Opinion Magazine
Number of visits: 9673624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુલસુમ સયાની : સેવા, સામર્થ્ય અને સંનિષ્ઠાનું સૌંદર્ય

સોનલ પરીખ|Opinion - Opinion|29 March 2022

કુલસુમ સયાની એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ બદલાની આશા વગર દેશને પોતાનું શ્રેષ્ઠ આપવામાં માનતી હતી. એ પેઢી, એ કુલસુમજી હવે આપણી વચ્ચે નથી. મહિલા દિન નિમિત્તે કુલસુમજીને યાદ કરીએ અને તેઓ કહેતાં એમ થોડી મિનિટો આપણાં વંચિત ભાઈઓબહેનોને આપીએ …

આજે જે સૂત્ર ખૂબ પ્રચલિત છે, ‘ઈચ વન ટીચ વન’ એ એક સ્ત્રી દ્વારા લોકપ્રિય થયું હતું એ બહુ ઓછા જાણે છે. એ સ્ત્રીનું નામ છે કુલસુમ સયાની. ભારતમાં પ્રૌઢ શિક્ષણનો પાયો કુલસુમજીએ નાખ્યો હતો. આ કુલસુમ સયાની એટલે વિખ્યાત રેડિયો ઉદ્દઘોષક અમીન સયાનીનાં મા. કુલસુમ એટલે સુંદર. કુલસુમજીના વ્યક્તિત્વમાં સામર્થ્ય અને સંનિષ્ઠાનું છલોછલ સૌંદર્ય હતું. મહિલા દિવસ નિમિત્તે જાણીએ આ પ્રતિભાના સૌંદર્યથી છલોછલ મહિલાને.

કુલસુમજીને આ કામ કરવાની પ્રેરણા આપનાર હતા ખુદ મહાત્મા ગાંધી. કુલસુમજીના પિતા ડૉ. રજબઅલી પટેલ ગાંધીજી અને મૌલાના આઝાદના અંગત ડૉક્ટર હતા. ડૉ. રજબઅલીને પાંચ સંતાનો હતાં. બધાં ખૂબ સુશિક્ષિત હતાં, સાચા દેશપ્રેમીઓ હતાં અને વૈશ્વિક માનવતાના સ્તરે વિચારનારાં અને જીવનારાં હતાં. ગાંધીજીની પ્રેરણાથી કુલસુમજીએ દેશસેવા માટે નિરક્ષરતા નિવારણનું ક્ષેત્ર પસંદ કર્યું. 18 વર્ષની ઉંમરે એમનાં લગ્ન ડૉ. જાનમહમ્મદ સાથે થયાં. ડૉ. જાનમહમ્મદનો પરિવાર મૂળ કચ્છનો પણ વર્ષોથી મુંબઈમાં વસી ગયેલો. એ સમયનું મુંબઈ દેશકાર્યો અને આંદોલનોથી ધબકતું હતું. ડૉ. જાનમહમ્મદના પિતા ઈબ્રાહીમભાઈ અને કાકા રહીમતુલ્લા પણ દેશસેવા અને સમાજસુધારણામાં ઊંડો રસ લેતા. રહીમતુલ્લા સયાની 1896માં કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા.

1921માં પ્રિન્સ ઑફ વૅલ્સનું આગમન થયું ત્યારે એના વિરોધમાં મુંબઈમાં અનેક દેખાવો થયા. અંગ્રેજ સરકાર મારપીટ અને ગોળીબારો પર ઊતરી આવી હતી. એ સમયને યાદ કરતાં કુલસુમબહેન કહેતાં, ‘ઘવાયેલાની સારવાર કરવા માટે એક ખાસ હૉસ્પિટલ ઊભી થઈ હતી. મારા પતિ જાનમહમ્મદ એમાં નીમાયેલા પ્રથમ ડૉક્ટર હતા. અમારી પાસે રેડક્રોસના બિલ્લાવાળી નાની સેક્સન મોટરકાર હતી. મારા પતિ કરફ્યુ મુકાયેલા વિસ્તારમાંથી પસાર થઈ હૉસ્પિટલમાં જાય. બન્ને તરફ સરકારી પોલિસ ઊભી હોય. જ્યાં સુધી એમનો પહોંચી ગયાનો ફોન ન આવે ત્યાં સુધી હું ફોનને ચોંટી રહું.’

મહાત્મા ગાંધી સાથે અને પરિવારમાં થતી વાતોથી કુલસુમજીને શિક્ષણનું મહત્ત્વ સમજાયું હતું. 1938માં એમણે 100 રૂપિયાની મૂડીથી બે શિક્ષકો રાખ્યા. પોતે મુસ્લિમ વિસ્તારોમાં ફરી વિદ્યાર્થિનીઓ શોધવા લાગ્યાં. એ વખતે મુસ્લિમ વિસ્તારમાં છોકરીઓને ભણાવવાનું કહેવું કેટલું અઘરું હશે એ કલ્પવું મુશ્કેલ નથી. કેટલી ય વાર તો લોકો એમના મોં પર ઘરનો દરવાજો બંધ કરી દેતા – છોકરીને ભણાવીએ? શા માટે?

આવા પ્રસંગે હતાશ થવાને બદલે, શિક્ષણ માટે કેટલું બધું કામ કરવાની જરૂર છે એની પ્રતીતિ તેમને થાય. તેઓ મુંબઈની અનેક સમિતિ સાથે જોડાયાં. કાઁગ્રેસે 1938માં સ્થપાયેલી પહેલી નેશનલ પ્લાનિંગ કમિટી સાથે તેઓ સંકળાયેલાં હતાં. તેમણે મુસ્લિમ કન્યાઓને ઘેર બેઠા શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી. જો કે તેઓ માત્ર મુસ્લિમોના ઉત્કર્ષ માટે કામ નહોતાં કરતાં. 1944ની ઑલ ઈન્ડિયા વિમેન્સ કોન્ફરન્સનાં તેઓ સચિવ હતાં અને સ્ત્રીસશક્તિકરણનાં અનેક કામ કરતાં.

પણ તેમનું સૌથી ઉમદા કામ શિક્ષણક્ષેત્રે રહ્યું. માર્ચ 1970માં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ની દિલ્હી આવૃત્તિએ નોંધ્યું છે કે ‘કુલસુમ સયાનીએ 1939માં ‘ધ બોમ્બે સિટી એજ્યુકેશન સોસાયટી’નો વહીવટ સંભાળ્યો. ત્રણ દાયકામાં સોસાયટીએ ઉર્દૂ, હિંદી, ગુજરાતી, મરાઠી અને તેલુગુ ભાષામાં પાંચ લાખ પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપ્યું છે. કુલસુમ સયાનીના દિવસો શાળાઓ શરૂ કરવા અને વિદ્યાર્થીઓ શોધવામાં વીતે છે અને રાત પ્રૌઢશિક્ષણમાં.’ તે વખતની મોટા ભાગની શિક્ષણ પ્રવૃત્તિઓમાં કુલસુમજીની આગેવાની હતી અને ‘ઇચ વન ટીચ વન’ જેવી અનેક સ્કીમ એમણે શરૂ પણ કરેલી. શાળાઓમાં જઈ તેઓ વિદ્યાર્થીઓને મળતાં, સંબોધતાં અને કહેતાં કે રોજની માત્ર 15 મિનિટ આપો અને કોઈ એકને શીખવો. વડીલો પાસે બેસીને પૌરાણિક વાર્તાઓ સાંભળો – ગરીબ સ્ત્રીઓને કમાવા જવું પડે છે અને શ્રીમંત સ્ત્રીઓ સભાસમારંભોમાંથી ઊંચી નથી આવતી. બાળકોને આપણી સંસ્કૃતિ કોણ શીખવશે? તેઓ મોટેથી વાંચવાને મહત્ત્વ આપતાં. થોડા મિત્રો એકઠા થાય અને વારાફરતી મોટેથી વાંચે. નવશિક્ષિતોને આનાથી પ્રોત્સાહન અને આત્મવિશ્વાસ મળે છે એમ કહેતાં. અઠવાડિયે ત્રણચાર શાળાઓમાં જઈ તેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતાં.

પુખ્ત વયના નવશિક્ષિતો માટે એમણે એક અખબાર ‘રાહબર’ શરૂ કર્યું હતું. આ અખબાર હિંદી, ઉર્દૂ અને ગુજરાતી ત્રણ લિપિમાં પ્રગટ થતું. તેની ભાષા હિંદી અને ઉર્દૂના સંયોજન સમી ‘હિંદુસ્તાની’ હતી. એ સમયે હિંદી અને ઉર્દૂ વચ્ચે ચડસાચડસી ચાલતી હતી. પોતપોતાની ઓળખ અને મહત્ત્વ સ્થાપિત કરવા હિંદીના સમર્થકો સંસ્કૃતપ્રચૂર હિંદીનો ઉપયોગ કરતા અને ઉર્દૂ ભાષા પર્શિયન અને અરેબિક શબ્દોથી પ્રચૂર હતી. આ બન્ને ભાષાભાષીઓ નિકટ આવે તે માટે ગાંધીજી હિંદી અને ઉર્દૂના સંયોજન હિંદુસ્તાની ભાષાનો પ્રસાર કરતા. ‘રાહબર’માં ‘હિંદુસ્તાની’ ભાષા પ્રયોજવી એવું સૂચન ગાંધીજીનું જ હતું. શહેર-ગામનાં લોકોથી માંડી જેલોમાં પુરાયેલા દેશપ્રેમીઓ સૌ ગાંધીજીની ‘હિંદુસ્તાની’માં રસ લેતા અને ‘રાહબર’ વાંચતા. 1945માં ગાંધીજીએ કુલસુમજી પર પત્ર લખેલો, ‘બેટી કુલસુમ, ‘રાહબર’નું હિંદી અને ઉર્દૂને એક કરવાનું મિશન મને ખૂબ ગમ્યું છે. એ સફળ થાઓ.’

સ્વતંત્રતા મળી ત્યારે ભાષાવિવાદ ફરી છેડાયો. 22 જુલાઈ 1947ના દિવસે ગાંધીજીએ કુલસુમજી પર પત્ર લખ્યો, ‘બંધારણસભા શું નક્કી કરશે તે ખબર પડતી નથી, મારો અને તારો આદર્શ તો બે લિપિમાં લખાયેલી હિંદુસ્તાની જ રહેશે.’

કુલસુમજીએ અનેક આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1953માં તેમણે પેરિસમાં ભરાયેલી યુનેસ્કો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યાં આવેલા અનેક દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી નવા વિચારો મેળવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સુમેળ થાય તેવા તમામ પ્રયત્ન તેઓ કરતાં. વર્ષોનાં અનુભવો અને કામગીરીએ એમને એવી પ્રતિષ્ઠા આપી હતી કે બન્ને દેશોમાં એમના પ્રશંસકો હતા. બન્ને દેશોના નેતાઓને તેઓ મળી શકતાં.

પંડિત નહેરુ, બી.જી. ખેર, વી.કે. કૃષ્નમેનન, રફી અહમદ કિડવાઈ અને ઈન્દિરા ગાંધી જેવાં નેતાઓ ‘રાહબર’ના તંત્રી તરીકે કુલસુમજીને સન્માનથી જોતાં અને એમનાં ભારત-પાકિસ્તાન સુમેળના પ્રયાસોને પ્રોત્સાહિત કરતાં. જો કે પંડિત નહેરુ અને કિડવાઈના મૃત્યુ બાદ એમણે વધુ ધ્યાન હિંદુસ્તાની ભાષાના પ્રચાર પર આપ્યું હતું.

વીસ વર્ષ એમણે એકલે હાથે ‘રાહબર’ સંભાળ્યું. 1960માં વધતી ઉંમર અને અમલદારશાહીને કારણે ‘રાહબર’ બંધ પડ્યું, પણ તેમનું હિંદુસ્તાની પ્રચાર સભા અને અન્ય પ્રવૃત્તિઓ સાથેનું અનુસંધાન છેક સુધી કાયમ રહ્યું. નિરક્ષરતા નિવારણનું એમનું ધ્યેય કદી ન વીસર્યાં. 1960માં એમને પદ્મશ્રી અને 1969માં નહેરુ સાક્ષરતા અવૉર્ડ મળ્યાં. 1987ના મે મહિનામાં એમનું નિધન થયું.

મહાત્મા ગાંધી સાથે પિતા સંદર્ભે સંકળાયેલા હતાં, લગ્ન પછી પતિના સંબંધે પણ સંકળાયેલાં રહ્યા. બન્ને પરિવારો સુશિક્ષિત, રાષ્ટ્રીય આંદોલનોમાં સક્રિય અને સમાજસુધારણા, અંધશ્રદ્ધા નિર્મૂલન, કોમી એકતા માટે કામ કરતા. કુલસુમજીએ આ બધું શિક્ષણ દ્વારા કર્યું. સાથે રેંટિયો, જનજાગરણનાં કામો કર્યાં. મુસ્લિમ લીગના આગેવાનો એમનો વિરોધ કરતાં. એમને ડર હતો કે આમ તો વંચિત-ગરીબ મુસ્લિમો કૉંગ્રેસતરફી થઈ જશે. કુલસુમજીને રાજકારણ સ્પર્શતું નહીં. તેઓ સમાજને ઊંચો લાવવા, સ્ત્રીઓને સશક્ત બનાવવા અનેક પ્રયત્નો કરતાં. ‘ફાયરબ્રાન્ડ રિફૉર્મર’ શબ્દો વાપર્યા છે. 42ની ચળવળ વખતે અંડરગ્રાઉંડ થયેલાં અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી કુલસુમજીના ઘરમાં આશ્રય લેતાં. પરિવાર અને દેશસેવાનું આબાદ સંતુલન જાળવ્યું. કુલસુમજીનું જીવન અનેક રીતે પ્રેરણાદાયક હતું. ત્રણ દીકરાઓના ઉછેર સાથે દેશસેવા કરવાનું સહેલું નહોતું પણ બન્ને ક્ષેત્રોને તેમણે સામર્થ્યપૂર્વક અને અથાક મહેનતથી સંભાળ્યાં. એમના બન્ને પુત્રો હમીદ અને અમીન પ્રખ્યાત રેડિયો ઉદ્દઘોષકો બન્યા અને મોટા હબીબ અમેરિકામાં સ્થિર થયા. અમીન પોતાની હિંદુસ્તાની ભાષા પરના પ્રભુત્વનું શ્રેય માતા કુલસુમ અને એમના ‘રાહબર’ને આપે છે.

કુલસુમજી એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ બદલાની આશા વગર દેશને પોતાનું શ્રેષ્ઠ આપવામાં માનતી હતી. એ પેઢી, એ કુલસુમજી હવે આપણી વચ્ચે નથી. આજની મહિલાઓ ખૂબ સશક્ત અને આત્મવિશ્વાસથી ભરેલી છે. મહિલા દિને કુલસુમજીને યાદ કરીએ અને તેઓ કહેતાં એમ થોડી મિનિટો આપણાં વંચિત ભાઈઓબહેનોને આપીએ … 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 માર્ચ 2022

Loading

સરકાર કરમુક્ત ને પ્રજા કરપાત્ર, એ તે ક્યાંનો ન્યાય?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 March 2022

પંજાબમાં ભગવંત માન મુખ્ય મંત્રી થયા તે સાથે જ કામે લાગ્યા છે. 19 માર્ચે કેબિનેટની પહેલી મીટિંગ મળી એમાં જ 25,000 સરકારી નોકરીઓને સરકારે મંજૂરી આપી દીધી છે. આમાં 10,000 નોકરીઓ પંજાબ પોલીસના જુદા જુદા પદની હશે, તો 15,000 અન્ય વિભાગ, બોર્ડ અને નિગમોની હશે. એ સાથે જ 26 માર્ચે માન સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય લીધો – વન વિધાયક, વન પેન્શન. મુખ્ય મંત્રી ભગવંત માને જાહેર કર્યું કે પૂર્વ ધારાસભ્યોને હવેથી એક જ કાર્યકાળ માટે પેન્શન મળશે. મતલબ કે પૂર્વ ધારાસભ્ય ગમે એટલી વખત ચૂંટણી જીત્યા હોય, તો પણ પેન્શન એક જ કાર્યકાળનું મળશે. આ બહુ સાહસિક અને આવકાર્ય નિર્ણય છે. બનતું હતું એવું કે જેટલી વખત ધારાસભ્યની ટર્મ પૂરી થાય તેટલી વખત પેન્શન આગલા પેન્શનમાં ઉમેરાતું જતું હતું. કોઈ ધારાસભ્ય પાંચ વખત જીતે ને પછી હારી જાય કે તેને ટિકિટ ન મળે તો પણ તેનું પેન્શન ચાલુ રહેતું ને જેટલી ટર્મ પૂરી કરીને નિવૃત્તિ લીધી હોય તેમાં, પહેલી ટર્મનાં પેન્શનમાં પછીની ટર્મનું પેન્શન ઉમેરાતું જતું ને એ રકમ લાખોમાં જતી. માનના જ કહેવા પ્રમાણે એ રકમ 5.25 લાખ સુધી જતી પણ જોવાઈ છે. ધારાસભ્યને એક કાર્યકાળ માટે 75,000 પેન્શન મળે છે. તે પછી આગળની દરેક ટર્મના 66 ટકા પેન્શનના મળે છે. શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એમણે જો કે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન લેવાની ના પાડી છે, એ આવકાર્ય બાબત છે. માનનું માનવું છે કે આ રીતે વધારાનાં પેન્શનનો બોજ સરકારી તિજોરી પર પડે છે ને એ ઓછો કરવા એક જ કાર્યકાળનું પેન્શન આપવાનું સરકારે નક્કી કર્યું છે. ફેમિલી પેન્શનમાં પણ કાપ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે, કારણ એ રકમ પણ સરકારને વધારે લાગી છે.

એક તરફ બેરોજગારી વધતી જતી હોય, શિક્ષિતો નોકરીને બદલે લાઠી ખાતાં હોય ને છતાં નોકરીનાં ઠેકાણાં ન હોય તે સંજોગોમાં એક જ ધારાસભ્ય એકથી વધુ પેન્શનનો લાભ ઉઠાવે એ કોઈ રીતે યોગ્ય નથી. કેટલાક એવા પણ છે જે સાંસદ રહી ચૂક્યા હોય ને પછી ધારાસભ્ય થાય કે તેથી ઊલટું હોય, તો તેને બે પેન્શન મળે છે. એક જ પેન્શન આપવાનું નક્કી થાય તો કરોડો રૂપિયા બચે ને તેનો લોક કલ્યાણમાં ઉપયોગ થઈ શકે એ જોતાં માનના નિર્ણય માટે માન થાય. ‘આપ’ સરકારના આ નિર્ણયથી કાઁગ્રેસ અને અકાલી દળને આંચકો લાગે એમ બને, કારણ આ નીતિથી કેપ્ટન અમરિન્દર સિંહ, રાજિન્દર કૌલ ભટકલ, લાલસિંહ જેવાનાં પેન્શન પર સીધો કાપ પડશે, કારણ તેઓ એકથી વધુ ટર્મ માટે ધારાસભ્ય થયા હતા. પાંચ વખત ધારાસભ્ય થયેલા બલવિંદર સિંહ ભુંદડ ને સુખદેવ ધીંડસાને સવા બે લાખ પેન્શન તો મળે જ છે, પણ તે સિવાય રાજ્ય સભાના સભ્ય તરીકે અલગથી પગાર, પેન્શન ને ભથ્થાં પણ મળે છે.

આમ તો કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈનાં ગજવામાંથી કૈં કાઢી નહીં જ લેતા હોય, આ બધું કાયદા દ્વારા જ નક્કી થયું હોય છે. એ જુદી વાત છે કે આ બધું નક્કી કરનારા પાછા આ જ લોકો છે, પગાર વધારો, ભથ્થાં કે પેન્શન વધારો નક્કી કરતી વખતે, બીજાં અનેક વાંધા હોય તો પણ, વિપક્ષો એક થઈ જાય છે. આમાં થોડી વિચિત્રતાઓ પણ છે. જેમ કે પંજાબમાં એકથી વધુ વખત પેન્શન લેવાતું હતું, જ્યારે ગુજરાતમાં ધારાસભ્યને પેન્શન જ નથી. હવે જે ભ્રષ્ટ છે તેણે તો તળિયું કરી લીધું હશે, પણ કેટલાક એવા મંત્રીઓ ને ધારાસભ્યો પણ છે જે કોઈ લાભ નિવૃત્તિ કાળમાં મેળવતા નથી અને ઘણી કંગાળ દશામાં દિવસો કાઢતા હોય છે. એમ કહેવાય છે કે લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન તરીકે ગુજરી ગયા ત્યારે તેમને માથે દેવુ હતું. આવા ગુજરાતમાં પણ ઘણા હશે. એમને માટે ગુજરાત સરકારે પેન્શનની યોજના ઘડવી જોઈએ. જેણે રાજ્ય માટે ખરેખર કૈં કર્યું હોય તેને માટે રાજ્ય કૈં જ ન કરે એ પણ બરાબર નથી. એક રાજ્યમાં પેન્શન હોય ને એક રાજ્યમાં ન હોય ને બંને રાજ્યો ભારતમાં જ હોય ત્યારે આશ્ચર્ય થાય.

એકવાક્યતા તો સાંસદોના પગાર સંદર્ભે પણ નથી. એપ્રિલ 2020માં, 1954ના કાયદાનું સુધારેલું પગારનું ધોરણ, જાન્યુઆરી, 2021ના રોજ રાજ્યસભા સેક્રેટરીએ બહાર પાડ્યું છે, એમાં 9 પ્રકરણોમાં પગાર, ભથ્થાં, ટ્રાવેલિંગ એલાઉન્સ, ડેઇલી એલાઉન્સ, કોન્સ્ટીટ્યુઅન્સી એલાઉન્સ, ઓફિસ એક્સ્પેન્સ એલાઉન્સ, હાઉસિંગ, ટેલિફોન, મેડિકલ ફેસિલિટીઝ, વિદેશયાત્રાના લાભો .. વગેરે વિષે વિગતે વાતો કરવામાં આવી છે. એક એપ્રિલ, 2020 ને રોજ કોરોના સંદર્ભે સાંસદોએ પગારના 30 ટકા એ વર્ષ માટે આપવાની વાત કરેલી તે સુધારો પણ એમાં છે. સાંસદો અને ધારાસભ્યોને અપાતો પગાર, સેલરી હેડ નીચે ગણાતો નથી, પણ તે ‘ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ’ તરીકે ગણાય છે, પણ ડેઇલી એલાઉન્સ અને કોન્સ્ટીટયુઅન્સી એલાઉન્સ જેવા ઘણા એલાઉન્સિસ કરમુક્ત છે. આ ઉપરાંત રેલયાત્રા, સ્ટીમર યાત્રા, એર યાત્રા જેવી ઘણી સગવડો સાંસદો, ધારાસભ્યો, પતિ કે પત્ની સહિત, નિયત મર્યાદામાં ભોગવે છે. જો અપાતો પગાર, પગારને નામે જ ઓળખાવાતો હોય તો તેને ‘ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ’ ગણવાનું અકળ છે. પગાર પણ કરમુક્ત ગણાય છે. જો કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ તરીકે પગાર ગણાતો હોવાથી ટી.ડી.એસ.ની કલમ લાગુ પડતી નથી. 2018 ને હિસાબે સાંસદોને દર મહિને 1,40,000 ફિક્સ મળે છે. જો કે આ ફિક્સ પે રાજ્ય પ્રમાણે જુદા જુદા છે. જેમ કે, સૌથી ઓછો પગાર મિઝોરમના સાંસદનો 47,000 છે, જ્યારે સૌથી વધુ તેલંગાણાનો 2,50,000 છે. દિલ્હીનો 2,10,000 છે જ્યારે ગુજરાતનો 65,000 છે. એમાં કોન્સ્ટીટ્યુઅન્સી ને ઓફિસ એલાઉન્સ 45, 45 હજાર આવી જાય. એમ કહેવાય છે કે પગાર ઉપરાંત 1,51,833 દર મહિને એલાઉન્સ મળે છે. ફિક્સ સેલરી અને એલાઉન્સ ગણતરીમાં લઇએ તો એક સાંસદ 35 લાખની આસપાસનો પડતો હોય છે. એમાં કમાલ એ છે કે એના પર કોઈ ટેક્સ નથી લાગતો.

આ ઉપરાંત 50,000 યુનિટ લાઇટ, 1,70,000 કોલ્સ, રહેવાનો બંગલો (અંદરના ફર્નિચર, એ.સી. સહિત) વગેરે ફ્રી મળે છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ્સ, વીમો, પેન્શન ગાડી … વગેરે પણ ફ્રી મળે છે. એક રિટાયર્ડ આઇ.એ.એસ. તો ત્યાં સુધી કહે છે કે સાંસદોનું ને ધારાસભ્યોનું તો પેન્શન પણ કરમુક્ત છે. એવું ન હોય તો પણ સાંસદોને પેન્શન પર ટેક્સ ભરવાનું કાનખજૂરાના પગથી વધારે નહીં જ હોય. એ ઉપરાંત નિવૃત્તિ પછી પણ સાંસદો, ધારાસભ્યોને ઘણી સગવડો ને રાહતો ચાલુ રહેતી હોય છે. એ લાભ અન્ય પેન્શનરોને છે? તો સવાલ એ થાય કે બીજાં વૃદ્ધોને પાછલી જિંદગીમાં ટેક્સથી લૂંટવાનું યોગ્ય છે? વર્ષો સુધી પગાર ને ભથ્થાં પર ટેક્સ ભર્યો હોય તેવા પેન્શનરોને પેન્શન પર કરમુક્તિ આપવામાં સરકારે નાનમ ન અનુભવવી જોઇએ.

જે પગારદાર છે તે જ કદાચ વધુ પ્રામાણિક છે, ટેક્સ ભરવામાં. તે અપ્રામાણિક થઈ શકે એમ પણ નથી, કારણ તેનો પગાર ઢાંક્યો ઢંકાતો નથી ને તેની ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થાય જ છે, જ્યારે સાંસદો, ધારાસભ્યોને તો પગાર જ મળતો નથી, તેને પગાર અપાય છે ખરો, પણ તે ગણાય છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ તરીકે. સાંસદો કે ધારાસભ્યોનો પગાર કરમુક્ત છે. આમ તો સાંસદોને અપાતા પગારના, 1954થી ચાલી આવતા કાયદામાં ટેક્સની જવાબદારી અંગે ખૂલીને વાત થઈ નથી. હા, સાંસદોના કયાં એલાઉન્સિસ કરમુક્ત છે તેની વાત છે, પણ પગાર કરપાત્ર છે કે કેમ એની સ્પષ્ટતા નથી. એમ માની લઇએ કે સાંસદોનો પગાર કરપાત્ર છે, તો પણ જેટલા એલાઉન્સિસ એમને માટે કરમુક્ત છે તે આંકડો એટલો મોટો છે કે એ ટેક્સ ભરે તો પણ ઘણી આવક ટેક્સના દાયરાની બહાર જ રહે, છતાં ઇન્કમટેક્સ ભરવામાંથી સાંસદોને બાદ રખાયા છે તે ખરું. એ પણ ખરું કે 1954ના વખતોવખત સુધારાયેલા પગારના કાયદામાં સાંસદો એકથી વધુ પેન્શન મેળવવા હકદાર છે એમ પણ જણાવાયું છે.

એવી કોઈ નોકરી નથી જેમાં પાંચ વર્ષમાં પેન્શન શરૂ થઈ જાય. ધારાસભ્ય અને સાંસદનું પદ જ એવું છે કે પાંચ વર્ષે નિવૃત્તિ આવે તો પેન્શન શરૂ થઈ જાય. એ પછી ફરી ચૂંટાવ અને ટર્મ પૂરી કરો કે ન કરો, વળી પેન્શન શરૂ થઈ જાય ને એ અધિકારપૂર્વક મેળવવાનો વાંધો પણ નથી, કારણ, એવું જ ઠરાવાયું છે. એમાં કશું અજુગતું પણ નથી. આ લાભ બીજી કોઈ નોકરીમાં આટલો નથી. હવે તો બધેથી પેન્શન કાઢવાની ફિકરમાં જ છે સરકાર કે જેથી નિવૃત્તની કોઈ જવાબદારી જ ઉપાડવાની ન રહે. આમ એક પણ વખત કોઈને પેન્શન ન આપવાની પેરવીમાં સરકાર છે ને બીજી તરફ એકથી વધુ વખત સાંસદોને કે ધારાસભ્યોને પેન્શન આપવાનો તેને જરા જેટલો પણ સંકોચ નથી.

એ સંકોચ પહેલી વખત પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનને થયો ને એમણે ધારાસભ્યને એક જ વખત પેન્શનનો હક માન્ય રાખ્યો. ખરેખર તો આ ફેરફાર સાંસદો માટે પણ આવવો જોઈએ. ત્યાં વર્ષોથી એકથી  વધુ વખત પેન્શન માન્ય છે ને સાંસદો તે સ્વીકારે પણ છે. આ સ્થિતિ બદલાય એમ ઈચ્છીએ.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 માર્ચ 2022

Loading

ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે

સુમન શાહ|Opinion - Literature|28 March 2022

ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે સુજ્ઞ જનો અવારનવાર પ્રશ્નો ઊઠાવતા હોય છે. એ બહુ જ જરૂરી છે.

એ વિશે મેં 'મારી વિદ્યાયાત્રા'-માં પૂછ્યું છે કે – ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે આપણો સંદર્ભ શું કહે છે. એ વિશે મેં મારાં પાંચ નિરીક્ષણો રજૂ કર્યાં છે, દરેકને અંગે એક એક પ્રશ્ન પૂછ્યો છે, અને આઠ નિરાશાઓ રજૂ કરી છે. એ આખું લખાણ નીચે મુજબ છે :

૧ – નર્મદે જોડણી ઉપરાન્ત પરિભાષા રચવાનો નોંધપાત્ર પુરુષાર્થ કરેલો. એ પુરુષાર્થ આજની તારીખે ચાલુ છે. એટલે કે, આ બાબતે આપણે અભાન નથી. પ્રશ્ન : તેમ છતાં, આ બાબતે કશો સહિયારો, બહુસમ્મત અને નિત્યવર્ધમાન કોઈ પ્રોજેક્ટ આપણે ત્યાં કેમ નથી?

૨ – તેમ છતાં, નર્મદના એ પુરુષાર્થમાં જરૂરી વિજ્ઞાનીયતાનો અભાવ છે. પ્રશ્ન : એ અભાવ વિશે પ્રેમપૂર્વકનો કશો વિમર્શ-પરામર્શ કેમ નથી? છેક સુધારક અને પણ્ડિત યુગ-થી આપણે ત્યાં, નહીં જાણનારા વધુ અને જાણકારો વિરલ એવું વ્યસ્ત પ્રમાણ છે. એ વિરલોમાં અંદર અંદરની લટિયાંખૅંચ એક કાયમી લક્ષણ છે. ટૂંકમાં, આપણો સંદર્ભ પોતે જ અ-વિજ્ઞાનીય સ્વરૂપનો છે. એ ખાટલે મોટી ખોટને કેવી રીતે નિવારી શકાય?

૩ – ચાવી રૂપ કે પારિભાષિક સંજ્ઞાઓને વિશેનો પુરુષાર્થ તેનાં ઉત્તમ દૃષ્ટાન્તોમાં પણ જેટલો સર્જકતા-સ્મૃતિથી લિપ્ત છે, ઘણી વાર તો આત્મલક્ષી છે, તેટલો વસ્તુલક્ષીતાથી સંરચિત નથી. પ્રશ્ન : આ હકીકતનાં જરૂરી લેખાંજોખાં અને તેની સાધક-બાધક ચર્ચાઓ કેમ નથી?

૪ – એટલે એમ ભાસે છે કે પેલા sclerosisનો ભય અથવા પરિવર્તનનો અતિશયિત પ્રતિકાર, બદલાવું જ નથી એવી હઠ, એમાં લેશ માત્ર રહેતી નથી. પ્રશ્ન : જો એમ છે, તો તેવા સ્થિતસ્યને કેટલું સમર્થનીય કે આવકાર્ય-સ્વીકાર્ય ગણી શકાય?

૫ – સરવાળે, ક્ષેત્ર યોગ્ય ધણીધોરી વિનાનું અનાથ દીસે છે. પ્રશ્ન : એ અનાથતાના વિદારણને સારુ સાહિત્યસંસ્થાઓને અને યુનિવર્સિટીઓને જવાબદાર ગણી શકાય કે કેમ? બીજી રીતે એમ પૂછાય કે આ કામને વૈયક્તિક ધોરણે કેટલુંક નભાવી શકાય એમ છે?

Pic courtesy : Learning Together

મને આઠ પ્રકારે બધું નિરાશાજનક લાગે છે :

૧ – આપણે ત્યાં જોડણી અને લિપ્યન્તરણને વિશે એકવાક્યતા નથી એ જુદી ચર્ચાનો વિષય છે. પણ એની જેમ જ પારિભાષિક સંજ્ઞાઓ વિશે પણ નિર્વિવાદ બહુસમ્મતિ નથી. દાખલા તરીકે, ‘પોસ્ટમૉડર્ન-ને ‘અનુઆધુનિક’ અને ‘આધુનિકોત્તર’ – બન્ને કહેવાય છે. અંગ્રજી ‘મૉડર્ન’ માટે ‘અર્વાચીન’ અને ‘આધુનિક’ – બન્ને વપરાય છે.

૨ – મોટા ભાગનાઓનું કામ પરિભાષા વિના ચાલી જાય છે. જેમ કે, ઘણા આવું આવું વારંવાર બોલે છે – મજા પડે એવું છે. ભાષાકર્મ સરસ છે. રસપ્રદ છે. અનુભવની તાકાત તો જુઓ. વગેરે.

૩ – જેઓ પ્રયોજે છે તેમાંના કેટલાક, જરૂરત વિના, પ્રદર્શનાર્થે, પ્રયોજે છે. જેમ કે, આપણે ત્યાં ફૉર્મ-નો મહિમા સ્વીકારાયા પછી અને સંરચનાવાદ-ની વાત થયા પછી, મેં અનેક લોકોને ‘ફૉર્મ' અને ‘સંરચના’ શબ્દ કશા કારણ વગર અથવા વગર સમજ્યે બોલતા સાંભળ્યા છે.

૪ – સંજ્ઞાઓ જાણકારીથી વપરાતી હોય તો સારું જ છે. પણ, તો જ સારું છે. ક્યારેક એનો વપરાશ ટેવવશ કે ફૅશનવશ વરતાય છે. જેમ કે, કાવ્યચર્ચાના લગભગ બધા પ્રસંગોમાં, ‘કલ્પન અને પ્રતીકનો વિનિયોગ’ – એ શબ્દગુચ્છ લગભગ એક નિયમ તરીકે સાંભળવા મળે છે.

૫ – પરિભાષા કે ચાવીથી જે ખૂલે તેને પામવા માટે અને સ્વીકારીને આગળ ચાલવા માટે જે ઍકેડેમિક ડીઝાયર, શિષ્યવૃત્તિ, જોઈએ તેની ઠીક ઠીક અછત પ્રવર્તે છે. દાખલા તરીકે, મુનિ ભરતે આપેલા રસસૂત્ર-માં છેલ્લે આવતો ‘રસનિષ્પત્તિ’ શબ્દ. એનો અર્થ પામવાને માટે ‘રસઉત્પત્તિ’, ‘રસઅનુમિતિ’, ‘રસભુક્તિ’, ‘રસઅભિવ્યંજના’ જેવા સંકેતોથી પ્રગટેલા ચર્ચાવૈભવને જાણવો રહે. લોલ્લટ, શંકુક, નાયક અને અભિનવગુપ્તે કરેલા એના પરામર્શમાં જવું પડે. જોવાશે કે, મોટા ભાગનાઓ સૂંઠને ગાંગડે ગાંધી થઈ ગયા છે અને આજકાલ કમનસીબે એ જ વલણ સ્થિર થવા લાગ્યું છે.

૬ – સંજ્ઞા જેમાંથી જન્મી હોય તે પૂર્વસંદર્ભમાં જવાની, એટલે કે જે-તે વ્યાપક સિદ્ધાન્તમાં પરોવાવાની તૈયારી ખાસ નથી જણાતી. કોઈને તેવી જરૂરિયાત પણ ભાગ્યે જ વરતાતી હોય છે. જેમ કે ‘રસ’-નો છેવટનો સમ્બન્ધ જાણવા જઈએ તો ‘ધ્વનિ’-વિચાર પાસે જવું રહે. અને એમ પણ જાણવું રહે કે રસ તેમ જ ધ્વનિ-વિચાર સાહિત્યકલાના અનુભવમૂલક વિમર્શ-પરામર્શનો સંવિભાગ છે – જેમ, અલંકાર અને વક્રોક્તિ-વિચાર સાહિત્યકલાના ભાષાપરક વિમર્શ-પરામર્શનો સંવિભાગ છે.

૭ – સંજ્ઞાઓ અનેક સ્થળે યોગ્ય રીતે પણ પ્રયોજાઈ હોય છે, તેમ છતાં, એથી ભડકવાનું વલણ જોવા મળે છે – આ તો અંગ્રેજી છે, પરદેશી છે, સંસ્કૃત છે, અઘરું છે, શી જરૂર વગેરે ઢાલો ધરાતી હોય છે. એટલે કે, નાસીપાસીનું વલણ જોવા મળે છે. આટલા વિવેચકોને બાજુએ મૂકો, કેમ કે તેઓ પોતાની વાત સંજ્ઞાઓમાં કરે છે વગેરે. કહેવાતા અનુ-આધુનિક યુગમાં આવાં બધાં વલણો પાછળનું શિથિલ અને સુસ્ત માનસ કોઈને વાંધાજનક નથી લાગતું, બલકે, નભી જાય છે, એટલું જ નહીં, એ માનસની જ તરફદારી કરનારા મોરચા મંડાય છે. અને ત્યારે, સંભવ છે કે મનોદશા ઘણીબધી ‘ફન્ડામૅન્ટાલિસ્ટિક’ હોય.

૮ – પારિભાષિક કે ચાવીરૂપ સંજ્ઞાઓને વિશેની લાપરવાહી કે એને વિશેનું અ-મન આપણે ત્યાં અકારણ નથી. એનાં મૂળ વિવેચનને વિશેની આપણી સૂગમાં રહેલાં છે. આપણા સાહિત્યિક વિશેષોમાં વિવેચન વિશેની સૂગનું આગળ પડતું સ્થાન છે. કોઈ પણ વ્યક્તિને, આ તો વિવેચક છે – કહીને ઉતારી પાડનારાઓની આપણે ત્યાં ખોટ નથી. કેટલાકોએ તો, – મારું કામ નહીં,  હું તો યાર, સર્જક, એવી ડિંગ મારવા માટે જ એ પૅંતરો કર્યો હોય છે. સાહિત્યકારોની સર્જકતા પહેલી, પણ પછી એઓ વિવેચનાને કારણે નામાંકિત થયા હોય એવા દાખલા આપણે ત્યાં ઘણા છે. મારી ૫૬થી પણ વધુ વર્ષની કારકિર્દી દરમ્યાન એ નામાંકિતોને મેં વિવેચકોને ગાળો આપતા જોયા છે, વિવેચનાને ભાંડતા જોયા છે. કોઈ કોઈ એમાનાં હાલ વિવેચન-જેવું લખી-કરીને જાણ્યે-અજાણ્યે કદાચ પ્રાયશ્ચિત કરી રહ્યા છે.

પણ હકીકત એ છે કે એ ગલીચ માનસકિતાથી લિપ્ત સૂગ ફરતીફરતી વિવેચનાના આ પરિભાષા નામના ઉપકરણ-સમવાયને વિશે પણ જામેલી છે. અને તેથી વિવેચન અને અધ્યયન-અધ્યાપનમાં કશો ભલીવાર આવવાના દિવસો દૂર-ના-દૂર વરતાય છે.

મને એવું લાગે છે કે આ અષ્ટરૂપા નિરાશામાંથી બહાર નહીં અવાય, ઉક્ત પાંચ નિરીક્ષણો સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર નહીં મેળવાય, તો મારું ધારવું છે કે ગુજરાતી સાહિત્યવારતામાં વિજ્ઞાનીયતાનું કશું ચિહ્ન બચશે જ નહીં. અને મને નથી ગમતું છતાં કહેવા દો કે સરવાળે સાહિત્યપરક શાસ્ત્રીયતા પણ નામશેષ થઈ જશે. અને મને બિલકુલ નથી ગમતું છતાં કહેવા દો કે સાહિત્યિક સૌન્દર્ય પણ ચિહ્નિત થયા વિના આપોઆપ ભૂલું પડી જશે …

= = =

(March 27, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5871,5881,5891,590...1,6001,6101,620...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved