Opinion Magazine
Number of visits: 9683545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંધિયા, ‘રાષ્ટ્રીય પ્રવાહ’માં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 March 2020

શું કહીશું, છોરો કે’દીનું પૈણું પૈણું કરતો’તો, એમ જ ને? કૉંગ્રેસના અગ્રણી યુવા નેતા, ટીમ રાહુલના સભ્ય તરીકે એક તબક્કે મધ્ય પ્રદેશના વરાયેલા મુખ્યમંત્રી લેખે પોતાની અને બીજા કેટલાકની નજરે જોવાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનું પક્ષ છોડવું અને ભા.જ.પ.માં પ્રવેશવું એ તો, માનો કે, એમણે કલમ ૩૭૦ની નાબૂદીને ધરાર ટેકો કીધો ત્યારથી સામી ભીંતે લખાયા બરોબર હતું. પણ જે સરળતાથી આ આખી ઘટનાને કેટલાંક વર્તુળોએ ‘ઘરવાપસી’માં ખતવી દીધી એ વાનું કેવી રીતે ઘટાવીશું એ એક સવાલ છે. ખરું જોતાં, બીજે છેડેથી જોઈએ તો છેલ્લાં અઢાર અઢાર વરસથી એમનું કૉંગ્રેસમાં હોવું પણ, એમ તો, કોઈક તબક્કે ‘ઘરવાપસી’ જ હતું ને? જનસંઘ-ભા.જ.પ.માં લાંબો સમય શીર્ષ નેતૃત્વમાં રહેલાં રાજમાતા સિંધિયા ક્યારેક કૉંગ્રેસવાસી હતાં, અને પછી જનસંઘભેગાં થયાં હતાં. પણ આજે રાજમાતા નથી અને ભા.જ.પ.માં યશોધરા તેમ જ વસુંધરા બેઉ પોતપોતાની રીતે ઓછાંવત્તાં તિલકાયત રહ્યાં છે એટલે એ ભત્રીજા જ્યોતિરાદિત્યને એક તિલકાયત પેઠે આવકારે એ સ્વાભાવિક છે.

અહીં તિલકાયત સરખો પ્રયોગ સાભિપ્રાય કર્યો છે. એમાંથી વંશાનુગત સામંતી રાજવટની બૂ આવે છે. આમ જુઓ તો, ક્યારેક ટીમ રાહુલના સન્માન્ય સહભાગી લેખે ઊંચક્યા નહીં ઊંચકાતા જ્યોતિરાદિત્યનો કૉંગ્રેસ માંહેલો દબદબો બીજા એક ‘ફર્સ્ટ ફેમિલી’ગત તિલકાયતને કારણે સ્તો હતો. પરબારું તિલકાયત હોવું અને ઊંચી પાયરીએ બેસવું (બાપની ગાદી પેઠે) એ લોકશાહી પ્રક્રિયાની અને મૂલ્યોની રીતે બેલાશક અણછાજતું છે.

જ્યોતિરાદિત્યે પક્ષ છોડતાં એકબે વિગતમુદ્દા ચોક્કસ જ સાચા કીધા છે કે ચૂંટણીઝુંબેશમાં આપેલાં વચનો – ખાસ કરીને ખેડૂતોની દેવાનાબૂદી – બાબતે સત્તારૂઢ થયા પછી મુખ્યમંત્રી કમલનાથે કરેલી જાહેરાતો ખાલી ખાલી ખખડે છે. પોતે આ મુદ્દે બેચેન છે અને પક્ષ છોડી રહ્યા છે એવી એક ખુદસચ્ચાઈની ભૂમિકા એમણે લીધી છે. પણ ચંદ્રશેખર કે કૃષ્ણકાન્ત અગર મોહન ધારિયાની જેમ કૉંગ્રેસની અંદર ‘યંગ ટર્ક’ની રીતે સક્રિય હોવાનું દૈવત આ તિલકાયત કને કદાચ નથી. સત્તા, જે જન્મગત હોવી જ જોઈએ, એના વગરના એક બેચેનબહાદુર હાલ તો જણાય છે.

એમની બેચેનીની એક સમજૂત, જોગાનુજોગ કૉંગ્રેસની હાલની અનવસ્થા (નેતૃત્વવિષયક અનિર્ણયવશ અમથા અમથા ‘ડ્રિફ્ટિંગ’ની પરિસ્થિતિ) રૂપે જરૂર આપી શકાય. પણ એનો ઉગાર એમણે પક્ષની હારણ (ડિફિટિસ્ટ) મનોદશાને પલટવા અને પડકારવાને બદલે કથિત ઘરવાપસીમાં શોધ્યો એમાંથી ઊઠતી બૂ કેવળ ને કેવળ સત્તાકાંક્ષી તકસાધુતાની છે. ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ એમનામાં વિભીષણનાં દર્શન કર્યા તે આ પક્ષની પોતીકી તરેહની રામનિષ્ઠા દર્શાવે છે. ખરું જોતાં એમણે વ્યાસ કને જઈ આવે વખતે વિકર્ણ (અને કદાચ યુયુત્સુને પણ) ખોજવા જેવું હતું અને છે.

એક વાત રાહુલ ગાંધીએ ભોગજોગે ઠીક કહી કે જ્યોતિરાદિત્યને એમના નવા મુકામમાં સુકૂન નહીં મળે. ભાઈ, સુકૂન જો દિલનો બલકે અંતરાત્માનો મામલો હોય તો એમાં જરૂર તમે કઈ વિચારધારાને વરેલા છો અને કઈ વિચારધારાને વળગવા જઈ રહેલા છો એવી કોઈ કસોટી હોય. અહીં તો જે છે તે કેરિયરની શોધ છે.

ભા.જ.પે. દેશને કૉંગ્રેસમુક્ત કરવાનો અને પોતે કૉંગ્રેસયુક્ત થવાનો જે ધોરી ઉર્ફે ભેલાણકારી રાહ લીધો છે એ અને નાનામોટા કૉંગ્રેસમેનોની આઘાપાછી બેઉ વસ્તુતઃ એક જ તરજ પરની બીના છે, અને બંને પોતપોતાને છેડેથી ઉદાત્ત રાજકારણની ભૂમિકા કઈ હદે છોડી ચૂક્યા છે એનું નિદર્શન છે. ઉચ્ચાકાંક્ષી વિચારધારાનું રાજકારણ ક્યારેક હશે તો હશે, અત્યારે તો એ બહુધા સત્તાકાંક્ષી બજારવાદની મર્યાદામાં રમે છે એમ જ કહેવું રહ્યું.

તેમ છતાં, એક વસ્તુ અવશ્ય વિચારણીય છે કે જેવો છે તેવો વિચારધારાવાદનો એક ખરોખોટો પણ ખૂંટો હાલ ભા.જ.પે. ખોડેલ છે. જવાહરલાલ નેહરુએ લોકશાહી સમાજવાદને ધોરણે સ્વતંત્રતા-અને-સમાનતા-લક્ષી એવી એક માનવીય અપીલ ક્યારેક જરૂર જગવી હતી. પ્રકારાન્તરે, બંધારણના આમુખમાં એ પડેલી છે. બધું રાજ્ય હસ્તક નહીં તો બધું બજારહસ્તક નહીં એવું જે એક લચીલું ને વહેવારુ વ્યાકરણ (મિશ્ર અર્થતંત્ર) આપણે ત્યાં કંઈક વિકસી રહ્યું હતું એમાં રાષ્ટ્રવાદ / સામ્યવાદની મૂર્છામોહિની નહીં પણ એક ભાવનામય અપીલસરની વહેવારડાહી સમજ જરૂર હતી. ભા.જ.પ.ના રાષ્ટ્રવાદે જગવેલ અફીણી ખેંચાણમાં બધો વખત હોશકોશને અવકાશ નયે હોય.

આ પ્રકારના વિચારધારાવાદ સામે ટકી જતો એક વ્યૂહ હમણાં આપણે આપ અને અરવિંદ કેજરીવાલના રાજકારણમાં જોયો છે. રાજકારણીઓના સ્પોઈલ્સ અને પેટ્રોનેજને મુકાબલે પ્રજાની સુવિધાલ્હાણ જરૂર આવકાર્ય છે. પણ આવી સુવિધાના કરવૈયા અને લાભાર્થી બેઉને બાંધતી કોઈ ભાવનાત્મક એટલી જ વૈચારિક અપીલ તો હોવી જોઈશે ને ? અન્યથા, પાટનગરી દિલ્હીના સરેરાશ મતદારને સારુ ઉપર મોદી અને નીચે કેજરીવાલ જેવા સરળમુગ્ધ અભિગમનો દબદબો કાયમ રહેશે. જેમાં નથી રીનેસાંસ, નથી રેફર્મેશન.

ચર્ચા જરી લાંબી ખેંચાઈ ગઈ – જો કે એ પ્રસ્તુત હતી અને છે – પણ પાછા સિંધિયા પ્રકરણ તરફ જઈએ તો સચીન પાઈલટની એ ટિપ્પણીમાં કંઈક દમ જરૂર છે કે આ પ્રશ્ન અમે પક્ષમાં અરસપરસ મળીને ઉકેલી શક્યા હોત એ ઇચ્છવાજોગ થાત. આ પ્રશ્ન એકબીજાને યથાસંભવ એકોમોડેટ કરવાનો છે, અને કૉંગ્રેસ જ કેમ ભા.જ.પ. ને બીજા પક્ષોમાં પણ તે જરૂરી હોય છે. પણ સત્તાકાંક્ષા ને મહત્ત્વાકાંક્ષાનું રાજકારણ ઉચ્ચાકાંક્ષાઓને ધરબીને ક્યાં સુધી ચાલી શકે ? જવાહરલાલના વારામાં પક્ષને (એના સેન્ટરિસ્ટ અને કંઈક ધર્મશાળારૂપ છતાં) બાંધતી જે એક ભાવનાત્મક અપીલ હતી એ ન હોય તો રાજકારણ ને જાહેર જીવન નકરાં અલૂણાં બની રહે છે.

પાટલીબદલુઓની નવાઈ નથી. પક્ષાન્તર થકી સત્તાંતરનો રવૈયો થોડોક ગાળો બાદ કરતાં કેવળ રાબેતો બની રહેલ છે. ઑપરેશન રંગપંચમી અગર ઑપરેશન કમલ (કે કમલનાથ?) મધ્યપ્રદેશમાં આ દિવસોમાં મત્ત મહાલવામાં છે. આવો દરેક પ્રસંગ (જે લગભગ રોજિંદા જેવો છે) હરિયાણા-કર્ણાટક રિસોર્ટકારણ કે ભોપાલમાં ફ્લોરાફ્લોરી, બધું ચાલશે પણ અત્યંત તીવ્રપણે જયપ્રકાશનાં એ આર્ત અને આર્ષ વચનો ડસ્યાં કરશે કે સાપનાથના સ્થાને નાગનાથ આવે તોપણ શું અને નાગનાથને સ્થાને સાપનાથ આવે તોપણ શું.

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 03

Loading

દિલ્હી નહીં, ન્યાય દૂર છે

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|14 March 2020

દિલ્હીની કોમી હિંસાના મુદ્દે લોકસભામાં ભાષણ કરતા અમિત શાહના શબ્દોની આજુબાજુ બે પાંખો ચીતરી હોય, તો તે શાંતિદૂત કબૂતર જેવા લાગે. દેશના ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું કે હિંસામાં 52 ‘ભારતીયો’ મૃત્યુ પામ્યા અને 526 ‘ભારતીયો’ ઘાયલ થયા. મતલબ, ધર્મના આધારે દેશના લોકોના ભાગ પાડવાનું કામ તો સરકારના ટીકાકારો (સેક્યુલર ડાબેરી દેશદ્રોહીઓ) કરે છે. ગૃહમંત્રી અને તેમનો પક્ષ તો બધાને ભારતીય તરીકે જ જુએ છે — શરત એટલી કે તે સરકારની નીતિના વિરોધી ન હોવા જોઈએ.

કોણ કહે છે કે અમિત શાહ હેટ સ્પીચને પ્રોત્સાહન આપે છે? તેમણે ગૃહમાં કહ્યું કે ‘14 ડિસેમ્બર, 2019નાં રોજ રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ બધાને ઘરની બહાર નીકળવાનું અને ‘ડુ ઓર ડાઇ’(કરો યા મરો)નું આહ્વાન કર્યું હતું. પરિવારના બીજા એક સભ્યે કહ્યું કે આપણે ઘરની બહાર નહીં નીકળીએ તો કાયર ગણાઈશું. ‘અને તેનું કેવું ભયંકર પરિણામ આવ્યું?’ 14 ડિસેમ્બરે આ ભાષણ થયાં ને 16 ડિસેમ્બરે શાહીનબાગ વિરોધ પ્રદર્શન શરૂ થયું.’ શાંતિપ્રેમી ગૃહ મંત્રીએ શ્રોતાઓની માસુમિયત પર પૂરી શ્રદ્ધા રાખીને પૂછ્યું, ‘શું આ હેટ સ્પીચ નથી?’

સોનિયા ગાંધીની ‘હેટ સ્પીચ’થી દુઃખી ગૃહમંત્રીએ ‘ટ્રમ્પ છે ત્યાં સુધી ધીરજ રાખી છે. પછી સંયમ તૂટી જશે’, ‘દેશકે ગદ્દારોંકો, ગોલી મારો સાલોંકો’, ‘ઇ.વી.એમ.માં એટલા જોરથી બટન દબાવજો કે તેનો કરન્ટ છેક શાહીનબાગ લાગે’— આવા પ્રેરક સંદેશ આપનારા પોતાના પક્ષના નેતાઓને અને ખુદ પોતાની જાતને શાંતિપ્રિયતા માટે શાબાશી આપી હશે કે નહીં? ન આપી હોય તો હવે આપવી જોઈએ. કેમ કે, ફક્ત થોડા દિવસની હુલ્લડબાજીમાં વાત પતી ગઈ. બાકી, (તેમના કહેવા પ્રમાણે) સોનિયા ગાંધીની ઉશ્કેરણીથી તો શાહીનબાગનું વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું ને હજુ ચાલે છે. તે ભલે ને શાંતિપૂર્ણ હોય, પણ સરકારનો એટલે કે વડાપ્રધાનનો એટલે કે દેશનો વિરોધ કરવામાં રહેલી તાત્ત્વિક હિંસાને શી રીતે નજરઅંદાજ કરી શકાય?

દિલ્હીમાં કોમી હિંસાને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મેદાને ઉતારવામાં આવ્યા હતા, તેનો પણ ગૃહમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ટ્રમ્પના માનમાં યોજાયેલા જમણવારમાં જવાને બદલે પોતે દિલ્હી પોલીસ સાથે હતા. તેમણે જે નથી કહ્યું અને અખબારોમાં જેનું સૂચન હતું તે વાત એવી હતી કે સ્થાનિક કોમી હિંસામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ઉતાર્યા પછી પોલીસની સક્રિયતા વધી, પોલીસના મનમાં રહેલી અવઢવ દૂર થઈ અને હિંસા કાબૂમાં આવી, સાદા શબ્દોમાં કહીએ તો, પોલીસને ખબર પડી કે હવે ખરેખર હિંસા રોકવાની છે. સ્થાનિક હિંસા કાબૂમાં લેવાના કામમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ઉતારવામાં આવ્યા, તેના વિશે પણ અહેવાલોમાં આશ્ચર્ય પ્રગટ થયું હતું.

ગૃહમંત્રીએ કહ્યું કે કોમી હિંસા પૂર્વયોજિત અને ઊંડા કાવતરાનું (ડીપ કોન્સ્પીરસી) પરિણામ હતી. દિલ્હીની ચૂંટણી પહેલાં ભા.જ.પી. નેતાઓ તરફથી થતાં ઉચ્ચારણો ધ્યાનમાં લેતાં, ગૃહમંત્રીનો દાવો આધારભૂત લાગે. જો કે, તે આરોપ છે કે એકરાર, તેના વિશે વિવાદ હોઈ શકે. ગૃહમંત્રીએ પોતાના દાવાને વૈજ્ઞાનિક પુરાવાનો ટેકો આપતાં જાહેર કર્યું કે ’25 કમ્પ્યુટરમાં સી.સી.ટી.વી. અને વીડિયોના ફૂટેજનું વિશ્લેષણ થઈ રહ્યું છે અને ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરથી અમે (તોફાનીઓની) ઓળખ કરી રહ્યા છીએ … આ સોફ્ટવેર ધર્મ કે કપડાં નહીં, ફક્ત ચહેરા ઓળખે છે.’

સોફ્ટવેર કપડાં ઓળખતો નથી, એમ કહીને ગૃહમંત્રીએ માનનીય વડાપ્રધાનશ્રીની કપડાં પરથી જ તોફાનીઓ ઓળખાઈ જતા હોવાની દિવ્યદૃષ્ટિની યાદ તાજી કરી આપી છે અને આડકતરી ખાતરી આપવાની કોશિશ કરી છે કે અત્યારના સંજોગોમાં એ દિવ્યદૃષ્ટિને બદલે કમ્પ્યુટરની વિજ્ઞાનદૃષ્ટિની મદદ લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સોફ્ટવેરની મદદથી 1,100 તોફાનીઓની ઓળખ થઈ ચૂકી છે.

સોફ્ટવેર ધર્મ કે કપડાં ઓળખતો નથી એ ખરું, પણ તેમાં બે મોટી મુશ્કેલી છેઃ  1) તેને જેટલું કહેવામાં આવે, એટલું જ તે કરે છે. જેમ કે, તેને જેટલાં વીડિયો ફૂટેજ બતાવવામાં આવે, તેમાંથી જ તે ચહેરાની ઓળખ કરે છે. ન બતાવાયેલા ફૂટેજમાંથી તે કોને ઓળખી શકે? 2) તેણે ઓળખેલા ચહેરામાંથી કયા જાહેર કરવા ને કયા નહીં, તે સોફ્ટવેર નક્કી કરતો નથી, શાસકો નક્કી કરે છે. ત્રીજી મુશ્કેલી આવા સોફ્ટવેરના બેફામ ઉપયોગ અને તેનાં કાયદાકીય તથા નૈતિક પાસાંની છે, જે જુદી ચર્ચાનો વિષય છે.

ગૃહમંત્રીએ જે ગૃહમાં ‘ભારતીયો’ની વાત કરી, એ જ ગૃહમાં તેમના પક્ષનાં સાંસદ મિનાક્ષી લેખીએ હેટ સ્પીચ માટે નામીચા બનેલા તેમના સાથીદારોનો બચાવ કરતાં કહ્યું કે તેમનાં વિધાનો પછી ઘણા દિવસે હિંસા થઈ. (એટલે તે નિર્દોષ ગણાય). તેમણે (સરકારના દાવા પ્રમાણે, સ્વાભાવિક ક્રમમાં) બદલી પામેલા ન્યાયાધીશ વિશે પણ નામ વિના ટીપ્પણી કરતાં કહ્યું, ‘કેટલાક ન્યાયાધીશો માને છે કે વિરોધ પ્રદર્શનો હિંસક ન થાય ત્યાં સુધી પોલીસે કશી કાર્યવાહી કરવી ન જોઈએ … પણ આવા સંજોગોમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ક્યારે હિંસક બની જાય, તે નક્કી હોતું નથી.’ મતલબ, કોઈ પણ વિરોધ પ્રદર્શન ગમે તેટલું શાંતિપૂર્ણ હોય, તો પણ પોલીસ તેની સામે આગોતરી આક્રમકતાથી કામ લઈ શકે છે. વિરોધ પક્ષ સત્તામાં આવે ત્યાર પછી તેની સમજ કેવી બદલાઈ જાય છે, તેનો વધુ એક નમૂનો આ વિધાનમાં જોઈ શકાય છે.

દિલ્હીની કોમી હિંસા હોય કે છેલ્લા થોડા સમયના ઘટનાક્રમો, અદાલતની ભૂમિકા મહદ્ અંશે અસંતોષકારક રહી છે. તેનું વધુ એક ઉદાહરણ સર્વોચ્ચ અદાલતે હર્ષ મંદર પ્રત્યે અપનાવેલા વલણમાં જાહેર થયું. દિલ્હીની હિંસા વખતે સરકાર અને રાજકીય પક્ષોએ સાથ છોડી દીધો ત્યારે ભોગ બનેલા લોકો માટે રાહતનું કામ કરવામાં હર્ષ મંદરના નાગરિક સંગઠનની ભૂમિકા પ્રશંસનીય હતી. તેમણે હેટ સ્પીચ બદલ નેતાઓ સામે એફ.આઇ.આર. નોંધવા માટે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી, ત્યારે અદાલતે વિલક્ષણ વલણ અપનાવ્યું. હર્ષ મંદરે તેમના એક પ્રવચનમાં ભેદભાવ અને વિભાજન પ્રેરતા સી.એ.એ. વિરુદ્ધ અહિંસા અને પ્રેમથી લડવાની વાત કરી હતી. એ પ્રવચનને અદાલત અને સંસદ માટે અનાદરભર્યું ગણીને અદાલતે કહ્યું કે ‘આપણે પહેલાં આ (અમારા કથિત અનાદરનો) મામલો નીપટાવીએ. ત્યાર પહેલાં તમારી રજૂઆત અમે નહીં સાંભળીએ.’ અદાલતના આ નિર્ણયને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રીલેખમાં યોગ્ય રીતે જ  ‘ડિસ્ટર્બિંગ એન્ડ ડિસઅપોઇન્ટિંગ’ (વ્યથાપ્રેરક અને નિરાશાજનક) ગણાવવામાં આવ્યો. બંધારણીય મૂલ્યો માટે પ્રેમ અને અહિંસાથી લડવાની વાત કરનારને ઠપકારવા અને ખુલ્લેઆમ હેટ સ્પીચ આપનાર પ્રત્યે લક્ષ ન આપવું, એવી નીતિની અસર કલ્પી શકાય છે.

શાસકવર્ગમાં કોમી ધ્રુવીકરણ શરમ કે અફસોસને બદલે ‘વ્યૂહરચના’ અને ‘માસ્ટર સ્ટ્રોક’ ગણાતાં હોય, ત્યારે દિલ્હીની હિંસા જેવા ઘટનાક્રમમાં અસલી ગુનેગારોની ઓળખને બદલે સગવડિયા શિકારોની શોધ મુખ્ય કાર્યક્રમ બની રહે છે અને પીડિતોને ન્યાય અપાવવાના પ્રયાસ રાજદ્રોહ ગણાઈ શકે છે. 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 01-02

Loading

યશવંત દોશી : ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક અને ચરિત્રકાર

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 March 2020

પરિચય પુસ્તિકા શ્રેણી અને ‘ગ્રંથ’ માસિકનાં સંપાદનનું અનન્ય કામ કરનાર ય.દો.એ આ બે પ્રકાશનો માટે ડૉલરમાં મળતાં પગારની નોકરી છોડી દીધી હતી. બારસો જેટલાં પાનાંમાં તેમણે  લખેલું સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર તેમનાં નામ જેટલું જ ઓછું જાણીતું છે. તેમનું જન્મશતાબ્દી વર્ષ સોમવાર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.

પુણ્યશ્લોક રવિશંકર મહારાજના ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક યશવંત દોશીનું જન્મશતાબ્દી વર્ષ સોમવાર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. જ્ઞાન અને પુસ્તક ખાતર વ્યવહારુ જિંદગીને ગૌણ ગણીને ઓછી આવકમાં જીવનાર યશવંત દોશી(1920-1999)નો આપણા સમયના સાહિત્યજગતમાં તો જોટો જડે તેમ નથી. પુસ્તકોમાં ધોરણસરનો રસ ધરાવનાર નવી પેઢીના વાચકની પણ આંખો ‘પરિચય પુસ્તિકા’ શબ્દ સાંભળતા ચમકી ઊઠે છે. એ પહેલાંની પેઢીના વાચકો ‘ગ્રંથ’ માસિકને પણ ખૂબ આદરથી યાદ કરે છે. આ બંને યશવંતભાઈની અનન્ય દેણ છે. એપ્રિલ 1958થી શરૂ થયેલી પરિચય પુસ્તિકા શ્રેણીમાં દર મહિને બે પુસ્તિકા પ્રમાણે અત્યાર સુધી 1,457 પુસ્તિકાઓ બહાર પડી છે. ગુજરાતી વિશ્વકોશ, કે વિકિપીડિયાથી વર્ષો પહેલાંની આ પ્રકાશનશ્રેણીનો વિષયવ્યાપ ઘરઘથ્થુ લઘુ જ્ઞાનકોશ જેવો છે. અરધી સદી સુધી પરિચય પુસ્તિકા નિરૂપણના ઊંડાણ અને રજૂઆતની ચુસ્તીનો દાખલો ગણાતી. તેના રચયિતા યશવંતભાઈ નિષ્ઠા, પ્રામાણિકતા, નિરપેક્ષ ઉદ્યમ, પ્રસિદ્ધિવિમુખતા જેવા ગુણોનો સમુચ્ચય ગણાતા. 

પરિચય પુસ્તિકા પ્રકાશનપ્રવૃત્તિનો પ્રારંભ પત્રકાર અને લલિત નિબંધકાર વાડીલાલ ડગલી (1926-85) અને યશવંતભાઈનાં ગુજરાતી વાચકને માહિતીથી સમૃદ્ધ કરવાના જ્ઞાનસ્વપ્નથી થયો. એ વખતે વાડીભાઈ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયામાં વાણિજ્ય તંત્રી હતા. યશવંતભાઈ કાપડ, સ્ટેશનરી, ચા વગેરેના નાના વેપાર ઉપરાંત શિક્ષક અને ગૃહપતિની નોકરીઓ પછી, માત્ર ગુજરાતી-સંસ્કૃતમાં બી.એ.ની પદવીને આધારે મુંબઈની અમેરિકન માહિતી કચેરીમાં અખબારી વિભાગમાં જોડાઈને ચીવટ અને મહેનતથી તેના વડા બન્યા હતા. આ વિખ્યાત મિત્રબેલડીએ જુલાઈ 1959માં ‘પરિચય ટ્રસ્ટ’ સ્થાપ્યું અને તેનાં નેજા હેઠળ પાંચેક વર્ષ પુસ્તિકાઓ બહાર પાડી. પણ ખોટ વધવા માંડી. એટલે એક માસિક શરૂ કર્યું કે જેની જાહેરખબરોની આવકમાંથી ટકી રહેવાય. આવું માસિક તે પૂરા સમયનું કામ, એટલે સુકાનીઓ માટે નોકરી છોડવાનું જરૂરી બન્યું, જે યશવંતભાઈએ સપ્ટેમ્બર 1963માં છોડી. ડૉલરમાં સારો પગાર અને એનાથી ય વધુ સલામત ભવિષ્ય આપતી પેન્શન-પી.એફ. સાથેની નોકરી પુસ્તકઘેલા યશવંતભાઈએ છોડી; મુંબઈમાં રહીને, દીકરી અને દીકરાના ઉછેરની વચ્ચે છોડી. એક રીતે જોઈએ તો પુસ્તકોને લગતાં એ માસિક માટે છોડી જેનું નામ ‘ગ્રંથ’. એ ય.દો.એ 1964થી 1986 સુધી ભેખ તરીકે  સંભાળ્યું. 

‘ગ્રંથ’ ગુજરાતી ભાષાનું પહેલું ગ્રંથ-સામયિક હતું કે જેનો હેતુ ‘પુસ્તકો વિશે વધુમાં વધુ માહિતી અને નવાં પુસ્તકોનાં અવલોકનો’ આપવાનો હતો. ‘ગ્રંથ’નાં અંકોની ફાઇલો જોતાં રોમાન્ચ થાય. કોઈ પણ પુસ્તકપ્રેમીનાં મનને હરી લેનાર સામયિક. ‘ગ્રંથે’ સરેરાશ એંશી પાનાંનો એક એવા 270 અંકોમાં દસ હજારથી વધુ પુસ્તકોનાં અવલોકનો આપ્યાં. વળી, દર મહિને ગુજરાતી ઉપરાંત ભારતીય ભાષાઓના સાહિત્યનાં અને માનવવિદ્યાઓને લગતાં અંગ્રેજી પુસ્તકો વિશે વાંચવા મળતું. વિવેચન લેખોને પણ સ્થાન હતું. વિખ્યાત પુસ્તકોના સારનો અને દુનિયા બદલનારાં પુસ્તકોનો વિભાગ ન્યાલ કરી દેનારો રહેતો. ય.દો. ખુદ સાહિત્યિક બનાવો, પ્રવાહો અને સમીક્ષાના લેખો તેમ જ ગ્રંથાવલોકનો લખતા. ‘ગ્રંથ’ પછી તેને કેટલેક અંશે મળતું આવતું સાહિત્ય ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ પણ રમણ સોનીએ 1991થી 26 વર્ષ સુધી ઉત્તમ ગુણવત્તા સાથે ચલાવ્યું. ‘ગ્રંથ’ (અને ‘પ્રત્યક્ષ’) જોતાં અત્યારનાં ‘બિબ્લિઓ’ કે ‘બુકરિવ્યૂ’ જેવાં અંગ્રેજી કે ‘લલિત’ જેવાં મરાઠી સામયિકો નજર સામે આવે. પુસ્તકો અને લેખકોની પસંદગી, લેખોના વિષયો અને એકંદર સંમાર્જનમાં પણ ય.દો.ની દૃષ્ટિને કારણે ‘ગ્રંથ’ એક ઉજ્જ્વલ પુસ્તક-સામયિક બન્યું હતું.

જો કે ‘ગ્રંથ’નો ઉજાસ પરિચય પુસ્તિકાના વિષયો, લેખકો, વેચાણ અને વાચકસંખ્યાના પ્રકાશ સામે ઝાંખો પડ્યો હોય એવી છાપ ઉપજે. પરિચય પુસ્તિકા ગુજરાતી વાચકો માટે સામાન્ય જ્ઞાનનું લાઘવયુક્ત, વાચનીય, વિશ્વાસપાત્ર અને પોષાય તેવું હાથવગું સાધન હતું. તેના માટે ય.દો.એ જેમની પાસે પુસ્તિકાઓ લખાવી તેમાં ગૃહિણીઓથી માંડીને ન્યાયાધીશો સુધીની અનેક પ્રકારની વ્યક્તિઓ હતી. આ બધાં લખનાર પોતપોતાનાં ક્ષેત્રનાં જાણકાર હતા, પણ તેમણે કલમ પકડી ન હતી. એટલે સેંકડો પરિચય પુસ્તિકાઓની મઠારણી ય.દો.એ કરી અને તેમના સહસંપાદકો પાસેથી કરાવી. તેમાંથી નગીનદાસ સંઘવી અને હસમુખ ગાંધી સહિત અનેક નામાંકિત પત્રકારો બન્યા ત્યારે તેમણે ય.દો.ની તાલીમ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. યશવંતભાઈએ પોતે પણ ‘ગ્રંથ’ ઉપરાંત છાપાં-સામયિકોમાં કટારલેખન કર્યું. તેમાંથી દોઢસો જેટલા ચૂંટેલા લેખોના ‘કિતાબી દુનિયા’ અને ‘ગ્રંથ વિવેક’ નામનાં પુસ્તકો ય.દો.ના એક આત્મીય સહકાર્યકર અને ગ્રંથજ્ઞ દીપક મહેતાના સંપાદન હેઠળ બહાર પડ્યા છે. આ સંચયોમાં વિચારસિક્ત ચુસ્ત લેખન સાથે ય.દો.ની નિર્દંભ સાહિત્યરુચિ અને તેમનું નીડર સ્પષ્ટવક્તાપણું જોવા મળે છે. અનંતરાય રાવળ, ઉમાશંકર જોશી, દર્શક, નિરંજન ભગત, મુનશી, રમણલાલ જોશી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાહિત્યકારોનાં પુસ્તકો કે મંતવ્યોની તેમણે જુદા જુદા પ્રસંગે વ્યક્તિગત નહીં પણ સાહિત્યિક ધોરણે સ્પષ્ટ ટીકા કરી છે.

યશવંત દોશીનું એક બહુ મોટું અને એટલું જ અજાણ્યું કામ એટલે સરદાર પટેલનું તેમણે બે દળદાર ગ્રંથોમાં લખેલું જીવનચરિત્ર. મોટાં કદનાં બારસો જેટલાં પાનાં, 71 પ્રકરણ. અભ્યાસમાં લીધેલાં 70 ગુજરાતી અને 80 અંગ્રેજી પુસ્તકોની યાદી. આવેગહીન તટસ્થ શૈલી. રાજમોહન ગાંધીએ લખેલા વિશ્વવિખ્યાત અંગ્રેજી જીવનચરિત્રના ગુજરાતી અનુવાદક અને તડનું ફડ કરવા માટે જાણીતા શતાયુ પત્રકાર નગીનદાસ સંઘવીએ ઑન રેકૉર્ડ કહ્યું છે રાજમોહનનાં પુસ્તક કરતાં ‘યશવંત દોશીનું કામ વધુ મોટું છે’. બંને પુસ્તક સાથે પ્રકાશિત કરવા એમ ‘પ્રકાશકનો મૂળ વિચાર હતો … પણ રાજમોહને કહ્યું કે પહેલાં મારું પુસ્તક પ્રગટ થઈ જાય પછી બે-એક વર્ષે યશવંતભાઈનું પુસ્તક પ્રગટ કરવું. એ વાત પ્રકાશકે સ્વીકારી એટલે યશવંતભાઈનું પુસ્તક એમની હયાતીમાં પ્રગટ થઈ શક્યું નહીં’, આ નોંધનાર દીપક મહેતાએ ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી’ નામે યશવંતભાઈનું ટૂંકું જીવનચરિત્ર લખ્યું છે, જે વિશ્વકોશ ટ્રસ્ટે બહાર પાડ્યું છે. તેને ય.દો. પરનાં અધિકરણની ખોટ પૂરવાનું આકસ્મિક કે આયોજિત જેશ્ચર ગણી શકાય. વળી વિશ્વકોશે આવતી 14 માર્ચના શનિવારની સાંજે સાડા પાંચ વાગ્યે તેનાં સભાગૃહમાં દીપક મહેતાનું યશવંત દોશી પર વ્યાખ્યાન પણ યોજ્યું છે. 

દીપકભાઈ ઉપરાંત નગીનદાસ સંઘવી અને હસિત મહેતાએ નોંધ્યું છે કે ય.દો.એ ગૃહપતિપદનાં વર્ષોમાં પત્નીએ છાત્રાલયના કોલસામાંથી રસોઈ બનાવી એટલે યશવંતભાઈએ ઉપવાસ કર્યા હતા. પરિચય ટ્રસ્ટની પેન્સિલ સુદ્ધાં પોતાનાં કામ માટે વાપરી નથી. એક તબક્કે ટ્રસ્ટનું ખર્ચ બચાવવા એ અરધો જ પગાર લેવા પણ તૈયાર થયા હતા એમ પણ દીપકભાઈએ નોંધ્યું છે.  ઉપર્યુક્ત ત્રણેય અભ્યાસીઓએ જીવનમાં જે તીવ્ર પીડા તિતીક્ષાથી વેઠી હતી તેના વિષે પણ લખ્યું છે. જે ‘ગ્રંથ’નું તેમણે જન્મ આપીને ખૂબ લગનથી સંગોપન કર્યું તેનું સંપાદન પરિચય ટ્રસ્ટે તેમની પાસેથી કોઈ કારણ વિના આંચકી લીધું, નિરંજન ભગતને સોંપ્યું અને માંડ એક વર્ષ પછી વળી પાછું યશવંતભાઈને સોંપ્યું. એ તેમણે કોઈ ટીકા કે કડવાશ વિના ફરી સ્વીકાર્યું. વાડીલાલ ડગલીનાં અવસાન બાદ ‘ગ્રંથ’ બંધ કરવાનો નિર્ણય યશવંતભાઈનાં યોગક્ષેમની દરકાર વિના લેવામાં આવ્યો. આ પૂર્વે ‘ગ્રંથ’ ખાતર ય.દો.એ ડૉલરિયા નોકરી છોડી હતી તેની ખાતરીનું પાલન તો થયું જ  ન હતું. ગ્રંથ બંધ કરવાના નિર્ણયમાં ઉમાશંકર અને નિરંજન ભગતની સંમતિ હતી. આ બંને એકાએક ગ્રંથના આખરી અંકના સંપાદકો બન્યા હતા. તેમનાં નામ પહેલાં હતાં અને ત્રીજું નામ યશવંત દોશીનું હતું ! 

યશવંત દોશીએ દૈનિકો અને સામયિકોમાં લખેલાં અગ્રંથસ્થ લખાણોની સી.ડી. તેમના ચિરંજીવી અભિજિતે બનાવી છે. ‘ગ્રંથ’ના અંકો પુસ્તકચાહકો માટેનો ખજાનો છે. તે ડિજિટાઇઝડ કરીને સાચવી લઈને ગુજરાતના વાચનપ્રેમીઓ યશવંત દોશીનું ઋણકંઈક અંશે અદા કરી શકે.

******

12 માર્ચ 2020

[“નવગુજરાત સમય”, શનિવાર, 13 માર્ચ 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

...102030...2,5542,5552,5562,557...2,5602,5702,580...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved