Opinion Magazine
Number of visits: 9579867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક જિંદગી કાફી નહીં; અલવિદા, કુલદીપ નૈયર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 September 2018

વાતાવરણ નિરાશાજનક હતું. નેફા(નોર્થઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી – અરુણાચલ પ્રદેશ)નો ખાસ્સો એવો ભાગ હાથમાંથી ગયો હતો. ભારતીય દળો છેક તેઝપુરની તળેટી સુધી પાછાં આવી ગયાં હતાં. લાચારીનાં વાદળ એવાં ફેલાઈ રહ્યાં હતાં કે, જે લોકો બહાદુર હતા તે પણ ઢીલા પડી ગયા હતા. વડાપ્રધાન હતા તો દૃઢ, પણ એમને એનો અંદાજ આવતો ન હતો કે, સ્થિતિ કેવી આકાર લેશે. એક સાંસદ ખાડીલકર (જે હવે નાયબ સ્પીકર પણ હતા) લોબીમાં એમને મળ્યા, અને ડિપ્લોમેટિક રસ્તો અપનાવા સૂચન કર્યું. નાસેર (ઈજિપ્તના ગમાલ અબ્દેલ નાસેર) કામ આવે?

નાસેર નિરાશાજનક નીકળ્યા, નેહરુ બોલ્યા. મોસ્કો? ‘મને બહુ આશા નથી,’ એ બોલ્યા.

એક ખાલીપો ઘેરાઈ વળ્યો હતો. ચીન સાથે શાંતિની બુનિયાદ પર એમણે જે કંઈ ઊભું કર્યું હતું, તેને આમ ધરાશાયી થતું જોઇને એમને કેટલી પીડા થતી હશે. એમના ઘરમાંથી વાતો આવતી હતી કે, એ સામાન્ય કરતાં વધુ મૌન થઇ ગયા હતા, વિચારો પ્રગટ કરતા ન હતા, અને ક્યારેક ચિંતામાં ધ્રૂજતા હતા. ગુટ-નિરપેક્ષ દેશો છેહ દઈ ગયા હતા.

ઈમર્જન્સી કેબિનેટ બેઠકમાં ગૃહપ્રધાન (લાલ બહાદુર) શાસ્ત્રીએ સૂચન કર્યું કે, ભારત ચાઉં-એન-લાઈના પત્રમાં ચીનનો જે પ્રસ્તાવ છે, તે સ્વીકારી લે. વડાપ્રધાને કહ્યું, ‘ના.’ બીજા મંત્રીઓ PMના પક્ષમાં હતા. રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને સાહસિક સમાધાન સૂચવવા બદલ ગૃહપ્રધાનની પ્રસંશા કરી. નેફામાં એવા-એવા ધબડકા હતા કે, સૈન્યના વડા જનરલ થાપરનું રાજીનામું ગમે ત્યારે આવવાનું હતું.

ગૌહાટીથી ડિમાન્ડ હતી કે, દિલ્હીથી કોઈ વરિષ્ઠ નેતા આસામની મુલાકાત લે. નવી દિલ્હીને આસામની પડી નથી, એવા જનતાના રોષથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને દુઃખી હતા. નેહરુના પ્રજાજોગ સંદેશમાં ‘અત્યારે મારી સહાનુભૂતિ આસામની જનતા સાથે છે’ વિધાનનો અર્થ, રાજ્યને ‘ગુડબાય’ એવો થયો. ઘણા આસામીઓ ખુલ્લેઆમ કહેતા હતા કે, રાજ્યને અનાથ છોડી દેવા બદલ, આપણે ચીનાઓ સાથે હાથ મિલાવીને ‘દિલ્લીવાળાઓ’ને પાઠ ભણાવો જોઈએ. અંતે લાલબહાદુર શાસ્ત્રીને આસામ જવા કહેવામાં આવ્યું.

ઉપરની આ આખી વાત, ચીને શસ્ત્રવિરામ જાહેર કર્યો તેના બીજા દિવસે, 20 નવેમ્બર, 1962ના રોજ લખાયેલી છે, અને એ પત્રકાર કુલદીપ નૈયરની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઈન્સ’નો હિસ્સો છે. આ કુલદીપ નૈયરનું 95 વર્ષની ઉંમરે ગયા બુધવારે અવસાન થઇ ગયું.

પત્રકારો તો ઘણા છે, પણ જેના જવાથી એક આખો ઇતિહાસ પણ જાય, એવા પત્રકારો જૂજ છે. નૈયર એમાંના એક. જેણે વિભાજનનું દર્દ ભોગવ્યું હોય, અને જે સ્વતંત્ર ભારતમાં નવા ઇતિહાસના સાક્ષી બન્યા હોય એવા પત્રકારો તો કદાચ હવે રહ્યા નથી. કુલદીપ નૈયર એમાં હતા, હવે એ પણ ગયા. એમની માતા પાસેથી 120 રૂપિયા લઈને સિયાલકોટથી દિલ્હી આવનારા નૈયર પરિવારના પહેલા સભ્ય હતા. દિલ્હી દંગાની લપેટમાં હતું. નૈયરની ટ્રેન 24 કલાક સુધી મેરઠમાં અટવાયેલી રહી. દિલ્હી પહોંચીને એ સીધા જ બિરલા હાઉસ ગયા, જ્યાં ગાંધીજી રહેતા હતા. ત્યારે એમની ઉંમર 24 વર્ષની હતી.

એમની આત્મકથામાં નૈયર લખે છે, “મારી જિંદગીમાં વિભાજનની જેટલી અસર પડી છે, તેટલી બીજી કોઈ બાબતની નથી પડી. વિભાજને મને મારાં મૂળિયાંમાંથી ઉખાડી નાખ્યો. મારે એક નવા માહોલમાં નવેસરથી જિંદગી શરૂ કરવી પડી. જિંદગીમાં દરેક નવી શરૂઆત અનોખી હોય છે. હું ભૂલમાં પત્રકારત્વમાં આવી ગયો હતો. મારે વકીલ થવું હતું, અને ડિગ્રી પણ મેળવી હતી. સિયાલકોટમાં હું વકીલ તરીકે નામ નોધાવું, તે પહેલાં ઇતિહાસ આડો આવ્યો. ભારતનું વિભાજન થઇ ગયું, અને હું દિલ્હી આવી ગયો, જ્યાં ઉર્દૂ અખબાર ‘અંજામ’માં મને નોકરી મળી. હું હંમેશાં કહું છું કે, મારા પત્રકારત્વનો આગાજ (આરંભ) અંજામ(અંત)થી શરૂ થયો.’

નૈયરને ઉર્દૂનો ખૂબ શોખ હતો. દરિયાગંજ-દિલ્હીમાં એ મશહૂર શાયર હસરત મોહાનીને મળ્યા, અને એમનો જ એક શેર બોલ્યા;

નહીં આતી તો યાદ ઉનકી, મહિનો તક નહીં આતી
મગર જબ યાદ આતે હૈ તો અકસર યાદ આતે હૈ

મોહાનીએ પૂછ્યું, ‘ઉધર સે લગતે હો, પર કિધર સે?’ ‘સિયાલકોટથી’, નૈયરે કહ્યું. ‘ઇકબાલ પણ ત્યાંના જ છે.’ મોહાની બોલ્યા. ઇકબાલ, ફૈઝ બંને સિયાલકોટના હતા. મોહાનીએ નૈયરને ત્યારે કહેલું કે, હિન્દુસ્તાનમાં ઉર્દૂનું મહત્ત્વ ઘટી જશે, અને એમના કહેવાથી નૈયરે અંગ્રેજી પત્રકાર બનવાનું નક્કી કર્યું.

નૈયરની આત્મકથા એમની જ નહીં, આઝાદ ભારતની કહાની છે. આ આત્મકથા 1940થી શરૂ થાય છે, જ્યારે ‘પાકિસ્તાન-પ્રસ્તાવ’ પસાર થયો હતો. વીસ પ્રકરણોમાં વિભાજિત આ પુસ્તકમાં ભારત-પાકિસ્તાન વિભાજન, ચીનનું યુદ્ધ, બાંગ્લાદેશનું યદ્ધ, 1975ની કટોકટી અને 1977ની ચૂંટણી, ઓપરેશન બ્લુ સ્ટાર, રાજીવ ગાંધી અને વી.પી. સિંહનો દૌર, બાબરી ધ્વંસ, ભા.જ.પ.ની પહેલી સરકાર અને મનમોહન સિંહની સરકારના સમયનું વિવરણ છે.

ભારતમાં ભાગ્યે જ કોઈ પત્રકાર હશે, જેણે હિંમતથી, સ્પષ્ટતાથી અને ભાવનાથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના એક મહાસંઘની તરફદારી કરી હોય. નૈયર લખે છે, ‘મારા માટે આ પ્રતિબદ્ધતાનો સવાલ છે, જૂની યાદો સાથે જોડાયેલી લાગણીઓનો નહીં. મને આશા છે કે એક ને એક દિવસ દક્ષિણ એશિયા શાંતિ, સદ્દભાવના અને સહકારની સહયોગી દુનિયા બનશે. મહાદ્વીપ પર લાંબા સમયથી છવાયેલાં નફરત અને દુશ્મનીનાં વાદળો વચ્ચે પણ હું આ ઉમ્મીદ કરું છું.’

નેતાઓ કે લેખકો તો બીજાં પુસ્તકો વાંચીને ઇતિહાસ લખતા હોય છે. નૈયર તો એ જીવ્યા હતા, એના સાક્ષી હતા. ગાંધીજીની હત્યા પછી સ્થળ ઉપર પહોંચનારા પત્રકારોમાં નૈયર પણ હતા. એ ‘અંજામ’ સમાચારપત્ર તરફથી રિપોર્ટિંગ કરવા ગયા હતા. એનું વિવરણ આજના કોઈપણ પત્રકાર માટે રોમાંચક છે. એ દિવસ યાદ કરીને નૈયર લખે છે,

‘30 જાન્યુઆરી, 1948નો એ દિવસ શિયાળાના અન્ય દિવસ જેવો જ હતો. હલકો તડકો અને ઠંડક હતી. કાર્યાલયના એક ખૂણામાં પી.ટી.આઈ.નું ટેલિપ્રિન્ટર સતત શબ્દો છાપી રહ્યું હતું. ડેસ્ક ઇન્ચાર્જે મને લંડનના એક સમાચાર અનુવાદ કરવા આપ્યા હતા. હું ચા પીતાં-પીતાં ધીમે-ધીમે કામ કરી રહ્યો હતો. એવામાં ટેલિપ્રિન્ટરની ઘંટી વાગી. હું કૂદીને ટેલિપ્રિન્ટર પાસે પહોંચ્યો, અને મેં એમાંથી બહાર આવતા ‘ફ્લેશ’ને વાંચ્યો – ગાંધી શોટ. મિનિટોમાં જ હું અને મારો એક સહકાર્યકર મોટરબાઈક પર સવાર થઇ બિરલા હાઉસ પહોંચ્યા. મેં ગમગીનીનો માહોલ જોયો.

ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને ત્યાં જતા અને ગાંધીને સલામી આપતા જોયા. થોડા અંતર પર પટેલ, નેહરુ અને રક્ષામંત્રી બલદેવ સિંહ ચિંતામાં હતા કે, આ અનહોની ઘટનામાંથી પેદા થનારી હિંસામાંથી દેશને કેવી રીતે બચાવી શકાય. ત્યાં જ એ નક્કી થયું કે, રેડિયો પર એ જાહેરાત કરવામાં આવે કે, મારવાવાળો મુસલમાન નથી, જેથી મુસલમાનોને કાતિલ માનીને એમની વિરુદ્ધ હિંસા ન ભડકે.’ એ પછીનો પૂરો ઘટનાક્રમ નૈયરે ચશ્મદીદ ગવાહ તરીકે લખ્યો છે. આ અને આવાં અનેક દૃષ્ટાંત સાથેનું ‘બિયોન્ડ ધ લાઈન્સ’ ભારતનો રાજનૈતિક દસ્તાવેજ છે.

અભિજ્ઞાનશકુંતલમાં એક શ્લોક છે:


यद्यत्साधु न चित्रे स्यात् क्रियते तत्तदन्यथा ।


तथापि तस्या लावण्यं रेखया किंचिदन्वितम् ।।

લેખક ‘દિવ્ય ભાસ્કર’ વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રી છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 02 September 2018 

https://www.divyabhaskar.co.in/rasdhar/bhaskar-galaxy/raj-goswami/news/RDHR-RAJG-HDLN-article-by-raj-goswami-gujarati-news-5949823-NOR.html

Loading

‘લેઈડ બેક ઓસ્ટ્રેલિયા’

આરાધના ભટ્ટ|Diaspora - Features|5 September 2018

દરેક દેશની, એની પ્રજાની, એક તાસિર હોય છે. આ તાસિર, એ દેશના રોજિંદા જીવનનો લય, એ પ્રજાની જીવનદૃષ્ટિ અને જીવનપદ્ધતિ ક્યારેક પહેલી નજરે દૃશ્યમાન ન થાય. ઓસ્ટ્રેલિયાના ભૂરાબિમ્બ સ્વચ્છ સાગરના, ચળકતી સફેદ રેતીવાળા તટ, ઓસ્ટ્રેલિયાના ટ્રોપિકલ રેઇનફોરેસ્ટ અને એનો લાલ મધ્ય ‘રેડ સેન્ટર’ તરીકે ઓળખાતો રણનો પટ – આ બધું એક પ્રવાસીને આકર્ષે છે. કોઈક પ્રવાસી વળી ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં ડોકિયું કરવા પ્રયત્ન કરે, અહીંની આદિજાતિઓની સંસ્કૃિતની ઝલક લેવા મ્યુિઝયમ કે આર્ટ ગેલેરીનો આંટો મારે અને ચિનમાં ઉત્પાદિત એબોરિજિનલ આર્ટના નમૂના કે સુવેનિયર ખરીદી આ સ્મૃિતચિહ્નોમાં સમેટાયેલો આખો દેશ પોતાની સાથે લઈને ઘેર પાછા ફરે.

નવો દેશ જોવા જઈએ ત્યારે આપણે બધાં આમ કરીએ છીએ. આપણા મર્યાદિત અનુભવોના આધારે જે તે દેશ, એની પ્રજા વિષે સારા-નરસા અભિપ્રાયો, ખૂબ આત્મવિશ્વાસપૂર્વક ઉચ્ચારીએ છીએ.

જીવન એક જ છે, એમાં જોવા જેવું અને અનુભવવા જેવું ઘણું છે. પ્રવાસ- પર્યટન કરીને સ્થળો જોવાં, અલગ અલગ સંસ્કૃિતઓનો પરિચય કરવો એ આહ્લાદક છે. પણ જ્યારે બીજા દેશમાં વસવાટ કરીને એક જિંદગીમાં બીજો જન્મ લેવાની તક મળે ત્યારે જે નિકટતાથી નવા દેશના પરિસરનો પરિચય કેળવાય છે, જે ઊંડાણથી એનું વિશ્લેષણ કરવાની તક મળે છે એ અનુભવ પરમ તૃપ્તિ આપે એવો હોય છે. નવા વાતાવરણમાં નવેસરથી ગોઠવાવામાં કષ્ટો તો પડે, પણ એ પરમ તૃપ્તિ સામે એ કષ્ટો ધીમેધીમે નગણ્ય લાગવા માંડે અને આપણે, આપણી જાણ બહાર, વિકસીએ; માનવીમાંથી વિશ્વમનાવી બનવાની દિશામાં આગળ વધીએ.

એની ભૌગોલિક સ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાને 'લેન્ડ ડાઉન અંડર' કહે છે. બાકીના વિશ્વથી ‘આઉટ ઓફ ધ વે’ કહેવાય એવા, પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એનો ખૂબ મોટો પ્રદેશ વિસ્તરેલો છે. આ ‘લેન્ડ ડાઉન અંડર’નો વ્યાપ એટલો તો મોટો છે કે અહીં કોઈએ કોઈ સાથે સ્પર્ધા કરવી પડે એવું ભાગ્યે જ બને. એક ચોરસ કિલોમીટરમાં અહીં સરેરાશ માત્ર 3.2 વ્યક્તિઓ વસે છે એવું 2018ના પોપ્યુલેશન ડેન્સિટીના આંકડા કહે છે. સૌ માટે પૂરતો અવકાશ, સૌને માટે પૂરતી જગ્યા હોવાથી અહીંના જીવો એકંદરે સંતુષ્ટ અને આનંદી. ઓસ્ટ્રેલિયનો પોતાને 'લેઈડ બેક' પ્રજા તરીકે ઓળખાવે છે. અજાણ્યા લોકો પણ ચિરપરિચિત હોય એમ 'ગ ડાય માઈટ' (Good day, mate!) કરીને વાતોએ વળગે, એકમેકને બિયર પણ પીવડાવે અને કલાકો સુધી અલકમલકની વાતો કરીને હસી – હસાવી શકે.

અહીં વસવાટને હવે ત્રણ દાયકાથી વધુ થયા. શરૂઆતનાં કેટલાંક વર્ષો અહીંની મુખ્ય પ્રવાહની સ્કૂલ-કોલેજમાં શિક્ષિકાનું કામ કર્યા પછી હવે પતિની મેડિકલ પ્રેકટીસમાં મેનેજમેન્ટનું કામ કરું છું. ક્યાં શિક્ષણ અને ક્યાં તબિબી વાતાવરણનું કામ?- એવું કોઈને લાગે તો એ વ્યાજબી છે. પણ જ્યારે પાછું વાળીને જોઈએ ત્યારે લાગે કે સ્વેચ્છાએ અને અનાયાસે શરૂ કરેલા આ નવા વ્યવસામાં રોજેરોજ ઘટતી નાની-નાની ઘટનાઓ અને પ્રસંગો દ્વારા અહીંની પ્રજા વિષે, એમની સંસ્કૃિત વિષે અને સમગ્ર માનવજાત વિષે જે પાઠ શીખવાની તકો મળી છે એનાથી રળિયાત છું. સાવ સાદા લોકો, ન કોઈ વિશેષ ભણતર કે તેજસ્વી કારકિર્દીનાં છોગાં, ન તો કોઈ મહાન સંસ્કૃિતના વારસદાર હોવાનો દાવો, છતાં જાહેર જીવનમાં એમની સરળ-સહજ માનવીયતા જોઈને ક્યારેક ભાવવિભોર થઇ જવાય.

ગઈકાલની જ વાત કરું તો …. મેડિકલ પ્રેક્ટિસનો વેઇટિંગ રૂમ ભરચક છે. ત્રણ-ચાર વર્ષની એક બાળકી, વેઇટિંગ રૂમમાં બાળકો માટે રાખેલી વાર્તાની પુસ્તિકાઓ પૈકી એક પસંદ કરીને એના ડેડીને કહે છે મને આ વાંચી સંભળાવો, વાર્તા પૂરી થાય એ પહેલાં ડોક્ટર પાસે જવાનો એમનો વારો આવે છે. કન્સલ્ટિંગમાંથી પાછાં આવી બાળકીની હઠ પૂરી કરવા એના ડેડી ફરીથી વેઇટિંગ રૂમમાં બેસીને એ વાર્તાનું પઠન પૂરું કરે છે. છતાં એ બાળકી એ વાર્તાથી ધરાતી નથી. એને એ પુસ્તિકા ઘેર લઇ જવી છે. 'આઈ વોન્ટ ટુ બાય ધીસ બુક એન્ડ ટેઈક ઈટ હોમ' કહીને એ લગભગ રડવા માંડે છે. બાપ એને સમજાવે છે કે આ બુકશૉપ નથી, અહીંથી પુસ્તક ખરીદી શકાય નહીં, એ પુસ્તક આ ક્લિનિકનું છે’. બાળકીનો પુસ્તક-પ્રેમ મને સ્પર્શી જાય છે, વાર્તાના પુસ્તકને માટે આટલી જીદ કરે એવું બાળક આજે ક્યાં જડે? બાળકીના વાંચન શોખને બિરદાવવાના ભાવથી હું એના ડેડીને કહું છું કે કઈં વાંધો નહીં, એને એ વાર્તા ગમી તો એ પુસ્તક લઇ જાવ, અહીં ઘણી વાર્તાની ચોપડીઓ છે. માંડ ત્રીસ-પાંત્રીસ વર્ષનો યુવાન ડેડી મારો આભાર માનીને કહે છે કે ના, એને એ રીતે ખોટી ટેવ ન પડાય, કોઈની વસ્તુ એમ જીદ કરીને લઇ જવું બરાબર નથી.

થોડા દિવસ પર એક મહિલા એના દીકરા સાથે ક્લિનિક બંધ કરવાને થોડી મિનિટો હતી ત્યારે આવી. 'હું ડોક્ટરને બતાવી શકું? મેં એપોઇન્ટમેન્ટ નથી કરી'. એ કન્સલ્ટિંગ કરીને બહાર નીકળી ત્યારે ક્લિનિક બંધ કરવાના સમય બાદ દસ-પંદર મિનિટ થઇ હતી. અમને ઘેર જવાનું મોડું કરવા બાદલ એણે દિલથી માફી માંગી. મેં વિવેક કર્યો 'ઇટ્સ ઓકે', ત્યારે મને વઢપૂર્વક કહ્યું 'નો ઇટ્સ નોટ ઓકે, યુ હેવ આ ફેમિલી વેઇટિંગ ફોર યુ એટ હોમ'. જાણે મને કહેતી હોય 'તમારે ઘેર પણ બાળકો છે, એમની પાસે જવાની તમને ઉતાવળ નથી?'

આવા પ્રસંગોનું કદાચ આખું પુસ્તક લખી શકાય, પણ એક પ્રસંગ જે સ્મરણપટ પર સદાને માટે અંકિત થઇ ગયો છે તે થોડો રમૂજી પણ છે. એક 90 વર્ષિય વોર વિડો – યુદ્ધમાં જાન ગુમાવનાર સૈનિકનાં પત્ની, એક શનિવારે સવારે ડોક્ટરને બતાવવા આવે છે. આવે છે ટેક્સીમાં, કારણ કે ઓસ્ટ્રેલિયાની સરકાર વોર વેટરન્સને જે અનેક સવલતો આપે છે તે પૈકી એક સવલત એ પણ છે કે એમને ટ્રાન્સપોર્ટ માટે સસ્તા દરે ટૅક્સી મળે અથવા સરકારી ટ્રાન્સપોર્ટની વાન એમને યાતાયાત પૂરી પાડે. વયસહજ શરતચૂકથી એમણે ઘેર પાછા ફરવાની વ્યવસ્થા કરી નથી, કઈ ટેક્સી કંપની અથવા તો કઈ ટ્રાન્સપોર્ટ સેવા પાસે એમની આજની ટ્રીપનું બુકિંગ થયેલું છે એ એમને ખ્યાલ નથી. હું પાંચ-છ ફોન કરું છું, અને એમને પાછા જવા માટે ‘ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ’ નામના સરકારી ખાતાની અધિકૃત સેવા શોધું છું, જેથી એમને એમની નિઃશુલ્ક સેવા મળી રહે, પણ એમાં નિષ્ફળતા મળે છે. આખરે હું એમને કહું છું 'કઈં નહીં, મારું કામ અહીં થોડું હળવું થાય એટલે હું જાતે જ તમને તમારે ઘેર મૂકી જઈશ, તમે થોડી વાર અહીં બેસી રાહ જોશો?' મારી બધી વાતચીત એક સિત્તેર વર્ષના નિવૃત્ત સાંભળી રહ્યા છે. આખી જિંદગી કોલસાની ખાણમાં કામ કરીને ઘસાઈ ગયેલા અને જકડાઈ ગયેલા સાંધા ઉપરાંત અનેક શારીરિક તકલીફો છતાં એમની રમૂજવૃત્તિ અકબંધ છે. મારી ડેસ્ક પાસે આવી, ધીમે રહીને મને એ વૃદ્ધાનું સરનામું પૂછે છે, 'હું એમને ડ્રાઇવ કરીને મૂકી આવું છું'. બીજા કોઈ ન સાંભળે એમ, પોતે કોઈ બહુ મોટું સેવાનું કામ કરી રહ્યા છે એવા કોઈ ભાર વિના એ સહજતાથી આ પ્રશ્ન પૂછે છે. અને પછી એ ઘેર જવાની રાહ જોતાં વૃદ્ધાને સત્તર વર્ષના યુવાનની અદાથી કહે છે 'કમ ઓન લવ, ધિસ હેન્ડસમ યંગ મેન વીલ ટેઈક યુ હોમ'- ચાલો પ્રિયે, આ દેખાવડો યુવાન તમને ઘેર મૂકી જશે!'

કોઈક જૂની હોલીવુડ ફિલ્મનું દૃશ્ય અથવા જૅઈન ઓસ્ટિનની નવલકથાનું દૃશ્ય ભજવાતું હોય એમ એમ અમે સૌ એ બંનેને હાથમાં હાથ નાંખીને જતાં જોઈ રહ્યાં!

જીવનમાં, માનવતામાં અને સારપમાં શ્રદ્ધા જળવાઈ રહે એનાથી વધુ સમૃદ્ધિ બીજી કઈ હોઈ શકે?     

e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

ચાર્લી ચેપ્લિનનો દીકરી જેરાલ્ડિનને પત્ર …

અનુવાદ : બ્રિજેશ પંચાલ|Opinion - Opinion|5 September 2018

ચાર્લી ચેપ્લિન દીકરી જેરાલ્ડિન સાથે

ડિસેમ્બર, ૧૯૬૫.

મારી દીકરી (જેરાલ્ડિન) !

આજે ક્રિસમસની રાતે, મારા નાનકડાં મહેલના બધાં યોદ્ધાઓ સૂઈ ગયા છે. તારાં ભાઈ-બહેન અને તારી મા સુધ્ધાં. પરંતુ હું જાગી ગયો છું અને મારા રૂમમાં આવ્યો છું. તું મારાથી કેટલી દૂર છે! તારો ચહેરો સદા મારી આંખો સામે જ રહે છે. નહીં તો હું અંધ થઈ જવાનું પસંદ કરું. આ તારી છબી માત્ર ટેબલ ઉપર જ નહીં, મારા હૃદયમાં પણ છે. અને તું ક્યાં છે? છેક સ્વપ્ન-નગરી પેરિસમાં, ધ ચેમ્પ્સ-ઍલિસિયસના૧ ભવ્ય રંગમંચ ઉપર ડાન્સ કરતી હોઈશ! રાત્રિની આ નીરવ શાંતિના અંધકારમાં જાણે મને તારાં પગલાનો અવાજ સંભળાય છે. શીતલ રાતના આકાશમાં ચમકતા તારાઓ સમી તારી આંખો દેખાય છે.

મેં સાંભળ્યું છે કે આ વખતના એક ઉત્સવમાં તું એક પર્શિયન બ્યુટી કેપ્ટિવ તતાર૨ ખાનની નાનકડી ભૂમિકા ય ભજવી રહી છે. હજુ વધારે સોહામણી બન અને નૃત્ય કર. તારિકા બન અને ખૂબ ઝળહળ. જ્યારે તને પ્રેક્ષકોની પ્રશંસા અને કૃતજ્ઞતાનો નશો ચડે. સુંગધિત ફૂલોની સુવાસ તારું માથું ભમાવી દે ત્યારે તું એક ખૂણામાં જઈને મારા પત્રો વાંચજે અને તારાં મનની વાત સાંભળજે.

હું તારો પિતા છું જેરાલ્ડિન! હું છું ચાર્લી, ચાર્લી ચૅપ્લિન! તને ખબર છે? તું નાની હતી ત્યારે હું કેટલી ય વાર તારી પથારી પાસે બેઠો છું, તને સ્લીપિંગ બ્યૂટીની૩, ડ્રેગનને જગાડવાની વાર્તા કહેવા. મારી ઊંઘરેટી આંખોમાં સ્વપ્ન આવે તો હું એમને ઉપહાસથી કહેતો – “જાઓ … જાઓ … મારાં સપનાંઓ જાઓ … મારે તો જોવું છે એક જ સ્વપ્ન – મારી દીકરીનું.”

હા જેરાલ્ડિન! મેં તારાં બધાં સ્વપ્ન જોયાં છે. મેં તો એક છોકરીને સ્ટેજ ઉપર નૃત્ય કરતી જોઈ છે. ને મને તો ત્યારે ય લોકોની બૂમો સંભળાતી હતી –  “જુઓ … જુઓ … આ છોકરી. આ છોકરી. એ પેલા ગાંડિયા ડોસલાની છોકરી છે; જેનું નામ હતું ચાર્લી.” હા બેટા! હું જ એ ગાંડિયો ઘરડો ચાર્લી. પણ આજે તારો વારો છે. તું તારે નાચ. હું લઘરવઘર પહોળા પેન્ટમાં નાચતો હતો. રાજકુમારી, તું રેશમી વસ્ત્રોમાં નાચ.

ક્યારેક ક્યારેક આ નૃત્ય અને લોકોની પ્રશંસા તને સ્વર્ગ જેવો અનુભવ કરાવશે. ત્યારે આભ ઢૂંકડું લાગશે. પણ વળી ધરતી ઉપર આવી જજે. તારે લોકોની જિંદગીને નજીકથી જોવી જોઈએ. રસ્તા ઉપર ઠંડી અને ભૂખથી ધ્રૂજતા નર્તકોને જોવા જોઈએ. જે લોકો કડકડતી ઠંડી અને ભૂખ સાથે ય નાચતા હોય છે. જેરાલ્ડિન! હું એમાંનો જ એક હતો. એ જાદુઈ રાતોમાં જ્યારે તું મારી પરીઓની વાતો સાંભળતાં સાંભળતાં ઊંધી જતી, ત્યારે હું જાગતો હતો અને તારો ચહેરો જોયા કરતો હતો. તારાં ધબકારા સાંભળતો અને મારી જાતને પૂછતો – “ચાર્લી! આ બચ્ચું તને ક્યારે ય સમજી શકશે?” તું મને જાણતી નથી, જેરાલ્ડિન! મેં તને અનેક વાર્તાઓ કહી છે પણ મારી વાત ક્યારે ય નથી કરી. એ વાત પણ રસપ્રદ છે. જે ભૂખ્યાડાંસ વિદૂષકની કથા છે.

જે લંડનની ઝૂંપડપટ્ટીઓમાં જઈને ગાતો, નાચતો અને પછી હાથ ફેલાવીને ભીખ માગતો! આ મારી હકીકત છે, બેટા. હું જાણું છું ભૂખ શું ચીજ છે. માથા ઉપર છત ન હોવી એટલે શું? અને એનાથી ય વિશેષ મને અનુભવ છે એક યયાવર-વિદૂષકની અપમાનજનક પીડાઓનો, જેની છાતીમાં સ્વાભિમાનનો દરિયો ઘૂઘવતો હતો, પણ એક સિક્કાના ખણકાટથી એ ચૂર ચૂર થઈ જતો હતો. એમ છતાં હું જીવ્યો. જવા દે એ વાત. બહેતર છે કે તારા વિશે વાત કરું.

જેરાલ્ડિન! તારા નામ પાછળ મારું નામ હશે – ચેપ્લિન! આ નામ સાથે જ છેલ્લાં ચાલીસ વર્ષથી હું દુનિયાના લોકોને હસાવી રહ્યો છું. એમના હાસ્ય કરતા હું વધુ રડ્યો છું. જેરાલ્ડિન! અડધી રાતે જ્યારે તું વિશાળ હૉલમાંથી બહાર આવે ત્યારે તું શ્રીમંત પ્રશંસકોને ભૂલી જઈશ તો ચાલશે. પરંતુ કદી ભૂલી ના જતી કે જે ટેક્સી ડ્રાઈવર તને ઘરે લઈ જઈ રહ્યો છે; એની પત્ની ગર્ભવતી હોય ને એની પાસે આવનાર બાળકના બાળોતિયાંના રૂપિયા ના હોય તો એના ખિસામાં થોડા વધારે રૂપિયા મૂકી દેજે. મેં બેન્કને તારા આવા ખર્ચા ભોગવવા કહ્યું છે. બાકી અન્ય ખર્ચા હિસાબની સામે જ મળશે.

જેરાલ્ડિનની ઈ.સ. ૧૯૯૪ની તસ્વીર

સમય-સમય પર મેટ્રો અથવા બસનો ઉપયોગ કરજે અને ક્યારેક પગપાળા ફરીને શહેર આખાને જોવા નીકળજે. માણસોની ભીતર જોજે. ક્યારેક વિધવા અને અનાથોની સંભાળ લેજે. અને આખા દિવસમાં પોતાની જાતને કહેજે – “હું આમાંની જ એક છું.” હા બેટા, તું એમાંની એક છોકરી છે.  આથી વધારે કહું તો, જ્યારે કોઈને ઊંચે ઊડવા માટે પાંખો આપે તે પહેલાં મોટે ભાગે વ્યક્તિ પોતાના પગ ભાંગી નાખે છે. ને હા જો કોઈ દિવસ એવું લાગે કે બાકીના પ્રેક્ષકો કરતાં તેઓ વધુ ઊંચા છે, ત્યારે ટેક્સી લઈને પેરિસના પાડોશી વિસ્તારોમાં નીકળી પડજે. હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું. ત્યાં તારાં જેવા અથવા તારાંથી વધારે સુંદર-દેખાવડા, પ્રભાવશાળી અને અતિ ગર્વીષ્ઠ નર્તકો જોવા મળશે. તમારા સભાગૃહોની ચકાચૌંધ કરનારો પ્રકાશ ત્યાં લેશ પણ નહિ હોય. એમની માટે તો ચંદ્ર જ એમની સ્પોટલાઈટ છે. બરાબર જોજે. નિરીક્ષણ કરજે. તારા કરતાં વધુ સુંદર નૃત્ય કરતાં હોય તો નાચતી નહીં. બેટા, સ્વીકારી લેજે કે તારાથી ચડિયાતો નર્તક કોઈ હશે જ. તારા કરતાં વધુ સારું કોઈ વગાડતું હશે જ. એક વાત યાદ રાખજે. ચાર્લી ખાનદાન એમાંનું નથી જે નાસીપાસ થઈને કોઈ કિનારે જઈને બેઠેલાની મશ્કરી કરે.

ચાર્લી ચેપ્લિન દીકરી જેરાલ્ડિન સાથે

હું મરી જઈશ પણ તારે જીવવાનું છે. મારી ઈચ્છા છે તું ગરીબી ક્યારે ય ના જુએ. આ પત્ર સાથે હું તને ચેકબુક પણ મોકલું છું. જેથી તું મન ફાવે એટલો ખર્ચો કરી શકે. જ્યારે તું બે રૂપિયા વાપરે ત્યારે ધ્યાન રાખજે ત્રીજો રૂપિયો તારો નથી. એ અજ્ઞાત મનુષ્યનો છે જેને એની ખાસ જરૂરિયાત છે. આ અજ્ઞાત તને સરળતાથી મળી રહેશે. ચાંપતી નજર રાખીશ તો તને આવા જરૂરિયાતમંદ લોકો  બધે જ  જોવા મળશે. હું તને રૂપિયા બાબતે એટલે ચેતવું છું. કારણ કે, એ શેતાની શક્તિને તું જાણે! મેં ઘણો સમય સર્કસમાં વિતાવ્યો છે. એટલે જ હું ઊંચા દોરડા ઉપર અંગ કસરત કરનાર માટે ચિંતિત છું.

સાચું કહું તો જોખમકારક દોરડા ઉપર ચાલનારા કરતાં નક્કર ભૂમિ ઉપર ચાલનારની પડવાની શક્યતા વધારે છે. શક્ય છે એકાદ ઔપચારિક સાંજે તું કોઈ હીરાથી અંજાઈ જાય. તારા માટે દોરડા ઉપરનો કરતબ જોખમી હશે અને પડવું અવશ્યંભાવી. શક્ય છે એકાદ દિવસ તું કોઈ રાજકુમાર જેવા સુંદર ચહેરાને મોહમાં પાડી દે. ત્યારે જ તારા દોરડા ઉપર ચાલવાના કરતબનું શિખાઉપણું શરૂ થશે. શિખાઉ હંમેશાં પડે છે. તું તારું હૃદય કંચન અને રત્નોને વેચીશ નહીં. સૌથી મોટા હીરા સૂર્યને ઓળખી લેજે. સદ્દ્ભાગ્યે એ સૌ માટે ચમકતો રહે છે.

સમય આવે પ્રેમ કરવાનો ત્યારે સામેના પાત્રને ખરા દિલથી ચાહજે. તારી મમ્મીને આ વિશે તને વિગતે લખવા જણાવ્યું છે, એ તને લખશે ઊંડાણથી. કારણ કે પ્રેમ વિશે એ મારાથી વધુ જાણે છે, માટે એ અધિકારપૂર્વક વાત કરશે. તું જે રીતે મહેનત કરે છે; હું જાણું છું.

તારું આખું શરીર સિલ્કના એક ટુકડાથી ઢંકાયેલું છે. ક્યારેક કલાને માટે તું દ્રશ્યમાં નગ્ન પણ દેખાઈ શકે છે. પણ યાદ રાખજે પાછાં ફરતી વખતે વસ્ત્રો જ નહિ શુચિતા પણ જળવાવવી જોઈએ. ખાલી કપડાંથી તૈયાર થવું યોગ્ય નથી. એથી વધારે ય કંઈ છે!

હું બુઢ્ઢો છું અને મારા શબ્દો થોડા ગાંડાઘેલા લાગશે. મારા મતે તારું નગ્ન શરીર એની માટે જ છે,  જે તારાં નગ્ન આત્માને ય પ્રેમ કરે છે. આ વિષય પર તારો અભિપ્રાય જુદો હોઈ શકે, ચિંતા ના કર. કારણ કે તું મારાથી દાયકાઓ આગળ છે. હું આ દુનિયાનો આખરી વ્યક્તિ બનવા માંગુ છું. જે લોકોનો હોય. ફક્ત લોકોનો.

હું તારા ઉપર કોઈ દબાણ લાવવા માગતો નથી. મને ખબર છે, માતા-પિતા અને સંતાનનું શીત યુદ્ધ તો અનંત કાળથી ચાલતું આવ્યું છે.

તું મારાથી, મારા વિચારોથી પર થા, બેટા! આમે ય મને આજ્ઞાકારી બાળકો નથી ગમતા. આખો પત્ર પૂરો થવા આવ્યો છતાં હું રડ્યો નથી! મને ખાતરી છે કે આજની ક્રિસમસની રાત મારા માટે ચમત્કારી સાબિત થશે.

સાચે જ ચમત્કાર થવો જોઈએ. જેથી મારે કહેવી છે એ બધી વાતો તને સમજાઈ જાય. ચાર્લી હવે વૃદ્ધ થઈ ગયો છે, જેરાલ્ડિન! વહેલાં કે મોડાં, પણ તારે એક સીન ભજવવા સફેદ પોશાક પહેરીને સ્ટેજ ઉપર જવાને બદલે, મારી કબર સુધી આવવું પડશે. હવે વધારે હું તને હેરાન નહિ કરું. ખાલી એક સલાહ છે – સમયાંતરે મને જોવા તારી જાતને આયનામાં તપાસ્યા કરજે. તને મારા લક્ષણો દેખાશે. તારી નસોમાં મારું લોહી છે. મારી નસોમાં લોહી થીજી જાય ત્યારે પણ તું પિતા ચાર્લીને નહિ ભૂલે એમ હું ચાહું છું. હું કોઈ દેવદૂત નથી. મારે તો બનાય એટલી હદે માણસ બનવું છે. તું પણ બનજે, બેટા.

હું તને ચૂમી રહ્યો છું, જેરાલ્ડિન!

લિ.

તારો ચાર્લી૪.

•••••

૧. પેરિસમાં ૧૫ એવેન્યુ મોનટપેઇન ખાતે ઈ.સ. ૧૯૧૩માં સ્થાપાયેલું થિયેટર.

૨. તતાર તુર્કી બોલતા લોકો છે. મુખ્યત્વે રશિયા અને અન્ય પોસ્ટ-સોવિયેત દેશોમાં રહેતા હતા.

૩. એકેડેમી ફ્રાન્સીસના અગ્રણી સભ્ય અને  ફ્રેન્ચ લેખક ચાર્લ્સ પેરાઉલ્ટ લિખિત કથા. 

૪. આ પત્ર ચાર્લી ચેપ્લિને પોતાની દીકરીને હકીકતમાં લખ્યો છે કે નહિ, એ રહસ્ય છે. છતાં વિશ્વની ઘણી ભાષાઓમાં અનૂદિત થઈને વખણાયો છે. આ પત્રના ગુજરાતી-અનુવાદનો કોઈ પણ રીતે ઉપયોગ કરતાં પહેલા અનુવાદકની પરવાનગી અનિવાર્ય છે.

(સૌજન્ય: “નવનીત સમર્પણ”, સપ્ટેમ્બર 2018; પૃ. પૃ. 114-118)

સંપર્ક ઈ-મેઈલ : panchalbrijesh02@gmail.com

Loading

...102030...3,0063,0073,0083,009...3,0203,0303,040...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved