Opinion Magazine
Number of visits: 9575762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ કરવા માટે પહેલાં હિન્દુસ્તાની ભાષાનાં બે ફાડિયાં કરો !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 March 2020

ગયા અઠવાડિયે કહ્યું હતું એમ જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો. દરેક દિશાના પ્રયોગ કરતા હતા, પરિણામોનું પરીક્ષણ કરતા હતા અને જરૂરી ફેરફાર કરતા હતા અથવા પ્રયોગ પડતો મૂકતા હતા. એમ કરતાં તેમના ધ્યાનમાં આવ્યું કે જો ગણતરીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો હિંદુસ્તાનની પ્રજાની વચ્ચે અંતર વધારી પણ શકાય છે.

ઈ. સ. ૧૮૦૧ની સાલમાં અંગ્રેજોએ કલકત્તામાં ફૉર્ટ વિલયમ કૉલેજની સ્થાપના કરી. એનો ઉદ્દેશ કંપનીના અફસરોને દેશી ભાષાઓ શીખવવાનો હતો. રાજ કરવા માટે લોકોની ભાષા શીખવી જરૂરી હતી. એ માટે તેમણે દેશી ભાષાઓના જાણકાર વિદ્વાનોને બોલાવ્યા. એ સમયે ઉત્તર ભારતમાં ભદ્ર વર્ગમાં બહાર પર્શિયન અને ઘરમાં પોતાની ભાષા બોલાતી હતી. સાધારણ લોકો અવધી, મૈથિલી, ભોજપુરી, સંથાલી વગેરે પોતાની જે કોઈ ભાષા હોય તેનો ઉપયોગ કરતા હતા અને અન્ય લોકો સાથે વ્યવહાર કરવા તેઓ એક એવી ભાષાનો ઉપયોગ કરતા હતા જે સંસ્કૃત, અરેબીક, ફારસી અને દેશી ભાષાના મિશ્રણવાળી હતી. આ ભાષા સર્વસામાન્ય ભાષા હતી. આ ભાષા; દેશભરમાં ભટકતા સાધુઓ, ફકીરો, યાત્રિકો, ભટકતી કોમો, દેશાવરમાં વેપાર કરનારા વેપારીઓ વગેરેએ પોતાની જરૂરિયાત માટે વિકસાવી હતી. ખરું પૂછો તો જરૂરિયાતને કારણે આપોઆપ વિકસી હતી.

આ ભાષાને જ શા માટે વિકસાવવામાં ન આવે? આ ભાષા, જે આ પહેલાં જ લોકવ્યવહારની ભાષા છે તે જ ભારતની સત્તાવાર ભાષા બની શકે. જો એમ બને તો અમલદારોને પ્રત્યેક સ્થાનિક ભાષા શીખવાની જરૂર ન રહે. અને શીખે તો પણ કાંઈ ખોટું નથી, પણ આખા દેશને જોડનારી ભાષા બનવાની ક્ષમતા આ ભાષા ધરાવે છે. ફૉર્ટ વિલિયમ કૉલેજની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે સરકારના હાકેમોના મનમાં આ બંને વાત ચાલતી હતી. અમદારોને દેશી ભાષાઓ શીખવવામાં આવે અને સાથે સાથે ભારતમાં આ જે લોકવ્યવહારની ભાષા વિકસી છે તેની હજુ વધુ વિકસવાની ક્ષમતા ચકાસવામાં આવે. અંગ્રેજીનો વિકલ્પ તો તેમના મનમાં હતો જ, આ તો બ્રાહ્મણોએ ધર્માન્તરણ કર્યું એટલે તેને થોડો પાછળ ધકેલી દીધો હતો.

ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોને ભારતીય ભાષાઓ શીખવનારા વિદ્વાનોને બોલાવવામાં આવ્યા તેમાં એક લલ્લુ લાલ પણ હતા. લલ્લુ લાલ મૂળ ગુજરાતના હતા. તેમના પિતા કે દાદા યજમાનવૃત્તિ કરવા મથુરા જઈને વસ્યા હતા. ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના થઈ ત્યારે તેઓ બંગાળમાં મુર્શિદાબાદમાં નોકરી કરતા હતા. તેમના પર જૉન ગીલક્રીસ્ટ નામના ભાષાશાસ્ત્રીની નજર પડી હતી એમ કહેવાય છે. તેમની ભલામણથી લલ્લુ લાલ કલકતા ફૉર્ટ વિલિયમ કૉલેજમાં આવ્યા હતા.

કામ તો કંપની સરકારના અમલદારોને દેશી ભાષાઓ શીખવવાનું હતું, પરંતુ કૉલેજના સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે આ લલ્લુ લાલ ભારતમાં પ્રચલિત મિશ્ર સ્વરૂપની વ્યવહાર ભાષા (હિંદુસ્તાની) છે તેમાંથી ફારસી-અરબી શબ્દોને દૂર કરવાનો અને તેની જગ્યાએ સંસ્કૃત મૂળના તત્સમ/તદ્ભવ શબ્દો વાપરવાનો આગ્રહ ધરાવે છે. તેમણે ‘પ્રેમ સાગર’નો બ્રજ ભાષામાંથી હિંદુસ્તાનીમાં અનુવાદ કર્યો હતો જેમાં ભાગ્યે જ કોઈ અરબી-ફારસી શબ્દો હતા. આ ઉપરાંત ‘સિંહાસન બત્તીસી’, ‘શકુંતલા’, ‘વેતાલ પચ્ચીસી’નાં પણ તેમણે અનુવાદ કર્યા હતા જેમાં દરેકમાં અરબી-ફારસી નકારવાનું તેમનું વલણ નજરે પડ્યું હતું. લલ્લુ લાલ દ્વારા અનુવાદિત ‘પ્રેમ સાગર’ ગ્રંથ ઈંટરનેટ પર જોવા મળશે. બહુ રસપ્રદ ભાષા છે અને તે વાંચવાની હું ભલામણ કરું છું.

આ લલ્લુ લાલે દેવનાગરી લિપિ પણ પ્રાથમિક સ્વરૂપમાં વિકસાવી હતી. એ જમાનામાં અરબી લિપિમાં હિંદુસ્તાની લખાતી હતી. અંગ્રેજોએ જોયું કે હિંદુ પંડિતો અરબી-ફારસી શબ્દો અને લિપિ એમ બંનેનો પ્રતિરોધ કરે છે. હવે મુસલમાનોનું રાજ્ય રહ્યું નહોતું એટલે તેમનામાં પ્રતિકાર કરવાની હિંમત પણ આવી હતી. આ એ જ પંડિતો, નાગરો અને કાયસ્થો છે જે ૧૭૫૦ પહેલાં મુસ્લિમ નવાબો જેવા અચકન અને ટોપી પહેરતા હતા, મુસ્લિમ ભાસે તેવાં નામ રાખતા હતા, તેમની રીતભાત અપનાવતા હતા અને ફારસી ભાષા શીખતા હતા. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે અંગ્રેજોનું રાજ સ્થાપાઈ ગયું હતું અને ઝડપભેર વિસ્તરતું હતું અને દેશી રજવાડાઓ અંગ્રેજોના તાબામાં હતાં પછી ભલે મુસલમાન રાજવી હોય.

લલ્લુ લાલ પહેલો માણસ હતો જેણે હિંદુસ્તાની ભાષાના માર્ગમાં અવરોધ પેદા કર્યા અને તેની જગ્યાએ સંસ્કૃતપ્રચૂર હિંદી ભાષાનો પાયો રોપ્યો. તેઓ એક જ સમયે હિંદી ભાષાના પિતા પણ છે અને આખા દેશને જોડવાની ક્ષમતા ધરાવનારી હિંદુસ્તાની ભાષાના મોટા અવરોધક પણ છે. ભારતેન્દુ હરિશ્ચંદ્રને હિંદી ભાષાના પિતા કહેવામાં આવે છે એ સંપૂર્ણ સત્ય નથી. ભારતેન્દુ હરિશ્ચંદ્ર પંડિત લલ્લુ લાલના ખભા ઉપર બેઠા હતા એ ન ભૂલવું જોઈએ. ભારતેન્દુ હરિશ્ચંદ્ર હિંદી-હિંદુસ્તાની વિશે એ જ વલણ ધરાવતા હતા જે પંડિત લલ્લુ લાલ ધરાવતા હતા. હિંદુ અને મુસલમાનનો ધર્મ અને રીતિરિવાજ તો અલગ, પણ ભાષા પણ અલગ! અત્યાર સુધી આવું બન્યું નહોતું.

હિંદુસ્તાનની ખરલ ધાર્મિક માન્યતા અને બીજી બાબતોમાં અટકી પડી હતી અથવા ધીમી પડી ગઈ હતી, પરંતુ ભારતીય ભાષાઓને મોરચે ખરલ વિના અવરોધે ચાલતી હતી. ભાષાઓનો આ સ્વભાવ છે. બોલાતી જીવતી ભાષા જીવતા માણસ કરતાં પણ વધુ આંદોલિત હોય છે, ધબકતી હોય છે. આનું કારણ એ છે કે વાત પહોંચાડવા માટેની અભિવ્યક્તિની તીવ્રતા માનવીની અંદર સ્વાભાવિક છે. સ્વાર્થ માટે, સંબંધો ટકાવી રાખવા માટે અને નફરત સહિતની મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે માણસને પહોંચાડનારા પ્રભાવી શબ્દની જરૂર પડે છે. ત્યારે તે જોતો નથી કે ખપમાં લેવામાં આવેલો ખપનો શબ્દ ક્યાંથી આવ્યો છે. તેનું કૂળ શું છે? ભારતમાં અશ્લીલ શબ્દો જ કદાચ સૌથી વધુ રાષ્ટ્રીય છે એનું કારણ આ તીવ્રતા છે.

મુસલમાનો હિંદુસ્તાનમાં આવ્યા એ પછી હજાર વરસ સુધી ભાષાને ભેગી કરવાનું, એકબીજાના શબ્દો લઈને નવી પ્રાદેશિક ભાષાઓ વિકસાવવાનું, ફારસી ભાષાને ભારતીય સ્વરૂપ આપવાનું અને પ્રાથમિક સ્વરૂપની હિંદુસ્તાની ભાષા વિકસાવવાનું કામ હિંદુસ્તાની ખરલે કર્યું હતું. કમસેકમ આ એક મોરચે અવરોધ નહોતો.

પહેલીવાર હવે એની સામે પણ ફૉર્ટ વિલિયમ કૉલેજમાં અવરોધ પેદા થયો. પંડિત લલ્લુ લાલે અવરોધ પેદા કર્યો અને અંગ્રેજોએ તે ઊંચકી લીધો. અંગ્રેજો એવી તક છોડે ખરા? જો અભિવ્યક્તિની એક જબાન જતી રહે તો તો પછી પૂછવું જ શું! તેમણે મુસલમાનોને કહ્યું કે તેમણે પણ તેમની ભાષા વિકસાવવી જોઈએ અને અરબી લિપિ પર મુસલમાનોની લિપિ હોવાનો દાવો કરવો જોઈએ. આ તમારો સાંસ્કૃતિક વારસો છે. મુસ્લિમ વિદ્વાનોએ મુસલમાનોમાં બોલાતી હિંદુસ્તાની ભાષામાંથી સંસ્કૃત મૂળના શબ્દોને હટાવવાનું શરૂ કર્યું. લિપિ પર કબજો કરવા માટે તેમણે કાંઈ કરવાનું હતું નહીં, કારણ કે હિદુઓએ જ એ લિપિ છોડી દીધી હતી અને પોતાના માટે દેવનાગરી લિપિ વિકસાવતા હતા.

આમ હિંદુઓએ અને મુસલમાનોએ મળીને, પરસ્પર દ્વેષયુક્ત સહકાર કરીને, રાષ્ટ્રભાષા બનવાની ક્ષમતા ધરાવનારી સર્વસ્વીકાર્ય ભારતીય ભાષાને મારી નાખી. ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના આમ તો કંપની સરકારના અમલદારોને દેશી ભાષા શીખવવા માટે કરવામાં આવી હતી, પરંતુ નવી સ્થિતિમાં હવે તે હિંદી અને ઉર્દૂના વિકાસની અને રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના વિનાશની લેબોરેટરી બની ગઈ હતી. સાહેબોએ પંડિતોને અને મૌલવીઓને છૂટો દોર આપ્યો હતો. વધો આગળ અમે તમારી સાથે છીએ. તેમને સમજાઈ ગયું હતું કે હવે અંગ્રેજી ભાષા વિંગમાંથી મંચ પર પ્રવેશ કરી શકે એમ છે. તેમને એ પણ સમજાઈ ગયું હતું કે હિંદુ અને મુસલમાનોની લાગણીઓની અને અભિવ્યક્તિની ભાષા છૂટી પડી શકે છે અને અત્યારે છૂટી પડી જ રહી છે. એક ધક્કા ઔર દોની સ્થિતિ હતી અને અંગ્રેજો તે કરતા હતા. બે ભાઈ એક ભાણામાં ખાતા ન હોય ત્યાં સુધી તો ઠીક છે, એક ભાષામાં વિચારતા અને બોલતા પણ હોય એનાથી રૂડું બીજું શું હોઈ શકે!

બે ભાષણો વાંચવાની હું વાચકને ભલામણ કરું છું. એક ભારતેન્દુ હરિશ્ચંદ્રે ૧૮૮૪ની સાલમાં ઉત્તર પ્રદેશમાં બલિયામાં આપેલું ભાષણ અને બીજું સર સૈયદ અહમદ ખાને ૧૮૮૭માં લખનૌમાં આપેલું ભાષણ. આ બંને ભાષણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ભારતનો શુદ્ધ દેશી કોમી ત્રિકોણ રચાઈ ચૂક્યો હોવાની તમને પ્રતીતિ થશે. તમને ખાતરી થશે કે અંગ્રેજોએ આપણને વિભાજીત કરીને રાજ નહોતું કર્યું, આપણે નહોતા તેમાં પણ વિભાજીત થયા અને અંગ્રેજોએ રાજ કર્યું!

હવે અંગ્રેજી ભાષા માટેનો રસ્તો ખૂલી ગયો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 34

દીપક મહેતા|Opinion - Opinion|8 March 2020

સ્ત્રીઓ માટેનું પહેલું ગુજરાતી સામયિક

તેનાં તંત્રી પુતળીબાઈ કાબરાજી

એ તો હેમ જડેલા હીરા છે

ના, જી. એ જમાનામાં આંતરરાષ્ટ્રીય નારી દિવસનો તો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. કારણ નારીવાદનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. છતાં મુંબઈના પારસીઓએ ૧૮૫૭માં એક પહેલ કરી હતી. આવું કામ કરનારા તેઓ માત્ર મુંબઈમાં જ પહેલા નહોતા, માત્ર ગુજરાતી ભાષામાં જ પહેલા નહોતા, પણ આખા હિન્દુસ્તાન દેશમાં અને તેની બધી ભાષાઓમાં પહેલા હતા. ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક પ્રગટ થયું. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, અને આપણા મુંબઈથી. એ માસિકનું નામ ‘સ્ત્રીબોધ’. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું.

જરા વિચાર કરો, એ વખતે હજી યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ નહોતી, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં ભણનાર છોકરીઓની સંખ્યા સાવ નાની, એટલે  આપણા દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી, વાહન વહેવાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવે વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, પણ ખોટ જાય એ કેમ કરી પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજી નામના એક ઉદાર સખાવતીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧,૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના બાર સો એટલે આજના નહિ નહિ તો ય બાર લાખ. અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે પહેલો અંક બહાર પડ્યો. તેમાં લખાણનાં વીસ પાનાં. ચિત્રો અને જાહેર ખબરનાં અલગ. કેટલાંક લખાણો સચિત્ર – એ વખતે ચિત્રો લંડનમાં તૈયાર કરાવવાં પડતાં હતાં છતાં. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વરસના બાર અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! આ પહેલા અંકમાં શું શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ ‘મા દીકરાની અરસપરસની ફરજો.’ પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઈ હતી : લાયકીવાળી ઓરત. જેમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. પહેલા અંકના લેખમાં રાણી વિક્ટોરિયાનો પરિચય લગભગ ત્રણ પાનાંમાં આપ્યો છે ઉપરાંત એક પાનાનું તેમનું રેખાંકન પણ મૂક્યું છે. પછી એક કથા છાપી છે, મારા દોસ્તારની બાયડી. પછીનો લેખ છે માહોમાહેના ફિસાદથી થતી ખરાબી : પંજાબનું રાજ. પછીનો લેખ છે રેતીનાં રણ. પછી પરચૂરણ બીનાઓ એવા મથાળા નીચે ઉપદેશાત્મક ફકરાઓ છાપ્યા છે. છેલ્લે કવિ દલપતરામે સ્ત્રીબોધ માટે ખાસ લખેલા ગરબા/ગરબી છાપ્યાં છે. તેમાંની પહેલી કૃતિમાં મુંબઈ શહેર અને તેના વિકાસમાં પારસીઓએ આપેલ ફાળાની પ્રશંસા કરી છે અને પારસીઓ માટે કહ્યું છે : “એ તો હેમ જડેલા હીરા છે.”

પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી ૧,૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું. અને તે વગર માસિક ચાલી શકે તેમ હતું નહિ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. તેના માલિકો બહેરામજી ફરદુનજીની કંપનીને ‘સ્ત્રીબોધ’ સોંપી (વેચી નહિ) દેવામાં આવ્યું. આ દફતર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતા પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. ‘સ્ત્રીબોધ'ના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી બન્યા. પણ ‘સ્ત્રીબોધ’ને એક આગવું સામયિક બનાવ્યું તે તો કેખુશરૂ કાબરાજી(૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પુતળીબાઈ, અને પુતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં.

પુતળીબાઈ કાબરાજી

કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પુતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ'ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું. મૂળ નામ પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અદરાયા પછી બન્યાં પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પૂનામાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની મઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે તેમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પુતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે પુતળીબાઈ ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણી જોઈને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. અમદાવાદના જાણીતા લેખક અને સમાજ સુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠનાં પુત્રવધૂ શ્રુંગારનું સોળ વર્ષની ઉંમરે ૧૮૮૧માં અવસાન થયું. મહિપતરામની સૂચનાથી તેણે ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’ નામના પુસ્તકમાંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું. પુત્રવધૂના અવસાન પછી મહિપતરામે આ અનુવાદ ‘ટૂંકી કહાણીઓ’ નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યો. પણ મૂળ પુસ્તકના માત્ર પહેલા ભાગનો અનુવાદ શ્રુંગારે કર્યો હતો. એટલે મહિપતરામે બીજા ભાગના અનુવાદ માટે ‘હરીફાઈ’ જાહેર કરી. તેમાં જે અનુવાદ મળ્યા તેમાં સૌથી સારો હતો પુતળીબાઈ વાડિયાનો. અને ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’નો બીજો ભાગ. તે માટે મહિપતરામ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ પુતળીબાઈને મળ્યું. એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. કેપ્ટન આર.સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી હતા. ટેમ્પલને પુતળીબાઈને મળવાની ઇચ્છા થઈ. સર જ્યોર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પુતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પુતળીબાઈ.

કેખુશરૂ કાબરાજી અને પુતળીબાઈ

ઇન્ડિયન એન્ટીક્વેરીનાં બારણાં એક વાર ખુલી ગયાં એટલે પુતળીબાઈની કલમ અંગ્રેજીમાં ચાલવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી એન્ડ ગુજરાતી હિંદુ ન્યુપિટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. તેની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. જાણીતા ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયોના જોવામાં આ અનુવાદો આવ્યા અને તેમણે હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાનાં લગ્નગીતો અને પ્રેમગીતોના અનુવાદ માટે પુતળીબાઈને આમંત્રણ આપ્યું. એન્ટોનિયોએ આ અનુવાદોને ૧૪૦ ભાષાઓનાં ત્રણ હજાર જેટલાં ગીતો સમાવતા પોતાના પુસ્તકના પાંચ ભાગમાં સમાવ્યાં એટલું જ નહિ, તેને આખા સંગ્રહના ‘સૌથી સુંદર આભૂષણ’ તરીકે ઓળખાવ્યાં. પણ પુતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને મહત્ત્વનો અનુવાદ તે તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. તે પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને તે અનુવાદની સાથે પણ આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય, અને તે પણ એક પારસી સ્ત્રીને હાથે થાય, અને તે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી સામાયિકમાં પ્રગટ થાય એ એક અસાધારણ ઘટના ગણાય.

ટૂંકી કહાણીઓ માટે પુતળીબાઈને મળેલા ઇનામની નોંધ પરદેશમાં લેવાય તો ‘સ્ત્રીબોધ’ માસિકમાં ન લેવાય એવું તો ન જ બને. વળી પુતળીબાઈ તો આ માસિકનાં લેખિકા હતાં. ૧૮૮૩ના મે અંકમાં નોંધ લેતાં ‘સ્ત્રીબોધે’ લખ્યું’: ‘પુતળીબાઈની સહી હેઠળ ‘સ્ત્રીબોધ’ના વાંચનારાઓનું મનરંજન કરનારી અમારી ચંચળ લખનારી બાઈને વાંચનારી બાનુઓ સારી પેઠે પિછાને છે.’ મહિપતરામ રૂપરામે જાહેર કરેલું ૬૦ રૂપિયાનું ઇનામ ‘અમારી એ ચંચળ મદદગાર બહેનીને મળ્યું છે તેથી અમે મગરૂરી માની લઈએ છીએ અને અમારી મગરૂરીમાં વાંચનારી બાનુઓ ભાગ લેશે એવી આશા રાખીયે છીએ.’ નોંધ સાથે પુતળીબાઈના પુસ્તકમાંથી એક વાર્તા ‘ભોળાનો ભરમ ભાંગ્યો’ પણ ‘સ્ત્રીબોધે’ છાપી હતી. જેને ‘સ્ત્રીબોધે’ ‘એક મદદગાર બહેની’ તરીકે ઓળખાવ્યાં હતાં તે પુતળીબાઈ ૧૮૯૪ના ડિસેમ્બર મહિનાની ૧૬મી તારીખે જાંગીરજી કાબરાજી સાથે અદારાયાં અને કેખુશરૂ કાબરાજીનાં પુત્રવધૂ બન્યાં. જાંગીરજી મુંબઈ સરકારના સ્ટેટ્યુટરી સિવિસ સર્વન્ટ હતા અને અમદાવાદ, સુરત, નાશિક, મુંબઈ, બીજાપુર, ખંભાત, ખાનદેશ વગેરે જગ્યાએ તેમની બદલી થતી રહી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પુતળીબાઈએ સમાજસેવાનાં કામો ઊલટભેર શરૂ કર્યાં. અને સાથોસાથ ‘સ્ત્રીબોધ’નું સંપાદન પણ સંભાળ્યું.

સતત કામ કરીને પુતળીબાઈનું મન તો થાક્યું નહોતું, પણ હવે શરીર સાથ આપતાં આનાકાની કરતું હતું. પતિ જાંગીરજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા તે પછી તેઓ અને પુતળીબાઈ અમદાવાદ રહેતાં થયાં. ત્યાં પણ લોકોનું ભલું થાય એવાં કાર્યોમાં બંનેનો બને તેટલો સાથ રહેતો. બંને હવાફેર માટે પંચગની ગયાં હતાં ત્યાં જ ત્રણ દિવસની ટૂંકી માંદગી પછી ૧૯૪૨ના જુલાઈની ૧૯મી તારીખે પુતળીબાઈ બેહસ્તનશીન થયાં. ‘સ્ત્રીબોધ’નો મે ૧૯૪૩નો અંક ‘સ્વ. કેખુશરો કાબરાજી તથા સ્વ. પુતળીબાઈ કાબરાજી સ્મારક અંક’ તરીકે પ્રગટ થયો હતો. તેની પ્રસ્તાવનામાં વિદ્યાબહેન નીલકંઠે લખ્યું હતું : ‘પુતળીબાઈ પોતાના સસરાના ‘સ્ત્રીબોધ’ પત્રમાં ભારે રસ લેતાં. તેમની વાર્તાઓ અને અન્ય લેખો ગુજરાતી વાચક વર્ગમાં ઊલટથી વંચાતાં. કાબરાજીના કુટુંબમાં હિંદુ-પારસી એવા ભેદ નહોતા. એ ભાવના પુતળીબાઈએ ઝીલી લીધી હતી.’

૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે ? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબુ જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે. ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? ‘સ્ત્રીબોધ’ના પહેલા જ અંકથી તેના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું : “દેશની હાલત સુધારવાની સરવેથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાએ તેમ કરવું.” ૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર ઠેર સૂત્રો લખવાં પડે છે : બેટી પઢાવ, બેટી બચાવ, મુલગી શીકલી, પ્રગતિ ઝાલી.  આવતી કાલે આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે ત્યારે આપણે સૌએ આપણી જાતને જે પ્રશ્ન પૂછવા જેવો છે તે આ છે : ૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ માસિક શરૂ થયું તે પછી આટલા દાયકાઓ પછી પણ આપણા સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો?

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX  XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 માર્ચ 2020

Loading

પરપીડા કે સ્વપીડા વ્યક્ત કરતી સ્ત્રી-લેખકોની કસોટી એ કે પોતે સાચું લખી શકશે કે કેમ, કેટલું ને કેટલા સમય લગી …

સુમન શાહ|Opinion - Literature|7 March 2020

સાહિત્ય અને સ્ત્રી-લેખકો

સ્ત્રી-લેખક જન અને જીવનથી હારીને શબ્દના ઉપવનમાં તો જાય, પણ ત્યાંયે એને સખ નથી, દાઝવાનું છે

એક તરફ, સાહિત્યકારો એમ કહે છે કે આપણે ત્યાં પોસ્ટ-મૉડર્નિઝમ – અનુઆધુનિકતાવાદ – પ્રવર્તે છે. હાંસિયામાં ધકેલાઇ ગયેલા સામાજિક સંવિભાગો વિશે ખૂબ લખાઈ રહ્યું છે. જેમ કે, દલિત-પ્રશ્નનું સરસ સાહિત્ય સરજાયું છે. એમ પણ ઉમેરે છે કે નારીપીડાનું કથાસાહિત્ય તો બેનમૂન છે.

માની શકાય કે એથી કરીને નારીપીડાને વાચા મળી છે. પરન્તુ એમ માની શકાય ખરું કે એથી લગ્ન તેમ જ કુટુમ્બ સંસ્થાઓ હાલી ગઈ છે? ના. એમ માની શકાય ખરું કે એથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે વીમેન-રાઈટર્સની એટલે કે સ્ત્રી-લેખકોની સંખ્યામાં નૉંધપાત્ર વધારો થયો છે? ના, નથી થયો.

બીજી તરફ, સમસામયિક જીવનવ્યવહારોમાં નારીની દુર્દશામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. બળાત્કાર, ગૃહક્લેશ, મારઝૂડ વગેરે દુર્ઘટનાઓ બન્યા કરે છે. તાજેતરનો આ બનાવ તો ઘણો આઘાતક છે : છોકરીઓ માસિક ધર્મ પાળે છે કે કેમ એ જાણવા એ છાત્રાલયની વ્યક્તિઓએ એ છોકરીઓનાં કપડાં ઉતરાવ્યાં ! હદ બહારની નિર્ લજ્જતા ! દાઢીજટાધારી સાધુએ બકવાસ ફેલાવ્યો : માસિકધર્મમાં હોય તેવી મહિલાના હાથે ખાશો તો નર્કમાં જશો. એમના હાથે જમવાનો અર્થ, બીજો અવતાર પાડાનો ! : કેટલું ઘોર અજ્ઞાન !

આપણે ત્યાં મોટા ભાગની સ્ત્રી-લેખકો પરલક્ષી ધોરણે નારીપીડાનું સર્વસામાન્ય સાહિત્ય લખતી હોય છે. એમનો પ્રોટેગનિસ્ટ 'તે' કે 'તેઓ' હોય છે. તેઓ પડોશી કે ગ્રામીણ કે નગરવાસી સ્ત્રીઓની વ્યથાઓ વિશે લખે એથી એ વ્યક્તિઓનાં દુ:ખો સુ-ચારુ રૂપે સરસ પ્રતિબિમ્બિત થાય. પરન્તુ શું એ સાહિત્યની અસર સાહિત્યપ્રદેશની બહારના સમાજમાં વિસ્તરે છે ખરી? ના.

આત્મલક્ષી ધોરણે માત્રસ્વપીડાનાં લેખનો કરનારી સ્ત્રી-લેખકો પણ હોઈ શકે છે. ત્યાં પ્રોટેગનિસ્ટ નહીં હોય પણ 'હું' કે 'અમે' જરૂર હશે. મુખ્યત્વે તેઓ પોતાની યાતનાઓની વાત કરે. એ અંગત સૂરને કારણે દેખીતું છે કે એમનાં લેખનોની અસર તીવ્ર હોય. સાહિત્યપ્રદેશે તેઓ ભલે ન પંકાય પણ સમાજના વ્યાપક વર્ગો એમને ધ્યાનથી સાંભળે અને સ્વીકારે.

દલિતપ્રશ્ન, નારીપીડા કે સમાજના કોઇ પણ હાંસિયાકૃત સંવિભાગની વાત માંડનારા સાહિત્યને હું પર્સ્યુએશનનું અથવા અપીલનું – અનુનયનું – સાહિત્ય કહું છે. અ-લૌકિક આનન્દના સાહિત્યથી એ જુદું છે. એ સાહિત્યકારો સમાજને ઢંઢોેળે છે. સમાજના ધુરીણોને અપીલ પ્હૉંચાડે છે કે સઘળી વ્યથાઓને સમજો અને સડેલાં સમાજતન્ત્રોને સ્વચ્છ કરો, બદલો ! તેઓ સામાજિક ન્યાય માટે પરિવર્તનો ઝંખે છે, કહો કે, એમનો અનુનય સ-મૂળી ક્રાન્તિ માટે હોય છે. પણ શું આપણું એ પોસ્ટ-મૉડર્નિસ્ટ સાહિત્ય એટલું જોરદાર અને એવું પ્રભાવક અનુભવાયું છે ખરું? ના.

કેમ કે આમાં સાહિત્યપદાર્થ મોટો ભાગ ભજવે છે. જે કંઈ છે તે સાહિત્ય છે. સાહિત્ય છે એટલે એમાં કલાસૌન્દર્યની તેમ જ રસાનન્દની અપેક્ષા રહે છે. લેખકની કસોટી થાય છે. લેખક જો અપીલના હેતુને વળગી રહે, તો કલાસૌન્દર્ય માર્યું જાય અને એ જો કલાની કૃતિ કરવા જાય, તો અપીલનો હેતુ માર્યો જાય ! આ બાબતે, સામાન્ય લેખકો આમથી તેમ અથડાયા કરે છે. એમને સયુક્તિક સંતુલિત સર્જન-પ્રયાસ નથી જડતો.

પરલક્ષી સ્ત્રી-લેખક આ શિંગડાંભીડ વિશે જાગ્રત હોય તો સારાં વાનાં થાય. પણ મોટે ભાગે એમ નથી બનતું. 'હું નારીવાદી છું પણ મુખ્યત્વે સાહિત્યકાર છું' એવી મનોદશાથી અમુક સ્ત્રી-લેખકો મુક્ત નથી થઈ શકતી, એ હકીકત છે. એમની એ મનોદશાને વિવેચકો કશી ટીકાટિપ્પણી વિના છાવરે છે બલકે વધાવી લે છે. છેવટે, સ્ત્રી-લેખનોને અને આનુષંગિક વિવેચનાને પોસ્ટ-મૉડર્નિસ્ટનું લેબલ લગાડાય છે. ભાસે છે એમ કે સાહિત્ય પ્ર-ગતિના પન્થે છે.

આત્મલક્ષી સ્ત્રી-લેખકને એ શિંગડાંભીડ નથી હોતી. એને સાહિત્યકાર નથી થવું, લાઈફની વાત કરવી છે, લિટરેચર બને કે ન બને – શી ડઝન્ટ કૅઅર. એને માત્રઆત્મકથનકાર ગણો, એનો એને સંતોષ હોય છે. એને લગન એટલી હોય છે કે પોતાની પીડાને પોતે અસરકારક રૂપે વ્યક્ત કરી શકે. જગવિખ્યાત ફિલસૂફ દેરિદાએ આત્મકથનાત્મક લેખનોને ઉચિત રીતે જ 'મોડ ઑફ ઍક્સપ્રેશન'-નો દરજ્જો આપેલો. એવાં લેખનો આત્મકથા, નવલકથા કે ટૂંકીવાર્તા બની આવે, તો એ એક સામાન્ય પ્રકારની બાય-પ્રોડક્ટ હોય છે. એથી સાહિત્યસંસારને લાભ, બાકી, એ માટે એ સ્ત્રી-લેખકે કશા સર્જનાત્મક શિવ-સંકલ્પો નથી સેવ્યા હોતા.

પરન્તુ, રીપીટ 'પરન્તુ', પરપીડા કે સ્વપીડા વ્યક્ત કરતી સ્ત્રી-લેખકોની કસોટી એ હોય છે કે પોતે સાચું લખી શકશે કે કેમ. લખી શકશે તો કેટલું ને કેટલા સમય લગી. છપાવશે તો આસપાસનાંઓ કેટલું સ્વીકારશે. કેટલો તો કંકાસ જન્મશે. એને થાય છે, સચ્ચાઈભર્યા પોતાના સાહિત્ય-પ્રયત્નોથી કયો લાભ … કોણ કેટલું બદલાવાનું … એ માંડી વાળે છે. મેં પ્રારમ્ભે કહ્યું કે સ્ત્રી-લેખકોની સંખ્યામાં ખાસ વધારો નથી થયો, પણ એમાં ઉમેરું કે આત્મકથનકાર સ્ત્રી-લેખકો તો આપણે ત્યાં છે જ નહીં. એવી કેટલીયે સ્ત્રીઓ છે જેમણે પોતાના જીવનને કરમકહાણી રૂપે સ્વીકારી લીધું હોય છે ને જીવ્યે રાખે છે. એમની એ વાસ્તવિકતાઓ હમ્મેશને માટે અપ્રકાશિત રહી જાય છે.

સામ્પ્રત સામાજિક સમસ્યા જ એ છે કે પીડિત સ્ત્રીઓ બોલતી જ નથી. એનું કારણ? એનું કારણ, એમની આસપાસનાં મનુષ્યો; એ જેમાં જીવે છે એ અસહિષ્ણુ અન્યાયી સમાજ. એમને ખાતરી હોય છે કે સાચું બોલી શકાશે નહીં બલકે દુ:ખોમાં ઑર વધારો થશે. તેમ છતાં એ જો લેખનનું સાહસ કરે ને છપાવવા જાય, તો નારીપીડનનાં વરવાં રૂપો બહાર આવે છે : ઘર-પરિવારથી પ્રોત્સાહનો મળે, પણ પોલાં પોલાં : સાથી પુરુષલેખકો શુદ્ધ મદદ ન કરે, એમાં ભેળ હોય : વિવેચકો પાસેથી ખરા પ્રતિભાવની આશા જ કેવી? તેઓ તો મૉડર્ન ને પોસ્ટ-મૉડર્નની ખોજમાં ને એની જ મૉજમાં હોય છે : લટપટિયા તન્ત્રીઓ સ્ત્રી-લેખકોને લલચાવે, સામેથી નિમન્ત્રણ આપે, ને જે મળે એ છાપે : બધા લાળ પાડતા હોય અને એથી જનમતો ગંદવાડ સાહિત્ય-શબ્દની આડમાં ઢંકાઈ જાય.

ટિટા વૅલેન્સિયા

હમણાં મારા વાંચવામાં આવ્યું કે મૅક્સિકન સ્ત્રીલેખક ટિટા વૅલેન્સિયાને (1938 – ) મૅક્સિકન સાહિત્યનો સુખ્યાત અવૉર્ડ અપાયો. એમની એ અવૉર્ડ-વિનર નવલકથાનું નામ છે, 'મિનોતૉર ફાઇટિન્ગ'. એમાં એમણે પોતાના જ પ્રેમજીવનની અને એમાં મળેલી નિષ્ફળતાની વાત જોડી છે. રચનામાં એ પ્રેમીનું નામ નથી આપ્યું. તેમ છતાં, વૅલેન્સિયાએ જાણ્યું કે પ્રેમીને તો વાંધો ન્હૉતો પડ્યો – હી વૉઝ ફાઇન વિથ ઇટ – પણ મૅક્સિકન પુરુષ-સાહિત્યકારો ગુસ્સે ભરાયેલા. તેઓએ નારાજગી દાખવેલી ને અવૉર્ડની ઘટનાને વખોડી કાઢેલી. વૅલેન્સિયા ૮૧ વર્ષનાં છે. એ પછી એમણે ખાસ લખ્યું નથી, પોતાની પિયાનોવાદક તરીકેની કારકિર્દીમાં વધારે ધ્યાન આપ્યું છે. એવા સમાચાર છે કે નેશનલ ઑટોનૉમસ યુનિવર્સિટી ઑફ મૅક્સિકો એમની આ નવલને પુન:પ્રકાશિત કરી રહી છે.

આ તમામ દાખલાઓમાં, પુરુષવૃત્તિની નિષ્ઠુર સક્રિયતા મોટું પરિબળ હોય છે. સ્ત્રી-લેખક જન અને જીવનથી હારીને સાહિત્ય-શબ્દના ઉપવનમાં તો જાય, પણ ત્યાંયે એને સખ નથી, દાઝવાનું છે …

= = =

(March 7, 2020 : Ahmedabad)

[શનિવાર, 07 માર્ચ 2020ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે]

Loading

...102030...2,5192,5202,5212,522...2,5302,5402,550...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved