Opinion Magazine
Number of visits: 9682668
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તરદાયિત્વ નહીં, નકરું ભાષણદાયિત્વ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|13 May 2020

દરેક વખતે વડાપ્રધાનના નક્કરતા કે ઠોસ મુદ્દા વગરના ‘વાયુ’પ્રવચન પછી એકની એક વાત લખવાનો કંટાળો આવે છે, પણ દરેક વખતે તે બાળબોધી તુકબંધીઓ ને ચિંતનિયા લેખો જેવો શબ્દાડંબર અચૂકપણે ઠાલવે છે. એટલું જ નહીં, ઉલ્લેખવા જરૂરી એવા મુદ્દા ધરાર ગુપચાવે છે. સામસામા છેડે રહીને પણ એક બાબતમાં તેમના પ્રેમીઓ અને ટીકાકારો સંમત છેઃ વડાપ્રધાનનાં આવાં સંબોધનો પ્રેરણાદાયી પ્રવચન જેવાં હોય છે — મુગ્ધોને તે ‘સ્વીટ નથિંગ’નો (ઠાલેઠાલો ગળપણનો) અહેસાસ કરાવનારાં લાગે છે, જ્યારે તેમની કામગીરીના વિશ્લેષકો-ટીકાકારોને તે પોલાં ને સામગ્રીમાં બજારુ ઇન્સ્પિરેશનલ-પૉઝિટિવ થિંકિંગની રેંકડી જેવાં.

આ માણસ, જે ભારતના વડાપ્રધાન છે, તેમનો લોકોની સામાન્ય બુદ્ધિ વિશે કેવો નીચો અભિપ્રાય છે, એ તેમનાં આવાં દરેક પ્રવચનમાં ઝળકે છે. લૉક ડાઉનના દોઢ-બે મહિના પછી પણ, સરકારના કુશાસન-મિસમૅનેજમૅન્ટને લીધે ઊભી થયેલી શ્રમિકોની સમસ્યા ઉકલી નથી. પરંતુ ‘વીર બાલ્કનીવાળા’ વડાપ્રધાનનાં આયોજનોમાં તો ઠીક, વિચારોમાં ને ભાષણમાં પણ શ્રમિકોની પીડાને સ્થાન મળતું નથી. દેશદુનિયા જ્યારે આરોગ્ય અને અર્થતંત્રની બેવડી કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં હોય, ત્યારે વડાપ્રધાન આવે અને બુઢ્ઢીના બાલ જેવી ગળચટ્ટી વાતોનો ખડકલો કરીને, કામની એકેય વિગત આપ્યા વિના જતા રહે ત્યારે વધુ એક વાર સ્પષ્ટ થઈ જવું જોઈએ કે કરોડો લોકોની સમસ્યા તેઓશ્રી માટે પોતાની ઇમેજના મૅનેજમૅન્ટથી વિશેષ હોય એવું લાગતું નથી. તેમણે કહી તો દીધું કે જી.ડી.પી.ના દસ ટકા એટલે કે રૂ. વીસ લાખ કરોડનું આર્થિક પૅકેજ અપાશે. તેમાં અગાઉ જાહેર થયેલું પૅકેજ ગણાશે કે નહીં, બજેટમાં ઑલરેડી જાહેર કરાયેલી રકમોને નામ બદલીને નવાં મથાળાં સાથે આ પૅકેજમાં સામેલ કરાશે કે નહીં, પૅકેજના મુખ્ય લાભાર્થીઓ રાબેતા મુજબ વેપારધંધાવાળા જ હશે? દેશના અર્થતંત્રને પાટે ચડાવવાના અને તેની પર વિકાસના એન્જિનને દોડતું કરવાના મહાકાર્યમાં ભોગ શ્રમિકોએ જ આપવાનો આવશે? બીજા શબ્દોમાં, શ્રમિકોને તો એ પાટા પર અને એ એન્જિન નીચે જ સુવાનું આવશે? મજૂરોના હિતરક્ષણને લગતા કાયદાઓને રાજ્યો અર્થતંત્ર માટે અવરોધરૂપ ગણીને જે રીતે અભરાઈ પર ચઢાવી રહ્યાં છે, એ જોતાં તો એવું જ લાગે છે.

વડાપ્રધાને ચોથું લૉકડાઉન હળવું થવાનો સંકેત આપ્યો છે. (હા ભાઈ, એ તો કવિ છે. એ સંકેત જ આપે. તમારે ઉકેલી લેવાના) ત્યારે બીજો મોટો મુદ્દો રાજ્યોને વધુ સ્વાયત્તતા આપવાનો છે. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં એક માણસ ઉપરથી બધા માટે એક જ પ્રકારનાં પગલાં નક્કી કરી નાખે તે યોગ્ય તો નથી જ, વ્યવહારમાં પણ નુકસાનકર્તા છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020

કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

વડાપ્રધાનનું વાયુપ્રવચન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 May 2020

ત્રીજા તબક્કાના લૉક ડાઉનને પૂર્ણ થવામાં હજુ પાંચ દિવસ બાકી હતા અને આપણા વોકલ વડાપ્રધાન તમામ દેશવાસીઓને આદરપૂર્વક નમસ્કાર કરવા આવી પહોંચ્યા. આટલી ઉતાવળ શીદને હતી એ તો અયોધ્યાના રામ પણ જાણતા નહીં હોય! જો ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ લૉક ડાઉનની જેમ તરતોતરત લાગુ પાડવાનું હોત તો આ અધીરાઈ સમજાત, પણ એ તો એમણે તબક્કાવાર વિત્તમંત્રીને જાહેર કરવાનું સોંપ્યું છે. તો પછી પાંચ દિવસ વહેલાં, ૧૨મી મેની રાત્રે, આવવાનું પ્રયોજન શું હતું ?

દુનિયાનાં મોટાં મોટાં અર્થતંત્ર હચમચી ગયાનું જણાવીને, વડાપ્રધાને એકવીસમી સદી ભારતની છે એવી આત્મસંતુષ્ટિ ભલે લીધી, પણ એ વાસ્તવિકતા નથી. કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે, તો ભારત અગિયારમા ક્રમે છે. કોરોનાગ્રસ્ત દેશોમાં એશિયાઈરાષ્ટ્ર જાપાને સૌથી મોટું, જી.ડી.પી.ના ૨૧.૧ ટકાનું આર્થિક પૅકેજ જાહેર કર્યું હતું. યાદ રહે, જાપાન અસરગ્રસ્ત દેશોમાં ટોચના સ્થાને નથી. ભારતે જી.ડી.પી.ના ૧૦ ટકા જેટલું આર્થિક પૅકેજ જાહેર કર્યું છે, જેમાં તેનો ક્રમ દુનિયામાં પાંચમો છે. એટલે બીજાં મોટાં અર્થતંત્રો હચમચી ગયાં છે અને ભારત સલામત છે, એમ કહેવું સાચું નથી. પોતાનાં ગુણગાન ગાવામાં પાવરધા પ્રધાનમંત્રી કોરોનાકાળમાં પી.પી.ઈ. કીટ અને એન-૯૫ માસ્કનું દેશમાં પ્રથમ વાર રેકોર્ડ ઉત્પાદન થયાનું તો જણાવે છે (જે સાચું નથી), પરંતુ કોવિડ-૧૯ સામે લડવા અનિવાર્ય એવી ટેસ્ટિંગ કીટ આપણી પાસે નથી અને જે ચીન પાસેથી મંગાવી હતી તે સબસ્ટાન્ડર્ડ હતી તેનું શું, તે સવાલ ગુપચાવી જાય છે.

આ દિવસોમાં ભારતમાં કોરોનાસંકટ કરતાં વધુ મોટું સંકટ સ્થળાંતરિત કામદારોનું છે. ”છેલ્લાં છ વરસમાં જે સુધારા થયા તેના કારણે આજે સંકટના સમયે ભારતની વ્યવસ્થાઓ વધુ સક્ષમ, વધુ શક્તિશાળી જોવા મળી છે”, એ વાત આ કામદારોના સંદર્ભે નકરું જૂઠ છે. વડાપ્રધાનને ગરીબ કામદારો  પ્રત્યે કેવી હમદર્દી કે સંવેદના છે તેની પ્રતીતિ કામદારો માટે પ્રયોજેલા તપ, ત્યાગ, સંયમ જેવા શબ્દોથી થાય છે. અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફાઈ કામદારોને તેમના કામમાંથી આધ્યાત્મિક આનંદ મળતો હોવાનું કહેનાર નરેન્દ્ર મોદી સ્થળાંતરિત મજૂરોનું સંકટ તેમની અને તેમની સરકારની ઘોર નિષ્ફળતા છે તે સ્વીકારવાને બદલે કાં તો તેને મનુષ્ય સ્વભાવ ગણે છે કે પછી તપ, ત્યાગ, સંયમ કહીને બિરદાવે છે.

વર્ણસગાઈનું વડાપ્રધાનને કે તેમના પ્રવચન લખતા લહિયાઓને એવું ઘેલું છે કે તેમનાં સઘળાં પ્રવચનો તેનાથી ભરેલાં હોય છે. આર્થિક પૅકેજને તે લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લૉ ગણાવે છે, પરંતુ લેન્ડ કહેતાં જમીનો કાં ભૂમિપતિઓ કાં ઉદ્યોગપતિઓના હવાલે કરી છે અને ભૂમિહીનોને જમીનો મળે તેવું સ્વપ્ને પણ વિચારતા નથી. લો કહેતા શ્રમિક કાયદામાં શ્રમિકોનું શોષણ કરતાં સુધારા કરે છે. લિક્વિડિટી કોના ફાયદામાં હશે તે ઉઘાડું સત્ય છે અને લેબર તો બિચારો મરવા પડ્યો છે. ‘એષા પંથાઃ” અર્થાત્‌ રસ્તો તો એ જ છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર નાગરિક બનાવવાની જરૂર છે — નહીં કે સત્તાપક્ષના સમર્થકોની.

જે આપણા વશમાં છે, નિયંત્રણમાં છે, કાબૂમાં છે તે જ સુખ છે — એ મતલબની સંસ્કૃત ઉક્તિ સાથે સમાપ્ત થયેલા વડાપ્રધાનના વાયુપ્રવચન અંગે એટલું જ કહેવાનું કે ભારતનો મતદાર આજે ભલે સુખ માટે વડાપ્રધાન અને તેમની સરકાર પર નિર્ભર છે. તે મતદાર તરીકે જો આત્મનિર્ભર બનશે અને તેમના સુખ હણનારને ઓળખતો થશે તો કોઈનું ય સત્તાસુખ ઝાઝું ટકશે નહીં, તે સમજી લેવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020

Loading

ગાંધીજીની કલમે ફ્લૉરેન્સ નાઇટિંગેલનું સેવાકાર્ય

કિરણ કાપુરે|Opinion - Opinion|13 May 2020

નર્સિંગની નાયિકા ફ્લૉરેન્સ નાઇટિંગેલની જન્મ દ્વિશતાબ્દી

નર્સિગનાં સેવાક્ષેત્રનો મહામૂલો વારસો આપી જનાર ફ્લૉરેન્સ નાઇટિંગલ(12 મે, 1820)નાં જન્મને બસો વર્ષ થયાં છે. ફ્લૉરેન્સનો જન્મદિન ‘ઇન્ટરનેશનલ નર્સિસ ડે’ તરીકે ઉજવાય છે. નર્સિંગના ક્ષેત્રમાં તેમણે કરેલાં કાર્યની નોંધ ગાંધીજીએ પણ લીધી હતી. ગાંધીજીનાં શબ્દોમાં વાંચીએ ફ્લૉરેન્સનું સેવાકાર્ય ….

“… 1851ની સાલમાં જ્યારે ક્રિમિયાની ભારે લડાઈ થઈ ત્યારે બ્રિટિશ સરકાર ધારા મુજબ ઊંઘતી હતી. કંઈ તૈયારી ન હતી. અને જેમ બોઅરની લડાઈમાં થયું તેમ ક્રિમિયાની લડાઈમાં પણ શરૂઆતમાં ભૂલો કરી સજ્જડ હાર ખાધેલી. આજે જેટલાં સાધનો જખમી માણસોની સારવાર કરવાનાં છે તેટલાં આજથી 50 વર્ષ ઉપર ન હતાં. આજે જેટલા માણસો મદદ કરવા નીકળે છે તેટલા તે વખતે ન હતા. શસ્ત્રવિદ્યાનું જોર આજ છે તેટલું તે વખતે ન હતું. ઘાયલ માણસોને મદદ કરવા જવામાં પુણ્ય છે, તે દયાનું કામ છે, એવું સમજનારા તે વેળા થોડા માણસ હતા. એવે વખતે આ બાઈ ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! સોલ્જરો દુઃખી થાય છે એ તેણે જાણ્યું; ત્યારે તેનું હૃદય ભેદાયું.

પોતે મોટા કુળની પૈસાદાર બાઈ હતી. પોતાના એશઆરામ છોડી પોતે દરદીઓની સારવાર કરવા ચાલી નીકળી પડી. તેની પછવાડે બીજી ઘણી બાઈઓ ગઈ. પોતે 1854ના ઑક્ટોબરની 21મી તારીખે નીકળી પડી. ઇંકરમેનની લડાઈમાં તેણે સજ્જડ મદદ કરી. આ વખતે જખમીઓને ન હતાં બિછાનાં, કે ન હતી બીજી સગવડો. આ એક બાઈની દેખરેખ નીચે 10,000 જખમીઓ હતા. તે બાઈ પહોંચી તે વખતે મરણની સંખ્યા સેંકડે 42ની હતી, તેણીના જવા પછી એકદમ 31 ઉપર આવી, ને છેવટે તે સેંકડે 5 સુધી સંખ્યા આવી. આ ચમત્કારી બનાવ છે છતાં સહેજે સમજી શકાય એવો છે. આટલા હજારો ઘાયલ થયેલા માણસોને લોહી ચાલતું અટકાવવામાં આવે, જખમ બાંધવામાં આવે, અને જોઈતો ખોરાક આપવામાં આવે, તો બેશક જાન બચે. માત્ર દયાની અને સારવારની જરૂર હતી તે નાઇટિંગેલે પૂરી પાડી.

એમ કહેવાય છે કે મોટા ને મજબૂત માણસો કામ ન કરી શકે તેટલું નાઇટિંગેલ કરતી. પોતે દહાડોરાત મળી 20 કલાક સુધી કામ કરતી. જ્યારે તેની નીચેની બાઈઓ સૂઈ જતી ત્યારે પોતે એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી. નાઇટિંગલ જ્યાં લડાઈ ચાલતી હતી ત્યાં જતાં પણ ડરતી નહીં, ને જોખમમાં શું છે તે સમજી ન હતી. ભય માત્ર ખુદાનો રાખતી. જ્યારેત્યારે પણ મરવું છે એમ સમજી દુઃખ ઓછું કરવાને ખાતર જે ઈજા ઉઠાવવી પડે તે ઉઠાડતી.

આ બાઈ કદી પરણી ન હતી. પોતાની જિંદગી આવાં સારાં કામોમાં ગાળી. જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોકે રડેલા એમ કહેવાય છે. આવી બાઈઓ જ્યાં પેદા થાય તે દેશ કેમ આબાદ ન હોય!

[इन्डियन ओपीनियन, 9-9-1905માંથી સંપાદિત]

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...2,4312,4322,4332,434...2,4402,4502,460...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved