Opinion Magazine
Number of visits: 9579838
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પેડ સે પહલે હમ કટેંગે’ – એવા નારા સાથેનું ચિપકો લોકઆંદોલન એક સીમાચિહ્ન બની રહ્યું છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 June 2018

દિલ્હીમાં સત્તાવાળાઓ  હજારો વૃક્ષો કાપી નાખીને રિડેવલપમેન્ટનો કમાઉ કારસો  રચી રહ્યા છે ત્યારે નાગરિકો હિમાલયની પહાડીઓમાં ઝાડ બચાવવા માટે થયેલી ‘ચિપકો’ ચળવળનો રસ્તો અપનાવી રહ્યા છે

કાળજાં અને ભેજાં વિનાના સત્તાવાળાઓએ દક્ષિણ દિલ્હીમાં ચૌદ હજાર વૃક્ષો કાપવાનો કારસો રચ્યો છે. તેનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓની વસાહતોને રિડેવલપ કરીને બમણી કરવાનો, સિત્તેર હજાર વાહનો માટે પાર્કિન્ગ અને બાર ટાવર ધરાવતું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઊભું કરવાનો છે. સત્તાવાળાઓની કમાણીખોરીની આ ક્રૂર ચેષ્ટા, ઘરના વડીલને ફૅશન મૉડેલ બનાવવા માટે તેમનાં ફેફસાં કાઢીને તેમને જિમ અને બ્યુટીપાર્લરમાં મોકલવા જેવી છે ! અલબત્ત દિલ્હીની વડી અદાલતે ઝાડ કાપવા પર ચોથી જુલાઈ સુધી સ્ટે આપ્યો છે. પ્રાણવાયુ માટે વલખાં મારતાં આ શહેરના નાગરિકો વિરોધ કરી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસેન અને કેટલાક હોદ્દેદારો પણ જોડાયા છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અપેક્ષિત પક્ષીય કીચડઊછાળ તો ચાલુ જ છે.

બીજી બાજુ, લોકો સોશ્યલ મીડિયા અને  દેખાવો થકી સક્રિય બન્યા છે. કેટલાંક નાગરિકો વૃક્ષોને વળગીને કે બાથ ભીડીને ઊભાં રહે છે. ઝાડ કાપવાની સામે પડવા માટે દુનિયાભરમાં વિખ્યાત એવી આ રીત છે. તેને ‘ચિપકો’ કહેવામાં આવે છે. કેટલાંકને ચિપકો એ ઇફકો, હિણ્દાલકો, સિડકો કે ક્રિભકો જેવાં કોઈ એકમનું નામ લાગે. પણ ‘ચિપકો’ એ વૃક્ષોને, અને વ્યાપક રીતે સમગ્ર પર્યાવરણને બચાવવા માટે સિત્તેરના દાયકામાં હિમાલયની પહાડીઓનાં ગામડાંના લોકોએ કરેલું લાંબા ગાળાનું વિશ્વવિખ્યાત લોકઆંદોલન છે. તેણે પછીનાં વર્ષોમાં જંગલ-જમીન-જળ બચાવવા માટેની અનેક ચળવળો માટે પ્રેરણા અને પ્રારૂપ પૂરાં પાડ્યાં છે.

ચિપકો આંદોલનમાં પેડ-કટાઈ સામેની ટક્કરનો સહુથી જાણીતો બનાવ બન્યો તે 26 માર્ચ 1974ના દિવસે ઉત્તર પ્રદેશ(અત્યારે ઉત્તરાખંડ)નાં ચમોલી જિલ્લામાં ડુંગરોમાં વસેલાં નાનકડાં રેણી ગામમાં. ગામની આસપાસ આવેલાં જંગલનાં અઢી હજાર જેટલાં ઝાડ સરકારે હરાજી કરીને એક ઠેકેદારને પોણા પાંચ લાખ રૂપિયામાં વેચી દીધાં હતાં. એમાંથી મોટાભાગનાં હિન્દીમાં અંગૂ પેડ (અંગ્રેજીમાં ઍશ ટ્રી) કહેવાતાં ઝાડ હતાં. તેનાં લાકડામાંથી સ્થાનિક લોકો ઓજારો અને  કોતરકામની વસ્તુઓ બનાવતા. પણ શહેરી બજારમાં અંગૂપેડના ઊંચા દામ હતા કારણ કે તેમાંથી વિદેશી રમતોનાં મોંઘાં સાધનો બનતાં. અંગૂ સિવાયનું દરેક ઝાડ પણ ગિરીજનો માટે પોતાની રીતે અમૂલ્ય હતું જ. વળી આ વિસ્તાર અલકનંદા નદીમાં 1970માં આવેલાં પૂરથી થયેલાં ધોવાણ અને ભેખડો પડવાને કારણે વધુ નાજુક બન્યો હતો. રેણીનાં જંગલમાં કૉન્ટ્રાક્ટરના માણસો ઝાડ કાપવાનાં હથિયારો સાથે ચોરીછૂપી પ્રવેશી રહ્યા હતા, ત્યારે ઊંચાણ પરથી એક બાળકી તેમને જોઈ ગઈ. તેણે દોડીને ગામમાં જઈને જાણ કરી. પુરુષો બહારગામ એક સરકારી કામે ગયા હતા. પણ ગામનાં ‘મહિલા મંગલ દલ’ જૂથનાં પ્રમુખ ગૌરાદેવીએ ઘરઘરમાંથી બહેનોને ભેગી કરી. એકવીસ બહેનો અને સાત બાળકીઓ જંગલમાં પહોંચી. ત્યાં ઝાડ કાપવા લાગવા માટેની તૈયારી થઈ ચૂકી હતી. મજૂરો, ઠેકેદારના માણસો અને સરકારી અધિકારીઓ હતા. એ બધાને ગૌરાદેવીએ કહ્યું : ‘ભુલા (ભૈયા), યહ જંગલ હમારા માયકા હૈ. ઇસીસે હમેં જડીબૂટી મિલતી હૈ, સબ્જી મિલતી હૈ. ઇસ જંગલ કો મત કાટો. જંગલ કાટોગે તો યહ પહાડ હમારે ગાંવ પર ગિર પડેગા, બાઢ આયેગી, બગડ (નદી કિનારા પરનાં મોસમી ખેતરો) જાયેંગે. ભુલા, હમારે માયકે કો મત બરબાદ કરો …’ સરકારી માણસોએ ધાકધમકી કરી, એકે વળી બંદૂક બતાવી. પણ બહેનો ડગી નહીં. ઝાડને બાથ ભીડીને , ચિપકીને ઊભી રહી.

ઝાડને ચિપકી જઈને બચાવી લેવાના અહિંસક શસ્ત્ર વિશે બહેનોએ સભાઓમાં સાંભળ્યું હતું. ચિપકો શબ્દ ચમૌલીની પહાડીઓમાં બે વર્ષથી પડઘાઈ રહ્યો હતો. તે ચંડીપ્રસાદ ભટ્ટ નામના યુવા સર્વોદય કાર્યકર્તાએ આપેલો હતો. તેમણે આ પંથકમાં દશૌલી ગ્રામસ્વરાજ્ય સંઘ સ્થાપીને રસ્તા બાંધવા, વ્યસનમુક્તિ, સાક્ષરતા, જંગલપેદાશો આધારિત ગ્રામકેન્દ્રી કુટિર ઉદ્યોગો જેવાં કામ બારેક વર્ષથી હાથ ધર્યાં હતાં. સંગઠને આ નિર્મળ પ્રદેશમાં ભારે ઉદ્યોગોનાં દૂષણોને ખાળવા કોશિષ કરી હતી. યુવા કાર્યકરોએ 1973માં ગોપેશ્વર, મંડલ અને ફાટા રામપુર ગામોનાં જંગલોમાંથી ચિપકોના માર્ગે ઝાડ બચાવ્યાં હતાં. લોકોની સમજપૂર્વકની સામલેગીરીથી ચિપકોને મળેલી સફળતા, દશૌલીએ પહાડીઓમાં ફેલાવેલી જાગૃતિ, તેણે જંગલનાશની સામે કેન્દ્ર સરકારથી લઈને અનેક સ્તરે કરેલી રજૂઆતો, નિષ્ણાતોના સહયોગ અને માધ્યમોના ટેકાને પરિણામે એક મોટી સિદ્ધિ એ થઈ કે ઇન્દિરા ગાંધી હેઠળની કેન્દ્ર સરકારે 1981માં અલકનંદાના ઉપરવાસના બારસો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ધંધાદારી જંગલ-કટાઈ પર પંદર વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો, જે પછી એક લંબાવવામાં પણ આવ્યો.

ચમૌલીને પગલે ઉત્તરાકાશીનાં વ્યાલી જંગલો, નૈનીતાલના રામનગર અને કોટદ્વાર જેવી જગ્યાએ પણ ચિપકો માર્ગે લડતો ચાલી. તેહરી-ગઢવાલમાં સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં 1977માં હેંવલ ખીણના અડવાની અને સાલેટના જંગલો બચાવવાનો જંગ જામ્યો. 1985 સુધી  ચાલેલી નાની-મોટી લડતો માટે ચિપકો મૉડેલ હતું. ત્યાર બાદ,અનેક યથાર્થ સન્માનો મેળવી ચૂકેલા તેના બંને આગેવાનો, ચંડીપ્રસાદ અને બહુગુણા, વનીકરણ તરફ વળ્યા. આખા વિસ્તારના તથાકથિત ઔદ્યોગિક વિકાસ અટકવા અંગે સવાલો અને વિવાદો પણ થયા. એ પણ નોંધાયું કે ચિપકો પહેલાં છેક 1730માં રાજસ્થાનના ખેજલડી ગામમાં જોધપુરના અવિચારી રાજા અભયસિંહના હુકમથી તેના માણસો ખિજડાનાં ઝાડ કાપવા લાગ્યા. ત્યારે બિશ્નોઇ કોમની વીરાંગના અમૃતાદેવીએ ઝાડને વળગીને કુહાડીનો ઘા ઝીલ્યો. તેમનાં પછી તેમની બે નાનકડી દીકરીઓ અને 363 બિશ્નોઇઓએ ઝાડ ખાતર શહાદત વહોરી. આપણે ત્યાં સાણંદ તાલુકાના ચરલ ગામને પાદરે આવેલાં લીમડા કાપનારને યુવા ચારણ દંપતી વીરા અને મેઘરાજ પોતાનું લોહી રેડીને હઠાવી દે છે તેવી 1807ની ઘટના નોંધાઈ છે.

જો કે વીસમી સદીમાં ચિપકો સીમાચિહ્ન છે. તેને કારણે પર્યાવરણ કાયદા અને મંત્રાલયો આવ્યાં. ચિપકોમાંથી વત્તીઓછી પ્રેરણા મેળવીને ઉત્તર ભારત ઉપરાંત પણ આખા દેશમાં જાગૃતિ આવી. કેરળમાં સાયલન્ટ વૅલી, બિહારમાં સિંગભૂમનાં કર્ણાટકમાં શિમોગાનાં જંગલો અને દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટ કે હમણાં ગયાં વર્ષે પશ્ચિમ બંગાળમાં ચોવીસ પરગણાં પંથકમાં ચારસો ઝાડ બચાવવાં માટેની ચળવળો ચાલી. મહત્ત્વની વાત કે જાનપદની સ્ત્રીઓ તેમની જિંદગીના અવિભાજ્ય હિસ્સા એવા પર્યાવરણના રક્ષણમાંજોડાઈ. એ અર્થમાં ઇકો-ફેમિનિઝમ એટલે કે પર્યાવરણકેન્દ્રી નારીવાદની શરૂઆત આપણે ત્યાં ચિપકોથી થઈ હતી, એમ તેના એક સમયનાં સ્વયંસેવક અને વિશ્વવિખ્યાત કર્મશીલ વંદના શિવાએ નોંધ્યું છે. લડતના પહેલવહેલા વિસ્તૃત અહેવાલો અનિલ અગરવાલ અને અનુપમ મિશ્રાએ લખ્યા હતા. પછી માધવ ગાડગીળ, રામચન્દ્ર ગુહા, સુનિતા નારાયણ જેવાં મોટા અભ્યાસીઓએ ચિપકોનું વૈશ્વિક મહત્ત્વ બતાવી આપ્યું.

દેશની અંદર ચિપકો ગરીબો માટે કુદરતી સંપત્તિના રક્ષણ માટેનું અસાધારણ આંદોલન હતું. પહેલાં અંગ્રેજ અને ત્યારબાદ તરત જ દેશના જ સત્તાધારીઓએ છિનવી લીધેલો તળપદના લોકોનો કુદરતી સંપત્તિ પરનો અધિકાર ફરીથી મેળવી આપનાર આ આંદોલન હતું. વિકાસ માટેની કહેવાતી મોટી યોજનાઓ સામે દુનિયાભરમાં જાગૃતિ લાવવામાં જે સ્થાન નર્મદા બચાઓ આંદોલનનું છે, તે વૃક્ષસંરક્ષણમાં ચિપકોનું છે. કુદરતના ભોગે ઐયાષી ભોગવતા દેશની ગલીએ ગલીએ ચિપકોની જરૂર છે, શરૂઆત પાટનગરથી થઈ છે.  

+++++

28 જૂન 2018 

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 29 જૂન 2018

Loading

વડા પ્રધાને વિદેશવ્યવહારના પિરામિડને અનુસરવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|29 June 2018

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વરસમાં ૩૫૫ કરોડ રૂપિયા ખર્ચીને ૮૫ વખત વિદેશપ્રવાસ કર્યા છે જે એક વિક્રમ છે.

જવાહરલાલ નેહરુએ વડા પ્રધાન તરીકેના તેમના ૧૭ વરસના કાર્યકાળમાં ૭૦ વિદેશયાત્રાઓ કરી હતી. ઇન્દિરા ગાંધીએ કુલ મળીને તેમના ૧૫ વરસના વડાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન ૧૧૩ વિદેશયાત્રાઓ કરી હતી. રાજીવ ગાંધીએ પાંચ વરસમાં ૫૯ વિદેશયાત્રાઓ કરી હતી. પી.વી. નરસિંહ રાવે પાંચ વરસ દરમ્યાન પ્રમાણમાં સૌથી ઓછી ૩૭ વિદેશયાત્રાઓ કરી હતી. અટલ બિહારી વાજપેયીએ તેમની કુલ છ વરસની મુદતમાં ૪૭ વિદેશયાત્રાઓ કરી હતી. ડૉ. મનમોહન સિંહે તેમના કુલ દસ વરસના કાર્યકાળમાં ૯૩ વિદેશયાત્રાઓ કરી હતી. આ જગતમાં સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પ્રમુખપદની આઠ વરસની મુદત દરમ્યાન ૧૦૯ વિદેશયાત્રાઓ કરી હતી.

કર્ણાટકના એક રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટિવિસ્ટે મેળવેલી અને પ્રસારિત કરેલી માહિતી મુજબ નરેન્દ્ર મોદીએ વડા તરીકેની તેમની મુદતના કુલ ૧,૪૬૦ દિવસમાંથી ૧૬૫ દિવસ વિદેશમાં ગાળ્યા છે. ટકાવારી મુજબ વડા પ્રધાને તેમનો ૧૨ ટકા સમય વિદેશમાં ગુર્જાયો છે. હજી નિર્ધારિત થયેલી ચાર વિદેશયાત્રાઓ બાકી છે. ક્યાં જવાહરલાલ નેહરુની ૧૭ વરસમાં ૭૦ યાત્રા અને ક્યાં ચાર વરસમાં ૮૫. બીજી બાજુ જેઓ વિદેશ ખાતું સંભાળે છે એ સુષમા સ્વરાજે ચાર વરસમાં માંડ ૩૪ વિદેશયાત્રાઓ કરી છે. સામાન્યત: વડા પ્રધાન કરતાં વિદેશપ્રધાન વધુ યાત્રાઓ કરે છે, કારણ કે તેઓ વિદેશ ખાતું સંભાળે છે. વિદેશપ્રધાન વિશ્વદેશોમાં ફરીને અનુકૂળ ભૂમિકા બનાવવાનું કામ કરે છે અને પછી વડા પ્રધાન જ્યાં ભૂમિકા બનાવવામાં આવી હોય એ દેશમાં જઈને સંબંધોને અંતિમ સ્વરૂપ આપતા હોય છે. વિદેશપ્રધાન કરતાં પણ વધુ યાત્રા વિદેશસચિવો કરતા હોય છે, કારણ કે તેમણે પ્રાથમિક ભૂમિકા બનાવવાની હોય છે. કોઈ નિયમ નથી, પરંતુ સાધારણપણે વિદેશસચિવ જે દેશમાં દસ વાર જાય ત્યાં વિદેશપ્રધાન બે કે ત્રણ વાર જાય અને વડા પ્રધાન એક વાર જાય. વિદેશવ્યવહારનો જગત આખામાં આવો પિરામિડ હોય છે. એટલે તો વડા પ્રધાન કે પ્રમુખોની મુલાકાતને શિખરપરિષદ કહેવામાં આવે છે. સંબંધોનું નીચેથી ચણતર થાય અને શિખરમાં પરિણીત થાય.

પરંતુ વડા પ્રધાને ઘણી પરંપરાઓ તોડી છે જેમાં એક આ પણ છે. તેઓ પોતે જ પ્રાથમિક ભૂમિકા બનાવવાનું કામ હાથમાં લે છે જેને કારણે અડધે રસ્તે સમસ્યા સર્જા‍ય છે. પાડોશી દેશોમાં નેપાલ સાથે આવું થયું, ચીન સાથે આવો અનુભવ થયો અને હવે અમેરિકા સાથે પણ આવો જ અનુભવ થઈ રહ્યો છે. અમેરિકાએ ૨ + ૨ એટલે કે ભારતનાં વિદેશપ્રધાન તેમ જ સંરક્ષણપ્રધાન અને અમેરિકાના વિદેશપ્રધાન તેમ જ સંરક્ષણપ્રધાન સાથેની સંયુક્ત બેઠક છ મહિનામાં ત્રીજી વાર મુલતવી રાખી દીધી. અમેરિકાએ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં યોજાનારી બેઠક મુલતવી રાખવા પાછળનું કારણ આપવાનો પણ વિવેક બતાવ્યો નથી. ટાળી ન શકાય એવા સંજોગોના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી છે એમ કહેવામાં આવ્યું છે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ તો ચક્રમ છે જ, પરંતુ વડા પ્રધાન પણ શ્રેય કમાવાની લાલચમાં ઉતાવળ કરે છે જેને પરિણામે સંબંધોની પ્રક્રિયા ઘોંચમાં પડે છે. વડા પ્રધાન ગયા વરસના જૂન મહિનામાં અમેરિકા ગયા હતા ત્યારે આવી ૨ + ૨ બેઠક યોજવાનું નક્કી થયું હતું. પ્રસ્તાવ અમેરિકાનો હતો. વાત એમ હતી કે અમેરિકા ભારતને ચીન સામેના મોરચામાં પહેલી હરોળનો દેશ બનાવવા માગતું હતું. અમેરિકા-ભારત-જપાનની ધરી રચાય એમ અમેરિકા ઇચ્છતું હતું. એ વખતે અમેરિકાએ ભારતનાં ભરપૂર વખાણ કર્યાં હતાં, ભરોસાપાત્ર દેશ તરીકે ઓળખાવ્યો હતો અને લોકતંત્રના બાદરાયણ કે જે કહો એ સંબંધની આણ ઉતારી હતી.

એ સમયે ચીને ભુતાનના ડોકલામ પર કબજો જમાવ્યો હતો એટલે ભારતે હોંશે-હોંશે ધરીમાં પહેલી હરોળનો દેશ બનવાની તૈયારી બતાવી હતી. એ પહેલાંનાં બે વરસ દરમ્યાન ભારતે ચીનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જેના જવાબરૂપે ડોકલામની ઘટના બની હતી. એ સમયે વડા પ્રધાનને એટલું ધ્યાનમાં નહોતું આવ્યું કે હજી મહિના પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે ચીનના વન બેલ્ટ વન રોડ માટે બીજિંગમાં યોજાયેલી શિખરપરિષદમાં ભારતને વિશ્વાસમાં લીધા વિના અમેરિકાના પ્રતિનિધિને મોકલીને ભાગ લીધો હતો. મૂળ સમજૂતી એવી હતી કે ભારત અને અમેરિકા વન બેલ્ટ સમિટનો બહિષ્કાર કરશે અને એમાં પોતાના પ્રતિનિધિને નહીં મોકલે. છેલ્લી ઘડીએ અમેરિકાએ નિર્ણય બદલ્યો હતો જેની ભારતને જાણ પણ કરવામાં નહોતી આવી.

ડોનલ્ડ ટ્રમ્પ કેટલા બિનભરોસાપાત્ર છે એનું આ એક ઉદાહરણ છે. ભારતીયોને આપવામાં આવતા વીઝાથી લઈને બીજા આવા કેટલાક અનુભવ ભારતને થયા હતા. હજી એક ઉદાહરણ તપાસીએ, કારણ કે એ પણ એ જ અરસાનું છે. ગયા વરસે ૨૪ જૂને વડા પ્રધાન અમેરિકા ગયા એનાં ત્રણ અઠવાડિયાં પહેલાં પહેલી જૂને અમેરિકા અંચઈ કરીને ક્લાઇમેટ ચેન્જ માટેની બહુરાષ્ટ્રીય પૅરિસ સમજૂતીમાંથી નીકળી ગયું હતું. નથી રહેવું જાઓ, થાય એ કરી લો એવી જ ભાષામાં એણે એમાં રજૂઆત કરી હતી. હદ એ વાતની હતી કે એણે પૅરિસમાં ભારતને જગતના પર્યાવરણને સુધારવા માટેના અનુદાનમાં ફદિયું ન આપનારા પણ લાભ લેનારા મફતિયા દેશ તરીકે ઓળખાવ્યું હતું. ટ્રમ્પના વર્તનની આ બે ઘટના વડા પ્રધાન અમેરિકા ગયા અને ડોનલ્ડ ટ્રમ્પને વળગી-વળગીને ભેટતા હતા એના એક મહિનાની અંદરની છે.

હવે ભારત ચીનની બાબતમાં કૂણું વલણ અપનાવવા લાગ્યું છે એટલે અમેરિકાને ભારતનો વિશેષ ખપ નથી. અમેરિકાએ ભારતીય માલ પરની જકાતમાં વધારો કર્યો છે. અમેરિકા ભારતીયોને આપવામાં આવતા H-૧ બી વીઝા પર અંકુશ મૂકવાનું છે એવા અહેવાલ છે. ઈરાન સાથે અમેરિકાએ અણુસંધી રદ કરી છે અને પ્રતિબંધો મૂક્યા છે એટલે ભારતે પણ ઈરાન સાથે વાણિજ્ય સંબંધ ખતમ કરી નાખવા જોઈએ એવો અમેરિકાનો આગ્રહ છે. ભારત રશિયા પાસેથી S-૪૦૦ ઍર ડિફેન્સ સિસ્ટમ ન ખરીદે અને અમેરિકા પાસેથી ખરીદે એવો આગ્રહ છે. આ દાદાગીરી છે અને દાદાગીરી કરતાં બેશરમી છે. જગતના ચૌટે કેવી રીતે વર્તવું એનું ટ્રમ્પને ભાન નથી.

અહીં વડા પ્રધાનને એટલી જ સલાહ આપવાની કે વિદેશવ્યવહારના પિરામિડને અનુસરો. વિદેશસચિવો નામના રસોઇયા રસોઈ રાંધી આપશે, વિદેશપ્રધાન ચાખી આવશે એ પછી વડા પ્રધાને અન્નકૂટમાં હાજરી આપવા જવું જોઈએ. બાકી ચીપિયા-તવેથા લઈને આપણે જ જગતમાં ફરતા રહીએ તો આવું થાય.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 29 જૂન 2018

Loading

બિચ્ચારા નીતીશકુમાર : લાલુ પ્રસાદ યાદવને મળીને તેઓ BJPનું નાક દબાવી રહ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 June 2018

રાજકારણમાં દોસ્તી કે દુશ્મની કાયમી નથી હોતાં, કાયમી હોય છે રાજકીય સ્વાર્થ.

સ્વાર્થ બદલાય એમ સંબંધો બદલાય છે. લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર આનું ઉદાહરણ છે. લાલુ પ્રસાદ યાદવ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો એને હજી એક વરસ પણ થયું નથી ત્યાં વળી નીતીશકુમાર પાછા સંબંધ સુધારવાના કામે લાગ્યા છે. ગયા મહિને તેઓ લાલુના પુત્ર તેજપ્રતાપ યાદવનાં લગ્નમાં હાજર રહ્યા હતા અને મંગળવારે નીતીશકુમાર ખાસ પટનાથી મુંબઈ લાલુના ખબર કાઢવા આવ્યા હતા. આ રાજકીય રમત સમજતાં પહેલાં બન્ને વચ્ચેના સંબંધોના ઉતાર-ચઢાવ પર એક નજર કરી લઈએ.

૧૯૭૦ના દાયકામાં બિહારમાં જ્યારે સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન ચાલતું હતું, ત્યારે લાલુ પ્રસાદ યાદવ વિદ્યાર્થીઓના નેતા હતા અને નીતીશકુમાર વિદ્યાર્થી આંદોલનના સિપાઈ હતા. ત્યારનો સંબંધ નેતા અને અનુયાયીનો હતો. બન્નેએ સાથે સંઘર્ષ કર્યો હતો અને સાથે જેલમાં પણ હતા. ૧૯૭૭માં ઇમર્જન્સીનો અંત આવ્યો અને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે બન્નેએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં લાલુ બિહારના જનતા દળના સર્વોચ્ચ નેતા હતા અને નીતીશકુમાર તેમના જમણા હાથ સમાન ખાસ માનીતા હનુમાન હતા.

લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્ય પ્રધાન બન્યા એ પછી બન્ને વચ્ચેનો સંબંધ બગડવા લાગ્યો હતો. એનાં બે મુખ્ય કારણ હતાં. એક તો એ કે લાલુ પ્રસાદ યાદવની સરકારમાં નીતીશકુમારને પ્રધાન બનાવવામાં નહોતા આવ્યા અને તેમને પક્ષ માટે ફાજલ રાખવામાં આવ્યા હતા અને બીજું, નીતીશકુમારને તેઓ જે જાતિમાંથી આવે છે એ કુર્મી સમાજની વોટબૅન્કની કિંમત સમજાઈ ગઈ હતી. યાદવોની સામે કુર્મીઓની વોટબૅન્ક વટાવી શકાય છે. લાલુ પ્રસાદ યાદવે જ્યારે કુર્મી વોટબૅન્કની પૂરી રાજકીય કિંમત ચૂકવવાની ના પાડી દીધી, ત્યારે તેમણે જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે મળીને પોતાની વોટબૅન્ક BJP સાથે વટાવી હતી. આમ ૧૯૯૪થી બિહારનું રાજકારણ દ્વિધ્રુવીય બની ગયું હતું. કૉન્ગ્રેસ તો પહેલાંથી જ ફેંકાઈ ગઈ હતી અને BJP નીતીશકુમારની આંગળિયાત હતી. આ ૨૦૧૪ સુધીની રાજકીય વાસ્તવિકતા હતી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને બિહારના રાજકારણનો ચહેરો બદલાઈ ગયો જેની કિંમત નીતીશકુમાર ચૂકવી રહ્યા છે અને હજી આજે પણ એનો અંત નથી આવ્યો. ૨૦૧૪માં તેમને ડર લાગ્યો હતો કે નરેન્દ્ર મોદીની વિકાસની વ્યાપક વોટબૅન્કમાં તેમની પોતાની કુર્મી તેમ જ અતિ પછાત વોટબૅન્ક ધોવાઈ જશે તો? આ ઉપરાંત NDAમાં રહેવાથી મુસલમાનોની વધારાની વોટબૅન્ક પણ હાથમાંથી જાય એવી શક્યતા છે. હવે જે BJP નજરે પડી રહી છે એ વાજપેયી-અડવાણીની BJP નથી, નરેન્દ્ર મોદી અને અમિત શાહની BJP છે અને એમાં મોટો ફરક છે. નીતીશકુમાર પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવા NDAમાંથી નીકળી ગયા હતા.

એ નિર્ણય ખોટો સાબિત થયો હતો. BJPને લોકસભાની ચૂંટણીમાં ૪૦માંથી બાવીસ બેઠકો મળી હતી. ૨૦૦૯માં BJPને ૧૨ બેઠકો મળી હતી. આ બાજુ નીતીશકુમારના પક્ષ JD(U)ની બેઠકો ૨૦માંથી બે થઈ ગઈ હતી. ૧૮ બેઠકો નીતીશે ગુમાવી હતી. લાલુ પ્રસાદ યાદવના પક્ષ RJDની ચાર બેઠકો હતી એ જળવાઈ રહી હતી અને ઉપરથી એને મળેલા કુલ મતમાં એક ટકાનો વધારો થયો હતો, JD(U)એ ૮.૨૪ ટકા વોટ ગુમાવ્યા હતા. હવે નીતીશકુમાર પાસે બે વિકલ્પ હતા; કાં તો NDAમાં પાછા જાય અથવા લાલુના શરણે જાય. NDAમાં પુન: પ્રવેશ થોડો મુશ્કેલ પણ હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો જોતા ત્યારે BJPના નેતાઓને એમ લાગતું હતું કે હવે બિહારમાં નીતીશની કાખઘોડીની જરૂર નથી. પાછા આવવું હોય તો જુનિયર પાર્ટનર તરીકે આવે, બાકી અમને નીતીશની જરૂર નથી.

ઘેરાઈ ગયેલા નીતીશકુમારે લાલુના શરણે જઈને ચૂંટણીજોડાણ કર્યું હતું. ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે RJD, JD(U) અને કૉન્ગ્રેસ વચ્ચે મહાગઠબંધન થયું હતું જેણે BJPને ધૂળ ચાટતી કરી મૂકી હતી. એ ચૂંટણીમાં JD(U)ને BJP કરતાં આઠ ટકા ઓછા અને RJD કરતાં બે ટકા ઓછા મત મળ્યા હતા. બેઠકોની વાત કરીએ તો લાલુ યાદવના પક્ષને JD(U) કરતાં નવ (અનુક્રમે ૮૦ અને ૭૧) બેઠકો ઓછી મળી હતી. નીતીશકુમાર બે ટકા મત અને નવ બેઠકથી પાછળ હોવા છતાં લાલુ યાદવે નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. નીતીશકુમારને ગઠબંધનના મુખ્ય પ્રધાન તરીકે પેશ કરવામાં આવ્યા હતા અને લાલુ પ્રસાદે વચન પાળ્યું હતું.

ગયા વરસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં BJPને મળેલા અકલ્પનીય અને અસાધારણ વિજય પછી નીતીશકુમારને એમ લાગવા માંડ્યું હતું કે ભવિષ્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJPનું છે એટલે ઉત્તર પ્રદેશની માફક BJP એક દિવસ આપણને કચડી નાખે એ પહેલાં દોસ્તી કરી લેવી જોઈએ. ગયા વરસના જુલાઈ મહિનામાં નીતીશકુમારે તેમના એક સમયના ગુરુ સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને NDAમાં જોડાઈ ગયા હતા. ત્રણ વરસના ગાળામાં નીતીશકુમારે કરેલી એ બીજી હિમાલય જેવડી ભૂલ હતી. તેમણે BJP સાથે હાથ મિલાવ્યા એના પછી તરત નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા ઝાંખી પડવા લાગી હતી અને હવે તો લગભગ તળિયે છે. ખોટા ટાણે ખોટા ઘરે લૂગડાં નાખ્યાં એનો અત્યારે નીતીશને વસવસો થઈ રહ્યો છે.

જેમનું એક સમયે સેક્યુલર મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નામ લેવાતું હતું એ નીતીશકુમાર અત્યારે ગદ્દાર તરીકે ઓળખાય છે. વિધાનસભામાં નવ બેઠક અને બે ટકા ઓછા મત હોવા છતાં મુખ્ય પ્રધાન બનાવનારા લાલુ યાદવ સાથે ગદ્દારી? આ બાજુ લાલુ યાદવની પ્રતિષ્ઠા અને પૉપ્યુલરિટી બન્ને વધી રહ્યાં છે એનાં ત્રણ કારણ છે. એક તો લાલુ યાદવને કરવામાં આવેલી જેલની સજા. જગન્નાથ મિશ્ર અને બીજા સવર્ણોને છોડી મૂકવામાં આવ્યા અને લાલુને સજા કરાઈ એને સવર્ણ-અવર્ણના જાતિના રાજકારણ સાથે જોડવામાં આવે છે. બીજું કારણ તેમની સાથે કરવામાં આવેલી ગદ્દારી છે અને ત્રીજું કારણ તેમનું રાજકીય સાતત્ય છે. તેમણે ક્યારે ય સેક્યુલર મૂલ્ય સાથે સમાધાન કરીને રાજકીય જોડાણ નથી કર્યાં. પ્રાદેશિક પક્ષોમાં લાલુ યાદવ એક માત્ર એવા નેતા છે જે સતત BJPની વિરુદ્ધ રહ્યા છે.

હવે? નીતીશકુમાર સામે પ્રશ્ન છે. એક તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઓટ આવી છે અને ૨૦૧૯માં BJPને બહુમતી મળે એવા કોઈ આસાર નજરે નથી પડતા. નીતીશકુમારને સમજાઈ ગયું છે કે તેમણે ગોળા સાથે ગોફણ ગુમાવી છે. BJP સાથે રહેવામાં ત્રણ રીતે નુકસાન છે. એક તો કેન્દ્ર સરકાર સામેની લોકોની નારાજગીની કિંમત નીતીશકુમારના પક્ષે પણ ચૂકવવી પડે. બીજું, તેમની પોતાની સરકાર સામેની નારાજગીની કિંમત તો ખરી જ અને ત્રીજું સૌથી મોટું નુકસાન લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં થવાનું છે. BJP બેઠકોની ફાળવણીમાં ૨૦૧૪નાં પરિણામોને રેફરન્સ તરીકે લેવાનો આગ્રહ રાખે છે. ૨૦૧૪માં ૪૦માંથી બાવીસ બેઠકો મળી હતી એ સ્વાભાવિકપણે છોડવા નથી માગતી. આ ઉપરાંત NDAના બીજા બે સાથીપક્ષોને નવ બેઠકો મળી હતી અને એ પક્ષો પોતાની બેઠક છોડવાના નથી. નીતીશને તો માત્ર બે જ બેઠકો મળી હતી.

તો પછી કરવું શું? રાજકીય અસ્તિત્વ કઈ રીતે ટકાવી રાખવું? ફરી પાછી ગુલાંટ મારીને મહાગઠબંધનમાં પાછા ફરવું? લાલુ યાદવ પ્રવેશ આપશે? આ બધા પ્રશ્નો છે, પરંતુ એની વચ્ચે એક ફાયદો થઈ શકે એમ છે. BJP પણ ક્યાં અનુકૂળતા ધરાવે છે? બિહારમાં નીતીશકુમારની મદદ વિના BJPને દસ બેઠક પણ મળે એમ નથી ત્યાં ૨૦૧૪ની બાવીસ બેઠકો તો બહુ દૂરની વાત છે. નીતીશકુમાર આ જાણે છે એટલે નરેન્દ્ર મોદીની ટીકા કરીને, કેન્દ્ર સરકારની નીતિઓની નિંદા કરીને અને લાલુ પ્રસાદ યાદવને મળતાં રહીને તેઓ નાક દબાવવા માગે છે.

જુઓ આગળ આગળ શું થાય છે. આ રાજકારણ છે જેમાં કાંઈ પણ થઈ શકે.

સૌજન્ય : કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 જૂન 2018

Loading

...102030...3,0683,0693,0703,071...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved