Opinion Magazine
Number of visits: 9681091
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૧મી સદીમાં આજે પણ જાતીય સમાનતાથી આપણે ૨૫૭ વર્ષ છેટાં છીએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 July 2020

૨૧મી સદીના ભારતમાં આજે પણ ૪ કરોડ ૫૮ લાખ બાળકીઓ જન્મતાં જ ‘ગાયબ’ થાય છે

સ્ત્રીની સ્વતંત્રતા વિષે વાત કરવી અને તેને એ સ્વતંત્રતા જીવવા દેવી એમાં આસમાન જમીનનો ફેર છે, અર્થતંત્રની ઊંચાઇઓ સ્ત્રી-પુરુષની અસમાનતા રહેશે ત્યાં સુધી સર નહીં જ થઇ શકે

યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફંડનો ‘સ્ટેટ ઑફ વર્લ્ડ પૉપ્યુલેશન રિપોર્ટ 2020’ જાહેર થયો છે. આપણે હાલમાં વૈશ્વિક સ્તરે રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ અને એક વર્ષ આમાં જ વેડફાઇ જશે એવો વસવસો એક યા બીજી રીતે આપણને થયા જ કરે છે. પરંતુ જે બાબતોએ સદીઓથી કોઇ વાઇરસની માફક આપણી સમાજ વ્યવસ્થાને નબળી બનાવી છે તેનું સંક્રમણ કોણ જાણે ક્યારે જશે? આ સવાલ કરવાનું કારણ એ કે યુનાઇટેડ નેશન્સના આ વસ્તીના રિપોર્ટમાં જે મુદ્દો રજૂ થયો છે તેમાં વાત છે અર્થતંત્રમાં ભાગીદારી કરવા અંગેની જેન્ડર ગૅપ – સ્ત્રી અને પુરુષની ભાગીદારીનાં રેશિયોમાં જે તફાવત છે – તે પૂરી કરવાનો પ્રયાસ. કમનસીબે આ વૈશ્વિક સ્તરે આ જેન્ડર ગૅપ પૂરી કરવામાં, સ્ત્રી પુરુષને મળતા લાભ, તકો અને અધિકારોમાં સમાનતા લાવવામાં હજી બીજા ૨૫૭ વર્ષ જશે. તમે તમારી જાતને ગમે તેટલી આધુનિક માનતા હોય પણ આ એક કડવું સત્ય છે, જે ગળી નથી જવાનું પણ તેને બદલવા માટે જહેમત કરવાની છે, લડત આપવાની છે.

આખી દુનિયામાં સ્ત્રીઓ સાથે થતા વહેવારમાં આજના કહેવાતા ‘મોડર્ન’ વર્લ્ડમાં પણ જેટલો ફેર પડવો જોઇએ એટલો નથી જ પડ્યો. વૈશ્વિક સ્તરે ‘મિસિંગ વુમન’ આંકડો ૧૪.૨ કરોડ છે.  ભારતની વાત કરીએ તો ૨૦૧૩થી ૨૦૧૭, એમ ત્રણ વર્ષમાં યુ.એન.નાં રિપોર્ટ અનુસાર ૪.૬ લાખ છોકરીઓ જન્મ સમયે જ ‘ગાયબ’ થઇ હતી. એક એવો દેશ જે વૈશ્વિક સ્તરે આગેવાન બનવા થનગની રહ્યો છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં છોકરીઓ ‘ગાયબ’ થઇ જતી હોય તો એનું કંઇ ભલું થઇ શકે ખરું?

ભૃણ હત્યાની વાત સમાજના એક વર્ગને કદાચ પછાત લાગી શકે પણ એ આપણા દેશનું બેહૂદું સત્ય છે. આજે પણ ‘સ્ત્રી ભૃણ હત્યા’ વિકાસ અને પ્રગતિની વાત કરતા ભારતની સચ્ચાઇ છે. દરેક હજાર પુરુષે કેટલી સ્ત્રીઓ જન્મે છે તેને આધારે સેક્સ રેશિયો નિયત કરાતો હોય છે. ભારતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ અને બિહાર જેવા રાજ્યોમાં દર હજાર પુરુષ બાળક જન્મે એટલે કે છોકરા જન્મે તેની સામે જન્મતી બાળકીઓની સંખ્યા ૯૦૦થી પણ ઓછી હતી. ભારતમાં સ્ત્રીઓ સામેની બદીઓમાં બાળ લગ્ન સાવ સામાન્ય છે, દર ચાર છોકરીઓમાંથી એકનાં બાળ લગ્ન થયેલા હોય છે. વૈશ્વિક સ્તરે અંદાજે પાંચમાંથી એક છોકરીને બાળ લગ્નની બદીમાં ધકેલી દેવાય છે.

યુ.એન.ડી.પી. ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર જેન્ડર ઇક્વૉલીટી ઇન્ડેક્સમાં જે ૧૮૯ દેશ છે તેમાં ભારતનો નંબર ૧૨૨ છે. સ્વિટ્ઝરલેન્ડ આ મામલે શ્રેષ્ઠ છે.

દરેક સરકાર સ્ત્રીઓનાં ઉત્થાન માટે યોજનાઓ જાહેર કરે છે પણ આપણી સંસદની જ વાત કરીએ તો સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ માત્ર ૧૧.૭ ટકા છે અને એ પણ મહિલાઓ માટે અનામત બેઠકની આટલી બધી હોહા અને અમલીકરણ પછી.

સો કરતાં વધુ દેશ સ્ત્રીઓને કાયદાકીય રીતે અમુક પ્રકારનાં કામ કરવાની મંજૂરી નથી આપતા તેવું તારણ વર્લ્ડ બેંક ૨૦૧૮ના ડેટા પરથી નીકળ્યું હતું. ટેક્નોલોજીકલી વિકાસ થતો હોય તો પણ તેના કારણે સ્ત્રીઓ સાથે થતા અત્યાચાર અને સતામણીનું પ્રમાણ પણ વધ્યું છે. આપણે એક રાષ્ટ્ર તરીકે વિકસવું હશે તો આપણે સમજવું પડશે કે જેન્ડર ઇક્વૉલિટીને લીધે થતી ખોટ પૂરાશે તો જ આપણે માનવીય વિકાસની અસમાનતાનું સ્તર સરખું કરી શકીશું.

આપણે ત્યાં શહેર અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના તફાવતને પગલે સ્ત્રીઓને વેઠવી પડતી તકલીફો પણ અલગ છે. બાળ લગ્ન, દહેજ, વિધવાઓ સાથે થતા ભેદભાવ, કામને લગતી સમસ્યાઓ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સવલતો એક તરફી છે તો શહેરોમાં કોર્પોરેટ્સમાં ખેલાતા પૉલીટિક્સ બહુ મોટો ભાગ ભજવે છે. જો કે ચારિત્ર હનન, માનસિક અને શારીરિક બળાત્કાર, ઘરેલુ હિંસા, અનેક રીતે થતી જાતીય સતામણી આ બધું ગામડું હોય કે શહેર બધે થતું જ હોય છે.

પણ શું આપણે એમ માનવું કે બધું મધ્ય યુગમાં હતું તેવું ‘ડાર્ક’ છે તો ના એવું તો નથી જ. સંજોગો બદલાઇ રહ્યા છે, સ્ત્રીઓને પણ પોતાના હકની સમજ પડે છે, સ્ત્રીઓ રાજકીય, આર્થિક અને સામાજિક સ્તરે પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે લડતા, તેને મેળવતા શીખી છે. પિતૃસત્તાક માનસિકતાને કારણે ભારતે ૪૬ મિલિયન બાળકીઓ ગુમાવી છે. તમે કલ્પના કરી શકો છો કે એ ન થયું હોય તો કેટલી કલાકાર, લેખક, આર્કિટેક્સ્ટ્સ, શેફ, વૈજ્ઞાનિક, ડૉક્ટર્સ, શિક્ષક, એન્જિનિયર, પાઇલટ કે પછી કોઇ એક કુટુંબને સારામાં સારી રીતે સંભાળના સ્ત્રી આપણા સમાજને મળી શકી હોત! વિશ્વમાં જેટલી બાળકીઓ ‘મિસિંગ’ છે તેનો એક તૃતિયાંશ હિસ્સાનો બોજ ભારતને માથે છે. એટલી જ ઇચ્છા કે દુનિયા બદલાય તેના પગલે આપણે બદલાઇએ એ કરતાં આપણે બદલાઇએ અને દુનિયા માટે દ્રષ્ટાંત સાબિત કરીએ તો કંઇ વાત બને. બાકી પરિવર્તન, વિકાસ, પ્રગતિ, વૈશ્વિક સત્તા આ બધાં ઠાલા શબ્દોથી વધારે કંઇ જ નથી અને નહીં હોય.

બાય ધી વેઃ

સ્ત્રીની સ્વતંત્રતા વિષે વાત કરવી અને તેને એ સ્વતંત્રતા જીવવા દેવી એમાં આસમાન જમીનનો ફેર છે. આજે પણ બાળકીઓ જન્મે તે પહેલાં તેમને મારી નખાય છે, આજે પણ રોગચાળામાં લૉકડાઉન થાય તો ઘરેલુ હિંસાના કેસિઝ વધી જાય છે, આજે પણ ‘સ્ટે હોમ, સ્ટે સેફ’નાં ગાણાં વચ્ચે મહિલાઓ પોતાના જ ઘરમાં સલામત નથી. કોરોના વાઇરસની સારવાર લેતી સ્ત્રી પર બળાત્કાર થઇ જ જાય છે, પછી ભલેને અરુણા શાનબાગની વાર્તાએ આપણી આંખોમાં આંસુ લાવી દીધા હોય. આ કહેવાતા ‘વિકાસ’ તરફ દોડી રહેલા આપણા દેશનું સત્ય છે. આપણે પહેલાં તો આ વાસ્તવિકતા બદલવી પડશે પછી જ વિકાસની વાસ્તવિકતાની સહેજ પણ નજીક પહોંચી શકીએ એટલા સક્ષમ થઇ શકીશું, બાકી બધું ફીફા ખાંડવા જેવું જ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જુલાઈ 2020 

Loading

જૉર્જ ફ્લૉયડની હત્યા

હિન્દી - કે. કે. ત્રીપાઠી • અનુવાદ - મનીષ શિયાળ|Poetry|5 July 2020

અમેરિકામાં જૉર્જ ફ્લૉયડની હત્યા પર
કાળાં ધોળાં, બધા જ કંપી ઉઠ્યાં,
ઘડીભરમાં તો આખું અમેરિકા
દારુગોળાની માફક બળી ઉઠ્યું,
સારા છે, એ અમેરિકી જેને
સહનશીલતાને ઘૂંટણ નીચે રોકી રાખી છે
એનાં માટે દેશનો મતલબ
ખાલી માટી, પહાડ, જંગલ-ઝરણાં નથી,
ના તો મતલબ છે, ખાલી સીમાઓ.
એનાં માટે દેશનો મતલબ
વ્યક્તિ છે, વ્યક્તિ પણ,
અને વ્યક્તિનો મતલબ દેશ પણ.
જૉર્જ ફ્લૉયડની હત્યા પર
સડક પર ઊતરેલા, એ લાખો અમેરિકીને,
એ કાળાં હોય કે ધોળાં
કોઈ અમેરિકી દેશ વિદ્રોહી નથી કહેતાં,
ના તો કોઈ એને આફ્રિકા, ઈંગ્લેન્ડ કે પછી
કેનેડા કે મેક્સિકો જવાનું કહે છે,
ના તો પોલીસ, વિરોધમાં શામિલ લોકોને દુશ્મન માને છે,
ના તો લાઠી મારે છે,
અને એ શરમશાર અનુભવે છે,
તેનાં સહકર્મીના અપરાધ ને ક્રૂર કૃત્યથી.
વ્હાઈટ હાઉસનો એ ગોરો સાહેબ પણ
ટોળાંના ભયથી, ભલે બંકરમાં છૂપાયો હોય
પણ ત્યાં ના તો કોઈ કારણ વગર બંદૂકો ફૂટી,
ના તો કોઈ દેખાવમાં મરાયાં.
કદાચ આપણે ભારતનાં લોકો પણ
એમની પાસેથી શીખી શકીએ,
લોકોનાં જીવની થોડી કદર કરી શકીએ,
સહનશીલતાને આપણાં ઘૂંટણ નીચે રાખી
સમય આવ્યે,
પૂરજોશમાં અવાજ ઉઠાવી શકીએ.
આપણે ભારતવાસીઓ પણ
ખરા સાહસી છીએ,
આપણે ઈંતજાર કરીએ છીએ,
પાણી ઘૂંટણ સુધી આવવાનો,
પછી એનાંથી કમર પલળવાનો,
પછી ખભા પર ચઢી
નાક સુધી આવવાનો,
અને આપણું ગળું દબાવવાનો‌.
આટલી સહનશીલતા !
ખબર નહીં સાહસ છે કે જડતા
અથવા એ સાહસ છે, તો આટલું સાહસ ક્યાં ?
અથવા એ જડતા છે, તો આટલી જડતા કેમ ?
કેમ સડકો-પાટાઓ પર પગપાળા ચાલતાં,
મરતાં-કપાતાં, લોકડાઉનના કારણે
હજારો લાખો મજૂર
પત્ની બાળકો સહિત ન ટૂટતી હારમાળાઓ,
ચૂપચાપ કિસ્મતને કોસે છે.
પણ જેને ગાદી પર બેઠાડ્યા
એની સામે ના તો કોઈ અવાજ ઉઠાવે છે,
ના તો કોઈ શિકાયત કરે છે,
ના તો કોઈ બળાપો માંડે છે.
આખરે આટલી નિરાશા કેમ ?
આખરે આટલી હતાશા કેમ ?
રસ્તામાં એ દિલ્લી પણ આવે છે,
જ્યાં સંસદ છે,
કેમ ન ઘેરાય એ સંસદ હજુ,
કેમ ન ઘેરાયા પ્રધાન હજુ,
સામૂહિક સહનશીલતાની તો શરમ છે આ
અને સામૂહિક સંવેદનાનો અંત.
તેથી જ તો અવાજ ઉઠાવનારને
સર્વોચ્ચ અદાલતમાં દેશ વિદ્રોહી કરાર અપાય છે,
ક્દાચ એટલે કોઈ અવાજ ઉઠાવતા નથી.
જો પાણી નાક પર પહોંચવાનો,
ચૂપચાપ ઈંતજાર કરતાં રહેશું, તો
આ જડતા આખા ભારતીયને
એક દિવસ નપાણિયા કરી નાખશે.

Loading

ધર્મ ગમે તે હોય, ઈશ્વર તો એક જ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 July 2020

ગયા સપ્તાહના લેખનું સમાપન કરતા મેં લખ્યું હતું કે મહાત્મા ફૂલેએ જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પણ પૃથકતાવાદી છે એમ કહીને તેને નકારવા માંડ્યો અને બ્રાહ્મણો કપટી છે અને તેમનો ઈજારાશાહી એજન્ડા છે એમ કહેતાં ભાષણો કરવા માંડ્યા અને પુસ્તકો પણ લખ્યાં, તેઓ ખુલ્લી અંગ્રેજોની તરફદારી કરવા લાગ્યા ત્યારે; દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, સ્વામી વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, દેવેન્દ્રનાથ ઠાકુર વગેરે થોડા આગળપાછળના સમયમાં હયાત હતા, પરંતુ તેમણે કોઈએ હાંસિયાની પ્રજાના અવાજને નહોતો સાંભળ્યો. જ્યારે હજુ તો આકાર પામી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈ નકારતું હોય ત્યારે કોઈ કહેતાં કોઈને એમ નહોતું થયું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.

આમ તો રાષ્ટ્રવાદનો જન્મ પશ્ચિમમાં થયો હતો અને તેની પાછળનો ઉદ્દેશ આક્રમક લૂટનો હતો એ આગળ આ શ્રેણીમાં કહેવાઈ ગયું છે. ‘આપણે અને આપણા હિતમાં’ એ રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે. દેખીતી રીતે ‘આપણે’ની શોધ શરૂ થઈ અને ‘આપણે'નું મહિમામંડન કરવામાં આવ્યું. ઇતિહાસમાં ક્યારે ય ભાળ્યા નહોતા એવાં ગુણોનું આરોપણ થવા લાગ્યું. અને ‘આપણા હિતમાં’નો દેખીતો અર્થ છે; માત્ર આપણા જ હિતમાં બીજાના હિતમાં નહીં અને એમાં કોઈનું અહિત થતું હોય તો પણ વાંધો નહીં. આમ આ આપણે અને આપણા હિતમાંના વિચારે અને વલણે યુરોપને એટલું આક્રમક બનાવ્યું કે તેમણે લગભગ આખી દુનિયા કબજે કરી લીધી. વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધ થયાં એ પણ આ આપણે અને આપણા હિતમાંવાળા રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું.

૧૯મી સદીમાં જ્યારે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ લાગુ કરવામાં આવ્યું અને પહેલી-બીજી શિક્ષિત પેઢી અસ્તિત્વમાં આવવા લાગી ત્યારે પશ્ચિમને જોઇને તેઓ પણ ‘આપણે’ની શોધ કરવા લાગ્યા. એ ‘આપણે’ની શોધ કરનારા મુખ્યત્વે બ્રાહ્મણો, નાગરો, કાયસ્થો જેવા સવર્ણો હતા અને તેમને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો કે ‘આપણે’નો વિસ્તાર કરવો જોઈએ. નેહરુ અને દિનકર ભૂલી જાય તો ૧૯મી સદીના સુધારકોની ક્યાં વાત કરવી! તેમનો ‘આપણે’ એટલે બ્રાહ્મણો, કાયસ્થો, નાગરો. વળી આગળ કહ્યું એમ આપણે સાથે આવતું હતું ‘આપણા હિત’માં. આમ ૧૯મી સદીનું સુધારાનું આંદોલન સવર્ણો દ્વારા, સવર્ણોના હિતમાં, સવર્ણ-કેન્દ્રિત હતું. ઠીકઠીક પ્રમાણમાં જાણીબૂજીને અને ઠીકઠીક પ્રમાણમાં અનાવધાને, જેમ નેહરુ અને દિનકરની બાબતમાં બન્યું હતું એમ.

તો રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે ‘આપણે અને આપણા હિત’માં. ભારતમાં પણ ‘આપણે અને આપણા હિત’માંની જદ્દોજહદ શરૂ થઈ અને એ રીતે ભારતીય રાષ્ટ્રવાદનો જન્મ થયો. ‘આપણે અને આપણા હિત’માં એ જ ‘રાષ્ટ્રના હિત’માં એવું સમીકરણ એટલે રાષ્ટ્રવાદ. આનો અર્થ એ થયો કે ‘આપણે’ અને ‘રાષ્ટ્ર’ને એકબીજાના પર્યાય તરીકે જોવામાં આવ્યા. આપણા હિતમાં  રાષ્ટ્રનું હિત આવી જ જાય છે અને રાષ્ટ્રના હિતમાં જે કાંઈ હોય એ આપણા હિતથી વિરુદ્ધ ન જ હોય.

૧૯મી સદીમાં રાષ્ટ્રવાદની આવી મમળાવવી ગમે એવી મનમોહક વિચારધારા વિકસવા લાગી. સ્વરાજ સુધીનાં સપનાં લોકો જોવા લાગ્યા. યુરોપની બરાબરી કરવાનાં સપનાં જોવાવા લાગ્યાં. આર્યસમાજીઓ અને બીજા રિવાયવલિસ્ટો ભારત વિશ્વગુરુ બનવા નિર્માયેલું છે એવા સપનાં જોવા લાગ્યા. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે તેમને જ્યારે પડકારવામાં આવ્યા ત્યારે તેમણે એ પડકારને નહોતો સાંભળ્યો. પડકારનારાઓ શા માટે પડકારે છે, તેમને શું કહેવાનું છે, તેમને કઈ વાતનો વાંધો છે અને તેઓ શું કહેવા માગે છે એ જાણવા-સમજવાની પણ દરકાર નહોતી કરી.

હજુ તો આકાર પામી રહેલા, ઉછરી રહેલા, લગભગ પાપા-પગલી ભરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈક પડકારી રહ્યું છે તો શા માટે એ જાણવાની કોઈને જરૂર નહોતી લાગી. તમારો રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પૃથકતાવાદી છે એવો સીધો આરોપ કરવામાં આવ્યો હોવા છતાં આરોપ કરનારાઓ સાથે સંવાદ કરવામાં નહોતો આવ્યો. હજુ તો રાષ્ટ્રવાદનો છોડ ઉજર્યો પણ નથી ત્યાં તેની સામે પડકાર શરૂ થયા છે તો બગીચો કેવી રીતે વિકસશે એવો વિચાર પણ કોઈને નહોતો આવ્યો.

રાજા રામમોહન રોય પછીથી ધીરે ધીરે ઉછરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓ હતા; દેવેન્દ્રનાથ ટાગોર (જન્મ ૧૮૧૭ – મૃત્યુ ૧૯૦૫), ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧),  દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩), કેશબચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪), બંકિમચંદ્ર ચેટરજી (૧૮૩૮-૧૮૯૪), મહાદેવ ગોવિંદ રાનડે (૧૮૪૨-૧૯૦૧), ગોપાલ ગણેશ આગરકર (૧૮૫૬-૧૮૯૫), લોકમાન્ય તિલક (૧૮૫૬-૧૯૨૦), સ્વામી વિવેકાનંદ (૧૮૬૩-૧૯૦૨) વગેરે. આ બધા મહાનુભાવોનાં જન્મનાં વર્ષ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેઓ ૧૮૧૭થી ૧૮૬૩ની વચ્ચેનાં વર્ષોમાં જન્મ્યા હતા. તેઓ બધા પોતપોતાની રીતે પોતપોતાના અભિગમ સાથે ભારતીય રાષ્ટ્રવાદને આકાર આપી રહ્યા હતા. તેમની વચ્ચે મતભેદો હતા જે અહીં કહેવામાં આવ્યું છે એમ મૂળશંકર-મૂળશંકર વચ્ચેના અને મૂળશંકર-જટાશંકર વચ્ચેના મતભેદો હતા. એકંદરે તેમનો ભારતીય રાષ્ટ્રવાદ સવર્ણકેન્દ્રી હતો.

હવે એક નજર વિકસી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને તે ખરા અર્થમાં ભારતીય નથી, સર્વસમાવેશક નથી એમ કહીને પડકારનારાઓ ઉપર કરીએ. એમાં બે વ્યક્તિ મુખ્ય હતી. એક હતા સર સૈયદ અહમદ ખાન અને બીજા હતા મહારાષ્ટ્રના જ્યોતિબા ફૂલે. સર સૈયદનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૮માં થયું હતું. જ્યોતિબા ફૂલેનો જન્મ ૧૮૨૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૦માં થયું હતું. આનો અર્થ એ થયો કે બંનેનો જન્મ ભારતમાં અંગ્રેજી શિક્ષણ લાગુ કરવામાં આવ્યું એ પહેલાં થયો હતો અને બંને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના કરવામાં આવી એ પછી અવસાન પામ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંનેનો જન્મ ભારતીય રાષ્ટ્રવાદનું બીજ પણ નહોતું ફૂટ્યું એ પહેલા થયો હતો અને બંનેનું મૃત્યુ ભારતીય રાષ્ટ્રવાદ કૉંગ્રેસના નામે રાજકીય સ્વરૂપ પામ્યો એ પછી થયું હતું. ઉપર કહ્યા એ ભારતીય રાષ્ટ્રવાદના બધા જ શિલ્પીઓ સર સૈયદ અને ફૂલેના ઓછાવત્તા પ્રમાણમાં આગળપાછળના સમકાલીન હતા.

હું મુદ્દો એ સિદ્ધ કરવા માગું છું કે ભારતીય રાષ્ટ્રવાદનું હજુ તો માંડ ખેડાણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ તેમાંની ઉણપો બતાવી આપવામાં આવી હતી. એવું નહોતું કે વૃક્ષ બહુ મોટું થઈ ગયું હતું અને એ બધાને છાંયો કે ફળ નથી આપતું એવી ફરિયાદ કરવામાં આવી હોય. પ્રારંભમાં જ. શ્રીગણેશ સાથે જ. એવો કયો ભરસો હતો કે ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓએ તેમાં ઉણપ બતાવનારાઓની ઉપેક્ષા કરી હતી? મહાત્મા ફૂલે દયાનંદ સરસ્વતી કરતાં ઉંમરમાં ત્રણ વરસ નાના હોવા છતાં જાહેરજીવનમાં તેમના કરતાં વહેલા પ્રવેશ્યા હતા. ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પકાર તરીકે ઉપર જે નામ ગણાવ્યાં છે એમાંથી દેવેન્દ્રનાથ ટાગોર અને ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરને છોડીને બાકીના તેમના પછી જાહેરજીવનમાં સક્રિય થયા હતા. આમ પડકારનારો સિનિયર પણ હતો અને છતાં ય જુનિયરોએ તેની ઉપેક્ષા કરી હતી.

ખરું પૂછો તો સર સૈયદ અહમદ ખાનની અને મહાત્મા જ્યોતિબા ફૂલેની તુલના થઈ શકે નહીં.  મહાત્મા ફૂલે સર સૈયદ કરતાં દસ વરસ નાના હોવા છતાં અને આઠ વરસ વહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેમની દૃષ્ટિ ક્યાં ય વિશાળ હતી. સર સૈયદની ભૂમિકા મુસલમાનોના વકીલની તરીકેની એક મુસલમાનની હતી. તેઓ માત્ર મુસલમાનોના હિત-અહિતનો જ વિચાર કરતા હતા. સર સૈયદ ૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી અંગ્રેજોએ મુસલમાનોને પાઠ ભણાવવાનું શરૂ કર્યું ત્યારે સર સૈયદ મુસલમાનોનો કેસ રજૂ કરવા સક્રિય થયા હતા. તેમના વિચારોમાં કોમી દૃષ્ટિકોણ હતો, અખંડતા નહોતી. પાકિસ્તાનનાં બીજ સર સૈયદની ભૂમિકામાંથી મળે છે. તેમનાથી ઊલટું મહાત્મા ફૂલેની ભૂમિકા માનવીય હતી. તેઓ બહુજન સમાજના વકીલ હતા, બહુ આકરા વકીલ હતા, સવર્ણો પર આકરા પ્રહારો કર્યા હતા, સર સૈયદની માફક અંગ્રેજરાજની તરફદારી કરી હતી; પરંતુ તેની પાછળની તેમની ભૂમિકા માનવીય હતી. ન્યાયની હતી. નાગરિકની હતી.

સૈયદ અહમદ ખાનને અંગ્રેજોએ સરની ઉપાધી આપી હતી, પરંતુ સર સૈયદની માફક જ અંગ્રેજરાજના સમર્થક હોવા છતાં મહાત્મા ફૂલેને નહોતી આપી. ગોપાલ ગણેશ આગરકરે તેમને રેવરન્ડ ફૂલે તરીકે ઓળખાવ્યા હોવા છતાં પણ નહીં. શા માટે? કારણ કે તેમની દૃષ્ટિમાં હિંદુ સુધારકોને, સર સૈયદને અને અંગ્રેજોને પણ ન પરવડે એવી વ્યાપકતા હતી. મહાત્મા ફૂલે કહી ગયા છે :

૧. આપણી રાજકીય અને સામાજિક અવનતિનાં મૂળ અવનતિ પામેલા આપણા ધર્મમાં રહ્યા છે. માટે ધર્મસુધારણા અનિવાર્ય છે.

૨. એક ધર્મ છોડીને બીજા ધર્મમાં પ્રવેશ કરવાથી કાંઈ વળવાનું નથી, કારણ કે દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત છે અને કોઈ ધર્મ નિર્દોષ નથી. સત્ય-શોધન કરવા માગતા માણસે દરેક ધર્મમાં જે શ્રેષ્ઠ હોય એ અપનાવવું જોઈએ.

૩. જ્યાં સુધી જાતિભેદ અને સ્ત્રીઓની પરવશતા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સમાજ નિરોગી થવાનો નથી. પરંતુ આ બંને કુરૂઢિને ધર્મનું અનુમોદન હોવાથી ધર્મ-વચનોનો પ્રતિકાર કરવો જરૂરી છે.

૪. ધર્મ ગમે તે હોય, ઈશ્વર એક જ છે.

૫. મૂર્તિપૂજા નિરર્થક છે.

હવે વિચારો, આટલી વ્યાપક ભૂમિકાએ રહીને ૧૯મી સદીમાં કોણે વાત કરી હતી? સ્ત્રીઓ માટે પહેલી સાર્વજનિક શાળા મહાત્મા ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ શરૂ કરી હતી જેમાં બ્રાહ્મણની સ્ત્રીને પણ પ્રવેશ આપવામાં આવતો. બ્રાહ્મણોએ બ્રાહ્મણની સ્ત્રીને ભણવા મળે એવી શાળા તો દાયકાઓ પછી શરૂ કરી હતી.

આવો વ્યાપક વિચાર કરનારો માણસ જ્યારે એમ કહેતો હોય કે તમારો રાષ્ટ્રવાદ કેટલાક લોકોને બહાર રાખનારો અધૂરો છે અને એ માણસ પાછો ઉંમરમાં સિનિયર હોય, કૃતિશીલ અને પ્રતિષ્ઠિત હોય અને તે છતાં પણ તેમના જુનિયર સુધારકો તેમના પડકાર તરફ ધ્યાન ન આપે તો એ કયા ભરોસે?

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જુલાઈ 2020

Loading

...102030...2,3202,3212,3222,323...2,3302,3402,350...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved