Opinion Magazine
Number of visits: 9745558
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોવાપણાનાં ઓસાણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 May 2022

પ્રમુખીય

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં જોગાનુજોગ બે વાનાં એક સાથે બની આવ્યાં : અશોક વાજપેયી સુરેશ જોષી વ્યાખ્યાન સારુ વડોદરે હોવાના હતા અને વિષય પણ સોજ્જો એટલે કે એકદમ એકદમ સમસામયિક ચર્ચવાના હતા – લેખક ઔર સ્વતંત્રતા. ચિત્ત પણ રામ અમલમાં રાતુંમાતું હતું; કેમ કે કોરાના સહિતનાં કારણો ને પરિબળો સર કંઈક સ્થગિતવત્ પરિષદપ્રવૃત્તિ વર્ષા અડાલજા સાથેની મનહર મનભર સાંજની વાંસોવાંસ હવે નવઉઘાડને ઉંબરે હતી. એવામાં વડોદરા વ્યાખ્યાનના પૂર્વપ્રભાતે અશ્વિની બાપટની મુખપોથીમાં જોઉં છું તો સાર્ત્રનો નિબંધ પરચમની પેઠે લહેરાઈ રહ્યો છે, લેખકની જવાબદારી.

લેખક, પછી તે ગદ્યકાર હો કે પદ્યકાર, એનું દાયિત્વ પોતાના સમય માટે સમજ અને સંવેદનાને ધોરણે લખવાબોલવાનું તો બને જ ને. એની નિસબત સરળસોંસરીયે પ્રગટ થાય, અને સંકેતગર્ભા ધાટીએ પણ. હજુ તો પાધરું વરસે નથી થયું એ વાતને જ્યારે પારુલ ખખ્ખરે ‘શબવાહિની ગંગા’ થકી દાયિત્વનો સાક્ષાત્કાર કરાવ્યો હતો – અને ક્વચિત્ મુખર લાગે તો પણ કવિકંઠની એ કમાલની કરામત હતી કે હાન્સદાદાએ બાળમુખે જે સહજોદ્ગાર, ખરું જોતાં સત્યોદ્ગાર મૂક્યો હતો, પારુલે એની જવાબદારી ઇસુના વરસ 2021માં ‘હોય મરદ’ એને ભળાવવાપણું જોયું હતું.

સરકારે, કેમ કે તે સરકાર છે, આ રચના પ્રિન્ટ મીડિયામાં પ્રકાશ ન પામે એની ખાસી કાળજી લીધી તેમ સાંભળ્યું છે. સરકારમાત્રનાં હોર્મોન્સ ને જિન્સ જોતાં એની નવાઈ પણ ન હોય. પણ રાજ્યની સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ‘શબ્દસૃષ્ટિ’ની રાંગેથી લલકાર કીધો એ સમાનધર્મા હોઈ શકતા એક અક્ષરકર્મીને નાતે મને વરવું લાગ્યું હતું એટલું તો મારે દર્જ કરવું જ રહ્યું, જેટલું વિનય પુરસ્સર એટલું જ નિઃસંકોચ પણ.

આ રચનાના સમર્થકોમાં અકાદમી અધ્યક્ષે ‘કેન્દ્રવિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાનાં વિરોધી પરિબળો’ને જોયા, ને ‘લિટરરી નકસલો’ એવી એમના પર મહોર પણ મારી. વાચક જોશે કે અહીં ચોક્કસ સંદર્ભમાં ‘રાષ્ટ્રીય’ એ સંજ્ઞા ખપમાં લેવાઈ છે. આ સંજ્ઞાના સૂચિતાર્થ, ફલિતાર્થ, મથિતાર્થ વિશે – અભિધા, વ્યંજના, લક્ષણા કોઈ પણ છેડેથી – કશી ગેરસમજ ન રહે એવા વાચકવત્સલ અભિગમવશ એમણે ઉદ્ઘોષ પણ કીધો છે કે અકાદમી સાહિત્યની સંસ્થા છે અને તેનો હેતુ ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’નો છે. ટૂંકમાં, આ સાહિત્યસંસ્થા ચોક્કસ રાજકીય વિચારધારાને (જે રાજ્ય અને કેન્દ્રની સરકારી વિચારધારા છે, તેને) પ્રતિબદ્ધ છે. સાહિત્યની વ્યાખ્યા, સમજ અને પરખ અંતતો ગત્વા ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને આધીન છે.

તેમ છતાં, અહીં સુધી તો માનો કે સમજ્યા કે બધું બાવાહિન્દી ન્યાયે નભી ગયું; પણ ખટાકો ત્યારે બોલી ગયો જ્યારે પારુલની રચના સામે એમણે ગુજરાતી વિવેચનાના એક સર્વકાલીન સ્વરને ખડો કરવાની ચેષ્ટા કરી : “આનંદશંકર ધ્રુવે કહ્યું હતું તેમ કવિતા તો આત્માની કળા છે. ત્યાં તમામ રસોનો અંતિમ શાન્ત ભાવનો હોય છે…” આનંદશંકર મનદ્વિની પાટે આવ્યા અને એમણે ‘સુદર્શન’ સાહ્યું ત્યારે આ મતલબનું કહ્યું છે જરૂર. પણ આગળપાછળની વિગત તો કોઈ વાંચો જરી : “જે કવિતામાં ચૈતન્ય નથી અર્થાત્ જે વાચકને અમુક હકીકતની માહિતી માત્ર આપી જાય છે, પણ આત્મામાં ઊતરી જઈ અંતરનું ચલનવલન વા ચૈતન્યઘન સમત્વ ઉત્પન્ન કરી શકતી નથી, એ કવિતા જ નથી. એવી જડ કવિતા તો ભૂગોળ, તવારીખ, ‘કોષ્ટક’ના નામને જ પાત્ર છે. ‘જાનેવારી જાણજો ફેબ્રુઆરી ફરી હોય’ એ કવિતા નથી; ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ એ કવિતા છે.” (સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ શ્રેણી-3, ગુજરાત સાહિત્ય અકાદમી, 2001, પૃ. 4) અહીં ઉતાવળે કહેવાનું એટલું જ કે આનંદશંકરને અભીષ્ટ શાંતરસપર્યવસાયી રચના જેની સાથે બ્યૂગલ-નાદ જોડાયો છે તેવા જંગના બોગદામાંથીયે પસાર થતી હોઈ તો શકે.

નર્મદપંક્તિ સંભારતાં નરસિંહરાવનું એક નર્મદઅવલોકન સાંભરી આવ્યું પણ એની વાત લગીર રહીને. કાવ્યના નિકષરૂપે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ આગળ ધરાય છે તો ‘આત્માની કળા’ખ્યાત આલોચક આનંદશંકરને ‘રાષ્ટ્ર’ને મિશે પણ જરી સંભારી લઈએ તે ઠીક રહેશે. સાક્ષર ચન્દ્રશંકર પંડ્યાએ એક તબક્કે અજબગજબનો ઉપાડો લીધો હતોઃ “દલપતરામભાઈની કવિતામાં કે ગોવર્ધનભાઈના ગ્રંથોમાં જો આપણને રાષ્ટ્રભાવનાનું ચેતન જણાય નહીં તો આપણે હિંમતથી કહીશું કે એવા સાહિત્યથી આપણી ભૂખ ભાંગવાની નથી. મમ્મટની વ્યાખ્યાના ચોકઠામાં આપણું સાહિત્ય આવે કિંવા ન આવે અથવા રા. તનસુખરામભાઈની વેદાન્તની દૃષ્ટિ તેનો સ્વીકાર કરે કિંવા ન કરે, ને રા.બ. રમણભાઈ તેને કવિતા અને સાહિત્યની વર્ગણીમાં લે કે ન લે પણ આપણને તો હાલના સમયમાં રાષ્ટ્રીય ભાવના વિનાનું સાહિત્ય કેવળ નકામું છે.” (એજન, પૃ. 50) આનંદશંકર  આ સંદર્ભમાં માર્મિક પ્રશ્ન કરે છે : “… જગતના ઇતિહાસમાં કોઈ પણ સમય એવો જાણ્યામાં છે ખરો કે જેમાં રાષ્ટ્રજીવનની જ સઘળી કવિતા મંગાતી હોય અને રચાતી હોય? વળી સાહિત્યની કિંમત આંકતાં કોઈ પણ કાળ એવો જાણ્યામાં છે ખરો કે જ્યારે કાન્તના ‘વસંતવિજય’ જેવા કાવ્યને રાષ્ટ્રભાવનાને અભાવે શૂન્ય આંક આપવામાં આવ્યો હોય?” અહીં નોંધું કે આ ટિપ્પણી વખતે પહેલા વિશ્વયુદ્ધનો માહોલ છે, અને આનંદશંકર ઉમેરે છે, “ફાટતા ગોળા જેવી, ચારે તરફ વિનાશ વેરતી પણ તે સાથે જાતે પણ વિનાશ પામતી રાષ્ટ્રભાવનાની આવી ખોટી હિમાયત થતી જોઈ – અને તે આપણા જીવનને સર્વાંગસુંદર બનાવવા ઇચ્છતા સર્વતોમુખી સાક્ષરને હાથે, – એથી મને બહુ ખેદ થાય છે.” (એજન, પૃ. 52-53)

લેખકની સ્વતંત્રતા અને જવાબદારી સંબંધે ગુજરાતના વર્તમાન વિમર્શને અનુષંગે આ બધી ચર્ચા કરતે કરતે મેં સંકેત આપ્યો હતો તેમ નર્મદ વિશે નરસિંહરાવની નિરીક્ષાને સંભારવા ઇચ્છું છું. અવસર, 1915માં સુરતમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં નરસિંહરાવના અધ્યક્ષીય અભિભાષણનો છે. “સુરતનો હક સ્થાપવાને માત્ર એક નામ – મોટા અક્ષરે લખવાનું નામ – બસ છે, – નર્મદ કવિ.” આટલું કહ્યા પછી નભોદિ ‘સ્વદેશાભિમાન’ શબ્દ પહેલપ્રથમ પ્રયોજનાર નર્મદની પોતાને અભિમત વિશેષતા નિર્દેશે છે : “જે જમાનામાં કવિનો ધંધો તે ઉદરનિર્વાહનું સાધન ગણાઈ તે હીન ભાવનાની સાથે અવશ્ય જોડાયેલા કેટલા ય આત્મગૌરવવિરોધી ગુણો પ્રગટ થતા હતા, રાજ્યની સ્તુતિ, રાજ્યના અમલદારોની ખુશામત, એ હલકા ભાવોથી કવિતા બહુ બહુ વાર પ્રેરાતી હતી; સરસ્વતીને દેવીપદમાંથી ભ્રષ્ટ કરી દાસીપદ અપાતું હતું; તે જમાનામાં એ દેવીની અનન્ય ભાવથી – આત્મગૌરવના બળથી ઉત્તેજિત થઈ, દેશસેવાના ઉત્સાહથી ઊભરાઈ જઈ, આપણા ગુર્જર સાહિત્યક્ષેત્રમાં સેવા કરનાર નર એક નર્મદ જ હતો. કવિ તરીકે એનામાં ઘણી ઊનતાઓ હશે; ભલે, તે આપણો પ્રશ્ન નથી. પણ ઉપર દર્શાવેલા ગુણોથી સાહિત્યસેવાને ગૌરવને ગૂંગળાવનારા રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકનાર કવિ નર્મદાશંકર આ સુરત શહેરના ઇતિહાસમાં અસાધારણ દીપ્તિથી દીપનાર નક્ષત્ર તરીકે આપણા સાહિત્યમંડળના વ્યોમમાં ચિરકાળ સ્થિર રહેશે.” (પરિષદ-પ્રમુખોનાં ભાષણો, ભાગ પહેલો, ગુજરાતી સાહિત્ય પરિષદ, બીજી આવૃત્તિ, 1974, પૃ. 121-122)

હાડના લિબરલ આપણા આ બે પૂર્વસૂરિઓ, નરસિંહરાવ ને આનંદશંકર, એમની વાત સમજાય છે જરી? વાત આ કિસ્સામાં જો કે ખાસ કરીને આનંદશંકરની, કેમ કે એમને બચાડાને અમથા જ સાહેદીમાં સંડોવવામાં આવ્યા છે. રાષ્ટ્ર નામનો ‘અતિ’ – અને તે પણ સાહિત્યનિકષ તરીકે, એમને અક્ષરશઃ એટલે કે અક્ષરશઃ અગ્રાહ્ય છે. અને હા, નરસિંહરાવની નરવી નજરે નર્મદભૂમિકાની એ વિશેષતા સહૃદય સાહિત્યસેવીમાત્રે સમજવી રહે છે કે સાહિત્યસેવાને રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકી આપવાપણું છે.

સરકાર અને રાજદરબારથી હટી જ્યારે જનમોઝાર આવવાનું બને છે ત્યારે અક્ષરજીવન અને જાહેરજીવન વચ્ચેની સાર્થક આપલેની આ પરંપરા સર્જનાને સારુ અલબત્ત અગરાજ નથી. ફરી આનંદશંકર પાસે જઈશું જરી? 1928માં નડિયાદમાં એમના પ્રમુખપદે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી ત્યારે ચરોતરને ધન્યવાદ આપતાં એમણે ઔપચારિકતા ઓળાંડી જઈ જે કહ્યું હતું તે સંભારવું અહીં લાજિમ છે : “આ પરિષદ ધાર્યા પ્રમાણે તેમ જ ધારા પ્રમાણે વખતસર મેળવી શકાઈ નહિ તેમાં નડિયાદનો દોષ નથી; બલકે વિલંબનું કારણ જોતાં નડિયાદ આપણા અભિનંદનને પાત્ર છે. ગયા વર્ષની રેલમાં અને આ વર્ષના બારડોલી પ્રકરણમાં ચરોતરે અને એના કેન્દ્રભૂત નડિયાદે જે દેશસેવા કરી છે, એમાં ઉત્સાહ, પરાક્રમ, ધૈર્ય, સંયમ, બન્ધુસેવા આદિ ઉદાત્ત ગુણોના આવિષ્કારથી ગુજરાતના જીવનને એણે વધારે તેજસ્વી કર્યું છે, અને જે ઉપાદાનકારણથી સાહિત્ય બને છે એમાં સત્ત્વ પ્રેરી સાહિત્ય પરિષદ મેળવવી એના કરતાં જરા પણ ન્યૂન નહીં એવી સાહિત્યસેવા આ બે વર્ષથી ચરોતર બજાવી રહ્યું છે. એ સેવા માટે તેને ધન્યવાદ હો!” (એજન, પૃ. 349)

પશ્ચિમની બૌદ્ધિક પરંપરામાં દાયિત્વ અને પ્રતિબદ્ધતાના જે ખયાલો છે, આપણે ત્યાં હાલ અશોક વાજપેયી આદિ જે ધીંગી પરંપરામાં પોતપોતાની ગતિમતિરીતિએ ચાલી રહ્યા છે એની ચર્ચા થતી રહે છે, અને થશે. વાજપેયીના ભાષણનો પૂરો પાઠ (ગુજરાતી અનુવાદમાં) ‘પરબ’ વાટે સુલભ થવામાં છે. અહીં ઉતાવળે પણ પરિષદપરંપરાનો કંઈક આછોપાતળો ખયાલ આપવાની કોશિશ કરી છે … આપણને આપણા હોવાપણાનાં ઓસાણ કદાપિ ન છૂટો.

મે 1, 2022

[પ્રગટ : “પરબ”, મે 2022] 

Loading

વરસોથી !


રવીન્દ્ર પારેખ|Poetry|24 May 2022

અમે અહંકારનાં પૂતળાં છીએ


અમને જે નડે છે


તેને અમે ધ્વસ્ત કરીએ છીએ


અમે કોઈની ચામડી પહેરીને


તેને નામે


ચરી ખાઈએ છીએ


અમે ઘાસ ખાઈએ છીએ


કારણ અમે પૂતળાં છીએ


અમે કોઈનો ચહેરો પહેરીને ઊજળાં છીએ


પણ અમે કોઈનું નામ ઉજાળતાં નથી


અમે કરતાં કૈં નથી
ને કોઈને કરવાય દેતાં નથી


અમે માત્ર અહંકાર પોષીએ છીએ


અમને એમ જ છે 
કે અમારું કોઈ કૈં બગાડી શકે એમ નથી


અમારું બગાડવા અમે જ પૂરતાં છીએ


અમારું સ્મશાન અમે જ છીએ


એટલે કોઈ ફૂંકી મારે એ શક્ય જ નથી


અમે જ અમારી રાખ છીએ


અમને રાખમાં છે એટલો રસ
રંગમાં નથી


આંસુમાં છે એટલો સ્મિતમાં નથી


અમે કોઈને ખભે ઊભાં નથી


પણ ખભો બધાંને આપીએ છીએ


અમે માણસ નથી
અહંકાર છીએ


અંધકાર છીએ


અમને તમે ધ્વસ્ત કરી શકો


ખસેડી શકો


પણ તેથી ફરક નહીં પડે


બીજા અનેક ઊભાં થશે


કોણે કહ્યું કે પૂતળામાં જીવ નથી હોતો


આ શું અમે ઊભાં છીએ જ ને …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

વર્લ્ડ બૉક્સિન્ગ ચૅમ્પિયન નિખત ઝરીન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 May 2022

નિખતની સિદ્ધિનો વિચાર અત્યારના ભારતીય મુસ્લિમ સમાજની સ્થિતિ અને સ્ત્રીઓ પરની સતત હિંસાના સંદર્ભમાં પણ થવો જોઈએ.

ભારતની યુવા બૉક્સર નિખત ઝરીન તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયન બની.

પચીસ વર્ષની નિખત આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી મુસ્લિમ અને પાંચમી ભારતીય મહિલા છે.

માત્ર પંદર વર્ષની વયે જ્યુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશીપની જીતથી શરૂઆત કરનાર નિખતે ગયા દાયકામાં દેશ અને દુનિયામાં અનેક મૅચોમાં જીત મેળવી છે.

હૈદરાબાદથી પોણા બસો કિલોમીટરે આવેલા કસબા નિઝામાબાદની નિખત અને તેની સિદ્ધિ વિશે કેટલીક નોંધપાત્ર બાબતો અહીં મૂકી છે.

• નિખત રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે. પણ કુલ ચાર દીકરીઓને સારી રીતે ઉછેરનારા પ્રગતિશીલ માતાપિતાનો ત્રીજા ક્રમની નિખતને ખૂબ ટેકો છે. તેના પિતા મોહમ્મદ જમીલ પોતે ફૂટબૉલના રાજ્ય કક્ષાના ખેલાડી અને ક્રિકેટર હતા. તે કહે છે : ‘ક્યારેક સંબંધીઓ અને મિત્રો અમને કહેતાં કે છોકરીઓએ એવી રમતો ન રમવી જોઈએ એક જેમાં તેમને શૉર્ટ્સ પહેરવી પડે. પણ અમે એના સપનાંને ટેકો આપ્યો. નિખતે મેળવેલી જીત મુસ્લિમ છોકરીઓ અને તમામ છોકરીઓ માટે પ્રેરણા બનશે.’

નિખતના પિતા પંદર વર્ષ સાઉદી અરેબિયામાં હતા. પણ દીકરીનો બૉક્સિન્ગ માટેનો લગાવ જોઈને તેઓ તેમના ઘરે નિઝામાબાદ પાછા આવ્યા અને સતત દીકરીની રમતની કારકિર્દીમાં સક્રિય ધ્યાન આપતા રહ્યા.

• નિખતને પહેલેથી જ રમતગમતમાં રસ હતો. તે કંઈક ટૉમબૉય પણ હતી. ટૂંકા વાળ રાખતી તેમ જ  જિન્સ-ટી શર્ટ પહેરતી, છોકરાઓની સાથે રમ્યા કરતી. શરૂઆતમાં તે અ‍થ્લેટિક્સમાં હતી, પણ તેના માટેની કોઈ  સગવડો અને તાલીમ ન હતાં. તેના પિતા તેને રમતોની સ્પર્ધાઓ જોવા માટે લઈ જતા. ત્યારે નિખતના ધ્યાનમાં આવ્યું કે બૉક્સિન્ગની એક જ રમત એવી છે કે જેમાં ક્યારે ય કોઈ છોકરી હોતી નથી. એટલે એણે એ વિશે પિતાને પૂછ્યું. ત્યારે તેમણે જવાબ આપ્યો : ‘ના બેટા. આમ તો છોકરીઓ પણ બૉક્સિન્ગ કરી જ શકે. પણ લોકો માને છે કે છોકરીઓમાં બૉક્સિન્ગ કરવાની હિમ્મત હોતી નથી. અને એટલે તેઓ છોકરીઓને બૉક્સિન્ગની રમતમાં જવા દેતા નથી.’

નિખત કહે છે  : ‘મને આ વાત એક પડકાર લાગી, મને એમ થયું કે લોકોને એમ શા માટે લાગે છે કે છોકરીઓ આ રમતમાં ભાગ લેવા જેટલી તાકાત ધરાવતી નથી ? લાવ, હું આનો અખતરો કરું, અને મેં બૉક્સિન્ગમાં જવાનું પસંદ કર્યું. પહેલાં તો સ્ટેડિયમમાં બધા છોકરાઓની વચ્ચે હું એકલી જ છોકરી બૉક્સિન્ગ પ્રૅક્ટિસ કરતી. સામેના છોકરા પાસેથી મને માર પણ ખૂબ  પડતો.

કદાચ આજુબાજુ બધા છોકરાઓ હોય તેવા માહોલમાં પ્રૅક્ટિસ કરવાના એ દિવસોએ મારું મનોબળ વધુ મજબૂત બનાવ્યું.’

• નિખતના માતા પરવીન સુલતાના પણ હંમેશાં તેને બળ આપતાં રહે છે. જો કે બૉક્સિન્ગમાં નિખતને જ્યારે પહેલી વાર ચહેરા પર મોટી ઇજા થઈ ત્યારે તે ખૂબ ડરી ગયાં. એક છોકરા સાથેની પ્રૅક્ટિસ બાદ  નિખત જ્યારે લોહીવાળા ચહેરે અને સૂજેલી આંખે ઘરે આવી ત્યારે તેઓ ધ્રૂજવાં લાગ્યાં. તેમણે દીકરીને કહ્યું : ‘બેટા, મૈંને તુમ્હેં બૉક્સિન્ગમેં ઇસલિએ નહી ડાલા કી તેરા ફેસ ખરાબ હો જાયે. ફિર  તુઝસે કોઈ શાદી નહી કરેગા.’ નિખતે જવાબ આપ્યો : ‘અરે અમ્મી ટેન્શન નકો લો. નામ હોગા તો દુલ્હોં કી લાઇન લગ જાયેગી.’ 

• જો કે પછી પરવીન ટેવાઈ ગયાં. હવે ઇજા થાય તો તેઓ નિખતને સહેજ બરફ ઘસી નાખવાનું સહજ  રીતે કહી દે છે. નિખત કહે છે કે , ‘હવે તો મારી મા જાણે મારી કોચ બની ગઈ છે. એ અને મારા પપ્પા મારી બધી મૅચો જોવે છે, અને મૅચ પૂરી થાય એટલે મને રમત દરમિયાન થયેલી મારી ભૂલો બતાવે છે ! લોકોને હવે બૉક્સિન્ગ શું છે તેનો બરાબર ખ્યાલ આવી ગયો છે. મને ખુશી છે કે મારી મા જૂનવાણી માનસમાંથી બહાર આવી ગઈ છે.'

• નિખત 2017ના વર્ષમાં ઇજાગ્રસ્ત થઈ. તેનો જમણો ખભો ઊતરી ગયો. એક તબક્કે તો એવું થયું કે તે ક્યારે ય રમી નહીં શકે પણ દૃઢ નિશ્ચયથી તેણે સારવાર લીધી. એક આખું વર્ષ એમાં ગયું, પણ તે એમાંથી બહાર આવીને ફરીથી રમતી થઈ.

• ભારતની બૉક્સિન્ગ ચૅમ્પિયન મેરી કૉમ નિખતની રોલ મૉડેલ છે. જો કે પોતાની ઊપર સતત  ઝળુંબતા મેરી કોમના પડછાયાથી યુવાન નિખતે અજંપો પણ અનુભવ્યો છે. ટોકિયો ઑલિમ્પિક્સમાં તેની પસંદગી થવાની છે તેની જાણ થતાં નિખતે સત્તાવાળાઓને પત્ર લખીને મેરી કૉમ સાથે મૅચ રમવા માટેની માગણી કરી. મેરી કૉમને આવી મૅચ રમવા માટે ખચકાટ હતો. નિખતની આ પ્રકારની માગણીને કારણે રમતજગતમાં ખાસી હલચલ મચી. એ મૅચ રમાઈ, તેમાં નિખત હારી. નિખતે મેરીને જીત માટે વિશ કરવા હાથ લંબાવ્યો. પણ મેરીએ તેને પ્રતિભાવ ન આપ્યો. જો કે હવે નિખત પેરિસ ઑલિમ્પિકના ધ્યેયથી તૈયારી કરી  રહી  છે. તેના માટે  તેને અત્યારની  52 કિલોગ્રામની  કૅટેગરીમાંથી 54 કિલોગ્રામની કૅટેગરીમાં પ્રવેશવું પડશે.

• સલમાન ખાનની ચાહક નિખત પોતાની પર બાયોપિક બને તો હિરોઇન તરીકે આલિયા ભટ્ટ હોય એમ ઇચ્છે છે ‘કારણ કે મને ખંજન છે અને એને પણ છે.’

• અત્યારે ચૅમ્પિયનશીપ ઉપરાંતનો નિખતનો બીજો આનંદ છે ‘ટ્વિટર પર ટ્રેન્ડ થવાનું મારું સપનું સાકાર થયું.’

• નિખત માને છે કે હિજાબ પહેરવો કે નહીં તે દરેકની સગવડ અને પસંદગીની બાબત છે. તે કહે છે : ‘મને વેસ્ટ અને શૉર્ટસમાં બૉક્સિન્ગ કરવી ગમે છે એટલે હું કરું છું. હું હિજાબ પહેરું તે માટે મારી પર  કોઈ દબાણ નથી કરી રહ્યું. એ દરેકની પસંદગીનો મામલો છે અને એ બાબતને આપણે માન આપવું જોઈએ.’

• સોમવારના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને The Meaning of Nikhat Zareen in Today’s Indiaમાં સિદ્ધાર્થ સક્સેના લખે છે કે નિખતે પુરુષપ્રધાન માનસને તો ધક્કો માર્યો જ છે, સાથે તેની હિમ્મત યુવા મુસ્લિમ વર્ગ માટે આશાનો સંદેશ પણ લઈને આવે છે.’

‘ટાઇમ્સ’નો આ લેખ નિખતની સિદ્ધિને અત્યારના ભારતમાં મુસ્લિમોની અત્યંત જોખમકારક પરિસ્થિતિના દૃષ્ટિકોણથી મૂલવે છે. ગયા શનિ-રવિએ નિખત જ્યારે ચૅનલ્સ અને પોર્ટલ્સને  ઇન્ટર્વ્યૂઝ આપી રહી હતી ત્યારે મધ્ય પ્રદેશમાં એક માણસની મુસ્લિમ હોવાના શક પરથી હત્યા કરવામાં આવી.

ત્રણ વર્ષ પૂર્વે નિખતે કહેલી વાત લેખકે ટાંકી છે : ‘જો મારા ખુદાએ મને રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં મોકલી, તો પછી એ જ ખુદાએ મને છોકરાઓ સામે ડર્યા વિના ઝીક લેવાની જિદ પણ આપી, જેમાંથી આખરે મને સમજાયું કે મારી ટૅલેન્ટ, આંતરિક શક્તિ બૉક્સિન્ગમાં છે. હવે બધું બરાબર બેસે છે ને ?’

સૌજન્ય  : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, 20, 22, 23 મે 2022

https://indianexpress.com/article/idea-exchange/nikhat-zareen-world-champion-boxing-india-olympics-7930972/?fbclid=IwAR1BqRDCtLf0EM4xUThzHCamdydwlNDT-eCpvQv-oa81Z_Wr0587nwk1CWA

24 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5441,5451,5461,547...1,5501,5601,570...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved