Opinion Magazine
Number of visits: 9681140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાન્ય બુદ્ધિ સામાન્ય રીતે બધાંમાં સામાન્ય નથી હોતી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2020

એક તરફ ચીન અને ભારત મંત્રણાઓ કરે છે ને બીજી તરફ ચીન ૨૦ હજાર સૈનિકો એલ.એ.સી. પર ગોઠવે છે. પાકિસ્તાન પણ આ તકનો લાભ ઉઠાવીને એલ.ઓ.સી. પર ૨૦.૦૦૦ સૈનિકો ગોઠવીને ભારતની વધુ કસોટી કરવાનો ખેલ પાડી રહ્યું છે. તે જન્મ્યું ત્યારથી મેન્ટલી રિટાર્ડેડ છે. ચીનની એકાએક ૫૯ એપ્લિકેશન્સ બંધ કરીને ભારત, અમેરિકા સહિત ઘણાં રાષ્ટ્રોને ચીનનો વિરોધ કરવાની પ્રેરણા આપે છે તો બીજી તરફ ભારતીય ચેનલો ચીની રેસિપી બનાવવાની જાહેરાત લગભગ દરેક બ્રેકમાં બતાવે છે. તે પાપી પેટને માટે જ હશે એમ મન મનાવવું પડે.

ગુજરાતમાં કોરોના ૩૩ હજારને પાર કરી ગયો છે ને મૃત્યુ આંક ૧૯૦૦ને સ્પર્શવા જઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ સૂરતમાં માર્ચમાં નોંધાયો હતો ને અત્યારે પણ કોરોનામાં સૂરત રાજ્યમાં ટોપ પર છે. ગુજરાત અનલોક થતાં બીજા ઉદ્યોગની જેમ સૂરતમાં હીરા ઉદ્યોગ પણ શરૂ થયો ને સંક્રમણ વધતાં તેને બંધ કરવો પડ્યો. જો સાચવવામાં નહીં આવે તો ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત પણ એવી જ થશે તેવી ચેતવણી તંત્રોએ આપી છે. સરકારને ઊંડે ઊંડે પણ એમ છે કે લોકો સુધરશે ને બધું પાળશે. સરકાર પણ સુધરે એવું લોકો પણ ઈચ્છે છે. રેલવેએ ટ્રેન ચાલુ કરવાનો પ્રયોગ કરી જોયો, પણ રોગ વકરી રહ્યો છે એવું લાગતાં સ્પેશિઅલ ટ્રેનો જ ચાલુ રાખવી તેવું નક્કી થયું. એ ખબર નથી પડતી કે સ્પેશિયલ ટ્રેનો રોગ નથી ફેલાવતી એટલે ચાલુ છે કે કમાણી એમાં જ વધારે છે એટલે ચાલુ છે? અનલોક-૨માં રાતના ૧૦થી સવારે ૫ સુધી બંધી રખાઈ છે, જે અગાઉ ૯થી શરૂ થતી હતી. રોગ એટલો ભલો છે કે એ રાતના જ ફેલાય છે એટલે રાતના બધું બંધ રાખીએ તો ચાલે, ખરુંને?

એક વાત સમજી લેવાની રહે કે સરકાર પ્રાયોગિક ધોરણે બધું ચાલુ કરી જુએ છે ને એમ લાગે કે એનાથી સ્થિતિ વધારે બગડે એમ છે તો ફરી બંધ કરે છે. ૧ જુલાઈએ ડોક્ટર્સ ડે ગયો. એ દિવસે ગુજરાતમાં કોરોનાને કારણે બે ડોક્ટરોના મૃત્યુ થયા. આ રોગે આ ઉપરાંત પણ ઘણા ડોક્ટરોના જીવ લીધા છે. બધી કાળજી લેવા છતાં ડોકટરો પોતે સલામત ન હોય તો સામાન્ય માણસ પર જોખમ વધુ રહે તે સૌને સમજાવું જોઈએ. આખી દુનિયામાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે એ આપણે જાણીએ છીએ. ભારતમાં, રાજ્યોમાં, શહેરોમાં રોગ વકરી રહ્યો છે તે પણ આપણે જાણીએ છીએ. એમાં સરકારો થઈ શકે એટલું કરે છે. એને કોરોનાની એક જ જવાબદારી નથી, બીજા અનેક મોરચે તે ટકવાના અને ટકાવવાના પ્રયત્નો કરે છે. આ બધામાં પાછું પેટા ચૂંટણીનું બખડજંતર તો ખરું જ. આવામાં તે સામાન્ય બુદ્ધિ પણ વાપરે એવી અપેક્ષા વધારે પડતી છે. એ આપણી ભૂલ છે કે આપણે એવું માનીએ છીએ કે સામાન્ય બુદ્ધિ બધામાં સામાન્ય હોય છે.

સરકારે આર્થિક બાજુનો વિચાર કરવાનો હોય જ છે. એ બધું ફરી બંધ કરે તો આર્થિક માર એટલો પડે કે ફરી ઊભા થવાનું ને ટકવાનું એકદમ મુશ્કેલ થઈ પડે. બધી જ બાજુએ સરકાર દોડે ને આપણે ફરિયાદ જ કર્યા કરીએ એ પણ રોગની જ નિશાની છે. સરકારની ટીકા જરૂર કરીએ, પણ આપણી જવાબદારીમાંથી છટકીને એ કામ કરવાનો આપણને અધિકાર નથી. એ સ્થિતિમાં પ્રજા તરીકે રોગ પર કાબૂ મેળવવા આપણે જ પ્રયત્ન કરવાનો રહે. રોગ સરકારને નહીં, આપણને થાય એમ છે. હવે આપણે જ જો રોગને આમંત્રણ આપીશું તો એનાથી નુકસાન આપણને જ છે. આપણે જ આપણને પૂછવા જેવું છે કે કામ અને કારણ વગર આપણે ખરેખર કેટલું બહાર રહીએ છીએ? એમાં બહાદુરી છે કે પછી આપણે પોતાને અને બીજાને માટે જોખમ વધારવા આવું કરી રહ્યાં છીએ?

આપણે જાણીએ છીએ કે તઘલખી ન હોય તો એ સરકાર નહીં. ગરબડો કરવી એ સરકારની કામગીરીનો જ એક ભાગ છે. એક સમાચાર જરા વિગતે જોઈએ. શિક્ષણમંત્રીએ ૧ જુલાઈની બુધવારે સવારે જાહેર કર્યું કે ૨ જુલાઈથી ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ લેવાશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી ને એ જ બુધવારે એ જ શિક્ષણમંત્રીએ ચાર વાગ્યે જાહેર કર્યું કે કોરોનાને કારણે અને કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે જી.ટી.યુ.ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. છેને કમાલ, કોરોનાની ખબર બુધવાર સવાર સુધી નો’તી પડી. તે છેક ચાર વાગે જ પડી એટલે પરીક્ષાઓ મોકૂફ રહી. એ તો સારું છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધા પછી રદ્દ ન કરી. બાકી, તો એવું ય થઈ શકે. કમાલમાં ય મોટી કમાલ તો એ છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રહી એ જ દિવસે સરકારે ૧થી ૧૨ (કેટલાંક છાપાં પ્રમાણે ૩થી૧૨) ધોરણ સુધીની જુલાઈ ૨૯ અને ૩૦ને રોજ ૨૫ માર્કની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. બને કે એ દિવસો સુધીમાં કોરોના હેરાન કરવાની સ્થિતિમાં નહીં હોય, નહિતર પરીક્ષાનો વિચાર એકાએક તો ન આવે.

આ પરીક્ષાઓ સરકારી કે સ્વનિર્ભર તમામ શાળાઓએ લેવાની છે એવું ફરમાન છે. ૧થી ૮ ધોરણમાં જે કંઈ ઓનલાઈન ભણાવાયું તેની ગુજરાતી અને ગણિતની પરીક્ષાઓ લેવાશે. ૫, ૫ માર્કના પાંચ પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓએ વાલીઓની દેખરેખમાં આપવાના રહેશે. આ પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે. વર્ગખંડમાં ૧૦૦ માર્કની પરીક્ષા માટે ૩ કલાક સાધારણ રીતે અપાય છે, પણ ૨૫ માર્કની પરીક્ષા માટે ૧ કલાક અપાશે. આને કહેવાય ઉધાર, સોરી, ઉદાર શિક્ષણનીતિ. આમ તો ઓનલાઈન ભણાવાય તો પ્રશ્નપત્ર પણ ઓનલાઈન મૂકી શકાય, પણ એવું નથી. શિક્ષણ વિભાગ પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણાધિકારીને ઈ મેઈલ કરશે. તે સ્કૂલોને મોકલશે. સ્કૂલનો શિક્ષક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ૨૭ જુલાઈ સુધીમાં પ્રશ્નપત્ર ઘરે પહોંચાડશે. અહીં અક્કલવાળો પ્રશ્ન ન પૂછવો કે ઓનલાઈન ભણાવો જ છો તો ત્રણ તબક્કે પ્રશ્નપત્ર શિક્ષકને દોડાવીને વિદ્યાર્થી સુધી પહોંચાડવાની કસરત શું કામ કરાવો છો? એનો સાદો જવાબ એટલો જ કે સામાન્ય બુદ્ધિ બધાંમાં સામાન્ય નથી હોતી. વેલ, એ જ રીતે ૯થી ૧૨ની જુદા જુદા વિષયોની પરીક્ષાઓ ૨૯ અને ૩૦ દરમિયાન અનુકૂળતા પ્રમાણે વિદ્યાર્થી આપી શકશે. આમાં જવાબદારીઓ વહેંચી દેવામાં આવી છે. પ્રશ્નપત્રો શિક્ષક પહોંચાડે તો ઉત્તરવહી સ્કૂલ સુધી વાલીઓએ પહોંચાડવાની રહેશે. એ ઉત્તરવહીઓ જે તે વિષયના શિક્ષકો તપાસશે ને પરિણામ જાહેર કરશે. ક્યારે? તેની કોઈ જાહેરાત નથી.

આમાં કેટલુંક કરમુક્ત મનોરંજન પણ છે. જેમ કે વિદ્યાર્થીએ બે દિવસમાં પરીક્ષા આપવાની છે અને એ એક કલાકમાં આપવાની છે. એનો અર્થ એવો થાય કે બે દિવસ બરાબર એક કલાક. હવે જે એક કલાક પાળે તે એવો અર્થ કરી શકે કે બે દિવસની કુલ ૨,૮૮૦ મિનિટમાંથી કોઈ પણ ૬૦ મિનિટમાં વિદ્યાર્થી પરીક્ષા આપી શકે. ૨૭મીએ પેપર હાથમાં આવી જવાનું હોય તો વિદ્યાર્થી ૨૮મીએ પરીક્ષા આપી દે તો તેની ખાતરી કરવાનું અઘરું છે કે તેણે ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન જ પરીક્ષા આપી છે. અહીં વર્ગખંડ નથી, સુપરવાઈઝર નથી. વિદ્યાર્થીએ વાલીની દેખરેખમાં પરીક્ષા આપવાનું અપેક્ષિત છે, એ પણ ફરજિયાત નથી. તો, વાલીએ સુપરવિઝન કરવાનું રહે. એણે જોવાનું રહે કે તેનું સંતાન નક્કી કરેલી સમય મર્યાદામાં પરીક્ષા આપે. વારુ, વિદ્યાર્થી પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે પણ વાલીએ જોવાનું રહે. જો કે એવું બન્યું છે કે મોટે ભાગે તો વાલીઓ જ ગેરરીતિ આચરવામાં વિદ્યાર્થીને મદદ કરતા હોય છે. એથી ઊલટું સંતાન ગેરરીતિ આચરે તો વાલી આંખ આડા કાન કરે છે કે કાન આડી આંખ કરે છે તે નક્કી કરવાનું પણ મુશ્કેલ છે.

આ બધું છતાં અંદરનાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં સાધનોને અભાવે શિક્ષણ જ થયું નથી, ત્યાં આવી પરીક્ષાઓ કયા આધારે લેવાશે તેનો ફોડ પડાયો નથી. અત્યાર સુધી તો જે સાધનસંપન્ન છે એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ શિક્ષણતંત્ર વિચારી રહ્યું હોવાનું લાગે છે. એને કારણે જે અસમાનતા ને લઘુતા વિદ્યાર્થીઓ ને વાલીઓ અનુભવી રહ્યા છે એનો જરા જેટલો પણ અંદાજ સરકારને હશે કે કેમ તે પ્રશ્ન જ છે. આગળ ઉપર કોઈ ગાઈડલાઈન સરકાર આપે ને કોઈ ચમત્કાર થાય તો વાત જુદી છે, બાકી, આવી પરીક્ષા લેવી અને આપવી એ મશ્કરીથી વિશેષ કંઈ નથી.

એનાં કરતાં તો બધી સ્કૂલો, કોલેજો શરૂ કરી દેવામાં ઓછું જોખમ છે. બધું જ બધાંના ખર્ચે ને જોખમે શરૂ કરી જ દીધું છે તો છો વિદ્યાર્થીઓ ભણી ખાતા. સ્કૂલો, કોલેજો બંધ છે એટલે વિદ્યાર્થીઓ બહાર જતા જ નથી એવું ક્યાં છે? જો એમ બહાર જવાનું થતું હોય તો સ્કૂલો, કોલેજો સુધી જવામાં શું આભ તૂટી પડવાનું હતું? ટૂંકમાં, ટૂચકા જેવી પરીક્ષાઓ લેવા કરતાં રેગ્યુલર શિક્ષણ શરૂ કરવામાં ઓછું જોખમ છે, એવું ખરું કે કેમ?

૦

પ્રગટ : ’આજકાલ’ નામે લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2020

e.mail : ravindra21111946@gmail.com

Loading

ગઝલ

મંથન ડીસાકર|Poetry|3 July 2020

કંઈક દિલમાં ચલાયમાન થયું, 
હાશ! તમને ય એનું જ્ઞાન થયું!

એ રીતે એમણે વખાણ કર્યા,
મારા પ્રત્યે મને જ માન થયું.

એક વેલી જરા નજીક સરી,
વૃક્ષ આખું જ સાવધાન થયું.

ઝૂંપડીને સવાર થાય નહીં,
એ તો અંધારું બસ જવાન થયું.

જણ જે છેલ્લી હરોળમાં બેઠું,
પડદા પાછળ રહી મહાન થયું.

એક ડોસીએ ઝાડ વાવ્યું છે,
કેવડું એનું ખાનદાન થયું! 

સૌના દિલમાં વસી ગયો 'મંથન'
ખુદનું ખાલી આ જ્યાં મકાન થયું. 

==

(સુરત)

e.mail : manthandisakar@gmail.com

Loading

સાહેબ, તમે એકવાર અબી અહમદને મળો અને સાંભળજો પણ ખરા !!!

રમેશ ઓઝા|Opinion - Opinion|2 July 2020

તમે ઈન્ટરનેટ દ્વારા જોહન્સ હોપકિન યુનિવર્સિટીના અથવા તો વિશ્વ આરોગ્ય સંસ્થાના કે પછી વર્લ્ડોમીટરના લાઈવ કોવિડ દેશબોર્ડની મુલાકાત લો. એમાં જગતના અલગ અલગ દેશોમાં  કોરોનાના કેસોની વિગત મળે છે. કયો દેશ કોવિડના સંકટને કઈ રીતે હાથ ધરી રહ્યો છે એ; જે તે દેશમાં કુલ વસ્તી કેટલી છે, કુલ કેસોનું પ્રમાણ કેટલું છે, રોજેરોજ તેમાં સરેરાશ કેટલો વધારો થાય છે, એક્ટિવ કેસ કેટલા છે, કેસ બેવડાવાનો વૃદ્ધિદર કેવો છે, મરણનું પ્રમાણ કેટલું છે, કેટલા દરદીઓ સાજા થઈને ઘરે જાય છે વગેરે વિગતોના આધારે નક્કી કરી શકાય. સૌથી મોટું પરિબળ દેખીતી રીતે વસ્તીનું પ્રમાણ છે. બહોળી વસ્તીવાળા દેશોની કસોટી વધુ થઈ રહી છે.

આખા જગતમાં ૧૦ કરોડ કે એથી વધુ વસ્તી ધરાવતા ૧૪ દેશો છે એનો ઉતરતો ક્રમ આ મુજબ છે: ચીન, ભારત, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બ્રાઝીલ, નાઇજીરિયા, બંગલાદેશ, રશિયા, મેક્સિકો, જપાન, ઇથિયોપિયા, ફિલિપીન્સ અને ઈજીપ્ત. ચીનમાં સૌથી વધુ વસ્તી છે, પણ ચીનના આંકડા વિશ્વાસપાત્ર માનવામાં આવતા નથી એટલે ત્યાં શું ચાલી રહ્યું છે એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે એટલે એને છોડી દઈએ. એ પછી જે ૧૩ દેશ બાકી રહે છે એમાં સૌથી ઓછા કોરોનાકેસ ક્યા દેશમાં હશે, કલ્પના કરી જુવો તો! તમે ઉપરના તેર દેશ ઉપર નજર કરીને કદાચ કહેશો કે જપાનમાં. જપાન સમૃદ્ધ અને પ્રગતિશીલ દેશ છે એટલે ત્યાં ઓછામાં ઓછા કેસ હોવા માટે કારણ છે.

જો તમે જપાન ધારતા હો તો તમારું અનુમાન ખોટું છે. સૌથી ઓછા કેસ આફ્રિકામાં એડનના અખાતની નજીક આવેલા ઈથિયોપિયા નામના દેશમાં છે. આફ્રિકાના નકશામાં જોશો તો સુદાન અને કેનિયાની બાજુમાં આવેલો આ દેશ છે જેને સમુદ્રકિનારો નથી. વસ્તીની દૃષ્ટિએ ઈથિયોપિયા ૧૨માં ક્રમાંકે છે. તેની કુલ વસ્તી ૧૧ કરોડ ૪૯ લાખ છે અને તેની સામે કોરોના કેસોની સંખ્યા માત્ર ૫,૮૪૬ છે. ગઈ કાલે એક પણ નવો કેસ ઉમેરાયો નહોતો અને એક્ટિવ કેસોની સંખ્યા ૩,૩૧૩ની છે. ઈથિયોપિયામાં માત્ર ૧૦૩ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયાં છે. જપાનની ૧૨ કરોડ ૬૪ લાખની વસ્તી છે અને ત્યાં કોરોના કેસોની કુલ સંખ્યા ૧૮,૫૯૩ છે. જપાનમાં ગઈ કાલે ૧૧૭ કેસ ઉમેરાયા હતા અને અત્યાર સુધીમાં ૯૭૨ જણનાં મૃત્યુ થયાં છે.

તમે કહેશો કે ઈથિયોપિયા જેવા ફટીચર દેશમાં કોણ જવાનું હતું તે કેસ વધે? તમને કદાચ ઈથિયોપિયાના ભૂખમરાની અને ૧૯૮૦ના દાયકાના દુકાળની દાસ્તાનોની પણ યાદ આવશે. તમને ઈથિયોપિયામાં ચાલતા રહેતા ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચેના કોમીવિગ્રહની પણ યાદ આવશે. તમને ઈથિયોપિયા અને એરીટ્રિયા વચ્ચેના સરહદના ઝઘડાઓની અને રોજેરોજ ચાલતી ચકમકની પણ યાદ આવશે. ટૂંકમાં જે દેશનું કોઈ ભવિષ્ય જ ન હોય, અને ધરતીના નકશામાં બિનમહત્ત્વના દેશ તરીકે અસ્તિત્વ ધરાવતો હોય ત્યાં કોણ જવાનું હતું કે જેથી ચેપ વધે.

હવે હું તમને એમ કહું કે તમારું આ અનુમાન પણ ખોટું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈ.એમ.એફ.)ના રેટિંગ મુજબ ઈથિયોપિયા વિશ્વમાં ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્રમાં પહેલી હરોળમાં સ્થાન ધરાવે છે. આફ્રિકન દેશોનો સરેરાશ વિકાસદર ૫.૪ ટકાનો છે અને ઈથિયોપિયાનો વિકાસદર ૧૦ ટકાનો છે. આઇ.એમ.એફ.ના કહેવા મુજબ આ બધું ઈથિયોપિયન સરકારના ‘હોમગ્રોન ઇકોનોમિક રિફોર્મ પ્રોગ્રામ’નું પરિણામ છે. ઈથિયોપિયાના શાસકોએ ઈથિયોપિયાની જરૂરિયાત મુજબ આર્થિક સુધારાઓ કર્યા હતા અને તેમાં પ્રજાના સર્વાંગીણ વિકાસને પણ આર્થિક સુધારાઓમાં અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું. માણસમાં કરવામાં આવેલું રોકાણ સૈથી વધુ ઉત્પાદક નીવડે છે.

સવાલ તો મનમાં જરૂર પેદા થયો હશે કે દાયકા પહેલાનું ઈથિયોપિયા આટલું આગળ કઈ રીતે નીકળી શક્યું? કોણે આ જાદુ કર્યો અને કેવી રીતે કર્યો? એ જાદુગરનું નામ છે અબી અહમદ. ૪૩ વરસના અબી અહમદ ઈથિયોપિયાના ૧૦મા વડા પ્રધાન છે. તેમણે ૨૦૧૦માં લશ્કરની નોકરી છોડી દઈને ૩૪ વરસની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ઈથિયોપિયાની પ્રજાને સમજાવ્યું હતું કે જો તેઓ સંમતિ આપતા હોય તો પહેલું કામ તમામ પ્રકારના સંઘર્ષોનો અંત લાવવાનું કરવું જોઈએ. ઈથિયોપિયામાં ખ્રિસ્તીઓની વસ્તી ૬૨.૮ ટકા છે અને મુસલમાનોની વસ્તી ૩૩.૯ ટકા છે. આ બે પ્રજા સમૂહો વચ્ચે કોમી અથડામણો ચાલતી જ રહેતી હતી. બંને પાસે એકબીજા સામે ગીલા-શીકવાનો લાંબો ઇતિહાસ છે જેમ આપણે ત્યાં હિંદુઓ અને મુસલમાનો પાસે છે.

અબી અહમદે પ્રજાને સમજાવ્યું કે આજના યુગમાં કોઈનો વિજય થતો નથી. નથી સરહદે કે નથી સરહદની અંદર એટલે દેશઅંતર્ગત. પ્રજા લડીને કપાઈ મરે અને લડાવનારા રાજકારણીઓ રાજ કરે. સરહદે છીછરા દેશપ્રેમને નામે સીમાવિવાદ ઉકેલવામાં ન આવે અને સૈનિકો માર ખાય અને દેશ આર્થિક રીતે ખુવાર થાય. જે લડાઈનો કોઈ અંત જ ન હોય અને જે લડાઈમાં વિજય જ ન હોય એવી લડાઈ લડવાની જગ્યાએ સમાધાન કરીને તેનો અંત લાવવો એ વધારે ડહાપણ ભરેલું છે. બીજું જે ઘરમાં કંકાસ હોય એ ઘર બે પાંદડે ન થાય એમ જે દેશમાં સંપ ન હોય એ દેશ પણ બે પાંદડે ન થાય. નવા નવા રાજકારણમાં જોડાયેલા અબી અહમદ આ વાત લોકોને સમજાવતા હતા.

ધીરે ધીરે એવું બન્યું કે યુવાનો તેમના તરફ આકર્ષાયા. રાજકીય પક્ષોના કાર્યકરો પણ તેમના તરફ આકર્ષાયા અને શાસક પક્ષે અબી માટે રસ્તો કરી આપવો પડ્યો. ૨૦૧૮ના એપ્રિલ મહિનામાં તેઓ વડા પ્રધાન બન્યા અને પહેલું કામ તેમણે એરીટ્રિયા સાથે સરહદ સમજૂતી કરવાનું કર્યું. એને કારણે ઈથિયોપિયાને અવરોધ વિના સમુદ્ર કિનારો મળ્યો. તેમણે જિબુટી સાથે પણ સરહદ સમજૂતી કરી લીધી. બચુકલો જિબુટી દેશ પણ સમુદ્રને કિનારે છે. પ્રજાને વિશ્વાસમાં લઈને, ઠાલા ગર્જનારા રાષ્ટ્રવાદને હળવો પાડીને, એમાં વિવેકનો વરખ ચડાવીને કેટલીક ભૂમિ જતી કરીને એરીટ્રિયા તેમ જ જિબુટી સાથે સમાધાન કરી લીધું. તેમણે લઘુમતી મુસલમાનોનો પણ વિશ્વાસ જીતી લીધો અને તેમને અન્યાય ન થાય અને સુરક્ષા જળવાય એ રીતની બંધારણીય વ્યવસ્થા કરી આપી. અબી અહમદ પોતે અત્યંત ધાર્મિક પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી છે. એ પછી અંગ્રેજીમાં કહેવાય છે એમ રેસ્ટ ઈઝ હિસ્ટરી.

અબી અહમદને ગયા વર્ષે નોબેલ શાંતિ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને બીજા અનેક પુરસ્કારો મળ્યા છે.

આપણે લેખની શરૂઆત કરી હતી કોરોના સંકટને ઈથિયોપિયાએ કઈ રીતે હાથ ધર્યું એ વાતથી. તેમણે પ્રજાને સમજાવ્યું હતું કે આપણે ગરીબ છીએ. મોટું સ્ટીમ્યુલસ પેકેજ આપણને પરવડે એમ નથી. આપી શકીએ એમ નથી. બીજા દેશો પણ સંકટગ્રસ્ત છે એટલે આર્થિક મદદ મળે એમ નથી. આપણે આપણી શક્તિ દ્વારા સંકટનો સામનો કરવાનો છે અને એમાં આખા દેશની ભાગીદારી હોવી જોઈએ. નાના દુકાનદારોથી લઈને કોર્પોરેટ કંપનીઓ સુધીની રાષ્ટ્રીય ભાગીદારી જોવા મળી રહી છે. આજે આખા જગતમાં ઈથિયોપિયાની વાત થઈ રહી છે. જો નેતૃત્વ ઈમાનદાર હોય, સંવેદનશીલ હોય, બધાને સાથે લઈને ચાલનારું ભાગીદારીવાળું હોય, પૂર્વગ્રહ વિનાનું ખુલ્લા મનનું હોય તો ઈથિયોપિયા જેવો, હજુ ગઈ કાલ સુધી જેને ગણતરીમાં પણ નહોતો લેવાતો એ દેશ પણ દીવાદાંડી બની શકે.

નરેન્દ્ર મોદી ૧૮ વખત શી જિંગપીંગને ભલે મળ્યા, પણ એક વાર અબી અહમદને જરૂર મળે. માત્ર મળે નહીં, સાંભળે પણ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02  જુલાઈ 2020

Loading

...102030...2,3222,3232,3242,325...2,3302,3402,350...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved