Opinion Magazine
Number of visits: 9572127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીઓનાં ફાટેલાં જીન્સમાં અટવાતી ભારતની ૨૧મી સદી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 March 2021

ઉત્તરાખંડના નવનિયુક્ત મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતે એક વિવાદસ્પદ બયાન સાથે તેમની  ઇનિંગ શરૂ કરી છે. મંગળવારે રાજ્યના બાળ સંરક્ષણ પંચના એક કાર્યક્રમમાં ભાગ લેતાં તેમણે કહ્યું હતું કે ફાટેલાં જીન્સ પહેરતી સ્ત્રીઓ દેશની સંસ્કૃતિ બગાડી રહી છે. ખુદનો અનુભવ વર્ણવતાં મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "હું એક દિવસ જયપુરથી વિમાનમાં આવી રહ્યો હતો. મારી બાજુમાં એક બહેનજી બેઠી હતી. મેં એની તરફ જોયું તો નીચે ગમ બૂટ પહેર્યા હતા. ઉપર જોયું તો ઘૂંટણ સુધી જીન્સ ફાટેલી હતી. તેની સાથે બે બાળકો હતાં. સ્ત્રી એન.જી.ઓ. ચલાવતી હતી. જો આવી સ્ત્રી સમાજમાં લોકોને મળવા અને તેમની સમસ્યાઓ ઉકેલવા જાય, તો સમાજને અને આપણા બાળકોને કેવો સંદેશો મળે?"

રાવતે એ મહિલા તેનાં સામાજિક કાર્ય મારફતે સમાજને અને બાળકોને શું સંદેશો આપે છે તે કહેવાને બદલે તેના ફાટેલા જીન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેને અરુચિકર ગણાવીને સોશ્યલ મીડિયામાં તેમની ભારે નિંદા કરવામાં અને હાંસી  ઉડાડવામાં આવી હતી. અનેક સ્ત્રીઓએ ખુદનાં ફાટેલાં જીન્સ પહેરેલા ફોટા પોસ્ટ કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો. સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને 'ચિંતા' કરવાવાળા રાવત પહેલા રાજકરણી નથી (અને છેલ્લા પણ નહીં હોય). ભારતના રાજકારણીઓ સંસ્કૃતિના પતનનું કારણ સ્ત્રીઓનાં વસ્ત્રોમાં શોધતા રહ્યા છે.

૨૦૧૬માં, તત્કાલીન કેન્દ્રીય પ્રવાસન મંત્રી મહેશ શર્માએ પર્યટકોને સ્કર્ટ નહીં પહેરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે પર્યટકોને એરપોર્ટ પર જ એક ‘વેલકમ કીટ’ આપવામાં આવી રહી છે, જેમાં તેમણે શું કરવું અને શું ન કરવું તેની સૂચનાઓ છે. મહેશ શર્માએ અપરાધીઓ માટે કોઈ ‘પનીશમેન્ટ કીટ’ જાહેર કર્યાનું જાણમાં નથી. સમાજવાદી પાર્ટીના મુંબઈના નેતા અબુ આઝમીને પણ સ્ત્રી વિરોધી અપરાધોમાં વસ્ત્રોનો વાંક દેખાયો હતો. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ ઉઘાડાં વસ્ત્રો પહેરે છે એટલે પુરુષોનું ધ્યાન ખેંચાય છે અને બળાત્કાર થાય છે. આઝમી સાહેબ એમાં કહેવા માંગતા હતા કે બળાત્કાર થાય તેની જવાબદારી પુરુષોની નથી, સ્ત્રીઓની છે.

સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને પુરુષ રાજકારણીઓને જ ‘તકલીફ’ છે એવું નથી. આ એક સામાજિક માનસિકતા છે. આવા સ્ત્રી-વિરોધી પૂર્વગ્રહો સ્ત્રીઓમાં પણ છે. દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસની નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચની સભ્ય આશા મિર્જેએ તેમાં નિર્ભયાને જ દોષિત ઠેરવી હતી.

મિર્જેએ પાર્ટીની મહિલા પાંખને સંબોધતા કહ્યું હતું, “નિર્ભયાએ તેના મિત્ર સાથે રાતે ૧૧ વાગે ફિલ્મ જોવા જવાની જરૂર હતી? આપણે સાચવવું જોઈએ. આપણે જાતને સવાલ પૂછવો જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ અને ત્યાં જવું ખરેખર જરૂરી છે?”

કોઈ એવો તર્ક કરે કે આવાં વિધાનો પાછળનો હેતુ સ્ત્રીઓના રક્ષણનો છે, પરંતુ અપરાધ કે સામાજિક મૂલ્યોને સ્ત્રીઓનાં વસ્ત્રો સાથે જોડી દેવાં એ પછાતપણું છે. તાલીબાનો એટલા માટે તો સ્ત્રીઓને બુરખામાં ઢાંકી રાખતા હતા અને તેનું ઉલ્લંઘન કરતી સ્ત્રીઓને જાહેરમાં કોરડા ફટકારતા હતા. ગમે તેવાં વસ્ત્રો હોય, સ્ત્રી વિરોધી અપરાધો અને હિંસા દુનિયામાં દરેક જગ્યાએ બનતી ઘટના છે. તેને વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી. ઇન ફેક્ટ, જીન્સ તો સ્ત્રીઓનું એક શક્તિશાળી હથિયાર પણ છે.

દુનિયામાં દર વર્ષની ૨૯મી એપ્રિલે ‘ડેનિમ ડે’ મનાવવામાં આવે છે. ૯૦ના દાયકામાં ઇટાલીમાં એક ડ્રાઈવિંગ શિક્ષકને બળાત્કારના આરોપમાંથી છોડી મુકાયો હતો, કારણ કે સુપ્રીમ કોર્ટે એવો તર્ક કર્યો હતો કે પીડિતાએ જીન્સ પહેરેલું હતું, અને તે બળત્કારમાં સરળતાથી નીચે ન ઉતરે, તેને પીડિતાએ જાતે જ ઉતાર્યું હશે, જેનો અર્થ બળાત્કાર નહીં પણ સહમતીથી સેક્સ થાય છે. આ ચુકાદાનો ખૂબ વિરોધ થયો. ઈટાલિયન સંસદમાં સ્ત્રીઓ જીન્સ પહેરીને ગઈ.

તેમના સમર્થનમાં કેલિફોર્નિયા સેનેટ અને એસેમ્બલીમાં જીન્સ પહેરવામાં આવ્યાં હતાં. આનાથી પ્રેરાઈને લોસ એન્જેલસની એક નારીવાદી સંસ્થાએ ૧૯૯૯માં ‘ડેનીમ ડે’ની સ્થાપના કરી હતી. તે દિવસથી લઈને દુનિયામાં દર વર્ષે અંદાજે ૧૨ કરોડ લોકો જાતીય હિંસાના વિરોધમાં ડેનિમ જીન્સ પહેરે છે.

બદનસીબે, ભારતમાં સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને ઘણી રૂઢિચુસ્તતા છે. એક તરફ આપણે સ્ત્રીઓને દેવી અને શક્તિનો અવતાર ગણાવીને તેનાં ગુણગાન ગાઈએ છીએ અને બીજી તરફ આપણે તેના પર પરિવાર, સમાજ, રાષ્ટ્રની ઈજ્જતનો ભાર નાખીને તેના શરીરને શરમનું પ્રતીક માનીએ છોએ. પૂરા માનવ ઇતિહાસમાં સ્ત્રીઓને તેમનાં શરીરને લઈને અલગ-અલગ પ્રકારના અનુભવ કરાવામાં આવ્યા છે. આપણે સિનેમામાં સ્ત્રી-શરીરના ‘ઓબ્જેક્ટિફિકેશન’ (વસ્તુકરણ) સામે બૂમો પાડીએ છીએ, પરંતુ આપણા રોજીંદા જીવનમાં અને સાસ્કૃતિક મૂલ્યોમાં આપણે સ્ત્રીને તેના શરીરથી આગળ જોવા તૈયાર નથી. એમાં ત્રણ કારણોનો ઇતિહાસ છે :

એક, પ્રાચીન સમયથી લઈને સ્ત્રીને એક મનુષ્ય ઓછી અને શરીર તરીકે વધુ ગણવામાં આવી છે. એટલા માટે પૌરાણિક કથાઓમાં સ્ત્રી તપોભંગ કરનારી છે.

બે, સ્ત્રીનું શરીર શરમનું મૂળ છે. પ્રાચીન સમયથી જ સ્ત્રી શરીરને ઢાંકવા વસ્ત્રો પહેરે છે, જ્યારે પુરુષ શરીરનું રક્ષણ કરવા વસ્ત્રો પહેરે છે. બાળકીઓને જન્મથી જ શરીરને ઢાંકવાનું શીખવાડવામાં આવે છે. એટલા માટે આપણે સ્તનપાન જેવી સૌથી શુદ્ધ અને નિર્દોષ ક્રિયા પણ કામુકતાનો વિષય બની ગઈ છે.

ત્રણ, સ્ત્રીઓનાં  વસ્ત્રો ધ્યાન ખેંચવા માટે હોય છે. બહુ બધા લોકો આ ગેરસમજ પાળે છે કે સ્ત્રીઓ એટેન્શન મેળવવા માટે જ ફેશનેબલ વસ્ત્રો પહેરે છે. અમુક અંશે એ સાચું પણ છે, પરંતુ સ્ત્રીઓ ખુદને સારું લાગે એટલા માટે પણ ફેશન કરતી હોય છે. સ્ત્રીઓ બધું પુરુષોને ધ્યાનમાં રાખીને કરે છે તે પુરુષપ્રધાન માનસિકતા છે.

વસ્ત્રોને લઈને સ્ત્રીઓની મુસીબત દરેક સમાજમાં છે. સાર્વજનિક બાબતો અભ્યાસ કરતા વોશિંગ્ટન સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટરે ૧૯૮ દેશોના કરેલા એક સર્વેક્ષણમાં ખબર પડી હતી કે ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ૫૬ દેશોની સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોના કારણે સામાજિક-ધાર્મિક વિરોધ સહન કરવો પડ્યો હતો. ૬૧ દેશોની સરકારોએ સ્ત્રીઓ માટે ડ્રેસ-કોડ જારી કર્યા હતા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં ભારત આવેલા ખ્રિસ્તી મિશનરીઓને ભારતીય ગ્રામીણ સ્ત્રીઓ અર્ધનગ્ન લાગતી હતી. કેરળમાં સ્ત્રીઓ તેમના સ્તન ઢાંકતી ન હતી. મિશનરીઓએ તેમને લાંબા વસ્ત્રો પહેરાવાનું શીખવાડ્યું હતું. ૧૯૪૭ સુધીમાં, ખાસ કરીને ભદ્ર વર્ગની ભારતીય સ્ત્રીઓનાં વસ્ત્રોનું પશ્ચિમીકરણ થઇ ગયું હતું. આખા હાથના બ્લાઉઝ અને પેટીકોટ અંગ્રેજોની દેન છે, જેને મોટા ભાગની સ્ત્રીઓએ અપનાવી લીધા હતા. આજે ભલે પશ્ચિમના સમાજને બુરખા સામે વિરોધ હોય, પણ યુરોપમાં સ્ત્રીને પગથી માથા સુધી ઢાંકવાનો એક આખો વિક્ટોરિયન ઇતિહાસ છે. પ્રાચીન ભારતમાં માથે ઓઢવાની પ્રથા ન હતી. અગાઉ મુસ્લિમ અને પછી બ્રિટિશ શાસકોના પ્રભાવમાં ‘આઘું કાઢવા’ની પરંપરા આવી હતી. 

સ્ત્રીને જ્યારે ‘સંપત્તિ’ અને ‘ઇજ્જતની રખેવાળ’ માનવામાં આવે, ત્યારે તેની લૈંગિકતા પર નિયંત્રણ રાખવાની વાત પણ આપોઆપ આવી જાય. સ્ત્રીનાં વસ્ત્રોને લઈને સમાજને આટલી બધી સનક છે, કારણ કે મૂળભૂત રીતે સમાજ એવું માને છે કે પુરુષમાં જે વિકાર ઉત્પન્ન થાય છે, તે સ્ત્રીના શરીરના કારણે થાય છે. પ્રાચીન કાળમાં મેનકાના નાચના કારણે પુરુષનું મન વિચલિત થતું હતું. ૨૧મી સદીમાં વિમાનમાં ફાટેલાં જીન્સ પહેરીને ઉડતી સ્ત્રીના કારણે સંસ્કાર જોખમાય છે.

સ્ત્રીના શરીર સાથે આટલા બધા વળગાળથી અકળાયેલી એક્ટ્રેસ પ્રોતિમા બેદીએ ૧૯૭૪માં મુંબઈના જુહુ બીચ પર વસ્ત્રો કાઢી નાખીને નગ્ન દોડ લગાવી હતી. એ નિર્ણયનો ખુલાસો કરતાં બેદીએ કહ્યું હતું, “મારી છાતી, મારા શરીર અને મારા સ્ત્રી હોવાને પુરુષો જે રીતે વિચારતા રહેતા હતા એનાથી હું કંટાળી ગઇ હતી. મારી અંદરની સ્ત્રીની કોઇને કદર ન હતી. મને સ્ત્રી હોવાનો સતત અહેસાસ કરાવવામાં આવતો હતો. હું એક પુરુષની જેમ સિગારેટ પણ ન ખરીદી શકું. એક સામાન્ય પુરુષ માટે જે આમ વાત હોય, તે હું ના કરી શકું. કેમ? મારામાં આ રોષ ભરાયો હતો, અને એક દિવસ નક્કી કર્યું કે દુનિયાને મારું શરીર બતાવી જ દઉં કે જુવો આ બધું છે અંદર!”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 માર્ચ 2021

Loading

નટવર ભટ્ટ : શાયરીની દુનિયાનો અલગારી વણઝારો ….

અજય પાઠક|Opinion - Opinion|30 March 2021

તાજેતરમાં ‘ગુલિસ્તાઁ-એ-શાયરી’ મૂલ્યવાન ગ્રન્થના સંપાદક તથા ભાવક શ્રેષ્ઠ “નટવર ભટ્ટ”નું વડોદરા ખાતે દુઃખદ નિધન થયું. પત્રકારણમાં લાંબી કારકિર્દી ધરાવનાર નટવર ભટ્ટ સાહિત્યનો લગાવ ધરાવતા હતા અને તેનો અનોખો ઉન્મેષ તેમના સંપાદનમાં સુપેરે પ્રગટે છે. ડિસેમ્બર, ૨૦૧૯માં પૃ. ૭૩૬, હાર્ડબાઉન્ડ ગ્રન્થમાં નટવર ભટ્ટે પોતાનું સમગ્ર જીવનસંગીત પ્રગટ કરી દીધું છે. ગ્રન્થમાં મૂલ્ય-દર્શાવ્યું છેઃ શૅરો-શાયરીનો લગાવ. ભાવયિત્રી પ્રતિભાની આવી શબ્દસાધના જવલ્લે જ જોવા મળે છે. ૭૩૬ પૃષ્ઠોમાં ૭૨૯ શૅર મૂકવામાં આવ્યો છે. વિષયવાર વર્ગીકરણ કરીને મૂક્યા છે. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ભાષાઓમાંથી પસંદગીપૂર્વકના મૂક્યા છે. પૃષ્ઠમાં છ-સાત કે આઠ શૅર લેખે ૭૨૯ પૃષ્ઠોમાં કુલ શૅર કેટલા થાય તે જોવું પણ રસપ્રદ. ૧૦૪ વિષયોમાં વર્ગીકરણ નોંધપાત્ર. અને શાયરો? જોશ મલિહાબાદી, જિગર મુરાદાબાદી ફિરાક ગોરખપુરી, નિદા ફાઝલી, કૈફી આઝમી, સાહિર લુધિયાનવી વગેરે, કેટલાં ય નામો જોવા મળે. છ દાયકાથી વધુ સમય કામ કરીને લાખો શેરમાંથી પસાર થઈને જેમાં જિન્દગી જોવા મળી તેવા શેર પસંદ કર્યા છે. નટવર ભટ્ટનું આ કામ નોંધવું જોઈએ અને તપસ્વીને ભાવભરી અંજલિ અર્પણ કરવી જોઈએ.

ભાવનગરની બાર્ટન લાઈબ્રેરીને ‘ગુલિસ્તાઁ-એ-શાયરી’ પુસ્તક ભેટ ધરવા માટે સંપાદકે મને કામ સોંપ્યું હતું તે ધન્ય સ્મરણ છે.

નટવર ભટ્ટ પોતાના અભ્યાસકાળથી શબ્દપ્રીતિ ધરાવનાર પ્રતિભા હતા. હજુ અભ્યાસ પૂરો કરે તે પહેલાં ઈ.સ. ૧૯૪૭માં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકમાં તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થવા લાગી હતી. ઈ.સ. ૧૯૫૦માં ‘જનશક્તિ’ દૈનિક શરૂ થતાં એમાં ‘સમાજનાં વહેણ’ નામક વિભાગનું સંપાદન કર્યું. સમર્પણ, અભિષેક, અખંડ આનંદ, વિરાટ જાગે, સ્ત્રી સાપ્તાહિક, લોકતંત્ર, પ્રજાતંત્ર, લોકસત્તા, આસ્થા, પરમતત્ત્વ વગેરે સામયિકોમાં લેખો, વાર્તાઓ લખતા રહ્યા. ‘કવિ રહીમ’ પરિચય પુસ્તિકા લખી, ૧૯૭૪માં. ૧૯૭૬માં અમીર ખુસરો વિશે નાનકડું પુસ્તક કર્યું.

ઈ.સ. ૧૯૮૦-૮૧માં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકમાં ‘ઉર્દૂ શાયરીનું ગુલશન’ વિભાગનું સંચાલન કર્યું.

ઈ.સ. ૧૯૫૦થી શૅરશાયરીનો ગાઢ લગાવ થયો. સેંકડો પુસ્તકો આત્મસાત કર્યા. પોતાની સંવેદનાને અહીં તેમણે પ્રતિબિંબિત થતી અનુભવી. જીવનનો મર્મ અને ધર્મ શાયરીમાં જોયો. ગુજરાતી, હિંદી, ઉર્દૂ ભાષાના કવિઓને અનેક મુશાયરામાં માણ્યા. પોતાની આ સુગુંધયાત્રાની મહેંક સૌમાં વહેંચવા, પ્રસરાવવા ‘ગુલિસ્તાઁ-એ શાયરી’ પુસ્તક સંપાદિત કર્યું જેમાં સૌ ભાવકોને ઊંડા ઉતરવા ઇજન આપવાની એમની ભાવના રહી હતી.

આઁખે વિષય પર લગભગ ૭૨ શૅર પ્રસ્તુત કર્યા. મીરના બે શૅર જોઈએ :

૧.  રહતે હો તુમ આઁખોં મેં ફિરતે હો તુમ્હીં દિલમેં
મુદત સે અગરચે યહાઁ આતે હો ન જાતે હો.

૨. આઁખેં જો ખુલ રહી હૈં મરને કે બાદ મેરી
હસરત યહ થી કિ ઉનકો મૈં એક નિગાહ દેખુઁ.

ભાવભરી શ્રદ્ધાંજલિ પ્રસ્તુત છે.

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 06

Loading

દિલ્હી હવે કેન્દ્રશાસિત

રમેશ સવાણી|Opinion - Opinion|30 March 2021

કેન્દ્ર સરકાર એટલે કે વડા પ્રધાન; દિલ્હીના સી.એમ. કેજરીવાલને ચૂંટણીમાં પરાસ્ત ન કરી શક્યા અને ભવિષ્યમાં પરાસ્ત કરી શકાશે નહીં એવી ગળા સુધી ખાતરી થવાથી વડા પ્રધાન હવે એલ.જી. મારફતે કેજરીવાલની પાંખો કાપી લેવા આતુર બની ગયા છે ! દિલ્હીના બોસ કોણ : સી.એમ. કે એલ.જી. ? દેશની રાજધાની દિલ્હીમાં હવે મુખ્ય મંત્રીને શહેરના ‘મેયર’ જેટલી જ સત્તા રહેશે; એટલે કે નામની જ સત્તા રહેશે ! હવે બધા આખરી નિર્ણયો સી.એમ. નહીં પણ એલ.જી. – લેફ્ટનન્ટ ગવર્નર – ઉપરાજ્યપાલ લેશે ! ૧૫ માર્ચ ૨૦૨૧ના રોજ સંસદમાં ‘દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર શાસન સંશોધન વિધેયક-૨૦૨૧’ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે! આ બિલ મંજૂર થતાં ‘નોમિનેટેડ’ એલ.જી. પાવરફૂલ બનશે; અને ઈલેકટેડ સી.એમ. સત્તાહીન બનશે !

સવાલ એ છે કે લોકશાહીમાં સર્વોચ્ચ કોણ; નોમિનેટેડ કે ઇલેકટેડ? કેજરીવાલને પોતાની ભૂલ નડી રહી છે. જ્યારે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-૩૭૦ હટાવી બે રાજ્યોનું સર્જન કર્યું ત્યારે કેન્દ્ર સરકારના તે નિર્ણયને કેજરીવાલે સમર્થન આપ્યું હતું. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે જે કર્યું હતું તે હવે કેજરીવાલ સાથે થઈ રહ્યું છે ! તેમની સત્તા નિયંત્રિત થઈ રહી છે ! બિલની જોગવાઈ મુજબ ‘સરકાર એટલે એલ.જી.’ ! કેજરીવાલ કહે છે કે તો પછી ચુંટાયેલી સરકારની જરૂર શું છે? વડા પ્રધાને દિલ્હી વિધાનસભાની ચૂંટણી વેળાએ પોતાના ઘોષણાપત્રમાં કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. પરંતુ વડા પ્રધાનને, દિલ્હી વિધાનસભામાં માત્ર ૮ બેઠકો મળી એટલે વડા પ્રધાનનું મન ખાટું થઈ ગયું છે !

આ બિલની મુખ્ય જોગવાઈઓ શું છે?

[1] મંત્રીમંડળ જે નિર્ણય કરે તે પૂર્વે / કોઈ નિર્ણય લાગુ પાડતા પૂર્વે એલ.જી.ની ‘સલાહ’ લેવી પડશે !

[2] એલ.જી. એ બાબતો નક્કી કરશે કે કઈ કઈ બાબતોમાં પોતાની સલાહ લેવી!

[3] દિલ્હી વિધાનસભાએ બનાવેલ કોઈ પણ કાયદામાં ‘સરકાર એટલે એલ.જી.’ માનવાનું રહેશે !

[4] દિલ્હી વિધાનસભા કે તેની કોઈ સમિતિ વહીવટી નિર્ણયોની તપાસ કરી શકશે નહીં; આવા નિયમો બનાવેલ હોય તે બધા રદ્દ થઈ જશે !

[5] દરેક ફાઈલ એલ.જી. પાસે જશે. દિલ્હી વિધાનસભા એલ.જી.ને પૂછ્યા વિના કોઈ કાયદો કે નિયમો બનાવી શકશે નહીં !

[6] દિલ્હી વિધાનસભાએ પસાર કરેલ બિલને એલ.જી. મંજૂરી નહી આપે જે વિધાનસભાના ક્ષેત્ર બહારનું હોય ! આવા બિલને એલ.જી. રાષ્ટ્રપતિની વિચારણા માટે રીઝર્વ રાખી શકશે !

[7] દિલ્હી વિધાનસભાનું કામકાજ લોકસભાના નિયમો મુજબ ચાલશે. વિધાનસભામાં જે વ્યક્તિ હાજર ન હોય; તેની આલોચના કરી શકાશે નહીં !

ટૂંકમાં, દિલ્હીમાં વિધાનસભા / મંત્રીમંડળ / સી.એમ. હોવા છતાં તે કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે ! કેજરીવાલને અપંગ બનાવવા માટેનું જ આ બિલ છે તેમ સ્પષ્ટ થાય છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૪ જુલાઈ ૨૦૧૮ના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતું :

[1] એલ.જી. મંત્રીમંડળની સલાહથી કામ કરશે. જો કોઈ અપવાદ હોય તો તે બાબત રાષ્ટ્રપતિને મોકલશે; અને જે નિર્ણય રાષ્ટ્રપતિ લે તેનો અમલ કરશે. એટલે કે એલ.જી. પોતે કોઈ નિર્ણય સ્વતંત્રપણે નહીં લે.

[2] બંધારણના આર્ટિકલ-૨૩૯  એએ મુજબ મંત્રીમંડળ પાસે એક્ઝિક્યુટિવ પાવર્સ છે.

[3] મંત્રીમંડળ ‘સ્ટેટ સૂચિ’ અને ‘સંયુક્ત સૂચિ’માં જે વિષય છે તેમાં ત્રણ અપવાદ છોડીને બાકીની બાબતોમાં સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકશે.

[4] કાયદો-વ્યવસ્થા / પોલીસ / જમીન આ ત્રણ બાબતો સિવાય ‘રાજ્ય સૂચિ’માં જે વિષયો છે તે અંગે રાજ્ય સરકાર કાયદો બનાવી શકે છે.

[5] રાજ્ય સરકાર જે કંઈ નિર્ણય કરે તે અંગે એલ.જી.ને માહિતગાર કરશે; પરંતુ એલ.જી.ની સહમતી જરૂરી નથી.

[6] અપવાદ તરીકે કોઈ બાબતને એલ.જી. રાષ્ટ્રપતિને મોકલી શકે; પરંતુ દરેક બાબતને નહીં ! આર્ટિકલ-૨૩૯ એએ ક્લોઝ-૪ માં અપવાદની વ્યાખ્યા આપેલ છે; તે મુજબ એલ.જી. કામ કરશે.

૧૯૯૧માં બંધારણમાં ૬૯મો સુધારો કરી આર્ટિકલ – ૨૩૯ એએની જોગવાઈ કરી હતી; જેમાં દિલ્હીને પોતાના એમ.એલ.એ. ચૂંટવાનો અધિકાર મળ્યો હતો. દિલ્હી માટે વિધાનસભાની વ્યવસ્થા કરવામાં આવી, અને જાહેર વ્યવસ્થા / પોલીસ /જમીન એ ત્રણ બાબતો સિવાય ‘રાજ્ય સૂચિ’માં જે વિષયો છે તે અંગે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે; સુપ્રીમકોર્ટની બંધારણીય બેંચના જજમેન્ટને રદ્દ કરવા આ બિલ રજૂ કર્યું છે. વડા પ્રધાનનું આ પગલું; સમવાયતંત્રની ભાવના / લોકશાહી વ્યવસ્થા / બંધારણ વિરુદ્ધનું છે. વડા પ્રધાન એલ.જી. મારફતે દિલ્હી સરકાર ચલાવવા ઈચ્છે છે; એટલે કે વાંકી આંગળીએ સત્તાનું ઘી કાઢવા ઈચ્છે છે ! વડા પ્રધાન પોતે સંસદના પગથિયે ભલે માથું ઝુકાવે; વાસ્તવમાં લોકશાહી મૂલ્યો અને બંધારણને કચડી નાખવાની એક પણ તક છોડતા નથી !

(લેખક નિવૃત્ત આઈ.જી.પી. છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 04

Loading

...102030...1,9481,9491,9501,951...1,9601,9701,980...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved