કેટલી નીચાઈ છે ઊંચાઈની,
માણસોમાં જાત છે બોન્સાઇની.
ઓઢણી હો આદિવાસી બાઈની,
યાદગીરી એમ છે પરછાંઈની.
અબઘડી એનું ડિમોલિશન થયું,
જે ઇમારત ઊભી’તી સચ્ચાઈની.
ઝાંઝવાંથી રણ મહીં સગવડ થઈ-
વાંઝિયાં સોણાંઓની સિંચાઈની.
આ સરળ ને સાફ ચહેરા પર સમય
લીટીઓ આંકી ગયો લુચ્ચાઈની!
કેમ ‘કરસનદાસ’ હે જીતો તમે?
આ રમત આખી ય છે અંચાઈની.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 15
![]()


પાવાગઢ પર્વતમાળાની પોપટઘાટીમાં વસેલા ડેસર ગામની મથરાવટી એટલી મેલી હતી કે એક સમયે (કેટલેક અંશે આજે પણ) આખા પંથકના લોકો ડેસરને ‘ચોર-લૂંટારાના ગામ’ તરીકે જ ઓળખતા હતા. આજુબાજુ ક્યાં ય પણ ચોરી થાય, તો શંકાની સોય ડેસર તરફ વળતી અને ભોંકાતી. પોલીસનો કાફલો ડેસરને ઘમરોળતો. સાચા-ખોટાના ભેદભાવ વગર બધા નાયક આદિવાસીઓની થર્ડ ડિગ્રી થતી. જાણકારો, સ્થાનિકો તો ત્યાં સુધી કહે છે કે આજથી બે દાયકા પહેલાં તો તમે ભૂલેચૂકે બાઇક કે ગાડી લઈ ડેસર જાઓ તો સનનન્ કરતું તીર આવી ચડે તમારા વાહનના ટાયરમાં, માનો કે તમે સમૂહમાં ડેસર પહોંચો છો તો ગામ આખું ડુંગરની બીજી બાજુ ઊતરી જંગલમાં અલોપ થઈ જતું. મેં પોતે ડેસરથી ૩૫-૪૦ કિલોમીટર દૂર ગોધરામાં જિંદગીનાં ૧૨ વર્ષ વિતાવ્યાં છે. ડેસર પણ બીતાં-બીતાં બે-એક વાર ગયો છું. આ ગાળામાં તો સ્થાનિક સમાચારોમાં ડેસર અને તેના નાયકોની પ્રવૃત્તિઓ સતત ચમકતી રહેતી. અમારી તારીખ ૧૮ ઑક્ટોબર, ૨૦૧૫ની ડેસરની તાજી મુલાકાત વખતે, ડેસર જોવાને અમારા ચહેરાં ઉત્સુક હતા પણ હૈયું તો ફફડતું જ હતું.


