Opinion Magazine
Number of visits: 9680808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોલ બાપુ !

મનીષ શિયાળ|Poetry|19 July 2020

મનિયો; સાચેસાચું બોલ બાપુ !
‘હિંસા’
એટલે
કે
‘‘યુદ્ધ એ જ કલ્યાણ' સર્વોચ્ચ પરમ્ ધર્મ’’ની
વિચારધારાથી અંતરાઈને
ક્યાં છૂપાઈ બેઠો છે ?
કોઈએ કહ્યું;
કે – એ
ઉત્તર-દખણ, પૂરબ-પશ્વિમ
'સત્ય-અહિંસા એ જ ધર્મ’ની
આડ લઈ બેઠો છે,
મનિયો; તે આટલી બીક કોની હેં, બાપુ !
બાપુ; હું છૂપાયો નથી
પણ હા …
મને છૂપાવાઈ છે
સત્ય અને અસત્ય વચ્ચે
હિંસા અને અહિંસા વચ્ચે
એથી જ
હું, ડરું છું,
ગોડસેની હિંસકવાદી ગોળીથી
રાજકારણની અસત્યવાદી બોલીથી
ને
પૈસો મારો પરમેશ્વરા'દીથી
એ…એ… મારી અહિંસા સાથે
બળજબરીથી
દુષ્કર્મ આચરી
એને ગર્ભવતી કરી
હિંસાના સંતાનો ઉત્પન્ન કરવા મથે છે.

e.mail : Shiyalmanish1996@gmail.com

Loading

લાંબા અને સુખી જીવનની નગીનદાસ સંઘવીની ઇકિગાઈ:

રાજન ગાંધી, રાજન ગાંધી|Opinion - Opinion|19 July 2020

ગયા રવિવારે [12.07.2020], ૧૦૧ વર્ષની ઉંમરે અવસાન પામેલા ગુજરાતી કટાર-લેખક નગીનદાસ સંઘવીએ બહુ બધા લોકોએ પ્યારથી શ્રદ્ધાંજલિઓ આપી એનું કારણ એમનું લખાણ કે વિચારો ન હતા (ગુજરાતીઓ મૂળભૂત રીતે પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ વિરોધી છે). બહુ જૂજ લોકોએ એમના બૌદ્ધિક કામની નોંધ લીધી, પણ મોટાભાગના લોકો તેમની શતાયુ ઉંમરથી અભિભૂત હતા. એ પણ કોઈ નાની સિદ્ધિ નથી. ૧૦૦ વર્ષ જીવવું એ આપણે ત્યાં હજુ નવાઈનો વિષય નથી, પરંતુ આપણે હવે જે ભેળસેળવાળી આધુનિક જીવન શૈલીમાં જીવીએ છે, તેમાં એક વ્યક્તિ સંપૂર્ણપણે તંદુરસ્ત અને મનદુરસ્ત હોય, તે વાત દુર્લભ બનતી જાય છે.

નગીનદાસ સંઘવીની બૌદ્ધિક ક્ષમતાને જેમ આપણે સમજવાની કોશિશ નથી કરી, તેમ તેમની શતાયુને પણ 'ચમત્કાર'ના ખાનામાં મૂકીને આપણે આગળ વધી ગયા છીએ. આપણે અટકીને તેની વાત કરવા જેવી છે, કારણ કે નગીનદાસ સંઘવીની બૌદ્ધિક ક્ષમતા ૧૦૦ વર્ષ સુધી અકબંધ હતી તેનું કારણ તેમની જીવન શૈલીમાં છે. માત્ર શરીરથી લાંબુ જીવવાની વાત નથી. બહુ ઓછા લેખકો મોટી ઉંમરે મનથી તંદુરસ્ત હોય છે. કાં તો તે લખવાના નામે ઢસરડો કરીને વાચકો પર ત્રાસ ગુજારતા હોય છે (કારણ કે બીજો વિકલ્પ નથી) અથવા અનેક શારીરિક-માનસિક બીમારીઓનો ભોગ બનીને આસપાસમાં લોકોને કનડતા હોય છે.

સંઘવી સાહેબ આ બન્ને મોરચે સફળ રહ્યા, અને આપણે એમાંથી ઘણું શીખવા જેવું છે. મોટાભાગના લોકો એવું માને છે કે બુદ્ધિ અચળ છે. મતલબ કે તમે એને લઈને પેદા થાવ છો અથવા એકવાર વિકસાવી લો, પછી તે કાયમ માટે સ્થાયી થઈ જાય, પરંતુ હકીકતમાં બુદ્ધિ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, અને તમે તમારી આદતો, આહાર, નિત્યક્રમ, સંબંધો, પ્રયાસો, માનસિકતા અને વાતાવરણમાં જેમ જેમ બદલાવ લાવો, તેમ તેમ તમારું મગજ થોડાં-થોડાં વર્ષોએ નવેસરથી 'રચાતું' રહે, અને તમારી બુદ્ધિ તે પ્રમાણે વધતી રહે, નવી સ્થિતિને અનુકૂળ થતી રહે. મોટા ભાગના લેખકો અમુક વર્ષો પછી અથવા મોટી ઉંમરે બેવકૂફીઓ કરવા લાગી જાય છે અને ખુદની જ બુદ્ધિની બેઇજ્જતી કરવા લાગી જાય છે, કારણ એ કે તેમણે તેમનાં મગજનું રિ-વાયરિંગ કરવાનું બંધ કરી દીધું છે. 'સાઠે બુદ્ધિ નાઠે' એટલા માટે જ આવી છે.

ભારતમાં સરેરાશ આયુષ્ય ૬૮.૩ વર્ષ છે, પરંતુ જાપાનના ઓકીનાવા આઈલેન્ડમાં દુનિયાની સૌથી લાંબુ જીવતી પ્રજા રહે છે. ઓકિનાવા જાપાનની દક્ષિણ દિશામાં અનેક આઈલેન્ડનો સમૂહ છે, જેને સૂચક રીતે ‘અમર લોકોની જમીન’ કહેવાય છે. અહીં અત્યાર સુધી ત્યાં ૬૦૦ લોકો એવા મળ્યા છે, જે ૧૦૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. દુનિયામાં લાંબુ જીવવાવાળા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. તેમાંથી ત્રીજા ભાગના લોકો ૯૭ વર્ષની વય સુધી સ્વતંત્ર રીતે જીવતા હતા. મતલબ કે તેઓ જાતે જ બધું કામ કરતા હતા અને પોતાની સંભાળ રાખતા હતા. બાકી દુનિયાના લોકોની સરખામણીમાં ઓકિનાવાના લોકોની વયવૃદ્ધિ ધીમી છે અને તેમને હૃદયરોગની બીમારી થવાની તકો ૮૦ ટકા ઓછી છે. અહીં હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસનો દર દુનિયામાં સૌથી ઓછો છે. ૧૯૭૦ સુધી ત્યાં એકપણ દવાખાનું ન હતું, કારણ કે ગામલોકો ભાગ્યે જ બીમાર પડતા હતા.

તો, ઓકિનાવાના આ બડી નહીં, પણ લાંબી જિંદગીવાળા બાબુ મોશાયોનું રહસ્ય શું છે? સાદો જવાબ એ છે કે એ રોજ દારુ પીને ચકનાચૂર થઇ જતા નથી. તમાકુ ખાતા-પીતા નથી. ડબ્બામાં ભરેલાં અથાણાં કે પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ ઝાપટતા નથી. પૈસા કમાવાની લાહ્યમાં સ્ટ્રેસ અને અનિન્દ્રાનો ભોગ બનતા નથી. તેમણે નશીલા પદાર્થો શોધ્યા નથી કે સોફામાં બેસી રહીને ટેલિવિઝન જોયા કરવાનું શીખ્યા નથી. વાહનોના નામે હજુ ય સાઈકલો ફેરવે છે અને પગપાળા ચાલે છે. તેમણે હજુ બે બેડરૂમ-હોલ-કિચનના ફ્લેટ કે વૃદ્ધાશ્રમો બાંધ્યા નથી. અને હા, ‘ચાલશે, ફાવશે અને ગમશે’ એ તેમનો જીવનમંત્ર છે – એ લોકો ગુસ્સો, પીડા, ભય અને ઉચાટને ગળી જાય છે.

તેમની આ તંદુરસ્તી અને મનદુરસ્તીનું રહસ્ય ‘ઇકિગાઈ’ નામની ધારણામાં છે. આપણે જેમ સહજ વાતચીતમાં કહીએ છીએ કે ‘મારે શાંતિ જોઈએ છે’ અથવા ‘મારે સુખ જોઈએ છે,’ તેવી રીતે ઓકિનાવાના લોકો ‘મારી ઈકીગાઈ ક્યાં છે?’ અથવા ‘તમને ઇકિગાઈ મળી?’ તેવા સવાલો પૂછે છે. ઇકિગાઈ જાપાનીઝ લોકોના લાંબા અને સુખી જીવનની ફિલોસોફી છે. ઇકિગાઈ બે શબ્દોથી બન્યો છે; ઇકિ (જીવન) અને ગાઈ (ઉદેશ્ય). તમે કોણ છો અને શા માટે જીવો છો, તે બે સવાલોના જવાબમાં દરેકની ઇકિગાઈ નક્કી થાય છે. ઓકિનાવાના લોકોની જીવન ફિલોસોફીમાં એક સવાલ હોય છે: સવારે ઊઠવાનું પ્રયોજન શું? આના જવાબમાં તેમની ઇકિગાઈ છે. વ્યાપક સંદર્ભમાં, તેને જીવનનો ઉદેશ્ય અથવા જીવનનો આનંદ લેવાનું પ્રયોજન પણ કહી શકાય.

ઇકિગાઈ આપણે જે પણ કામ કરીએ છીએ, તેના ગૌરવ પર ભાર મૂકે છે – ચાહે તે ખેતરમાં હળ ચલાવવાનું હોય કે ચિત્રો દોરવાનું હોય. કામ પ્રત્યેના આવા સમર્પિત અભિગમથી આપણી અંદર જે વિશેષતા છે, તે બહાર આવે છે અને તેની સાથે આપણે કામને કઈ રીતે જોઈએ છીએ, તેની પર પણ અસર કરે છે. ઇકિગાઈની ફિલોસોફી પ્રમાણે, કામ કરવાનું લક્ષ્ય પૈસા કમાવાનું નથી, બલકે કામ પોતે જ એક લક્ષ્ય છે. હિંદુ કર્મના સિદ્ધાંત પ્રમાણે, કામ કરવું જ્યારે સર્વોચ્ચ લક્ષ્ય બની જાય, ત્યારે એ સુખ અને સંતોષનું સાધન બની જાય છે.

જાપાનના સેન્ડાઈની તોહોકુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઓસાકા શહેરના ૫૦ હજાર રહેવાસીઓનો અભ્યાસ કરીને તારણ આપ્યું હતું કે જે લોકોએ તેમના જીવનમાં ઇકિગાઈને શોધી હતી, તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ હતું અને હૃદય સંબંધી બીમારીઓ ઓછી હતી તેમ જ તેઓ વધારે સક્રિય હતા અને જીવનનો આનંદ વધુ માણતા હતા.

તમે જો જાપાનના રાજ કપૂર ગણાતા ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ફિલ્મોના શોખીન હો, તો તેમની એક જાણીતી ફિલ્મ ‘ઇકિરુ’માં કાન્જી વતાનાબે નામના મધ્ય-વયસ્ક વિધુર માણસની કહાની છે. તેને ત્રણ દાયકાની કંટાળાજનક સરકારી નોકરી પછી અચાનક ભાન થાય છે કે તેની પાસે જીવવા માટે એક જ વર્ષ બચ્યું છે, અને તે તાબડતોબ જીવન જીવવાનો હેતુ શોધવા લાગી જાય છે. ‘ધ ડેથ ઓફ ઇવાન ઈલિચ’ નામની નવલકથા આધારિત આ ફિલ્મનું ટાઈટલ ‘ધ લાઈફ ઓફ કાન્જી વતાનાબે’ હતું, પરંતુ કુરોસાવાએ તેનું નામ ‘ઇકિરુ’ રાખ્યું, જેનો અર્થ થાય છે ‘જીવવું.’ તેના પરથી જ ઇકિગાઈ શબ્દ આવ્યો છે – જેને ખરેખર ઉત્તમ જીવવું હોય, તેણે તેની ઇકિગાઈ શોધવી જોઈએ.

નગીનદાસ સંઘવીએ ‘ચિત્રલેખા’ સામાયિકમાં હિરેન મહેતાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, "હું લાંબુ જીવ્યો છું, અને ખાતરીપૂર્વક કહું છું કે બહુ આનંદથી જીવ્યો છું. અનેક ચઢાવ-ઊતાર જોયા છે. વેઠ્યું પણ ઘણું છે, પરંતુ એવું તો અનેક લોકોની સાથે થાય છે. મને તેની ફરિયાદ નથી. હું પહેલવાન નથી. માણસ સરખી રીતે જીવે, તો આપણું શરીર લાંબું લાંબું જીવવા સર્જાયું છે. અકુદરતી જીવન, આખા દહાડાની હાયવોય, વધારે પડતી અપેક્ષા, એના માટેનો સંઘર્ષ વગરે શરીરને નુકશાન પહોંચાડે છે. આપણું શરીર એક ટીમની જેમ કામ કરે છે. મારા શરીરના બધાં અંગો એકમેક સાથે સરખો સંવાદ સાધીને રહે છે એટલે હું લાંબું જીવી શક્યો છું.”

આ સંવાદ નગીનદાસ સંઘવીની ઇકિગાઈ હતી.

(જાપાનીઝ ફિલોસોફી ‘ઈકિગાઈ’ પર ટૂંકમાં જ આર.આર. શેઠ તરફથી પુસ્તક આવી રહ્યું છે.)

Loading

ચલ મન મુંબઈ નગરી—53

દીપક મહેતા|Opinion - Opinion|18 July 2020

લંગોટી વિનાના સાધુ અને મુંબઈનું અણમોલ રતન ગોરધનબાપા

મારે તો રોજ જન્માષ્ટમી, નવા દરદી આવે તે દિવસ મારી જન્માષ્ટમી

મહાજન સંસ્કૃતિના પ્રતિનિધિ સર હરકિસનદાસ નરોત્તમદાસ

‘એ તો લંગોટી વિનાના સાધુ છે, મુંબઈનું અણમોલ રતન છે.’ ખુદ ગાંધીજીએ જેમને માટે આ શબ્દો કહ્યા હતા તેવા એક અનોખા માણસની અને જે સંસ્થાને તેમણે પોતાની આખી જિંદગી આપી દીધી એ સંસ્થાની થોડી વાત. જેમને ખીજતાં વાર નહિ, પણ રીઝતાં ખાસ્સી વાર લાગે એવા, બાંયો ચડાવેલી ચેતના જેવા, સ્વામી આનંદે લખ્યું છે : ‘એમને માટે તો આ ઈસ્પિતાલ જ ચોવીસ કલાકની ઉપાસના ને તમામ સેવા-પૂજા, ભજનભક્તિનું ઠેકાણું છે. દરેક રોગી એમનો ઠાકોરજી છે.’ એક વાર એક જાણીતા શેઠ હોસ્પિટલમાં દાખલ થયા. ઓપરેશન કરાવ્યું. એ વખતે શ્રાવણ મહિનો ચાલતો હતો. શેઠને તારીખ-વારનો ખ્યાલ નહોતો રહ્યો. પૂછ્યું : ‘જન્માષ્ટમી ક્યારે છે, આજે કે કાલે?’ જવાબ મળ્યો : ‘મારે તો રોજ જન્માષ્ટમી. મારા આ મંદિરમાં રોજ ઘણા નવા આવે. એ મારા દેવ, ને આવે તે દિવસ મારી જન્માષ્ટમી.’

ગોરધનબાપા

એમનું નામ ગોરધનદાસ ભગવાનદાસ નરોત્તમદાસ. પણ એ નામે તો તેઓ પોતે ય પોતાને ન ઓળખે. બધા એમને ગોરધનબાપા તરીકે જ ઓળખે. ધોતિયા ઉપર ધોળો લોંગ કોટ, માથે કાળી ટોપી. જુઓ તો તમને વહેમ પણ ન જાય કે આ માણસ ડોક્ટર હશે. એ જમાનાના શેર બ્રોકર જેવા દેખાય. ૧૯૬૩માં માતાની માંદગી વખતે આ લખનારે નજરોનજર જોયું છે. રોજ સવારે અને સાંજે, બે વખત, ગોરધનબાપા હોસ્પિટલના એકેએક દરદી પાસે જઈને તેના ખબરઅંતર પૂછે, ફરિયાદ હોય તો સાંભળે. હોસ્પિટલના સ્ટાફને સ્પષ્ટ સૂચના એટલે ગોરધનબાપા દરદી કે તેનાં સગાંવહાલાં સાથે વાત કરતા હોય ત્યારે ડોક્ટર, નર્સ, વગેરે થોડે દૂર જ ઊભાં રહે, જેથી કાંઈ ફરિયાદ હોય તો દરદી કે સ્વજન વિના સંકોચ વાત કરી શકે. દરદીની કોઈ ઇચ્છા સંતોષી શકાય એવી હોય તો તરત એ અંગે સ્ટાફને સૂચના આપે. દર વર્ષે દિવાળીમાં દરેક રૂમ અને વોર્ડને તોરણ, દીવા, સાથિયા વગેરેથી શણગારાય, જેથી દિવાળીમાં ઘરે ન હોવાનો દરદીઓનો વસવસો ઓછો થાય. 

૧૮૮૭માં જન્મ. પિતા વિઠ્ઠલદાસ ડોક્ટર. સુખી, સંપન્ન કુટુંબ. પણ ગોરધનભાઈ ચાર વરસના થયા ને માતા ગુમાવ્યાં. થોડાં વરસ પછી પિતાનું પણ અવસાન. પછી મોસાળમાં ઉછર્યા. મામા ભગવાનદાસ નરોત્તમદાસનું ૧૯૦૯માં અવસાન થયું ત્યારે ગોરધનદાસ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ભણતા હતા. ૧૯૧૩માં ડોક્ટર થયા. તે પહેલાં લગ્ન થઈ ગયેલાં. પણ ૧૯૩૦માં પત્ની મદનબહેનનું પ્રસૂતિ દરમ્યાન અવસાન. બંનેનું દામ્પત્ય જીવન ટૂંકુ, પણ ખૂબ સુખી. નિકટના મિત્ર અને પ્રખર ગાંધીવાદી કિશોરલાલ મશરૂવાળાએ તેમના લગ્ન જીવનને પંડિત જગન્નાથ અને તેમનાં પત્નીની દંતકથા સાથે સરખાવ્યું છે. પત્નીના અવસાન વખતે ગોરધનભાઈની ઉંમર ૪૩ વરસની. એ જમાનામાં આ ઉંમરે બીજું લગ્ન સામાન્ય ગણાતું. સગાંવહાલાંના આગ્રહ છતાં બીજાં લગ્ન ન જ કર્યાં. બસ, હવે તો હોસ્પિટલ એ જ ઘર અને દરદીઓ એ જ સગાંવહાલાં. કશી હાયવોય નહિ, કોઈ ફરિયાદ નહિ, કોઈ વાતે અસંતોષ નહિ. ઊલટાના કહેતા કે ઈશ્વરનો મારા પર કેટલો અસીમ ઉપકાર ને પ્રેમ છે કે દુનિયાની માયાજાળમાંથી છોડાવી મને આ માનવસેવાના પવિત્ર કામમાં જોડ્યો છે. હોસ્પિટલ મારું વિશ્રામસ્થાન બની છે. બસ, બાયોડેટામાં લખાય એવું બીજું કશું નહિ. વર્ષો સુધી એ જ હોસ્પિટલ, એ જ સેવા. ૧૯૭૫ના માર્ચની ૧૩મી તારીખે અવસાન. પણ તેમની અખંડ સેવાની સુવાસ દિલ્હી સુધી પહોંચી અને ભારત સરકારે ૧૯૬૫માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા. અવસાન પછી મુંબઈની મ્યુનિસિપાલિટીએ હોસ્પિટલ નજીક, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ અને રાજા રામમોહન રોય રોડના ક્રોસિંગને પદ્મશ્રી ગોરધનબાપા ચોક નામ આપ્યું. હોસ્પિટલમાં પણ તેમનું બાવલું મૂકવામાં આવ્યું.

પણ આ હોસ્પિટલ કઈ? આ હોસ્પિટલ એટલે ગિરગામ વિસ્તારની પ્રખ્યાત સર હકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ. મૂળ તો બાળકો અને સ્ત્રીઓ માટેની હોસ્પિટલ શરૂ કરવા માટે સર હરકિસનદાસે મુંબઈ સરકારને એક લાખ રૂપિયાનું દાન આપેલું. પણ કોણ જાણે કેમ એવી હોસ્પિટલ બંધાઈ નહિ. તેને બદલે થાણામાં મેન્ટલ હોસ્પિટલ બાંધીને સરકારે તેની સાથે હરકિસનદાસના પિતા નરોત્તમદાસનું નામ જોડ્યું. પછીથી રોજિંદી જરૂરિયાતો ત્યાંના દરદીઓને પૂરી પાડવા માટે તેમણે બીજા ત્રીસ હજાર આપ્યા. પણ એટલેથી સંતોષ ન થયો એટલે વિલમાં પોતાનો નરોત્તમદાસ મેન્શન નામનો પેડર રોડ પરનો આલિશાન બંગલો હોસ્પિટલ માટે દાનમાં આપતા ગયા અને તે માટે કેટલીક રકમ પણ અલગ રાખતા ગયા. પણ એટલી રકમમાંથી હોસ્પિટલ શરૂ કરવાનું શક્ય નહોતું. એટલે સર હરકિસનદાસનાં પત્ની લેડી માનકોરબાઈએ પણ પોતાના વિલમાં આ કામ માટે પોણા ચાર લાખ રૂપિયાની જોગવાઈ કરી. વખત જતાં સર હરકિસનદાસના પેડર રોડ પરના બંગલામાં હોસ્પિટલ શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ. પણ અમારા વિસ્તારમાં હોસ્પિટલ નહિ જોઈએ એવો વિરોધ એ વિસ્તારના લોકોએ કર્યો એટલે મ્યુનિસિપલ કમિશનરે હોસ્પિટલ માટે પરવાનગી ન આપી. એ બંગલો એટલે આજના ડી.જી. દેશમુખ માર્ગ પર આવેલી વિલા થેરેસા હાઈ સ્કૂલની મૂળ ઈમારત!

એક જમાનામાં જાણીતો બંગલો, આજની જાણીતી સ્કૂલ

પછી કેટલાંક કારણો સર એ વખતે જેની કિંમત ચાર લાખ રૂપિયા જેટલી હતી તે બંગલો માત્ર અઢી લાખમાં વેચી નાખવો પડ્યો. હોસ્પિટલ માટે પ્રાર્થના સમાજ નજીક ચર્નિ રોડ (આજનો રાજા રામમોહન રોય માર્ગ) પર યોગ્ય જમીન મળતાં ૧૯૧૮ના એપ્રિલની ૨૯મી તારીખે ઈમારતનો શિલારોપણ વિધિ થયો. જાહેર પ્રજા પાસેથી પણ લગભગ બે લાખ રૂપિયા દાનમાં મળ્યા. ભોંયતળિયું અને પહેલો માળ બંધાઈ રહેતાં ૧૯૨૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ઉદ્ઘાટન થયું. તે વખતે તેમાં માત્ર ૪૦ દરદીઓ માટેની સગવડ હતી. તેમાંથી ૨૦ બિછાનાં તદ્દન મફત સારવાર માટે અનામત રાખ્યાં હતાં, છ બિછાનાં અડધા દરે સારવાર માટે રાખ્યાં હતાં અને ૧૪ પૂરા દરે સારવાર માટે રાખ્યાં હતાં. અને છતાં શરૂઆતમાં ફક્ત ત્રણ દરદી જ દાખલ થયા. કારણ એ વખતે લોકો માનતા કે હોસ્પિટલમાં જવું એટલે મોતને ભેટવા જવું! પણ પછી લોકોને ભરોસો બેઠો અને બિછાનાં ઓછાં પડવા લાગ્યાં. હોસ્પિટલનો વિકાસ થતો ગયો, નવા નવા વિભાગ ઉમેરાતા ગયા. માત્ર મુંબઈની જ નહિ, દેશની અગ્રણી સખાવતી હોસ્પિટલોમાં સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલની ગણના થવા લાગી. (આ હોસ્પિટલના જુદા જુદા પ્રસંગે પ્રગટ થયેલાં સુવિનરની નકલ સુલભ કરી આપવા માટે હિમાંશુ મુનિનો આભારી છું.)

હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ, ૧૯૫૦માં

ઓગણીસમી અને વીસમી સદીનાં પહેલાં પચાસ-સાઠ વરસ સુધી આપણે ત્યાં ‘સામાજિક કાર્યકર’નો અલગ વર્ગ અસ્તિત્વમાં આવ્યો નહોતો. મહાજન સંસ્કૃતિની પરંપરા પ્રમાણે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શ્રેષ્ઠીઓ પોતાની ફરજ સમજીને શક્તિ પ્રમાણે સમાજને ઉપયોગી થાય તેવાં કામ કરતા, તેવી સંસ્થાઓ ઊભી કરતા, કે કરવામાં મદદ કરતા. સર હરકિસનદાસ નરોત્તમદાસ પણ વ્યવસાયે વેપારી. સોરાબજી શાપુરજી બંગાળીના ભાગીદાર. દેશ-વિદેશની મોટી મોટી ઓફિસના ગેરેન્ટેડ બ્રોકર. પડછંદ કાયા, ગોરો વાન, સ્વભાવ ગુલાબી. મુંબઈમાં આવીને વસવાની પહેલ કરનાર ગુજરાતીઓમાંના એક શેઠ રૂપજી ધનજીના વંશજ. ઈ.સ. ૧૬૯૨માં દીવ બંદરેથી આવીને રૂપજીશેઠ મુંબઈમાં વસ્યા હતા. તો કેટલાક કહે છે કે તેમનું વતન ઘોઘા હતું અને તેઓ ત્યાંથી મુંબઈ આવ્યા હતા. એક જમાનામાં પાયધોનીથી ધોબી તળાવ સુધીની બધી જમીન તેમની માલિકીની હતી એમ કહેવાય છે. પિતા નરોત્તમદાસ અને કાકા વરજીવનદાસ વચ્ચે ભારે સુમેળ. વેપારમાં, સામાજિક કાર્યોમાં, ધરમ-દાનમાં બંને સાથે. ૧૮૭૪માં પ્રગટ થયેલા મુંબઈનો બહાર નામના પુસ્તકમાં રતનજી ફરામજી વાછા લખે છે : ‘આ બેઉ ભાઈઓ સ્વભાવે જો કે ઘણા જ એકમાર્ગી દેખાય છે તો પણ પ્રજા ઉપયોગી જાહેર કામોમાં આગેવાની લેવાની પોતાથી બનતી કોશિશ કરવાનું ચુકતા નથી, અને તે અંગે ઝાઝો ઘોંઘાટ મચાવ્યા વિના પોતાના તરફથી થોડી કે ઘણી જે પણ સખાવત આપે છે તેને જેમ બને તેમ છૂપી રાખવા ચાહે છે, અને તેથે કરી આલમની જાણમાં તે સાહેબોએ ખર્ચેલો પૈસો આવી શકતો નથી, માટે છૂપા ધરમનું જેટલું પુણ્ય તેઓને હાસલ થાય છે તે ઉપર જ તેઓ સંતોષ પામતા માલુમ પડે છે.’ (સરળતા ખાતર ભાષા-જોડણી મૂળનાં ન રાખતાં આજની રીતે કરી લીધાં છે.)

સર હરકિસનદાસ નરોત્તમદાસ

કહેવાય છે કે હરકિસનદાસ એટલા તો દેખાવડા હતા કે શેફર્ડ નામના અંગ્રેજ મ્યુનિસિપલ કમિશનરે તેમને કહ્યું હતું કે હું જો સ્ત્રી હોત તો તમને જ પરણત. ૧૯૦૮ના માર્ચ મહિનામાં સર હરકિસનદાસનું અવસાન થયું. પણ કહ્યું છે ને કે સમય સમય બળવાન હૈ … ધીમે ધીમે મહાજન સંસ્કૃતિનું સ્થાન કોર્પોરેટ કલ્ચરે લીધું. લગભગ દરેક કામમાં સેવાને બદલે નફો મુખ્ય હેતુ બન્યો. પરિણામે આપણી આસપાસનું ઘણું બદલાયું, હજી બદલાતું જશે. સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ આજે હવે ‘સર એચ.એન. હોસ્પિટલ બની ગઈ છે અને વચમાં ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ શબ્દો ઉમેરાઈ ગયા છે. ૨૦૦૬માં આ હોસ્પિટલ રિલાયન્સ ફાઉન્ડેશને હસ્તગત કરી. સાત માળની અસલ ઈમારત જેમની તેમ રાખીને પાછળ નવી ઈમારત ઊભી કરી. અનેક અદ્યતન સગવડો પણ ઉમેરી. ૨૦૧૪ના ઓક્ટોબરની ૨૫મી તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ૩૪૫ ખાટલા સાથે આજે તે મુંબઈની એક અગ્રણી ‘મલ્ટી-સ્પેશિયાલિટી’ હોસ્પિટલ બની રહી છે.

આજની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ

સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ અંગેનો એક પ્રસંગ કાયમ માટે યાદ રહી ગયો છે. ત્રીસેક વરસ પહેલાંની વાત છે. દિલ્હીથી એક મિત્રે તેમનું નવું પુસ્તક ભેટ મોકલ્યું. પણ મુંબઈમાં પાંચ-સાત મિત્રોને મોકલવાનું હતું એટલે બધી નકલ એક જ વ્યક્તિને મોકલી. બીજાની જેમ મને પણ ફોન કરીને કહ્યું કે ફલાણાં બહેનને નકલો મોકલી છે. ફોન કરીને તમારી નકલ મેળવી લેજો, સરનામું પણ તેમને જ પૂછી લેજો. કર્યો ફોન. બહેન કહે, હા નકલો આવી છે. તમે આવીને લઈ જાવ. મેં સરનામું પૂછ્યું. એમણે લખાવ્યું, પણ રોડનું નામ હતું રાજા રામમોહન રોય રોડ. એટલે મેં કહ્યું કે બહેન, આ તો ઘણો લાંબો રસ્તો છે, કોઈ લેન્ડ માર્ક કહેશો? બહેને પૂછ્યું : ‘તમે હરકિસનદાસ હોસ્પિટલ જોઈ છે?’ તરત મારા મોઢામાંથી તીરની જેમ શબ્દો છૂટ્યા : બહેન, આ દુનિયામાં મેં સૌથી પહેલી કોઈ જગ્યા જોઈ હોય તો તે હરકિસનદાસ હોસ્પિટલ!’ આ સાંભળીને બહેન ગિન્નાયાં, કારણ તેમને લાગ્યું કે હું તેમની મશ્કરી કરું છું. મને એનો ખ્યાલ આવી ગયો એટલે તરત કહ્યું : ‘બહેન, મારો જન્મ જ એ હોસ્પિટલમાં થયો છે, એટલે એમ બોલાઈ ગયું. પછી પુસ્તક લેવા તેમને ઘરે ગયો ત્યારે તેમણે એ હોસ્પિટલ અંગે ઘણી વાતો કરી, કારણ તેઓ તેની સામેના એક મકાનમાં વર્ષોથી રહેતાં હતાં.

અને છેલ્લે એક વાત. કેટલાંક અઠવાડિયાંથી આપણે હિન્દુસ્તાનની પહેલી ફિલ્મ, એના બનાવનાર, એ જ્યાં રિલીઝ થઈ તે કોરોનેશન થિયેટર વિષે, અને તેમના ગિરગામ સાથેના સંબંધ વિષે વાતો કરી. તો આ સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ પણ એ જ ગિરગામ વિસ્તારનું, મુંબઈનું, એક ઘરેણું. આવતે અઠવાડિયે હજી ગિરગામ, કે બીજે ક્યાં ય? ન જાણ્યું જાનકી નાથે …

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 જુલાઈ 2020

Loading

...102030...2,2992,3002,3012,302...2,3102,3202,330...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved