Opinion Magazine
Number of visits: 9576415
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે.એન.યુ. : વિદ્વતા, ભય, આક્રોશ, પ્રભાવ અને ઘણું બધું

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|1 February 2020

થોડા દિવસો પહેલાં એક રવિવારે રાત્રે અમારી ગાડી દિલ્હીના એક શાનદાર રાજમાર્ગ પર જતી હતી, જ્યારે મેં બે પોલીસવાન જોઈ. વાન પર બત્તી ઝગમગતી હતી, પણ એને જરા ય ઉતાવળ હોય એવું નહોતું લાગતું.

કલાક પહેલાં અમને જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા કારમા હુમલાના સમાચાર મળ્યા હતા. Twitter પર લોકો એક પછી એક ધડાધડ લખવા મંડ્યા હતા – કેટલીક હતી અફવા, કેટલાક હતા વીડિયો, અને કેટલાંક હતાં વર્ણન.

વિદ્યાલયના કૅમ્પસ પર બુકાની પહેરી ૩૦-૫૦ યુવક અને યુવતીઓએ  દંડા, લોખંડી લાઠી, હૉકી સ્ટિક લઈ દરવાજા ખખડાવ્યા, કાચ ફોડ્યા, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને માર્યાં અને કોલાહલ મચાવ્યો. જ્યારે આ તોફાનીઓનું ઝુંડ કૅમ્પસથી બહાર નીકળ્યું ત્યારે પોલીસે એમને જવા દીધા; પણ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની ઍમ્બ્યુલન્સને અંદર ન જવા દીધી. પત્રકારોને મરાયા તો મારવા દીધા; યોગેન્દ્ર યાદવને ધક્કો માર્યો કોઈએ તો, પોલીસે ચૂં કે ચાં ન કરી. કોઈની ધરપકડ ન કરી.

અમને ખબર હોય તો પોલીસને તો આ વાતની ખબર હોય જ ને? આમ જોઈએ તો દિલ્હીની પોલીસ ભરપૂર ચકાસણી કરે છે – બે અઠવાડિયા પહેલાં મારી એક  મિત્ર નાગરિકતા કાયદાના વિરોધની એક સભામાંથી પાછી આવતી હતી, ત્યારે પોલીસે એને રોકી. મારી મિત્ર બીજા શહેરમાં રહે છે અને વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપિકા છે. પણ વિદ્યાર્થિની જેવી લાગે, એટલે પોલીસે તપાસ ચાલુ કરી. “ક્યાં જાવ છો? ક્યાં ગયાં હતાં? નામ શું છે? ક્યાં રહો છો?” ઇત્યાદિ. મારી મિત્રે કહ્યું, એ પ્રાધ્યાપિકા છે અને કોઈક બીજા શહેરમાં રહે છે. એને ન તો કોઈ કાયદો તોડેલો, ન તો પોતાનો ચહેરો છુપાવ્યો, ન તો હતું એની પાસે કોઈ શસ્ત્ર. તો ય પોલીસે એને રોકી અને ડરાવવાનો પ્રયત્ન કર્યો. એ લોકો નિષ્ફ્ળ રહ્યા અને મારી મિત્ર સુખ રૂપે ઘેર પહોંચી.

જ્યારે એક અહિંસક મહિલાને પોલીસ રોકી શકે, તો પેલા તોફાનીઓને કેમ નહીં રોકી શકે? જ્યારે બીજે દિવસે વિદ્યાર્થીઓએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને સવાલ પૂછ્યો, ત્યારે અધિકારીએ કહ્યું – “હમને તો નહીં મારા થા, ના?” હા ભાઈ, ઘણો ઉપકાર કર્યો તમે!

થયું છે હવે તો એવું કે જો પોલીસ કહે આજે કે પરિસ્થિતિ એમના કાબૂ હેઠળ છે, તો આપણને ચિંતા થાય કે એનો અર્થ શું? કઈ વસ્તુ એમના કાબૂ હેઠળ છે? કોના પર નિયંત્રણ છે? મારવાવાળાઓ પર કે માર ખાનારાઓ પર? જે કૅમ્પસમાં ‘ભારત કે ટુકડે ટુકડે’ જેવા નારા બોલાયા હતા, એવી દંતકથાઓ ફેલાવાઈ રહી છે, ત્યાં જ્યારે બુકાનીધારી યુવકોએ નારા લગાવ્યા, કે ‘દેશ કે ગદ્દારોં કો, ગોલી મારો સાલો કો,” ત્યારે પોલીસને જરા ય પોતાની ફરજ – અહિંસક નિર્દોષ લોકોની રક્ષા કરવી – યાદ ન આવી ! મને યાદ છે કે ૨૦૦૨માં જ્યારે ગુજરાત ભડકે બળતું હતું ત્યારે એક મુસ્લિમ કુટુંબ ડરનું માર્યું પોલીસ પાસે પહોંચ્યું હતું, અને ત્યારે એક અફસરે એમને કહ્યું – તમને સુરક્ષિત રાખવા એવો અમને કોઈ આદેશ સરકારે આપ્યો નથી (We have no orders to protect you).

૨૦૧૪ પછી પ્રજાને એક પ્રકારનું ઘેન ચડ્યું છે, અને કહેવાતા ગૌરક્ષકોની હિંસા, પુણેમાં મુસ્લિમ સૉફ્ટવેર ઇજનેરની હત્યા, ઉનામાં દલિતો પર અત્યાચાર, દાદરીમાં મહમદ અખલાકની હત્યા, અલવરમાં પહેલુખાનની હત્યા, જયંત સિંહાએ હિંસક કાર્યકર્તાઓને પહેરાવેલો હાર, ગૌરી લંકેશની હત્યા, ‘લવજેહાદ’ ને ‘ઘરવાપસી’ જેવી હાસ્યાસ્પદ અને હિંસક ઝુંબેશ, આવી ક્રૂરતા જ્યારે સ્વીકારાતી હોય, વાહિયાત વિચારસરણી પ્રચલિત થતી હોય, અને દેશની અધોગતિ થતી હોય, ત્યારે ઘણા લોકોએ આંખ આડા કાન કર્યા છે. પણ નાગરિકતા વિષેનો નવો કાયદો અને જે.એન.યુ. પર થયેલા હુમલા પછી જાગૃતિ પ્રસરી છે. સરકારના સમર્થકો પણ વિચારવા માંડ્યા છે કે શું આપણે દૂધ પાઈને સાપ ઉછેર્યો? ટેલિવિઝન પર રાહુલ કંવલ અને અખબારોમાં ચેતન ભગત જેવા સમીક્ષકોએ ભા.જ.પ.ને એમની દૃષ્ટિએ અઘરા સવાલ પૂછ્યા છે, પછી સલાહ પણ આપી છે કે આ સમસ્યા પ્રચારવૃત્તિથી હલ નહીં થાય. આ સમીક્ષકો સરકારને નવા દૃષ્ટિબિંદુથી જુએ એ તો સારી વાત થઈ, પણ ખરી વાત તો એ છે કે દેશભરનાં શહેરોમાં લાખો લોકો મેદાનો અને રસ્તાઓ પર આઝાદીનાં ગીતો ગાતાં થયાં છે, અને ત્રિરંગો લહેરાવે છે, એનું એક જ  કારણ છે – એ ભારતના નવા વિભાજનનો વિરોધ કરી રહ્યા છે.

યુ ડિવાઇડ અસ, વિ વિલ મલ્ટિપ્લાય – તમે અમને તોડવાનો પ્રયત્ન કરી જુઓ, અમે વધતા જ રહીશું – આવાં સૂત્રો મુંબઈની તાજમહેલ હોટલ સામે દેખાય છે. સરકાર સામે વિરોધ કાયદાની નાની અમથી કડીઓને કારણે નથી,  કાયદાના મૂળભૂત હેતુ સામે છે.

૨૦૧૪માં ઘણા મતદારો આર્થિક વિકાસની લાલચમાં સપડાઈને ભા.જ.પ. તરફ વળ્યા હતા. પણ હવે એમને સમજાયું છે કે ભા.જ.પ.ને હિંદુત્વના વિકાસમાં રસ છે, લક્ષ્મીની મૂર્તિપૂજામાં રસ છે, લક્ષ્મી પ્રસરાવવામાં કે દેશની સમૃદ્ધિ વધારવામાં નથી એમને રસ, કે નથી એમનામાં ક્ષમતા.

હિન્દુત્વ આગ્રહીઓનો જે.એન.યુ. ઉપર આક્રોશ છે, એનું મહત્ત્વનું કારણ તો એ કે ભારતની રાજનીતિ પર છેલ્લાં પચાસ વર્ષમાં આ વિદ્યાપીઠના ઘણા વિદ્વાનોનો પ્રભાવ પુષ્કળ રહ્યો છે. એંશીના દાયકામાં સુબ્રમણ્યમ સ્વામી જે.એન.યુ.ની મશ્કરી કરતા, અને એને ‘જમુના તટપર ક્રેમલિન’ કહેતા. નેવુંના દાયકામાં અરુણ શૌરીએ ‘પ્રસિદ્ધ ઇતિહાસકારો’ નામે પુસ્તક લખ્યું, જેમાં રોમિલા થાપર અને સતીશ ચંદ્રની વિદ્વત્તાની આલોચના કરી હતી. જે.એન.યુ.ના પ્રાધ્યાપકોને પરદેશી વિચારધારાના ગુલામ તરીકે દર્શાવ્યા હતા. કૅમ્પસ ભારતના સાંસ્કૃતિક યુદ્ધની રણભૂમિ બની ગયું. ૨૦૧૬ પછી જે.એન.યુ. પર પ્રહારો વધતા ગયા – કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ અને શેહલા રશીદ જેવા ચબરાક, ચાલાક અને તેજસ્વી નવયુવાનોને ઊભરતા જોઈ ભા.જ.પ.ના નેતાઓ ભભૂક્યા. જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ દેશદ્રોહી છે, એવા બેહૂદા અને વાહિયાત આક્ષેપો પ્રચલિત કર્યા. ચાર વર્ષ પછી, કોઈ પણ પુરાવા વગર, આ વિદ્યાર્થીઓને નામ આપ્યું છે ‘ટુકડે-ટુકડે ગેંગ,’ જે આરોપ વિશે ગૃહમંત્રાલય પાસે કોઈ પુરાવો નથી. (અગત્યનો સવાલ તો એ છે કે ધારો કે આવાં સૂત્રો બોલાયાં હોય, તો ય શું? શું ભારત એટલો નાજુક ને નબળો દેશ છે કે વિદ્યાર્થીઓના ઘોંઘાટથી જર્જરિત થઇ ને એનું પતન થઇ જાય?)

નોબેલ વિજેતા ઇલિયાસ કાનેટીએ ૧૯૬૦માં એમના પુસ્તક ક્રાઉડ્‌સ ઍન્ડ પાવર(ભીડની શક્તિ)માં ટોળાંની ફાસીવાદી વૃત્તિઓ વિશે ચેતવણી આપી લખ્યું હતું : “હંમેશાં (હુલ્લડની) શરૂઆત દુશ્મન જ કરે છે – ભલે એણે ઉત્તેજક શબ્દ ના ઉચ્ચાર્યા હોય, એ જરૂર ઉચ્ચારવાની યોજના કરતો હતો; અને યોજના ન પણ કરી હોય, તો એ યોજના કરવાનો વિચાર કરતો હતો; અને વિચાર ન કર્યો હોય, તો એ વિચાર જરૂર કરત.”

માટે એને, અને એના જેવા બધાને મારો.

ઘનશ્યામ દેસાઈએ ‘ટોળું’ કરીને એક વાર્તા લખી હતી, જેમાં એમણે વાચકોને સાવધાન રહેવા આદેશ કર્યો હતો – ફૈઝની નઝ્‌મ ગાતા, ત્રિરંગો લહેરાવતા, ટાગોરની પંક્તિઓ બોલતા, શાહિનબાગમાં સત્યાગ્રહ કરતાં દેશભરનાં લાખો બહેનો અને ભાઈઓ ભારતના આત્માની રક્ષા કરી રહ્યા છે.

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 07 તેમ જ 06 

Loading

મારી માતૃભૂમિમાં મા સલામત નથી

અનિલ જોશી|Poetry|1 February 2020

ગરબો

શાહીન બાગના ગરબામાં
દીવો પ્રગટી ગયો
બાગ હવે ચાચરનો ચોક બની ગયો
મા ખુદ ગરબે રમવા આવી છે
આ નવરાત્રી નથી
અનેક રાત્રીઓનું જાગરણ છે.
ઉજાગરો નથી.
ગરબે ઘૂમે રે મા ગરબે ઘૂમે
આજ મારી અંબિકા ગરબે ઘૂમે
કડકડતી ટાઢમાં રાક્ષસો ભલે એના બનૂસ-ધાબળા
લઈ જાય પણ મા એ તો પંચમહાભૂતનું હૂંફાળું બનૂસ ઓઢ્યું છે
માને ટાઢ નથી વાતી
ટાઢિયો તાવ તો સત્તાની મર્દાનગીને આવે
કવિતાના છંદને પણ બંધારણ હોય છે
ગાગાલગા લલલગાલલગાલ ગાગા
આ વસંતતિલકાનું બંધારણ છે
વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તણી જનેતા
માની આ સ્તુતિ વસંતતિલકાના બંધારણમાં છે.
છંદ અને લયમાં ઘરની ધોરાજી ના ચાલે
મા વાગીશ્વરીના હાથમાં વીણા
શુભ્રવસ્ત્રા શ્વેતપદ્માસના છે
તે લુહારની દુકાનમાં ચુપચાપ બેઠી છે
વીણાનો તૂટેલો તાર ફરી
નવો મળે એની પ્રતીક્ષામાં છે
કોઈવાર રાક્ષસોના પ્રહારથી મા લોહીઝાણ થઈ જાય
મા પર એસિડ ફેંકાય કે તરત
ગાંધીના રેટિયાની રૂની પૂણી
માનું વહેતુ લોહી અટકાવે છે
સત્તાના બાળોતિયાં ધોવાની
માએ હવે સાફ ના પાડી દીધી છે
હાજી હાજીના નપુંસક મર્દોનાં ટોળાંમાં
માની “ના ના ના”
મારી માતૃભૂમિમાં મા સલામત નથી
એ દેશ મારો નથી
હું નોમેન્સ લેન્ડનો નાગરિક છું

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 01

Loading

શાહીનબાગની સ્ત્રીઓ

ભરત મહેતા|Poetry|1 February 2020

બરતન માંજતે માંજતે
કપડે ધોતે, ધોતે
રોટિયાઁ શેકતે, શેકતે
શાહીનબાગની સ્ત્રીઓને સંભળાય છે
નવા મૌલવી જેવા વઝીરેઆઝમની ફતવા જેવી તકરીર.
ચાય બનાને વાલે છોકરે કી તરહ વહ ચિલ્લાતા હૈ,
NRC, NRC, છીં, છીં, છીં, છીં, છી, છીં
CAA, CAA, હેં, હેં, હેં, હેં, હેં, હેં
ને વળી સંભળાય છે – ‘તુમ કૌન હો?’
અરે ઉલ્લુ કે પઠ્ઠે
હમ? હમ જોધા અકબર કી સાસ હૈં
હમ? હમ અઠરાસો સત્તાવન કી હઝરતમહાલ હૈં
હમ? હમ પંડિત જગન્નાથ કી માશુકા હૈં
દંગે કે વખત હિન્દુ ઔરત કી તરહ હી
પરેશાન હોતી અમ્મા, બીબી ઔર બેટી હૈં.
તુમ્હેં અલ્લાહ કી ઔલાદ માનકર
તીન તલ્લાક કે ટાઇમ દુવા દેને વાલી આયા હૈં.
લેકિન તુમ તો, શેતાન કી દૂમ નિકલે
વોટ માંગણે વખત ભાઈયોં-બહેનોં-ભાઈયોં-બહેનોં કરતા થા,
અબ પૂછતે હો કિ તુમ કૌન હો?
તુમ પારલેમેન્ટ મેં હો, હમ સડક પે હૈં
લેકિન યાદ રખણા પારલેમેન્ટ બોત છોટી હોતી હૈ સડક સે
બાબરી સે દાદરી તક હમ સેહતે રહેં
આર્મીવાલે કે ભાઈ અખલાક કો તુમને માર દિયા,
નઝીબ પઢને ગયા હૈ, અબ તક લૌટા હી નહીં!
ફિર ભી હમ ચૂપ બેઠે
લેકિન અબ તો તુમને, બોલે તો ક્યા બોલે, બોત વિકાસ કર દિયા!
હરેક કો પૂછતે હો કિ તુમ કૌન હો?
જરા અપને ગિરેબાન મેં ઝાંકો જહાંપનાહ, કિ તુમ કૌન હો?
દો હજાર દો કે દંગે કે લહુ કે છીંટે અભી ભી પડેલે હૈં
તુમ્હારી વર્દી પે!
ફિર ભી હમ ચૂપ થે,
લેકિન ચુપ્પી કા મતલબ યે તો નહીં કિ
હમ જિંદા લાશ બન જાય,
હમારા હોને કા વજૂદ હમ સે હી માંગા જાય!
શાહીનબાગ મેં આકે દેખ ઉમટા હુઆ હૈ સૈલાબ
યહાં આજા, ડર મત,
હમારી ઝૂર્રિયોં મેં અભી ભી મહોબ્બત બચેલી હૈ,
હમ ઔરતેં જનમ દેતી હૈં, મૌત નહીં
હમ ચીડિયોં કે ઘોંસલો કી તરાહ આશિયાના બનાતી હૈં
હમ બંદર થોડે હૈં કિ તોડ કે કિસી કા આશિયાના!
હો સકે તો હમ સે થોડા સીખ લે,
ઘર ચલાને સે જ્યાદા મુશ્કિલ નહીં હૈં
દેશ ચલાના.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 24

Loading

...102030...2,5552,5562,5572,558...2,5702,5802,590...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved