Opinion Magazine
Number of visits: 9676173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોબાઇલમાં મોદીસરકારનો આતંક?

ભરત મહેતા|Opinion - Opinion|31 July 2021

‘હરહર મોદી, ઘરઘર મોદી' સૂત્ર તો સાંભળ્યું હતું, પરંતુ હવે મોબાઇલ મોબાઇલ મોદી સાંભળવા મળે તો નવાઈ નહીં!

અત્યારે માધ્યમોમાં પેગાસસ પ્રોજેક્ટ ગાજી રહ્યો છે. મોદીસરકારની દશા આપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે. એ હા કે ના કંઈ જ બોલી શકતા નથી. અત્યાર સુધી તો એ પેલાં ફિલ્મી સંવાદની માફક ‘મન કી બાત’ કરતા હશે કે ‘મેરે પાસ પેગાસસ’ છે, પણ દુનિયાના મોટા માધ્યમ સમૂહોએ મળીને એક ઘટના પર્દાફાશ કરી છે, જેણે દુનિયામાં ભારે વિવાદ સજ્ર્યો છે. ૧૮ જેટલા માધ્યમ સમૂહો જેમાં ‘ગાર્ડિયન’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ વગેરે છે, એમણે દિવસો સુધી કામ કરી, અનેક મોબાઇલની ફૉરેન્સિક તપાસ કરી એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે, જેમાં લગભગ પચાસ હજાર મહત્ત્વની વ્યક્તિના ફોનમાં આ વાઇરસ મળી આવ્યો છે! પત્રકારનું લૉકેશન જાણીને ખૂન થયું હોય કે ફાતિમા જેવી આંદોલનકારીને બ્લૅકમેઇલ કરાયાના વૈશ્વિક દાખલા છે. જેનો એક રેલો ભારત સુધી પણ આવી પહોંચ્યો છે. ભારતમાં ત્રણ હજાર વ્યક્તિઓની યાદી બહાર આવી છે! બાકી તો રામ જાણે કેટલા હશે!

માનવ-અધિકાર અને લોકતંત્ર પરનો હુમલો એ મોદી સરકારનું જાણીતું લક્ષણ છે. બસ, હવે સમયાંતરે એમ જ નવાં ઉદાહરણો ઉમેરાતાં જાય છે. જે ઇઝરાયેલની કટ્ટરતાવાદી સરકાર સાથે સંઘ-ભા.જ.પ.ને સુદીર્ઘ સમયથી સુંવાળું સંવનન ચાલે છે એના નવજાત સમાચાર આ પેગાસસ પ્રોજેક્ટ રૂપે મળ્યાં છે. ઇઝરાયલની NSO કપનીનું આ સૉફ્‌ટવેર છે. જે પચાસ વ્યક્તિઓના મોબાઇલના છઠ્ઠા માલિક તમને ૬૦ કરોડમાં બનાવી આપે છે. સરકાર કહે છે કે અમે આ જાસૂસી કરાવી નથી, તો આટલા પૈસા કોણ ખર્ચી શકે? તો સરકાર કહે છે કે એનો જવાબ આપવો દેશની સુરક્ષા માટે જોખમ છે! અરે! ભાઈ તો આટઆટલા કર્મશીલોનું જીવન ધૂળધાણી કોણ કરી શકે? એ માટે નિષ્પક્ષ તપાસપંચ નીમો, તો સરકાર એ પણ સ્વીકારતી નથી! શું આ વાત જ દેશની સુરક્ષા પર ખતરો નથી? વળી, યાદીમાં મોટા ભાગનાં વ્યક્તિઓ મોદીવિરોધી છે. તેથી પ્રતિરોધ કરનારને દબાવવાનો એમાં દાવ છે, જેમાં રાહુલ ગાંધી, પ્રવીણ તોગડિયાથી માંડી મોદીનો વિરોધ કરનાર ચૂંટણી કમિશનર અશોક લવાસા પણ છે! કેટલાક નેતાના રસોઇયા કે ડ્રાઇવર સુધ્ધાં છે. જો આ અંગે સરકાર કશું ન કરે તો સુપ્રીમ કોર્ટે તાકીદે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવી રહી.

યાદીમાં મોટા ભાગની વ્યક્તિઓ એવી છે કે જેમણે જિંદગીમાં ય એક ગુનો નથી કર્યો. જ્યારે ગ્રેટા થનબર્ન કે રિયાનાએ કિસાન આંદોલન વિશે હરફ સરખો જ ઉચ્ચાર્યો, ત્યારે અંધભક્તો, પત્રકારોથી માંડી સેલિબ્રિટિઝે આ દેશની અંદરની વાત છે, એમ કહીને ગોકીરો મચાવેલો, એ અત્યારે ચૂપ છે. આ પેગાસસ વાઇરસની માહિતી આપનાર એડવર્ડ સ્નોડેને આ વાઇરસને કોરોના કરતાં પણ વધુ સંક્રામક ગણાવ્યો છે. એની સામેની રસી લોકજાગૃતિ સિવાય બીજી કોઈ નથી, એમ કહ્યું છે. આ વાઇરસ વૉટ્‌સએપ દ્વારા કમ્પ્યૂટર, લૅપટૉપ, મોબાઇલમાં ઘૂસી શકે છે. તરત જ તમારી સઘળી માહિતી લઈને સામે પહોંચાડે છે. મિત્રો સાથેની વાતચીત, ફોટોગ્રાફથી માંડી નાણાકીય વિગતો પણ, પાસવર્ડ જાણી લે છે. એ અર્થમાં આ ખતરનાક સાઇબર વાઇરસ છે. નવી માહિતી ઉમેરી પણ દે છે! ભીમા કોરેગાંવના કર્મશીલોના કમ્પ્યૂટરમાંથી કે ઉમર ખાલિદના લૅપટૉપમાંથી એ જણાતાં ન હોય તેવાં દસ લાખ દસ્તાવેજો મળ્યા હતાં. એનો મૂળ કલાકાર આ વાઇરસ હોઈ શકે.

સુધા ભારદ્વાજ, સ્ટેઇન સ્વામી કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર આ યાદીમાં છે એ જ બતાવે છે કે સરકાર પોતે નિર્દોષ હોવાની વાત કરે છે તે સ્વાભાવિક જ શંકાસ્પદ છે! ભા.જ.પ.ના નેતા સુબ્રહ્મમણ્યમ્‌ સ્વામી કહે છે કે સરકાર નિષ્કલંક હોય તો NSOને કોને પૈસા આપ્યા એ બતાવી દે! ચોકીદાર ચોર વિશે કંઈ જ ન બોલે તો ચોકીદાર ચોર હોવાનું માની ન શકાય? આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્ર સરકાર મગનું નામ મરી પાડતી નથી, ત્યારે વિજય રૂપાણી કે યોગી આદિત્યનાથ ‘આંતરરાષ્ટ્રીય કાવતરું’ ગણાવી બચાવમાં લાગી ગયા છે. ભાઈ! આંતરરાષ્ટ્રીય કાવતરું જ છે, પણ કાવતરાખોર કોણ? NSOની માલિકી શિરી દોલોવ કહે છે કે અમે માત્ર સૉફ્‌ટવેર વેચીએ છીએ. જુદાં-જુદાં રાષ્ટ્રોની ગુપ્તચર એજન્સીઓ ખરીદે છે. અત્યાર લગી પપ રાષ્ટ્રોએ આ સૉફ્‌ટવેર ખરીદ્યું છે. આતંકવાદીઓ અને અપરાધીઓને પકડવામાં સરળતા રહે એ માટે આ સૉફ્‌ટવેર છે. જ્યારે એમેઝોનના માલિક જેફ વિઝોઝના ફોનમાંથી જ્યારે આ વાઇરસ મળી આવ્યો. ત્યારે પણ શિરી દોલોવે આ જ કહેલું, ‘અમે જાસૂસી કંપની નથી. અમે ટેક્‌નોલૉજી વિકસાવી છે. જવાબદારને પકડી સજા કરો.’ તો આ શિરી દોલોવ ભારત વિશે અધિકૃત નિવેદન ક્યારે આપશે ?

‘ગાર્ડિયન’ સંપાદકીયમાં આ પ્રોજેક્ટને સરકારી આતંકવાદની સંજ્ઞા અપાઈ છે. કંપની આ સૉફ્‌ટવેરમાંથી કરોડો નાણાં મેળવે છે અને સરકારો પ્રતિરોધ કરનારને દબાવી દેવા માટે એને ઉપયોગ કરે છે! મોદી ઍન્ડ કંપની જેમને ‘આંદોલનજીવી’ ગણાવે છે, એમના તરફનો રોષ આ શબ્દોમાં પ્રગટ થયો છે એ આનો ઉપયોગ ન કરે તો જ નવાઈ! સંસદને વંદન કરનાર વડા પ્રધાન હવે સાબિત કરે કે આ સૉફ્‌ટવેર એમણે નથી વાપર્યું અને કોણે વાપર્યું છે. પ્રતિ મહિને ૯,૦૦૦ ફોન પર સરકારી તપાસ ચાલી રહી છે, એ આવી રીતે બધાને દબાવી દેવાનો જ ખેલ ગણાય. ક્ષણ માત્રમાં હવે તમારા ફોનમાં માહિતી નાંખી તમને દેશદ્રોહી સાબિત કરી શકશે. આ યાદીમાં ભારતના ૪૦થી વધુ અત્યંત નોંધપાત્ર પત્રકારો પણ છે. તમે રસીનું રજિસ્ટ્રેશન કરાવો, આરોગ્યસેતુ એપ નાંખો અને તમારામાં પણ પેગાસસ વાઇરસ મોકલવો હોય, તો મોકલી શકાય. વાઇરસ તમારાં ફોનમાં ઘૂસી કૅમેરા, માઇક ઑન પણ કરી શકે છે. એમેઝોનના માલિક પરેશાન થયા ત્યારે ‘આ ઘટના અમારા માટે કલંક છે’, કહેનાર NSO ભારતમાં આ કલંક કરનાર કોણ છે, તે શોધવામાં મદદ કરે! મને તો અત્યારે પેલું ગીત યાદ આવે છે – ‘દો જાસૂસ, કરે મહેસૂસ, દુનિયા બડી ખરાબ હૈ!’

સવેળા તપાસ કરી મોદી સરકારે જાસૂસ સરકાર નથી, એ સાબિત કરવું પડશે.

°°°

પગેરું અને પરિણામો

આજે પેગાસસ વાઇરસના સમાચારોની ગડગડાટી મીડિયા-આકાશમાં વીજળીના ચમકારા સાથે સંભળાઈ રહી છે. સરકાર એટલી ગભરાઈ રહી છે કે આ ઘટનાનો પર્દાફાશ કરનાર મીડિયાસંસ્થા પર છાપા મારી રહી છે. જે ‘ભાસ્કર’ જૂથે મોદી ઉદયમાં ફાળો આપેલો એ જૂથ પર (મોતના સાચા આંકડા બદલ) ઠેર-ઠેર દરોડા ચાલુ થતાં એને અચ્છે દિનનો અર્થ સમજાઈ રહ્યો છે. દુનિયાની જે સમાચાર સંસ્થાઓએ મળીને આ ઘટનાને ઉઘાડી પાડી એમાં ભારતની વાયરસંસ્થા છે. તરત જ ‘ધ વાયર’ પર પણ સરકારી છાપા ચાલુ થયા છે. સરકારની બદ્દ દાનતનો પુરાવો એક બાબતમાંથી મળે છે જે પેગાસસનું પગેરું ગણી શકાય.

રાષ્ટ્રીય સુરક્ષાપરિષદના એક વિભાગમાં બજેટ એકાએક દસ ગણું કરાયું છે! બધી જ બાબતોમાં આર્થિક કાપ મૂકતી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાપરિષદની એક શાખા સાયબર-સંશોધન શાખાને એકાએક ૩૩૩ કરોડ રૂપિયા મંજૂર કરે છે, જે કોઈ આઈ.આઈ.ટી.ને પણ આજ લગી અપાયાં નથી. આ પરિષદનું ૨૦૧૧-૧૨માં બજેટ ૧૭ કરોડ, ૨૦૧૨-૧૩માં ૨૦, ૨૦૧૩-૧૪માં ૨૬, ૨૦૧૪-૧૫માં ૪૪, ૨૦૧૬-૧૭માં ૩૩ કરોડ હતા. ૨૦૧૭માં આ પરિષદમાં નવો વિભાગ સાયબર-સંશોધન ખોલ્યો. આ નાના વિભાગને અપાયા ૩૩૩ કરોડ ! ૨૦૨૧-૨૨માં મંજૂર થયા છે ૨૩૦ કરોડ ! કોરોનાકાળમાં દવા-રસી કે ઑક્સિજનની અછત હોય ત્યારે સરકારને એવું કેવું સંશોધન કરાવવાનું હશે? લાગે છે કે પેગાસસે આપેલી માહિતીનું વિશ્લેષણ થતું હશે.

આનું પરિણામ જુદા-જુદા સમાચારોમાં જોઈ શકાય છે. માત્ર ‘ધ વાયરે’ ૧૩૬ ફોનની ફૉરેન્સિક તપાસ કરી એમાં પેગાસસનું આક્રમણ દર્શાવ્યું છે. પત્રકારોને રક્ષણ આપતા સંગઠને આ વાઇરસના દુરુપયોગ બાબતે તત્કાલીન આઈ.ટી. મંત્રીશ્રી રવિશંકર પ્રસાદ અને આઈ.ટી. સંસદીય સમિતિના ચૅરમેનશ્રી શશી થરૂરને પત્ર લખ્યો છે જેમાં માંગ થઈ છે કે આની સવેળા તપાસ થાય અને જવાબદારને સજા થાય એમાં આટઆટલા પત્રકારો અને કર્મશીલો જ કેમ છે? દિલ્હી-રમખાણોમાં જવાબદાર કેમ નથી? પુલવામામાં કેમ ભીનું સંકેલાયું? અપરાધી અને આતંકવાદીને પકડવા માટેનું સૉફ્‌ટવેર નિર્દોષ વ્યક્તિઓ પાછળ કોણે કાર્યરત કર્યું ? શું નાગરિકોને પીડા આપતી આ યોજનામાંથી સરકાર કેવળ હાથ ખંખેરીને ઊભી રહે એ સરકાર કહેવાય દેશની આટલી બધી વિગતો વિદેશ ચાલી જાય, ત્યારે રાષ્ટ્રવાદી સરકાર હવાતિયાં મારે છે, એમાં ભૂંડી લાગે છે. જેણે જજ પર દુષ્કર્મનો આરોપ મૂક્યો છે એ બહેનના આખા કુટુંબના ફોનમાં ય વાઇરસ? આ કાયરોનું કામ છે. મોટાં બરાડા પાડનાર અંદરથી કાયર છે. એને દુશ્મન જ નહિ, મિત્ર પ્રત્યે પણ શંકા હોય છે. મોદી સરકારનાં બે વર્તમાન મંત્રીશ્રીઓ, સ્મૃતિ ઈરાનીના અને વસુંધરા રાજેના અંગત સચિવ પણ છે! છતાં સરકાર હાથ જોડીને બેસી રહે, તો એ સરકારે સવારસાંજ રાષ્ટ્રવાદનો રાગ આલાપવો બંધ કરવો જોઈએ.

ભારતીય લોકતંત્ર અત્યારે સહુથી વધુ અસુરક્ષિત છે. ઇન્ટરનેટના આગમન પછી અભૂતપૂર્વ અસુરક્ષા ઊભી થઈ છે. સંચારક્રાંતિ પ્રતિક્રાંતિમાં પલટાશે એનો અંદાજ કોઈને ય નહીં હોય. જે ટ્‌વિટર ફેસબુક વૉટસપમાંથી મોદીછબિ ઊભી થઈ એ જ મારશે. જે પોષતું એ મારતું એ ક્રમ દીસે છે! ખોટા કેસ ફટકારવામાં જે મોદી સરકાર આનંદ લેતી હતી, એ દમનકારી શાસકના પગ નીચે રેલો આવ્યો છે, તેથી હવે નવ્યસંચાર – માધ્યમો હવે એમને નથી ગમતાં.

એમના મિત્ર ટ્રમ્પ કે સંબિત પાત્રાનાં એકાઉન્ટ જે-તે કંપનીએ બંધ કર્યાં એ શરમજનક છે.

સંસદથી, જનતાથી તમે ક્યાં સુધી જુઠ્ઠાણું છુપાવશો ? વિજ્ઞાનનો આવો અવિવેકી ઉપયોગ નાગરિક-અધિકારોના હનન માટે ન કરાય. મોટા માફિયા, લલિત – નીરવ મોદી કે દાઉદ નથી પકડાતા, પણ જે.એન.યુ.ની વિદ્યાર્થિનીઓ જે વાજબી માંગણી કરતી હોય એને જેલમાં ગોંધી રાખી ? કોઈ ઉત્તરપૂર્વનો આતંકવાદી, કોઈ ખાલિસ્તાની પકડ્યો ? સરકારો ઉથલાવી, વિપક્ષને તોડ્યા! અરે વર્કર્સ યુનિટીના ગરીબ અને નિષ્ઠાવાન પત્રકારોને નથી છોડ્યા !

NSO સાથેના આ સીધો કરારભંગ છે. અપરાધી અને આતંકવાદી માટેનું હથિયાર આ રીતે આંદોલનકારી સામે ન વપરાય. આ વિપક્ષનું કાવતરું છે, એમ કહી મોદી સરકાર છટકી ન શકે. ન્યુઝક્લિપ, વાયર, ભાસ્કર-જૂથ અને ભારતસમાચાર ટી.વી. ચૅનલ જે દોઢ વર્ષથી જનતાના દબાવમાં સરકાર વિરોધી વલણ લીધું છે, એના પર દરોડા પડી રહ્યા છે, એ બતાવે છે કે બાર માથાંળી સરકાર સુધરવા માંગતી નથી.

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 03-04

Loading

ચલ મન મુંબઈ નગરી—106

દીપક મહેતા|Opinion - Opinion|31 July 2021

જ્યારે વિલે પાર્લેની વાડીઓનાં શાકભાજી આખા શહેરમાં વખણાતાં 

પહેલું ચર્ચ બંધાયું ૧૮૬૮માં, પહેલું મંદિર બંધાયું ૧૯૧૨માં

આમ તો આખા મુંબઈ શહેરના વિકાસ સાથે પારસીઓ સંકળાયેલા છે, પણ વિલે પાર્લે સાથે તેમનો નાતો ખાસ નિકટનો હતો. એક જમાનામાં અંગ્રેજ સરકારે જૂહુ અને પાર્લે, એ બંને ગામડાં આખેઆખાં વાડિયા કુટુંબને વેચી દીધાં હતાં. આ કુટુંબના લવજી વાડિયાએ મુંબઈમાં જહાજ વાડાનો પાયો નાખ્યો અને કંપની સરકાર માટે લાકડાનાં વહાણ બાંધવાનું શરૂ કરેલું. વાડિયા ટ્રસ્ટ અને સરકાર વચ્ચે રીતસરના કરાર થયેલા. એ કરાર મુજબ આ બંને ગામડાંમાં રસ્તાઓ બાંધવાની, લોકોને પાણી પૂરું પાડવાની, સામાજિક અને શૈક્ષણિક માળખું ઊભું કરવાની, તબીબી સગવડ પૂરી પાડવાની જવાબદારી વાડિયા ટ્રસ્ટની હતી. લોકો પાસેથી કરવેરા ઉઘરાવવાનું ટ્રસ્ટને માથે હતું, પણ એની પૂરેપૂરી રકમ સરકારી તિજોરીમાં જમા કરવાની હતી. અલબત્ત, આ બધાના બદલામાં વાડિયા ટ્રસ્ટને આ બંને ગામડાંની જમીન મફતમાં મળી હતી. મુંબઈના વિકાસ માટે આ મોડેલ કંપની સરકારે બીજી પણ ઘણી જગ્યાએ અપનાવ્યું હતું. કારણ લંડનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરો મુંબઈના વિકાસ માટે ઝાઝા પૈસા ખરચવા તૈયાર નહોતા. પણ સરકારના સ્થાનિક અધિકારીઓ જાણતા હતા કે શહેરના વિકાસ વગર સરકારની આવક વધવાની નથી. વખત જતાં બર્વે અને અગાશે નામના બે મરાઠીભાષી જાણકારો વાડિયા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી થયા. તેમણે વ્યવસ્થિત આયોજનપૂર્વક આ બન્ને ગામડાંનો વિકાસ કર્યો. જ્યાં જે.આર.ડી. તાતાનું વિમાન ઊતરેલું એ નાનકડું જૂહુ એરોડ્રોમ પણ બંધાયેલું વાડિયા ટ્રસ્ટની જમીન પર. ૧૮૯૦માં જમશેદજી તાતાએ પણ વિલે પાર્લેમાં પુષ્કળ જમીન ખરીદી હતી અને રહેવા માટે બંગલો પણ બાંધ્યો હતો. ૧૨૦૦ એકર જેટલી જમીનને સમથળ કરીને તેને ૫૦૦ પ્લોટમાં વહેંચી હતી. તેના પર મોટી વસાહત ઊભી કરવાની તેમની યોજના હતી, પણ ૧૯૦૪માં તેમનું અવસાન થયા પછી એ આખી યોજના રખડી પડી. છતાં શહેરના બીજા ભાગોની જેમ આજે પણ સાંતા ક્રુઝ, વિલે પાર્લે, અંધેરીમાં જૂદી જૂદી જગ્યાએ તાતા કોલોની જોવા મળે છે.

આવું હતું વિલે પાર્લે ઇસ્ટ

કેવું હતું એ જમાનાનું પાર્લા? જ્યાં જુઓ ત્યાં આંબા-આંબલીના ઝાડનાં ઝુંડનાં ઝુંડ. શાકભાજીની વાડીઓ. ૧૯૨૯માં બી.બી.સી.આઇ. રેલવેએ વિરાર અને ગ્રાન્ટ રોડ વચ્ચે રોજ ખાસ બજાર સ્પેશિયલ ટ્રેન શાકભાજી માટે દોડાવવાનું શરૂ કરેલું. વહેલી સવારે વિરારથી નીકળીને એ ટ્રેન નાલાસોપારા, વસઈ, ભાઈન્દર, બોરીવાલી અને વિલે પાર્લે રોકાતી અને શાકભાજી તથા ફળફળાદિ ગ્રાન્ટ રોડ પહોંચાડતી. તળ મુંબઈમાં રહેતા ગુજરાતીઓ પાર્લેનાં શાકભાજી ખરીદવાનું ખાસ પસંદ કરતા. આ ટ્રેન શરૂ થઈ તે પહેલાં પણ વિલે પાર્લે આ બધું તળ મુંબઈને પૂરું પાડતું. પણ ત્યારે બધો માલ ગાડામાં કે નાના-મોટા મછાવામાં મોકલાતો. પાર્લેનાં કાકડી, દૂધી, રિંગણાં, ભીંડા, ખાસ વખણાતાં. અહીંના કોલમ ચોખાની પણ શહેરમાં ખૂબ માગ રહેતી.

એક જમાનામાં પાર્લેની બીજી એક વિશેષતા હતી ત્યાં બનતી પથ્થરની જણસો. સાન્તા ક્રુઝ ઇસ્ટ અને ગોરેગાવ વેસ્ટમાં આવેલી ખાણોમાંથી ખાસ જાતનો પથ્થર પાર્લા લવાતો. નાનાં મોટાં વાસણ અને વસ્તુઓ ઘડવા માટે એ પથ્થર ખાસ કામ લાગે તેવો હતો. એ વખતે ઘરનાં બધાં કામ જાતમહેનતથી કરવા પડતાં. લગભગ દરેક ઘરમાં પથ્થરની બનેલી બે-ચાર વસ્તુ તો હોય જ. સૌથી પહેલી તે લોટ દળવાની ઘંટી. પછી ચટણી વાટવાનો પથ્થર. શ્રદ્ધાળુઓ પૂજાઅર્ચના માટે ચંદનનો ઉપયોગ કરતાં. એ ઘસવા માટેના ઓરસિયા (આજના ઘણા યુવાનોએ તો એ નામ પણ નહિ સાંભળ્યું હોય!) પથ્થરના બનતા. ઘરના બારણા પવનથી ભટકાય નહિ એ માટે આજના જેવા મેગ્નેટિક સ્ટોપર તો એ વખતે હતાં નહિ. એટલે ઘણા લોકો એ માટે નાના પથ્થર વાપરતા. થોડું નકશીકામ કરેલા આવા પથ્થર પાર્લામાં બનતા. ચોખા છડવા માટે તથા મસાલા કૂટવા માટેનાં પથ્થરનાં ખાંડણિયાં પણ પાર્લામાં બનતાં. ઘણાં ઘરોમાં અંદર અને બહાર પથ્થરના ગોખલા પણ રહેતા. ઘોડા વગેરેને પાણી પીવા માટે જે હવાડા બંધાતા તે પણ પથ્થરના. અને આ બધો સામાન પાર્લેમાં બનતો અને ગાડાંઓ દ્વારા શહેરમાં જતો. તો સાંતા ક્રુઝ, પાર્લા, અંધેરીના કેટલાક ભાગોમાં જંગલો હતાં તેનું લાકડું બળતણ માટે વપરાતું એટલે પાર્લામાં લાકડાની વખારો પણ હતી.

સેન્ટ ઝેવિયર્સ ચર્ચ, વિલે પાર્લે વેસ્ટ

વિલે પાર્લેમાં ખ્રિસ્તીઓની સારી એવી વસ્તી હોવા છતાં ત્યાં એક પણ ચર્ચ નહોતું. એટલે દર રવિવારે શ્રદ્ધાળુઓ ગાડામાં બેસીને આંબોલી ચર્ચ જતા-આવતા. કાલીનાના ચર્ચના ફાધરના વડપણ હેઠળ એક સમિતિ બની જેણે પાર્લામાં રેલવે લાઈન નજીક સ્થાનિક લોકો પાસેથી જમીન ખરીદી લીધી. મિસક્વિટા કુટુંબે પણ પોતાની જગ્યા દાનમાં આપી. ફાધર ડિસુઝા ગોવાથી સંત ફ્રાન્સિસનાં પવિત્ર અવશેષ લઈ આવ્યા. અને ૧૮૬૮માં આજના ચર્ચ રોડ પર સેન્ટ ઝેવિયર્સ ચર્ચ બાંધ્યું. આ ચર્ચની પાછળની એક વસ્તીમાં મુખ્યત્વે દોરડાં બનાવનારાઓ રહેતા. શઢવાળાં વહાણોના જમાનામાં મજબૂત દોરડાંનું પુષ્કળ મહત્ત્વ હતું. અગાઉ કોટ વિસ્તારમાં પણ રોપ વે સ્ટ્રીટ હતી જ્યાં દોરડાં બનાવવાનું કામ મોટે પાયે થતું. આ દોરડાં દેશ-વિદેશથી આવતાં મોટાં વહાણો વાપરતાં. જ્યારે વિલે પાર્લેમાં બનતાં દોરડાં ઉપનગરોનાં નાનાં બંદરો પરનાં નાનાં વહાણ વાપરતાં. એ જગ્યાની બાજુમાં ભંડારી વાડો હતો. ત્યાંની મુખ્ય વસ્તી કોળી, આગરી, ભંડારી, કણબી, અને ઇસ્ટ ઇન્ડિયનની હતી. વિલે પાર્લેમાં પહેલવહેલું હિંદુ મંદિર ૧૯૧૨માં બંધાયું. પાર્લે ઇસ્ટમાં આવેલું પાર્લેશ્વરનું મંદિર તે આ મંદિર. કેટલાક કહે છે કે વિલે પાર્લેનું નામ આ મંદિર પરથી પડ્યું છે. પણ તે શક્ય નથી, કારણ અ મંદિર ૧૯૧૨માં બંધાયું તે પહેલાં જ ૧૯૦૭માં અહીં બંધાયેલા રેલવે સ્ટેશનને વિડલે-પાડલે એવું નામ અપાઈ ચૂક્યું હતું.

પાર્લેશ્વર મંદિર, વિલે પાર્લે ઇસ્ટ

૧૯૧૭માં વિલે પાર્લેની કુલ વસ્તી પાંચ હજારની હતી. તેનો મોટો ભાગ ખ્રિસ્તીઓનો હતો. જ્યારે ૪૦૦થી ૫૦૦ ગુજરાતીઓ રહેતા હતા. એ જ અરસામાં તેમણે લક્ષ્મી ચોકમાં નવરાત્રીની ઉજવણી શરૂ કરી. રોજ સ્ત્રી-પુરુષો ગરબા-રાસ રમતાં અને માતાજીની આરતી ગાતાં. ત્યારથી વિલે પાર્લેમાં એક યા બીજે સ્થળે નવરાત્રીની સાર્વજનિક ઉજવણી થતી આવી છે.  આ ઉપરાંત ગોખલેનું શ્રી રામ મંદિર ૧૯૧૩માં, શ્રી હનુમાન મંદિર ૧૯૧૮માં, મણિબહેન નાણાવટીનું જૈન મંદિર ૧૯૨૧માં, અને મહાલક્ષ્મી મંદિર ૧૯૩૪માં બંધાયાં. ૧૯૩૮માં સન્યાસ આશ્રમની સ્થાપાના થઈ.

મોહનલાલ ચૌહાણ

પણ ‘પાર્લે’ નામને દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યું તે તો ગુજરાતના પારડી ગામના એક દૂરંદેશી દેશભક્ત યુવાને. જર્મનીમાં તાલીમ લઈને આવેલા મોહનલાલ ચૌહાણે પાર્લે ઈસ્ટમાં રેલવે લાઈન નજીકના એક તબેલામાં ફક્ત ૧૨ મજૂરો સાથે ૧૯૨૯માં એક નાનકડી ફેક્ટરી શરૂ કરી. ચૌહાણ કુટુંબ સ્વદેશીની ચળવળ સાથે સંકળાયેલું હતું. એ વખતે બિસ્કિટ, પીપરમિન્ટ, ટોફી, ચોકલેટ જેવી વસ્તુઓ પણ ઇંગ્લેન્ડથી આયાત થતી. આયાત થતી એટલે પુષ્કળ મોંઘી હતી. અને મોંઘી હતી એટલે આમ આદમીને તો પોસાતી જ નહિ. બિસ્કિટ-ચોકલેટ તો તવંગરોનાં ઘરમાં જ જોવા મળે. હન્ટલી પામર્સ, યુનાઈટેડ બિસ્કિટ્સ, બ્રિટાનિયા, ગ્લેક્સો વગેરે જાણીતી કંપનીઓનો માલ આયાત થતો. મોહનલાલને થયું કે આવી રોજિંદા વપરાશની ચીજો પણ આપણા દેશમાં ન બને એ કેવું? એટલે જર્મની જઈને બિસ્કિટ-પીપરમિન્ટ બનાવવાની તાલીમ લીધી. સ્વદેશ પાછા ફરતાં ૬૦ હજાર રૂપિયાની મશીનરી ખરીદીને લેતા આવ્યા. અને પહેલવહેલી એ ફેક્ટરીમાંથી બનાવી ઓરેન્જ કેન્ડી. અને ૧૯૩૯માં બનાવ્યાં પહેલવહેલાં સ્વદેશી બિસ્કિટ, પાર્લે જી. પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ The rest is history. 

આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને એક દેશમાંથી બીજા દેશમાં જવા કરતાં પણ વધુ અઘરું કામ કયું? એક વાર પાસપોર્ટ અને વિઝા તમારા હાથમાં હોય તો પછી તમને અછો વાનાં કરીને વિદેશ લઈ જવા માટે વિમાન કંપનીઓ તો આતુર હોય છે. પણ ટેક્સી કે રિક્ષામાં બેસીને મુંબઈના કોઈ પણ પરામાં ઇસ્ટમાંથી વેસ્ટમાં કે વેસ્ટમાંથી ઈસ્ટમાં જવાનું કેટલું કપરું છે એ તો રામ બાણ વાગ્યાં હોય તે જાણે. જી.આઈ.પી. અને બી.બી.સી.આઈ. રેલવેએ આપણા પર ઘણા ઉપકાર કર્યા પણ તેમણે મુંબઈના પરાઓને ઇસ્ટ અને વેસ્ટમાં વહેંચી નાખ્યા. બંને અડધિયાંની દુનિયા જ જૂદી. આનો સૌથી વધુ અનુભવ થાય વિલે પાર્લેમાં. વિલે પાર્લે પશ્ચિમમાં ગુજરાતીઓના ડેરાતંબુ, તો વિલે પાર્લે ઈસ્ટ એટલે મરાઠી ભાષા-સંસ્કૃતિનો ગઢ. મૂળ જેમની વસ્તી સૌથી વધુ હતી તે ખ્રિસ્તીઓની છાંટ બંને બાજુ થોડી થોડી હજીએ જોવા મળે ખરી. શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિની મોટી સંસ્થાઓ બંને બાજુ. પોત એક, પણ ભાત જૂદી. જો કે છેલ્લા બે-એક દાયકામાં મુંબઈમાં કોઈ સંસ્કૃતિ સર્વવ્યાપક બની હોય તો તે વેપારધંધાની સંસ્કૃતિ – જો તેને સંસ્કૃતિ કહી શકાય તો. અને એટલે કોલાબાથી માંડીને દહિસર સુધીના ઘણા વિસ્તારો પોતાની આગવી ઓળખને ઓગાળીને આ વૈશ્ય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. ખાણીપીણી, પહેરવેશ, રહેણીકરણી, વિચારો, આદર્શોની વિવિધતા, તેના પોતીકાપણા અંગેના આગ્રહો, વગેરે નવી પેઢીમાં ઓછા ને ઓછા થતા જાય છે. તેમની બોલચાલની ભાષા બમ્બૈયા હિન્દી કે ઇન્ડિયન ઇંગ્લિશ બનતી જાય છે. આની ખાતરી કરવી હોય તો વિલે પાર્લેના રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર ઊભા રહી ટ્રેનોમાંથી ઉતરતા કે ચડતા, પશ્ચિમ કે પૂર્વની કોલેજોમાં જતાં છોકરા-છોકરીને જોવાં-સાંભળવાં. જાણે કહેતાં ન હોય : હમ પંછી એક ડાલ કે.

અગલા સ્ટેશન અંધેરી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 31 જુલાઈ 2021

Loading

મારું તો કાંઈ નક્કી નઇ

પારુલ ખખ્ખર|Poetry|31 July 2021

તમે અમારા ગામમાં આવી, નદી કિનારે હરજો-ફરજો, બીજા-ત્રીજાને હળજો-મળજો … મારું તો કાંઈ નક્કી નઇ.
ગલીના છેડે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઇને આગળ વળજો … મારું તો કાંઈ નક્કી નઇ.
એક તમારા નામનું દેરું
એને છાંટ્યો રંગ મેં ગેરું
મુરતને આભડિયો એરું
એ મુરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો … મારું તો કાંઈ નક્કી નઇ.
આથમતા સૂરજની સાખે
એ અજવાળે ઝાંખે-પાંખે
મારું ગામ નિસાસો નાંખે
ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ લઈને, એને વળગીને ઝળહળજો … મારું તો કાંઈ નક્કી નઇ.
અંતે કરજો લેખા-જોખા
કેવા રુસણાં, કેવા ધોખા
ભેગા તોયે નોખાં નોખાં
ના મળવાની બાધા રાખે, તો ય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો … મારું તો કાંઈ નક્કી નઇ.

31 જુલાઈ 2019

સૌજન્ય : કવયિત્રીની ફેઇસબુક દિવાલેથી સાદર

Loading

...102030...1,8381,8391,8401,841...1,8501,8601,870...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved