ઉમેશ સોલંકીની ૨૦૧૭માં પ્રકાશિત થયેલી નવલકથા “ફેરફાર"માંથી પસાર થવાનું બનેલું ત્યારે એવું અનુભવાયેલું કે અતીત અને વર્તમાનની મથામણ આજના સમાજના વ્યક્તિને ઘમરોળી નાખતી હોય છે. પ્રાપ્ત થયેલ ફેરફારને કારણે સાચ્ચે જ કંઈ નવું પામી શક્યા છીએ કે નહીં? એ પ્રશ્ન સહુના દિલમાં ઉદ્ભવે! ખેર, ‘ફેરફાર’ના વાચન બાદ ટૂંકા ગાળામાં ઉમેશની કવિતામાં ડોકિયું કરવાનો પ્રસંગ સાંપડ્યો ત્યારે એટલું તો આપમેળે નિર્ધારી શકાયું કે ઉદય પામતા કવિના શબ્દમાં દમ છે. શાર્પનેસ છે!
કોઈ નવોસવો વાચક ‘પ્રેમકાવ્યો’માં શાબ્દિક અને આંતરિક રીતે ‘પ્રેમ'ની ખોજ કરવા પ્રયાસ કરે તો શક્ય છે કે એને સફળતા ન પણ મળે. પણ એનાં ય કારણો છે. ‘ચાહવું' એ નાનીસૂની બાબત નથી, આખુંયે આયખું વીતી ગયા છતાં ય "ચાહવા"ની ક્ષણો થોડીકે ય મળી ન હોય એમ ન પણ બને! ‘૨૮ પ્રેમકાવ્યો'માં એ ‘ચાહવાની ક્ષણો' કેન્દ્રમાં રહેલી છે અને તે પણ ધોધમાર વર્ષા કે ચોતરફ વિખરાયેલાં ગરમાળાનાં ફૂલોની ગેરહાજરીમાં રિવરફ્રન્ટની પાળે કે કાંકરિયાની વચ્ચોવચ આવેલી નગીનાવાડીમાં બેઠેબેઠે અનુભવાયેલ પ્રેમાળ ક્ષણો શોધવા વાચક અહીં પ્રયત્ન કરશે તો તે વૃથા જ પામશે. કારણ અહીં કવિતાના એવા ઉપકરણો થકી કવિતા સર્જાઈ છે કે જેમાં પ્રેમ એક નવા નોખા મિજાજમાં ભાવક્ને ઊંડાણથી વિચારવા માટે ફરજ પાડે છે. આ કાવ્યસંચયનું “અને તું?" શીર્ષક હેઠળનું છેલ્લું કાવ્ય આમ છે :
“બોલ, ક્હીશ શું, પ્રેમને તુ … ?"
“બીજુ … શું, વરસાદનું પહેલું ટીપું,”
અને તુ … ?”
"ગટરનું ઢાંકણું"
(પૃષ્ઠ…૭૧)
કવિ આદિકાળથી ચાલ્યા આવતા પ્રેમને ‘વરસાદનું પહેલું ટીપું'થી નહીં ઓળખાવતા 'ગટરનું ઢાકણું' – એવી નવી જ વ્યાખ્યા બાંધી આપે છે. અતીતની પ્રકૃતિ અને આજની વાસ્તવિકતા … એ બંને છેડાનું સંધાન નહીં કરતાં કવિ આંખો સામે ઊઠતા તાંડવનું સંધાન કરી આપે છે ! “વાૅંઘું"’ કાવ્યની આ બે પંક્તિઓ :
“કાંટા પણ લાગે વણબોટ્યા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે હઠીલો શણગાર"
સાચ્ચે જ રૂપક કે ઉપમા એવા શબ્દો નહીં પ્રયોજતાં અફલાતૂન શબ્દ પણ પ્રશંસવા-પ્રયોજવા માટે કૃપણ લાગે … એટલી હદે આબેહૂબ ચિત્ર ઉપસી આવ્યું છે અહીં.
“એ એના રસ્તે હું મારા રસ્તે"માં ‘જોયું ન જોયું'ની કદર કરી – પછી આખી કવિતા પમાય છે. નાયક-નાયિકાની મનોવ્યથા છતાં એ મનોવ્યથાનો સાહજિક સ્વીકાર કવિતાનું કેન્દ્રબિંદુ છે.
“ખેંચાણ" આ સંગ્રહની એક ઉત્તમ કૃતિની પ્રતીતિ કરાવે છે. કવિનું મન ભલે પ્રિયતમાના સરોવર જેવા શરીર પર મંદમંદ શ્વાસોથી લહેરો સર્જતું હોય પણ પ્રબળ ખેંચાણ તો –
“ખખડી ગયેલી ઝૂંપડીના
ખૂણામાં પડેલા
ઘસતેલિયા દીવાની
થરથરતી જ્યોત
આડે હાથ ધરવા” –
તરફ છે. બાળોતિયા વગરની નિર્દોષતાને હૂંફ આપવા તરફનું ખેંચાણ છે. આખીયે કવિતાનો મર્મ સમજવા ભાવકે પણ વેદનામાંથી પસાર થવું પડે ! “પ્રેમ એટલે"માં પ્રેમનો સાચો અર્થ સમજાવતા કવિ કહે છે :
"પ્રેમ એટલે
લડવાનું હોય નહીં
હોય નહીં મરવાનું
પ્રેમ એટલે હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળપળનું”
તો વળી “પ્રેમ" કવિતામાં “કહેંજે”નો પ્રયોગ કરી ઘણું બધું કહી નાખે છે કવિ !
"ઠંડું ઠંડું પાણી પીતાં પીતાં
ગોબા પડેલા બેડાના ભારના વિચારથી
થાકી જવાય, તો મને ક્હેજે.
મને કહેજે
જ્યારે પોચા પોચા બિસ્તરમાંથી આવતી
ફાટીમેલી ગોદડીની ગંધ
નાકના ટેરવાને લાલ કરી નાખે.
મને કહેજે
જ્યારે સ્વિમિંગ પુલનું પાણી
શરીરને ચોંટતા ચપચપતા પરસેવા જેવું લાગે"
‘સરહદ’ કાવ્યમાં વેરવિખેર થયેલા લોકોને જોડી આપવાની વાત કહી કવિ “રાજારાણી"ની રીતને નઠારી કહી સરહદ તોડી નાખવા આહ્વાન આપે છે.
સંગ્રહની સ્પર્શક્ષમ બનતી કૃતિઓમાં ‘મોહણિયું', ‘ટીલડીઓ’, ‘મગરાની વાતો', 'પતંગદોર', ‘ઉખેડી ફેંક્યું', ‘તેથી', ‘અનાજનો પહેલો દાણો', ‘નામ છોડ્યું', ‘નિયમની છાતી ૫૨'ને ગણાવી શકાય.
‘ફેરફાર' નવલકથા પછી ઉમેશ સોલંકી ‘૨૮ પ્રેમકાવ્યો’ની રચનાઓ વાસ્તવિક જીવનની વિટંબણાને ઉજાગર કરે છે. કવિ ભલે પ્રેમની વાતો માંડતા હોય પણ એમાં અસહ્ય પરિતાપ વેઠી રહેલા સમાજની છબી ઉપસી આવે છે. તૃપ્તિ, ૫રિતૃપ્તિ, સફળતા, વિફળતા અને આ બધામાં કેન્દ્રસ્થાને રહેલ “ગ્રામીણ પ્રેમ"ની પરિભાષા કવિને ઊંચાઈ બક્ષે છે, એમ કહેવું લગીરે શેષ-વિશેષ નહીં લાગે !
(પ્રગટ : “દલિત અધિકાર”, 16 જૂન 2018; પૃ. 02-03)
![]()


પુસ્તકની શરૂઆત સંગીતના સૂરોથી થાય છે. શિકાગોના એક શ્રમજીવી વિસ્તારમાં વસતી નાનકડી મિશેલ પિયાનો શીખે છે. પુસ્તક આગળ વાંચતા જઈએ ત્યારે વિચાર આવે છે કે પહેલા જ લેસનમાં મિશેલને મળેલા મધ્ય સપ્તકના ‘સી’ સૂરની સફેદ પટ્ટી શોધીને યાદ રાખવાના પાઠે મિશેલને જિંદગીભરનું ભાથું આપ્યું હશે. કદાચ એ પાઠ એ જ એમની નિયતિ હશે. આગળના એમના જીવનને જીવવાની ચાવી કદાચ મધ્યવર્તી ષડ્જને પકડવાની એ શીખમાં રહેલી હતી. મધ્ય – સપ્તકનો આ સૂર, મંદ્ર અને તાર સપ્તકને જોડતી કડી છે, પિયાનો પર ફરતા ડાબા- જમણા હાથ માટેનો મધ્યવર્તી પડાવ છે. આ આખીયે જીવનકથામાં મિશેલ કદાચ આ જ કરે છે – જીવનના અંતિમો વચ્ચે સંતુલન સાધવાની મથામણ.
