Opinion Magazine
Number of visits: 9674076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકવીસમી સદીના પડકારો (Challenges)

નટવર ગાંધી|Opinion - Opinion|4 April 2022

1950માં આર્ષદૃષ્ટા પત્રકાર વજુ કોટકે ‘ચિત્રલેખા’ સામયિકની શરૂઆત કરી. ત્યાર પછીના લગભગ સિત્તેર વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફારો થયા. યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રોની જકડમાંથી અનેક ગુલામ પ્રજાને મુક્તિ મળી અને નવા દેશો સ્થપાયા. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછી જ્યારે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ, ત્યારે તેમાં 51 દેશો હતા, આજે એમાં 193 છે.

અણુવિગ્રહ (Nuclear war)

1945માં ભલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, છતાં જગતની બે મહાસત્તાઓ — અમેરિકા અને સોવિયેત રશિયા — વચ્ચે જે હરીફાઈ અને હુંસાતુંસી હતી તે તો ચાલુ જ રહી, પણ એ ઠંડા યુદ્ધ (cold war) ફેરવાઈ ગઈ. 1945 પછી એ બન્ને ક્યારે ય એક બીજા સામે સીધે સીધા યુદ્ધે ચડ્યા નથી. પરિણામે પહેલા બે વિશ્વ યુદ્ધોમાં જે મહાવિનાશ થયેલો તે દુનિયાએ છેલ્લા સાતેક દાયકાઓમાં જોયો નથી.  

બન્ને મહાસત્તાઓ અણુ શસ્ત્રોથી સજ્જ છે. હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા મહાવિનાશથી બન્ને ચેતેલા છે. એક વાત સ્પષ્ટ હતી કે હવે જો બન્ને વચ્ચે જો કોઈ યુદ્ધ થાય તો તેમાં સર્વત્ર માનવજાતિનો વિનાશ થવો શક્ય છે. આ કારણે બીજા વિશ્વયુદ્ધ પછી જે નાના મોટા યુદ્ધો થયા –કોરિયા (1950-53), વિએટનામ (1955-75), અફઘાનિસ્તાન (2001-21), ઇરાક (2003-11) — તેમાં ક્યારે ય આ મહાસત્તાઓ એક બીજાની સામે સીધેસીધી મેદાને પડી નથી. એટલે આ લડાઈઓ ક્યારે ય વિશ્વવ્યાપી બની નથી.

પહેલા તો સદીઓની સદી સુધી વિશ્વની, ખાસ કરીને યુરોપની મહાસત્તાઓ એક બીજા સાથે યુદ્ધો કર્યા કરતી હતી. છેલ્લા સાત દાયકાઓમાં દુનિયામાં આવા કોઈ મહાવિનાશકારી યુદ્ધ થયા નથી એ ઇતિહાસની એક મહાન અપવાદરૂપ ઘટના ગણાય.

છેલ્લા સાતેક દાયકાઓમાં રશિયા અને અમેરિકા વચ્ચે એક વણલખી સમજૂતી રહી છે કે એક બીજા સામે મેદાને નહીં પડવું. આને લીધે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 1950 પછી કોઈ વિશ્વયુદ્ધ જેવા  વિનાશકારી વિગ્રહ થયા નહીં અને શાંતિ જળવાઈ રહી. દેશદેશો વચ્ચે વ્યવહાર, વ્યાપાર, આવજા, લેવડદેવડ વધી. દુનિયા આખીમાં, ખાસ કરીને ગરીબ દેશોમાં, આર્થિક વિકાસ અને પ્રગતિ થઈ અને ગરીબી ઘટી. આપણા દેશનો જ વિચાર કરો તો 1950માં આપણે ત્યાં 70% લોકો અત્યન્ત ગરીબીમાં જીવતા હતા, આજે 21%. રશિયાના યુક્રેન ઉપર થયેલા આક્રમણને કારણે આ પરિસ્થિતિ જોખમમાં મુકાઈ છે.

અમેરિકા અને પશ્ચિમના દેશોએ યુક્રેનના આક્રમણનો વિરોધ કરવા માટે રશિયાને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને બીજા વ્યવહારમાંથી બાકાત કર્યું છે. એની સામે રશિયાએ યુરોપમાં ગેસ અને ઓઇલનો એક્સપોર્ટ બંધ કરવાની ધમકી આપી છે. આ કારણે ગેસ અને ઓઈલના ભાવ વધી ગયા છે અને હજુ વધતા જશે. અમેરિકન શેર બઝારમાં પણ એના પડઘા પડ્યા છે જો કે બીજી આવી કટોકટીઓનો ઇતિહાસ એમ કહે છે કે આવી અવળી અસર લાંબો સમય ટકશે નહીં. છતાં ગેસ અને બીજી કમોડિટીના વધતા જતા ભાવને કારણે દુનિયા આખીમાં, ખાસ તો પશ્ચિમના દેશોમાં ફુગાવો જરૂર વધશે.

યુક્રેન ઉપર થયેલ આક્રમણથી બચવા ત્યાંના નાગરિકો લાખોની સંખ્યામાં દેશ છોડીને આજુબાજુના દેશોમાં જવા લાગ્યા છે. યુદ્ધના પહેલા દસ દિવસમાં જ લગભગ 20 લાખ નિરાશ્રિતો પોલાન્ડ, માલ્ડોવા, રુમાનિયા, સ્લોવેકિયા, અને હંગેરી જેવા પાડોશી દેશમાં આવી પડ્યા છે. જેમ જેમ યુદ્ધ લંબાતું જશે તેમ તેમ આ નિરાશ્રિતોની સંખ્યા વધતી જવાની છે.

પરંતુ સૌથી મોટો પ્રશ્ન, કહો કે પડકાર (challenge) એ છે કે એ યુક્રેનનું યુદ્ધ બન્ને મહાસત્તાઓ વચ્ચે અણુયુદ્ધમાં ન પરિણમે તે જોવાનું છે. નહીં તો માનવજાતિનો મહાવિનાશ થાય એવી શક્યતા છે. રશિયાનું આ ખુલ્લમ્‌ખુલ્લું આક્રમણ જો યુરોપમાં પ્રસરે તો નેટો(NATO)ની સંધિ અને કરારો મુજબ અમેરિકાએ પણ યુદ્ધમાં સીધેસીધું જોડાવું પડશે. અમેરિકા અને યુરોપના દેશો યુક્રેનને શસ્ત્રો આપે છે અને બીજી મદદ પણ કરે છે. છતાં અત્યારે તો આ આક્રમણ અણુયુદ્ધ સુધી ન પહોંચે એવી સાવચેતી બન્ને રશિયા અને અમેરિકા રાખે છે.

ગ્લોબલ વોર્મિંગ (Global warming) અને કલાઇમેટ ચેન્જ (Climate change)

એકવીસમી સદીનો બીજો મોટો પડકાર છે ગ્લોબલ વોર્મિંગ (global warming) અને કલાઇમેટ ચેન્જ(climate change)નો.  માનવ પ્રજાએ આર્થિક વિકાસ માટે જે આંધળી દોટ મૂકી તેમાં કુદરતી વાતાવરણનો ઝાઝો વિચાર થયો નથી. ઔદ્યોગિક ક્રાંતિ પછી પૃથ્વીનો ગરમાટો સતત વધતો જ રહ્યો છે. એટલું જ નહીં, પણ આગળપાછળનો વિચાર કર્યા વગર પૃથ્વીની ભૌતિક સમૃદ્ધિનું પણ અસાધારણ શોષણ થયું છે. આને કારણે આપણું નૈસર્ગિક વાતાવરણ, ખાસ કરીને હવા અને પાણી ખૂબ કલુષિત થયા.

જે મહાન નદીઓને કાંઠે વિશ્વની મહાન સંસ્કૃતિઓ ઘડાઈ તેમાંની મોટા ભાગની આજે અત્યન્ત કલુષિત થઈ ગઈ છે. જેમ કે ઇન્ડોનેશિયાની સીટર્મ (Citarum), આપણી ગંગા અને યમુના, બાંગલાદેશની બરીગંગા (Buriganga), ચીનની યલો (Yellow River), કે અમેરિકાની મિસિસિપી (Mississippi).  આ નદીઓનાં પાણી પીવાને લાયક કે એમાં ડૂબકી મારવાને લાયક રહ્યાં નથી. આપણે ત્યાં એવી માન્યતા છે કે માણસ ગંગામાં ડૂબકી મારે તો સ્વર્ગે જાય. આજની ગંગા એવી તો ગંદી છે કે એમાં કોઈ જો ડૂબકી મારે તો એને કદાચ સ્વર્ગને બદલે હોસ્પિટલ જવું પડે!

તેવી જ રીતે દુનિયાના મહાન શહેરો પણ એટલા જ કલુષિત થયા છે. દુનિયાના સૌથી વધુ કલુષિત (polluted) 50 શહેરોમાં 44 તો આપણા દેશના છે!  જેમાં ગાઝિયાબાદ, લખનઉ, નોઈડા, કાનપુર વગેરેનો સમાવેશ થાય છે. ચીનના બે શહેરો — આકસુ (Aksu) અને કાશગર (Kashgar) પણ અત્યંત કલુષિત છે. આ શહેરો ત્યાંના રહેવાસીઓ માટે ખૂબ જોખમી બની ગયા છે, છતાં કરોડોની સંખ્યામાં લોકો વખાના માર્યા ત્યાં રહે છે. ચિંતાનો વિષય એ છે કે આ અને આવા કલુષિત શહેરોની વસ્તી વધ્યે જ જાય છે.

વધુમાં ક્લાઈમેટ ચેન્જને કારણે પૃથ્વીનો ગરમાટો એવો તો વધ્યો છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર સદીઓથી જમા થયેલ બરફની મોટી પાટો ઓગળવા માંડી છે. પરિણામે જગતભરના દરિયાઓ છલકાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઠેર ઠેર દરિયા કાંઠે વસતાં શહેરો ભયન્કર જોખમમાં છે.  આવતાં પચાસેક વરસમાં આપણું મુંબઈ, અમેરિકાના માયામી, ન્યુ ઓર્લિન્સ કે સાન ફ્રાન્સિસ્કો જેવાં મહાન શહેરો જળબમ્બાકાર થઈ જશે. બાંગલાદેશ જેવા આખા ને આખા દેશ પાણીમાં ડૂબી જાય તો નવાઈ નહીં! તો પછી ત્યાં વસતા અસન્ખ્ય લોકોનું શું થશે?

ક્લાઈમેટ ચેન્જને કારણે હવામાનમાં અને વાતાવરણમાં પણ ધરખમ ફેરફાર થયા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં તેમ જ પૂર્વ ઓસ્ટ્રેલિયામાં વારંવાર દાવાનળ થાય છે. ત્યાંની વનસ્પતિ તેમ જ આજુબાજુ રહેતા લોકોની મોટી જાનખુવારી અને માલમિલકતની હાનિ થાય છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના યુકેલિપટસના આખાને આખા જન્ગલો આ દાવાનળોમાં હોમાઈ જાય છે. અત્યારે જ ઓસ્ટ્રેલિયામાં ભયન્કર પૂર આવવાથી અનહદ નુકશાન થઈ રહ્યું છે.

આમ કોઈ ઠેકાણે દાવાનળ, કોઈ ઠેકાણે પ્રલય જેવા પાણીનાં પૂર, કોઈ ઠેકાણે વરસાદના અભાવે દુષ્કાળ, આવા ક્લાઈમેટ ચેન્જને લીધે આવતાં ત્રીસેક વર્ષોમાં લગભગ 200 મિલિયન લોકોએ પોતાના ઘરબાર અને દેશ છોડવા પડશે. આવી આકરી પરિસ્થિતિ રૂવાંડા, હેતી, યેમન, કીરીબાતી જેવા ગરીબ દેશોની પ્રજાની તો ખરી જ, પણ સાથે સાથે જર્મની અને કેનેડા જેવા સમૃદ્ધ દેશોના લોકોએ પણ પોતાનો દેશ કે મુલક છોડવા પડશે. આ દુર્ભાગ્યમાંથી આપણો દેશ પણ છટકી નહીં શકે. આ દૃષ્ટિએ ક્લાઈમેટ ચેન્જ એ આખી દુનિયાને આવરી લેતી સર્વવ્યાપી અને સર્વવિનાશી મહાન ઘટના છે. તેમાંથી કેમ બચવું એ એકવીસમી સદીનો બીજો મહાન પડકાર છે.

આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)

એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર (challenge) છે આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સનો. ટૂંકમાં એ.આઈ. તરીકે એ ઓળખાય છે. એમ કહી શકાય કે એ.આઈ. દ્વારા કમ્પ્યુટર અને એવી ટેક્નોલોજી ઊભી થઈ છે કે જે માણસની જેમ વિચારી શકે છે અને જુદા જુદા ક્ષેત્રે ઊભા થતા અનેક પ્રશ્નોનો નિકાલ લાવી શકે છે. આનો સૌથી ઉત્તમ દાખલો ટેસ્લા નામની કાર છે. એમાં ડ્રાઈવરની જરૂર નથી. કમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા જેમ જેમ કાર આગળ વધતી જાય તેમ તેમ એને ખબર છે કે ક્યાં બ્રેક મારવી, ક્યાં ગેસ પેડલ ઉપર દબાણ લાવી ગાડીની સ્પીડ વધારવવી કે ઘટાડવી, ક્યાં વળાંક લેવો, એક્સિડન્ટ થયો ત્યારે શું કરવું. આપણે તો ખાલી ગાડીમાં બેસી જ રહેવાનું અને ખેલ જોવાનો!

એ.આઈ.નો બીજો દાખલો છે : સિરી (Siri). આ ટેક્નોલોજી એપલ કંપનીના આઈ ફોન તેમ જ આઈ પેડમાં સમાવાઈ છે. જાણે સિરી આપણી સેક્રેટરી હોય એમ એ બધું કામ કરવા હાજરાહજૂર છે. આપણે ખાલી એને કહેવાનું કે શું કરવું. આપણે એને કહી શકીયે કે કોને ફોન કરવાનો છે, કયો રસ્તો લેવાનો છે, કોને વોઇસ મેલ કરવાનો છે — આ બધા હુકમોનું એ કોઈ આજ્ઞાંકિત સેક્રેટરી તરીકે સામું બોલ્યા વગર પાલન કરે! આગળ વધીએ તો હવે ડ્રોનની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિલિટરી ઓફિસરો ઘરે બેઠા બેઠા દૂરના કોઈ અભાગિયા દેશ ઉપર બૉમ્બ ફેંકી શકે છે.

મૂળમાં જે કામ આપણે કરતા હતા તે બધું હવે મશીન કરી શકે છે. આ કારણે જોબ માર્કેટમાં મોટા મોટા ફેરફાર થવા મંડ્યા છે. દાખલા તરીકે બુકકીપીંગ, ડેટા એન્ટ્રી, રીસેપ્શનિસ્ટ, પ્રૂફરીડીન્ગ, મેન્યૂફેક્ચરિંગ, કુરીઅર સર્વિસ વગેરે કામો એ.આઈ. કરી શકે છે. આવા જોબ્સ જો મશીન કરવા માંડશે તો તે એ બધું કામ કરતા લોકોનું શું? ચિંતાનો વિષય એ છે કે આવતા દાયકામાં લગભગ 70 ટકા જોબ્સ માણસો નહીં પણ એ.આઈ. કરશે! આનો અર્થ એ થયો કે લાખો અને કરોડો લોકો બેકાર થશે. તો પછી એમની રોજગારીનું શું? નવા કામધન્ધા કરવા માટે એમણે નવી સ્કિલ શીખવી પડશે. એ પાકા ઘડે નવા કાંઠા કેમ ચડે? આ એ.આઈ.ને કારણે શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં ધરખમ ફેરફાર કરવા પડશે. આ છે એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર.

ગ્લોબલાઇઝેશન (Globalization)

ગ્લોબલાઇઝેશન (globalization) એ માનવજાતિ માટે એકવીસમી સદીનો ચોથો મોટો પડકાર (challenge) છે. કૂદકે અને ભૂસકે આગળ વધતી ટેક્નોલોજીને કારણે આગળ જોયું તેમ આપણને એ.આઈ. (આર્ટીફીસિયલ ઇન્ટિલિજિન્સ) મળ્યું. તેમ જ હવે ઇન્ફોર્મેશન હાઇવે મળ્યા. આ બન્નેને લીધે દુનિયાની કોઈ પણ પ્રજા દૂર કે નજીકની બીજી પ્રજાથી અલગ રહી શકતી નથી. આપણને ગમે કે ન ગમે પણ આપણું સર્વસ્વ અસ્તિત્વ અન્ય દેશો અને અન્ય પ્રજાઓ સાથે ગૂંથાઈ ગયું છે. આપણાં ખોરાક, પોષાક, ગીતસંગીત, બોલચાલ, ભણતર, આચારવિચાર, કામધંધા, વેપાર, આયાત નિકાસ, વગેરે બધું જ ટેક્નોલોજીને કારણે દેશ વિદેશની અસર નીચે થાય છે. એવી જ રીતે આપણે બીજી પ્રજાઓ ઉપર પણ આપણી અસર ફેલાવીએ છીએ.

વિચાર કરો કે આજથી પચાસેક વરસ પહેલાં મારા કુટુંબીજનોને મારી સાથે અમેરિકામાં વાત કરવા ટેલિફોનનું કનેક્શન મેળવતા આખો દિવસ નીકળી જતો. કનેક્શન મળ્યા પછી પણ ભાગ્યે જ બરાબર સંભળાતું. આજે દેશના કોઈ પણ ખૂણેથી મોબાઈલ દ્વારા કોઈ પણ માણસ દુનિયાના કોઈ પણ દેશમાં વસતા લોકો સાથે ફટ કરીને ચોખ્ખેચોખ્ખી વાતચીત કરી શકે છે. ટેક્નોલોજીની આ અજાયબીથી જ આંતરરાષ્ટ્રીય કંપનીઓ આજે લાખો અને કરોડોનો નાણાંકીય વ્યવહાર મોબાઈલ ઉપરથી તત્કાલ કરી શકે છે.  દૂર દૂરના દેશો સાથે મોટા આયાત નિકાસના ધન્ધા કરે છે.

ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશો પણ આ આંતરરાષ્ટ્રીય આવનજાવન કે લેણદેણમાંથી બાકાત નથી. યુક્રેન ઉપર કરેલા આક્રમણ માટે રશિયા ઉપર પગલાં લેવા માટે અમેરિકા અને પશ્ચિમના દેશોએ લશ્કરના કોઈ ધીંગાણાં કર્યા નથી. માત્ર એની સાથેનો નાણાંકીય અને અન્ય વ્યવહાર બંધ કરી દીધો અને તેની આર્થિક પરિસ્થિતિ જોતજોતામાં એકદમ નબળી કરી નાખી.

આપણે ત્યાં તેમ જ બીજે ઘણે ઠેકાણે આ ગ્લોબલાઇઝેશન દ્વારા પશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા ગરીબ દેશોનું શોષણ કરે છે એવો આક્ષેપ મુકાય છે અને એનો વિરોધ થાય છે. પણ ગ્લોબલાઇઝેશન ઉપર પ્રતિબન્ધ મુકવો એ પગ પર કુહાડી મુકવા જેવી વાત છે. આપણે જો આર્થિક પ્રગતિ કરવી હોય તો આ ગ્લોબલાઇઝેશન સિવાય છૂટકો નથી. આપણા શાસ્ત્રોમાં જે વસુધૈવ કુટુંબકમ્‌ની વિભાવના કરાઈ છે તેનું સાચા અર્થમાં આ વર્તમાન સ્વરૂપ છે.

બાઇબલમાં મહાવિનાશના ચાર ઘોડેસવારોની(the four horsemen of the apocalypse)ની કલ્પના થઈ છે. આ  ઘોડેસવારો એમની સાથે મહાન યુદ્ધ, ભયન્કર દુષ્કાળ, ભયાનક મહામૃત્યુ કે પરાજય જેવા વિનાશ લાવે છે. અહીં આપણે જેની ચર્ચા કરી છે તે ચારે પડકારો — અણુવિગ્રહ, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ, આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલાઇઝેશન — તે એકવીસમી સદીના મહાવિનાશના ઘોડેસવારો જેવા છે. એમનાથી બચવા માટે આપણે ઉકેલ શોધવો જ રહ્યો. એમાં જો આપણે પાછા પડ્યા તો એમાં મને માનવજાતિના મહાવિનાશના ભણકારા સંભળાય છે.

વોશિંગ્ટન, માર્ચ 7, 2022

(શબ્દસંખ્યા 1714)

પ્રગટ : “ચિત્રલેખા” 71 : વાર્ષિક વિશેષાંક :  પૃ. 38-44 

Loading

લગ્નમાં જ્ઞાતિબાધ અને જ્ઞાતિ બહાર લગ્ન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 April 2022

૨૦૦૩ના વર્ષમાં તમિલનાડુમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર એક દંપતીને તેના કુટુંબીજનોએ જીવતું જલાવી દીધું હતું. કથિત નિમ્ન જ્ઞાતિની યુવતી સાથે કથિત ઉચ્ચ વર્ણના યુવકનું લગ્ન કુટુંબને સ્વીકાર્ય નહોતું. ‘ઑનર કિલિંગ’ કહેતાં જ્ઞાતિગુમાનને કારણે થયેલી આ હત્યાનો અઢાર વરસે, ૨૦૨૧માં ચુકાદો આવતાં હત્યારા કુટુંબીજનોને જિલ્લા અદાલતે મૃત્યુ દંડની સજા ફરમાવી છે. કર્ણાટકના બેલગાવી જિલ્લાની યુવતીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતીય લગ્ન કરતાં માતાપિતાએ તેમની દીકરીના અપહરણ અને ભોળવીને લગ્ન કર્યાની પોલીસ ફરિયાદ કરી હતી. મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચતા ગયા વરસે અદાલતે પોલીસ ફરિયાદ રદ્દ કરવાના આદેશ સાથે માબાપને આંતરજ્ઞાતીય લગ્નના સ્વીકારની સલાહ આપી હતી. અદાલતે સમાજને જૂનાપુરાણા નાતજાતના બંધનો છોડી દેવા જણાવી ઉમેર્યું હતું કે જ્ઞાતિબાધ વિનાના લગ્નોથી જ્ઞાતિઓ અને સમુદાયો વચ્ચેનો તણાવ ઓછો થશે.

બંધારણને અનુસરીને અદાલતોએ આપેલા આ ચુકાદા આંખમાથા પર રાખીને પણ એ વાસ્તવ સ્વીકારવું રહ્યું કે દેશમાં આજે ય જ્ઞાતિને ધ્યાનમાં રાખીને જ લગ્નવ્યવહાર થાય છે. ઓનલાઈન વેબસાઇટ્‌સ કે અખબારોમાં આવતી લગ્ન વિષયક જાહેરાતો પર નજર નાંખતા જણાય છે કે લગ્નની પાત્રપસંદગીમાં જ્ઞાતિબાધનું પ્રાધાન્ય હોય છે. આઝાદી પૂર્વે રાજકીય આઝાદીના આંદોલન સાથે જ સમાજસુધારણાનું પણ આંદોલન ચાલતું હતું. આભડછેટનો મુદ્દો દેશના સામાજિક-રાજકીય એજન્ડા પર મુકાયો હતો. ગાંધીજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય સમાજ સુધારકોના પણ આ દિશાના સંનિષ્ઠ પ્રયાસો છતાં આઝાદીના અમૃત પર્વે ભારતીય હિંદુ સમાજ હજુ પણ જ્ઞાતિભેદમાં જકડાયેલો છે. પ્રેમ અને લગ્નની બાબતમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણાને જ મહત્ત્વ આપવામાં આવે છે.

‘નૅશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઈડ ઇકોનોમિક્સ રિસર્ચ’ના ‘ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’ના તારણોમાં જણાવાયું છે કે ભારતમાં પંચાણુ ટકા લોકો જ્ઞાતિમાં જ પરણે છે. માંડ પાંચ જ ટકા લગ્નો જ્ઞાતિ બહાર થાય છે. નાતને તડકે મૂકી પરણી જનારામાં ટચૂકડા અને ખ્રિસ્તીબહુલ ઉત્તરપૂર્વીય રાજ્યોના લોકો મોખરે છે. દેશમાં સૌથી વધુ આંતરજ્ઞાતીય લગ્નો મિઝોરમમાં (૫૫%) થાય છે. તે પછીના ક્રમે મેઘાલય (૪૬ %), સિક્કિમ (૩૮%), જમ્મુ-કશ્મીર (૩૫%) અને ગુજરાત (૧૩%) છે. જાતિભેદ અને સામંતવાદમાં જકડાયેલા ઉત્તર ભારતના રાજ્યોમાં સૌથી ઓછા લગ્નો થાય છે. આ પ્રમાણ મધ્ય પ્રદેશમાં માત્ર ૧ ટકો અને હિમાચલ, છત્તીસગઢ, ગોવામાં માત્ર બે ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. દેશના રાજ્યની કુલ વસ્તીમાં સૌથી વધુ દલિત વસ્તી ધરાવતા રાજ્ય, પંજાબમાં માત્ર ત્રણ ટકા લોકો જ જ્ઞાતિબહાર પરણે છે.

વિદુષી સમાજવિજ્ઞાની ગેલ ઓમવેટે આંતરજ્ઞાતીય લગ્નોની વાસ્તવિકતા પોતાના ગામના ઉદાહરણથી સ્પષ્ટ કરી હતી. હજુ ગયે વરસે જ વિદેહ થયેલાં, અમેરિકી મૂળના ઓમવેટ ભારતની નાગરિકતા મેળવી મહારાષ્ટ્રના પૂણેથી આશરે દોઢસો કિલોમીટરના અંતરે આવેલા કાસેગાંવમાં રહેતાં હતાં. ગામની વસ્તી પંદરેક હજારની છે. વિકસિત અને દેખાવે શહેરી કાસેગાંવ દેશના અન્ય ગામોની તુલનાએ પ્રગતિશીલ પરંપરાઓના ગામ તરીકે જાણીતુ છે. કાસેગાંવમાં છેલ્લા ૫૦ વરસોમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો થયાંનું ગેલ ઓમવેટ ખાતરીપૂર્વક નોંધે છે. ૩૦ પૈકીના ૨૦ દંપતી ગામમાં જ રહે છે. આ હકીકતનું વિષ્લેષણ કરતાં ઓમવેટ લખે છે, “પચાસ વરસમાં ત્રીસ આંતરજ્ઞાતીય લગ્નો, ટકાવારીની દૃષ્ટિએ એક ટકાનો દસમો ભાગ થાય. ૧૫,૦૦૦ની વસ્તીના ગામમાં ૫૦ વરસમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો એટલે ૦.૦૦૧૩૩ ટકા થાય.”

આંતરજ્ઞાતીય લગ્નોમાં ગામડાં અને શહેરો વચ્ચે ખાસ ભેદ નથી. દેશમાં કુલ ૫.૩૪ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. તેમાં શહેરોમાં ૫.૩૭ ટકા અને ગામડાંઓમાં તેનાથી સહેજ જ ઓછા ૫.૩૨ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. વિકાસશીલ સમાજ અધ્યયન કેન્દ્રનું ૨૦૦૪ની રાષ્ટ્રીય ચૂંટણીનું એક સર્વેક્ષણ નોંધે છે કે ૬૦ ટકા ઉત્તરદાતાઓ આંતરજ્ઞાતીય લગ્નો પર પ્રતિબંધ ઇચ્છતા હતા. ૪૭ ટકા શહેરી ભારતીયો પણ આંતરજ્ઞાતીય લગ્નોના પ્રતિબંધની તરફેણમાં હતા. અમેરિકી રિસર્ચ સંસ્થા ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’નો તાજેતરનો એક વ્યાપક સર્વે જણાવે છે કે ૬૪ ટકા ભારતીયો મહિલાઓને આંતરજ્ઞાતીય લગ્નો કરતી રોકવી જોઈએ તેમ માને છે. તો ૬૨ ટકા ભારતીયો માને છે કે પુરુષોએ આંતરજ્ઞાતીય લગ્નોથી દૂર રહેવું જોઈએ.

જો કોઈ યુવક-યુવતી રાજીખુશીથી પરસ્પર પ્રત્યેના પ્રેમને કારણે જ્ઞાતિને બાજુએ હડસેલી પ્રેમ કે લગ્ન કરે, તો તેનો અંજામ ક્રૂર હત્યામાં આવતો હોવાનું અવારનવાર જોવા-વાંચવા મળે છે. કહેવાતી નીચલી જ્ઞાતિમાં લગ્નથી ઉપલી જ્ઞાતિમાં જ્ઞાતિગુમાન જાગી ઊઠે છે અને ઑનર કિલિંગ થાય છે. લોકસભા પ્રશ્નના જવાબમાં રજૂ થયેલ માહિતી મુજબ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન દેશમાં ઑનર કિલિંગની ૧૪૫ ઘટનાઓ બની હતી. સૌથી વધુ ઝારખંડમાં ૫૦ હત્યાઓ ઑનર કિલિંગના નામે થઈ હતી.

મહારાષ્ટ્રના કોલ્હાપુરના પ્રગતિશીલ રાજા શાહૂ મહારાજે છેક ૧૯૧૩(૧૨-૦૭-૧૯૧૩)માં પોતાના રાજ્યમાં જ્ઞાતિબહાર થતા લગ્નોને કાયદેસર ઠેરવતો નિયમ કર્યો હતો. ડૉ. આંબેડકરે ૧૯૩૬માં લાહોરના ‘જાતપાત તોડક મંડળ’ના અધિવેશન માટે તૈયાર કરેલ વ્યાખ્યાન’ એનિહિલેશન ઓફ કાસ્ટ” (જાતિ નિર્મૂલન)માં જ્ઞાતિ પ્રથા નાબૂદીના જે ઉપાયો ચીંધ્યા હતા તેમાં આંતરજ્ઞાતીય લગ્નોને સૌથી વધુ મહત્ત્વના માન્યા હતા. ડૉ.આંબેડકરે કહ્યું હતું “મને ખાતરી થઈ ચૂકી છે કે આંતરજ્ઞાતીય લગ્નો જ જ્ઞાતિના નિકંદનનો સાચો ઉપાય છે. એકલું લોહીનું મિશ્રણ જ સગાંસ્વજન હોવાની લાગણી સર્જી શકે છે. અને જ્યાં સુધી આ સગપણની ભાવના, સગાં હોવાની ભાવના સર્વોપરી નહિ બને ત્યાં સુધી જ્ઞાતિએ સર્જેલી અલગતાની ભાવના, પરાયા હોવાની ભાવના નાશ પામશે નહીં”. અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક માનતા ગાંધીજી આભડછેટ નાબૂદી માટે આંતરજ્ઞાતીય લગ્નોને અસરકારક હથિયાર ગણતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં જ લગ્નોમાં હાજર રહેતા હતા, જેમાં એક પાત્ર કહેવાતા અસ્પૃશ્ય સમાજનું હોય.

દેશમાં આજે જે પાંચેક ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે, તેમાં પુરુષની જ્ઞાતિ જ પત્ની–બાળકોને મળે છે. જો બેમાંથી એક પાત્ર ઉપલી જ્ઞાતિનું અને બળુકું હોય તો સંતાનોને ઉપલી જ્ઞાતિ મળે છે, પરંતુ તેનાથી જ્ઞાતિ તૂટતી નથી. આંતરજ્ઞાતીય લગ્નો, તેને કારણે મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતીય લગ્નોથી શક્ય બનતાં નથી.

“હવે નાતજાત જેવું કશું રહ્યું નથી. ચૂંટણીમાં મીડિયાવાળા જ જ્ઞાતિનું સ્મરણ કરાવે છે.” એવું માનનારો દેશમાં એક મોટો વર્ગ છે, પરંતુ ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોનું નહિવત્‌ પ્રમાણ નાતજાત ખતમ થઈ ગયાનું કહેનારને પડકારે છે. અને ભારતમાં જ્ઞાતિ જડબેસલાક અને હાજરાહાજૂર છે તે સ્વીકારવા મજબૂર કરે છે.      

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 07 

Loading

જો તારા દ્વારે કોઈ અણધારી ક્ષણે બાયણું ખખડે તો …

ચૈતાલી ભાર્ગવ|Opinion - Opinion|4 April 2022

પ્રિય ગંગુબાઈ,

તું મજામાં નથી, હું જાણું છું. મજામાં ન રહીને મજામાં રહેવાનો તારો આ સ્વભાવ … હું કાલે બરાબર પારખી ગઈ, જ્યારે મેં તને કાલે પરદા પર જોઈ. મારે માટે તું કોઈ લેખકના પુસ્તકના એક પ્રકરણની વાત નથી. તું જીવંત છો અને કદાચ સદાકાળ જીવંત રહીશ … ક્યારેક તું મારી આસપાસ પસાર પણ થઈ જતી હોય, તો પણ મને ક્યાં ખબર પડે છે કે તું મારી પાસેથી પસાર થઈ ગઈ? હું તો બસ તારી સાથે વાત કરવાની તક શોધી રહી હતી, તને મળવા ઇચ્છતી હતી અને હજી ઇચ્છું છું … પણ તું મને ક્યાં મળીશ? તું થોડી મારા જેવી વ્યક્તિથી થોડી જુદી દેખાય છે? તારી અંધારી એ ગલીઓની વાતો સાંભળી છે, એ વિશે વાંચ્યું છે, ફિલ્મો જોઈ છે … પણ તો ય તારા સુધી હું હજી કેમ પહોંચી નથી શકતી! કદાચ મારામાં હિંમત પણ નથી તારી એ ગલીઓમાં પગ મૂકવાની .. મને તો આદત છે લાલ, ગુલાબી, કેસરી, સફેદ ગુલાબ જોવાની .. કાળા ગુલાબને તો ક્યાંથી જોઈ શકું? આ ગુલાબ જેવી તને મળવામાં એક દિગ્દર્શક નિમિત્ત બન્યો એટલે વળી સારું થયું .. અને હું કાગળ લખવા બેઠી.

જો, તું ઇતિહાસનાં પાનાંઓ પરથી આજે આ રીતે મારા મનમાં સ્થાન પામી છે … એટલે રખે માનતી કે આપણા(?) સમાજમાં તને સ્થાન … જો હું તો તને મારી અગંત માનું એટલે સાચું કહું, શરમ છોડીને કહું … કે જે આપણો ભારત દેશ છે તેમાં તું ક્યાં નથી! એક બે વાતો કરીએ. તેં ઉઠાવેલા સવાલોએ મને વિચારતી કરી મૂકી .. જો તારો બહુ વખત નહી લઉં .. તને અમારા જેવા ભણેલાઓ પાસેથી શી આશા છે તે જાણું છું. અને તેથી જ તો તારો વખત ના બગડે અને મારી વાત કહેવાઈ જાય એટલે આ કાગળ લખું છું. તેં વાત કરી તમારા સંતાનોનાં શિક્ષણની … તો સાંભળ .. અમારા ગુજરાતનું વલણ ખાસ કહું ને તો અમે ગુજરાતીઓ અમારી માતૃભાષામાં બાળકને ન ભણાવવામાં માનીએ .. સાંભળ તો ખરી … એક કારણ એમાં એ પણ ખરું કે આપણાં બાળકો પછાત વર્ગનાં બાળકો સાથે ભણે એ સારું ના લાગે … ત્યાં હું તને કેમ ઠાલું આશ્વાસન આપું, કહે જોઈએ? તું કહે તારાં સંતાનો અમારાં બાળકો સાથે ભણે … સ્વીકૃતિ મળે? તું જ કહે. આવું પાછું બધે ય હોં … એ વાત તને ગળે ઉતરે છે?

તારી વાતોમાં મને નર્મદના સુધારાનો અવાજ સંભળાય છે. કહે છે કે ગુજરાતી સાહિત્યમાં હાલ અનુઆધુનિક યુગ ચાલે છે, પણ આ બધું તારે સાચું નહી માનવું … હા, હા, ખબર છે તને ને સાહિત્યને શું લાગે વળગે? લાગે વળગે છે, ગંગુ … તું જ્યારે કાગળ લખી આપતી હતી’ને તારી બહેનપણી માટે .. ત્યારે મેં કોઈ કાચી ઉમરની દીકરીમાં પત્રલેખા ભાળી’તી .. સાહિત્યરસિક … તું હોત જ; જો એ ગલીઓમાં તું ના હોત. તું સમસંવેદનશીલ ખરી ને? હા .. હા .. ભૂલી ગઈ તું કૉલેજ નથી ગઈ .. નથી જઈ શકી … આ બધું આવે લખવામાં, વાંચવામાં, સમજવામાં (?) .. હા, તો આ સમભાવ દાખવીને કહેવા એ માંગું છું કે અમે તારા પરથી બનતી ફિલ્મો જોઈશું, તારા પર લખાયેલી નવલકથા વાંચીશું, આંખમાં પાણી ભરીશું..પણ .. .અમારાથી તને ન્યાય નહીં થાય … તું જે સમાજને જાણે છે, તે કેટલો દંભી અને નિર્વીર્ય છે જાણે છે? ક્યાંથી જાણે? તું તારી ગલીઓમાં ગૂંચવાયેલી છે તે? તારું શરીર પહેલીવાર વિખેરાય છે, ત્યારે હું ય વિખેરાઉં છું, ગંગુ … પણ તું જાણે છે, દરરોજ કોઈને કોઈ જગ્યાએ શરીરની જેમ કોઈને કોઈ પીડિત અને શોષિતનો આત્મા હણાય છે? એ માત્ર તારી જેમ એક નામથી ઓળખાતી નથી. બસ, આટલો ફરક છે. દેહ અને આત્માને તું જુદા કેમ ગણી શકે? તારી ન્યાયની અપેક્ષા યોગ્ય, પણ તું કઈ જગ્યાએ માંગણી કરે છે તે તો જરા જો. આના કરતાં કોઈ પથ્થર આગળ … જો એમાં એવું છે ને કે એને કોઈ સમાજ, રિવાજ, નિયમો, સ્ટેટસ  વગેરે નહીં નડે .. અને તારી વાતથી એ પીગળી શકે એની મને ખાતરી છે … જો હું પીગળી ને?

તું ખરેખર સફેદ રંગમાં શોભી ઊઠે છે … પવિત્ર તું … તારું મન … પારદર્શક … તારા વિચારો … તું બોલી શકે. ‘હાશ’ કેવી થતી હશે ને તને? તું એકાકી … હારીને બીજાનો ઉદ્ધાર કરવાનો રસ્તો અપનાવનાર. ધારે તો તું જઈ શકતી હતી કોઈની સાથે તારું ઘર વસાવી દૂર … તું ના ગઈ … તેં ધરી દીધું  સઘળું … ક્યારે ય ના વિચારેલો, ન ધારેલો પ્રેમ મળ્યો; તેમ છતાં તું ન ગઈ … આ સવાલો ઉઠાવવા. ‘એ લોકો’નું – બધાનું ભલું કરવા. ગંગુ, સાંભળે છે? આ મારી વાંઝણી વાતો … તું પરદે કોઈ વડે વ્યથાઓનો લોક ખુલ્લો મૂકી ચાલી, પણ હું સમભાગી બનવા ઇચ્છું છું … તારા દર્દમાંથી તને બહાર લાવીશ, લાવવા પ્રયત્ન કરીશ. પ્રયત્ન કરીશ … જો ને, આ પ્રયત્ન શરૂ પણ કર્યો … આપણે સફળ થઈશું, ગંગુ … સફળ … તારા એ કાળા ગુલાબનો બગીચો અને એના ગમતાં, પોતાના રંગો આપવા તને મારા સમાજમાંથી ચોખ્ખું જળ જોઈશે ને? તું એ સમાજ પસેથી ઇચ્છે છે ને? ચાલ, હું તારી સાથે છું. જો તારા દ્વારે કોઈ અણધારી ક્ષણે બારણું ખખડે જોરથી .. તો દર વખતે તારો ગ્રાહક ન પણ હોય … કદાચ હું પહોચીશ … તારે દ્વારે, અને ગંગુ, ત્યારે આપણે સાથે મળીને થઈશું રંગ …. રંગ … તેમ છતાં … ગંગાનાં જલ જેવા …. પારદર્શી … બેરંગ છતાં …. રંગીન!

તારી જ સંવેદનભાગી ગંગુ

Email : cbchaitub@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 12 

Loading

...102030...1,5761,5771,5781,579...1,5901,6001,610...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved