Opinion Magazine
Number of visits: 9673458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીએ કેમ હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2022

ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ (૧૯૪૫-૧૯૬૭) રહેલા સુકર્ણોએ તેમની આત્મકથામાં, ભારતે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ન સ્વીકારી તેના પર વ્યંગ કરતાં લખ્યું હતું, “ઇન્ડોનેશિયામાં ૧૦,૦૦૦થી વધુ ટાપુ છે અને અમારા દરેક ટાપુ પરનો નાગરિક આજે ઇન્ડોનેશિયાની નવી ભાષા ‘બહાસા’ બોલે છે. જયારે ભારત આટલો વિશાળ દેશ હોવા છતાં આજ સુધી તેની રાજભાષા અપનાવી નથી શક્યો.”

ભારત એક બહુભાષી દેશ છે, એટલે ભાષાને લઈને વર્ષોથી વિવાદ ચાલે છે. ખાસ કરીને, દક્ષિણનાં રાજ્યોમાં એવી ભાવના ઘર કરી ગઈ છે કે કેન્દ્રમાં સરકારો હિન્દી ભાષી રાજ્યોના નેતાઓની હોય છે, અને રાષ્ટ્રીય ચર્ચાઓમાં હિન્દીનું પ્રભુત્વ વધારે છે એટલે તેમના પર હિન્દી ભાષાને થોપવાની કોશિશ ચાલતી રહે છે. તેવામાં ગૃહ મંત્રી અમિત શાહે તેમાં અંગ્રેજીનો એન્ગલ ઉમેરીને તાજેતરમાં કહ્યું છે કે દેશના અલગ-અલગ રાજ્યોના લોકોએ એકબીજા સાથે અંગ્રેજીને બદલે હિન્દીમાં વાત કરવી જોઈએ.

સંસદીય ભાષા સમિતિની ૩૭મી બેઠકમાં બોલતાં તેમણે કહ્યું હતું કે, “પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે કે સરકાર ચાલવાનું માધ્યમ રાજભાષા હોવી જોઈએ અને તેનાથી નિશ્ચિતપણે હિન્દીનું મહત્ત્વ વધશે. હવે સમય આવી ગયો છે કે રાજભાષાને આપણા દેશની એકતાનો અગત્યનો હિસ્સો બનાવવામાં આવે.”

સ્વાભાવિક રીતે જ, દક્ષિણના રાજ્યોમાં તેનો ઉગ્ર પડઘો  પડ્યો છે. ત્યાંના ઘણા નેતાઓ અને આગળ પડતા લોકોએ હિન્દીને થોપવાનો પ્રયાસ ગણીને તેનો વિરોધ કર્યો છે. ભારતના સંવિધાનમાં હિન્દીને (સરકારી કામકાજની) રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, સાથે સહાયક ભાષા તરીકે અંગ્રેજી છે. ભારતમાં ઘણાં રાજ્યોમાં હિન્દી નથી બોલાતી એટલે વિકલ્પમાં અંગ્રેજી ભાષાને પણ રાખવામાં આવી છે.

દક્ષિણનાં રાજ્યોમાંમાં પોતાની મજબૂત ભાષા-સંસ્કૃતિ છે. તમિલ ભાષાનો સમાવેશ દુનિયાની સૌથી જૂની ભાષાઓમાં થાય છે. સ્વતંત્રતા પહેલાં અને પછી પણ ભાષાને લઈને તમિલનાડુમાં હિંસક વિરોધ થઇ ચુક્યા છે. દક્ષિણનાં રાજ્યોની લાગણીઓને ધ્યાનમાં રાખીને જ હિન્દીને રાજભાષા તરીકે સીમિત રાખવામાં આવી હતી અને તેને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી ન હતી. મતલબ કે, દેશના લોકો પોતપોતાની ભાષામાં તેમનો સામાજિક-સાંસ્કૃતિક વ્યવહાર કરશે, જ્યારે તેમની સરકારો હિન્દી અથવા અંગ્રેજીનો ઉપયોગ કરશે.

એ અર્થમાં, ભાષાની દૃષ્ટિએ ભારત દુનિયાનો સૌથી ઉદાર દેશ છે. તેની ૨૨ અધિકૃત ભાષા છે (ઇન્ડોનેશિયાની, દાખલા તરીકે, એક જ અધિકૃત ભાષા છે) અને જેટલા દેવ તેટલી માતૃભાષા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર, દેશમાં ૧૯,૫૦૦ લોકબોલી પ્રચલિત છે. હિન્દી સૌથી વધુ (૪૪%) બોલાતી ભાષા હોવા છતાં, રાષ્ટ્ર નિર્માતાઓને ભારતની રાષ્ટ્રભાષાને લઈને આઝાદી પહેલાંથી ઘણા પ્રશ્નો હતા.

આજે કદાચ ભાષાનો વિવાદ પ્રાદેશિક અભિમાનનો લાગે, પરંતુ આઝાદી પહેલાં ભારત જે રીતે અલગ-અલગ રજવાડાઓઓ અને પ્રાંતોમાં વહેંચાયેલું હતું, ત્યારે સૌથી મોટો પડકાર દેશની એકતા ઊભી કરવાનો હતો. ભાષાના નામ પર વિભાજન થઇ જાય એ કલ્પના નહીં, અસલી ડર હતો. જેમ કે બંગાળનું પહેલું વિભાજન ભાષાના આધારે થયું હતું. તમિલ લોકો ભાષાના આધારે જ સ્વતંત્રત રાજ્યની માંગણી કરી ચુક્યા હતા. એમાં, ઉર્દૂને લઈને પાછી એક જુદી જ હિંસક બહસ ચાલતી હતી.

એટલે, સ્વતંત્રતા ચળવળમાં રાજ્યોને સાથે રાખવા માટે કાઁગ્રેસે ખાતરી આપી હતી કે આઝાદી પછી પ્રાદેશિક ભાષાઓના આધારે રાજ્યોનું વિભાજન થશે. તેના માટે ૧૯૫૩માં સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશનની નિમણુક કરવામાં આવી હતી. જ્યારે હિન્દીને અંગ્રેજીના સખીપણામાં રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો, ત્યારે દક્ષિણનાં ભાષાઈ રાજ્યોને વિશ્વાસઘાત જેવો ભાવ થયો હતો અને ત્યારથી ત્યાં એવી ભાવના પ્રબળ બનતી રહી છે કે અમારી ઉપર હિન્દીને થોપવાનું એક લાંબાગાળાનું “કાવતરું” ઘડાયેલું છે.

મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ બંને એક જ રાષ્ટ્રભાષાના સમર્થક હતા, પરંતુ એ એક ભાષા હિન્દી હોવી જોઈએ કે નહીં તેને લઈને વિવાદ-વિરોધ હતો. ગાંધીજીએ છેક ૧૯૨૫માં “યંગ ઇન્ડિયા”માં લખ્યું હતું, “આપણને એક સમાન ભાષાની પણ જરૂર છે, પરંતુ દેશી ભાષાઓને કચડીને નહીં, તેમાં ઉમેરા તરીકે. સામાન્ય રીતે એવી સંમતિ છે કે એ માધ્યમ હિન્દી અને ઉર્દૂ મિશ્રિત હિન્દુસ્તાની હોવું જોઈએ – શુદ્ધરૂપે સંસ્કૃત પણ નહીં અને પર્સિયન કે અરબી પણ નહીં.”

ભાષાનો ઝઘડો સમાપ્ત કરવા માટે શરૂઆતમાં હિન્દુસ્તાની ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કરવા પર વિચાર થયો હતો. નહેરુએ તેને “સોનેરી માર્ગ’ (ગોલ્ડન મીન) કહી હતી. હિન્દી અને ઉર્દૂ બંનેના વિરોધી લોકોએ હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી. ગાંધીજીએ હિન્દુસ્તાનીને “ફ્યુઝન ભાષા” તરીકે પેશ કરી હતી, જે હિન્દી અને ઉર્દૂ (ફારસી) બંને લિપિમાં લખી શકાય.

નથુરામ ગોડસેએ ગાંધીની જે કારણોસર હત્યા કરી હતી તેમાંનું એક કારણ આ ભાષા પણ હતી. ગાંધીહત્યાનો કેસ ચલાવનાર જસ્ટિસ આત્મચરણની વિશેષ અદાલતને 8 નવેમ્બર, 1948ના રોજ આપેલા બચાવ બયાનમાં ગોડસેએ કહ્યું હતું, “ઉર્દૂ પર કોઇ પણ દેશભક્તે પ્રતિબંધ નથી મૂક્યો પરંતુ ઉર્દૂને હિન્દુસ્તાનીના નામથી થોપવા પાછળ એક ષડ્યંત્ર અને અપરાધ છે.”

હિન્દુસ્તાની ભાષાનો ઇતિહાસ બહુ જૂનો છે. હિન્દીનું પહેલું વ્યાકરણ હોલેન્ડના નિવાસી જોન જોશુઆ કેટલર નામના વેપારીએ લખ્યું હતું. એ પહેલાં સુરત આવ્યો હતો અને પછી દિલ્હી, આગ્રા, લાહોર ગયો હતો. ઓરંગઝેબના શાસનમાં એટલે કે ૧૬૯૮માં તેણે ડચ ભાષામાં હિન્દી પર પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું “હિન્દુસ્તાની ગ્રામર.” ૧૯૨૮માં, “હિન્દુસ્તાની કા સબસે પ્રાચીન વ્યાકરણ” શીર્ષકથી તેનો હિન્દી અનુવાદ થયો હતો. એ પછી દોઢસો વર્ષ સુધી હિન્દી-વ્યાકરણના નામે જે પુસ્તકો ઉપલબ્ધ હતાં તે સૌ હિન્દુસ્તાનીનાં છે.

રાષ્ટ્રભાષાને લઈને જ્યારે વિવાદ ચરમસીમા પર હતો અને ગાંધીજીની હિન્દુસ્તાનીની તરફદારી પણ લોકોને મંજૂર નહોતી ત્યારે, ભાષાના રાજકારણને સમજાવતાં કાકા સાહેબ કાલેલકરે લખ્યું હતું, “હિન્દીનો પ્રચાર કરીને આપણે એટલું તો જોઈ શક્યા છીએ કે, હિન્દી સાહિત્ય સંમેલનને ઉર્દૂ સાથે લડીને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવી છે અને ગાંધીજીને તો ઉર્દૂ સાથે જરૂરી સમાધાન કરીને હિંદુ-મુસ્લિમોની સંયુક્ત શક્તિ મારફતે અંગ્રેજીને હટાવીને તેના સ્થાને હિન્દીને બેસાડવી હતી. આ બે દૃષ્ટિકોણ વચ્ચે જે ખેંચતાણ થઇ, એ જ ગાંધીયુગના રાષ્ટ્રભાષા પ્રચારના ઇતિહાસનો સાર છે.”

પ્રગટ : ‘બ્રેકિગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

અરુણ શૌરીએ સંઘને સમજવામાં ભૂલ કરી કે આળસ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 April 2022

જે એક સમયે ભારતીય જનતા પક્ષના સભ્ય હતા, પક્ષના રાજ્યસભાના સભ્ય હતા અને અટલ બિહારી વાજપેયીના સમયમાં કેન્દ્રીય પ્રધાન હતા, એ અરુણ શૌરી છેલ્લા ઘણા સમયથી કહે છે કે તેમણે નરેન્દ્ર મોદીને પારખવામાં અને નરેન્દ્ર મોદીને ટેકો આપવામાં ભૂલ કરી હતી. અત્યારે તેમનું ‘ધ કમિશનર ઓફ ધ લોસ્ટ કોઝીઝ’ નામનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેમાં તેમણે તેઓ પત્રકાર હતા એ દિવસોનાં સંસ્મરણો લખ્યાં છે. તેમણે પત્રકાર તરીકે દેશના એ સમયના શાસકોને, દેશના એકંદર રાજકારણને અને પત્રકારત્વને હચમચાવી મુક્યાં હતાં. અહીં આજે જે ચર્ચા કરવી છે તે તેમના પુસ્તક વિષે અને પુસ્તકના વિષય પત્રકારત્વ વિષે નથી કરવી એટલે એ વાત અહીં પડતી મુકીએ. માત્ર એટલું જ કહેવાનું કે જો એ પુસ્તક વાંચશો તો આઝાદી પછીના અધ:પતનને સમજવામાં ઉપયોગી નીવડશે.

પુસ્તકનાં પ્રકાશન નિમિત્તે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજીટલ મીડિયામાં અરુણ શૌરીની મુલાકાતો લેવામાં આવી રહી છે. પુસ્તકનો વિષય રોચક છે એટલે મીડિયાને શૌરી સાથે વાત કરવામાં રસ હોય એ સ્વાભાવિક છે. એમાંની એક ‘ધ પ્રિન્ટ’ના સ્થાપક-સંપાદક શેખર ગુપ્તાને આપેલી મુલાકાતમાં અરુણ શૌરીએ કદાચ પહેલીવાર કહ્યું છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ઓળખવામાં ભૂલ કરી હતી. નરેન્દ્ર મોદીને ઓળખવામાં ભૂલ કરી છે એવું તો તેમણે અનેકવાર કહ્યું છે, સંઘને ઓળખવામાં ભૂલ કરી છે એ મારી જાણકારી મુજબ તેમણે આ પહેલીવાર કબૂલ કર્યું છે. તેમણે કહ્યું હતું કે “આપણે બધાએ, આપણી આગલી બે પેઢીએ”, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની તસ્દી લીધી નહોતી. તેમનું સાહિત્ય આપણે વાંચવાની જરૂર લાગી નહોતી. આપણે તેમની સાદગી, શિસ્ત, દેશપ્રેમ વગેરે બાહ્ય કલેવરને સાચું માનીને બી.જે.પી.ને બીજા કોઈ એક રાજકીય પક્ષ જેવા જ રાજકીય પક્ષ તરીકે જોતા હતા. શૌરીના કહેવા મુજબ આ બધાં ધારણ કરવામાં આવેલાં મોહરાં છે, બાકી તેમનો હિન્દુત્વનો એજન્ડા તો ૧૯૪૦માં નક્કી થઈ ગયો હતો અને તેને તેઓ વળગી રહેલા છે.

તેમણે તેમનાં પુસ્તકમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કા સાથેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક દિવસ એ સમયના સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના ભાઈ ભાઉરાવ દેવરસે અરુણ શૌરીને દિલ્હીમાં સંઘના વડામથકમાં મળવા બોલાવ્યા. શૌરી તેમની સાદગી જોઇને પ્રભાવિત થઈ ગયા. ઓફિસમાં આવીને તેમણે રામનાથ ગોએન્કા સમક્ષ દેવરસની સાદગીના વખાણ કર્યા ત્યારે ગોએન્કાએ કહ્યું હતું; “છોડ સાદગી. યહ સબ નહીં મિલી કે સાધુ હૈ. (છોકરી નથી મળી એટલે સાધુ) એક બાર ઉનકે હાથ મેં સત્તા આને દે ફિર દેખના યે લોગ ક્યા નહીં કરેંગે.”

ખેર, સંઘપરિવારને, તેના એજન્ડાને અને બી.જે.પી.ને ઓળખવામાં ભૂલ કરી એનું એક કારણ અરુણ શૌરીએ બૌદ્ધિક આળસ અથવા દક્ષતાનો અભાવ આપ્યું છે. બીજું કારણ તેમણે એવું આપ્યું છે કે પરિસ્થિતિ જ્યારે નિરાશાજનક હોય ત્યારે કોઈ પણ માણસ કે પક્ષ આપણને તારણહાર લાગતો હોય તો આપણે તેની આંગળી પકડી લેતા હોઈએ છીએ.

મારી અહીં કહેવું જોઈએ કે અરુણ શૌરી ખોટું બોલે છે. તેઓ જ્યારે પ્રામાણિક કબૂલાત કરી જ રહ્યા છે તો પછી એનાં સાચાં કારણ પણ પ્રામાણિકપણે જણાવી દેવાં જોઈએ. અને આવું માત્ર તેમની સાથે નથી બન્યું, બીજા અનેક લોકો સાથે બન્યું છે જેની તેઓ ખાનગીમાં કબૂલાત કરે છે. મને તો ખાતરી છે કે જો આપણી આગલી બે પેઢીના (અલબત્ત બીજી અનેક રીતે ગાંધીવાદી-કાઁગ્રેસી) નેતાઓ આજે હયાત હોત તો તેઓ પણ અરુણ શૌરીની માફક કબૂલ કરત કે સંઘને પારખવામાં તેમણે ભૂલ કરી હતી. શા માટે આ બધા લોકોએ ભૂલ કરી હતી? આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં તરતનાં વરસોમાં તો નૈતિક અધ:પતનની કોઈ વાત નહોતી કે  કાઁગ્રેસનો વિકલ્પ શોધવાની કોઈ જરૂર પડે!

તો પછી શા માટે અરુણ શૌરીઓએ (તેમની પહેલાના અને તેમના સમકાલીન અનેક અરુણ શૌરી જેવાઓ) સંઘને પારખવાની તસ્દી ન લીધી? શા માટે પારખવાની દક્ષતા દાખવ્યા વિના સંઘને ટેકો આપ્યો હતો? આમાં અરુણ શૌરી તો મહેનત કરીને મૂળ સુધી જવામાં જરા ય આળસ નથી દાખવતા એ આપણે બધા જાણીએ છીએ. સિવાય સંઘને મદદ કરનારા કે સંઘ માટે સહાનુભૂતિ દાખવનારા બીજા અનેક નેતાઓ વિષે આપણે કહી શકીએ કે તેઓ બૌદ્ધિક આળસ નહોતા ધરાવતા.

તો પછી સંઘને મદદ કરવા પાછળનાં અને તેના માટે સહાનુભૂતિ ધરાવવા પાછળનાં સાચાં કારણ શા છે જે અરુણ શૌરી કહેતા નથી?

બે કારણ હતાં. એક કારણ હતું મુસલમાનો અને ખ્રિસ્તી મિશનરીઓ સામેનો દ્વેષ. એમાં ઇસ્લામ અને ઈસાઈ ધર્મના સંગઠિત સ્વરૂપ અને તેની સામે હિંદુ ધર્મનું શ્રદ્ધાઓના કુળ જેવા સ્વરૂપનો સમાવેશ થાય છે. સંઘને મદદ કરનારાઓને અથવા તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓને એમ લાગતું હતું કે સંઘ ઝનૂની મુસલમાનોને અને ધર્માન્તરણ કરાવનારા ઈસાઈ મિશનરીઓને કાબૂમાં રાખવામાં મદદરૂપ થઈ શકે એમ છે. બીજું કારણ હતું, સામ્યવાદ. જમણેરી મૂડીવાદીઓને સામ્યવાદનો ભય તો હતો જ પણ અણગમો વધુ હતો. ખાસ કરીને વીતેલા વરસોનાં જમણેરી નેતાઓને લાગતું હતું કે આખરી લડાઈ સામ્યવાદ સાથે થવાની છે જેમાં સંઘનો ખપ છે. સંઘના વૈચારિક ગુરુ ગણાતા ગુરુ ગોલવલકરે પણ તેમના સંઘના ગીતાસમાન પુસ્તક ‘ધ બન્ચ ઓફ થોટ’માં લખ્યું છે કે ભારતમાં આખરી લડાઈ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે થવાની છે અને સંઘ દેશને સામ્યવાદથી બચાવવાનો છે.

તેમણે એમ ગૃહિત માની લીધું હતું કે હિંદુ ધર્મનું અને હિંદુ સમાજનું સ્વરૂપ જોતાં હિંદુ સમાજમાં મોટી સંખ્યામાં કટ્ટર હિંદુ ઘડવો એ શક્ય જ નથી. આ સિવાય હિંદુઓ જ્ઞાતિઓ દ્વારા વિભાજીત છે. ઊલટું તેમને તો એમ લાગતું હતું કે સંઘ હિંદુઓમાં એકતા માટેની સંગઠનભાવના પેદા કરવાનું કામ કરી રહ્યો છે જે એક રીતે સારું છે. હિંદુઓમાં સંગઠનભાવના પેદા થાય તો એમાં ખોટું શું છે? વળી તેમને એમ પણ લાગતું હતું કે ભારતનું બંધારણ કોઈને પણ લક્ષ્મણરેખા ઓળંગવા નહીં દે, એટલે હિન્દુત્વના રાજકારણને પરિણામે બંધારણીય ભારત જોખમમાં નહીં આવે. તેમને કાયદો હાથમાં લે એવો કટ્ટર હિંદુ નહોતો જોઈતો, પણ હિંદુ હોવાની સભાનતા અને ગૌરવ અનુભવનારો હિંદુ જોઈતો હતો. સંઘનો એ રીતનો ખપ તેમને દેખાતો હતો અને માટે તેઓ સંઘપરિવારને મદદ કરતા હતા અને સહાનુભૂતિ ધરાવતા હતા.

ભારતનું વિભાજન થયું ત્યારે અને એ પહેલાનું મુસ્લિમ રાજકારણ જોઇને એ સમયના અનેક કાઁગ્રેસી નેતાઓને એમ લાગ્યું હતું કે હિંદુઓમાં પણ એકતાની ભાવના પેદા કરનારું, હિંદુઓને સંગઠિત કરનારું, થોડુક લોંઠકાપણાનું પ્રદર્શન કરનારું, “બીજા”ઓને સખણા રાખવામાં ઉપયોગી થનારું એક હિંદુ પરિબળ જરૂરી છે અને એ સંઘ કરી શકે એમ છે. આ સિવાય સામ્યવાદને ખાળવામાં પણ ઉપયોગી થઈ શકે એમ છે. માટે ગાંધીજીની હત્યા પછી સંઘ પરનો પ્રતિબંધ પાછો ખેંચવામાં કાઁગ્રેસી નેતાઓએ મદદ કરી હતી. કાઁગ્રેસની અંદર જે કેટલાક હળવા હિંદુવાદી (સોફ્ટ હિંદુત્વવાદી) નેતાઓ હતા એ પોતાને ગાંધીવાદી કહેવડાવતા હોવા છતાં સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.  

આનું કારણ અરુણ શૌરી કહે છે એમ બૌદ્ધિક પ્રમાદ નહોતો પણ સંઘનો ખાસ પ્રકારનો વાંકી આંગળીએ ઘી કાઢવાનો ખપ હતો અને હિંદુ સમાજમાં કટ્ટર હિંદુ ક્યારે ય પેદા થઈ જ ન શકે અને છેવટે બંધારણ રખેવાળી કરશે એવાં ગૃહિત હતાં. અરુણ શૌરી જાહેરમાં આની કબૂલાત કરવા જેટલી હિંમત અને પ્રામાણિકતા ધરાવતા નથી. બીજા અનેક દિવંગત કે હયાત શૌરીઓ આ જ ગણતરીએ છેતરાયા હતા. અરુણ શૌરીએ ૨૮ પુસ્તકો લખ્યાં છે જેમાંથી તેઓ જ્યારે બી.જે.પી. સાથે હતા એ સમયનાં પુસ્તકો ઉપર નજર કરો. ‘રિલીજિયન ઇન પોલિટિક્સ’, ‘ધ ઓન્લી ફાધરલેન્ડ’, ‘અ સેક્યુલર એજન્ડા’, ઇન્ડિયન કોન્ટ્રોવર્સીઝ : એસેઝ ઓન રિલીજિયન ઇન પોલિટીક્સ’, ‘મિશનરિઝ ઇન ઇન્ડિયા’, ‘વર્લ્ડ ઓફ ફતવાઝ : શરિયા ઇન એક્શન’, એમીનન્ટ હિસ્ટોરિયન્સ’. ‘હાર્વેસ્ટિંગ અવર સોલ્સ : મિશનરીઝ ધેર ડિઝાઇન, ધેર ક્લેઇમ્સ’. આ પુસ્તકો ઇસ્લામ વિરોધી છે, ખ્રિસ્તી વિરોધી છે, સેકયુલરિઝમ વિરોધી છે, સામ્યવાદીઓ વિરોધી છે અને હિન્દુત્વવાદીઓ માટે છુપી કે પ્રગટ સહાનુભૂતિ ધરાવે છે. કારણ? કારણ આગળ કહ્યું એ જ. આ બધાઓને સખણા રાખવા માટે વાંકી આંગળીએ ઘી કાઢનાર હિંદુ સંગઠનની જરૂર છે. સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, એન.વી. ગાડગીળ અને બીજા અનેક કાઁગ્રેસીઓમાંથી કેટલાકે અરુણ શૌરીની માફક “બીજા”ઓ વિષે કવચિત થોડું લખ્યું છે, પણ તેમના રાજકારણ ઉપર નજર કરશો તો એમાં “બીજાઓ” સામે સંઘનો ખપ નજરે પડશે.

ઘણા લોકો અસ્મિતાજન્ય પોતાપણાની સભાનતા અને એકતાની ઘેલછા ધરાવે છે. એક પ્રકારનો રોમાંચ અનુભવે છે. એમાં જો પ્રસંગોપાત થોડું લોંઠકાપણું ઉમેરાય તો તેનું રાજકીય પ્રદર્શનમૂલ્ય હોય છે. “બીજા”થી બચવા માટે “બીજા’ને નુકસાન પહોંચાડવા માટે નહીં એવો પાછો ઉમદા હેતુ પણ જોવા મળશે. વિનોબા ભાવે દ્વારા દીક્ષિત સર્વોદય આંદોલનમાં પણ આવા કેટલાક લોકો મળી આવે છે.

અહીં સવાલ થવો જોઈએ કે તેઓ જ્યારે આર.એસ.એસ. માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા તો પછી સંઘને જે માણસ ગમતો નથી એ ગાંધીની આંગળી તેમણે શા માટે પકડી હતી? જે પક્ષ સંઘની વિચારધારા સ્વીકારતો નથી એ કાઁગ્રેસ પક્ષમાં તેઓ શા માટે જોડાયા હતા? સંઘને ભારતની જે કલ્પના સ્વીકાર્ય નથી એવા ભારતની કલ્પનાને શબ્દબદ્ધ કરનારું બંધારણ તેમણે શા માટે ઘડ્યું? બંધારણસભામાં આવા લોકો મોટી સંખ્યામાં હતા અને બંધારણ ઘડવામાં તેમનો સિંહફાળો હતો. કાયદાનું રાજ અને જવાબદાર રાજ્યતંત્રના તેઓ શા માટે મોટા પુરસ્કર્તા હતા અને છે? તેમણે ઉઘાડેછોગ સંઘનો એજન્ડા કેમ નહીં અપનાવ્યો? આજે અરુણ શૌરી જેવાઓ સંઘપરિવાર દ્વારા મર્યાદા ઓળંગાતી જોઇને શા માટે ડરી ગયા છે? શા માટે તેઓ બંધારણીય ભારતના ભવિષ્ય વિષે ચિંતિત છે? બીજે છેડે રહીને તેઓ સંઘ માટે સહાનુભૂતિ શા માટે ધરાવતા હતા અને મદદ કરતા હતા એનાં કારણો તો આપણે તપાસ્યા, પણ તેઓ હંમેશાં બીજે છેડે જ શા માટે રહ્યા? સંઘ માટે સહાનુભૂતિ હોવા છતાં શા માટે તેઓ આ બાજુ સંઘને છેડે ઊભા ન રહ્યા?

ના, સત્તાની લાલચ આનું કારણ નહોતું. આવું જો તમે વિચારતા હો તો એ ભૂલ છે. આવતા એક સપ્તાહ દરમ્યાન બીજાં કારણો વિચારો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઍપ્રિલ 2022

Loading

ગુરુ તેગ બહાદુરનો જન્મોત્સવઃ શીખોને રિઝવવા ભા.જ.પા.ની આકરી મથામણ કેટલી લેખે લાગશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 April 2022

મોટી ઉજવણીઓ પાછળના કારણો બહુસ્તરીય હોય છે અને ઉજવણીઓમાં લોકો ખરી સમસ્યાઓ, ઇરાદાઓ અને સમસ્યાઓ ભૂલી ન જાય તે જરૂરી છે

હમણાં તો આપણા દેશમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કોમી રમખાણો થયાં, સિતારાઓએ લગ્ન કર્યાં, બ્રિટિશ વડા આપણા દેશને આંગણે પધાર્યા, સાહેબ પણ આમ તેમ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે વગેરે વગેરે. આ બધાની વચ્ચે એક મોટી ઉજવણી થઇ રહી છે જેની પૂર્ણાહુતિ આજે, રવિવારે પાણીપતમાં થશે. શીખોના ગુરુ તેગ બહાદુરની 400મી જન્મ જયંતીની બે દિવસની મોટીમસ ઉજવણીની જાહેરાત કેન્દ્ર સરકારે કરી. આ ઉજવણી કેમ આટલી મોટી અને અગત્યની? કોણ હતા આ ગુરુ તેગ બહાદુર? આ ઉજવણી મોટી એટલા માટે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ પ્રસંગે ગુરુવારે રાત્રે સંબોધન કર્યું. મોદી દેશના એવા પહેલા વડા પ્રધાન છે જેમણે સૂર્યાસ્ત પછી આ મુગલકાળની ઇમારત પછી સંબોધન કર્યું છે. તેમણે આ સંબોધન લાલ કિલ્લાની લૉન પરથી કર્યું. ગુરુ તેગ બહાદુરની જન્મ જયંતીની ઉજવણીના પર્વ માટે લાલ કિલ્લાને પસંદ કરાયો કારણ કે અહીંથી જ મુગલ બાદશાહ ઔરંગઝેબે ઇ.સ. 1675માં શીખોના ગુરુ તેગ બહાદુરની હત્યાની હુકમ આપ્યો હતો. આ દાવો સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ  કર્યો છે. લાલ કિલ્લાની ઇમારત પર ચઢીને દેશને સંબોધવાની ઘટના માત્ર સ્વતંત્રતા દિવસ પર જ બને છે. 15 ઑગસ્ટ સિવાય લાલ કિલ્લા પરથી વડા પ્રધાનના સંબોધનો ક્યારે ય થયા નથી. આ પહેલા વડા પ્રધાન મોદીએ જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકાર ઘડાવાના 75મા વર્ષે, 2018માં લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હતો અને સવારે 9.00 વાગ્યે સંબોધન કર્યું હતું. બીજી વખત શીખ ગુરુના સન્માન માટે પરંપરા અને નિયમોથી અલગ જઇને વડા પ્રધાને કાર્યક્રમ યોજ્યો.

આ તોતિંગ ઉજવણી પાછળના કારણો ઘણાં છે. તે તમામ સમજતાં પહેલાં તેગ બહાદુર વિશે થોડું જાણીએ. તેગ બહાદુરનો જન્મ અમૃતસરમાં ૨૧મી એપ્રિલે ઇ.સ. 1621માં થયો હતો. બાળપણમાં ત્યાગ મલના નામે જાણીતા તેગ બહાદુરે મોટા થતી વખતે ભાઇ ગુરદાસ સાથે સમય ગાળ્યો. તેમની પાસેથી ગુરુમુખી, હિંદી અને સંસ્કૃત ભાષાઓ, ભારતીય ધાર્મિક ફિલસૂફીની તાલીમ લીધી. તેર વર્ષની ઉંમરે મુગલ સેનાપતિ સામેની લડાઇમાં બહાદુરી દાખવી અને તેગ બહાદુરનું નામ મેળવ્યું. શીખોમાં ચોથા ધર્મગુરુ રામ દાસ પછી આ ગુરુપદ વારસામાં મળવા માંડ્યું. દંતકથા અનુસાર દેગ બહાદુરના ભત્રીજા ગુરુ પદ પર બેસવાના હતા પણ પાંચ વર્ષની વયે મરણ પથારી પરથી તેમણે બાબા બકાલાને આગલા ગુરુ બનાવવાની વાત કરી. બકાલામાં ઘણા શીખો ધર્મ આધ્યાત્મનું પાલન કરતા, તેગ બહાદુર ત્યારે બકાલામાં પોતાના ઘરના ભોંયરામાં ધ્યાન ધરતા. નવા ગુરુ કોને બનાવવાની અસમંજસ ચાલતી રહી હતી કારણ કે બકાલામાં દાવેદારોની લાઇન લાગી હતી. આ તરફ માખન શાહ નામના તવંગર શેઠિયાએ દરિયાઇ તોફાનમાં ફસાયેલું પોતાનું જહાજ બચે તો જે ગુરુ હોય તેને ૫૦૦ સોનામહોર આપવાની જાહેરાત કરી, જહાજ બચ્યું પણ ગુરુ કોણ? તેણે કહ્યું કે જે પોતાની પ્રાર્થનામાં કેટલી સોનામહોરોની વાત હતી તે કહી આપશે તે સાચો ગુરુ? તેગ બહાદુરે આ આંકડો કહી આપ્યો અને આમ તે શીખોના ગુરુ બન્યા. ઔરંગઝેબના કાળમાં તેગ બહાદુરે પીર અને ફકીરોની દરગાહ પર થતી બંદગીને વખોડી. તેગ બહાદુર ત્યારે પોતાનો ઉપદેશ આપવા પ્રવાસ પણ ખેડતા. આ દરમિયાન પંજાબમાં મુગલોનો ત્રાસ વધતા ગુરુ પાછા ફર્યા અને મુગલ વડાઓએ લોકોનું ધર્માંતરણ કરવાને બદલે પહેલા ગુરુનું ધર્માંતરણ કરવું જોઇએની હાકલ નાખી. ઔરંગઝેબને આ પોતાની સામેનો પડકાર લાગ્યો. એક પુસ્તક અનુસાર તેગ બહાદુર પોતે દિલ્હી ગયા હતા, ત્યાં તેમની ધરપકડ થઇ અને શારીરિક ત્રાસ આપ્યા બાદ ચાંદની ચોકમાં તેમના ત્રણ સાથીદારો સાથે તેમનો વધ કરાયો. આ પછી તેગ બહાદુરના ગુરુ ગોબિંદ સિંઘ શિખોના દસમા ગુરુ બન્યા.

તેગ બહાદુરે ઔરંગઝેબ સામે માથું ઉચક્યું હોવાની વાતને કેન્દ્ર સરકારે ઘૂંટી છે. ધ્રુવીકરણની રાજનીતિમાં કાબેલ સરકારે શીખોને મનાવવા માટે આકાશ પાતાળ એક કર્યા છે. પંજાબ વિધાનસભામાં ભા.જ.પા.ને માત્ર બે બેઠકો મળી છે તે બતાડે છે કે શીખો ભા.જ.પા. વિશે શું અભિપ્રાય ધરાવે છે. એક આખું વર્ષ ચાલેલા ખેડૂત આંદોલનમાં શીખોને ભારે હાલાકી વેઠવી પડી. કૃષિ કાયદા પણ કેન્દ્ર સરકારે પાછા ખેંચ્યા ત્યારે ગુરુ નાનક જયંતી હતી અને ત્યારે પણ વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધીને આ જાહેરાત કરી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ચાર દિવસ પહેલાં મોદીએ દિલ્હીમાં પોતાના નિવાસ પર શીખ બૌદ્ધિકો સાથે ખાસ બેઠક યોજી હતી. ભગત સિંહની મૃત્યુ તિથિ ટાણે હરિયાણાની ભા.જ.પા. સરકારે બસો ભરીને યુવાનોને ભગત સિંહના માદરે વતનનો પ્રવાસ કરાવ્યો હતો. મોદીએ ગુરુ ગોબિંદ સિંઘના દીકરાઓની શહીદી ઉજવવા વીર બાળ દિવસ પણ જાહેર કર્યો.

ભા.જ.પા. પ્રત્યે શીખોનો અભિગમ ઠંડો રહ્યો છે. મોદી મેનિયાનો શીખો પર બહુ પ્રભાવ પડ્યો નથી. અકાલી દળે પણ ખેડૂતોના મામલે ભા.જ.પા.ને ટેકો આપવાનું બંધ કર્યું હતું. ભા.જ.પા. શીખોની રીઝવવા તત્પર છે. પરંતુ આ કામ ઉજવણીઓ, યાત્રાઓ, મીટિંગોથી પાર પડે તેમ નથી. આર.એસ.એસ.ના હિંદુ ઓળખ એજન્ડા સામે શીખોને વાંધો છે. ભૂતકાળમાં આર.એસ.એસ.એ જ્યારે શીખોના ધર્મને લગતી બાબતોને આગળ કરવા ઠેકડો માર્યો છે, ત્યારે અકાલ તખ્તે શીખોને સંઘથી ચેતવ્યા છે. અકલા તખ્તને લાગ્યું હતું કે સંઘને મૂળે તો શીખ માન્યતાઓ પર સંઘનો સિક્કો મારવાની ચાહ છે. ૨૦૧૯માં આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરેલું ત્યારે અકાલ તખ્તે સંઘ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. અકાલ તખ્તે આર.એસ.એસ. સામે જાહેર કરેલા વાંધાઓને પગલે શીખોને ભા.જ.પા. પર પૂરેપૂરો વિશ્વાસ ક્યારે ય નથી બેસવાનો તે વાસ્તવિકતા છે, ભલેને સંઘ પોતાની પાંખ શીખ સંગત દ્વારા પ્રયત્નો કરે.

વળી જ્યારે વડા પ્રધાનની સુરક્ષાને મામલે પંજાબમાં લોચા પડ્યા હતા ત્યારે શીખો પર પણ પ્રહારો થયા હતા. સોશ્યલ મીડિયા પર ખાલિસ્તાન, કાઁગ્રેસીઓ અને પાકિસ્તાનનું પણ નામ લેવાયું હતું. આ તરફ ખેડૂત પ્રદર્શનોમાં ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદીઓનું લેબલ પણ આપવામાં આવ્યું હતું અને 1984ના રમખાણો જેવા હાલ થશેની ધમકી પણ અપાઇ હતી. ઉત્તર પ્રદેશથી ભા.જ.પા.ના એક એમ.એલ.એ. દ્વારા જ આવા વિધાનો કરાયા હતા. જમણેરી મીડિયા હાઉસિઝે શીખ નેતાઓના ઉગ્ર ભાષણોને સતત સ્ક્રીન પર ઘૂંટ્યા હતા. શીખોને વારે વારે નારાજ કરાયા હોય પછી ભા.જ.પા.એ મલમ પટ્ટા કરવા જ રહ્યા. મોટી ઉજવણીઓ પાછળનાં કારણો બહુસ્તરીય હોય છે અને ઉજવણીઓમાં લોકો ખરી સમસ્યાઓ, ઇરાદાઓ ભૂલી ન જાય તે જરૂરી છે.

બાય ધી વેઃ

હિંદુત્વ માટે શીખો કોઇ જોખમ નથી. અકાલી દળ સાથે છેડા ફાડ્યા બાદ ભા.જ.પા. પંજાબમાં એકલો પડેલો પક્ષ છે. ખેડૂત આંદોલન પણ મોદી સરકારની સત્તા સામેની લડત હતી અને તેને રાષ્ટ્ર વિરોધી ગણાવનારા ઓછા નહોતા. શીખો પોતાની તરફેણ કરે તે માટે ભા.જ.પા. બનતા બધા જ પ્રયાસ કરે છે પણ ભૂતકાળમાં થયેલી ભૂલો, આર.એસ.એસ. સામે અકાલી દળનો વિરોધ, ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદીમાં ખપાવવાની ભૂલ જેવું ઘણું બધું ભા.જ.પા.ને નડે તેમ છે. ધર્મગુરુઓને ઉજવતા સાઉન્ડ એન્ડ લાઇટ શોઝ આ કડવાશ દૂર કરવામાં કેટલા લેખે લાગશે તે તો વખત આવ્યે ખબર પડશે? અરે હા, તેગ બહાદુર પાછા મુસલમાનો સામે લડેલા એ યાદ કરાવવાનું ભા.જ.પા. નહીં ભૂલે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 ઍપ્રિલ 2022

Loading

...102030...1,5531,5541,5551,556...1,5601,5701,580...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved