નવો નાગરિક ધારો (સિટિઝન ઍમેન્ડમેન્ટ બિલ/ધારો – CAB – CAA) જે રીતે આખા ભારતભરમાં ફેલાઈ રહ્યો છે એ જોતાં એમ કહી શકાય કે લોકો સાવ સૂતેલાં હોતા નથી. લોકો પૂરેપૂરા જાગે છે અને બધું નોંધતા રહે છે તેમ જ ઉપર ઝળુંબેલી આફત કળાય ત્યારે એમણે કરવાનું હોય તે કરે જ છે, એની પ્રતીતિ થઈ રહી છે. હવે ધીમે ધીમે પ્રજાને એ વસ્તુ અસર કરી રહી છે કે કેન્દ્ર સરકાર કહે છે કંઈક અને કરે છે કંઈક. બે મોઢાવાળી નેતાગીરીને અનેક મોં છે તેમ જ એ તમામ મોં ક્યારે કયું મહોરું પહેરે છે એ પ્રગટ થાય ત્યારે જ સમજાય છે. એનો સ્પષ્ટ અર્થ એ છે કે મહોરાં બદલીને ચલાતી જુદી જુદી ચાલ કોઈક ને કોઈક વસ્તુ છુપાવવા માટે ચલાય છે અને જે પ્રગટ થતું આવે છે તે પ્રજાકીય હિતથી વિપરીત છે.
આ ધારાની રજૂઆત જ્યારે લોકસભા અને રાજ્યસભામાં થઈ ત્યારે જાણે કે એક ધમકી ઉચ્ચારાતી હોય એવું લાગતું હતું. જાણે કે પ્રજાના હિત કરતાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને એના પીઠબળે ઊભા રહેલા પક્ષ ભા.જ.પ.ના હિતનો ઘંટનાદ એમાં સંભળાતો હતો. ૧૯૭૫માં મિસિસ ગાંધીએ એક ઝાટકે લાદેલી કટોકટી કરતાં તદ્દન જુદી રીતે, મીઠાઈ સાથે અપાતા ધીમા ઝેર જેમ, ભા.જ.પ. દ્વારા ક્રમશઃ લાદવામાં આવી રહેલી કટોકટીનો અહેસાસ પ્રજાને – ખાસ કરીને યુવાનોને થવા લાગ્યો છે. એટલું જ નહીં, ચાની લારીઓ અને પાનના ગલ્લે ભા.જ.પ. તરફી હંમેશાં બોલનારા, તારસ્વરે એની વાત માંડનારા અનેકો હવે આ અંગે પ્રશ્ન કરતા થયા છે અને ભા.જ.પ.ની સંકુચિતતાને પ્રમાણી પણ રહ્યા છે. સંસદ અને એની બહાર સરકાર તરફી નિવેદનો અને વડા પ્રઘાન તેમ જ ગૃહપ્રધાનની રજૂઆતોની ભરમાર ખડકી દીધા પછી પણ કશી જ ચોખવટ હાથવગી થયાનું લાગતું નથી, એમ લોકો જ કહી રહ્યા છે. એટલું જ નહીં, લોકો માની પણ રહ્યા છે કે આ તો હવે લોકશાહીના નામે જાહેર છેતરપિંડી થઈ રહી છે.
હકીકતે તો લોકોનું આ વલણ એમના અત્યાર સુધીના મૂંગા રહેવાનું પરિણામ ગણવું જોઈએ. આખરે માણસ મૂંગો ક્યાં સુધી રહી શકે? નોટબંધી, જી.એસ.ટી., રાફેલ, સી.બી.આઈ.ને લગતી નાટકીયતા; રૉ, આર.બી.આઈ., ચૂંટણી પંચનું સત્તારૂઢ પક્ષ તરફી વલણ; ટોળાંની જોહુકમી, પત્રકારો બૌદ્ધિકોની સતામણી, એમાંના કેટલાકની હત્યાઓનો સિલસિલો અને એની તપાસના ઠેકાણા જ નહીં; જે.એન.યુ., અલિગઢ, અને જામિયા મિલિયા જેવા શૈક્ષણિક સંકુલો સાથે તેમ જ એના કેટલાક વિદ્યાર્થીઓ સાથેની પૂર્વગ્રહ પીડિત અતાર્કિક પ્રક્રિયાઓ; દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહી, અરબન નક્સલ જેવી મનઘડંત સંજ્ઞાઓ તેમ જ મોંમાથા વિનાની વ્યાખ્યાઓના જુમલા; કાશ્મીરમાં ૩૭૦મી કલમની નાબૂદી અને રાષ્ટ્રપતિ શાસન, લદાખને કાશ્મીરથી અલગ પાડી યુનિયન ટેરેટરી બનાવવાની ઘોષણા સાથે કાશ્મીર આખાની ખુલ્લી જેલમાં તબદિલી સાથે ઇન્ટરનેટ શટડાઉન; સાધ્વી પ્રજ્ઞાના ગોડસે અંગેના નિવેદન અને પૂજા શકુન પાંડે તેમ જ એના પતિ આલોક પાંડે દ્વારા ગાંધીજીના ફોટા ઉપર ગોળી મારવાની ઘટના અંગે પણ સરકાર, વડા પ્રધાન અને ગૃહ પ્રધાન કે એમના કાર્યાલયો દ્વારા કોઈ વિશેષ પગલાંનો અભાવ, આ બધું શું સૂચવે છે?
આ તમામ ઘટનાઓ અને એની ક્રમિકતા જરા ઝીણવટથી જોઈએ તો એક ચોક્કસ આયોજનની ભાત એની પાછળ જોઈ શકાય તેમ છે. એક પછી એક ઘટના જુદા જુદા સ્તરે બને અને એ અંગેના પગલાં ભરાય એ પહેલા અન્ય ઘટના બને – આમ ચાલ્યા કરે તો લોકો એમાં અટવાયા કરે. કશુંક સમજે એ પહેલાં બીજી ઘટના આકારિત થાય અને ફરી એ જ રીતે જુમલાબાજીથી લોકોને અટવાવાની પ્રક્રિયા ફરી શરૂ! પરંતુ વારંવાર આમ થયા કરે તો લોકોની સહજ જિજ્ઞાસા એમાંથી કશુંક સમજવા તો મથે ને?! આ મથામણ એ હંમેશાં માણસની આગવી વિરાસત છે, એ અંદરથી પ્રગટે જ પ્રગટે અને પછી પ્રસરે, આ જુઓને એમ જ થયું નેઃ આસામથી કેરાળા અને ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી પ્રસરેલા છાત્રો અને યુવાનોનાં વ્યાપક આંદોલન, ના માત્ર સી.એ.એ., એન.આર.સી. અને એન.પી.સી.; પરંતુ ઉપરોક્ત તમામ ઘટનાઓનો સમૂળો પડઘો જ હોય એવું જ ચિત્ર ઉપસે છે. જાણે કે કાશ્મીર પછી આસામમાં પણ ઇન્ટરનેટ શટડાઉન કરવાથી સમગ્ર ભારતમાં બધું નહીં પ્રસરે એવા હવાઈ જુમલાનો વળતો પ્રત્યુત્તર ના હોય!! હૉંગકોંગના આંદોલને દુનિયાભરના લોકોને ઘણું શીખવ્યું છે. ભારતીય યુવાનો અને લોકો એમાંથી બાકાત નથી. નવા માર્ગો અને રીતો એ ખોળવાના અને અમલમાં મૂકવાના.
સત્તા હાથમાં આવ્યા પછી અને અનેક ઉદાહરણો આંખ સામે હોવા છતાં સત્તાધારીઓ એટલા આંધળા કેમ કરીને બની જાય છે કે કશું દેખાતું જ ના હોય!? અરે ઈન્ટરનેટ શટડાઉન કરો કે સમગ્ર ભારતનું આંતરિક માળખું બંધ કરી દો, આ દેશની પ્રજા સહનશીલ હોવા સાથે એટલી તો જાગરૂક છે જ કે ગુલામીના પડઘમ પારખી જાય અને વળતાં પગલાં લે, લે અને લે. પ્રજાનો, ખાસ કરીને યુવાનોનો જુવાળ એક એવી ધરોહર છે જે હવે સત્તાધારીઓની જાળમાં ફસાય નહીં. એમને ગમે તેટલા રોકો, કોણીએ ગોળ જેવા સપનાં લગાડ્યા કરો, એનાં મનબુદ્ધિ મંદ કરી શકાય એવાં નથી. વળી આ સમગ્રનાં મનબુદ્ધિની સામૂહિક પ્રક્રિયા એટલે સત્તાને સખણી કરવાનો અને રાખવાનો સીધો અને સ્વાયત્ત રસ્તો. સત્તાધારીઓ જૂઠાણાં ગાયા કરે અને પ્રજા એને સ્વીકાર્યા કરે એવું માનવું ભૂલ નહીં, એક પ્રકારની સત્તાશીલ મૂર્ખતા પણ છે. શાણી પ્રજા એ પારખી જાય અને યોગ્ય સમયે પોતાની પેરવી કરી લે. એમાં સફળતા નિષ્ફળતા કરતાં પ્રજાકીય મૂલ્યોની માંડણી મુખ્ય હોય છે જે સત્તાધારીઓને સમજાવે છે કે બહુ થયું, હવે થાગડથીગડ મેલો અને તમારો દરબાર ઠેલો, નહીંતર આ આવ્યો અમારો સામૂહિક રેલો, પછી કહેતા નહીં કે કીધું નહોતું! પ્રજા હંમેશાં નવનિર્માણ પછી સર્વનિર્માણ ભણી વળે છે.
E-mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 11 તેમ જ 10
![]()


પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ગુમાવ્યાં … અને હવે ઝારખંડ! મતદાતાઓનું વલણ અકળ છે. જે મતદારોએ વર્ષ ૨૦૧૯ની મધ્યમાં ઝારખંડમાં લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો આપીને ભા.જ.પ.ને સત્તાનાં શિખર પર પહોંચાડ્યો હતો, એ જ મતદારો હવે એને જમીન પર લાવી રહ્યાં છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા-કૉંગ્રેસ-આર.જે.ડી.નાં ગઠબંધનનો વિજય થયો છે અને ભા.જ.પ.ની ‘એકલા ચાલો’ની વ્યૂહરચનાને સદંતર નિષ્ફળતા મળી રહી છે. એકવીસમી સદીના ‘ચાણક્ય’ કહેવાતા અમિત શાહની ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી જીતવાની ઇચ્છા પર મતદારોએ પાણી ફેરવી દીધું છે. અહીં ત્રણ બાબતો મહત્ત્વપૂર્ણ છે. એક, ઝારખંડમાં ભા.જ.પ.નો પરાજય. બે, કૉંગ્રેસની અડવાણી-વાજપેયી યુગના ભા.જ.પ. જેવી વ્યૂહરચના. ત્રણ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડનાં પરિણામોની અસર. શરૂઆત ભા.જ.પ.ની નિષ્ફળતા માટે જવાબદાર કારણો સાથે કરીએ.