Opinion Magazine
Number of visits: 9683771
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજૂર કાયદામાં ફેરફાર : આ સુધારા નહીં, કુધારા છે

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|10 May 2020

કાર્લ માર્ક્સે કહેલું કે, “દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી.” આ વાક્યમાં ફેરફાર કરીને આજે દેશની સરકારો જરા આ રીતે બોલી રહી હોય એમ લાગે છે, “હે દેશભક્ત મજૂરો, તમે એક થાવ, તમારે દેશનો વિકાસ કરીને તમારા લોહી સિવાય કશું જ ગુમાવવાનું નથી.” દેશની સંસદે ઘડેલા મજૂર કાયદાઓનો અમલ નહીં કરવાના કાયદા અત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં રાજ્ય સરકારો કરી રહી છે અને તે પણ વિકાસને નામે.

દેશભરમાં હવે કોરોના લૉક ડાઉન બાદ ઉદ્યોગો ખોલવામાં આવે તો મજૂરો જોઈએ. આ મજૂરો તો ગામડે જવા માગે છે, એમના પરિવારને મળવા માગે છે. એટલે એમને આકર્ષવા પડશે જ્યાં પણ ઉદ્યોગો છે ત્યાં. પરંતુ તેમને આકર્ષવા માટે કોઈ લાલચ આપવામાં આવતી નથી. ઉપરથી નવા ઉદ્યોગોને આકર્ષવા માટે તથા ઉદ્યોગો ફરી શરૂ કરવા માટે તેમને મજૂરોનું શોષણ કરવા મોટી લાલચ આપવામાં આવી રહી છે. આ લાલચ આ દલીલો સાથે આપવામાં આવી રહી છે : (1) જી.ડી.પી.નો વૃદ્ધિદર એકદમ ઘટી ગયો છે તે ઊંચો લાવવો છે. (2) તેનાથી રોજગારી વધશે.

જરા જુઓ તો ખરા કેવી રીતે જુદાં જુદાં રાજ્યો મજૂર કાયદાનો અમલ નહીં કરવા માટે જાહેરાતો કરે છે. મજૂરોનું શોષણ કરવાની કંપનીઓને છૂટ આપવા માટે જાણે કે રાજ્યો વચ્ચે હરીફાઈ જામી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ.ની રાજ્ય સરકારો મજૂર કાયદામાં કહેવાતા સુધારા કરવા માટે અને Ease of Doing Business(ધંધાકીય સરળતા)માં આગળ આવવા માટે હવે હરીફાઈ કરી રહી છે. આ હરીફાઈ કોરોના લૉક ડાઉન પછી વધે તેવી સંપૂર્ણ સંભાવના છે. રાજસ્થાનમાં હાલ કૉંગ્રેસની સરકાર છે, પણ તે ભા.જ.પ.ની સરકારે મજૂર કાયદાઓમાં 2014-15માં કરેલા ફેરફારોને જ અનુસરી રહી છે. પંજાબની કૉંગ્રેસ સરકાર પણ એ જ કરવા તરફ જતી હોવાના સમાચાર છે. તેણે જાન્યુઆરીમાં મજૂર કાયદામાં સુધારા માટેના ત્રણ વટહુકમો બહાર પડવાની તૈયારી કરી હતી. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તો અત્યારે ભા.જ.પ.ની સરકારો છે. મધ્ય પ્રદેશમાં હમણાં મજૂર કાયદામાં સુધારા કરાયા છે. ત્યાં ઔદ્યોગિક વિવાદ ધારાની ઘણી કલમોમાંથી કારખાનાંને એક હજાર દિવસ સુધી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે પોતાની મરજી મુજબ માલિકો મજૂરોને કામે રાખી શકશે અને મજૂરો પાસે 12 કલાક કામ પણ કરાવી શકશે. રાજસ્થાન તો એક માર્ગદર્શક ઉદાહરણ બની ગયું છે અન્ય રાજ્યો માટે. કોરોના મહામારીએ રાજ્ય સરકારોને લપસવું હતું અને નિસરણી આપી છે. મજૂર કાયદામાં સુધારા ન જ થવા જોઈએ એવું નથી, પણ પ્રશ્ન એ છે કે તેથી મજૂરોનું શોષણ વધે છે કે ઘટે છે? તેમના માનવ હકો અને લોકશાહી અધિકારોનું રક્ષણ થાય છે કે નહીં? મજૂરોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરે છે કે ખરાબ થાય છે? 2019ના કેન્દ્ર સરકારના આર્થિક સર્વેમાં તો આ બાબતે રાજસ્થાનના સુધારાની પ્રશંસા કરવામાં આવી છે! કેટલાંક ઉદાહરણ જોઈએ : 

રાજસ્થાન

વર્ષ 2014-15માં ચાર મજૂર કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા. ત્યારે ભા.જ.પ.ની સરકાર હતી. અત્યારે ત્યાં કૉંગ્રેસની સરકાર છે અને તેણે મજૂરવિરોધી કેટલા ય સુધારા યથાવત્ રાખ્યા છે. જે ચાર કાયદામાં મોટા સુધારા કરવામાં આવ્યા તે આ મુજબ છે : ઔદ્યોગિક વિવાદ ધારો-1947, કરારી મજૂર ધારો-1970, કારખાનાં ધારો-1948 અને એપ્રેન્ટિસ ધારો-1961. કેટલાક મુખ્ય સુધારા આ મુજબ છે : [a] ત્રણસો મજૂરોને નોકરીમાંથી કાઢી મૂકવા હોય તો સરકારની પરવાનગીની જરૂર નથી. પહેલાં તે સંખ્યા સો હતી. [b] કામદારે માલિક સામે ફરિયાદ કરવાની મુદ્દત હવે ત્રણ વર્ષની કરવામાં આવી છે. પહેલાં આવી કોઈ સમયમર્યાદા નહોતી. [c] કુલ કામદારોના ૩૦ ટકા હોય તો જ મજૂર મંડળ રચી શકાય. તે અગાઉ 15 ટકા હતા. [d] કારખાનાં ધારા હેઠળ માલિક સામે તો જ અદાલતમાં કેસ કરી શકાય, જો સરકાર એ માટે મંજૂરી આપે. [e] કરારી મજૂર ધારો 50 લોકોને રોજગારી આપતાં કારખાનાંને જ લાગુ પડે. અગાઉ આ સંખ્યા 20 હતી. [f] એપ્રેન્ટિસ મજૂરને લઘુતમ વેતન કરતાં ઓછું વેતન ના મળવું જોઈએ. 

ગુજરાત

તા.08-05-2020ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાને ચીનમાંથી પોતાનું રોકાણ ખસેડવા માગતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં નિમંત્રણ આપતાં જાહેરાત કરી કે રાજ્ય સરકાર ત્રણ સિવાયના બધા મજૂર કાયદાનો અમલ કરવામાંથી નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મુક્તિ આપવા માટે એક વટહુકમ બહાર પાડશે. તેમણે કહ્યું કે જે નવો ઉદ્યોગ 1,200 દિવસ એટલે 3.29 વર્ષ માટે કામ કરે તેને આ યોજનામાં આવરી લેવાશે. ઉદ્યોગપતિએ મજૂરોને લઘુતમ વેતન આપવું પડશે, સુરક્ષાની બાબતમાં કોઈ મુક્તિ આપવામાં નહિ આવે અને અકસ્માતના કિસ્સામાં કંપનીએ વળતર તો કામદાર વળતર ધારા હેઠળ આપવું જ પડશે. ગુજરાત સરકાર આ નવા ઉદ્યોગોને સાણંદ, ધોલેરા સર અને દહેજમાં તથા GIDCની વસાહતોની ૩૩,000 હૅક્ટરની જમીનો આપશે. તેને માટે સરકાર ભાવમાં સબસિડી આપશે.

ઉત્તર પ્રદેશ

મજૂરોનાં હિતોના રક્ષણ માટે કુલ 38 કાયદા છે અને તેમાંથી માત્ર ત્રણ સિવાયના તમામ કાયદાનું પાલન ત્રણ વર્ષ માટે બંધ કરી દેતો એક વટહુકમ એક સપ્તાહ અગાઉ જ બહાર પાડવામાં આવ્યો છે. મકાન અને અન્ય બાંધકામ મજૂર ધારો-1996, કામદાર વળતર ધારો-1923 અને વેઠ મજૂરી પ્રતિબંધ ધારો-1976 એમ ત્રણ જ કાયદાનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. ઉપરાંત, વેતનચૂકવણી ધારાની કલમ-5નો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે કે જેમાં સમયસર વેતન આપવાની જોગવાઈ છે. આ સિવાય બધા 35 કાયદાના અમલની વિકાસ કરવા માટે કોઈ જરૂર નથી એમ માની લેવામાં આવ્યું છે. આ વટહુકમ કારખાનાં, દુકાનો, ધંધાઓ અને ઉદ્યોગો એમ બધાને લાગુ પડે છે. ઉત્તર પ્રદેશમાં તો લઘુતમ વેતન ધારા-1948નું પાલન પણ નહિ થાય.  

ઉદ્યોગ મંડળોની રજૂઆતો

દેશનાં CII, ફડકી, એસોચેમ અને FICCI જેવાં ઉદ્યોગ મંડળોએ પણ ભારત સરકારને એવી સત્તાવાર રજૂઆતો કરી છે કે માલિકોને મજૂરોનું શોષણ કરવા દો. તેમની રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ છે :

(1) મજૂરો પાસેથી રોજના આઠ કલાકને બદલે બાર કલાક કામ લેવામાં આવે.

(2) કોરોના લૉક ડાઉનના સમયગાળાને છટણીનો સમયગાળો ગણવો અને તે માટે ઔદ્યોગિક વિવાદ ધારામાં સુધારો કરવો.

(3) સરકારનું કહ્યું માનીને જેમણે લૉક ડાઉનના સમય માટે મજૂરોને વેતન આપ્યું છે એ તેમના તે ખર્ચને CSRના ખર્ચનો ભાગ ગણવો.   

(4) જે મજૂરો કામ પર પાછા ના આવે તેમની સામે ઔદ્યોગિક વિવાદ ધારા અને ઔદ્યોગિક રોજગાર સ્થાયી હુકમ ધારા અનુસાર પગલાં લેવાં.

ઉપરોક્ત તમામ મુદ્દાનો અર્થ કંઈક આવો જ થાય :

(1) મજૂરોને પરિવાર નથી એમ સમજી લેવામાં આવ્યું છે. તેમને સામાજિક આરામ અને આનંદ-પ્રમોદનો સમય ના મળવો જોઈએ? સરકારી કર્મચારીઓ તો અઠવાડિયામાં બે દિવસ રજા ભોગવે છે અને તેમના કામના કલાકો આઠ જ છે, તો પછી ઔદ્યોગિક મજૂરોને શા માટે બાર કલાક કામ કરવાનું? 

(2) 24 કલાકમાંથી આઠ જ કલાક કમાણી માટે હોવા જોઈએ, એ એક આંતરરષ્ટ્રીય ધોરણ છે. આંતરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા દાયકાઓ અગાઉ તે સ્વીકારવામાં આવ્યું છે. ILOની સ્થાપના 1919માં થઈ તે પછી પહેલો ઠરાવ આઠ કલાકના કામ માટે જ થયો હતો. ભારત સરકારે આ ઠરાવને માન્યતા પણ આપેલી છે. 1948ના કારખાનાં ધારાની કલમ-51 એમ જણાવે છે કે કોઈ મજૂર દિવસમાં આઠ કલાકથી વધુ એટલે કે અઠવાડિયાના 48 કલાકથી વધુ અને એક દિવસમાં નવ કલાકથી વધુ કામ નહીં કરે. હવે તે ધોરણ બાજુ પર મૂકવામાં આવી રહ્યું છે.

(3) જો CSR હેઠળ મજૂરોનો પગાર ગણી લેવામાં આવે તો કંપનીઓ CSR હેઠળ જે રકમ સામાજિક કલ્યાણ માટે ખર્ચતી હતી, તે રકમ તેમણે ખર્ચવાની રહે જ નહિ. આમ, તેઓ તેમની સામાજિક જવાબદારીમાંથી છટકવા માગે છે.  

(4) જો લૉક ડાઉનના સમયને છટણી ગણવામાં આવે તો પછી મજૂરોને એટલા સમયગાળા માટે 50 ટકા જ વેતન આપવાનું થાય.  

(5) મજૂરોએ કામ કરવું કે ન કરવું તેની પણ સ્વતંત્રતા નહિ? ભારતના બંધારણની કલમ-19 એમ કહે છે કે દરેક નાગરિકને તે ઈચ્છે તે કામધંધો કે વ્યવસાય કરવાનો અધિકાર છે. હવે જ્યારે એવી માગણી કરવામાં આવી રહી છે કે જે મજૂરો કામ પર પાછા ના આવે તેમની સામે પગલાં લેવાં, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેમને ઉદ્યોગોમાં કામ કરવું કે નહીં તેની પણ સ્વતંત્રતા રહેશે નહિ! આ તો રીતસરની ગુલામી જ થઈ. શ્રમ બજારમાં સુધારાને નામે હવે આપણે શું ગુલામી તરફ ધસી રહ્યા છીએ?  

કોરોના મહામારીને કારણે અસાધારણ પરિસ્થિતિ સર્જાઈ છે તેથી ઉદ્યોગોને શરૂ કરવા, ટકાવવા અને વિકસાવવા માટે અસાધારણ પગલાંની ઉદ્યોગ મંડળો માગણી કરે છે. આ માગણીઓનો સ્પષ્ટ અર્થ એ છે કે તેમને મજૂરોનું શોષણ કરવા માટે મંજૂરી આપવામાં આવે. તો જ તેઓ દેશનો વિકાસ કરી શકશે અને જી.ડી.પી. વધારી શકશે. વિકાસ મજૂરોનો પણ થવો જોઈએ એ વાત સ્વીકારવા માટે સરકારો કે ઉદ્યોગ મંડળો તૈયાર નથી. અત્યાર સુધીમાં મજૂરોનો કેવો વિકાસ થયો છે તેનો અંદાજ તો સ્થળાંતરિત મજૂરોની હાલની સ્થિતિથી જોઈ શકાય તેમ છે. કોરોના મહામારીને નામે મજૂરોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. મજૂરોને તો જીવવું છે, શ્વાસ ટકાવવા છે એટલે તે કામ પર આવશે જ. પણ તેનો અર્થ એવો કરવામાં આવશે કે કામદારોને તો આ બધું ગમે જ છે. “જુઓ ક્યાં કોઈ વિરોધ કરે છે?” એમ પણ પછી કહેવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારોના આ મજૂર કાયદાના સુધારાને ટેકો આપે છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષે આ કહેવાતા સુધારાને ટેકો આપ્યો છે.

ખરેખર તો આ સુધારાથી શ્રમ બજારમાં ભારે અંધાધૂંધી ફેલાશે અને મજૂરોની કફોડી હાલત થશે. આ સુધારા નથી, પણ કુધારા છે. અન્ય મજૂર સંગઠનોની સાથે સાથે આર.એસ.એસ.ના મજૂર સંગઠન ‘ભારતીય મજદૂર સંઘ’(BMS)ના પ્રમુખ સાજી નારાયણને પણ આ સુધારાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ સુધારાથી “જંગલરાજ” ઊભું થશે. ભા.જ.પ.ની મોદી સરકાર ઇન્ટુક, આઇટુક કે સીટુ જેવાં મજૂર સંગઠનોનું ના માને એ તો સંભવ છે જ, પણ આર.એસ.એસ.ના BMSનું પણ નહીં સાંભળે? મોદી સરકાર કોઈનું સાંભળવા માટેનો સ્વભાવ ધરાવતી નથી. જો BMSના નેતાઓ મોદી સરકારની મજૂરવિરોધી નીતિઓનો બહુ જ વિરોધ કરશે તો પછી તેમણે હોદ્દા ગુમાવવા પડશે એ નક્કી છે.

રાજસ્થાનમાં મજૂર કાયદામાં ફેરફાર પછી શું થયું તે જાણવા જેવું છે. ગયા વર્ષનો આંકડો એમ કહે છે કે આ સુધારા અગાઉ રાજ્યમાં 100થી વધુ કામદારો ધરાવતાં કારખાનાંની સંખ્યા 3.65 ટકા હતી અને તે હવે 9.૩૩ ટકા થઈ છે. દેશમાં તે પ્રમાણ 4.56 ટકાથી વધીને 5.52 ટકા થયું છે. આમ, કંપનીઓ મોટી થઈ રહી છે. પરંતુ આ સુધારાને પરિણામે મોટી કંપનીઓમાં પણ કરારી મજૂરો વધી ગયા, 2014-15માં તે 39.1 ટકા હતા અને 2016-17માં તે 42.5 ટકા થઈ ગયા. એટલે નોકરીની અસલામતી વધી. વળી, ત્યાં બેકારી વધી. સમગ્ર ભારતમાં જુલાઈ-2019માં બેકારીનો દર 7.25 ટકા હતો અને રાજસ્થાનમાં તે 10.2 ટકા હતો એમ CMIE કહે છે. ઉપરાંત, મજૂરને મળતા વેતનમાં વધારો થવાની ગતિ ધીમી પડી. 2011-14 દરમ્યાન વેતનમાં 16.56 ટકાનો સરેરાશ વધારો થયો હતો અને 2014-17 દરમ્યાન તે વધારો 7.૦૩ ટકાનો જ થયો. આમ, રાજસ્થાનમાં બેકારી વધી અને મજૂરોને મળતું વળતર ઓછું વધ્યું.   

રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એમ સમજે છે કે મજૂર કાયદાનો અમલ જ ના કરવાથી મૂડીરોકાણ આકર્ષી શકાશે. આમ જુઓ તો મૂડીરોકાણ કંઈ રાતોરાત આવી જતું નથી. પણ આ પ્રકારની છૂટછાટોથી વિદેશી કંપનીઓ રોકાણ કરવા આવી શકે તે વાત સાચી. અને દેશની કંપનીઓને અને ઉદ્યોગપતિઓને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે તે વાત પણ સાચી. સવાલ એ છે કે શું માત્ર મૂડીરોકાણ, જી.ડી.પી.માં વધારો અને રોજગારી જ મહત્ત્વનાં છે કે મજૂરોની જિંદગી પણ મહત્ત્વની છે? કાર્લ માર્ક્સ ફરી યાદ આવે છે. તેમણે કહેલું કે, “મૂડી એ મરી ગયેલો શ્રમ છે કે જે રક્તપિપાસુ ભૂતની જેમ મજૂરોનું લોહી ચૂસીને જ જીવે છે, અને તે જેમ વધારે જીવે છે તેમ તે મજૂરોનું વધુ લોહી ચૂસે છે.” ભારતમાં અત્યારે કોરોના લૉક ડાઉન પછી અર્થતંત્રને બેઠું કરવાને નામે આ ખૂની ધંધો ચાલી રહ્યો છે.

e.mail :hema_nt58@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020

Loading

‘શ્રમિકોને જીવિત રાખવાની ઇચ્છા માણસાઈ છે કે મૂડીની મજબૂરી?’

અપૂર્વાનંદ|Opinion - Opinion|10 May 2020

આ વર્ષ માર્ક્સના પુનરાગમનનું વર્ષ છે. માટે, આ વર્ષે ચર્ચામાં રહેલો શબ્દ ફક્ત કોરોના નહીં હોય. દુનિયાભરની ચર્ચાના કેન્દ્રસ્થાને ઉભરેલો શબ્દ છે શ્રમિક કે મજૂર. ‘શ્રમિક’ સાંભળતાં જ સૌથી પહેલી છબી ઉપસે છે કાર્લ માર્ક્સની. એનો શ્રમિક જાણે અચાનક જ સામે આવી ગયો. ફિલિપાઇન્સમાં તે પગપાળો ચાલી રહ્યો હતો, ભારતમાં ચાલતાં ચાલતાં જ તેણે પ્રાણ તજી દીધા અને મૂડીવાદના અભિમાનથી છલકાતા અમેરિકામાં તે ભોજન માટેની કતારમાં ઊભેલો દેખાયો.

આ શ્રમિક હતો, પાયાનો પથ્થર, જે હમણાં સુધી છૂપાયેલો હતો ને હવે સાક્ષાત્ સામે આવી પડ્યો. સરકારોએ તેને તોતિંગ સમસ્યા કે માથાના દુઃખાવા તરીકે જોયો. પણ તેમનામાં એટલી માણસાઈ છે કે તે શ્રમિકોને મરવા દેવા માગતી નથી. એ તેમને બે ટંકનું ભોજન આપી રહી છે, તેમના ખાતામાં મહિને રૂ. પાંચસો નાખી રહી છે. મુદ્દે, તે શ્રમિકોને મરવા નહીં દે. માર્ક્સ વ્યંગપૂર્ણ સ્મિત સાથે પૂછે છે, ‘તેમને જીવિત રાખવાની ઇચ્છા એ માણસાઈ છે કે મૂડીની મજબૂરી? હવે એ દીવા જેવું ચોખ્ખું નથી થઈ ગયું કે સમાજ જેમને ફક્ત જીવતાં રાખવા પૂરતી માણસાઈ ધરાવે છે? એ શરીરો વિના બધું કામકાજ ઠપ્પ થઈ ગયું છે અને ગાડીને પાછી પાટે ચડાવવી હશે તો આ શરીરોની જરૂર પડશે. ‘આ શરીર, જે શ્રમિકનું છે અને શ્રમ જેનો ગુણ છે.’

માર્ક્સે જ કહેલું ને કે માત્ર મૂડી જ મૂડીને પેદા કરતી નથી. શ્રમ વિના મૂડી નિષ્ક્રિય અને બિનઉત્પાદક બની જાય છે. તેમાં જીવ રેડવાનું કામ શ્રમ કરે છે. સચ્ચાઈ તો એ છે, જે માર્ક્સે દોઢસો વર્ષ પહેલાં કહેલીઃ મૂડી એ સંચિત શ્રમ છે. ફરક હોય તો એટલો કે (મૂડી સ્વરૂપે સંચિત) શ્રમ મજૂરના શરીરથી અલગ થઈ ગયો છે અને તે મજૂરની મિલકત પણ મટી ગયો છે. મૂડી જેટલી વધે છે, એટલો જ મજૂર કંગાળ બનતો જાય છે.

આ બધી વાતો જૂના જમાનાની માની લેવામાં આવી. માર્ક્સે ચેતવણી આપેલી કે મૂડીનું આ જે વિરાટ સ્વરૂપ દેખાય છે તે તંદુરસ્તીનું નહીં, રોગનું લક્ષણ છે. આ કસાયેલું નહીં, ફૂલી ગયેલું શરીર છે. તેની સામે છે માંડ માંડ જીવન ટકાવી રાખનાર મજૂર. ફક્ત મજૂર જ પોતાનું રક્ષણ જાતે કરી શકતો નથી, એમ નહીં. મૂડી પણ પોતાની જાતે પોતાનું રક્ષણ કરી શકતી નથી. મૂડી સરકાર સમક્ષ બચાવ માટે ધા નાખી રહી છે, અત્યારે જ એ ચોખ્ખું દેખાતું નથી? અને મૂડીને ઉગારવા માટે રોકાણ કોનું થશે? તમારું-મારું ને તેમનું જે બધાને દયા કરીને સરકારમાઈબાપ ટ્રેન અને બસમાં ઘર ભેગાં કરી રહી છે.

સૌથી પહેલાં સરકારે મૂડીમાલિકોને શું આશ્વાસન આપ્યું? તો કહે, ચિંતા ન કરતા. અમે રોજના કામના કલાક વધારીને બાર કરી દઈશું. કાર્લ માર્ક્સ ફરી સ્મિત કરે છે, ‘આ કલાકોમાં તો ખરું રહસ્ય છે. કલાકો જેટલા વધશે, એટલા મજૂર ઓછા થશે. પેદા થઈ રહેલી ચીજનાં મૂલ્ય સાથે શ્રમ અને સમયના સરવાળાનો કંઈક તો સંબંધ છે જ.’

આ સમસ્યા અંગે ડેવિડ હાર્વેએ થોડું વિચાર્યું છે. શરીરશ્રમ ઉપરાંત બીજી મહત્ત્વની બાબત હતી સમય. અત્યારે બધા પાસે સમય જ સમય છે અને એ પણ શરીરથી (શરીરશ્રમથી) અલગ થયેલો સમય. કેટલાક માટે આ સમય પોતાના આંતરિક જગતમાં ડૂબકી મારવા માટે વણમાગ્યે મળી ગયેલી ચીજ છે, તો ઘણાખરા લોકો માટે તે બળજબરીથી લદાયેલો બોજ. આ સમયમાં પોતાના આંતરિક જગત સાથે રૂબરૂ થવાની સુવિધા તેમની પાસે નથી. આ બધો સમય તેમણે તો આત્માને—આંતરિક જગતને — ધારણ કરનારી બાહ્ય એવી કાયાને ટકાવી રાખવામાં જ ખર્ચવો પડે, એવું બંધન હતું. ટૂંકમાં, તેમની પાસે અધ્યાત્મની સગવડ બિલકુલ ન હતી.

મજૂરોનાં ટોળેટોળાં ઘર છોડીને સડકો પર ઊતરી પડ્યાં ત્યારે સત્તાધારી પક્ષના એક સાંસદે બહુ ભદ્દી રીતે આ વાત કહી દીધીઃ આ ‘બેજવાબદાર’ મજૂરોને માગ્યા વિના જ રજાઓ મળી ગઈ છે. એટલે તેમને લાગે છે કે આ સમય તો સગાંસ્નેહીઓને હળવામળવા માટે મળ્યો છે. તેમની ટીકા પાછળનો ભાવ આવો જ હતો. તેનો ધ્વનિ હતો કે રજાઓ આ મજૂરોનો અધિકાર નથી, એ તો જાણે વધારાનાં મોજશોખનો હિસ્સો છે. તેમનો સમય ને તેમની રજાઓ મૂડીની માલિકીનાં છે કે પછી મૂડીની ચોકીદારી કરતી સરકારની માલિકીની, જે તેનો ઉપયોગ ‘રાષ્ટ્રીય સંપત્તિ’ના ઉત્પાદન અને સંગ્રહ માટે કરે છે. સાંસદ ફક્ત તેમની વાત કરતા ન હતા. એ તો સાદી સમજની વાત છે કે મજૂરોએ દેશ માટે જાતને જીવિત રાખવાની છે. તે બીમાર પણ ન પડી શકે. તેનાથી રાષ્ટ્રીય સંપત્તિના સર્જનમાં અવરોધ આવશે. તેમની તંદુરસ્તી માટે અલગથી ખર્ચ કરવો પડે તો તે દેશ માટે વધારાના બોજરૂપ છે.

આમ, આપણે જોઈ શકીએ છીએ કે એક જ વખતે સમયનો જે અર્થ મજૂરો માટે છે, તે બીજા લોકો માટે નથી. મતલબ કે, આપણે ગમે તેટલી સહિયારાપણાની અને સામૂહિકતાની વાત કરીએ, પણ આ સમાજમાં કોઈ સમય સહિયારો નથી.

સહિયારો સમય નથી, તો પછી સામે મોં ફાડીને ઊભેલી આફત સામે કરવામાં આવતી સહિયારી સક્રિયતા પણ કેમ અને શી રીતે શક્ય બને? આ સમસ્યા વિશે વિચારતાં હાર્વે માર્ક્સને યાદ કરે છે. આપણે દેશને કે રાષ્ટ્રને તંદુરસ્તી અને સમૃદ્ધિ ભણી દોરી જવો હોય તો એવી સામૂહિકતા વિકસિત કરવી પડે, જે સમય સાથે સંકળાયેલા વર્તમાન વિરોધાભાસ થકી સિદ્ધ થઈ શકશે નહીં.

એક સંપન્ન દેશ કેવો હશે? માર્ક્સનો ચોખ્ખો જવાબ છે, ‘સાચો સંપન્ન દેશ એને કહેવાય જ્યાં કામના કલાક બાર નહીં, છ હોય. કામના વધારાના સમય પર અંકુશ હોય તેને સમૃદ્ધિ ન કહેવાય. બલકે, ઉત્પાદનકાર્યમાં ખર્ચાયેલા સમય ઉપરાંત આખા સમાજની પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાની મનમરજી પ્રમાણે ખર્ચવાનો સમય હોય તેને સમૃદ્ધિ કહેવાય.’ માર્ક્સ શ્રમિકોને અને દરેકને વિશિષ્ટ વ્યક્તિ તરીકે જોતી-સ્વીકારતી સામૂહિક સક્રિયતા પર ભાર મૂકે છે. ઘણા લોકો પાસે વધારાનો સમય જ ન હોય અને જૂજ લોકો પાસે સમય જ સમય હોય, તે અન્યાય છે. તે સામૂહિકતાનું ઉલ્લંઘન પણ છે.  કોરોના વાઇરસના ચેપને અટકાવવા માટે વારેઘડીએ સામૂહિક એકજૂથતા જેવા ગુણની વાત કરવામાં આવે છે. શ્રમિકો પાસેથી તેમનો સમય છીનવી લેવામાં આવે, તો આવી એકજૂથતા અશક્ય છે. શ્રમિકોનાં ખાલીખમ તનમાંથી આ સમય નીચોવી લેવા માટે સરકારી રાહે બળપ્રયોગ થતો હોય, તો પછી વિદ્રોહ કેમ ન થાય? માર્ક્સના જન્મનાં ૨૦૨ વર્ષ પછી આ જૂનો સવાલ નવેસરથી સામે આવી ઊભો છે.

અનુવાદઃ ઉર્વીશ કોઠારી

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020

Loading

ઘરની ચાર દીવાલોમાં ઊભી થયેલ એક બીજી મહામારી

સુશીલા પ્રજાપતિ|Opinion - Opinion|9 May 2020

કોરોના વાઇરસની મહામારીને અટકાવવા માટે પૂરા વિશ્વમાં તાળાબંધી છે. તે કોવિદ-૧૯ને રોકવા માટે જરૂરી છે. તાળાબંધીના કારણે પુરુષો, સ્ત્રીઓ અને ઘરનાં સભ્યો ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવા મજબૂર છે. કહેવાય છે કે “ધરતીનો છેડો ઘર” અને દરેક વ્યક્તિ ગમે ત્યાંથી ઘરે આવે ત્યારે એને સંતુષ્ટિ મળે છે. પરંતુ એ જ ઘર દીકરીઓ અને સ્ત્રીઓ માટે સુરક્ષિત હોવું જોઈએ એટલું સુરક્ષિત નથી. નેશનલ ફૅમિલી હૅલ્થ સર્વે (NFHS – 4) પ્રમાણે ૩૧ ટકા મહિલાઓ પોતાના પાર્ટનરના હાથે શારીરિક, લૈંગિક અને માનસિક હિંસાની શિકાર બને છે.

મહિલાઓ પર ઘરમાં થતા અપરાધ હંમેશાં એક સામાજિક સમસ્યા રહી છે, પરતું તાળાબંધીના સમયમાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દુનિયાના અલગ અલગ ભાગોમાંથી ઘરેલુ હિંસા વધવાના સમાચાર આવી રહ્યા છે. વુહાન કે જ્યાંથી વાઇરસ ફેલાયો છે ત્યાં ત્રણ ગણો, ટ્યુનેશિયામાં પાંચ ઘણો અને બ્રાઝિલમાં ૪૦થી ૫૦ ટકા વધારો ઘરેલુ હિંસામાં નોંધાયો છે. સૌથી વધુ મુશ્કેલી તો એવી મહિલાઓ પર છે જેમની સાથે તાળાબંધી પહેલાં પણ શોષણ થતું હતું.

સ્ત્રીઓ પર થતી હિંસાનાં વિવિધ સ્વરૂપ છેઃ શારીરિક, માનસિક, આર્થિક, ભાવનાત્મક, શાબ્દિક વગેરે. આખું વિશ્વ કોરોના વાઇરસની મહામારીથી બચવા જદ્દોજહદ કરી રહ્યું છે, ત્યારે ઘરની ચાર દીવાલોમાં સ્ત્રીઓ પોતાના અસ્તિત્વને, પોતાની ચિંતાઓને અને પોતાનાં આરોગ્યને એકબાજુ મૂકીને ચોવીસે કલાક ને સાતેય દિવસ ખડે પગે રહી પોતાનાં પતિ, બાળકો અને વડીલોની જરૂરિયાતો સંતોષી રહી છે. તાળાબંધીનાં કારણે આખું પરિવાર ચોવીસ કલાક ઘરમાં રહેવાથી સ્ત્રીઓ પર કામનો બોજ વધ્યો છે. એ પણ એક પ્રકારની હિંસા જ છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડા જોઈએ તો પહેલા અઠવાડિયામાં જ મહિલા આયોગમાં ૨૫૭ કેસ ઇ-મેઇલના માધ્યમથી નોંધાયા હતા, જેમાં ૬૯ કેસ ક્રૂર ઘરેલુ હિંસાના હતા. આપણા દેશમાં  ઇ-મેઇલના માધ્યમથી પોતાની ફરિયાદ લખાવી શકે એવી સ્ત્રીઓની સંખ્યા બહુ ઓછી હશે, તેમ છતાં એક અઠવાડિયામાં ૨૫૭ કેસ ઇ-મેઇલના માધ્યમથી મહિલા આયોગમાં નોંધવા એ એક ચોકાવનારી, ચિંતાજનક અને વિચારવાલાયક ઘટના છે. આપણે સૌ જાણીએ છીએ કે તાળાબંધીનાં કારણે પોસ્ટ, કુરિયર સેવા બંધ છે, ઘરની ચાર દીવાલોમાં પરિવારના સભ્યોની હાજરીમાં પોતાના પર થતી હિંસા અંગે કોઈની સાથે વાત કરવી સંભવ નથી, ત્યારે સ્ત્રીઓ પોતાના પર થતી હિંસા વિષે ક્યાં અને કોને કહે એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે.

ગુજરાતમાં ૧૮૧ ‘અભયમ્’ હૅલ્પલાઈનમાં આવતા કેસોમાં ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થયો છે એ અંગે અખબારોમાં પ્રકાશિત થયેલ આંકડા જોઈએ તો ૨૩ માર્ચથી ૧૦ એપ્રિલ સુધીમાં ૨,૨૬૫ ફોન ઘરેલુ હિંસાની ફરિયાદના નોધાયા છે. તેમાં ૨૬૧ અમદાવાદમાં, ૧૩૬ રાજકોટમાં, ૧૨૧ વડોદરામાં, ૭૭ સુરતમાં અને ૧,૭૧૫ અન્ય જિલ્લાઓમાં હતા. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં પુરુષોને હંમેશાં બહાર જઈને કમાઈને લાવવાનું અને ઘરના રક્ષકની ભૂમિકા સોપવામાં આવેલી છે. દેશ અને દુનિયામાં આ સ્થિતિ છે ત્યારે તેમને પોતાને રક્ષકની ભૂમિકામાં સ્થાપિત કરવું મુશ્કેલ બની રહ્યું છે, સાથે સાથે તાળાબંધીના કારણે નોકરી નહિ બચે તો ઘરની અને અન્ય લોનની ભરપાઈ, ઘરનું નિયમિત ભાડું આપવા ઉપરાંત ઘરખર્ચ કેવી રીતે નીકળશે આ પ્રકારના પ્રશ્નો, તનાવ અને ચિંતાઓ ગુસ્સામાં પરિણમે છે અને આ ગુસ્સાને છુપાવવા માટે હિંસાનાં અલગ અલગ રૂપ સ્ત્રીઓ પર આચરાય છે. તેમાં તોડફોડ, જોરથી બૂમો પાડવી અને હિંસા વગેરેનો સમાવેશ થાય છે.

તાળાબંધીની અસર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં, બધા જ વર્ગના લોકો પર અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે. કામદાર વર્ગની વાત કરીએ તો તાળાબંધીનાં કારણે જ્યારે પુરુષો કામ પર જઈ શકતા નથી, શાળાઓમાં રજાઓ હોવાથી બાળકો પણ ઘરમાં જ છે અને એમાં પણ એક જ ઓરડાનું ઘર હોય ત્યારે સ્ત્રીઓને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

રાધનપુરનાં પરવીનબહેન(નામ બદલ્યું છે)નું કહેવું છે કે “પહેલાં તો મારા પતિ સવારે ઊઠીને કામ પર અને છોકરાંઓ નિશાળ જતાં રહે, એટલે ઘરના કામથી પરવારીને સિલાઈકામ કરતી હતી, પરંતુ તાળાબંધી થઈ છે ત્યારથી મારા પતિ કામ પર જતા નથી અને મોડા સુધી સૂતા હોય છે. એમની ઊંઘ ખરાબ ન થાય એ માટે પંખો બંધ ન થવો જોઈએ, બાળકોનો રડવાનો અવાજ પણ ન થવો જોઈએ અને જો અવાજ થયો તો મા-બહેનની ગાળો તો સાંભળવાની, સાથે સાથે માર પણ ખાવો જ પડે. આખો દિવસ ઘરમાં કામ હોવાથી દિવસ દરમિયાન જરા પણ આરામ કરવા ન મળે. વારંવાર ચા બનાવીને આપવાની, બાળકો માટે કઈંકનું કઈંક બનાવવાનું. આમ આખો દિવસ ઊભા પગે બાળકો અને પતિની સેવામાં લાગેલી હોઉં છું. એટલું જ નહીં, સરકાર દ્વારા જાહેર થયેલા પૅકેજ અતર્ગત રાશનની દુકાનમાંથી રાશન અને જનધન યોજના અંતર્ગત મળતા પેન્શનની રકમ લેવા જવાનું, આખો દિવસ લાઇનમાં ઊભું રહેવાનું તેમ છતાં પણ નંબર ન આવે અને ધક્કા ખાવા પડે.”

ડભોઈનાં રતનબહેન રડતાં રડતાં તેમની આપવીતી જણાવે છે, એમના પતિ મજૂરી કામ કરે છે અને એમને દારૂનું વ્યસન છે. તે ખૂબ દારૂ પીવે છે. “પહેલાં તો તે કામ પરથી ઘરે આવીને, દારૂ પીને સૂઈ જતા હતા, તો ગાળો અને માર ઓછાં ખાવાં પડતાં હતાં પરંતુ જ્યારથી તાળાબંધી થઈ છે, ત્યારથી તે ઘરમાં જ રહે છે અને દારૂ પીને મને મા-બહેનની ગાળો બોલવા ઉપરાંત ખૂબ માર મારે છે. ખબર નથી આ મારથી મને ક્યારે છુટકારો મળશે.”

દરેક આપદામાં સૌથી વધુ સહન કરવું પડતું હોય તો એ વંચિત સમુદાય અને એમાં પણ જે મજૂર વર્ગ કે જે રોજ કમાઈને રોજ ખાય છે એમને કરવું પડે છે. તાળાબંધીની અસર પણ આ સમુદાયોને સૌથી વધુ થઈ છે. મજૂર વર્ગના લોકો પોતાનો થાક દૂર કરવા અને ઊંઘવા માટે વ્યસનનો સહારો લેતા હોય છે. જે વ્યસનની આદત છે તે ન મળતાં તે બેબાકળા બનીને સ્ત્રીઓ પર હિંસા કરે છે. તાળાબંધીનાં કારણે વ્યસન આસાનીથી મળતાં બંધ થઈ ગયાં અને એનો ભાવ બમણો જ નહીં, ચાર ગણો વસૂલવામાં આવે છે. વ્યસનની તલબ પૂરી કરવા આખો દિવસ લાઇનમાં ઊભા રહીને લઈ આવેલા પૈસા સ્ત્રી આપવાનો ઇનકાર કરે તો પછી મા-બહેન સમાણી ગાળો અને દંડાવાળી. મહિલાઓ માટે તો એક બાજુ ખાઈ અને બીજી બાજુ  કૂવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

બી.બી.સી.ના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે એક પુરુષ એની પત્નીને કોરોના કહીને બોલાવતો હતો અને અમેરિકામાં એક સ્ત્રીને એનો પતિ એવી ધમકી આપતો હતો કે હવે એક વાર ફરીથી ઉધરસ ખાધી તો અહીંથી તને બહાર ફેંકી દઈશ. આમ સ્ત્રીઓ પર થતી હિંસાનાં વિવિધ અને વિકરાળ સ્વરૂપો ઉપરાંત કોરોના મહામારીને લઈને ક્યારે આ બધું ઠીક થશે, એની અનિશ્ચિતતાને કારણે સ્ત્રીઓની ચિંતા અને તનાવ વધે છે. તેની શરીર, મગજ અને ભાવનાઓ પર અસર જોવા મળે છે. શરીર પરની અસરમાં જોઈએ તો વારંવાર માથું દુખવું, થાક લાગવો, બ્લડ પ્રેશરમાં વધઘટ થવી. ભાવનાત્મક અસરોમાં ચિંતા, ગુસ્સો, ડર, ચીડિયાપણું, ઉદાસી, મૂંઝવણ અને વારંવાર ખરાબ વિચારો આવવા, વ્યવહારમાં ચૂપ રહેવું, ગુસ્સો કરવો, જોરથી બોલવું વગેરે જોવા મળે છે. માનસિક તણાવના કારણે ઘણી વાર સ્ત્રીઓ પોતે આત્મહત્યા કરે છે, અથવા બાળકો પર પણ હિંસા કરે છે. ઉત્તર પ્રદેશના જહાંગીરાબાદની એક તાજી ઘટના છે, જેમાં તાળાબંધીનાં કારણે કામ ન મળતાં એક મહિલાએ પોતાનાં પાંચ બાળકોને નદીમાં નાખી આત્મહત્યા કરવાની કોશિશ કરી. મહિલાને પોલીસ દ્વારા પકડી લેવામાં આવી અને બાળકોની તપાસ ચાલુ છે. આવી તો કેટકેટલી ઘટનાઓ છે, જેમાં સ્ત્રીઓ વધારે પડતા તનાવ, ડર અને હિંસાનો સામનો કરી માનસિક સંતુલન ગુમાવી બેસે છે. તાળાબંધીની સ્થિતિમાં પતિ દ્વારા પત્ની પર બળાત્કારના બનાવોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. આમ સ્ત્રીઓ પર થતી હિંસાનાં અનેક સ્વરૂપ છે, જે આ મહામારીમાં પણ આપણને જોવા મળી રહ્યા છે. તેથી પૂરી દુનિયાએ સ્ત્રીઓ પર થતી હિંસા સામેની લડાઈને કોવિંદ-૧૯ સામે લડવાની રણનીતિનો એક ભાગ બનાવવો જોઈએ.

સ્ત્રીઓ વર્ષોથી હિંસાનો સામનો કરતી આવી છે. સ્ત્રીઓ પોતાના પાડોશી કે મિત્રો સાથે વાત કરી પોતાનું મન હળવું કરી શકતી હતી, પરંતુ તાળાબંધીના કારણે સ્ત્રી માટે મિત્રવર્તુળ, સહકર્મચારી અને પાડોશી સાથેની વાતચીત પણ બંધ થઇ ગઈ છે. તાળાબંધીનાં કારણે પિયરમાં જવું પણ અશક્ય છે. ઘરની ચાર દીવાલોમાં પરિવારના સભ્યોની હાજરીમાં પોલીસને કે સરકારી હૅલ્પલાઈનમાં ફોન કરવો પણ એમના માટે શક્ય નથી. ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે એના માટેના રસ્તાઓ શોધીએ અને હિંસા પીડિત મહિલાઓને એમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન કરીએ.

જુદા જુદા દેશોએ સ્ત્રીઓ પર વધી રહેલી ઘરેલુ હિંસાને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. જેમ કે, ફ્રાન્સમાં ૨૪ કલાક ચાલુ રહેતા મૅડિકલ સ્ટોર પર અને રાશનની દુકાન, મૉલમાં સ્ત્રીઓ કોર્ડવર્ડમાં વાત કરીને ફરિયાદ નોંધાવી શકે છે. ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ માટે હોટેલના ૨૦,૦૦૦ રૂમ શૅલ્ટર હોમ તરીકે ખોલ્યા છે. સ્પેનમાં મહિલાઓ કોડવર્ડમાં પોલીસને મૅસેજ કરીને ફરિયાદ નોંધાવી શકે છે અને તાળાબંધીની સ્થિતિમાં જો કોઈ મહિલા બહાર નીકળે તો એને દંડ ભરવો પડતો નથી. ઇટાલીમાં પણ મહિલાઓ માટે આવી એક એપ બનાવવામાં આવી છે, જેના માધ્યમથી હિંસાપીડિત મહિલાઓ મદદ મેળવી શકે છે. ઑસ્ટ્રેલિયામાં હિંસાપીડિત મહિલાઓને ટેકો કરવા માટે ૧૦ કરોડ અમેરિકન ડૉલરનું ખાસ ફંડ બનાવવામાં આવ્યું. ભારતમાં પણ રાષ્ટ્રીય મહિલા આયોગ અને કેરળ રાજ્ય સરકાર દ્વારા એક વોટ્સએપ નંબર લૉન્ચ કરવામાં આવ્યો છે, જેમાં પીડિત મહિલાઓ પોતાની ફરિયાદ નોધાવી શકે છે.

જુદી જુદી સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રયાસોની તો વાત થઇ, પણ વ્યક્તિગત સ્તર પર આપણે અને સરકાર પણ આ પરિસ્થિતિમાં અમુક પગલાં લઇ શકે.

આપણે શું કરી શકીએ?

– આપણી આજુબાજુ ધ્યાન રાખીએ કે કોઈ સ્ત્રી ઘરેલુ હિંસાની શિકાર તો નથી થતી ને? આપણે જેમને જાણતાં હોઈએ તેમને વારંવાર ફોન કરીને તેમનાં ખબરઅંતર પૂછતા રહીએ.

– ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્ત્રી સંગઠનોની સભ્ય સ્ત્રીઓ એકબીજાં સાથે નિયમિત ફોન પર વાત કરી મનને હળવું કરી શકે.

– વ્યક્તિગત રીતે મિત્ર, પાડોશી, સહકર્મચારીઓ અને સબંધીને ધ્યાનમાં રાખો, જ્યાં ખૂબ વિકટ પરિસ્થતિમાં જઈ શકાય.

સરકાર શું કરી શકે?

– કોવિદ-૧૯ માટે લોકજાગૃતિના પ્રયત્નોની સાથે સાથે સ્ત્રીઓ પર થતી હિંસા અંગે પણ સમાજમાં જાગૃતિ આવે, તે ઉપરાંત સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલ કાયદા, હૅલ્પલાઈન, યોજનાઓ અંગે પણ અલગ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે.

– હિંસાપીડિત સ્ત્રીઓને રહેવા માટે જેટલાં શૅલ્ટર હોમ છે એની ઉપરાંત જ્યાં જ્યાં જરૂર છે ત્યાં નવાં શેલ્ટર હોમ શરૂ કરીને વધુમાં વધુ સ્ત્રીઓ સુધી એની જાણકારી પહોચાડવામાં આવે.

– આશાવર્કર અને આંગણવાડી વર્કર પોતાના વિસ્તારમાં કે ગામડાંમાં જાય ત્યારે સ્ત્રીઓ સાથે અંગત રીતે વાતચીત કરીને, તેમને હિંસામાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ શકે.

– કોરોના મહામારીના ડર, હિંસા, ચિંતા અને તનાવને કારણે સ્ત્રીઓ માનસિક સંતુલન ગુમાવી બેસે છે, ત્યારે માનસિક પરામર્શ માટેની વ્યવસ્થાઓ કરી સ્ત્રીઓને એમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરી શકાય.

– હિંસાપીડિત મહિલા હિંસાથી બચવા તાળાબંધીનો ભંગ કરે તો તેમની પર કોઈ પણ પ્રકારના પગલાં લેવાવાં જોઈએ નહીં.

– રાશનની દુકાનથી રાશન લેવા અને બેન્કમાંથી રૂપિયા મેળવવાની લાંબી લાઇનને અટકાવવા માટે કૂપન સિસ્ટમ અથવા નંબર પ્રમાણે ફોન કરી જાણ કરીને બોલાવવામાં આવે, જેથી એમનો સમય, શ્રમ બચે ઉપરાંત કોરોના વાઇરસના ચેપથી બચી પણ શકે.

[એક્શન એઇડ, ગુજરાત]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 09 મે 2020

Loading

...102030...2,4402,4412,4422,443...2,4502,4602,470...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved