સૂરપ્રવાસીના સપ્તરંગ

‘સુગમ સંગીત સમ્રાટ’ જેવું યથાયોગ્ય છતાં ભારે ભરખમ બિરુદ જેમને સંગીતપ્રેમી ચાહકો તરફથી મળ્યું છે એ સૂરોત્તમ પુરુષોત્તમને મળો તો બિલકુલ હળવા થઈ જાઓ.
એક સાંજે એમને મળવાનું નક્કી કર્યું છે, એવરેસ્ટ પર. ચોંકી ના જતા. એવરેસ્ટ એમના પૅડર રોડ પરના બિલ્ડિંગનું નામ છે. જુદા જુદા પ્રસંગોએ પુરુષોત્તમભાઈને અનેક વાર મળવાનું થયું છે, એમની મુલાકાતો પણ જુદી જુદી રીતે, જુદા જુદા સ્થાને છપાઈ હશે. આજે એમાંનું કશું રીપિટ નથી કરવું.
પુરુષોત્તમભાઈ મૂળ ઉત્તરસંડાના અને ઉત્તરસંડાથી ‘એવરેસ્ટ’ સુધીનાં શિખરો એમણે કેવી રીતે સર કર્યાં એ તમને ખબર છે. ગુજરાતી કવિતા-સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ તેમના સુગમ સંગીતના પ્રદાનને ઊજળું બનાવે એટલો ગાઢ છે. તેમણે કવિ કરતાં કાવ્યરચનાને પ્રાધાન્ય આપીને અદ્ભુત ગીતો કમ્પોઝ કર્યાં છે એ તેમ જ રંગભૂમિ પુરુષોત્તમભાઈની જન્મભૂમિ રહી છે એ પણ સૌ જાણે છે. એટલે આજે થોડી નોખી વાતો કરીશું.
સૌ પ્રથમ જોયેલી ફિલ્મ ‘રામ રાજ્ય’ની ઊંડી અસર એમના પર હતી. એનું એક ગીત રાગ ભીમપલાસીમાં હતું, બીના મધુર મધુર કછુ બોલ. બરાબર પાકું કરી નાંખ્યું હતું એમણે. એ વખતે એમની ઉંમર છ વર્ષની. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે એ સાંભળ્યું અને તેમણે એ જ ટ્યુન પર એક ગીત રચ્યું, સાધુ ચરણકમલ ચિત્ત જોડ. આર્ય નૈતિક સમાજના નાટકમાં એ ગીત પુરુષોત્તમભાઈ માત્ર છ વર્ષની વયે ગાયું ને ૧૭ વન્સમોર મળ્યા હતા. ત્યારથી પુરુષોત્તમ, બાળનટ પુરુષોત્તમ થઈ ગયા.
ઉત્તરસંડા છોડીને મુંબઈ આવ્યા પછી આરંભમાં એમનો વિસામો ચર્ની રોડ, ગિરગામ, મુગભાટ, જૂના જીવણજી મહારાજની જૂની ચાલમાં. ચણા ફાકવાના ય ફાંફાં. ચર્નીરોડથી અંધેરી સુધી ઘણીવાર ચાલીને જવું પડે એવા દિવસો. દિલીપ ધોળકિયા એકવાર ગુજરાતી ચિત્રપટ ‘શામળશાનો વિવાહ’ના રેકોર્ડિંગ માટે એચ.એમ.વી. સ્ટુડિયો પર લઈ ગયા ત્યાં એમનો પરિચય થયો સુગમ સંગીતના મહાસમ્રાટ અવિનાશ વ્યાસ જોડે. એમનું રિહર્સલ ચાલી રહ્યું હતું. અવિનાશભાઈએ પૂછ્યું, ‘આમાં તારે એક લાઈન ગાવાની છે ગાઈ શકશે?’ નાનકડા પુરુષોત્તમે ડોકું ધૂણાવીને હા પાડી. એ ગીત હતું, દૂર દખ્ખણના ડુંગરા ડોલ્યા પણ મોરલા બોલ્યા નહીં. કોરસ તરીકે રેકોર્ડ થનારા આખા ગીતમાં એમણે માત્ર આ જ પંક્તિ દોહરાવવાની હતી, મોરલા બોલ્યા નહીં. એ જમાનામાં નાગરાણીઓ ટિપિકલ લહેકાથી ગાતી. એની વચ્ચે પુરુષોત્તમભાઈ તેમના કૂમળા અવાજમાં ટહુકો કરતા, …. કે મોરલા બોલ્યા નહીં! ત્યારથી શરૂ થયેલો ટહુકો આજ દિવસ સુધી અકબંધ છે.
પુરુષોત્તમભાઈની સેન્સ ઓફ હ્યુમર જબરજસ્ત છે. ૧૧-૧૧-૧૧ની યાદગાર તારીખને સદા યાદગાર બનાવવા એમને અમારે ઘરે નિમંત્ર્યા હતા ત્યારે એમની સાથે સંગીતજગતનાં બીજાં રત્નો કૌમુદી મુનશી, હંસા દવે, ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી, સોલી કાપડિયા ઈત્યાદિ પણ હાજર હતાં. એ દિવસે મજાક-મસ્તી અને મિમિક્રી સાથે સંગીતવિશ્વની એવી કેટલી ય રસપ્રચૂર વાતો થઈ હતી, જેને માટે બીજો ઈન્ટરવ્યૂ લખવો પડે. આજે વાત કરવી છે એમની સાત દાયકાની સંગીત સફરની. ગત ૧૫મી ઓગસ્ટે જ જિંદગીના આઠમા દાયકામાં પ્રવેશનાર પુરુષોત્તમભાઈને તેમની મોજીલી જીવનયાત્રા અને સૂરીલી સંગીતયાત્રાની શુભકામના આપીને એક જુદી દિશામાં પ્રવાસ શરૂ કરીએ છીએ. એ પ્રવાસ છે ‘સ્ટોરીઝ ઈન સૉંગ્ઝ’નો. પુરુષોત્તમભાઈની સંગીતયાત્રાના સાત દાયકાનાં સાત શ્રેષ્ઠ ગીતો અને એમાંના એમનાં ત્રણ મોસ્ટ ફેવરિટ ગીત અને એ ગીત સાથે સંકળાયેલી કથા આજે સાંભળવાની ઈચ્છા છે. તમને પણ મજા આવશે જ એની ગૅરંટી.
તો કહો પુરુષોત્તમભાઈ, સાત દાયકાની સંગીતસફરમાં તમને ગમતાં તમારાં સાત સ્વરાંકનો કયાં અને એમાંના ત્રણ શ્રેષ્ઠ ગીતો સાથે સંકળાયેલી રોચક કથા શી છે?
અગણિત ગીતોમાંથી પસંદગી કરવી મુશ્કેલ છે. મારાં હૃદયની સૌથી નજીક છે એવાં સાત ગીતોમાં હવે સખી નહીં બોલું, દિવસો જુદાઈના જાય છે, મેં ત્યજી તારી તમન્ના, મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, તારે રે દરબાર મેઘારાણા, હવે પાંપણોમાં અદાલત ભરાશે મેં સ્વપ્નો નિરખવાનો ગુનો કર્યો છે અને ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ. પ્રશ્નના જવાબમાં થોડી છૂટ લઈને બીજાં બે ગીત ઉમેરવાની ઈચ્છા પણ રોકી શકતો નથી. એ બે ગીત છે અમથી અમથી મૂઈ, ઓલ્યા માંડવાની જૂઈ અને શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં.
હવે સખી નહીં બોલું શા માટે મોસ્ટ ફેવરિટ?
મારે માટે સૌથી મહત્ત્વનું છે કારણ કે એ લતાદીદીએ ગાયું છે. એ દિવસોમાં પાકિસ્તાનથી નજાકતઅલીખાં અને સલામતઅલીખાં મુંબઈ આવતા. હું ત્યારે વ્હાઈટ હાઉસ સામે સીક્રીભવનમાં રહેતો. મહિને પંદર રૂપિયા પેઈંગ ગેસ્ટ તરીકે આપું. ખાંસાહેબ પાસે હું શીખું અને એ મારે ત્યાં આવે ત્યારે દીદી અમારે ત્યાં આવે અને દુનિયાભરના સંગીતની વાતો ચાલે. ખાંસાહેબે એક વાર દીદીને કહ્યું કે પુરુષોત્તમ બહુત અચ્છા ગાતા હૈ. તો દીદી કહે કે મેં એને ખય્યામસા’બના ઘરે સાંભળ્યો છે. એક દિવસ દીદીએ મને ઘરે બોલાવ્યો અને મેં એમને માંડવાની જુઈ ગીત સંભળાવ્યું. ખૂબ ખુશ થયાં. એ પછી હવે સખી ને પછી એક ગરબો સાબદા રહેજો સંભળાવ્યાં. શકુંતલા સ્કૂલ માટે માઝમ રાતે ગરબો મેં કરાવ્યો હતો. લતાજી ગેસ્ટ તરીકે આવ્યાં ને એને ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું. લતાદીદીએ કહ્યું કે મારે તમારાં ગીત ગાવાં છે તેથી એમણે સૌથી પહેલું હવે સખી ને બીજું માઝમ રાતે નિતરતી નભની ચાંદની એ બે ગીતો રેકોર્ડ કર્યાં. ગુજરાતી ગીતો એટલે નહોતાં ગાતાં કારણ કે એ કહેતાં કે મારા ગળામાં બેસે એવાં સ્વરાંકન તો હોવા જોઈએ ને! હવે મને મળી ગયાં. ગીતનો અર્થ બરાબર સમજ્યાં ને ગાયું. એક જ ટેકમાં ઓકે થઈ ગયું. મૂળ આ ગીત નંદિની જોષીપુરાએ રેડિયો પર લાઈવ ગાયું હતું. તારદેવ સોનાવાલા બિલ્ડિંગમાં રહે. એમને ત્યાં પંડિત રવિશંકર ઊતરે. એ રીતે રવિજીનો મને ખૂબ લાભ મળ્યો હતો.
હૈયાને દરબાર ગીત એમણે ખાસ રેડિયો પર આવીને રેકોર્ડ કર્યું હતું, એ કેવી રીતે શક્ય બન્યું?
લતાજી કોઈ દિવસ ગુજરાતી ગીત માટે રેડિયો પર રેકોર્ડિંગમાં જતા નહીં. નિનુ મઝુમદાર સ્ટેશન ડિરેક્ટર હતા. આ ગીતની એરેન્જમેન્ટ પ્યારેલાલે કરી હતી. એમને નોટેશન લખાવવા ગયો. એમના પિતા રામપ્રસાદ શર્મા ટ્રમ્પેટ પ્લેયર. તેમણે બધા હિન્દુઓને વાયોલિન વગાડતાં શીખવાડ્યું હતું, બાકી એ પહેલાં ખ્રિસ્તીઓ જ વગાડે ટેંટુ ટેંટુ કરીને. ભૈરવીનો રિષભ ને તોડીનો રિષભ સમજે નહીં એટલે એમણે સો છોકરાઓને તૈયાર કર્યા હતા. ખૂબ કડક. શિસ્ત અને રિયાઝના ચુસ્ત આગ્રહી. પ્યારે બહુ આગળનું વિચારે. મેલડી લખે અને ઉપરની લાઈનમાં એરેન્જમેન્ટ લખે. બન્ને સાથે કરવું ખૂબ અઘરું. જીનિયસ માણસ. હૈયાને દરબાર અદ્ભુત ગીત થયું. છ મહિનામાં લતાજીએ મારાં ત્રણ ગીતો ગાયાં એ મારું સદ્ભાગ્ય.
લતાજીના કુટુંબ સાથે તમારે ઘરોબો કેવો હતો?
મારાં ત્રણ ગીત રેકોર્ડ થયાં પછી ખૂબ વધી ગયો. એમનાં મા માઈ આપણાં ગુજરાતી લાડ વાણિયા. દીનાનાથ મંગેશકરની નાટકકંપનીમાં તેઓ નાટક જોવા આવતાં. દરમ્યાન એમનાં પરિચયમાં આવ્યા ને લગ્ન થયાં. ૪૨ વર્ષે દીનાનાથ ગુજરી ગયા પછી સંતાનોને તૈયાર કરવામાં માઈનો જ ફાળો. નાના ચોકમાં તેઓ સાવ નાની ખોલીમાં રહેતા. દીદી મલાડ બોમ્બે ટોકિઝ કામ માટે જાય. દિલીપ કુમાર અને દીદી ગ્રાન્ટરોડથી ટ્રેનમાં મલાડ જાય. આગળ પાછળ થયા હોય તો મલાડમાં બાંકડે બેસી એકબીજાની રાહ જુએ. નાનાચોકની આસપાસના રેકોર્ડિંગ માટે લતાજી બે ચોટલા વાળીને સાયકલ પર જતાં. એ દિવસોથી હું એમને ઓળખતો. પછી તો હૃદયનાથ મંગેશકર, આશા ભોસલે તમામ સાથે ગાઢ સંબંધ કેળવાયો હતો.
હવે તમારા બીજા ફેવરિટ ગીતની વાર્તા કહો
બીજું ફેવરિટ ગીત એટલે દિવસો જુદાઈના જાય છે. એકવાર રફી સાહેબે કહ્યું કે મારે ગુજરાતી ગઝલ ગાવી છે. હકીકતમાં આ પ્રપોઝલ દિલીપભાઈ ધોળકિયા પાસે આવી હતી. એમણે મારું નામ સૂચવ્યું. આવો ખાનદાન નાગર મેં નથી જોયો. ખરેખર, રંગનગરનો રસિયો નાગર. એમણે કહ્યું કે પુરુષોત્તમને આ કામ સોંપો. રફી જેવો ગાયક હોય તો કોઈ બીજાને કમ્પોઝીશનની તક આપે? એમને સો સો સલામ. રફી સાહેબ ખૂબ સરળ અને ખેલદિલ માણસ. ઉર્દૂમાં ગુજરાતી ગઝલના શબ્દો લખ્યા. મને કહે, ગુજરાતી અલ્ફાઝ મેરે મૂંહ પે નહીં લગેંગે, સીખાના પડેગા. રદીફ કાફિયા સમઝાના પડેગા. મેં જ્યારે એમને ગઝલનો મક્તા સંભળાવ્યો તો ચકિત થઈ ગયા. કહે, આલાદરજ્જાનો છે, હું ગાઈ શકીશ કે નહીં ખબર નથી. પણ જો નહીં ગાઈ શકું તો ગાવાનું છોડી દઈશ. રફી સાહેબે પૂરી લગનથી આ ગઝલ શીખી અને ગાઈ. સુગમ સંગીતની એ યાદગાર રચના બની ગઈ છે.
અને હવે તમને ગમતાં છેલ્લાં ગીતની કથા કહો
મરીઝની બેગમ અખ્તરે ગાયેલી અમર રચના મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે …! બેગમના મિત્ર મધુકર દેસાઈ. મધુકર મારો અંદર બેઠેલો માણસ. એ મારા સિવાય કોઈને સાંભળે નહીં એવો મિત્ર. બેગમ એ વખતે નીલમ મેન્શન, લેમિંગ્ટન રોડ પર બેસતાં. એમનો દરબાર અથવા કોઠો જ કહી શકાય. બેગમને સાંભળવા ગુજરાતીઓ જ જતાં. લાંબો કોટ, કાશ્મીરી ટોપી અને પાનનું બીડું. ફરમાઈશી દૌર ચાલે અને ગઝલો એક પછી એક સજતી જાય. જ્યારે બેગમ બહુ જાણીતાં નહોતાં એ વખતની આ વાત છે. એ દિવસોમાં ગુજરાતીઓ દ્વારા જ એમની ગાયકી પોંખાતી અને પોષાતી. બેગમના આખરી દિવસોમાં પણ મધુકર દેસાઈ સહિત ગુજરાતીઓએ સાચવ્યાં. એક વાર બેગમે મધુકરને કહ્યું કે ગુજરાતીઓનો મારા ઉપર બહુ મોટો અહેસાન છે. એમનું ઋણ કેવી રીતે ચૂકવું?
એવામાં સોમૈયા પરિવારને ત્યાં બેગમનો પ્રોગ્રામ હતો. કાર્માઈકલ પર રોડ પર તેઓ રહે. હું ને મદનમોહન ત્યાં ગયા. બેગમ ગાતાં હતાં. તેમણે આદાબ કર્યું. મદનમોહનસાહેબે મારી ઓળખાણ કરાવી અને કહ્યું કે તમારે ગુજરાતી ગઝલ ગાવી હોય તો આ એક જ માણસ છે. અજમાવી જુઓ. બેગમે તરત કહ્યું કે સંભળાવ ગઝલ. મેં મરીઝની આ ગઝલનો મક્તા સંભળાવ્યો. એમણે કહ્યું કાલે નરીમન પોઈન્ટ પાસેની ગ્રીન હોટલમાં આવો. અમે ગયાં. તે વખતે હું પાન ખાતો. મેં રાગ જોગની આલાપી શરૂ કરી. એમણે હાર્મોનિયમની ધમણ અટકાવી ને મારી સામે જોઈ કહ્યું, પાન ખાતે હો ના? અંદરના રૂમમાં ગયાં ને પાછા આવી કહ્યું કે લે આ પાનનું બીડું છે જેમાં લખનવી જરદા છે, એને મોંમાં મુકો, રસ લો અને પછી શરૂ કરો. શું લખનવી તેહઝીબ અને મહેમાનનવાઝી! આલાપીમાં એવો સૂર લાગી ગયો કે સજળ નેત્રે એ તાકી રહ્યાં અને રીતસર રડ્યાં. ‘ગુજરાતી તરન્નુમ ઈતને અચ્છે હૈ?’ તેઓ આશ્ચર્ય પામ્યાં અને કહ્યું તમારી સ્ટાઈલ મુશ્કેલ છે પણ હું શીખીશ. શીખવાડવા હું ગયો હતો પણ શીખી હું આવ્યો કે ભવિષ્યમાં મોટા થાઓ તો આ નમ્રતા અને પારદર્શકતા કદી છોડવી નહીં. મગજમાં રાઈ ન ભરાવી જોઈએ. આવી ઉમદા વાત એમણે મને શીખવી હતી. અમદાવાદના ટાઉનહોલ એમનો પ્રોગ્રામ હતો. છેલ્લે લોકોએ મરીઝની આ ગઝલની ફરમાઈશ કરી. તેમની નાદુરસ્ત તબિયત છતાં બેગમે ગાઈ. સુંદર ગાઈ. પડદો પડ્યો ને અડધો કલાકમાં હાર્ટએટેકમાં ગુજરી ગયાં. ગુજરાતીઓ પ્રત્યેનું આ ઋણ કેવી રીતે ચૂકવાયું! હું સ્તબ્ધ થઈ ગયો હતો.
હંસા દવે તમારી સંગીતસફરનાં સાથી ક્યારથી બન્યાં?
અમદાવાદના સંગીતપ્રેમી સુરુભાઈ વોરાની દીકરી સાથે હંસા શીખવા આવતી. હું એમને ત્યાં જ ઊતરતો. આકાશેઠ કૂવાની પોળમાં રહે. હંસા ફ્રોક પહેરીને આવે. ઓછાબોલી અને શરમાળ. નાનકડા મનના કેવાં ઓરતાં જયંત પલાણની આ રચના શીખવતો. એ સારું ગાતી. એક વાર મેં એને રાધાનું નામ અને મારી ગાગર ઊતારો ગીતોના રેકોર્ડિંગ માટે મુંબઈ બોલાવી. એ પછી દિલીપ ધોળકિયાએ ‘કંકુ’માં ગવડાવ્યું. કલ્યાણજીભાઈએ હિન્દીમાં ગવડાવ્યું. લોકપ્રિયતા વધતી ચાલી એટલે એણે નક્કી કર્યું કે મારી પાસે શીખવું અને મુંબઈમાં જ સ્થાયી થવું. મેં કહ્યું કે થોડો સમય તું સોમૈયા પરિવાર સાથે રહે પછી બંદોબસ્ત કરીશું. કારણ કે મારી પત્ની ચેલના ડિલિવરી માટે હોસ્પિટલમાં હતી. ચેલના બન્ને દીકરીઓ સાથે ઘરે આવી પછી હંસાબહેન આવ્યાં. બસ, ત્યારથી અહીં જ છે અને સંગીતસાધના ચાલુ છે. ઉપર ગગન વિશાળ ફિલ્મનું ટાઈટલ સોન્ગ અમે સૌથી પહેલાં સાથે ગાયું હતું.
તમારા ચાહકો તો બહુ છે, વિવેચક છે કોઈ ?
ઘરમાં જ છે. મારી પત્ની ચેલના અને મારી દીકરીઓ વિરાજ-બીજલ. ચેલનાનો હર ઘડીએ સાથ રહ્યો છે. કેટલાં ય સ્વરાંકનો રચવામાં પણ એણે મને સાથ આપ્યો છે. મને મ્યુિઝકલી સમજી શકે એવી એ એક માત્ર સ્ત્રી હોવાથી મેં એની સાથે લગ્ન કર્યાં. સંગીતની ટેકનિકલ બાજુ એ વધારે સમજે છે કારણ કે વિશારદ થયેલી છે. જરાક ચૂક થાય તો તરત પકડે.
સાચો સંગીતકાર કોણ તમારી દૃષ્ટિએ?
આદ્યકવિ નરસિંહ મહેતાને હું સંપૂર્ણ સંગીતકાર ગણું છું. એ પછી ઝવેરચંદ મેઘાણી, અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, અજિત મર્ચન્ટ અને દિલીપ ધોળકિયા હંમેશાં આદર્શરૂપ રહ્યા છે.
બેલેન્સશીટમાં શું બાકી છે કરવાનું?
ગુજરાત આખું ગાય એવું ઈચ્છું છું. બાગમાં એક જ ફૂલ હોય તો બાગ ન કહેવાય. જુદાં જુદાં ફૂલ હોય એ બાગ કહેવાય. ગુજરાતી સુગમ સંગીતનાં જુદાં જુદાં ફૂલ જોઈને બાગ બાગ છું. ત્રણ પેઢીને સાંકળીને અમે પ્રોગ્રામ કરીએ છે જેથી નવી પ્રતિભા બહાર આવે.
આ ઉંમરે આટલી તાકાતથી કઈ રીતે ગાઈ શકો છો?
જે માણસ સાધના કરે એ કોઈ પણ ઉંમરે ગાઈ શકે. મળતી નથી સિદ્ધિ કોઈને સાધના વિના એ વાક્ય જડબેસલાક બેસી ગયું છે મારા મનમાં. મારી માએ નાનપણમાં મને નિયમ આપાવ્યો’તો રિયાઝનો. નહાઈને પહેલા દીવો કરવાનો પછી જ પાણી પીવાનું અને રિયાઝ ન થાય તો જમવાનું નહીં. આ બે નિયમ આજે પણ ચાલુ છે. સવારે સાડા નવની આસપાસ કોઈ મને ફોન કરે તો તાનપુરો બૅકગ્રાઉન્ડમાં સંભળાય જ. બીજું છે પ્રાણાયામ. આ બન્નેને કારણે ૮૦ વર્ષે પણ ગાવાની તકલીફ નથી.
પુનર્જન્મમાં શું બનવા ઈચ્છો?
સંગીતકાર જ. ગયા અને આગલા જનમમાં પણ હું પુરુષોત્તમ ઉપાધ્યાય જ હોઈશ. એ સિવાય આટલું ગાઈ શકાય? આવતા જન્મે પણ પુરુષોત્તમ જ બનવું છે.
[સૌજન્ય : “મુંબઈ સમાચાર”, આશરે 2010 વેળા]
![]()


જોતીરાવ ફુલે એટલે મહાત્મા, સમાજસુધારક, ક્રાંતિકારી, દલિતઉદ્ધારક, લેખક, વિચારક, પ્રેરણાપુરુષ … જોતીબા કેટકેટલું હતા, પણ એનો અંદાજ બહુ ઓછા લોકોને હશે. આજકાલ દેશમાં જે માહોલ ઊભો થઈ રહ્યો છે, તેમાં જોતીબાને યાદ કર્યા વિના, તેમના સંઘર્ષ અને રચનામાંથી પ્રેરણા લીધા વિના ચાલે એવું નથી. દસ દિવસ પહેલાં એટ્રોસિટી અંગે સુપ્રીમ કોર્ટે આપેલા દિશાનિર્દેશોથી નારાજ દલિત સમાજે ભારત બંધ થકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ દેશમાં દલિત સંબંધિત મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા.
રાજકારણીઓ તો ચોકો વાગે એવા મોકાની જ તલાશમાં હોય છે, પરંતુ જેમને ખરેખર માનવ સમાજ અને દેશની પરવા હોય તેમણે દલિતના મુદ્દે જરા નિસબતપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું પડે. દલિતના મુદ્દાને નાત-જાતની સંકુચિત દૃષ્ટિએ નહિ, પરંતુ સામાજિક સમાનતા, સમાજસુધારણા અને વ્યાપક માનવ અધિકારોની દૃષ્ટિએ જોવો કે વિચારવો જોઈએ. આવી વ્યાપક દૃષ્ટિ કેળવવાનો સૌથી સરળ માર્ગ છે, મહાત્મા ફુલે, મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકર જેવા મહામાનવોનાં જીવન અને સંઘર્ષનો પરિચય કેળવવો. આજે જોતીબા ફુલેનો જન્મ દિવસ (11 એપ્રિલ, 1827) છે ત્યારે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવીએ.
એક બ્રાહ્મણ મિત્રના ઘરે લગ્નપ્રસંગે ગયેલા જોતિરાવને વરઘોડા દરમિયાન ભૂલથી અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યા ત્યારે તેમને દલિત સમસ્યાનો અને બ્રાહ્મણવાદી માનસના વર્ચસ્્નો અંદાજ આવ્યો. આ બનાવે તેમને ઝકઝોરી દીધા અને સમાજક્રાંતિ માટે તેમનો આત્મા પ્રતિબદ્ધ બન્યો. જોતીબાને થયું કે શિક્ષણ થકી જ સામાજિક ચેતના જાગશે અને સમાજસુધારણા શક્ય બનશે. તેમણે એ જ વર્ષે એટલે કે 1848માં શૂદ્રાતિશૂદ્રોની દીકરીઓ માટે શાળા શરૂ કરી. શાળામાં ભણાવે કોણ? તેમણે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં હતાં. અનેક દબાણો અને પડકારો છતાં સાવિત્રીબાઈએ બાળાઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી.


