કાળમુખો કહે ભાગ હવે, ને કાળ કહે કે આવ,
બંધ પડી સૌ ચોખટો, તેની કોને કરવી રાવ ?
શહેર સડ્યું છે સન્નાટે, ને બંધ સમયના કપાટો !
પૂર્યા પેટના ખાડા જેણે, એ જ મારતું થપાટો ?
તારા હાથમાં ચાબૂક છે, ને મારે હાથ ચકામા
કામ પત્યું તો કાઢી મૂકયાં સમજીને નકામા !
માંગ્યા પેટે ઠોકે પોલીસ, મળ્યો ડંડાનો માર,
પાપી પેટે ખખડાવ્યું પણ ખૂલ્યું ન એકે દ્વાર !
લઈને માથે, લૂ વરસતું વૈશાખી આ આભ,
નીકળ્યા ખાલી પેટ, પાટા છે કે છે ભાવિનો ગાભ ?
ગતિમાન સૌ ગંઠાયાનો અમ જીવનમાં ખાર,
જીર્ણવસ્ત્રની ફાટી ધાર, ને થયું’તું તારે તાર.
વાટે આવી વૈતરણી તે કોણ કરાવે પાર ?
આવીશ, એવું કહી ગયો ‘તો, આવ્યો ન ધરાર !
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ – 380 001
![]()


ગુજરાતના શિક્ષણ મંત્રીએ 24મેએ ખુદ ફેસબુક પર આવીને, અને અન્ય માધ્યમો દ્વારા, જાહેરાત કરી કે રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા લેવાનાર સ્નાતક અને અનુસ્નાતક સ્તરની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયનો થોડાંક વિદ્યાર્થી સંગઠનો, અધ્યાપક સંગઠનો, સેનેટસભ્યો, આચાર્યો અને અધ્યાપકો દ્વારા વિરોધ થઈ રહ્યો હોવાના સમાચાર વાંચવા મળ્યા છે. વિરોધનાં મુખ્ય અને દેખીતાં કારણો એકંદરે આ મુજબ છેઃ કોરોનાનો ચાલુ રહેલો ફેલાવો, અમદાવાદ-વડોદરા-સુરત જેવાં શહેરોમાં મોતની અને અસરગ્રસ્તોની સંખ્યા, હૉસ્ટેલમાં રહીને શહેરોની કૉલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા, હજારો વિદ્યાર્થીઓને સાંકળતી પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ-કૉન્ટૅક્ટ-ટ્રાન્સમિશનના પ્રશ્નો. આ દરેક પાસાની જટિલતા અને ગંભીરતાનો અંદાજ તેના અંગે અમસ્તો વિચાર કરવાથી પણ આવી શકે.