Opinion Magazine
Number of visits: 9684295
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તેમના હાથમાં ગાંધીની આત્મકથા મુકતા આખા શરીરમાં જાણે રોમાંચ પ્રસરી ગયો

પ્રશાંત દયાળ|Gandhiana|20 November 2019

થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સેપકટર નવજીવન ટ્રસ્ટ ખાતે આવ્યા. પૂરા પોલીસ યુનિફોર્મમાં હતા. છ ફૂટ ઊંચાઈ, કમરમાં સરકારી પિસ્તોલ તેમનો પોલીસ અધિકારી તરીકેનો રૂઆબ વધારતી હતી. તેઓ નવજીવન ટ્રસ્ટથી સંપૂર્ણપણે અજાણ હતા. તેમણે મને નવજીવન ટ્રસ્ટ વિશે પૂછ્યું એટલે ગાંધીજી દ્વારા ૧૯૧૯માં શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટની આછી પાતળી જાણકારી આપી. તેમને નવજીવન બતાડ્યું. થોડી વાર પછી તે કાચના કબાટની અંદર રહેલાં પુસ્તકો તરફ જોઈ રહ્યા. ઘણાં પુસ્તકોનાં નામ તેમણે વાંચ્યા. પછી મને પૂછ્યું કે આ પુસ્તકમાંથી હું કંઈ ખરીદવા માગું તો ખરીદી શકું? મેં કહ્યુ ચોક્કસ. તમારે કયુ પુસ્તક ખરીદવું છે? તેમણે મને કહ્યું, મારે ગાંધીના સત્યના પ્રયોગો જોઈએ છે. મને સુખદ આશ્ચર્ય થયું કે કોઈ યુવાન પોલીસ અધિકારી તમારી પાસે ગાંધીની આત્મકથા લેવા આવે. મેં તેમને કહ્યું તમને આત્મકથા તો મળશે, પણ નવજીવન તરફથી ભેટ સ્વરૂપે આપીશ. તમારે કોઈ કિમંત ચૂકવવાની નથી. મેં તરત તેમના હાથમાં આત્મકથા લાવી મૂકી.

તેમણે હાથમાં ગાંધીની આત્મકથા લેતાં જાણે તેમના શરીરમાંથી કોઈ રોમાંચ પસાર થયો હોય, તેવું હું તેમના ચહેરા ઉપર જોઈ શકતો હતો. તેમણે એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું, મારી એક વિનંતી છે કે ગાંધીની આત્મકથા મફત લેવી સારી બાબત નથી. તમે મારી પાસેથી તેની કિમંત લઈ લો. મેં પૈસા લેવાની ના પાડી. તે સતત મને વિનંતી કરતા રહ્યા. તેમણે મને કહ્યું, આત્મકથાની કિમંત સ્વરૂપે નહીં તો મારા તરફથી નાનકડી ભેટ સમજી તે લઈ લો. મેં તેમની જાણકારીમાં વધારો કરતાં કહ્યું ગાંધીજી ૧૯૪૦માં પોતાનું વસિયત કરતા ગયા જેમાં લખ્યુ છે કે નવજીવન ટ્રસ્ટ દાન અને અનુદાન લેશે નહીં. એટલે અમે ભેટ લઈ શકતા નથી. આ સાંભળી આ પોલીસ અધિકારીને વધુ આશ્ચર્ય થયું. તેમણે મને પૂછ્યું, તો નવજીવન ચાલે છે કેવી રીતે ? મેં કહ્યું ગાંધીજીની વસિયત પ્રમાણે તેમણે જે કંઈ લખ્યું છે તેનો અધિકાર તે નવજીવનને આપતા ગયા અને ગાંધી સાહિત્યનાં વેચાણમાંથી જે કંઈ મળે તેનાથી છેલ્લાં ૧૦૦ વર્ષથી નવજીવન ચાલે છે.

પોલીસ અધિકારી મારી સામે જોતા રહ્યા. તેમણે ખીસ્સામાં હાથ નાખી એક હજાર રૂપિયા બહાર કાઢયા, અને મને કહ્યું, મને એક હજાર રૂપિયા જેટલી આત્મકથા આવે તે આપો. મેં તેમને એક હજાર રૂપિયાનું બીલ આપ્યું. તેમણે કહ્યું મારે માટે એક આત્મકથા બસ છે. બાકીની આત્મકથા તમે બીજા લોકોને આપજો. મને આ યુવાન પોલીસ અધિકારીને મળી લાગ્યું કે ગુજરાતે ગાંધીને ઓળખવામાં અને ગાંધી ભણાવવામાં ભલે મોડું કર્યુ, પણ ગાંધી આટલો જલદી ભુલાય તેમ નથી. આ ખાખીધારી યુવાન પોલીસ અધિકારીને ગાંધી અને ગાંધીની ખાદી સાથે કોઈ નિસ્બત ન્હોતી. છતાં તેની અંદર રહેલો ગાંધી તેની સારપને બહાર લાવી રહ્યો હતો. આપણે હમણાં ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ. દેશભરમાં ગાંધીની જયંતીનાં નામે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. પણ ખાસ કરી ગુજરાતમાં ગાંધી એક સરકારી કાર્યક્રમ બની રહી ગયા છે. ગાંધી સાહિત્ય પ્રસિદ્ધ કરવાનું કામ કરતા નવજીવન પાસે વિવિધ રાજય સરકારો દરેક વર્ષે ગાંધીની આત્મકથા સહિત વિવિધ સાહિત્ય ખરીદી પોતાના રાજયના વિધ્યાર્થીઓને આપે છે.

પરંતુ ૧૯૬૦માં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા બાદ ગુજરાત સરકારે આત્મકથાની એક પણ પ્રત ખરીદી હોય તેવુ બન્યુ નથી. હું જ્યારે ૧૯૬૦થી વાત કરું છું તેમાં કૉન્ગ્રેસ અને ભા.જ.પ. સહિત જેટલી પણ સરકારો અસ્તીત્વમાં આવી, તે તમામની વાત કરું છું. એક પણ પક્ષની સરકારે ગુજરાતના બાળકો આત્મકથા વાંચે અને ગાંધીને સમજે તેવા કોઈ પ્રયાસ કર્યા નથી. તેના કરતાં સાવ વિપરીત જ્યાં સામ્યવાદનો દબદબો રહ્યો તેવા કેરળમાં સૌથી વધુ, મલયાલમ ભાષામાં ગાંધીની અત્મકથા વેચાઈ અને સમજાઈ છે. અહીંયા દોષ માત્ર ગુજરાત સરકારનો જ છે તેવું પણ નથી. ગુજરાતની ગાંધી સંસ્થાઓ પણ તેના માટે એટલી જ જવબદાર છે. ગાંધી સંસ્થાઓના કર્તાહર્તા પોતાની સંસ્થામાં બેસી રહ્યા. તેમણે માની લીધુ> કે કોઈને ગાંધી સમજવો છે, તો આપણી પાસે આવશે. પણ ગાંધી કોઈ સંસ્થાનો નહોતો. ગાંધી તો વિશ્વમાનવ છે; તેને વાંચવા કરતાં તેને જીવવો પડે તો જ ગાંધી સમજાય. પણ ગાંધી સંસ્થાઓ પણ પોતાના વ્યકિતગત રાજકારણમાં અટવાઈ ગઈ અને ગાંધી ભુલાતો ગયો.

આવી સ્થિતિમાં પણ ગાંધીને ભૂલવો અથવા ગાંધીને સામાન્યથી દૂર કરવો સહેલો નથી, કારણ હું જે યુવાન પોલીસ અધિકારીને મળ્યો અને મેં તેની અંદર રહેલા ગાંધીને જોયો, ત્યારે મને કાકાસાહેબ કાલેલકરે ગાંધીજી માટે કહેલું વાક્ય યાદ આવ્યું કે ગાંધીજી સામેની વ્યકિતમાં રહેલી સારપને ઓળખી શકતા હતા, અને તેની સારપને જગાડી શકતા હતા. આવી સારપ દરેક નાની મોટી વ્યકિતમાં છે, કોણ શુ કરે છે અને કેવો છે તેની પળોજળમાં પડ્યા કરતાં તેની અંદરની સારપને બહાર લાવવાનું કામ કરીએ તો પણ તે ગાંધીનું જ કામ કરે છે. કોઈ વ્યકિત રેસ્ટોરન્ટમાં વધેલું જમવાનું ગરીબો સુધી પહોંચાડે છે. કોઈ ગરીબ બાળકોને ભણાવે છે. કોઈ વૃદ્ધનો હાથ પકડી તેને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. તો કોઈ પોલીસ પાણીમાં ફસાયેલાં બાળકોની મદદે પહોંચે તો મારા મતે આ બધા જ ગાંધી છે. ગાંધી આજે પણ આપણામાં જીવે છે. આવતીકાલે પણ જીવશે. તમે જ્યારે બીજાને મદદ કરતી વ્યકિતને જુઓ ત્યારે તેને સલામ કરજો કારણ તેની અંદર પણ એક ગાંધી છે.

પ્રગટ : “ગુજરાતમિત્ર”, 14 ઑગસ્ટ 2019; “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2019

Loading

સાહિત્યસમાજની સેવામાં

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|18 November 2019

મિત્ર સુમન શાહે અચ્છો મુખડો બાંધી સૌને કોઠે પડી ગયેલ જે ‘મૂંગારો’ એની જિકર કરી છે; અને એ પૃષ્ઠભૂ ઉપર આપણે ત્યાં સ્વાયત્તતા, અકાદમી અને પરિષદ સંદર્ભે ચર્ચા છેડી છે. જે ઊહ અને અપોહથી પડ જાગતું ને ગાજતું રહેવું જોઈએ એને માટે એમણે ખોલી આપેલી સંભાવનાના ઉજાસમાં થોડીએક વાત કરવી લાજિમ ગણું છું. ‘નિરીક્ષક’ના વાચકો આ પત્રના સ્વાયત્તતા માટેના આગ્રહથી તેમ પૂર્વે અને તાજેતરનાં વર્ષોમાં અહીં ચાલેલી ચર્ચાથી ઠીક ઠીક વાકેફ હોઈ, સુમનભાઈની રજૂઆતને એક સિંહાવલોકન સારુ મળી રહેલ સુયોગ લેખે જોઉં છું.

શરૂઆતમાં જ મારે કહી દેવું જોઈએ કે ‘નિરીક્ષક’ની ભૂમિકા આ સમગ્ર ચર્ચામાં અકાદમી વિ. પરિષદ એવી સીમિત (અને જાડી) નથી. અકાદમીનું ભલે એની મર્યાદામાં પણ જે સ્વાયત્ત સ્વરૂપ ઉમાશંકર-દર્શકની પરંપરામાં શક્ય બન્યું હતું તેમાં આગળ નહીં જતાં સરકારી મનમુરાદ શૈલીએ પેરેશુટ પ્રમુખપદને ધોરણે ધરાર સરકાદમી બનાવી દેવાઈ એ સાથે આ મુદ્દો અકાદમી વિ. સાહિત્યસમાજ સમગ્રનો બની રહે છે એવી સમજથી હું ચાલું છું. આ સંદર્ભમાં પરિષદ ક્યાં, કેવી ને કેટલી એ રીતનું એક મૂલ્યાંકન જરૂર કરી શકીએ; પણ એનું પરિપ્રેક્ષ્ય સરકાદમી વિ. સાહિત્યસમાજનું હોય. એક સરકારી અને બીજી જેવી છે તેવી પણ પ્રજાકીય એ બે સંસ્થાઓ વચ્ચેના ‘ઝઘડા’માં એને ખતવીએ ત્યારે પ્રશ્નની વ્યાપકતા અને ગંભીરતા ચાતરીને ટ્રિવિયા ભણી લઈ જતા એસ્કેપ રુટને સારુ સોઈ કરી આપીએ છીએ. ચર્ચામાં પરિષદ આવે, જરૂર આવે પણ એ ચર્ચા ટ્રિવિયા અને એસ્કેપ રુટ પરત્વે સમ્યક્‌ વિવેક પુરસ્સર હોય.

સુમનભાઈએ ચર્ચાની સ્થગિતતાને ઝંઝેડતી નુક્તેચીની સાહિત્યપ્રીત્યર્થ કરી એના પર ફેસબુકમાં ચાલેલી ચર્ચામાં પણ ક્યાંક ક્યાંક ટ્રિવિયાના સંકેત મળ્યા હતા એમ મારી છાપ પરથી અહીં નોંધું છું. પૂર્વે ચાલેલી ચર્ચાઓમાં અકાદમીના પ્રમુખપદના બે સંભવિત દાવેદારો (બે સરકારી અધિકારીઓ) વચ્ચેનો આ ટંટો હોય એવી ટ્રિવિયાઈ દરમ્યાનગીરી પણ એક તબક્કે જોવા મળી હતી.

સાહિત્ય પરિષદ કે બીજા છેક જ ઓચિંતા સહસા જાગ્યાં એમ કહેવામાં વાસ્તવકથન નથી. ૨૦૧૫ના એપ્રિલ પછી કેટલોક વખત તીવ્રતા જોવા મળી એ સાચું છે; પણ તે પૂર્વે ૨૦૦૩થી ‘નિરીક્ષક’માં આ સંદર્ભે ઉલ્લેખો જોવા મળશે. વિસ્તારભયે તે ટાંકતો નથી. માત્ર એટલું જ કહું કે ચૂંટાયેલા પ્રમુખ (સદ્‌ગત ભોળાભાઈ પટેલ)ની મુદ્દત પૂરી થતાં નવી ચૂંટણી માટેની પ્રક્રિયા અપેક્ષિત હતી. બીજે ક્યાં ય ઘણું કરીને નહોતી એવી દર્શક-દીધી જોગવાઈ (લેખકીય કૉન્સ્ટિટ્યૂઅન્સીમાંથી નવ ચૂંટાયેલા પ્રતિનિધિઓ) સહિત બધી કામગીરી પૂરી થઈ ગઈ હતી અને સરકારે સમગ્ર ગૃહમાંથી પ્રમુખની ચૂંટણી જ માત્ર પાર પાડવાની હતી. પણ આજની ઘડી ને કાલનો દા’ડો, સરકાર ન હાલી, ન ચાલી. બલકે, હાલી પણ અને ચાલી પણ, તે કઈ દિશામાં … બારે વરસે ૨૦૧૫માં ભાગ્યેશ ઝાના પરબારા પ્રમુખપદની જાહેરાત!

આ વચલાં બાર વરસમાં ‘નિરીક્ષક’માં યથાપ્રસંગ ચર્ચા ઉપરાંત એક મોટી ઘટના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન(ડિસે. ૨૦૦૭)માં – અને તે પણ પાટનગરી ગાંધીનગરમાં – એ બની હતી કે નારાયણ દેસાઈએ એમના અધ્યક્ષીય વક્તવ્યમાં અકાદમીની સ્વાયત્તતાનો વિશેષ નિર્દેશ કર્યો હતો એટલું જ નહીં પણ એના પ્રમુખપદની પ્રક્રિયા પૂરી કરી તે સદ્યસક્રિય બને એવો ઠરાવ આ અધિવેશનમાં કરવામાં આવ્યો હતો. અત્યંત મહત્ત્વની ને સૂચક બીના એ છે કે નારાયણ દેસાઈએ માત્ર મધ્યસ્થ સમિતિ કે કારોબારીના ઠરાવે નહીં અટકતાં સમસ્ત ગૃહ, રિપીટ, સમસ્ત ગૃહમાં આ માટે ઠરાવનો રાહ સૂચવ્યો હતો.

૨૦૦૩ પછીની આ વળાંકરૂપ હોઈ શકતી બીનાનો ઉલ્લેખ કરવા સાથે અહીં એ પણ નોંધ લેવી જોઈએ કે અકાદમીના મુદ્દતવીત્યા હોદ્દેદારોએ જો સરકારનું ધ્યાન ખેંચવાના ઔપચારિક/અનૌપચારિક પ્રયાસો એ ગાળામાં કર્યા હતા તો તે ઉપરાંત લેખકોની સહીવાળા (પરિષદના ઉપક્રમ વગર, સ્વતંત્રપણે) બે પત્રો પણ સરકારને લખાયા હતા. (એમાં વડા સહીકારો પૈકી સદ્‌ગત કે.કા. શાસ્ત્રી સુદ્ધાં હતા.)

સરકારે અલબત્ત હાલવાચાલવાપણું જોયું નહોતું. એનું કારણ કોઈ અનિર્ણય નહીં પણ ચોક્કસ નિર્ણય હતો તે વાત એપ્રિલ ૨૦૧૫માં ભાગ્યેશ ઝાની પરબારી નિમણૂક સાથે અને સ્વાયત્તતાના વિધિવત્‌ લોપ સાથે સ્પષ્ટ થઈ ગઈ. અકાદમીના વચગાળાના રંગઢંગને કારણે ૨૦૧૪થી આ લખનારે, ચંદ્રકાન્ત ટોપીવાળાએ (તેઓ પરિષદમાં કોઈ હોદ્દે નહોતા ત્યારે એક લેખકની હેસિયતથી) તેમ જ પ્રવીણ પંડ્યાએ અસહકારની ભૂમિકા લીધી હતી. એપ્રિલ ૨૦૧૫ની ઘટનાએ જે વમળો જગવ્યાં એમાંથી સ્વાયત્તતા આંદોલન આવ્યું એ પરિષદના વિધિવત્‌ પ્રવેશ પહેલાની ઘટના છે. આ આંદોલન સાથે સંખ્યાબંધ લેખકોએ અકાદમીથી છેડો કાપ્યો એ ઇતિહાસવસ્તુ છે. અક્ષરા (વડોદરા) જેવી સંસ્થાઓ પણ અકાદમીથી હટી તે ઇતિહાસવસ્તુ છે.

જ્યાં સુધી સાહિત્ય પરિષદનો સવાલ છે, ૨૦૦૭ના ઠરાવ સાથેની સ્પષ્ટ ભૂમિકા (અને પૂરતી પ્રતીક્ષા) પછી એપ્રિલ ૨૦૧૫ સાથે એની ચોક્કસ ભૂમિકા બનતી હતી અને સાહિત્યસમાજક્ષેત્રે સો વરસથી વધુ ગાળાથી કાર્યરત પ્રજાકીય સંસ્થાને શોભીતી રીતે તે અસહકારના ઠરાવ સુધી પહોંચી. આ અલબત્ત ફતવો નહોતો, ઠરાવગત નિર્ધાર હતો. ગુજરાતના સાહિત્યસમાજને અંગે કૃતજ્ઞતા અને આદરભાવપૂર્વક અહીં એ નોંધ લેવી જોઈએ કે અકાદમીની સ્વાયત્તતા માટેના આંદોલનમાં ઉભરેલા તત્કાલીન પરિષદ પ્રમુખ ધીરુ પરીખ પછી એણે ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર એ બેને પણ પ્રમુખપદે ચૂંટી કાઢતાં સ્વાયત્તતા માટેની એમની પ્રતિબદ્ધતાને અધોરેખિતપણે લક્ષમાં લીધી હતી. ધરણા લગી ન ગયા એમ ધોખો કરીએ કે ચીપિયો પછાડીએ અગર ખરી દૂંટીનો નિસાસો નાખીએ ત્યારે લક્ષમાં રહેવું જોઈએ કે અસહકાર સાથે સરકાર તરફથી સંભવિત વ્યક્તિગત અને સંસ્થાગત આર્થિક લાભ જતો કરવાની વાતમાં એક લડતમુદ્દો (જાતે ઘસાવાનાં તપ અને તિતિક્ષા) પડેલ છે તે પડેલ છે.

પરિષદધુરીણો પૈકી ક્વચિત મોળા ને મોડા પડ્યાની છાપ (અને ફરિયાદ) સાથે તત્ત્વતઃ અસંમત જરૂર ન થઈએ; પણ ઊલટ પક્ષે સદ્‌ગત વિનોદ ભટ્ટ સહિતના જે મિત્રોએ ૨૦૧૫થી અકાદમી જોડે રહેવાપણું જોયું અને ૨૦૧૭માં પેરેશુટ પ્રમુખની પાયરીએ આવેલા વિષ્ણુ પંડ્યાએ લેખકોની બેઠક – સ્વાયત્તતાની ચર્ચા નહીં એવા, શું કહીશું, ‘ફતવા’(?) સાથે – બોલાવી તે પછી પણ લાંબા સમય સુધી અકાદમીના માર્ગદર્શક કે કારોબારી સભ્ય તરીકે જેમણે સંકળાઈ રહેવું પસંદ કર્યું એમને વિશે શું કહીશું ? ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈ મોડેથી છૂટાં જરૂર થયાં પણ એમણે કોઈ સહવિચારસામગ્રી સાહિત્યસમાજવગી કર્યાનું જાણમાં નથી. સુમનભાઈએ થોડોક ઇશારો કર્યો છે પણ પેરેશુટ પ્રમુખ પ્રણાલિ સાથેના લાંબા સંધાન સબબ સાહિત્યસમાજની અપેક્ષા એમની કને સમજૂતની રહે જ છે. અકાદમી પ્રમુખ વિષ્ણુ પંડ્યાએ લેખકોની સભામાં આ ચર્ચાને આગોતરો નિષેધ ફરમાવ્યો હતો અને આગળ ચાલતાં એમ કહ્યું હતું કે તેઓ નિરંજન ભગત, રઘુવીર ચૌધરી અને સિતાંશુ યશશ્ચંદ્ર જેવા પ્રબુદ્ધો સાથે વ્યક્તિગત ચર્ચા માટે તૈયાર છે. ભાઈ, સ્વાયત્તતાને મુદ્દે આ સન્માન્ય પ્રતિભાઓની અધિકૃત ભૂમિકા ‘નિરીક્ષક’ તંત્રી જેવા અબુધજનથી જુદી નહોતી. સ્વાયત્તતાની ચર્ચાને વિસંવાદ અને વિતંડામાં ખતવતી પ્રતિભાના નેતૃત્વમાં માર્ગદર્શક મંડળમાં હોવું કે કારોબારીમાં હોવું, એ જરી વધુ જવાબદારી માગી લે છે. વચ્ચે નિર્દેશ્યા તે મોડા અને મોળા ઉપરાંત આ જવાબદારોએ પણ સાહિત્યસમાજના મૂંગારાને દૂર કરવામાં સહભાગી થવાપણું છે. ધીરુ પરીખની પાટે આવેલા ટોપીવાળાએ કાર્યકાળ પૂરો થયા પછી પણ, હમણાં મે ૨૦૧૯માં વડાપ્રધાન જોગ પત્ર સહિત એમની સક્રિય સંડોવણી સુરેખ ઉપસાવી છે. સિતાંશુ યશશ્ચંદ્રે તેઓ પરિષદના પ્રમુખ તો શું કોઈ પણ હોદ્દે નહોતા ત્યારે અકાદમી પ્રમુખ જોગ પત્રમાં એક સ્પષ્ટ અભિગમ લીધો હતો, અને હજુ હમણે જ સુરતના સંમેલન/જ્ઞાનસત્ર ટાંકણે પ્રમુખીય વક્તવ્યમાં સ્વાયત્તતા વિશે સ્પષ્ટોદ્‌ગાર કરતાં સંકોચ નહોતો કર્યો.

હવે અધિવેશન, જ્ઞાનસત્ર, પ્રકાશન વગેરે ઉપક્રમોમાં પરિષદ સરકારી સહયોગ વિના ચાલે છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત) કે વિદ્યામંદિર (પાલનપુર) જેવી સંસ્થાઓ મોટા પરિષદપ્રસંગ ઉપાડી લે છે ત્યારે રાજસૂય વલણો સામે પ્રજાસૂય પ્રયાસો વિશે જે આશાઅપેક્ષા અને સધિયારો અનુભવાય છે એમાં ઊંજણ વાસ્તે સૌ, રિપીટ, સૌ અક્ષરસેવીઓને દિલી અપીલ : કમસે કમ, સેતુબંધની ખીસકોલી જેટલી તો આપણી હેસિયત હોય જ ને!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 13-14

સુમનભાઈ શાહનો મૂળ લેખ અહીં આ લિંક પરે ક્લિક કર્યે જોઈવાંચી શકાય :

https://opinionmagazine.co.uk/details/4943/aavaa-anasarakhaa-vaataavaranamaam-vivaado–matmataantaro–aavesho-ke-pakshaapakhsee-sambhave-ja-shee-reete?

Loading

કાળો સૂરજ ધોળો સૂરજ

જગદીશ દવે|Poetry|18 November 2019

કાળો સૂરજ ધોળો સૂરજ
અલપ ઝલપ દેખાતો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ
કાર્ડબોર્ડનાં બૉક્સે બેસી
ટાઢ ટાઢ પોકારે સૂરજ
છાપાંઓની વચ્ચે પેસી
શરીરને સંગોપે સૂરજ
‘થ્રો અવે’ના ડબલાંમાંથી
ફૂડ-ડ્રિંક ફંફોસે સૂરજ
થોડું થોડું મળી રહે તો
‘ટેક અવે’ યે કરતો સૂરજ
ભરબપ્પોરે રસ્તા વચ્ચે
બાળક થઈને ભીખે સૂરજ
બેકારીની અઘોર સાંજે
‘મગીંગી’ કરી નાસે સૂરજ
ઑકસ્ફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે
‘વિંડો શોપીંગ’ કરતો સૂરજ
ચોકિયાતોનું ધ્યાન ચૂકવી
‘શોપ લિફ્ટીંગે’ કરતો સૂરજ
ટ્યુબ તણી ગુફાઓ વચ્ચે
ગીતોને પડઘાવે સૂરજ
જતા આવતા લોકો પાસે
પેનીઓ ઉઘરાવે સૂરજ
ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ

Loading

...102030...2,6562,6572,6582,659...2,6702,6802,690...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved