Opinion Magazine
Number of visits: 9575908
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભલા, તેં આ શું કર્યું ?

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|26 February 2020

ગુજરાતીના એક અવ્વલ સાહિત્યકાર ઉમાશંકર જોશીની એક કવિતા હમણાં હમણાં સતત સાંભર્યા કરે છે :

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
                              તેં શું કર્યું ?

અમારે ત્યાં 31 જાન્યુઆરી 2020ના મધરાત પહેલાં, છેવટે, બ્રેક્સિટની અધિકૃતતા સ્થપાઈને રહી. એટલે જ પૂછવાનું મન થાય : ‘દેશ તો યુરોપીય સંઘ મુક્ત થઈ ગયો, … તેં શું કર્યું ?’ કવિ જનતાને, નાગરિકને સવાલે છે; એમ યુનાઇટેડ કિંગ્ડમની રૈયતની સામે ય અહીં સવાલ ખડો છે : ‘ભલા, તેં આ શું કર્યું ?’

courtesy : Paresh Nath, The Khaleej Times, UAE, October 2019

વખતની વક્રોક્તિ જોવા જેવી છે : બીજા વિશ્વયુદ્ધના છેવટના દિવસોમાં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન, કન્સર્વેટિવ પક્ષના વિન્સ્ટન ચર્ચિલ તેમ જ એમના નાયબ વડા પ્રધાન લેબર પક્ષના ક્લેમન્ટ એટલીએ યુરોપ પ્રવાસ વેળા જે કામગીરી કરેલી તેને પ્રતાપે યુરોપના દેશોનો સંઘ હળુ હળુ રચી શકાયો હતો. ફરી વાર નેપોલિયન બોનાપાર્ટ કે પછી એડોલ્ફ હિટલરનો સામનો કરવાનો સૌને ન થાય તે સારુ 1946 વેળા વિન્સ્ટન ચર્ચિલે ભારે અગત્યનું એક પ્રવચન યુરોપમાં આપેલું, તેની યાદ “ઇન્ડિપેન્ડન્ટ” દૈનિકના એક સહાયક તંત્રી, શૉન ઓ’ગ્રાડીએ એક લેખમાળામાં ય આપી છે. ચર્ચિલે આ પ્રવચનમાં યુરોપીય એકતાનો નકશો કંડારી આપેલો.

વારુ, સન 1951માં ‘ટૃીટી ઑવ્‌ રોમ’ થઈ. બીજા વિશ્વયુદ્ધ બાદ, અસ્તવ્યસ્ત થયેલા યુરોપના દેશોનું અર્થતંત્ર પાટે ચડે તે માટે તેની રચના કરવામાં આવી હતી. 1956માં ‘યુરોપીયન એકોનોમિક્સ કમ્યુનિટીનો આદર કરવાની શરૂઆતી થઈ. યુરોપના માંહેમાંહે લડતા ઝગડતા દેશો આમ એક પંગતે બેસેઊઠે, એનું પાકું એક મંડાણ થયું. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ચાર્લ્સ દ’ગોલ જો કે વીટો વાપરતા રહી, યુનાઇટેડ કિંગ્ડમનો સાથોસાથ પાટલો પડે તે અટકાવતા રહેલા ! યુરોપના બીજા દેશો, દરમિયાન, સંઘમાં જોડાતા ગયા. પણ આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમનો વારો છેક 01 જાન્યુઆરી 1973ના, બાવીસ વરસને ઓવારે, આવ્યો. તે વખતે બ્રિટનમાં એડવર્ડ હીથના વડપણવાળી કન્સર્વેટિવ સરકાર હતી. સંસદમાં ઠરાવ મુકાયો તે વેળા લેબર પક્ષમાં તડા હતા. નેતા હેરલ્ડ વિલ્સને તેમ જ એમના નાયબ નેતા જિમ કેલેહાને ઠરાવની વિરુદ્ધ મતદાન કરેલું. ઑક્ટોબર 1974માં સાર્વત્રિક ચૂંટણી થઈ અને હેરલ્ડ વિલ્સનના વડપણમાં લેબર પક્ષ વિજયી થયો. પાતળી બહુમતી હોવા છતાં, 1975માં યુરોપીય મજિયારી બજારના ટેકામાં લોકમત લેવાનું ઠરાવાયું. હેરલ્ડ વિલ્સન, જિમ કેલેહાને પણ લોકમતની તરફેણે મન મૂકીને કામ કર્યું અને દેશે લેબર સરકારને યુરોપીય મજિયારી બજારમાં પ્રવેશ માટે 67 ટકાની બહુમતી આપી.

માર્ગરેટ થેચર, ફેબ્રુઆરી 1975 વેળા, બહુમતીએ કન્સર્વેટિવ પક્ષના નેતાપદે એડવર્ડ હીથને પરાસ્ત કરીને ચૂંટાયાં. હળુ હળુ પક્ષને ઉદારમત સામે જમણેરી વળાંક આપવાનો થેચરે આરંભ કર્યો. 1979માં ચૂંટણી આવી અને એ બહુમતીએ વડાપ્રધાન થયાં. એમણે પોતાના કાર્યકાળ દરમિયાન પક્ષને, દેશને નક્કરપણે જમણેરી વળાંક આપ્યો. લોકભોગ્ય ઉચ્ચારણો અને કાર્યપદ્ધતિથી શાસન ચલાવ્યું. પણ યુરોપ મુદ્દે તે યુરોપતરફી રહ્યાં. એમનાં પછી, જ્હોન મેજર વડાપ્રધાન થયા અને કન્સર્વેટિવ પક્ષનો સંસદમાં ટેકો યુરોપ તરફે જ રહ્યો. 1993 વેળા માસ્ટૃિક કરાર થયા. મજિયારી બજારને સંઘમાં પરિવર્તિત કરવામાં આવી. 1997 પછી ટૉની બ્લેરની આગેવાનીમાં લેબર સરકાર અસ્તિત્વમાં આવી. ટૉની બ્લેર પછી એમના નાણામંત્રી ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન થયા અને એમના જ વખત-ગાળામાં, 2009માં લિસબન કરાર કરવામાં આવતા, યુરોપીયન યુનિયનની રચના કરવાનું ઠેરવાયું.

વડા પ્રધાન બ્રાઉનના શાસનકાળમાં યુરોપીય સંઘ નામે અહીંતહીં ગોકીરો થયા કરતો. અને આવો ગોકીરો કન્સર્વેટિવ પક્ષમાં ઝાઝેરો અને લેબર પક્ષમાં નહીંવત દેખાતો. એની વચ્ચે ગોર્ડન બ્રાઉને ચૂંટણી માટેની જાહેરાત કરી. તેમના પક્ષને ધારી બહુમતી સાંપડી નહીં. આમ સભામાં ડેવિડ કેમરુનના વડપણ હેઠળના કન્સર્વેટિવ પક્ષને ગૂંજે બહુમતી સાંપડ્યા વિના ઝાઝેરાં સાંસદોનો જુમલો હતો. તેમ છતાં આમ સભામાં બહુમત ન હોઈ, લિબરલ ડેમોક્રેટ પક્ષ સાથે વાટાઘાટ કરી સંયુક્ત સરકારની રચના કરાઈ. બ્રિટન માટેના ફાયદારૂપ સુધારાઓ મેળવવા ડેવિડ કેમરુને યુરોપીય સંઘ સાથે વાટાઘાટ આદરી. બીજી પાસ, કન્સર્વેટિવ પક્ષમાં યુરોપમાંથી ફારતગી લેવાની તરફદારી વધતી ચાલી હતી. આમ સભામાં વરસો જૂનાં આવાં સાંસદો ઉપરાંત બીજાં અનેકોનું ઊમેરણ થયું હતું. આ કોયડાનો કાયમી ઊકેલ લાવવા માટે લોકમત લેવાનું આથી વડા પ્રધાન વિચારતા રહ્યા. તેમની નજર તેમના પક્ષનાં સાંસદોને સારુ ટાઢા પાડવાનો હોય તેમ લાગતું હતું. પ્રધાનમંડળમાંના તેમના બે વરિષ્ટ સાથીદારો કેમેરુનને વારતા રહ્યા. લિબરલ ડેમોક્રેટ તો પાયાગત આ વિચારની વિરુદ્ધમાં હતા. અને છતાં, વડા પ્રધાને 2016માં જુગાર ખેલવા ચોપાટ માંડી. ડેવિડ કેમેરુન ખુદ પોતે યુરોપમાં સામેલ રહેવાના મતમાં હતા અને તેમને ખાતરી હતી કે લોકમતમાં તે જીતશે. પણ, તેમ બન્યું નહીં. આશરે 52% લોકોએ ફારગત થવાને મત આપ્યા. સંબંધ જારી રાખવાની ટકાવારી સામી બાજુ ઝાઝી છેટી નહોતી, તેનો આંક આશરે 48% જેવડો રહેલો. ડેવિડ કેમેરુને વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું અને તેને સ્થાને ટરિઝા મે આવ્યાં.

યુરોપીય સંઘ સાથે અનેક જાતની, અનેક સ્તરે વાટાઘાટ બેઠકો યોજાતી રહી. ટરિઝા મે ‘બ્રેક્સિટ’ માટેની યોજના પણ મેળવી આવ્યાં. પરંતુ આમ સભામાં તેમની સરકારને બહુમતી ટેકો હતો નહીં. અઢી વરસ ઉપરાંતનો સમય વેડફાતો રહ્યો. તેમના કન્સર્વેટિવ પક્ષમાં ચરુ ઊકળતો રહ્યો. અને છેવટે પક્ષે તેમને દૂર કર્યાં અને તેને ઠેકાણે બોરિસ જોનસનને લાવ્યા. સાર્વત્રિક ચૂંટણી લેવાઈ અને મોટી બહુમતીએ તે અને તેમનો પક્ષ ચૂંટાયો. અને આમ સભાએ બ્રેક્સિટ અંગેની બોરિસ જોનસન મેળવી લાવેલી યોજનાને બહાલ રાખી અને હવે 01 ફેબ્રુઆરી 2020થી યુનાઇટેડ કિંગ્ડમ યુરોપીય સંઘથી ફારગત થયું. ફરી વાર તે ટાપુ દેશ તરીકે ‘આઝાદ’ થયું.

courtesy : CHAPPATTE, International New York Times

પણ હવે શું ?

આ દેશના એક વરિષ્ટ સમીક્ષક, વિશ્લેષક અને લેખક સ્ટીવ રિચર્ડ્‌સે હાલ એક મજેદાર પુસ્તક – ‘ધ પ્રાઈમ મિનિસ્ટર્સ’ આપ્યું છે. હેરલ્ડ વિલ્સનથી માંડીને ટેરિઝા મે લગીનાં દરેક વડા પ્રધાન અંગે વિગતે આલોચક સમીક્ષા આપી છે. ઉપસંહારમાં, સ્ટીવ રિચર્ડ્‌સ કહે છે : યુનાઇટેડ કિંગ્ડમમાં એક અરસાથી આગેવાનની સરિયામ ખોટ વર્તાય છે. ચોમેર લોકરંજનવાદી જમણેરી વિચારધારાની અસર વર્તાતી હોય, વૈષ્વિક બજારુ અર્થતંત્રને લીધે અસીમ અસલામતી અનુભવાતી હોય તેમ બ્રેક્સિટને કારણે ક્યારે ય અંત આવી ન શકે તેવી દેખીતી ધડાકાભડાકા કરતી માગણીઓ સતત વિંઝાતી રહેતી હોય, તેવે સમે લોક સાથે સંવાદ રચીને આગેવાની આપી શકાય તેમ વર્તાતું ન હોય, પક્ષોને કાબૂમાં રાખી શકાતા ન હોય, આમ જનતાને ફાયદામંદ બને તેવી નીતિરીતિ અમલમાં ન હોય, તેથી ભારે વિમાસણ પેદા થાય. એકાદી ટેલિવિઝન મુલાકાતમાં જરાતરા રંગ જમાવાયો હોય અને પછી જોડાજોડ ટ્વીટર, વૉટ્સએપ તેમ જ સોશિયમ મીડિયાના ઓજારોથી સંતોષના ઘૂંટડા લેવાતા રહ્યા હોય, તેવા, આવા આગેવાનને થાય છે કે, લાવ, હું ય વડા પ્રધાન થઉં. પણ વડા પ્રધાન પદ પાસે આજે ઝાઝેરી અપેક્ષા બંધાઈ છે, અને સામે માપને સારુ ગજ સતત ટૂંકો જ પડતો અનુભવીએ છીએ.

એક સમે રાજકારણને સમર્પિત રાજકારણીઓ ચોમેર હતા. આજે નિગમિક ક્ષેત્ર(કોરપોરેટ સેક્ટર)માં રચ્યાપચ્યા ખેલંદા ય આંટોફેરો કરી જાય છે, જેમને છેવાડાના માણસ જોડે કોઈ અનુસંધાન હોય તેમ લાગતું નથી. 1979 પછી જેમ માર્ગરેટ થેચરે રાજકારણની, તેમ દેશસમાજની કાયાપલટ કરી નાંખેલી, તેમ વડા પ્રઘાન પદે નહીં પહોંચવા છતાં 2015થી લેબર પક્ષમાં જે લોકશાહીનો પવન ફૂંકાતો થયો અને લેબર પક્ષને યુરોપનો સૌથી મોટો પક્ષ બનાવવાનો તેનો કાયમી યશ જેર્‌મી કોરબિનને ફાળે સતત બોલતો રહેવાનો છે.

આવી આવી પરિસ્થિતિઓની પછીતે યુરોપીય સંઘમાંથી બ્રિટનની ફારગતીની આ વેળાને જોવાતપાસવાની છે.

સાંપ્રત વડા પ્રધાન બોરિસ જોનસનની કાબેલિયત, તેમનું વ્યક્તિત્વ પણ સરાણે રહેવાનું છે. પહેલી નજરે તે મોઢે ચડાવેલું બાળક હોય અને તેનો ઉછેર તેની હાજી હાજીમાં થયો હોય તેમ વર્તાય છે. પત્રકાર બોરિસ જોનસને વિન્સટન ચર્ચિલની એક મજેદાર જીવનકથા, નામે – ‘ ધ ચર્ચિલ ફેક્ટર હાઉ વન મેન મેઇડ હિસ્ટૃી’ આપી છે. સપનાં તો ચર્ચિલને પગલે ચાલવાના તે જૂએ છે. પણ લોર્ડ નૉર્થે એક દા તેમના અખબાર “ડેયલી ટેલિગ્રાફ”માં પત્રકારુ કરતા બોરિસભાઈ વિશે કહેલું તે સાંભરે છે : તેનો સ્વભાવ શિયાળ શો છે ! તેની કામ કરવાની ઢબછબ પણ લહેરીલાલાને સારા કહેવડાવે તેવી છે. અને તેથી ધાર્યું કરાવવાની ધૂનમાં પ્રધાનમંડળમાં તાજેતરે જે ફેરફારો કર્યા, જે રસમોને કામ લગાડાઈ તેનાથી તે ખુદ વિરોધ, અલગ વિચારસરણીનો સ્વીકાર કરે તેમ લાગતું નથી.

ડેવિડ કેમરુન સામે કન્સર્વેટિવ પક્ષને સાંચવી લેવાનો સવાલ હતો અને તે વેળા યુનાઇટેડ કિંગ્ડમ ઇન્ડિપેન્ડન્ટ પક્ષને મલાઈલાભ મળી ન જાય તેની ચિંતા હતી. ચોમેર છવાયેલા, એક રોચક વક્તા તેમ જ ઉમરાઉ સમાજની ચાડી ખાતા હોય તેવા નાઇજલ ફરાજને દાબમાં રાખવાની કેમેરુનને ચિંતા હતી. બોરિસ જોનસન સામે નાઇજલ ફરાજ તો રહ્યા છે, પણ આ ફેરે તે ‘બ્રેક્સિટ પક્ષ’ને નામે ગરબે ઘૂમતા હતા. આ બન્ને પક્ષોનું વજન તો ભારે ઓસરી ગયું છે, પણ નાઇજલ ફરાજનો તોખાર તેવો જ તાજાતર અને હણહણતો દેખાય છે.

ટૉની બ્લેર વડાપ્રધાન હતા તે સમયે વેલ્સ તેમ જ સ્કૉટલૅન્ડને પ્રાંતીય સ્વરાજની જોગવાઈ અપાઈ. વેલ્સમાં લેબર શાસન ચાલુ છે, પણ સ્કૉટલૅન્ડમાં લેબરના મૂળિયાંનું ધોવાણ થયું છે અને ત્યાંની રાષ્ટૃવાદી પક્ષની બોલબાલા વધી છે. તે સ્કૉટિશ નેશનાલિસ્ટ પક્ષનું શાસન એક અરસાથી ત્યાં છે. અને તે પક્ષ, તેનાં સંચાલકો અને સ્કૉટલૅન્ડનો બહુ મોટો પ્રજાજન યુરોપ જોડે રહેવાનું જ માને છે. પરિણામે સ્કૉટલૅન્ડમાં આઝાદીની હવા ફૂંકાતી રહી છે. એક વખતના લોકમતમાં સ્કૉટિશ લોકો નહીંવત મતે જ આઝાદી મેળવી શક્યા નહોતા. ફરી વખત આ નાદ સતત વીંઝાતો રહ્યો છે. વારેપરબે સ્થાનિક શાસક પક્ષ તેની રજૂઆત સંસદમાં અને અન્યત્ર કરે જ છે.

બીજી પેરે, ઉત્તર આર્યલૅન્ડમાં છેક બે વરસે પ્રાંતીય શાસન લાવી શકાયું. મડાગાંઠ જે પડેલી તેનો ઉકેલ રાજકારણીઓને જડતો નથી, અને સતત નડતો રહ્યો છે. કેથલિકો અને પ્રૉટેસ્ટન્ટો વચ્ચેનું પરાપૂર્વનું વેરઝેર તો ઊભું જ છે. તેની વચ્ચે શિન ફિયેન પક્ષનું જોર વધવામાં છે. અત્યારના શાસકોમાં બંધારણ મુજબ પક્ષનો પગપેસારો તો છે જ. હવે સીમાની પહેલે પાર, પ્રજાસત્તાક આર્યલૅન્ડની તાજેતરની સાર્વત્રિક ચૂંટણીઓમાં પણ શિન ફિેયેન પક્ષે કલ્પનાતીત કાઠું કાઢ્યું છે. બની શકે કે ઉત્તર આર્યલૅન્ડને દક્ષિણ જોડે સાંકળવાનું જો કામયાબ બને, તો યુનાઇટેડ કિંગ્ડમનું ભાવિ કેટલે ?

ઘરઆંગણે રંગભેદ અને પૂર્વગ્રંથિઓ વારેપરબે માથું ઊંચકે છે. 1948 દરમિયાન ‘એમ્પાયર વિન્ડરસ’ નામે સ્ટીમર ટીલબરી બંદરે લાંગરી ત્યારથી આણેલાં આ લોકો માટે વચનોનું પાલન થયું નથી અને ભેદભાવનું આચરણ થતું આવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ તેમ જ કેરેબિયાથી અનેક લોકો જાહેર સંચાલનોમાં કામદાર તરીકે ભરતી કરાયાં હતાં. તેમને થાળે પાડવામાં ગૃહ ખાતું ગલ્લાંતલ્લાં કરતું રહ્યું છે અને કેટલાંકને દેશવટો ય અપાઈ રહ્યો છે. બીજી તરફ ઇસ્લામોફોબિયાએ પણ જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ, સેમાઇટ વિરોધી સૂર પણ ગાજતોફરતો સંભળાય.

courtesy : CHAPPATTE, Der Spiegel

‘ઇન્ટોલરન્ટ ઇન્ડિયા’વાળા ચકચાર મથાળા સાથેના 25 જાન્યુઆરી 2020ના ‘ધ એકોનોમિસ્ટ’માં, આ બધા કોયડાની રજૂઆત થઈ છે અને જોડાજોડ, બ્રિટનમાં વસતા યુરોપીય દેશોના નાગરિકોને સારુ આવી પડનારી મુશ્કેલીઓ તેમ જ યુરોપીય દેશોમાં જ્યાંત્યાં કામધંધાને સારુ લાગેલાં અને ઠરીઠામ થયેલાં, બ્રિટિશ નાગરિકોને માટે જે સવાલો ઊભા કરાયા છે તેનો વ્યવહારુ  ઊકેલ ઝડપે લાવ્યા વગર છૂટકો જ નથી. હજુ તો વેપાર વગેરેને સાંકળતા કરારો થયા નથી અને સઘળે લીલુંછમ્મ છે, એ સમયે જ આ જમાતને જે સહેવાનું થાય છે તેથી ભવાં ચડી જાય છે.

યુરોપીય સંઘને સારુ બાકી રહેલા 27 દેશોને સાંચવવાના છે. તેથી આ ફારગત થયેલા અગત્યના મુલક સાથે વાટાઘાટ કરવામાં, નિર્ણયો લેવામાં અંદાજે પારાવાર આલ્પસની પર્વતમાળા ચડતાં જે હાંફ ચડે તેવી પરિસ્થિતિ સર્જાય તો ય નવાઈ નહીં. અને એ પછી કોઈ પણ જાતના વેપાર વાણિજ્યના કરારો ન થાય અને યુનાઇટેડ કિંગ્ડમ એક સાર્વભૌમ આઝાદ ટાપુ વેપારીઓનો મુલક બનવા ફરીવાર સજ્જ બની બેસે તો લગીર નવાઈ નહીં.

ભારતના એક અવ્વલ વિચારક અને સમીક્ષક ભાનુ પ્રતાપ મહેતાએ અન્યત્ર લખ્યું છે તેમ જગતની સામે આજે નિગમીય ક્ષેત્રની દાદાગીરીવાળા પૂંજીવાદ સામે લોકશાહીનો ઝંડો સાંચવવાની આ ઘડી છે. … જોઈએ.

પાનબીડું :

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
                        તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
                  એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
                   -રોષથી સૌ દોષ ગોખ્યા,
                     ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
– આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
               સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
               સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
               હર એક હિંદી હિંદ છે,
               હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

                                                                                        — ઉમાશંકર જોશી

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 17/18.02.2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[1762 words]  

સૌજન્ય : "નિરીક્ષક", 01 માર્ચ 2020; પૃ. 08-10

Loading

અદ્વિતીય નાટ્યકૃતિ ‘જળને પડદે’ : કવિ ‘કાન્ત’નું જીવન, લેખક સતીશ વ્યાસની કલમ, નટ કમલ જોશીનો પરિશ્રમ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|25 February 2020

સતીશ વ્યાસ લિખિત અને કમલ જોષી દિગ્દર્શિત-અભિનિત નાટક ‘જળને પડદે ગયા શુક્રવારે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં અમદાવાદનાં ઓમ કમ્યુનિકેશનનાં નેજા હેઠળ ભજવાયું. આ એકપાત્રી પ્રયોગમાં  નાટ્ય, શબ્દ, અભિનય, સંગીત, નૃત્યના સમન્વયનો રમણીય આલોક રચાય છે. તેમાં પ્રતિભાવાન  નટ કમલ જોશીએ જે પરિશ્રમ લીધાં, પડકારો ઝીલ્યા અને પ્રતિભાવો મેળવ્યા તેના પ્રસંગો અચંબો પમાડનારાં છે

અઢી કલાક સુધી રંગકર્મી કમલ જોષી એકલા જ, ‘જળને પડદે’ નાટક એવા કીમિયાથી ભજવે છે કે નાટ્યરસિકો તેને લગભગ અપલક આંખે જુએ છે. આવું અભિનય-શિખર છે હોવા ઉપરાંત ‘જળને પડદે’ ગુજરાતની ધરતી પર લખાયેલું, તૈયાર થયેલું અને ગયાં પંદર વર્ષથી ભજવાઈ રહેલું  એકમાત્ર પૂરાં કદનું એકપાત્રીય નાટક છે.

નાટ્યકાર સતીશ વ્યાસે આ નાટકમાં ઓગણીસમી સદીના ઊર્મિકવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’નાં જીવન-કવનને મંચ પર મૂક્યું છે. એમ કરવામાં બિનવ્યાવસાયિક રંગભૂમિનાં પ્રિય લેખક સતીશ વ્યાસની સમૃદ્ધ નાટ્યકળા પૂરી ખીલી ઊઠી છે. તેનાં બે અંકમાં ગદ્ય અને પદ્ય ભાષા, વાચિક અને આંગિક અભિનય, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, ધ્વનિ અને પ્રકાશના સમન્વયનો નયનરમ્ય આલોક રચાય છે.

‘કાન્ત’ ઉપનામ ધારણ કરનાર મણિશંકર રત્નજી ભટ્ટ (1867-1923) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના ઉદ્દગાતા ગણાય છે. તદુપરાંત તેમની પાસેથી સંખ્યાબંધ ઊર્મિકાવ્યો, કેટલાંક નાટકો, વૈચારિક પદ્યલેખન અને અનુવાદ પણ મળ્યાં છે. કવિ દેખિતી રીતે સુખી હતા. ધોરણસરની આવકવાળી નોકરીઓ, પદ-પ્રતિષ્ઠા, બે સંતોષકારી દામ્પત્યજીવન અને સમાનશીલ મિત્રો હતાં.

પણ બીજી બાજુ, વ્હાલાં સ્વજનોનાં મૃત્યુએ તેમને વ્યથિત કર્યા હતા. પિતા, પત્ની નર્મદા, મોટો પુત્ર પ્રાણલાલ, મિત્રો એવા કવિ કલાપી તેમ જ રાજા ભાવસિંહ, અને બીજાં પત્ની નર્મદાને ગુમાવ્યાં હતાં. તેમના હૃદયનો એક ખૂણો ‘કરુણાજન્ય સ્નેહની અપેક્ષાએ ખાલી જ રહ્યો’ એમ જણાવીને લેખક નાટકનાં પ્રકાશિત પુસ્તક(અરુણોદય પ્રકાશન, 2004)નાં  નિવેદનમાં કહે છે : ‘આ ખાલીપાને સમજવાનો મારો એક પ્રયાસ અહીં છે’. કવિ ‘જળને પડદે’ એટલે કે સજળ નયને દુનિયાને જુએ છે, પણ તેમને સ્નેહ મળતો નથી. એટલે તોટક છંદમાં એ લખે છે :

જળને પડદે સઘળું નીરખું 
નીરખું નહીં નેહ જરાય સખે.

નાટકનો બીજો મહત્ત્વનો વિષય કાન્તનું ધર્માન્તર છે. તે અત્યારે દેશમાં વ્યાપેલા નાતજાતના ભેદ તેમ જ ધાર્મિક ઓળખને આધારે નાગરિકત્વના વિવાદમાં પણ તે પ્રસ્તુત છે. કવિએ તેંત્રીસ વર્ષની ઉંમરે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો. સખત સામાજિક બહિષ્કાર વેઠ્યો, અને બે વર્ષ બાદ હિન્દુ ધર્મમાં પાછા આવ્યા. સતીશભાઈ લખે છે : ‘મને કાન્તનાં જીવનમાં અને વિશેષે એમના ધર્માન્તરમાં રસ પડ્યો.’

આ પાસાં વિશે તેમણે જે ‘ક્ષેત્રકાર્ય’ કર્યું તે વિશે ટૂંકમાં વાત કરીને સતીશભાઈ નિવેદનમાં લખે છે : ‘પણ ધર્માન્તર કરવાનાં સબળ કારણો એમાંથી પ્રગટતાં-ઊપસતાં નહોતાં. કાન્તની આત્મપ્રતીતિનું તાર્કિકીકરણ એમાંથી સાંપડતું નહોતું. છેવટે મેં મારી રીતે ત્રણ-ચાર ધરીઓ પર ધર્માન્તરનાં તત્ત્વને સ્પષ્ટ કરવા આ નાટ્યપ્રયોગ દ્વારા કામ કર્યું. એ ધરીઓ આ પ્રમાણે છે : (1) ખ્રિસ્તી ધર્મનો કરુણાજન્ય સ્નેહનો ખ્યાલ (2) કાન્તનો વ્યક્તિસ્વાતંત્ર્યનો ખ્યાલ (3) જન્મે ધર્મ-વર્ણ નહીં પણ કર્મે ધર્મ-વર્ણની વિભાવના (4) સ્વીડનબૉર્ગ અને રત્નજી ભટ્ટ(કાન્તના પિતા)ની છબીઓ વચ્ચેનું સામ્ય (5) ખ્રિસ્તી ધર્મની પુનરુત્થાનની વિભાવના.

ધર્માન્તરના બંને પ્રસંગો નાટકમાં જોવા મળે છે. તદુપરાંત મણિશંકરના પિતાનું મૃત્યુ, પત્નીઓ સાથેના ઉત્કટ પ્રેમપ્રસંગો, સમકાલીન કવિમિત્રો સાથે ગોપનાથના દરિયાકિનારે કાવ્યશાસ્ત્રવિનોદ, પુત્રનું મૃત્યુ જેવાં પ્રસંગો મંચ પર ભજવાય છે. રસોઈ બનાવનાર અને ભાંગ ખાનાર કાન્ત પણ આપણને મળે છે. રાજાને રોકડું પરખાવી દેનાર, પત્રો ફોડીને વાંચનારને ફટકારનાર અને લખાણમાં ફેરફાર કરવાની માગણી કરનારને ફટકારીને ઘરમાંથી ભગાડી દેનાર કાન્ત પણ અહીં છે.

નાટક બે પાત્રો થકી આગળ ચાલે છે – એક કવિ પોતે, અને બીજું પાત્ર તે કથક. આ કથક અથવા નરેટર સમયાંતરે નાટકની કથા કહેતો રહે અને ટિપ્પણી કે ચિંતન વ્યક્ત કરતો રહે છે. દિગ્દર્શક અને અભિનેતા કમલ જોષી માટેનો પડકાર અહીંથી શરૂ થાય છે. કથક અને કવિ બંને એણે જ ભજવવાનાં છે. ‘ખેસ ને પાઘડી’ પહેરે એટલે કથક અને એ કાઢે ત્યારે કવિ. પણ વાત આટલી સાદી નથી.

દિગ્દર્શક કમલે પુસ્તકમાં ‘આ કૃતિની પ્રસ્તુતિ’ મથાળા હેઠળ લખ્યું છે : ‘કથકને જળસ્વરૂપે રજૂ કરવાનું વિચાર્યું’. એટલે તખ્તા પરની તેની હાજરીમાં જળની ગતિ અને તેનાં લય એમ બંનેને  બતાવીને સિન્ક્રોનાઇઝ કરવાંનાં હતાં. લય સતીશભાઈએ કથક માટે લખેલાં મુખ્યત્વે અનુષ્ટુપ છંદના પદ્યમાં છે. જ્યારે ગતિ કથક કમલની સતત હલચલમાં – મૂવ્હમેન્ટમાં છે. તે વિશેષ લાવણ્યપૂર્ણ છે કારણ કે તે ભરતનાટ્યમ્‌ પર આધારિત છે. કમલ તેના માટે દોઢ વર્ષ પદ્ધતિસર ભરતનાટ્યમ્‌ શીખ્યા !

મંચ ઉપર કથક કે કવિ બેમાંથી કોઈ એક તો પળેપળ ક્રિયામાન છે જ, એટલે કમલ તો છે જ. અઢી કલાક સુધી માત્ર પોતાની સામે જોઈ રહેલી હજારો આંખોને કંઈક ઉત્તમ બતાવતા રહેવામાં કમલે લગભગ નજરબંધી સાધી છે. આમ કરવામાં અભિનય કલા તો જોઈએ, પણ ખૂબ શારિરીક ઊર્જા અને સ્ટૅમિના જોઈએ. આ ઊર્જા, ખૂબ સિગારેટો પીનારા કમલે, સંપૂર્ણ નિર્વ્યસની થઈને પ્રાપ્ત કરી. 

નાટકમાં નક્કર વસ્તુઓનો ઉપયોગ નથી. એટલે તેમનો ઉપયોગને મૂક અભિનય અર્થાત્‌ માઇમીન્ગથી બતાવવાનો છે. નાટકમાં કાન્તનાં સિતારવાદનનાં બે દૃશ્યો છે. જેમાં કમલ સિતાર વિના પણ સિતાર વગાડતા હોવાનો બેનમૂન અભિનય કરે છે. તેના માટે તે ચાર-પાંચ દિવસ સુધી નિષ્ણાત સિતારવાદકની સામે બેસીને ભૈરવી અને કેદાર રાગમાં સિતારના તાર પર આંગળીઓ કેવી રીતે ફરે છે તેની આબાદ નકલ શીખીને અનેક રિહર્સલ કર્યાં હતાં.

જો કે રસોઈ બનાવવામાં પાવરધા કાન્તને સેવો પાડતા બતાવવામાં કમલને કોઈ મુશ્કેલી પડી ન હતી. તેમને રસોઈ બનાવતાં આવડે છે. ‘ઘરમાં દિવાળી પર ભાઈ-બહેનો મોડી રાત સુધી બેસીને સેવો પાડતા’. નાટકમાં અનેક પાત્રો છે પણ તે સદેહે હાજર નથી, પણ કાન્ત સમક્ષ તે હોય એ રીતે કમલે અભિનય કરવાનો છે. તે માટે પહેલાં પાત્રોની જગ્યાએ સાથીઓને રાખીને દૃશ્યરચના તેમ જ  અભિનય કર્યાં, અને ત્યાર બાદ તેમના વિના રિહર્સલ કર્યાં.

પ્રકાશ આયોજન અને સંગીતને નાટકનાં બે પાત્રો ગણીને જ કમલે કામ કર્યું. મૃદંગ અને સિતાર સહિત અનેક વાદ્યોના વિશ્વાસપાત્ર સંગીત સાથે સંગીતકારો સમીર રાવલ અને નિરજ પરીખે  અગિયાર દિવસ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ કર્યું. સ્થિર નહીં પણ પાત્રો સાથે ગતિ કરતી પ્રકાશરચના માટે હૅરિ સાથે ખૂબ કામ કર્યું.

‘જળને પડદે’ને એક ‘સ્પિરિચ્યુઅલ જર્ની’ ગણાવતા કમલ માટે કેટલાક અનુભવો કમાલના હતા. તેમાં એક કૉમન ફૅક્ટર એ હતું કે નાટકના અત્યાર સુધીના ઇઠોતેર પ્રયોગોમાંથી કોઈ પ્રયોગ હેમખેમ ન હતો. ‘દરેકમાં ફિઝિકલ ફિટનેસનો  કે પછી હેક્ટિક શેડ્યુલનો કે કોઈક પ્રકારનો પ્રૉબ્લેમ હતો’.

અમદાવાદમાં નટરાણીના પ્રયોગના થોડા જ દિવસ પહેલાં એક ફિલ્મ-શૂટીન્ગમાં કમલને મણકામાં ઇજા થઈ, પગે ફ્રૅક્ચર થયું ને ગોઠણ સુધી પ્લાસ્ટર, ડૉકટરે લાંબા સમય માટે સંપૂર્ણ આરામનું કહ્યું. પણ શોના દિવસે કમલે મેકઅપ કરીને પાટો કાપ્યો, સાથીદારોને ટેકે વિન્ગ સુધી પહોંચ્યા, પછી એકલા મંચ પર ગયા અને શો કર્યો. એક વાર કાંડું તૂટી ગયું હતું ને નાટક ભજવ્યું.

પાટણના પ્રયોગના એક અઠવાડિયા પહેલાં હોઠથી પેટ સુધી ચાંદા. બોલાય નહીં, ખવાય નહીં, પાણી ય પીવાય નહીં. શો ખાતર સાજા થવા માટે ત્રણ દિવસ સુધી સ્ટિરૉઇડનાં રોજનાં ત્રણ ઇન્જેક્શન નસમાં લીધાં. પાંચ દિવસમાં સાજા થઈ ગયા. સવારે નવના શો પહેલાંની મધરાતે સતત ભારે એડકીઓ શરૂ થઈ. અટકાવવા માટે પરોઢે છએક વાગ્યે એક એવું ઇંજેક્શન અને ગોળી લેવાં પડ્યાં કે જેને કારણે ઓછામાં ઓછા છ કલાક ગાઢ ઊંઘ આવશે એમ ડૉક્ટરે કહ્યું હતું. શો પહેલાં સ્નાન કરતાં ઠંડા પાણીનો લોટો માથે રેડ્યો ને કમલની ‘સ્મૃતિ અટકી ગઈ’. આખો શો કેવી રીતે કર્યો તેની તેમને આજ સુધી ખબર નથી !

રૂપાલી બર્ક અને દર્શના ત્રિવેદીએ ‘મિસ્ટ ઑફ ટિઅર્સ’ (ગુજરાત સાહિત્ય અકાદમી) નામે કરેલાં નાટકનાં અંગ્રેજી અનુવાદના એક પ્રયોગની પહેલાંની રાતે કમલના એક આદરપાત્ર ઉપરીએ તેમને નાટકનો પહેલો અંક અંગ્રેજીમાં અને બીજો અંક ગુજરાતીમાં કરવાનો આગ્રહ રાખ્યો. કમલને પહેલાં અશક્ય લાગેલી વાત પછી શક્ય બનીને પ્રશંસા પણ પામી.

વડોદરાનો એક પ્રયોગ કાન્તના પરિવારના તમામ સંબંધીઓએ ગોઠવ્યો. આખી ભજવણી દરમિયાન  બધાં રડતાં હતાં. પ્રયોગ પછી નટને  પગે પડ્યા કારણ કે કમલ કહે છે કે ‘મારામાં તેમને કાન્ત દેખાયા !’ કમલ કહે છે : ‘આ નાટકના દરેક પ્રયોગ વખતે બીજા-ત્રીજા દૃશ્ય પછી એમ થાય કે હવે નથી કરવો, ને થઈ જાય, સરસ રીતે થાય.’ કમલને પૂર્ણ પ્રતીતિ છે : ‘આ હું નથી કરતો રંગદેવતા, કોઈ બીજી શક્તિ મારી પાસે આ કરાવે છે.’

આલેખ અને અભિનયમાં ઉદાત્તને આંબતી ક્ષણો છે. તેમાં શરીર તેમ જ મનનાં અત્યુત્કટ પ્રેમ અને અસહ્ય આત્મઘાતી વિરહની કાન્તની રચના ‘ચક્રવાકમિથુન’ને કમલ જે અપ્રતીમ રીતે મંચ પર મૂકે છે તે ગુજરાતી રંગભૂમિ પરનું ચિરકાલીન સંભારણું બની રહે તેવું છે.

‘કાન્ત’ જાણીતી રચના ‘સાગર અને શશી’ શંકરાભરણ રાગમાં સુંદર પ્રકાશરચના સાથે ગવાય છે તે પણ રમણીય દૃશ્ય બને છે. તેમાંના શબ્દો સહેજ બદલીને સતીશ વ્યાસ અને કમલ જોશીને કહેવાનું મન થાય : ‘આજ મહારાજ  ! મંચ પર નાટ્યપ્રયોગ જોઈને આપનો, હૃદયમાં હર્ષ જામે … !

24 ફેબ્રુઆરી 2020

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની વિસ્તૃત અને સંવર્ધિત રજૂઆત] 

https://www.youtube.com/watch?v=Gn9fTIn3bFU

Loading

“બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસની આસપાસ” યાને ‘ધીરે ધીરે વાંચજે, ધીરે ધીરે સમજાશે’

સુમન શાહ|Opinion - Opinion|25 February 2020

સાર્ત્ર-લિખિત ‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થમાં ૭ બાબતો એવી છે જેને વિશે સામાન્યપણે જાણવું જરૂરી ગણાય છે :

૧ : ફિનૉમિના એટલે કે, આવિષ્કાર : ૨ : ‘હું’ અને ‘વસ્તુ’ : ૩ : બૅડ ફેઇથ, એટલે કે, આત્મવંચના : ૪ : ફન્ડામૅન્ટલ પ્રોજેક્ટ એટલે કે, ‘હું’ જે થવા ઇચ્છે છે તે પરિયોજના : ૫ : ઇચ્છા શું છે? : ૬ : અધર એટલે કે અન્ય શું છે? : ૭ : ઑથેન્ટિસિટી એટલે કે અધિકૃતતા શું છે?

એ ૭-માંથી આપણે પહેલી બે બાબતોની ચર્ચા આ અગાઉના તારીખ 12 January 2020 -ના અંશ 3-માં કરી હતી.

હવે આગળની બાબત, ૩ : 'બૅડ ફેઇથ' વિશે આ અંશ – 4

બૅડ ફેઇથ : આત્મવંચના

બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં સાર્ત્રે મનુષ્ય-વ્યક્તિને મળેલી અપારની અબાધિત સ્વતન્ત્રતાનો ખૂબ જ પક્ષ લીધો છે – કહો કે, વકીલાત કરી છે.

એ સ્વતન્ત્રતાની કવાયતે કરીને માણસ પોતાના જીવનની ભૂમિકા ઘડે છે. એટલે, બીજાંઓના આધાર વિના માણસ પોતાનું અસ્તિત્વ સરજી શકે છે. એની એવી આત્મસર્જકતાને ઈશ્વરની સર્જકતા સાથે સરખાવી શકાય; પણ સાર્ત્ર ઈશ્વરમાં નથી માનતા.

પરન્તુ તેઓ એ જ મુદ્દો વિકસાવે છે અને કહે છે કે માણસ સ્વતન્ત્ર છે તેથી પોતાની પસંદગીઓ પ્રમાણે વર્તે છે. પોતાને પસંદ પડે એ સ્વીકારે, ન પણ સ્વીકારે, ‘હા’ પાડે, ‘ના’ પણ પાડે. એમ પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજવાની એની પાસે વિધ વિધની શક્યતાઓ હોય છે. માણસ નામે સ્વતન્ત્ર અમથાલાલ સકારાત્મક અને નકારાત્મક ઘણું ઘણું અને જાતભાતનું વિચારી શકે છે, બોલી શકે છે, કરી શકે છે.

પરન્તુ જો માણસને ગડ બેસે કે પોતાની અંદર શૂન્યતા છે, તો એ હાંફળોફાંફળો થઈ જાય છે ને ઍન્ગ્વિશ અનુભવે છે. ઍન્ગ્વિશ એટલે મનોયાતના; દેસીમાં કહું કે જીવને થતો, કઢાપો.

એવી પીડા વખતે, માણસથી અપારની પેલી સ્વતન્ત્રતા વેઠાતી નથી. સ્વતન્ત્ર છું એ હકીકત એનાથી સ્હૅવાતી નથી. અને ઍન્ગ્વિશથી છૂટવા માણસ બૅડ ફેઇથનો આશરો કરી લે છે. બૅડ ફેઈથ એટલે આત્મવંચના, જાત-છેતરામણી. માણસમાત્ર, અમથાલાલ કે આપણામાંનો કોઈપણ લાલ કે લાલી પોતાની જાતને અવારનવાર છેતરે છે.

આત્મવંચકે શૂન્યતા અનુભવી હોય છે. આત્મવંચના દરમ્યાન એને નક્કી સમજાય છે કે પોતે સ્વતન્ત્ર ખરો પણ ખરેખર તો સ્વતન્ત્ર નથી. એનો એ નિર્ણય એક નૉંધપાત્ર એવો માનવીય નિર્ણય હોય છે, એક સ્વરૂપની માનવીય વાસ્તવિકતા હોય છે. એવી મનોસ્થિતિમાં એની ચેતના બધી નકારાત્મકતાને બહારની તરફ નહીં પણ અંદરની તરફ ધકેલે છે. એને સાર્ત્ર બૅડ ફેઇથ અથવા આત્મવંચના કહે છે. મૂળમાં, એ માટે એમણે ‘mauvaise foi’ સંજ્ઞા પ્રયોજી છે.

ખરી વાત તો એ છે કે આપણે સ્વતન્ત્ર છીએ એટલે દરેકે દરેક બાબતે જવાબદાર છીએ. આપણા દાયિત્વને છેડો નથી. પરન્તુ આપણે જાતને અને બીજાંઓને છેતરીએ છીએ અને એમ જ ઠસાવીએ છીએ કે – વસ્તુઓ તો ભાઈ, આમ જ હોય ! વળી, આપણાં કાર્યોની જવાબદારી કે કાર્યોનો ભાર ઉઠાવવા માટે પણ આપણે તૈયાર નથી હોતા, નન્નો ભણીએ છીએ. પદ્ધતિસરનાં કામો ન કરવાં પડે એ માટે બહાનાં બતાવીએ છીએ, તર્ક લડાવીએ છીએ, કારણો અને પરિબળો શોધી કાઢીએ છીએ. એવી ખૅંચતાણમાં સપડાયેલા આપણે ટ્રિકો અને જુક્તિઓ ખૉળી કાઢીએ છીએ. એવી એક ટ્રિક તે, બૅડ ફેઇથ.

સાર્ત્રના કહેવા પ્રમાણે, કેટલીક વાર આત્મવંચનાને આપણે સામાન્ય બાબત ગણી લઈએ છીએ. એમ કે, એ તો જીવનનું એક સર્વસાધારણ પાસું છે. પરન્તુ આત્મવંચનાને આપણે ફગાવી શકતા નથી તેમ આપણે એને ગ્રહી પણ નથી શકતા. આત્મવંચના સંભવે છે પણ એ જરાયે ઇચ્છનીય તો નથી. કેમ કે, એ જેનું અસ્તિત્વ નથી તેને પુરવાર કરનારું સામર્થ્ય છે; કહેવાય કે એ એવી એક સત્તા છે.

માણસ પોતાને ગમતી પણ સાચી ન હોય એવી કોઈપણ પરિસ્થિતિની ધારણા કરી શકે છે. જુઓ, આત્મવંચનાનાં રૂપો બદલાતાં રહે છે. સાર્ત્ર એ માટે ‘metastable’ સંજ્ઞા પ્રયોજે છે. જેમ કે, જૂઠ આચરવું કે બોલવું આત્મવંચના છે.

જૂઠડાને ખબર હોય છે કે સાચું શું છે, પણ સાચને એ સંતાડી રાખે છે. પોતાની વાણી વડે નકારીને અંદરના સાચને અકબંધ રાખે છે. જૂઠના આચરણ વખતે બે જણનું હોવું જરૂરી છે : એક તો એ પોતે અને એને જોનારો કે સાંભળનારો એક બીજો. જૂઠડો એમ સમજીને ચાલે છે કે ‘મારું’ અસ્તિત્વ એ ‘બીજા’-ની અને ‘બીજાનું’ અસ્તિત્વ એ મારી નૉંખી નૉંખી પણ ભલી એવી પૂર્વધારણાઓ છે. એક જૂઠ બોલે છે, બીજો સાંભળે છે. સમજો, એ છે અણગમતા સાચને છુપાવવાનો કે સાચને ગમતીલા જૂઠ રૂપે ઠસાવવાનો રૂડો એવો પ્રયાસ ! સાર્ત્ર એટલે સુધી કહે છે કે જૂઠ આચરનાર અને એને ચલાવી લેનાર બન્ને, જોવા જઈએ તો, એક જ છે !

એકમેકથી વિરોધી એવી વિભાવનાઓ ઘડવાની કુનેહને સાર્ત્ર કલા ગણે છે. એ વિભાવનાઓમાં આઇડીઆ અને એ આઇડીઆનું નૅગેશન બન્ને ગૂંથાયાં હોય છે – જે વિચાર સૂઝ્યો એ અને એ જ વિચારનો નકાર ! એમાં મનુષ્યની બેવડી સમ્પદા ખરચાય છે. ત્યારે માણસ ફૅક્ટિસિટી અને ટ્રાન્સેન્ડન્સ બન્નેને અનુભવતો હોય છે.

ફૅક્ટિસિટી અને ટ્રાન્સેન્ડન્સને સાર્ત્ર બૅડ ફેઇથનાં સાધન સમજે છે.

ફૅક્ટિસિટી – તથ્યાત્મકતા – એટલે, આપણને જે કંઈ થાય છે એ બધું જ. હકીકત-સ્વરૂપ જે કંઈ છે એ બધું જ. એ મનુષ્યજીવનનું તથ્યમય પાસું છે. પરન્તુ ઘણી વાર આપણે આપણાં તથ્યોને ઓળંગી જઈએ છીએ. કેમ કે આપણી હકીકતોથી ઊઠીને આપણને કશે પેલે પાર પ્હૉંચી જવું હોય છે. એમ ઊઠી જવા દે છે એ માનસિકતાનું નામ, ટ્રાન્સેન્ડન્સ છે. ટ્રાન્સેન્ડન્સ એટલે પારગામીતા. આપણી બદલાતી રહેતી વર્તણૂકને વિશેની આપણી આસ્થા. આપણે જે નથી તે છીએ પ્રકારની મનોસ્થતિને વિશેનો આપણો ભલોભોળો ભરોસો.

તથ્યાત્મકતા અને આપણી વચ્ચે શૂન્યતા હંમેશાં દખલગીરી કરે છે. આત્મવંચક વ્યક્તિ એટલી હદે વંચક હોય છે કે એ પારગામીતાને સારુ હકીકતોને અને હકીકતોને સારુ પારગામીતાને ચાતરી જાય છે. એટલે શું થાય છે? એ જ કે આત્મવંચના, હકીકતોને ભોગે પારગામીતાને અને પારગામીતાને ભોગે હકીકતોને દૃઢ કરી નાખે છે. પરિણામે, જે નથી તે છે અને જે છે તે નથી સ્વરૂપની માનવીય વાસ્તવિકતા જનમે છે. માણસ જો શૂરોપૂરો કે સમ્પૂર્ણ હોત તો આમ ન બનત, આત્મવંચના પણ ન હોત. પરન્તુ ખાટલે મોટી ખોડ એ છે કે મનુષ્ય હમ્મેશનો આછો-અધૂરો છે.

આત્મવંચનાને સાર્ત્ર બે ભાતની કલ્પે છે :

પહેલી ભાતમાં, માણસ વસ્તુ એટલે કે કશી પસંદગીઓ વિનાનો બીઇન્ગ-ઇન-ઇટસૅલ્ફ બની જાય છે, સભાન સત અથવા બીઇન્ગ ફૉર-ઇટસૅલ્ફ નથી રહેતો. આ ભાત સમજવા માટે સાર્ત્ર કોઈ ચૉક્કસ પુરુષ માટે પહેલી વાર ડેટ પર ગયેલી યુવતીનો દાખલો આપે છે :

પુરુષ યુવતીનો હાથ પકડે છે ત્યારે યુવતીને પુરુષના ઇરાદાની ખબર હોય છે. પણ યુવતી પેલાનો હાથ ઝૂલતો છોડી દે છે – જાણે હાથ કશી વસ્તુ હોય ! પેલાએ કરેલાં જાતીય ઈંગિતોને તેમ જ કાયાને વિશેનાં વખાણને પણ યુવતીએ અવગણ્યાં હોય છે. એ રીતે, યુવતીએ ‘હા’ કે ના’-ની ક્ષણને નકારી હોય છે. પણ એ બધું શરીર વિશે હતું. જો કે પેલાના શબ્દોએ તો યુવતીની ચેતના પર અસર કરેલી. પરિણામ એ આવ્યું કે આખી વાત શરીરવિષયક ન રહી, શરીરથી છૂટી પડી ગઈ. એ પછી યુવતી અમૂર્ત અને એવી જ બધી વાયવ્યઈ અને અંટસંટ વાતો ચલાવે છે. પોતે જે જાણે છે તેને ટાળવાને એ બસ એમ કર્યે રાખે છે. યુવતી આત્મવંચના કરે છે.

જ્યારે, બીજી ભાતમાં, માણસ બીઇન્ગ-ફૉર-અધર્સ હોવાનો ઢૉંગ કરે છે. ખાસ તો એ બીજાઓએ સંપડાવેલી ભૂમિકાઓ ભજવે છે. પોતાના ‘ઝાં જેને’ ગ્રન્થમાં સાર્ત્રે આ ભાતની ચર્ચા કરી છે. સાર્ત્ર અનુસાર, સામાન્યપણે આપણે બીજાઓએ સૂચવેલાં કામો કરીએ છીએ. જેમ કે, કાફેનો વેઇટર, જોવા જઇએ તો, વેઇટરની ભૂમિકા ભજવે છે. હકીકતે, એ કોઈનો પતિ, પિતા કે ભાઈ છે ! એને ખબર છે કે વેઇટર હોવું એ જ એની ભૂમિકા છે; પણ એનો અર્થ એટલો જ કે એની ચેતના એની એ ભૂમિકા સાથે એકરૂપ નથી અને તેથી એ પોતે પણ એ ભૂમિકા સાથે એકરૂપ નથી.

જુઓને, એના આંટાફેરા એકદમના વેઇટર-છાપ હતા. વાતચીતની ઢબ પણ એવી જ હતી. એનો અવાજ સૌને ખુશ કરવા રસ-ટપકતો હતો. ખાવાનાંની ડિશો એ લાવતો તે પણ એકદમની ચૉકક્સાઈથી અને એવી જ ખાસ અદાથી. એના આંટાફેરા ઝડપી ને આગેકદમ હતા, પણ, ન ખાસ ઉતાવળા, ન ખાસ ધીમા. એની એ અતિશયિત વર્તણૂકથી જણાઈ આવતું’તું કે એ ભાઈ વેઇટરની ભૂમિકા ભજવી રહ્યો છે – જાણે આ દુનિયામાં એ કશી વસ્તુ હોય ! – જાણે એ વેઇટર-ત્વ માટેનું કશું સ્વસંચાલિત મશીન હોય ! જો કે એને એવું પણ ભાન હતું જ કે પોતે કંઈ વેઇટર થોડો છે? ના, નથી જ. જાતને પોતે ખાલી બસ પટાવી રહ્યો છે, છેતરી રહ્યો છે. પોતે-જે-નથી એવા ઢંગમાં વેઇટર વેઇટર છે. એ જે ભૂમિકા ભજવે છે એ એની આત્મવંચનાનું પરિણામ છે.

સાર્ત્ર દર્શાવે છે કે યુવતી અને વેઇટર બન્ને આત્મવંચનામાં વર્તે છે અને એ રીતે જોતાં, તેઓ પોતાની સ્વતન્ત્રતાને નકારે છે. જો કે, સાર્ત્ર સરસ કહે છે, તે જ વખતે તેઓ બન્ને પોતાની એ જ સ્વતન્ત્રતાને સ્તો વાપરે છે ! તેમને દેખીતી રીતની જાણ છે જ કે તેઓ સ્વતન્ત્ર છે પણ એમ સ્વીકારવાની તેઓ ના પાડે છે ! આ સંદર્ભમાં, આત્મવંચના વિરોધાભાસી છે : આત્મવંચનામાં વર્તતી વ્યક્તિ પોતાની સ્વતન્ત્રતાને નકારે છે, પણ એ નકારને સારુ એ જ સ્વતન્ત્રતા પર ભરોસો પણ રાખે છે …

સાર્ત્રની જીવન-મિત્ર સિમૉં દ બુવાએ આત્મવંચક સ્ત્રીઓના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે : એક છે, નાર્સિસિસ્ટ, એટલે કે આત્મરતિમાં રાચનારી. હંમેશાં પોતાને ડીઝાયરેબલ ઑબ્જેક્ટ સમજે છે – એમ કે હું હંમેશાં ઇચ્છવાજોગ પદાર્થ છું ! બીજી છે, મિસ્ટિક, એટલે કે રહસ્યમયી. પોતાની સ્વતન્ત્રતાને એ નિરપેક્ષ વાતોમાં જોતરી રાખે છે. ત્રીજી છે, પ્રેમિકા એટલે કે, પ્રેમમાં પડેલી સ્ત્રી. એ એના પુરુષ-પદાર્થમાં જાતને ઓળઘોળ કરી મેલે છે.

દ બુવાએ ‘સીરિયસ મૅન’-ને પણ વિચાર્યો છે. એણે કશા બહારી ધ્યેય માટે – દેશ સમાજ કે સંસ્કૃતિ માટે – ફનાગીરી સ્વીકારી હોય છે. જેમ જેમ પોતાની સ્વતન્ત્રતાને એ નકારતો ચાલશે તેમતેમ એ આત્મવંચનામાં ગરકતો જશે.

આત્મવંચના એટલે આમ તો, જવાબદારીમાંથી ભાગી છૂટવાની વાત. સ્વતન્ત્રતાને સામે ચાલીને જતી કરવાની વાત. એટલું જ નહીં, એવી ડંફાસ કે હું નિશ્ચયી છું એમ ઠસાવવાની વાત. અમથાલાલ હંમેશાં – મારો કક્કો ખરો – કરતા હોય છે. કાયમ એવો ડૉળ કરે છે, ચ્હૅરા પર એવો ઢૉંગી મિજાજ જમાવી રાખે છે.

આત્મવંચના એવું પલાયન છે કે એ પછી માણસ પોતાને હાથ નથી આવતો. માણસને થાય છે કે – હું હવે મુક્ત નથી … – હું જે ઇચ્છું છું એ હવે નહીં કરી શકું … આત્મવંચના એવી કઠોર અવસ્થા છે.

= = =

(16 Feb 2020 : Ahmedabad, India)

https://www.facebook.com/suman.shah.94/posts/3075680822462810

Loading

...102030...2,5302,5312,5322,533...2,5402,5502,560...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved