Opinion Magazine
Number of visits: 9681090
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂની પેઢીના છેલ્લા સક્રિય કાર્ટૂનિસ્ટ જામી

ઇમરાન દલ|Opinion - Opinion|14 July 2020

૨ ડિસેમ્બર,૧૯૪૩ – ૧૧ જુલાઇ, ૨૦૨૦

કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલા જામીનું ૭૭ વર્ષની વયે અવસાન થયું. તેમની કાર્ટૂન કારકિર્દી ૧૯ વર્ષની કાચી વયે શરૂ થઈ હતી. ‘રંગતરંગ’, ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રગટ થવાં લાગ્યાં. પછી ગુજરાતનાં મુખ્ય ધારાનાં પ્રકાશનોની તેમની પર નજર પડી.

રાજકોટના ‘જય હિન્દ’ અખબારની સાપ્તાહિક પૂર્તિમાં ‘કાર્ટૂન કોર્નર’ નામની તેમની કોલમ વર્ષો સુધી ચાલી. વર્ષ ૧૯૮૭થી ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરૂઆતના પાને ‘તિકડમ્’ શીર્ષક હેઠળ તેમનાં કાર્ટૂન શરૂ થયાં, જે તેમના જીવનપર્યંત સતત ચાલુ રહ્યાં. ઉપરાંત ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘દિવ્ય ભાસ્કર’માં તેમનાં પોકેટ કાર્ટૂન પ્રકાશિત થયાં. એ સિવાય તે અમુક સામાજિક મુખપત્રો, સંસ્થાની વાર્ષિક ડાયરીઓ માટે પણ કાર્ટૂન પૂરાં પાડતા. એક ડાયરી માટે તો એમનાં કાર્ટૂનનો અંગ્રેજી ‘અનુવાદ’ પણ કરવામાં આવ્યો હતો. તે કહેતા કે ‘સારા કાર્ટૂનિસ્ટ માટે ત્રણ ગુણનો સમન્વય જરૂર છે : ચિત્રકાર, પત્રકાર અને વ્યંગકાર.’

કટોકટી પછીના મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ સરકારે ૧૦ મહિનાના લાંબા સમયગાળા પછી ય કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી ત્યારે તેમણે એક કાર્ટૂન બનાવેલું, જેમાં મોરારજી દેસાઈનું પેટ ફુલેલું જોઈને સામાન્ય નાગરિક પૂછે છે, ‘‘હવે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો કાંઈક પરિણામ આવે.’’ આ કાર્ટૂને ખાસ્સી ચર્ચા જગાવી હતી. જામી કહેતા, ‘‘જેનામાં પત્રકારત્વની દૃષ્ટિ હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે. પરંતુ કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતા નથી. કહો કે ગણવા માગતા નથી. મને પણ એવોર્ડ હાસ્યલેખકોની શ્રેણીમાં અપાયો. હકીકતે કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.’’ જામીનાં થોકબંધ કાર્ટૂન તેમની આ વાતની સાક્ષી પૂરે છે.

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આરબ પરિવારમાં જન્મેલા આવદ હસન જામી ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. જૂની મેટ્રિક સુધી ભણ્યા બાદ ડ્રોઇંગ ટીચરનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૬૨થી ધ્રોલના અધ્યાપન મંદિરમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વર્ષ ૧૯૬૮થી ૨૦૦૧ સુધી જામનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં અને વર્ષ. ૨૦૦૧થી ૨૦૦૩ સુધી રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે રહ્યા.

ધ્રોલમાં અમારા ઘર નજીકની શેરીમાં જ જામી કુટુંબનું ઘર. કાર્ટૂનિસ્ટ જામીના લઘુબંધુ જેમને અમે મેસનકાકા કહીએ છીએ, તે વનવિભાગમાં નોકરી કરતા. મેસનકાકા પણ ચિત્રકાર. ખાસ કરીને તૈલચિત્રો બનાવે. એમનાં ચિત્રોને અમે વખાણતાં, ત્યારે ઘરમાં વડીલો કહેતા, ‘‘એના મોટા ભાઈ તો એથી ય મોટા કલાકાર છે.’’ એવું પણ સાંભળવા મળતું કે જામીસાહેબ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનારનું ચિત્ર બનાવી, એને પ્રભાવિત કરી દીધા હતા. અમારા આડોશપાડોશમાં કાર્ટૂનિસ્ટ જામી ‘મોટા જામીસાહેબ’ તરીકે ઓળખાતા.

હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર કોઈ પ્રસંગે તેઓ ધ્રોલ આવ્યા હતા. પહેલી વાર વાતચીત કરી ત્યારે સંકોચ સાથે મેં એમને કહ્યું, ‘મને ચિત્રકલામાં રસ છે.’ તે ભારે અવાજમાં આસ્તેથી બોલ્યા, ‘કાર્ટૂન બનાવને, કોઈ બનાવતું નથી.’ વતનમાં જ પછીની મુલાકાત વખતે એમના ઘરની શેરીમાં પ્રવેશતી વખતે ‘આવ’ કહીને તેમણે પીઠ પર હાથ મૂક્યો અને અંદર લઈ ગયા. તેમનો પોશાક સામાન્ય હતો. પેન્ટ અને શર્ટ. સ્મોકિંગ કરતા. ઊંચાં કદકાઠીના હતા, અવાજ વજનદાર. સ્વભાવે એકદમ સરળ અને હસમુખા. ગુજરાતમાં વિદ્યમાન કાર્ટૂનિસ્ટમાં તેમને દેવ ગઢવી ગમતા. એમને યાદ કરીને કહેતા, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયા. હવે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં તેમણે પ્રિય કાર્ટૂનિસ્ટ તરીકે સુધીર દરને ગણાવ્યા હતા જામી પોતાની આગવી શૈલીના કુશળ કાર્ટૂનિસ્ટ હોવા છતાં તેમની વાતોમાં હુંપદ બિલકુલ ન સંભળાતું.

વર્ષ ૨૦૦૮માં હું ભુજમાં ‘આજકાલ’ દૈનિકમાં નોકરી કરતો ત્યારે એક કાર્યક્રમ માટે તે કચ્છ આવ્યા હતા. કાર્યક્રમ બાદ મેં તેમનો ઇન્ટરવ્યૂ કરેલો. આજે ખરા સમયે જ તેનું કટિંગ ઘરમાં શોધખોળ કર્યા છતાં હાથ ન લાગ્યું. અલબત્ત, મારી ડાયરીમાં એનું શીર્ષક નોંધેલું વંચાય છે : ‘ગુજરાતી પત્રકારત્વમાં કાર્ટૂનકલાનું ભાવિ ધૂંધળું લાગે છે : કાર્ટૂનિસ્ટ જામી’.

e.mail : dalimran@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 14-15

Loading

પોપાબાઈનું રાજ

વિનુ બામણિયા “અતીત"|Opinion - Opinion|14 July 2020

મને સપનાંમાં
પોપાબાઈનું રાજ યાદ આવે.
આમ તો રાજમાં હતું કંઈ નહીં !?

એવું કહેવાય છે ને કે
ખાલી ચણો વાગે ઘણો
કે ચા કરતાં કીટલી ગરમ
શું એવું જ કંઈક હશે આ રાજમાં?

કે પછી
રાંડ્યા રાજની રાંડી પ્રજાને
પોપાબાઈના રાજથી કોઈ
મતલબ ન'તો !?

કે એવું શું પોપાબાઈ ચલવતાં
કે
નહીં
એ તો રામ જાણે!

ઘૈડિયા ય ગુજરી ગયા
ને ઇતિહાસ તો હોય જ નહીં
બિચારા પોપાબાઈના રાજનો
એટલે થયું
ચાલ આજે
કવિતામાં
પોપાબાઈનું કરીએ પુણ્યસ્મરણ!

પોપાબાઈ ગમે તેમ તો ય રાજમહિષી.

આમ તો રોજ
પણ રોજ નહીં તો
ક્યારેક જય તો કરવી જ પડેને!?

મારા પૂર્વજોએ ન'તી કરી જય
તો લ્યો હું કરું
જય જય પોપાબાઈ સરકાર!

Loading

વાંક

રવીન્દ્ર પારેખ|Opinion - Short Stories|14 July 2020

‘સારું છે. ચિંતા કરવા જેવું નથી.’ સુમિતાએ કહ્યું. ’કાલ સુધી તો મને પણ એમ હતું કે -‘

ચારુ એને જોઈ જ રહી હોત, પણ –

*

– પણ સુમિતાએ ચમત્કાર કર્યો હતો.

*

ચારુને થયું પણ ખરું કે તેણે અમસ્તી જ સુમિતા પર પસ્તાળ પાડી હતી –

’હું જોઈ રહી છું કે તમે ડેલિબરેટલી આમ -‘

‘લૂક, મિસિસ બક્ષી, તમે નકામી ચિંતા કરી રહ્યા છો. નિલયની કાળજી રખાય જ છે.’

‘મારા દીકરાને કંઈ થયુંને તો -‘

‘કંઈ નહીં થાય. વિશ્વાસ રાખો.’

‘વિશ્વાસ ક્યાંથી રાખું, ડોક્ટર મહેતા? નિલય મારો નાનો દીકરો છે. મોટા દીકરાને હું આજ હોસ્પિટલમાં -‘

રડી પડી હતી, ચારુ. સુમિતાએ ઊભા થઈને એને ખભે હાથ મૂક્યો હતો, પણ ચારુને એથી આશ્વાસન મળ્યું ન હતું. તેણે હાથ ઝટકી નાખતાં કહ્યું હતું, ‘તમે બરાબર જાણો છો કે હોસ્પિટલની શાખ બહાર કેવી છે? એ તો પ્રાઈવેટમાં આનો ટેસ્ટ થતો નથી એટલે અહીં આવવું પડ્યું, બાકી -‘

બહુ જ તુચ્છતાથી તેણે સુમિતા તરફ જોયું હતું. સુમિતાએ તેને બહુ કેઝ્યુઅલી લીધું હતું, ’મિસિસ બક્ષી, હોસ્પિટલ ગમે એટલી ખરાબ હોય તો પણ ટેસ્ટ અહીં જ થાય છે ને ટ્રીટમેન્ટ પણ …’

‘એટલે જ સ્તો! બાકી અહીં પગ કોણ મૂકે?’

‘મિસિસ બક્ષી, તમારે અહીં પગ મૂકવાનો જ ન હોય. ખબર નહીં, ક્યાં જોરે તમે અહીં છો, પણ પેશન્ટ સિવાય કોઈ સંબંધી અહીં એલાઉ નથી.’

‘તો પણ હું અહીં છું. એના પરથી પણ તમને મારાં સ્ટેટસનો ખ્યાલ …’

‘આપણે આ જ ચર્ચા કરવાની હોય તો નિલયની ટ્રીટમેન્ટ લંબાશે. એ ન થવા દેવું હોય તો તમે પ્લીઝ …’

– ને ચારુ ઝડપથી બહાર નીકળી ગઈ હતી. સુમિતા, નિલય તરફ વળી હતી. ચૌદનો મસ્ત છોકરો હતો. વાળ થોડા વધારે હતા ને ચહેરો એકદમ રૂપાળો –

પણ, એ ખાંસ્યો ત્યારે સમજાઈ ગયું કે તકલીફ ખાસી છે. તેની પાસે નેપ્કિન હતો તેનાથી તે નાક લૂંછયા કરતો હતો. નાકનું ટીચકું લાલ થઈ ગયું હતું. જોતાં જ ગમી જાય તેવો સોહામણો છોકરો હતો. સુમિતાએ ગમ્મતમાં તેના વાળ ખોરવી નાખ્યા, સિલ્કી હતા એટલે રહી રહીને ચહેરે સરકી આવતા હતા ને એ તેને એક તરફ માથું ઝટકીને પાછળ ધકેલ્યા કરતો હતો. તેના માથામાં સુમિતાએ વહાલથી હાથ ફેરવ્યો. તેનું કપાળ ગરમ હતું. સુમિતાએ નર્સને કહ્યું, ’ટેમ્પરેચર છે.’

‘એકસો એક.’નર્સે કહ્યું.

સુમિતાએ નિલયને પૂછ્યું, ‘બીક લાગે છે?’

‘મને તો નહીં,પણ મારી મોમને લાગે છે.’

એ હસ્યો.

‘એને બીવા દે, આપણે બીવાનું નથી. બરાબર?’

નિલયે હકારમાં ડોકું ધૂણાવ્યું, ‘જો દીકરા, હું એક ટેસ્ટ કરું છું. આ એક વાયર તારા નાકમાં ઉતારીશ. આઠેક દસ સેન્ટિમીટર અંદર. એને નાકમાં ગોળ ફેરવીશ. એવું જ બીજા નસકોરામાં કરીશ. જરા અનઇઝી લાગશે, એટલું જ! બીજું કંઈ નહીં થાય. આર યુ, રેડી?’

‘મેડમ, આ ટેસ્ટનું નામ …’

‘સ્વેબ ટેસ્ટ.’

ને ટેસ્ટ પોઝિટીવ આવ્યો.

એ દિવસથી સુમિતાની નોકરી જ જાણે નિલય થઈ બેઠો હતો. આમ તો તે એક પેશન્ટ માત્ર હતો, પણ સમય જાય છે તેમ તેમ કોઈ પણ પેશન્ટ નજીક લાગવા માંડે છે. એના તરફ ડોક્ટરનું ધ્યાન વધતું જતું હોય છે ને આ તો આવ્યો ત્યારથી જ નજીક થઈ ગયો હતો, તો અંતર રાખી રાખીને કેટલુંક રખાય! એને એકલો મૂકાય એવું હતું જ નહીં. એ બહુ બોલતો ન હતો. કદાચ, થોડો ડરી ગયો હતો, પણ કો-ઓપરેટ કરતો હતો.

પેરાસિટામોલની ખાસ અસર જ ન હોય તેમ તાવ ઉતરતો ન હતો ને ઉપરથી મિસિસ બક્ષીનો ટકટકારો ચાલુ જ હતો. જો કે એમાં એનો વાંક ન હતો. મોટા દીકરાને એ આ જ હોસ્પિટલમાં ગુમાવી ચૂકી હતી ને નિલયને તે ખોવા તૈયાર ન હતી. કઈ મા ખોવા તૈયાર હોય? મા તો એ પણ હતી જ ને! મા જ કેમ, બાપ પણ તો એ જ …

ત્યાં નિલયનો કણસાટ સંભળાયો ને તે દોડી હતી. કિટ સાથે દોડવાનું ફાવતું ન હતું, પણ પી.પી.ઈ. કિટ કમ્પલસરી હતી એટલે … બીજો કોઈ ઈલાજ ન હતો.

નિલયને શ્વાસ લેવામાં ખાસી તકલીફ પડી રહી હતી. તેણે માસ્ક પણ કાઢીને ફગાવી દીધું હતું. સુમિતાએ તેને પૂછ્યું, ’શું થાય છે, દીકરા?’

એ કંઈ બોલવા ગયો, પણ શબ્દો બહાર ન પડ્યા. સિસ્ટર જ્યોતિ આવી ચડી. તેણે બેડ પર ભેરવેલો ચાર્ટ  બતાવ્યો. એઝિથ્રોમાયસિનની એક ટેબ્લેટ આપવાનું મેં જ્યોતિને કહ્યું. તેણે નિલયને બેડ પર બેઠો કર્યો. એ તંદ્રામાં જ હતો. રહી રહીને તેની ડોકી ઢળી જતી હતી ને ઝબકીને જાગી જતો તો આમતેમ જોઇને વળી ઘેનમાં …

જો કે તે દવા ગળી ગયો હતો. થોડો હાંફતો પણ હતો. તેને જ્યોતિએ લીંબુપાણી આપવા કર્યું, પણ ન પીવાયુ.નીકળી ગયું. જ્યોતિએ નેપ્કિનથી તેનું ગળું સાફ કર્યું. જ્યોતિએ હાઈડ્રોક્સિક્લોરોક્વીન કાઢી ને નિલયને આપવા કરી, પણ સુમિતાએ તેને ઈશારો કરીને ના પાડી. ‘નિલય, કંઈ થાય છે?’ પણ તે જાણે તેનામાં જ ક્યાંક ઊંડે ઊતરી ગયો હોય તેમ સવાલ તેને પહોંચ્યો જ નહીં. સુમિતાએ તેને હલાવ્યો. પણ તે એમ જ પડી રહ્યો. તેના ગાલ થપથપાવ્યા. જરા હચમચાવ્યો, પણ તે રિસ્પોન્ડ કરતો ન હતો. સુમિતાએ જ્યોતિને કહ્યું, ‘ઉપર વેન્ટિલેટર ખાલી હશેને?’ જ્યોતિએ હકાર ભણ્યો,’ આને શિફ્ટ કરવો પડશે. ક્વિક!’

થોડી જ વારમાં બે વોર્ડ બોય સ્ટ્રેચર સાથે આવ્યા. નિલયને એ બંનેએ સ્ટ્રેચર પર લીધો ને ઉતાવળે લિફ્ટ તરફ વળ્યા. ડોક્ટર તે તરફ જતી જ હતી ત્યાં રમ્યા દોડતી આવી. તેની પાછળ સિસ્ટર સોલંકી પણ દોડતી પ્રવેશી. સુમિતાને ‘મમ્મી’ કહીને તે જોરથી વળગી જ પડી. સુમિતાએ તેને બાથમાં લેતાં કહ્યું, ‘કેમ આવી? તારી તબિયત સારી નથી. તારે બેડ પરથી ઉતરવાનું જ નથી ને તું-‘

સોલંકી બોલી, ‘મેમ, મેં બહુ સમજાવી એને, પણ માની નહીં.’

‘રમ્યા, ધીસ ઇસ નોટ ગૂડ.’

‘મોમ, હું પાછી નથી જવાની. તું બધાની ટ્રીટમેન્ટ કરે છે ને મારી જ -‘

‘એવું નથી, દીકરા. તું જુએ છેને! આ છોકરો ક્રિટિકલ થતો જાય છે. એને છોડીને તારી પાસે આવું તો સારું લાગે? મારું માન, હમણાં તારા વોર્ડમાં જા, પ્લીઝ! આને જરા સારું થશે કે હું તરત જ તારી પાસે આવી જઈશ.’

‘પ્રોમિસ?’

‘ગોડ પ્રોમિસ!’ સુમિતાએ ગળું પકડયું ને રમ્યાને માથે હાથ ફેરવ્યો. જરાકમાં તો રમ્યા, મનોરમ્યા બની ગઈ ને આગળ થઈ. સુમિતાએ સોલંકીને કહ્યું, ‘આને સાચવીને લઈ જા! હું થોડી જ વારમાં-‘

‘પ્લીઝ, આવજો, જરૂર. છોકરી હિજરાય છે.’

‘જરૂર આવીશ.’

પણ એ ન જઈ શકી.

એ આખી રાત નિલયને એટેન્ડ કર્યા સિવાય છૂટકો જ ન હતો. બાકી હતું તે ચારુ બક્ષીએ પૂરું કર્યું. એક તરફ નિલયની કથળતી જતી હાલત અને બીજી તરફ ચારુનો કાળો કકળાટ!

’ડોક્ટર, નિલયને કંઈ થયુંને તો હું આખી હોસ્પિટલને સુપ્રીમમાં ખેંચીશ. આવી ભંગાર હોસ્પિટલમાં ઈલાજ થાય જ કેવી રીતે તે જ નથી સમજાતું. આખો વોર્ડ કોઈ ટોઇલેટથી ય જાય તેવો છે ને અહીં ઈલાજ થાય છે, હં!’ ચારુએ ખભા ઉલાળતાં કહ્યું, ’અહીં એક દીકરો ખોયો છે, પણ બીજો…’

ચારુએ આંખો લૂંછી.

સુમિતાએ તેને ખભે હાથ મૂકતાં કહ્યું હતું, ’મિસિસ બક્ષી, તમારે જે કોર્ટમાં મને લઈ જવી હોય ત્યાં જરૂર લઈ જજો, હું ખુશીથી આવીશ, પણ અત્યારે તો કોઈ કોર્ટ ખુલ્લી નહીં હોયને! અત્યારે હોસ્પિટલ જ ખુલ્લી છે ને એમાં નિલયને બચાવવાની કોશિશ કરી રહી છું, તો મને કો-ઓપરેટ કરો, પ્લીઝ!’

એ વાતે ચારુ થોડી ઢીલી પડી હતી ને પછી તો કોઈ ભડકો જ્યોત બને એવું થયું હતું. ચારુ બહુ જ સૌમ્ય દેખાતી હતી. ગુસ્સો તેના દેખાવ સાથે જતો જ ન હતો, પણ સંપત્તિ જ કદાચ ક્રોધનું કામ કરી રહી  હતી. એવું જ નિલયનું હતું. એ એટલો ઋજુ અને શાંત હતો કે –

ઓક્સિજન પહોંચવામાં હજી તેને કોઈ મુશ્કેલી પડી રહી હોય એવું લાગતું હતું. એક ટ્યૂબ નિલયના ગળામાં ઉતારેલી હતી ને તેનો બીજો છેડો વેન્ટિલેટર સાથે જોડાયેલો હતો. સુમિતાએ ઓક્સિજન ટ્યૂબ ફરી ચેક કરી જોઈ. કાર્ડિયોગ્રામનું મોનિટરિંગ થતું હતું. પલ્સ ક્યારેક જતી રહેતી હતી. ક્યારેક તો એવું લાગતું હતું કે એની પોતાની પલ્સ રહી રહીને રમ્યા પાસે –

આખી રાત સુમિતાએ નિલયના બેડ પાસે જ કાઢી હતી. એકેય મટકું માર્યું ન હતું. ચારુ એ પણ આખી રાત લોબીમાં આંટા માર્યાં કર્યાં હતાં. ઘડીક બહારના બાંકડે બેસતી ને એકાદ ઝોકું આવી ચડતું તો તેમાં દૂરથી રડવાનો અવાજ નજીક આવતો ને એકદમ મોટો થઈ ઊઠતો હતો. તે ઝબકી પડતી હતી ને વળી આંટા મારવા લાગતી હતી. એકદમ જ ઉચાટ ઉભરાઈ પડતો હતો. રહી રહીને તેને ફાળ પડતી હતી કે –

વહેલી સવારે સિસ્ટર જ્યોતિ આઈ.સી.યુ.માંથી બહાર નીકળી ત્યારે ચારુએ દોડીને તેના હાથ પકડી લેતાં પૂછ્યું ,’સિસ, કેમ છે, નિલયને?’

એ એક સવાલના જવાબ ઉપર ચારુની આખી દુનિયા તોળાઈ રહી હતી. જ્યોતિએ ઉજાગરાવાળા ભારે અવાજે કહ્યું હતું,’ આમ તો સારું છે, છતાં ડોક્ટર જ વધારે કહી શકે.’

‘થેન્કયુ, સિસ!’

‘થેન્કયુ, મને નહીં, ડોક્ટર સુમિતા મહેતાને કહો. એ ન હોય તો તમારો દીકરો બચે નહીં. એમણે જીવ રેડી દીધો છે, તમારા દીકરામાં -’

‘યેસ, આઈ મસ્ટ થેન્ક હર! મારે એમને ‘સોરી’ પણ કહેવાનું છે.’

‘તમારે ‘સોરી’ કહેવું જ જોઈએ. કંઈ પણ જાણ્યા વગર તમે જે બોલ્યાં હતાં તે ઠીક નો’તું.’

‘યા ,યુ અર રાઈટ! આયેમ રિયલી વેરી સોરી.જો કે મારી કમેન્ટ હોસ્પિટલ માટે …’

‘તમને ખબર છે,ડોક્ટરની પોતાની ડોટર આ જ હોસ્પિટલમાં બીમાર છે અને એણે એને ટ્રીટ ન કરતાં નિલયને …'

‘વોટ?’

ચારુ ચમકી. તે સીધી બારણું ખોલીને અંદર જ ધસી ગઈ. સામે જ સુમિતા દેખાઈ. ચારુએ તેના હાથ પકડી લેતાં પૂછ્યું, ’કેમ છે, નિલયને?’

‘સારું છે. ચિંતા કરવા જેવું નથી.’ સુમિતાએ કહ્યું ,’કાલ સુધી તો મને પણ એમ હતું કે -‘

ચારુ એને જોઈ જ રહી હોત, પણ સિસ્ટર સોલંકી દોડતી આવી, ’ડોક્ટર,રમ્યા … ઈઝ … નો મોર …’

‘વોટ?’

ચારુ રડી પડી!

૦૦

પ્રગટ : “જલારામદીપ”, જુલાઈ 2020ના વાર્તા વિશેષમાં પ્રકાશિત વાર્તા

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...2,3072,3082,3092,310...2,3202,3302,340...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved