Opinion Magazine
Number of visits: 9575429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના-કટોકટી અને સર્વોચ્ચ અદાલતની નિષ્ફળતા

યોગેશ પ્રતાપ સિંહ લોકેન્દ્ર મલિક|Opinion - Opinion|28 May 2020

ન્યાયની પ્રક્રિયા અને કાયદાની પ્રણાલી પ્રત્યે લોકોને અને તેની સાથે સંકળાયેલા વ્યાવસાયિકોને કાયમ અસંતોષ રહે છે. એ પણ ખરું કે સંકટ સમયે જ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાની કસોટી થાય છે. જીવન અને સ્વતંત્રતાની બંધારણીય ખાતરીને અભરાઈએ ચડાવતી ૧૯૭૫ની કટોકટીના કાળે સર્વોચ્ચ અદાલતની વિશ્વસનીયતાની કસોટી થઈ હતી. હેબિયર્સ કોપર્સ (કેદીને સદેહે અદાલત સમક્ષ હાજર કરવાની જોગવાઈ) નકારીને તે સમયની સર્વોચ્ચ અદાલતે પોતાની નિષ્ફળતા દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટની આ નિષ્ફળતાને કારણે તે સમયની સરકારે હજારો લોકોને ગેરકાયદે જેલમાં ગોંધી રાખ્યા. ‘ન્યૂ યોર્ક ટાઈમ્સે’ આ ઘટનાને ભારતની બેફામ બનેલી સરકાર સમક્ષ સર્વોચ્ચ અદાલતનું સંપૂર્ણ સમર્પણ ગણાવ્યું હતું.

તેમ છતાં લોકતંત્ર બચી ગયું અને તે સમયના ન્યાયાધીશોએ પછીથી માફી પણ માગી હતી. જસ્ટિસ પી.એન. ભગવતીએ ૩૫ વરસ પછી કહ્યું હતું, “એ સમયે હું ખોટો હતો. બહુમતીએ લેવાયેલો નિર્ણય જ સાચો નિર્ણય નથી હોતો. જો હું ફરી વાર ચુકાદો આપી શકતો હોત તો હું જસ્ટિસ એચ.આર. ખન્નાના નિર્ણય સાથે સહમત થયો હોત. મને એ ચુકાદા માટે ખેદ છે.” આ કલંક મિટાવવા માટે સુપ્રીમ કોર્ટે ન્યાયિક સક્રિયતાના નવા ચરણનો આરંભ કરીને અભણ, નબળા અને વંચિતોના લાભાર્થે અવિશ્વસનીય કામ કર્યું. સર્વોચ્ચ અદાલતે બંધારણીય સંસ્થા પરનો લોકોનો ભરોસો કાયમ કર્યો, એટલું જ નહીં તેને જનઅદાલત બનાવી ! સર્વોચ્ચ અદાલતે સામાન્ય માનવીના હિતમાં અને તેની  ગરિમા સ્થાપિત કરતા ઘણા ઉમદા ચુકાદા આપ્યા.

પરંતુ ફરી એક વાર સંકટનો સમય આવી ગયો છે. આજની સ્થિતિ કટોકટીથી જરા ય ઓછી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટ એક વખત ફરી તેનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ નીવડી છે. તેણે અઘોષિત કટોકટીના નામે સરકારને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે રામમંદિર, રાફેલ કેસ,  જજ લોયાનું મૃત્યુ જેવા ઘણા ચુકાદા દ્વારા સરકારની મદદ કરી હોવાની સામાન્ય માન્યતા ઊભી થઈ છે. જમ્મુ-કશ્મીરની બંધારણીય સ્થિતિ બદલી નાખતી ૩૭૦મી કલમના કેટલાક હિસ્સાની નાબૂદી અંગેના સરકારના નિર્ણયની બંધારણીય અને કાયદાકીય સમીક્ષા કરવાથી પણ સુપ્રીમ કોર્ટ દૂર રહી છે. આઘાતજનક બાબત તો એ પણ છે કે જમ્મુ-કશ્મીરના લોકોનાં જીવન અને સ્વતંત્રતા ખતરામાં હોવા સંબંધી હેબિયર્સ કોપર્સ અરજીઓ તરફ પણ કોર્ટે ધ્યાન આપ્યું નથી અને આ કેસોને ગંભીર ત્રુટિઓ ધરાવતા તથા નિરર્થક ગણાવીને પરત કરી દીધા છે. એટલું જ નહીં, જ્યારે સરકારે જમ્મુ-કશ્મીરમાં લદાયેલા પ્રતિબંધો જલદીમાં જલદી ઘટાડી દેવામાં આવશે એમ કહ્યું, ત્યારે કોર્ટે સરકારને પરિસ્થિતિની સમીક્ષા માટે વધારે સમય આપવાનો આદેશ કર્યો હતો. નાગરિકની સ્વતંત્રતાના મામલે સુપ્રીમ કોર્ટનું આ વલણ યોગ્ય નહોતું.

જો કે હજુ એનાથી પણ કપરો કાળ આવવાનો બાકી છે. ‘કોર્ટ સરકારને આદેશ આપે કે તમામ જિલ્લા કલેકટરો પરપ્રાંતીય સ્થળાંતરિત મજૂરોની ઓળખ કરીને તેમને ભોજન, અને આશ્રય આપે તથા તેમને તેમના રાજ્યમાં સરકારના ખર્ચે પહોંચાડે’ — તેવી માગ કરતી રિટ જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ કૌલ અને જસ્ટિસ ગવઈની બેન્ચે ફગાવી દીધી હતી. આ ચુકાદો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બે જુદી જુદી દુર્ઘટનાઓમાં ૧૪ પરપ્રાંતીય કામદારોનાં મોત અને ૬૦ કરતાં વધુના ઘાયલ થયાના એક દિવસ પછી આવ્યો હતો.

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસનો મુકાબલો કરવા ચાર કલાકની ટૂંકી નોટિસ પર અભૂતપૂર્વ લૉક ડાઉન લાગુ પાડ્યું હતું. આ નિર્ણય કરીને સરકારે લાખો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. લોકો ખાસ કટોકટીની સ્થિતિ સિવાય જ્યાં છે ત્યાં જ રહે, તેવી ન તો સલાહ આપવામાં આવી કે ન એ લોકો માટે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી. સરકારોએ સ્થળાંતરિત મજૂરોના રહેવા-ખાવાની વ્યવસ્થાનાં વચનો તો આપ્યાં, પણ વાસ્તવમાં તેનો અમલ ન કર્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પરપ્રાંતીય શ્રમિકોના મુદ્દે તાલમેળ નહોતો. આખરે, લોકોએ ભૂખથી છૂટકારો મેળવવા માટેના પ્રયાસ આદર્યા. લૉક ડાઉન એક સરકારી કાર્યવાહી હતી, જેણે આમ આદમીની રોજીને સીધી અસર કરી. સુપ્રીમ કોર્ટની રોજગારના અધિકાર સંબંધી અનુચ્છેદ ૨૧ અંગેની સૌથી ચર્ચિત વ્યાખ્યા એ છે કે જીવનના અધિકારમાં કેવળ શારીરિક અસ્તિત્વનો અધિકાર જ સામેલ નથી, આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર પણ સામેલ છે. માનવ ગરિમાના ન્યાયશાસ્ત્રમાં રોજી, રહેઠાણ અને સ્વસ્થ વાતાવરણનો અધિકાર પણ સામેલ છે. એટલે કોઈ વ્યક્તિને આજીવિકાના અધિકારથી વંચિત કરવાનો મતલબ તેને જીવનના અધિકારથી વંચિત કરવાનો છે. (ઓલ્ગા ટેનિસ વિરુદ્ધ બૉમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૯૮૫ અને ડી.ટી.સી વિરુદ્ધ મજદૂર કૉન્ગ્રેસ) સુપ્રીમ કોર્ટે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે ન્યાયતંત્ર રાજ્ય સરકારના કામની તપાસ કરવા અને તેને બંધારણીય જોગવાઈઓ મુજબ રાખવા બંધાયેલું છે.

ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવના નેતૃત્વ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે કામદારોને રેલવેના પાટા પર સૂતા કોઈ કઈ રીતે અટકાવી શકે? લોકો રસ્તે જઈ રહ્યા છે અને જવાનું અટકતું નથી. તેને કઈ રીતે રોકી શકાય? ત્યાર પહેલાં, સરકાર પરપ્રાંતીય સ્થળાંતરિત શ્રમિકોને લઘુતમ વેતન ચુકવે તેવી માગણી કરતી એક જાહેર હિતની અરજી પર ૧લી એપ્રિલ ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “સરકાર ખાવાનું આપી રહી છે, તો પછી મજૂરી આપવાની જરૂર શી છે?” “રસ્તા પર કોણ ચાલી રહ્યું છે અને કોણ નહીં, એની તપાસ કરવાનું અદાલત માટે શક્ય નથી.” સુપ્રીમ કોર્ટનો અસહાય સ્થળાંતરિત શ્રમિકો પ્રત્યેનો દષ્ટિકોણ નિરાશાજનક અને સ્થાપિત ન્યાયશાસ્ત્રની વિરુદ્ધ છે.

આ બાબતે ઇન્દિરા ગાંધીની નિરંકુશ કટોકટીની પીડાને તાજી કરી દીધી છે. ૩.૩ કરોડ કેસોના બૅકલોગ સાથે વધતા પડતર કેસો, સરકાર કે વહીવટી તંત્રના દબાણ હેઠળ થતી ન્યાયતંત્રની નિમણૂકો, સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચારના આરોપ, નિમણૂકો સહિતના મામલાઓમાં વરિષ્ઠ ન્યાયાધીશો વચ્ચેના મતભેદ, (તત્કાલીન) ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા વિરુદ્ધ કહેવાતા જાતીય શોષણના આરોપ, સરકારની પ્રશંસા કરનારા ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટનું સતત સરકાર સાથે હોવાનું વલણ હવે સામાન્ય બની રહ્યું હતું. તે પરપ્રાંતીય શ્રમિકો પ્રત્યેના વલણ પછી ખતરનાક સ્તરે પહોંચ્યું છે. જનતાની અદાલત તરીકેની સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. એવી આશંકા જન્મે છે કે હાલની ન્યાય તંત્રની પડતી વધારે ગહન અને દીર્ઘ હોઈ શકે છે. એટલું જ નહીં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા બહુ ઓછી છે.     

[સૌજન્ય લાઈવ લૉ, અનુવાદઃ ચંદુ મહેરિયા]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020

Loading

પર્યાવરણની જાળવણીને લગતી જોગવાઈઓમાં સૂચિત ફેરફારો

પાર્થ|Opinion - Opinion|27 May 2020

કોરોના સામે દુનિયાભરની સરકારોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તે કેટલી અસરકારક છે અથવા નથી, તેના કેટલાક પરિણામો પણ સામે આવવા લાગ્યાં છે. ભારતમાં લૉક ડાઉનની તકલીફો સાથે હજારો સ્થળાંતરિત મજૂરોની આપદા જોવા મળી, જે હજુ ચાલુ છે. દુનિયાભરના અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ પર હિંસાનું પ્રમાણ વધ્યું છે, બજાર અને અર્થતંત્રો આવતા બે-ત્રણ વર્ષમાં બેઠા થશે કે નહીં તેને અંગે અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારની તૈયારીઓમાં ગંભીર ઊણપો સામે આવી રહી છે. લૉક ડાઉનનો એક હેતુ એ પણ હતો કે લોકો પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે અથવા બંધ કરે, ત્યારે સરકાર જાહેર સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાઓ અસરકારક બનાવવામાં પોતાની શક્તિ લગાવે. પણ તેમાં કેટલાક અપવાદો બાદ કરતાં કેન્દ્ર અને મોટા ભાગની રાજ્ય સરકારો પૂરતી ગંભીરતા સાથે આ અંગે કામ કરતી હોય તેવું લાગતું નથી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ એટલી ઝડપી બની રહી છે કે, ભય અને અનિશ્ચિતતાનાં આ વાતાવરણમાં આપણું પૂરતું ધ્યાન તે તરફ જતું નથી. તેમાંનો એક મહત્ત્વનો મુદ્દો છે પર્યાવરણ અને તેને લગતી નીતિમાં ફેરફારની હિલચાલ.

પર્યાવરણ ક્ષેત્રે એનવાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) મહત્ત્વનું અને અત્યંત જરૂરી મનાયું છે. આ અંતર્ગત પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થતાં પહેલાં તેના કારણે પર્યાવરણ (પ્રકૃતિ અને આસપાસના લોકો અને વિસ્તાર) પર શું અસર થશે તે અંગે અભ્યાસ કરવામાં આવે છે. આ અંગેનો અહેવાલ લોકોને બતાવવો અને તેમનાં સલાહસૂચનો ધ્યાનમાં લેવાં જરૂરી મનાયાં છે. અસરગ્રસ્ત લોકો વચ્ચે જાહેર સુનાવણીનું આયોજન પણ કરવાનું હોય છે. ત્યાર પછી પ્રોજેક્ટનું કામ શરૂ કરી શકાય અથવા જો લોકો-પર્યાવરણને થતું નુકસાન વધુ હોય તો પ્રોજેક્ટને મંજૂરી ન પણ મળે તેવી જોગવાઈ હતી. માર્ચ, ૨૦૨૦માં સરકારે આ અંગે નવી રૂપરેખા જાહેર કરી છે. લૉક ડાઉનના દિવસોમાં સરકારે એનવાયર્ન્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટના નવા જાહેરનામા પર લોકોને ટિપ્પણીઓ મોકલાવવા કહ્યું. ખેડૂતો અને આદિવાસીઓ જેને આનાથી સૌથી વધુ અસર થવાની તે પોતાની વાત કઈ રીતે રજૂ કરી શકે?

વળી સરકારે નવી રૂપરેખામાં નિર્ણયપ્રક્રિયામાં લોકભાગીદારી ઓછી કરવા સાથે મોટા પ્રોજેક્ટ માટે પર્યાવરણ જાળવણીની વાત બાજુ પર મુકવા પ્રયત્ન કર્યા છે. આ અંગેની કેટલીક ચિંતાજનક સૂચિત જોગવાઈઓ નીચે મુજબ છે.

• જાહેર સુનાવણી દરમિયાન લોકોએ પોતાની વાત રજૂ કરવા માટેની મુદત 30 દિવસથી ઘટાડીને 20 દિવસની કરવામાં આવી છે.

• 2006ની સૂચના હેઠળ જાહેર સુનાવણી 45 દિવસને બદલે હવે 40 દિવસમાં પૂર્ણ કરવાનું સૂચવાયું છે. આ સમયગાળો ઘટાડવાનું મુખ્ય કારણ એ છે કે નવાં રોકાણો માટે EIAની પ્રક્રિયાને એક રીતે ઔપચારિક અને ‘સરળ’ બનાવી દેવી. જાહેર સુનાવણીનો સમય ઘટશે તો પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત લોકોને મંતવ્યો, ટિપ્પણીઓ અને સૂચનો તૈયાર કરવા પૂરતો સમય મળશે નહીં.

• પ્રોજેક્ટ બન્યા બાદ દર છ મહિને એક રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે, જેમાં દર્શાવવામાં આવે છે કે જે શરતોને આધારે પ્રોજેક્ટને પરવાનગી આપવામાં આવી છે તે મુજબ તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે કે નહીં. નવા ડ્રાફ્ટ મુજબ, દર વર્ષે ફક્ત એક જ વાર રિપોર્ટ સબમિટ કરવો જરૂરી બનાવે છે. (આ જોગવાઈ પ્રક્રિયાની અસરકારકતા ઘટાડે છે. સાથે લાંબા ગાળે શક્ય છે કે પર્યાવરણમાં એવું નુકસાન થાય કે જેને સરભર કરવું શક્ય ન હોય.)

• નવા ડ્રાફ્ટમાં એવા પ્રોજેક્ટ અથવા પ્રવૃત્તિઓની સંખ્યામાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જેને હવે EIA પ્રક્રિયા કરવાની જરૂર નથી. ઘણા પ્રોજેક્ટને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેથી હવે તેમને પર્યાવરણ કે સંબંધિત વિસ્તારના લોકો પર પ્રોજેક્ટનાં વિપરીત પરિણામોના કોઈ અભ્યાસ કરવાની જરૂર ન રહે.

એનવાયર્ન્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ૨૦૦૬ની જોગવાઈઓમાં સરકારે માત્ર ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને સુધારા કર્યા હોય તેવું લાગે. તેની પર્યાવરણ કે લોકો ઉપર પડનારી વિપરીત અસરો અંગે ખાસ કશું વિચારાયું લાગતું નથી. લૉક ડાઉનના સમયમાં આ પ્રક્રિયા ચલાવીને સરકાર લોકોને પોતાની વાત મુકવાની તક માર્યાદિત કરી રહી છે, તો બીજી તરફ મોટા પ્રોજેક્ટ અંગેની નિર્ણય પ્રક્રિયામાં લોકોની ભાગીદારી ઘટાડી રહી છે. ભારતના સંદર્ભમાં આ કાયદાકીય અને નીતિગત ફેરફારો અને તેની અસરો કોરોના પછી પણ ભારતીય લોકતંત્ર અને સમાજ પર તેની અસરો લાંબા સમય સુધી રહેશે. જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ વિકસાવવા અને જાળવવા માટે સરકારના હાથમાં વધુ સત્તા આવે તે આ સમયની જરૂરિયાત છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ જરૂરિયાત મુજબ, કોઈ ભેદભાવ વિના અને નિશ્ચિત સમય પૂરતો મર્યાદિત રહે તે નિશ્ચિત કરવું જરૂરી છે.

આ ઉપરાંત પ્રશ્નો અને વૈચારિક વિરોધનું દમન પણ ન થવું જોઈએ. લૉક ડાઉન સહિત આ કોરોના કટોકટીમાં જે જરૂરી પગલાં લેવામાં આવે તેમાં માનવાધિકાર અને નાગરિકની પાયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જરૂરી બને છે. કોઈ વ્યક્તિ ભોજન માટે લૉક ડાઉનનો ભંગ કરે તો તેની સામે થતી પોલીસની હિંસક કાર્યવાહી કે કાયદાની પ્રક્રિયા સ્વીકારી શકાય ખરી? સરકાર પોતાની સત્તા માનવીય સંવેદના સાથે ન વાપરે તો, સરકારનાં પગલાંની અસર સમગ્ર સમાજ માટે કોરોના કટોકટી પછી પણ લાંબા સમય સુધી ભોગવવાની આવશે. આ સમય પસાર થઈ ગયા પછી સરકારનાં પગલાંનું મૂલ્યાંકન અને સમીક્ષા કરીને પોતાના અધિકારો સુનિશ્ચિત કરવા, કામોનો હિસાબ માગવા અને લોકવિરોધી નીતિઓ સામે લડત આપવા માટે લોકોએ પણ તૈયાર રહેવું પડશે. કોરોના સામેની લડતમાં જીત્યા પછી બીજી લડત શરૂ.

e.mail : yuvaparth@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

આપણે કશું નહીં કરીએ તો કાયમ માટે કેદ થઈ જઈશું

અરુંધતિ રૉય|Opinion - Opinion|27 May 2020

કોરોના વાઇરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદરૂપી મશીનનું એન્જિન ઠપ કરી દીધું છે.

પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડા સમય માટે પોતાના ઘરોમાં કેદ છે, ત્યારે પૃથ્વી પોતાની હાલત સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા, ત્યારે પણ પૃથ્વી બધું ખમ્યે જતી હતી તે વાસ્તવિકતા અચંબિત કરનારી છે. પરંતુ જે કામ જોરશોરથી ચાલુ છે તેને કેમ કરીને અટકાવીશું? ભારતનો દાખલો લઈએ, થોડા દિવસ પહેલાં વાઘ માટે સુરક્ષિત જંગલ વિસ્તારનો ઘણો મોટો ભાગ કુંભના મેળા જેવા એક વિશાળ ધાર્મિક આયોજન માટે લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો. ત્યાં કરોડો શ્રદ્ધાળુઓ આવશે. આસામમાં હાથીઓ માટેનો સુરક્ષિત જંગલ વિસ્તાર કોલસાના ખોદકામ માટે પસંદ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી હિમાલયના જંગલોની હજારો એકર જમીન જળવિદ્યુત મથક માટે બંધાનારા બંધમાં ડૂબી જશે. આ બધા વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પાછળ રહે? તેમણે ચંદ્ર પર ખોદકામ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે!

જેમ કોરોના વાઇરસ માણસના શરીરમાં દાખલ થઈને અગાઉની બીમારીને વધારી દે છે, તેવી જ રીતે આ વાઇરસે અલગ અલગ રાષ્ટ્રો અને સમાજોમાં દાખલ થઈને તેની નબળાઈઓ અને માંદગીને સામે લાવીને મૂકી દીધી છે. તેણે આપણા સમાજમાં વ્યાપ્ત અન્યાય, સાંપ્રદાયિકતા, રંગભેદ, જાતિવાદ અને સૌથી વધુ તો અસમાનતામાં વધારો કર્યો છે. સત્તાનાં વિવિધ અંગો કે જેમનો આમ તો ગરીબોનાં દુઃખ કે પીડા સાથે કોઈ સંબંધ રહ્યો નથી અને ઝાઝો સમય તેમણે ગરીબોના દાઝ્યા પર ડામ દેવાનું જ કામ કર્યું છે, તેમની સામે આજે એ પ્રશ્ન આવીને ઊભો છે કે આ બીમારી જો ગરીબોમાં ફેલાશે તો તે પૈસાદાર લોકો માટે જોખમી સાબિત થશે. અત્યાર સુધી આ બીમારીના ઉપચાર માટે કોઈ સુરક્ષિત ઉપાય નથી. પરંતુ શક્ય તેટલી ઝડપી કોઈને કોઈ ઉપાય મળી આવશે. જે મોટા ભાગે વેક્સિન સ્વરૂપે હશે. અને હંમેશની જેમ તેનો પહેલો કબજો જેમના હાથમાં સત્તા છે તેમની પાસે જ રહેશે. અને રમત ફરી એક વાર શરૂ થશે — વ્યક્તિ જેટલી વધુ પૈસાદાર તેની જીવવાની સંભાવના એટલી વધારે.

ભારતીય ઉદ્યોગજગત સરકાર પર શ્રમિકોના અધિકારોમાં જે થોડું ઘણું બચ્યું છે તે બદલવા દબાણ કરી રહી છે. જેમાં દિવસના 12 કલાકના કામને મંજૂરી આપવા સહિતની માગણીઓ કેટલાંક રાજ્યોએ સ્વીકારી પણ લીધી છે. રાજસત્તા અને તેનું તંત્ર હાલમાં મહામારીના પ્રકોપથી હલી ગયાં છે. એ તો હંમેશાં વિકાસ અને સંસ્કૃતિના પોતાના ખ્યાલો સાથે વિનાશના પથ પર જ પૂરજોશમાં ગાડી ચલાવી રહ્યાં હતાં. જ્યારે પરમાણુ, રાસાયણિક તેમ જ જૈવિક શસ્ત્રોનો વધુ ને વધુ ઘાતક વિકાસ તેમ જ સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે આ ગાડી બેફામ ગતિએ ચાલે છે અને જ્યારે આખા ને આખા દેશ પર એવા પ્રતિબંધ લદાય છે, જેને લીધે સમસ્ત જનતાને જીવનરક્ષક દવાઓથી વંચિત કરી દેવાય. ત્યારે આ ગતિ તેની ચરમ સીમાએ પહોંચે છે. આ એવી ગતિ છે, જેમાં પ્રકૃતિ-પૃથ્વીના નાશની ઝડપની સામે કોવિડ-૧૯થી થતું નુકસાન તો બાળકોની રમત જેવું લાગે! દુનિયા લૉક ડાઉનમાં રહી ત્યારે આ શતરંજની ચાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. સરમુખત્યાર સરકારો માટે, કોરોના વાઇરસ જાણે ભેટ બનીને  આવ્યો છે.

રોગચાળો ફેલાય એ કોઈ નવી બાબત નથી, પરંતુ ડિજિટલ યુગમાં આવું પહેલી વાર બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય આપદાના સમયમાં સ્થાનિક સરકારો અને આપદાના સમયે ફાયદો ઉઠાવતા મૂડીવાદીઓ તેમ જ ડેટા માઇનર(માહિતી ભેગી કરતાં લોકો-સંસ્થાઓ)ની પોતાના સ્વાર્થ માટે ઊભી થયેલી મિલીભગતના આપણે સાક્ષી બન્યા છીએ. આ બધું ભારતમાં પણ ઘણી ઝડપે થઈ રહ્યું છે. ફેસબુકે ભારતની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની જિઓ સાથે કરાર કર્યો છે, જેમાં તે તેના 40 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓની પાયાની વિગતોની આપ-લે કરી શકશે. બિલ ગેટ્સ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. તેમના આ શિષ્ટાચારની પાછળ નફો મેળવવાની વૃત્તિ હોય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વડાપ્રધાનશ્રીની ભલામણથી અત્યાર સુધીમાં કરોડો લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. (આરોગ્ય માટે કે સરકાર ચાંપતી નજર રાખી શકે તે માટે?) આ સાથે, માટે રહસ્યમય પી.એમ. કેર ફંડ છે, જેનું જાહેર ઓડિટ થવાનું નથી તેમાં એક દિવસનો પગાર જમા કરવાનું ફરજિયાત કરાયું છે.

જો કોરોના પહેલાં આપણે કોઈ વિચાર કર્યા વિના ધીમે ધીમે સર્વેલન્સ (સરકારી દેખરેખ) તરફ આગળ વધી રહ્યા હતા, તો હવે આપણે તેના ડરને કારણે સુપર સર્વેલન્સ તરફ દોડી રહ્યાં છીએ. જ્યાં આપણી પાસેથી આપણી અંગતતા, આપણું ગૌરવ, આપણી સ્વતંત્રતા — આ બધું કોઈ બીજાના કાબૂમાં જશે. આપણા ઉપર નિયંત્રણ કરવાની અને આપણી નાની નાની બાબતો નક્કી કરવાની સત્તા આપણે બીજાના હાથમાં આપવાનું સ્વીકારી રહ્યાં છીએ. લૉક ડાઉન સમાપ્ત થયા પછી પણ જો આપણે ઝડપથી આ અંગે વિચારીને કશું કરીશું નહીં તો, એ નિશ્ચિત છે કે ભવિષ્યમાં આપણે કાયમ માટે કેદ થઈ જઈશું. આ એન્જિનને આપણે કાયમ માટે કેવી રીતે બંધ કે નકામું બનાવી શકીએ? એને વિશે વિચારીને પગલાં ભરવા તે આપણું કામ છે.

[‘પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ’]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

...102030...2,3422,3432,3442,345...2,3502,3602,370...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved