષપ્રધાન છે. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે આ દેશ ઉપર સવર્ણ, શહેરી અને સુખી પુરુષોનું જ રાજ છે. આ સઘળાં સારું ભણેલાં છે. તેમના શિક્ષણમાં વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભાષાઓ વગેરે વિષયો આવરી લેવાયા છે. આમ છતાં લગભગ ત્રણેક દાયકા અગાઉ એક વાત ચાલી કે ‘ગણપતિની મૂર્તિ દૂધ પીએ છે.’ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ વસતા સવર્ણ હિન્દુ પુરુષોએ આ વાતને સાચી માની અને મૂર્તિ દૂધ પીએ જ છે એમ કહેવાયું! શિક્ષણની નિષ્ફળતા અને અંધશ્રદ્ધાનો આવો જોટો દુનિયામાં મળવો મુશ્કેલ છે!
તો પછી આ ભારતનો કે ગુજરાતનો સમાજ આધુનિક ખરો? તેને આધુનિક નહીં તો કેવો ગણાશે તે એક વિચારપાત્ર મુદ્દો બને છે.
આધુનિકતાનો પ્રારંભ લગભગ ૧૯મી સદીમાં થયો. રેશનલ વિચાર અને જીવનમાં વિજ્ઞાનનો વિનિયોગ એ તેનાં પ્રમુખ લક્ષણો છે. આ વિચારણામાં એક સમગ્રલક્ષી, અવિકારી અને સાર્વત્રિક સત્યની કલ્પના કરવામાં આવી છે.
પણ અનુઆધુનિકતા આવા કોઈ સત્યના અસ્તિત્વને સ્વીકારતી નથી. અનુઆધુનિકતા પ્રારંભે વીસમી સદીના બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલો ખ્યાલ છે. યુદ્ધની ભયાનકતા અને તેમાં ય હિટલર-મુસોલિની જેવાની બર્બરતાના પ્રભાવે કરીને, આ વિમર્શમાં ઇરરેશનલનું પ્રાધાન્ય છે. જગત રૂડું, રૂપાળું, તર્કસંગત, વૈજ્ઞાનિક આયામધારી હોય જ એવું આ વિમર્શ સ્વીકારતું નથી. અનુઆધુનિકતાનો વિમર્શ ખાતરીપૂર્વકતાનો જ અસ્વીકાર કરે છે. ઘરમાં સ્વીચ પાડીએ એટલે લાઈટ થાય જ એવું ન પણ બને. કદાચ સ્વીચ બળી જાય! આ સંદર્ભમાં તે ‘કર્તુમ્, અકર્તુમ્ અને અન્યથા કર્તુમ્’ની ભૂમિકા ધરાવે છે. આ માટે સમાજજીવનના દાખલા વધુ ઉપર્યુક્ત છે. માતા-પિતા પોતાનાં બાળકોના વિકાસ માટે એડીચોટીનું જોર મારી દે પણ બાળક સરખું ભણે પણ ખરું અને ન પણ ભણે. મોટા થયા પછી માતા-પિતાનો ખ્યાલ રાખે પણ ખરું અને ન પણ રાખે. એટલું જ નહીં, સમાજે જેનું ખાસ કશું ભલું ન કર્યું હોય તેવી સાવ અજાણી વ્યક્તિ મદદરૂપ બને પણ ખરી. આંબો વાવો તો આંબો જ ઊગે તે ‘કર્તુમ્’. આંબો વાવો પણ ન ઊગે અથવા વાવ્યો ન હોય છતાં ઊગે, તે ‘અકર્તુમ્’ અને આંબો વાવો પણ બાવળ ઊગે તે ‘અન્યથા કર્તુમ્’.
આ પ્રકારના અનુઆધુનિકતાવાદના વિમર્શમાં જોખમો અને ભયસ્થાનોની ભરમાર છે. આ વિમર્શ સીધેસીધો જ કર્મની ફિલસૂફી સાથે જોડાઈ જાય છે. માતા-પિતાની ભારે જહેમત છતાં બાળકો તેમનાથી વિમુખ થઈ જાય ત્યારે ‘કર્તુમ્, અકર્તુમ્ – અન્યથા કર્તુમ્’ ન્યાયે કરીને કર્મનો સિદ્ધાંત અને જ્યોતિષ જેવા ખ્યાલો જ બળવત્તર બને છે. આધુનિકતા વિચારોની વૈજ્ઞાનિક કસોટી સત્યાન્વેષણનો ઝોક ધરાવે છે. જ્યારે અનુઆધુનિકતા ગણપતિને દૂધ પીવડાવવાનો, સાંઈબાબાને કરોડોની કિંમતના મુગટ અને સિંહાસન ધરાવવાનો, જે તે સંપ્રદાયનાં મંદિરો કે ધર્મોનાં મંદિરોનો મહિમા કરે છે. ગાંધીજીએ બિહારના ધરતીકંપની પાછળ દલિતો તરફની સવર્ણોની હીણપતભરી વર્તણૂકનો વિચાર રજૂ કર્યો તે લિસ્બનના ધરતીકંપની સમજૂતી (!) કરતાં ખાસ જુદો ન હતો. લિસ્બનમાં પ્રોટેસ્ટન્ટ લોકો અને બિહારમાં દલિતો ધરતીકંપને કારણે મર્યા નહીં હોય? પાંડવો લાક્ષાગૃહમાંથી બચી ગયા તેમ તે લોકોને ઈશ્વરે બચાવી કેમ ન લીધા? ખરેખર તો પ્રોટેસ્ટન્ટ પાદરીઓ અને ગાંધીજીએ આ સવાલ ઈશ્વરને જ પૂછવા જેવો હતો.
આમ છતાં, અનુઆધુનિકતાને એક વિમર્શરૂપે જોવામાં આવે છે. આ બે વચ્ચે એક સમાધાન કરવામાં આવ્યું છે. શુદ્ધ વિજ્ઞાનોમાં આધુનિક પણ સમાજ વિજ્ઞાનો કે શાસ્ત્રોમાં અનુઆધુનિકતા.
અનુઆધુનિકતાનો વિમર્શ માત્ર વહેમપ્રેરક કે ચમત્કાર અને અંધશ્રદ્ધા વિકસાવનાર છે તેવું પણ નથી. તર્કવિચારનો આધાર તથ્ય શોધન હોય છે. તે રીતે અનુઆધુનિક વિમર્શ સતત ‘શા માટે’નો સવાલ ઉઠાવી શકે. આધુનિકતામાં ‘કેવી રીતે’ સવાલ અગત્યનો બને અને અનુઆધુનિકતામાં ‘શા માટે’ પૂછાતું રહે તો સમાજમાં ઘણા અગત્યના પ્રભાવો પડી શકે.
[મ.ઠા.બા. (M.T.B.) આર્ટ્સ કોલેજ, તથા સત્યશોધક સભા, સુરતના સંયુક્ત ઉપક્રમે તા. 11-1-2018ના રોજ યોજાયેલ કાર્યશિબિરમાં આપેલું વક્તવ્ય.]
1. ક્યારેક કોઈક ‘વેલૅન્ટાઈન્સ ડે’ની ઉજવણી કે છોકરીઓ ટૂંકા શર્ટ, ટી શર્ટ જે જીન્સ પહેરે તેને જ આધુનિક ગણે છે. આ બધું ‘પશ્ચિમની ભોગવાદી સંસ્કૃિતની’ દેન છે એમ પણ કહેવાય છે. આવા વિચારો પરંપરાગત, રૂઢિવાદી કે પુરુષપ્રધાન માનસિકતાની નીપજ છે; આધુનિક નથી.
2. મકરન્દ આર. પરંજપે, ‘નેચરલ સુપરનેચરાલિઝમ’, ધ ટાગોર-ઘાંધી ડિબેટ ઓન ધ ભિહાર અર્થકદવેક, જર્નલ અૉફ હિન્દુ સ્ટીડીઝ, જુલાઈ – 2011.
સૌજન્ય : ‘સંપાદક’, “અભિદૃષ્ટિ”, અંક – 124; વર્ષ – 12; માર્ચ 218; પૃ. 02-05
![]()




તેમના એક પુત્ર દિવંગત વિનોદ મેઘાણી ‘માણસાઈના દીવા’ અને ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ઉપરાંત ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એકત્રીસ વાર્તાઓને અંગ્રેજીમાં લઈ ગયા છે. વિનોદભાઈના અમેરિકામાં રહેતા સગા નાના ભાઈ અશોક મેઘાણીએ જીવનકથા ‘સંત દેવીદાસ’ અને નવલકથા ‘વેવિશાળ’નો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. તે પછી ‘દાદાજીની વાતો’ની તમામ પાંચ અને ‘રંગ છે બારોટ’ની દસમાંથી ચૂંટેલી પાંચ લોકવાર્તાઓનો અશોકભાઈનો અનુવાદ Folk Tales From the Bard’s Mouth પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પ્રકાશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય
કેન્દ્ર અને દિલ્હીના ડી.કે. પ્રિન્ટવર્લ્ડે 2016 માં કર્યું છે. અહીં મેઘાણીભાઈએ જેને ‘નાના દોસ્તો’ માટેની 'રૂપકકથાઓ અથવા પરીકથાઓ’ તરીકે પણ ઓળખાવી છે તે અદ્દભુત રસથી છલકાતી વાર્તાઓ મળે છે. મૌખિક પરંપરાની આ કથાઓ તેમણે જેમની પાસેથી સાંભળી તે કથાકારોની માહિતી ‘લોકસાહિત્યની નવી દુનિયા’ મથાળાવાળા પ્રવેશકમાં આપી છે. આ પ્રવેશક પોતાની રીતે એક લાંબો અભ્યાસલેખ છે એટલે અનુવાદક તેને Treatise તરીકે મૂકે છે. ‘રંગ છે બારોટ’નું આવું જ ટ્રિટાઇઝ બાવીસ પાનાંનું છે. તેમાં લોકવિદ્યાવિદ મેઘાણીએ લોકવાર્તાના સ્વરૂપનું અને ‘મોટિફ’નું (એટલે કે વારંવાર આવતાં વિષયો તેમ જ નુસખાઓનું) વિશ્લેષણ કર્યું છે. દેશવિદેશની લોકકથાઓની તુલનાત્મક સમીક્ષા કરી છે. અનુવાદકની નોંધમાં પંચોતેર વર્ષના અશોકભાઈ કહે છે કે આ પ્રવેશકો લખવાંનું કામ, સંદર્ભ સામગ્રીની દુર્લભતાના એ જમાનામાં, મેઘાણી માટે વાર્તાઓ એકઠી કરવા કરતાં ય વધુ પડકારરૂપ હશે; જ્યારે તેમણે પોતે ઇન્ટરનેટ પરથી ઘણી સામગ્રી મેળવી છે ! નોંધના ત્રીજા જ ફકરામાં તે નિખાલસતાથી કહે છે કે બાળકો માટેની આ વાર્તાઓમાં ‘હિંસકતા અને અફીણના સેવન તરફનો સહજતાનો ભાવ વાંધાજનક બાબતો ગણાઈ શકે’. કંઠસ્થ સાહિત્યની આ વાર્તાઓ અંગ્રેજીમાં લઈ જવી દેખીતી રીતે અશક્ય લાગે. ‘વાલીયા ગાબુના વાડાની બજર / અછોટિયા વાડનો ગળ / મછુની કાંકરી /અને ઊંડું પાણી’ – આ પંક્તિઓ અંગ્રેજીમાં કેમ મૂકાય ? અને આવા શબ્દપ્રયોગો તો ડગલે ને પગલે આવે છે.
સૌ
રાષ્ટ્રના લોકસંતોની કથાઓનાં પુસ્તકોમાંથી ‘સંત દેવીદાસ’ના અશોકભાઈએ એ જ નામે કરેલા અનુવાદ(પ્રસાર પ્રકાશન, 2000)નું પેટાશીર્ષક છે The Story of a Saintly Life સમાજકથા ‘વેવિશાળ’ અંગ્રેજી વાચકને The Promised Hand (સાહિત્ય અકાદમી, 2002) નામે મળે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ જ નવલકથાનો ફ્રેન્ચ અનુવાદ Fiancailles ((ફિયાંસાઈ) નામે 2004માં પેરિસથી બહાર પડ્યો છે. અત્યારે એંશી વટાવી ચૂકેલા તેના અનુવાદક મોઇઝ રસીવાલા ઍસ્ટ્રોફિઝિક્સના સંશોધક છે અને અરધી સદીથી પેરિસમાં વસે છે.


‘રસધાર’ની વાર્તાઓના અનુવાદક વિનોદ મેઘાણી (1935-2009) મળતા મળે એવા માણસ હતા. તેમના જીવન અને વ્યક્તિત્વમાં, તેમ જ અનુવાદ અને સંપાદનનાં તેમણે કરેલા વ્યાપક કામમાં ‘વિરલ’ વિશેષણની સાર્થકતા સચવાઈ રહે છે. તેમણે ‘રસધાર’ની વાર્તાઓને ત્રણ પુસ્તકોમાં મૂકી છે : A Noble Heritage, The Shade Crimson, A Ruby Shattered (ભારતીય વિદ્યાભવન, મુંબઈ, 2003). પહેલાંમાં તેર વાર્તાઓ છે. અનુવાદકની નોંધ જણાવે છે કે ‘મૂલ્યનિષ્ઠ સાદગી અને ધીંગું કથાતત્ત્વ’ ધરાવતી આ વાર્તાઓ ‘બધાં વયજૂથના વાચકોને’ રસ પડે તેવી છે. તેમાં ‘જટો હલકારો’ (Jatashankar, the Village Courier) ‘દુશ્મનોની ખાનદાની’ (Magnanimous Foes), ‘તેગે અને દેગે’ (The Intrepid) જેવી વાર્તાઓ છે. બીજા સંગ્રહ ‘ધ્ શેડ ક્રિમ્ઝન’માં ‘થોડીક મોટી ઉંમરના વાચકો’ માટેની વાર્તાઓ છે. જેમ કે, ‘બહારવટિયો’ (An Outlaw), ‘ઓળિપો’ (Redemption), ‘ભીમો ગરણિયો’ (Tall as a Palm Tree), ‘અણનમ માથાં’ (The Indomitable Twelve), ‘કાનિયો ઝાંપડો’ (The Bearer of Burden). આ સંગ્રહમાં ‘ચમારને બોલે’ વાર્તાનો A Word of Honour નામનો અનુવાદ છે. તે ભારતીય સાહિત્યની વાર્તાઓના અનુવાદની ‘કથા’ નામની પુસ્તક શ્રેણીના ‘કથા પ્રાઇઝ સ્ટોરિઝ વોલ્યૂમ’ (2000)માં સ્થાન પામ્યો છે. ‘કથા’નું એ વર્ષ માટેનું મૌખિક પરંપરાના વિભાગનું પારિતોષિક મૂળ વાર્તાકારને, અનુવાદ માટેનું પારિતોષિક વિનોદભાઈને અને કથનશૈલી માટેનું પારિતોષિક કથાકાર પૂંજા વાળાને મળ્યું હતું.
