Opinion Magazine
Number of visits: 9745552
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત—7

સુમન શાહ|Opinion - Opinion|22 May 2022

જ્યોત ૭ : ઊર્મિકેન્દ્રી સાહિત્ય ('ઊર્મિશીલ' પણ કહી શકાય) :

ઊર્મિકેન્દ્રી સાહિત્યનો – લિરિકલ લિટરેચરનો – પાયાનો સમ્બન્ધ લિરિક સાથે છે. લિરિક મૂળે તો ગાવા માટે હતું; સંગીત સાથે એનો અવિનાભાવી સમ્બન્ધ હતો. ‘લાયર’ (lyre) નામના તન્તુવાદ્ય સાથે ગવાતું હતું એટલે ‘લિરિક’ કહેવાયું.

કવિજન પાસે ઊર્મિને વિશેની સમજ ન હોય, ગતાગમ ન હોય, તો કાવ્યો નહીં પણ અકાવ્યો સરજાય છે.

લિરિક પોએમ – ઊર્મિકાવ્ય – સામાન્યપણે નાનું હોય, લઘુ કદનું. પદ, ભજન, ગીત, ગઝલ કે સૉનેટ ઊર્મિકાવ્યના પ્રકારો છે. કહેવાની જરૂર નથી કે એ ગાવા માટે છે. ભારતમાં ૧૫-મું શતક ભક્તિયુગ હતો. તે દરમ્યાન પદો, ભજનો અને ઈશ્વરની લીલાનાં સ્તુતિગાન ખૂબ રચાયાં ને ખૂબ ગવાયાં.

સનમ, સાકી અને સૂરા સાથે જિવાતી ઘટનાના કેન્દ્રમાં ગઝલ હતી. ૭મી સદીમાં અરેબિક કાવ્યસષ્ટિમાં ગઝલ જન્મી હતી. એનાં ગાયન થતાં. હકીકતે ગઝલ જાતીય પ્રેમ – સૅક્સ્યુઅલ લવ – સાથે જોડાયેલી, એટલે કે, ‘ઍમેટરી’ પોએમ હતી. ‘ગઝલ’ શબ્દનો અર્થ જ થાય છે, કુંવારી છોકરીઓ જોડે પ્રેમ અને સંવનનની વાતો.

ગઝલમાં, મિલનનો નશો ગવાતો હતો, તો વળી, વિરહનું દર્દ અને પ્રેમીને દર્દમાં ય મળતું એક જુદા જ પ્રકારનું સુખ પણ ગવાતું હતું. એ પછી ગઝલમાં, સૂફીઓએ ગાયેલો આશિકમાશુકનો પ્રેમલક્ષણાભક્તિભાવ ભળ્યો. આપણે ત્યાં મરીઝ આદિ પછી ગઝલનો ચ્હૅરો નગરજીવન ભણીનો થઈ ગયો ને એમાં આધુનિકતાવાદી સંવેદનોએ જગ્યા બનાવી. આજકાલ લખાતી ગુજરાતી ગઝલમાં એવો નર્યો પ્રેમ કે એવી ખરી ભક્તિ તો ક્યાંથી હોય? એ માત્ર પાંચ શેઅરની સુવાચ્ય રચના બનીને રહી ગઈ છે.

૧૩મી સદીમાં પ્રભવેલા સૉનેટની મુખ્ય ધારા પણ પ્રેમકાવ્યોની ધારા હતી. એ ‘સિસિલિયન’ સમ્પ્રદાયના દરબારી કવિઓની સરજત હતી. સૉનેટ પણ ગાયનનો વિષય હતું છતાં દરેક સૉનેટનો પાઠ પણ થતો હતો. એ પછી ૧૪મી સદીમાં પેટ્રાર્ક આવ્યા. એમની કાવ્યસૃષ્ટિમાં, કહે છે કે ૩૭૦ સૉનેટ છે, અને તે બધાં એમણે એમની પ્રિયા લૉરાને સમ્બોધીને રચ્યાં છે. પણ કાળક્રમે, કદાચ શેક્સપીયરનાં ૧૧૪ સૉનેટને કારણે કે પ્રભાવે, સૉનેટમાં ચિન્તન ભળ્યું; જો કે ચિન્તનને લીધે પ્રેમતત્ત્વ ગાયબ થઈ ગયું, સાથોસાથ, ગાયન પણ ગૂમ થઈ ગયું.

આપણે ત્યાં ચિન્તનોર્મિ સૉનેટ્સ લખાયાં તે સારી વાત પણ કોઈ કોઈ સૉનેટરચના એ જ કારણે ઘણી બધી ક્લિષ્ટ અનુભવાય છે. પ્રેમતત્ત્વ હોય અને ગાઇ પણ શકાય એવાં સૉનેટ આપણે ત્યાં બહુ ઓછાં જડશે. કવિઓ ક્રમે ક્રમે એ બે મૂળ વાનાં વીસરી ગયા. આજે તો સૉનેટ કોઇ લખતું જ નથી, કદાચ પ્રેમ કરવાનો અને પ્રેમને ગાવાનો કોઈ કવિ પાસે સમય જ નથી રહ્યો.

જો કે, આપણા ગઝલ અને સૉનેટના કેટલા સર્જકોને મારફાડ પ્રેમનો અનુભવ થયો હશે?

આમ તો ઊર્મિકાવ્યમાં કથકના અથવા કાવ્યનાયકનાં ભાવસ્પન્દનો / વિચારકણો હળવે હળવે રજૂ થતાં હોય છે. પરન્તુ પદ ભજન કે ગઝલની પાયાની જરૂરિયાતો નથી સંતોષાતી, અને તે પર ભાવ કે વિચારનો થોડોક પણ વધારે ભાર મુકાય છે, તો એ પડી ભાંગે છે.

હું વાત કરતો હતો ઊર્મિવિષયક સમજનો, ગતાગમનો. એમાં કપલેટ પણ ઉપકારક નીવડી શકે છે. કપલેટ બે પંક્તિનાં હોય છે. દાખલા તરીકે,

‘જગની સૌ કડીઓમાં
સ્નેહની સર્વથી વડી’.

                   – સુન્દરમ્.

એ પછીના ક્રમે મૂકી શકાય : મુક્તક. દાખલા તરીકે,

‘નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી 

કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી’.

                                                  – મરીઝ.

તે પછી, ઊર્મિકેન્દ્રી સાહિત્યમાં આવે, રાસ. ગરબો. પ્રબન્ધ. ખણ્ડકાવ્ય. આખ્યાન.

કેટલાક મિત્રો પોતાને સામેથી ગઝલકાર કહેવડાવે છે, તો કેટલાક પોતાને ગીતકવિ. એ એમની સમજ પ્રમાણેની નમ્રતા કહેવાય, બાકી, તેઓ કવિ છે.

ઊર્મિકેન્દ્રી કથાઓ પણ હોઈ શકે છે. આરણ્યક, સુકેશી અને સુમેરુની કથાનું નિરૂપણ કરતી ધૂમકેતુકૃત ‘પૃથ્વી અને સ્વર્ગ’ ટૂંકીવાર્તાને હું એમ ગણી શકું. સ્નેહરશ્મિકૃત ‘સ્વર્ગ અને પૃથ્વી’-ને પણ ગણી શકાય. માધ્યમિક શાળાનાં વરસોમાં હું એ બે રચનાઓ બહુ વાંચતો. મને પ્રશ્ન થતો – સાહિત્ય આટલું બધું ગળ્યું ચટપટું અને રંગરંગીન હશે?

કોઈકે સુરેશ જોષીકૃત “છિન્નપત્ર”-ને ઊર્મિકથા કહેલી, પણ સ્વીકારાયેલું નહીં. પરન્તુ, ચુનીલાલ વ. શાહકૃત “જિગર અને અમી” કે યશોધર મહેતાકૃત “સરી જતી રેતી”-ની ગણના એમ જરૂર કરવી પડે.

કેટલીયે રોમાન્ટિક નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓ ઊર્મિકેન્દ્રી હોય છે. જગવિખ્યાત દૃષ્ટાન્તો છે, ડી. એચ. લૉરેન્સકૃત “લેડી ચૅટરલિ’ઝ લવર” અને નબાકોવકૃત “લોલિટા”. (“લોલિટા” વિશેના મારા લેખ માટે જુઓ, મારું પુસ્તક, “સાહિત્ય સાહિત્ય – 4”) જેન ઑસ્ટિનકૃત “પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ”, શાર્લોટ બ્રૉન્ટેકૃત “જેન આયર” કે ઍનિસ નિનકૃત વાર્તાસંગ્રહ “ડેલ્ટા ઑફ વીનસ” એટલાં જ જાણીતાં દૃષ્ટાન્તો છે.

આ વાત તો થઈ વિદ્વાનોએ સઘન અધ્યયનો કરીને વખાણેલી બહુપ્રશસ્ત કૃતિઓની, પરન્તુ એ વિદ્વાનો જેની સામે પણ નથી જોતા એવી હજ્જારો નવલકથાઓ એમાં નિરૂપાયેલા રોમાન્સને કારણે એટલી બધી વંચાય છે કે ન પૂછો વાત. એક વાર હું અમેરિકાના અમારા શ્હૅરની પબ્લિક લાઇબ્રેરીમાં ગયેલો, મને એમ કે રવીન્દ્રનાથ, તૉલ્સતોય, ચેખવ, દૉસ્તોએવસ્કી, કાફ્કા, કામૂ તો મળશે જ, પણ એમાંના એકે ય મહાનુભાવને એની એકાદ કૃતિ સાથે પણ ત્યાં જગ્યા ન્હૉતી અપાઈ ! સાહિત્યકલાના જાદુની એ બીજી છટા બે ઘડી માટે મારા મગજમાં ઊતરતી ન્હૉતી …

કોઈપણ ઊર્મિકાવ્ય કે કાવ્યમાત્ર તેનાં પાઠ તેમ જ ગાન માટે હોય છે. પદ કે ભજન રાગથી બંધાયેલું હોય તો તેનું, ગઝલ મુસલસલ કે અન્યથી હોય તો તેનું, રચના છન્દના લઘુ-ગુરુથી બંધાયેલી હોય તો તેનું, માત્રામેળથી હોય તો તેનું – સર્વનું – સાચવીને પઠન કરવું જોઈએ. મેં જોયું છે કે સારા સારા કવિઓને પણ, પોતાનાં જ કાવ્યોનાં પઠન નથી આવડતાં. ઊર્મિકાવ્યને સંગીતનું શત્રુ સમજનારા કવિઓ પણ હોય છે, પણ તેઓ ભીંત ભૂલે છે. બને કે એમને ગાતાં આવડતું ન હોય.

આપણી આવડત-અણઆવડતના ધોરણે સાહિત્યને વેતરી ન લેવાય.

= = =

(May 22, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

રાષ્ટ્રદ્રોહ : ઝાડ કાપવાનું હતું, પણ જંગલ કાપી નાખ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 May 2022

બ્રિટિશ રાજ સમયના રાષ્ટ્રદ્રોહના કાનૂન હેઠળના તમામ પેન્ડીગ કેસોની સુનાવણી પર સર્વોચ્ચ અદાલતે બુધવારે સ્ટે ફરમાવ્યો, અને તેની જોગવાઈ હેઠળ એક પણ નવી ફરિયાદ નહીં નોંધવા કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ કરી, ત્યારે પ્રશ્ન થયો કે જે મોદી સરકારના શાસનમાં જ રાષ્ટ્રદ્રોહના સૌથી વધુ કેસ નોંધાયા હોય અને જે મોદી એક સમયે તેને હટાવાના સમર્થનમાં નહોતા તેમનું અચાનક હૃદય પરિવર્તન કેમ થયું?

સર્વોચ્ચ અદાલતે એવા સમયે આ નિર્દેશ આપ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે સોમવારે નવું એફિડેવિટ દાખલ કરીને અદાલતને કહ્યું હતું કે તે ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ અંગે પુનઃવિચારણા કરવા માગે છે. ૧૮૬૦ની સાલના આ “કાળા કાયદા” વિરુદ્ધ, સર્વોચ્ચ અદાલતમાં સમય સમય પર પિટીશનો થઇ છે. લેટેસ્ટ પિટીશન વરિષ્ઠ પત્રકારો પેટ્રિસિયા મુખીમ અને અનુરાધા ભસીન, કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદી, એડિટર ગિલ્ડ ઓફ ઇન્ડિયા, કોમન કોઝ એન.જી.ઓ., ભૂતપૂર્વ મંત્રી અરુણ શૌરી, નિવૃત્ત આર્મી જનરલ એસ. જી. વોમ્બક્તકરે અને અન્ય જાણીતાં નાગરિકોએ કરી હતી.

તેમની ફરિયાદ એ હતી કે સરકાર તેના ટીકાકારો, રાજકીય વિરોધીઓ, પત્રકારોનો અવાજ બંધ કરવા માટે આ કાનૂનનો ગેરઉપયોગ કરી રહી છે. સર્વોચ્ચ અદાલત ઘણા સમયથી આ બધી પિટીશનો પર સુનાવણી કરી રહી હતી. અદાલતે તેની રુખ પણ સ્પષ્ટ કરી દીધી હતી કે તે અ બાવા-આદમના જમાનાના કાનૂનના પક્ષમાં નથી.

ગયા વર્ષે, મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર તિલકને જે કાનૂન હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હોય તેને સરકાર ૭૫ વર્ષ પછી કેમ છાવરી રહી છે? રમન્નાએ એવું પણ કહ્યું હતું કે, “આ કાનૂન સ્વતંત્રતા વિરોધી છે. આ તો એવું છે જાણે લાકડું કાપવા માટે સુથારીને કરવત આપો અને એ આખું જંગલ કાપવા લાગી જાય.”

માત્ર કાઁગ્રેસ જ નહીં, બહુમતી રાજકીય પક્ષો આ કાનૂનને દૂર કરવાના પક્ષમાં છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રવાદી પાર્ટીના વડા શરદ પવારે રાજ્યસભામાં આ કાનૂન ઉપર ચર્ચાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાનૂનનો ઉપયોગ લોકોની લોકતાંત્રિક માંગણીઓને દાબવા માટે થઇ રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર એ.જી. નૂરાનીએ ગયા વર્ષે એક લેખમાં લખ્યું હતું કે, “રાષ્ટ્રદ્રોહની મહામારી આખા દેશમાં ફેલાઈ ગઈ છે. તેણે સ્ત્રીઓ, બાળકો, વિધાર્થીઓ, શિક્ષકો કોઈને છોડ્યા નથી. માત્ર નવજાત શિશુઓ બાકાત રહી ગયાં છે.”

કેન્દ્ર સરકારનો દાવ ઊંધો પડ્યો?

કેન્દ્ર સરકારે પહેલાં આ કાનૂનનો બચાવ કર્યો હતો, પણ પછી તેનું હૃદય પરિવર્તન થયું.  જાણકાર લોકો કહે છે કે સર્વોચ્ચ અદાલતે આ કાનૂન અયોગ્યતાને લઈને મન બનાવી લીધું હતું, અને તે આ કાનૂનની સમીક્ષા કરવા માટે તેને મોટી બેંચ પાસે મોકલી ન દે તે માટે સરકારે સોમવારે અદાલતમાં એફિડેવિટ કરીને કહ્યું કે તે આ કાનૂન પર પુન:વિચારણા કરવા તૈયાર છે, ત્યાં સુધી અદાલત તેની સુનાવણી ન કરે.

આ કાનૂન સામેની એક અરજીકર્તા અને તૃણમૂલ કાઁગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાએ શબ્દો ચોર્યા વગર એક ટી.વી. ચેનલને કહ્યું હતું, “રાષ્ટ્રદ્રોહના કાનૂનની સમીક્ષા કરવાના નામે સરકાર એમાં ખેંચાય તેટલું ખેંચવા માગતી હતી. આ દિલ્હી વડી અદાલતમાં વૈવાહિક બળાત્કારના મામલા જેવું છે. આ લોકો આઠ વર્ષથી સત્તામાં છે. એમને જો સાચે જ કશું કરવું હોય તો તરત થાય તેવું છે …. હવે એમને ભાન થયું કે આ કાનૂનની સમીક્ષા સાત જજની બેંચ કરે તેવી પૂરી સંભાવના છે … એટલે તેમને ખેંચવું છે. બેઝિકલી આ એવું કહેવાય કે ‘તમે આઘા રહો, અમને જે લાગશે એ અમે કરીશું,’ અને પછી વર્ષો સુધી એના પર પલાંઠી મારીને બેસી રહે.’

પહેલી નજરે એવું લાગે છે કે સરકારનો દાવ ઊંધો પડ્યો છે. તેને હતું કે સર્વોચ્ચ અદાલત સરકારી સમીક્ષાની રાહ જોવાનું નક્કી કરીને સુનાવણી ટાળી દેશે. એવું થયું ય ખરું. અદાલતે એ સ્વીકાર્યું કે સરકાર આ કાનૂનની સમીક્ષા કરે ત્યાં સુધી તે રાહ જોશે, પણ એમાં વચ્ચે અદાલતે બે-ત્રણ નિર્દેશો ઉમેરી દીધા, જેની સરકારને અપેક્ષા નહોતી; સરકાર સમીક્ષા કરે ત્યાં સુધી આ કાનૂનની જોગવાઈઓ સ્થગિત રહેશે. મતલબ ન તો તેના પર અદાલતોમાં કામ ચાલશે કે ન તો પોલીસ નવી ફરિયાદો નોંધશે. જે લોકો જેલોમાં બંધ છે અથવા જેમના પર ફરિયાદો થયેલી છે તેઓ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકશે અને કોર્ટો ઝડપથી તેનો ફેંસલો કરશે.

કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતના આ નિર્ણયનો વિરોધ પણ કર્યો અને કહ્યું કે નોંધનીય ગુના(કોગ્નિઝેબલ ઓફેન્સ)માં કાનૂન સ્થગિત કરવો એ બરાબર નથી. અદાલતે આ દલીલ ફગાવી દેતાં કહ્યું કે સેક્શન ૧૨૪-એના વ્યાપક ગેરઉપયોગને જોતાં નાગરિક સ્વતંત્રતા અને રાજ્યની સત્તા વચ્ચે સંતુલન હોવું જરૂરી છે.

રાષ્ટ્રદ્રોહના કાનૂનને સ્થગિત કરવાનું સર્વોચ્ચ અદાલતનું પગલું કેન્દ્ર સરકારને ગમ્યું નથી તેનો સંકેત કાનૂન મંત્રી કિરેન રિજ્જુની પહેલી પ્રતિક્રિયા પરથી મળે છે. બુધવારે સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ આવ્યો તે પછી કાનૂન મંત્રીએ દિલ્હીમાં પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, “અમે અમારા મત એકદમ સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા અને કોર્ટને આપણા પી.એમ.(નરેન્દ્ર મોદી)ના ઈરાદાની પણ જાણ કરી હતી. અમે કોર્ટનું અને તેની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ, પણ એક લક્ષ્મણ રેખા હોય છે, જેનું રાજ્યનાં તમામ અંગોએ માન જાળવવું જોઈએ. અમે એકબીજાનું સન્માન કરીએ છીએ, કોર્ટે સરકારનું, વિધાનમંડળનું સન્માન કરવું જોઈએ અને સરકારે કોર્ટનું. આપણે ત્યાં મર્યાદા રેખાઓ સ્પષ્ટ દોરાયેલી છે અને એ લક્ષ્મણ રેખાનું કોઈએ ઉલ્લંઘન કરવું ન જોઈએ.”

અદાલતે પોતાની જ લક્ષ્મણ રેખા તોડી છે

મજાની વાત એ છે કે રાષ્ટ્રદ્રોહના કાનૂનનો સૌથી વધુ ગેરઉપયોગ કરવાનો આરોપ વર્તમાન સરકાર પર જ લાગે છે. 2014 પછી, 405 લોકો સામે રાજકારણીઓ અને સરકારોની ટીકા બદલ રાષ્ટ્રદ્રોહના કેસ થયા છે, જેમાં 149 લોકોએ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની “અસભ્ય” ટીકા કરી હતી.

ખાલી ૨૦૧૬ અને ૨૦૧૯ વચ્ચે, સેક્શન ૧૨૪-એ હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યામાં ૧૬૦ ટકાનો વધારો થયો હતો, પણ એમાં સજા થવાનો દર ઘટીને 3 ટકા થઇ ગયો હતો. એનો અર્થ એ થયો કે મોટા ભાગના કેસ એટલા ફર્જી હતા કે કોર્ટોમાં ટકી શક્ય નહોતા. એક કેસમાં તો અલ્હાબાદ વડી અદાલતે રાજ્યને અને પોલીસને સંભળાવ્યું હતું કે, “ભારતની એકતા વાંસના સાંઠાની બનેલી નથી કે ઠાલા નારાઓના પવનથી વળી જાય. આપણા દેશના પાયાઓ ઘણા નક્કર છે.”

રાષ્ટ્રદ્રોહનો કાનૂન આ પાયાઓનું રક્ષણ નથી કરતો, તેને ઢીલા કરે છે. સવાલો કરવા અને ટીકાઓ કરવી એ લોકશાહીનો પ્રાણ છે. એના માટે તમે લોકોને જેલમાં બંધ કરી દો તો તે લોકશાહીનું રક્ષણ ન કહેવાય. કાનૂન મંત્રીને જ ખોટું લાગ્યું હોય તો એ અકારણ જ છે. લોકોને કદાચ ખયાલ નહીં હોય કે પંડિત જવાહરલાલ નહેરુ આ જરીપુરાણા કાયદાને કાઢવા માંગતા હતા, પણ સર્વોચ્ચ અદાલતે જ આ કાનૂનને પીનલ કોડમાં રાખ્યો હતો. હવે, એ જ સર્વોચ્ચ અદાલતે તેનું પાપ ધોવાનું કામ કર્યું છે.

ડિસેમ્બર ૧૯૪૮માં, બંધારણીય સભા સમક્ષ આ મુદ્દો આવ્યો ત્યારે, અત્યંત તેજસ્વી વકીલ કનૈયાલાલ મુન્શીએ એક સુધારો પેશ કરીને બંધારણના ડ્રાફ્ટમાંથી “રાષ્ટ્રદ્રોહ” શબ્દ હટાવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રદ્રોહ શબ્દના બહુ બધા અર્થ થાય છે. જેમ કે દોઢસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં મિટિંગ કરવી કે સરઘસ કાઢવું રાષ્ટ્રદ્રોહ કહેવાતો હતો.

મે ૧૯૫૧માં, નહેરુએ સંસદમાં કહ્યું હતું, “ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ મારી દૃષ્ટિએ બહુ વાંધાજનક અને ભૂંડી છે અને આપણે જે પણ કાનૂન પસાર કરીએ તેમાં તેનું કોઈ સ્થાન હોવું ન જોઈએ. આપણે તેને વહેલી તકે કાઢીએ તો સારું.” ૧૯૫૦માં, રોમેશ થાપરના ક્રોસરોડ મેગેઝીન સામેના કેસમાં સર્વોચ્ચ અદાલતે “રાષ્ટ્રદ્રોહ” શબ્દ દૂર કરાવ્યો હતો.

પરંતુ ૧૯૬૨માં, બિહારની ફોરવર્ડ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય કેદારનાથે તેમના એક ભાષણમાં, સી.આઈ.ડી. વિભાગના અધિકારીઓને “કૂતરા” અને કાઁગ્રેસના નેતાઓને “ગુંડા” ગણાવીને કહ્યું કે કામદારોને ક્રાંતિ મૂડીવાદીઓ, જમીનદારો અને કાઁગ્રેસીઓને ભસ્મીભૂત કરી નાખશે ત્યારે તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો હતો અને તેમને એક વર્ષની સજા થઇ હતી.

કેદારનાથના કેસમાં અદાલતના ફેંસલા પછી, ભારતમાં રાજકીય વિરોધીઓને પાઠ ભણાવવા માટે દરેક સરકારો છૂટથી રાષ્ટ્રદ્રોહના કેસ નોંધતી થઇ ગઈ હતી. આપણે ત્યાં કાનૂનો બનાવતી વખતે કે તેનો ઉપયોગ કરતી વખતે મગજનો ઉપયોગ કરવામાં નથી આવતો એવા આક્ષેપની સાબિતી રાષ્ટ્રદ્રોહનો આ કાનૂન છે.

ભારતમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનનો ઉપયોગ વિરોધીઓને ઠેકાણે પાડવા થઇ રહ્યો હતો ત્યારે, ૧૯૭૭માં બ્રિટનના લો કમિશને તેના પીનલ કોડમાંથી આ કાનૂનને રદ્દ કરવા ભલામણ કરી હતી. એ પછી બ્રિટનમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનને લઈને સાર્વજનિક ચર્ચા શરૂ થઇ, અને તેના પરિણામે 2009માં બ્રિટને આ કાનૂન નાબૂદ કર્યો હતો. તે વખતે, કાનૂન મંત્રી કલેર વોર્ડે કહ્યું હતું કે, “રાષ્ટ્રદ્રોહ એ જમાનાનો અપરાધ છે, જ્યારે આજની જેમ અભિવ્યક્તિની આઝાદીને અધિકાર ગણવામાં આવતી નહોતી. આજે અભિવ્યક્તિની આઝાદી લોકશાહીનો પાયાનો પથ્થર છે. આ દેશમાં આવા જરીપુરાણો અપરાધ અસ્તિત્વમાં છે એટલે જ ઘણા દેશો આ કાનૂનને સાચવીને બેઠા છે અને રાજકીય તેમ જ પ્રેસની આઝાદીને કચડવા માટે તેનો ઉપયોગ કરે છે.”

કલેર વોર્ડના મનમાં ત્યારે ભારત રમતું હશે. ભારતની સર્વોચ્ચ અદાલતે હવે તેનું પોતાનું જ “પાપ” ધોવા માટે હાથમાં ગંગા જળ લીધું છે ત્યારે, મોદી સરકારે લક્ષ્મણ રેખાની ચિંતા કર્યા વગર પોતાના તરફથી એમાં બે ટીપાં રેડવાં જોઈએ.

પ્રગટ : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 15 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ત્રણ ગીતો

"પ્રણય" જામનગરી|Poetry|21 May 2022

સામે ઊભેલ છે તે ગુલમ્હોરી ઝાડ છે કે,
તારું ગાયેલ કોઇ ગીત !
ઝીલાયું ગીત તારું પંખીના ટહુકામાં,
     કોયલને કંઠથી રેલાયું;
સચવાયું સ્મિત તારું રંગ રંગી કળીઓમાં,
     ડાળ-ડાળ જઇને ફેલાયું;
પાણીની જેમ હું તો વ્હેતો થયો છું,
કે તારી તે કેવી આ પ્રીત ! 
હોઠે આવીને બેઠું હૈયું આ સામટું,
     કે તારા તે વેણ માંહે જાદુ !
આવી વેળા માંહે સાંભરતું જન્મોનું 
     આછેરું સ્મરણ એકાʼદુ;
તૂટી પડતી જ પછી વચ્ચેથી સામટી;
એક એક જન્મોની ભીંત.

૦૪/૦૫/૧૯૯૧   

•

* આણલાં

આણલાં આવ્યા મધરાતના,
હું તો નીંદર હડસેલતીક જાગી.
પાંપણ પર આવીને બેઠાં પતંગિયાં,
     આંબાને ફૂટ્યો કલશોર;
પાંદડાને ફરકાટે વેલડિયું દોડે;
     ને ઝળુંબે છે છાતીએ મોર.
મારો અવાજ મારા સુધી ન પ્હોંચે,
કે; શરણાયું સાગમટી વાગી.
કેવડિયો કેવડિયો કેવો કેવડિયો,
     કે; આખું આકાશ મને ભેટે !
કંકુવરણી આખી કીધી છે જાણે કે;
     એના લાલમલાલ ફેંટે
– એની પાસેથી તે બીજું શું માંગુ ?
મેં માંગી, તો પ્રીત થોડી માંગી.

૨૯/૦૧/૧૯૯૦  

•     

* છોડ પ્રણયનો શાને વાવ્યો ?


વનમાં કોયલ બોલ વહે છે સઘળે મીઠાં,
પર્ણે-પર્ણે રૂપ રૂપાળાં ગાતાં દીઠાં.
પી ને કૅફ અમાપ; પવન પાગલ થઇ વ્હેતો,
મસ્તીની છોળો છલકાવી; સહુને ક્હેતો.
સહુને ક્હેતો : ‘આજ મજાની વેળા આવી;
પળ બે પળ તો જીવન લ્યો રંગીન બનાવી’.
નીરવ છે મધ્યાહ્ન; અને રાતો રણઝણતી,
સૂની સેજે રાત વહે; પળ પળ હું ગણતી.
થાકી મારી આંગળીઓ, પણ તું ના આવ્યો,
મેં ભૂંડીએ છોડ પ્રણયનો; શાને વાવ્યો ?

૦૯/૦૩/૨૦૦૧

(“અખંડ આનંદ"માં પ્રકાશિત)

Loading

...102030...1,5471,5481,5491,550...1,5601,5701,580...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved