Opinion Magazine
Number of visits: 9570891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોમાન્ટિક વડોદરા પર ઊભેલું મારું લિટરરી વડોદરા

સુમન શાહ|Opinion - Opinion|12 November 2021

થોડાક દિવસો પહેલાં, એક મિત્રે વડોદરાના સ્વાનુભવો લખેલા. મને મિત્રનું નામ યાદ નથી આવતું, દિલગીર છું. ત્યારે વિપુલ વ્યાસે પણ વડોદરા વિશે લખેલું. એ બન્ને મિત્રોના એક વાચકે મને કહેલું – તમે પણ વડોદરા વિશે લખો ને, અમને ગમશે.

વડોદરા વિશે ઘણું લખી શકું પણ ત્યારે ન્હૉતું લખવું. આજે પણ નથી લખવું. પરન્તુ મને 'પ્રેમાનંદ સુવર્ણચન્દ્રક' અપાયો ત્યારે વડોદરામાં મેં આપેલું વ્યાખ્યાન આજે મળી આવ્યું. એમાં વડોદરા વિશે જે થોડી વાતો કરેલી તે અહીં મૂકું છું :

"આ ચન્દ્રક સ્વીકારતાં મને એકદમનું સારું તો એટલા માટે લાગે છે કે પ્રેમાનંદ વડોદરાના, અમે પણ મોટે ભાગે વડોદરાનાં. વતન ડભોઇ — ૩૦ કિલોમીટરના અન્તરે. અમારે ડભોઇના લોકોને વડોદરા પહેલેથી સ્વપ્નનગરી.

છેલ્લા બે (હવે ત્રણ) દાયકા દરમ્યાન હું યુરપ અને અમેરિકાનાં ઘણાં શ્હૅરોમાં ઘૂમ્યો છું, પણ શ્હૅર વિશેનો પ્હૅલવ્હૅલ્લો ખયાલ વડોદરાથી બંધાયેલો.

વડોદરામાં મારી ઊગતી જુવાનીનાં અને કારકિર્દી-ઘડતરનાં કીમતી વરસો વપરાયાં છે.

ડભોઇના અમારા કેટલાક મિત્રો માટે તો વડોદરા હોમ-ટાઉન. ડભોઇથી માત્ર ફિલ્મો જોવા આવે. ત્રણે ત્રણ શો-માં જુદાં જુદાં પિક્ચર જોઇને રાતે પાછા ફરે. “પ્રતાપ” “મોહન” “શારદા” “કૃષ્ણ” — નિર્દોષ પવિત્ર નામોવાળી ટોકિઝો. એમાં જોયેલી અનેક ફિલ્મોનાં સ્મરણો છે. દિલીપકુમાર, રાજકપૂર અને દેવાનંદનો જમાનો.

ત્યારે મારે, સિતાંશુભાઇ (યશશ્ચન્દ્ર મહેતા) ! નાગરમિત્રોની દોસ્તી હતી. ડભોઇમાં પણ સાઠોદરા નાગરમિત્રોથી મૈત્રી શરૂ થયેલી. આજે પણ કોઇ કહે, નાગર છું, તો દિલમાં એક મીઠો ઉદ્રેક જાગે, થોડી બીક પણ લાગે …

કમાટીબાગમાં બૅન્ડ-સ્ટૅન્ડ હતું — રવિવારનું. એ વર્ષોની વાત છે.

“ફીઆટ” કાર ત્યારે નવી નવી નીકળેલી.

હંસા મહેતા વાઇસ-ચાન્સેલર હતાં. “ઍજ્યુકેશન”ને તેઓ “ઍડ્યુકેશન” કહેતાં. ચં.ચી. મહેતા હતા. એમના “હોહોલિકા” નાટકમાં મને નાનો રોલ મળેલો.

નાગરવાડામાં દશા લાડ છાત્રાલયમાં રહેવાનું.

‘કૅનેરા કાફે’માં રાઇસ-પ્લેટ ખાવી, ‘જવાહર’માં બટાકાપૌંઆ, ‘ઇરાની હોટેલ’માં આમ્લેટ ખાવી, ‘ક્ષુધા-શાન્તિ’માં  — નામ જ કેવું લલચાવનારું — કચોરી ખાવી, વગેરે લાઇફસ્ટાઇલ હતી.

જો કે ચાંદની રાતે સૂરસાગરની પાળે બેસી અકળ ભાવિના વિચારો પણ કરેલા.

ન્યાયમન્દિરે બૂટપૉલિશ કરાવવાની મજા આવે — જોતાં જોતાં શીખવાનું કે બૂટપૉલિશ આમ કરાય.

પાનના ગલ્લે ‘બિનાકા’ સાંભળતા.

ઉનાળામાં, ‘ઇન્દીરા ઍવન્યુ’ — ‘વીથીકા’ શબ્દનું અંગ્રેજી ‘ઍવન્યુ’ છે એમ પહેલી વાર જાણેલું. ‘કાલાઘોડા’થી ડાઉનટાઉન રાઇટમાં હૉસ્પિટલ બાજુ લઇ જતો આખો રસ્તો વીથીકા હતો. બન્ને તરફ ઠંડી મીઠી છાયા પાથરતા વિરાટ વડ હતા. વડોદરા ‘વટપ્રદ’ હતું એ વાતની જાણે રસપ્રદ વ્યાખ્યા !

ફત્તેપુરાનું શુક્રવારી બજાર બ.ક.ઠા.ના પ્રસંગથી ખાસ યાદ રહી ગયેલું.

લાંબા ગાળે ખબર પડેલી કે ફત્તેપુરા અને ફત્તેગંજમાં કેટલો મોટો ફર્ક છે !

જ્યુબિલી બાગ, મ્યુઝિક કૉલેજ, જેનાં પગથિયે બેસી ક્લાસમાંથી ગુલ્લીઓ મારેલી એ, યુનિવર્સિટીનો સૅન્ટ્રલ હૉલ …

શું શું યાદ કરું …

વડોદરા ભલે સંસ્કારનગરી મનાય છે, અમારે માટે એ રોમાન્ટિક સિટી હતું. તમારામાં પ્રેમ કરવાની જિગર હોય તો થઇ શકે એવું સિટી. યૌવનને જ્યાં જાણી શકાય, માણી શકાય, નાણી શકાય. એવા વડોદરામાં કૉમર્સમાં બે વર્ષ બગડ્યાં તે ત્યારે ન્હૉતું ગમ્યું પણ આજે મારા સાહિત્યકારજીવને ગમતું થઇ ગયું છે.

પછી એ જ વડોદરામાં, એમ.એ. થયો, મારી કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો — જાણે ‘યુ’ ટર્ન. મોટી વાત એ કે સુરેશ જોષી ગુરુ રૂપે મળ્યા. ગુજરાતી સાહિત્યને વિશ્વ-સાહિત્યની ક્ષિતિજો દર્શાવનારા એ મનીષીએ મને પણ એ ક્ષિતિજો દેખાડી.

હું કોઇ પણ હિસાબે માત્ર ગુજરાતી સાહિત્યનો માણસ ન રહ્યો. સાહિત્યની કોઇ પણ વાતને વિશ્વ-સાહિત્યના નક્શામાં મૂકીને જોવાની આદત બની ગઇ. આપણી કોઇ પણ સાહિત્યિક બાબતને સુધારીને વિકસાવવાની ટેવ પડી ગઈ — જે આજે તો મારો સ્વભાવ બની ચૂકી છે.

એમના ‘ક્ષિતિજ’ સામયિકે ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી નવપ્રસ્થાનનાં તમામ ઝરણને ઝીલ્યાં, આગળ ધપાવ્યાં. મારે માટે પણ જાણે એ જ કર્તવ્ય બની ગયું.

દર શુક્રવારે સુરેશભાઇ સલાટવાડામાં ‘થીયોસૉફિકલ સોસાયટી’માં વાર્તાલાપ આપતા. અઠવાડિયા દરમ્યાન વાંચ્યું હોય તેની વાતો કરતા. સાર્ત્ર, કાફ્કા, કામૂ વિશેના મનોભાવ ત્યારથી જાગેલા.

ભોગીલાલ ગાંધી અને એમનું ‘વિશ્વમાનવ’ સામયિક; રામજી મન્દિરની પોળમાંની એમને ત્યાંની બુધવારીય સભાઓ — સુરેશભાઇ રિલ્કે વાંચે, પ્રબોધ ચોક્સી જેવા પીઢ વિચારકો ચર્ચા કરે. ત્યારથી ગુલામ મોહમ્મદ શેખ અને ભૂપેન ખખ્ખરનો પરિચય થયેલો.

સાહિત્ય ભલે સાંસ્કૃતિક પ્રવૃત્તિ મનાતી હોય, એ કલાસર્જન છે અને એને ચિત્ર, સંગીત, શિલ્પ કે સ્થાપત્યનો, એ લલિત કલાઓનો, પણ એટલો જ ખપ છે — એ ભાવના દૃઢ થયેલી. એમાં ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના કલાસ્વામીઓ શેખથી માંડીને જેરામભાઇ (પટેલ), જ્યોતિભાઇ (ભટ્ટ) વગેરેના સુરશભાઇ જોડેના સહયોગે મોટો ભાગ ભજવેલો.

ટૂંકમાં, વડોદરા એટલે મારે મન પેલા રોમાન્ટિક વડોદરા પર ઊભેલું મારું લિટરરી વડોદરા. કહેવાનું તાત્પર્ય કે આ બન્ને વડોદરાને હું આજે પણ જીવી રહ્યો છું, અને તેમાં, તમે મને પૉંખો છો એથી મારા મનોજગતમાં કેવાંક સ્પન્દનો જાગે એ તમે કલ્પી શકો છો.

= = =

(re-published : a part : November 12, 2021 : Amsterdam)

Loading

નિષ્ક્રિય વિધાનગૃહો અને અનુદાર રાજનીતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 November 2021

ભારતીય લોકતંત્રની હમણાંના વરસોની તાસીર સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના કામના કલાકોમાં ઘટાડા છતાં વધતી સંસદીય કાર્યવાહીની છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયનની ટ્વીટ ટિપ્પણી, ‘પાસિંગ લેજિસ્લેશન ઓર મેકિંગ પાપડી-ચાટ ?’, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષને બહુ ચચરી હતી. પણ હકીકત છે કે પેગાસસ જાસૂસી મુદ્દે હંગામેદાર રહેલા સંસદના વર્ષા સત્રમાં નિર્ધારિત કામના કલાકોમાંથી લોકસભામાં ૧૯ ટકા અને રાજ્યસભામાં ૨૬ ટકા જ કામ થઈ શક્યું હતું. છતાં આ જ સત્રમાં ૧૨૭મા બંધારણ સુધારા ખરડા સાથે વીસ વિધેયકો મંજૂર થઈ થયાં મોટા ભાગના વગર ચર્ચાએ, પાંચ-પંદર મિનિટની ચર્ચાથી અને રજૂ થયા એ જ દિવસે પસાર થયાં હતાં. ટ્વેન્ટી- ટ્વેન્ટી ક્રિકેટથી ય વધુ ત્વરા દૂરોગામી અસરો જન્માવતા કાયદાના ઘડતરમાં જોવા મળે તે સ્થિતિ ચિંતાજનક છે વિપક્ષની પાણી-પુરી બનાવો છો કે કાયદા ? એવી ટીકા પણ લાજમી ઠરે છે.

તેરમી મે ૧૯૫૨ના રોજ લોકસભાની પ્રથમ બેઠક મળી હતી. એ ઘટનાને છ દાયકા થશે. સંસદ અને રાજ્યોના ધારાગૃહોનું કામ કાયદા ઘડવાનું, નાણાકીય અને વહીવટી નીતિ-નિયમો ઘડવાનું છે. દેશ સમક્ષના પ્રશ્નોની તેમાં ચર્ચા વિચારણા થાય છે. બજેટ સત્ર, વર્ષા સત્ર અને શિયાળુ સત્ર એવા વરસે ત્રણ સત્રો, બે સત્રો વચ્ચે છ મહિનાથી અધિકનો સમય ન થાય તે રીતે, મળવા જરૂરી હોવાની જોગવાઈ છે. તે માટે નિયમિત રીતે વિધાનગૃહોની બેઠકો મળવી જોઈએ.

૧૯૫૨માં લોકસભાની ૧૦૩ બેઠકો મળી હતી. ૧૯૫૬માં મળેલી ૧૫૧ બેઠકોનો વિક્રમ તો કદી ન તૂટ્યો પણ બેઠકોની સંખ્યા વરસોવરસ ઘટતી રહી છે. ૧૯૭૪ સુધી લોકસભાની વરસે સો બેઠકો મળતી હતી. પણ હવે તે બાબત ભૂતકાળની બની ગઈ છે. ૧૯૭૪થી ૨૦૧૧ દરમિયાનના પાંત્રીસ વરસોમાં માત્ર પાંચ જ વખત લોકસભાની સો કરતાં વધુ બેઠકો મળી હતી. ૨૦૦૮માં માત્ર ૪૬ અને ૨૦૨૦માં ૩૩ જ બેઠકો મળી હતી.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછીનું આ લાગલગાટ છઠ્ઠું સંસદ સત્ર એના નિર્ધારિત સમય કરતાં વહેલું આટોપી લેવાયું છે. છતાં લોકતંત્ર મજબૂત અને પરિપકવ થઈ રહ્યાની દુહાઈ સાથે સંસદીય કાર્યવાહી ચાલતી રહે છે, અંદાજપત્રો પસાર થાય છે, કાયદા ઘડાય છે અને બંધારણમાં સુધારા પણ થાય છે.

જે સ્થિતિ સંસદની છે તે જ રાજ્યોની વિધાનસભાઓની પણ છે. હાલમાં ઘણા બધા રાજ્યોની વિધાનસભાઓના, ગુજરાતની જેમ એક-બે દિવસના, વર્ષાસત્રો જાણે કે છ મહિને મળવાની ઔપચારિકતા ખાતર મળી રહ્યા છે. ૨૦૧૭થી ૨૦૧૯ના વરસોમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની સરેરાશ ૨૪, પશ્ચિમ બંગાળની  ૪૦ અને કેરળની ૫૩ બેઠકો મળી હતી. પી.આર.એસ. લેજિસ્લેટિવનો એક અભ્યાસ જણાવે છે કે બારમી ગુજરાત વિધાનસભા(૨૦૦૮-૨૦૧૨)માં ૯૦ ટકા બિલો રજૂ થયા તે જ દિવસે પસાર થઈ ગયા હતા. ૨૦૧૨માં દિલ્હી વિધાનસભાએ એક બિલ દસ જ મિનિટમાં પસાર કર્યું હતું. ગોવા વિધાનસભામાં કોઈ પણ ચર્ચા વિના સરેરાશ ચાર જ મિનિટમાં બિલો પસાર થાય છે. ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન હરિયાણા વિધાનસભાની સરેરાશ ૧૧ બેઠકો જ મળી હતી. તેમાં ૭૦ ટકા ચર્ચા બજેટ પર થઈ હતી. બાકીના ૩૦ ટકા સમયમાં ૧૨૯ વિધેયકો રજૂ થયા કે તરત મંજૂર થયા હતા.

સંસદમાં સમયના અભાવે ખરડાઓની ઝીણવટથી ચર્ચા કરી, સર્વસંમતિ ઊભી કરી શકાતી નથી. એટલે તેને સંસદીય સમિતિઓને સોંપવાની જોગવાઈ છે. કાઁગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકારોના કાર્યકાળની ચૌદમી લોકસભામાં ૬૦ ટકા અને પંદરમીમાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને સોંપવામાં આવ્યા હતા. પરંતુ વર્તમાન સરકારના શાસનકાળમાં બિલોને સંસદીય સમિતિઓને સોંપવાનું વલણ ઘટી ગયું છે. સોળમી લોકસભામાં માત્ર ૨૭ ટકા બિલો જ સંસદીય સમિતિઓના હવાલે કરવામાં આવ્યા હતા. હાલની લોકસભાના સમયમાં બહુ જ થોડા બિલો સંસદીય સમિતિને સોંપવામાં આવ્યા છે.

પૂરતી ચર્ચા વિના ઉતાવળે પસાર થયેલા બિલો પરથી કાયદા બન્યા પછી તેની કાયદેસરતાને ચકાસવા બંધારણીય સમીક્ષા માટે અદાલતોનો આશરો લેવો પડે છે, તેનાથી અદાલતોનું ભારણ બિન જરૂરી વધતું હોવાની અને સાંસદો પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવતા  હોવાની ચિંતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ વ્યક્ત કરી છે. ઉતાવળે પસાર થયેલા ખરડાઓની કેવી દશા થાય છે તેના તાજા ઉદાહરણ ગુજરાતનો લવજેહાદનો કાયદો અને કેન્દ્રનું નાગરિકતા સંશોધન બિલ છે. ગુજરાતના લવ જેહાદના કાયદાની મહત્ત્વની મનાતી જોગવાઈઓ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. નાગરિકતા બિલને સંસદે દોઢેક વરસ પૂર્વે મંજૂર કર્યું હોવા છતાં હજુ તેના નિયમો ઘડાયા નથી કે તે કાયદો અમલી બન્યો નથી.

વિપક્ષને શત્રુ ગણતા સત્તા પક્ષ અને સંવાદહીન ધારાગૃહોનું વાતાવરણ દેશમાં પ્રવર્તે છે સંસદના છેલ્લા વર્ષાસત્રમાં તે જોવા મળ્યું છે. કોરોનાના બીજા ખતરનાક બનાવાયેલા તબક્કામાં સારવાર અને ઓક્સિજનના અભાવે થયેલાં અગણિત મોત, વેક્સિનની કિંમત તથા કિસાન આંદોલનની છાયામાં સંસદનું વર્ષાસત્ર મળ્યું હતું. આ બાબતે સરકારની નિષ્ફળતા ઉપરાંત વિપક્ષ પાસે ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવા સનાતન મુદ્દાઓ તો હતા જ. પરંતુ સંસદના વર્ષા સત્રના ઉઘડતા દિવસે જ પેગાસસ જાસૂસીનો નવો મુદ્દો ઉઠ્યો.

સંસદમાં વિપક્ષની માંગ જાસૂસીની કોઈ તપાસની નહીં પણ યોગ્ય નિયમ હેઠળ ચર્ચાની હતી. પરંતુ લોકસભામાં જોરાવર બહુમતી ધરાવતા સત્તા પક્ષ ભા.જ.પે. સંવાદહીન લોકતંત્રની છાપ કાયમ રાખીને વિપક્ષની વાત ન માની. સરકારે સંસદમાં ફટાફટ બિલો પસાર કરાવ્યા અને વહેલું સત્ર આટોપી લીધું. કેન્દ્રના સત્તા અને વિપક્ષો શાસિત રાજ્યોમાં પણ વિપક્ષો વિરોધી માનસિકતા છે. કેન્દ્રના કાઁગ્રેસ સહિતના વિપક્ષોના સત્તાવાળા રાજ્યોની વિધાનસભાઓમાં કેન્દ્રના નાગરિકતા અને કૃષિ ખરડાઓની વિરુદ્ધમાં પ્રસ્તાવો પસાર થયા છે. ધારાગૃહોનો બહિષ્કાર અને હોબાળાથી કામગીરી અટકાવવાનું વલણ અપવાદને બદલે રાબેતો બની ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં સંવાદહીનતા અને સર્વસંમતિના અભાવને કારણે સરકારના લોકહિત વિરોધી  કાયદા કે પગલાં માટે લોકોને સડક પર આવવું પડે છે.

થોડા સમય પહેલાં પાકિસ્તાનની સંસદમાં ઈમરાનસરકારના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ વિપક્ષ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે જો વિપક્ષો સરકારની જ્યાં બહુમતી નથી એવા સંસદના બીજા ગૃહની કાર્યવાહીમાં કોઈ ખલેલ નહીં પહોંચાડવાની લેખિત બાંહેધરી આપે તો જ આ ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવશે. ભારતમાં શું આપણે આવી સ્થિતિ નોતરવી છે?

વડા પ્રધાને ૨૦૧૯માં ‘મનકી બાત’માં કહ્યું હતું કે ‘કાયદા અને નિયમો સિવાય પણ લોકતંત્ર આપણા લોહીમાં વણાયેલ છે, તે આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે.’ જો કે દેશની સંસદ અને રાજ્યોના ધારાગૃહોની કાર્યવાહીમાં આ વાતનો પડઘો જોવા મળતો નથી. લોકતંત્ર એટલે માત્ર ચૂંટણીઓ જ નહીં સ્વતંત્ર, ન્યાયી અને સતત સંવાદ સાધતી સંસદ અને ધારાગૃહો પણ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આજના સમયમાં આપણે પ્રજા તરીકે સક્રિય રહેવું જરૂરી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 November 2021

ફરી એકવાર સૌને હૃદયપૂર્વક નૂતન વર્ષનાં અભિનંદનો !

સૌની સારી શરૂઆત થાય એમ ઇચ્છીએ, પણ ઇચ્છવાથી એમ ભલું થઈ જતું હોત તો જગતમાં કોઈ દુ:ખી ન હોત. આપણે જાણીએ છીએ કે ઘણું સારું થાય છે, છતાં બધું સારું થતું નથી. બધું જ સારું હોત તો? કલ્પના કરવા જેવી છે. કોઈ દુ:ખી ન હોત ! આંસુ ન હોત ! અછત ન હોત ! બધું જ હાજર હોત ! ક્યાં ય જવાની જરૂર ન હોત ! બધું ઘર બેઠાં જ મળતું હોત ! કાયમ તૃપ્તિ જ હોત ! બધાં જ હસતાં હોત ! કોઈએ કૈં કરવાનું ન હોત ને એમ જ બધાં હસતાં હોત ! સરકારો સારી રીતે ચાલતી હોત ! ટેક્સ કપાય કે ન કપાય એની ચિંતા ન એને હોત, ન પ્રજાને ! કારણ બધું એને કે પ્રજાને મળી જ રહેતું હોત ! કોઈ માંદું ન હોત ! ન દવા હોત, ન દવાખાના ! રોજ જ આનંદ હોત ! રોજ જ હર્ષ ! રોજ જ ઉલ્લાસ ! ચાલતે, આવું હોત તો? ના, આપણે એનાથી પણ ઉબાયાં હોત ! જેમ એકધારું દુ:ખ ત્રાસ આપે છે એમ જ એકધારું સુખ, આનંદ જ આપે એ જરૂરી નથી. એક વસ્તુ નક્કી છે કે જીવન બદલાતું રહે છે ને જે પીડા કે મજા છે તે એ બદલાવાને કારણે ! જીવન કૈં એકસરખી છાપાંની નકલો નથી. આકાશ એક જ છે, એનું એ જ છે, પણ એક સરખું નથી. એના રંગો ય બદલાય છે. દરિયો ભરપૂર છે, તો ય સમૃદ્ધિથી તે ઠરી જતો નથી. તે ઊછળે છે ને કિનારાઓને ઘડતો રહે છે. નદી એક જ છે, પણ એક સરખી નથી, તે વહેતી રહે છે. આ વહેવું જ જીવન છે. જળ વધે છે, ઘટે છે. તેજ વધે છે ઘટે છે. અંધકાર એક જ છે, પણ એક સરખો નથી. જરા વિચારીશું તો સમજાશે કે આ એક સરખાપણું જ મૃત્યુ છે. જીવન બદલે છે ને બદલાય છે. તે પૂરું થાય કે પછી બધું સરખું છે. કોઈ ગતિ નથી. કોઈ ક્રિયા નથી. મૃત્યુ પછી વ્યક્તિ અટકી જાય છે. તેને કોઈ ફેર પડતો નથી- દુનિયા ચાલે કે અટકી જાય તેથી !

ગમ્મત એ છે કે ઘણાં માણસો જીવંત હોય તો તેમને ય કોઈ ફેર પડતો નથી. તે સજીવ ન હોય એમ જ જીવે છે. તે વેઠે છે અથવા તો બીજા વેઠે તેવી સ્થિતિ ઊભી કરે છે. તેની પાસે પ્રતિક્રિયા જ કદાચ નથી. મૃત્યુ પીડા હરીને માણસને સુખી કરી દે છે. કારણ તે પછી કૈં કરવાનું રહેતું નથી. કમાલ એ છે કે ઘણાંને જીવતાં છતાં એ સુખ મળી જાય છે. એને કોઈ ફિકર જ હોતી નથી. કૈં કરવાનું જ જાણે રહેતું નથી. ભાવ વધે છે કે ઘટે છે, કોઈ ફેર પડતો નથી. સરકાર આવે છે કે જાય છે, કોઈ ફેર પડતો નથી. કોઈ મરે છે કે જીવે છે, કોઈ ફેર પડતો નથી. પ્રદૂષણ વધે કે ઘટે, કોઈ ફેર પડતો નથી. અવકાશમાં કોઈ મરચાં ઊગાડે કે માણસ, કોઈ ફેર પડતો નથી. ઘણાં આવાં છે. તેમને વેઠવામાં છે એટલો રસ પ્રતિક્રિયામાં નથી જ ! એઓ જાણી ગયા છે કે કશું તેમના હાથમાં નથી. તેઓ કૈં કરી શકે એમ નથી. તેમણે જીવવાનું છે ને બસ જીવી કાઢવાનું છે. તેમને કશું થતું નથી એવું નથી. બધું થાય છે, પણ નથી જ હાલતા. આવાં બે પ્રકારના માણસો હોય છે. એક અત્યંત અમીર છે, જે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ છે એટલે એ ચૂપ છે. એને કોઈ ફેર પડતો નથી. એક નિર્ધન છે, તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ નથી ને કોઈ ફેર પાડી શકે એમ નથી, એટલે તેને કોઈ ફેર પડતો નથી. એ સિવાયના જે છે એમને ઘણો ફેર પડે છે. એ વર્ગ સક્રિય છે. એ રાજકારણમાં છે, નોકરી ધંધામાં છે, સમાજમાં છે, કુટુંબમાં છે. એ સૌથી વધુ પરિવર્તનશીલ છે. એક વર્ગ એવો છે જે કાયદાઓ અને નીતિઓ ઘડે છે. એ સત્તા ભોગવે છે ને બીજો વર્ગ એ છે જે આ કાયદાઓ અને નીતિઓથી પ્રભાવિત છે. સરકાર ખરીખોટી હોય છે, એમ જ પ્રજા પણ ખરીખોટી હોય છે. લોકશાહીમાં પ્રતિનિધિ ચૂંટાય છે ને એને પ્રજા મત આપીને ચૂંટે છે. પ્રજા નબળી હોય તો સરકાર સારી ભાગ્યે જ હોય છે. પ્રજામાં આખી પ્રજા નબળી નથી, એમ જ સરકારમાં આખી સરકાર નબળી ન હોય એમ બને. સાદી વાત એટલી છે કે પ્રજા સજાગ ને સક્રિય હોય ને સરકાર જો ગાફેલ રહે તો વખત આવ્યે તે પાઠ ભણાવી શકે છે.

તાજો જ દાખલો પેટ્રોલ અને ગેસના ભાવ વધારાનો છે. કારણો ગમે તે હોય, પણ સરકારે બેફામપણે  ઈંધણના ભાવ વધાર્યા જ કર્યાં. એવી આગાહીઓ પણ થઈ કે પેટ્રોલ લિટરના દોઢસો સુધી જશે. એ જાય એવી પૂરી શક્યતાઓ હતી. સરકારોને એમ હતું કે ઇંધણનો ભાવવધારો પ્રજા વેઠી લેશે, તો મહામારીને કારણે આવી પડેલી ખોટ ભરપાઈ થઈ જશે. પણ આ વસૂલાતમાં ધડો ન રહ્યો. ઈંધણ પરના વેરાની કમાણી 2014માં 73,000 કરોડ હતી, તે 2020-‘21 માં 3.89 લાખ કરોડ થઈ. આ વધારો 500 ટકાનો હતો. માત્ર એક્સાઈઝ ડ્યૂટીની વાત કરીએ તો ભા.જ.પ.ની સરકાર સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પર પ્રતિ લિટરે તે 9.42 રૂપિયા હતી, તે હવે વધીને 32.90 રૂપિયા થઈ હતી. આ વધારો 300 ટકાનો હતો. આ વધારો ઈંધણ પૂરતો જ મર્યાદિત ન હતો. તે અનેક ક્ષેત્રોમાં હતો ને પ્રજા મૂંગે મોઢે એ વેઠી રહી હતી. એમ પણ લાગતું હતું કે પ્રજા નિર્માલ્ય અને ઉદાસીન છે. એના હાથમાં કશું નથી, પણ એના હાથમાં એક શસ્ત્ર હતું, મતનું ને તે તેણે વિવિધ રાજ્યોની પેટા ચૂંટણી વખતે ઉગામ્યું ને શાસક પક્ષનો બધો તોર ઊતરી ગયો. 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ આવતાં વિધાનસભાની 30 બેઠકોમાં કાઁગ્રેસનો હાથ ઉપર રહ્યો. બંગાળમાં ચારે બેઠકો ટી.એમ.સી.ને મળી. લોકસભાની 3 બેઠકોમાંથી ત્રણે કોઈ એક પક્ષને ન મળતાં ભા.જ.પ., કાઁગ્રેસ અને શિવસેનાને મળી. આ પરિણામ આવતાં હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીએ કબૂલવું પડ્યું કે વધતી મોંઘવારીએ આ પરિણામો આપ્યાં છે. કોઈ પણ સરકારને ચેતી જવા માટે આટલું પૂરતું હતું. પરિણામની અસર એવી પડી કે 4 નવેમ્બરે જ પેટ્રોલ-ડિઝલના ભાવો તૂટયા. એકાએક જ દસેક રૂપિયા સુધી ભાવ ઘટ્યા. ગુજરાત સરકારે પોતાના વેરા ઘટાડ્યા ને સરવાળે પેટ્રોલ 10 રૂપિયા ને ડિઝલ સત્તરેક રૂપિયા સસ્તું થયું.

આ માટે સરકારોનો આભાર માનવો જ પડે, કારણ ઇંધણને મામલે તેણે પ્રજાને પૈસે દિવાળી ન કરતાં પ્રજાને દિવાળીમાં રાહત આપી હતી. જો કે, આ અણધાર્યા ઘટાડાએ સરકારના ઈરાદાઓ અને હેતુઓને ઉઘાડા પાડી દીધા છે. સરકારના ભક્તોએ એવો પ્રચાર પણ કર્યો હતો કે આગલી સરકારે જે ઓઇલ બોન્ડ્સ બહાર પાડેલા તેનું ચૂકવણું હાલની સરકારને પરસેવો પડાવતું હતું ને એ ચૂકવણાં માટે પ્રજા પર ઇંધણનો ભાવ વધારો લાદવો જ પડે એ સ્થિતિ હતી. એવી વાતો પણ હતી કે 100 કરોડ લોકોને મફત રસી આપવા સરકારે ઈંધણ મોંઘું કર્યું. આ જો સાચું હોય તો સરકારે એવું નાટક કરવાની જરૂર ન હતી. ખરેખર તો સરકારે જાહેર કરવું જોઈતું હતું કે રસી મફત આપી શકાય એ માટે ઇંધણનો ભાવ વધારવો જ પડે એ લાચારી છે, તો પ્રજાએ આ વધારો સ્વીકારી લીધો હોત ! એને બદલે પ્રજાની પરવા જ ન હોય તેમ સરકાર ભાવ વધારતી રહી. એને બદલે સરકારે પ્રજાને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. આ એ પ્રજા છે, જેણે  વડા પ્રધાનના એક બોલે ગેસની કરોડોની સબસિડી સ્વેચ્છાએ જતી કરી છે. જો સરકારે જાહેર કર્યું હોત કે મફત રસીની સામે પ્રજાએ ઇંધણનો ભાવ વધારો વેઠવો જ પડે એમ છે, તો પ્રજાએ ખુશી ખુશી સરકારને સાથ આપ્યો હોત, તેને બદલે પ્રજાને પોતે લૂંટી રહી છે એવી છાપ સરકારે દૃઢ થવા દીધી. એથી પ્રજાની નારાજગી વધી ને એણે પેટા ચૂંટણીમાં એ નારાજગી પ્રગટ કરી, તે એ હદે કે સરકારને ઈંધણના ભાવ ઘટાડવાની ફરજ પડી.

પ્રજાએ પોતાની છૂપી, પણ લોખંડી તાકાતનો પરચો આપ્યો ને સરકારને તેનું સ્થાન બતાવી દીધું, તો સરકારને પક્ષે એવું પણ સિદ્ધ થયું કે ભાવ વધારો સાચો ન હતો. જો પ્રજા વિફરે તો ભાવ ઘટાડવો પડે એ ફલિત થયું. મતલબ કે ભાવ વધારો પ્રજાના મિજાજ પર અવલંબિત છે, નહીં કે આંતરરાષ્ટ્રીય ભાવો ને સંજોગો પર ! આ બધું પારદર્શક નથી. એ પણ કમાલ જ છે ને કે રોજ વધતાં ભાવો હવે સ્થિર છે ! 2022માં વિધાનસભાની ચૂંટણી ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં છે. એવું બનવાના પૂરા સંજોગો છે કે ભાવ વધારો ખરેખર જરૂરી થઈ પડે એમ હોય તો ય સરકાર હવે ભાવ નહીં વધારે. જો પ્રજાનો રોષ પેટા ચૂંટણીમાં પરિણામો પર અસર પાડી શકતો હોય તો સરકાર સામે ચાલીને પોતાને વેતરવા પ્રજાના હાથમાં કાતર નહીં જ આપે તે નક્કી છે. એનો અર્થ એવો પણ નહીં કે પ્રજાએ સરકારને બાનમાં લેવાની છે. અપેક્ષા એટલી જ છે કે આજના સમયમાં પ્રજા સક્રિય રહે તો સરકાર મનમાની કરતાં પહેલાં વિચાર કરે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 નવેમ્બર 2021

Loading

...102030...1,6971,6981,6991,700...1,7101,7201,730...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved